શ્રીરામકૃષ્ણદેવની ૧૭૫મી જન્મજયંતી પ્રસંગે શ્રી સારદા મઠ, દક્ષિણેશ્વર, કોલકાતાના સૌજન્યથી તેમના અંગ્રેજી અર્ધવાર્ષિક સામયિક ‘સંવિત’ના માર્ચ ૨૦૧૦ના અંકમાં પ્રસિદ્ધ થયેલ પ્રવ્રાજિકા પ્રબુદ્ધપ્રાણાના અંગ્રેજી લેખનો શ્રી વાલ્મીકભાઈ દેસાઈએ કરેલો ગુજરાતી અનુવાદ વાચકો સમક્ષ પ્રસ્તુત છે. – સં

* શ્રીમા સારદાદેવીનાં માતુશ્રી અને શ્રીરામકૃષ્ણદેવનાં સાસુ શ્રી શ્યામાસુંદરીદેવી હતાં.

 ભલે અવતાર હોય છતાં પણ એમને સાસુ હોય છે. પરંતુ શ્રીરામકૃષ્ણની બાબતમાં આપણે જેને સાસુઓનો ત્રાસ કહીએ છીએ એવું કશું ન હતું. તેમ છતાં પણ શ્રીરામકૃષ્ણનાં સાસુને તો જમાઈનો ત્રાસ હતો!? શ્રીરામકૃષ્ણ પ્રત્યે શ્યામાસુંદરીની સ્નેહપૂર્ણ દૃષ્ટિ હતી. શ્રીરામકૃષ્ણ પણ તેમના તરફ ખૂબ માનથી જોતા; પરંતુ એમને ચિઢવતા પણ ખરા. તેઓ લગભગ જમાઈ શ્રીરામકૃષ્ણ જેટલી ઉંમરનાં હતાં. શ્રીરામકૃષ્ણ રસિક, આનંદમય અને રસમય હતા, પોતાનાથી મોટાં હોય કે નાનાં હોય, સર્વદા બધાંની સાથે એ જ પ્રમાણે વર્તતા હતા.

શ્રીરામકૃષ્ણ પ્રત્યે શ્યામાસુંદરીની સૌથી પહેલી છાપ એવી હતી જેથી કોઈ પણ સાસુને એ માટે ગૌરવ થાય. લગ્નના દિવસે તેઓશ્રી એક રેશમી ધોતિયું પહેરીને તથા ચાદર ઓઢીને જ જયરામવાટી આવ્યા હતા. તેઓશ્રી ઊંચા હતા અને આકર્ષક લાગતા હતા. એમનું રૂપ ખૂબસુરત અને દીપ્તિમાન હતું, તથા તેઓનાં નેત્રો શ્રદ્ધાથી છલકતાં હતાં. કોઈ પણ માણસ એમની આંખોથી પોતાને દૂર કરી શકતું નહિ.

ઉદાહરણ તરીકે લગ્નની રાત્રે જ્યારે તેમની છેડાછેડી સળગી ગઈ અને સૌ કોઈ એ ઘટનાથી અસ્વસ્થ થઈ ગયાં હતાં ત્યારે તેઓશ્રીએ એક ગીત ગાઈને બધાંનું ધ્યાન તે પ્રસંગ ઉપરથી બીજે હટાવી દીધું. ત્યારબાદ તમે સૌ જાણો છો એવી પરંપરા મુજબ કેટલાંક બાળસખાનો એક સમુહ ત્યાં રોકાઈ ગયો. તેમણે મજાક-મશ્કરી કરી કરીને વર અને વધુને પજવવા અનેક પ્રયત્નો કર્યા છતાં શ્રીરામકૃષ્ણ પાસેથી તેઓ કોઈ પણ પ્રકારની પ્રતિક્રિયા અથવા તો કટાક્ષયુક્ત ઉત્તર મેળવવામાં સંપૂર્ણ નિષ્ફળ રહ્યાં. તેઓશ્રીએ તેમની હસી-મજાકમાં તલભાર પણ ભાગ લીધો નહિ. તેમજ તે હસીમજાકનો આનંદ લીધો નહિ. આમ તેમના બધા પ્રયત્નોમાં હતાશા મળવાથી તેમનો ઉમંગ ગાયબ થઈ ગયો અને ત્યાંથી જતાં રહ્યાં.

પરંતુ શ્રીરામકૃષ્ણ માત્ર ભિન્ન પ્રકૃતિના હતા, એટલું જ પર્યાપ્ત ન હતું. શ્યામાસુંદરીને કષ્ટ દેવામાં તો કારણભૂત બનતા પરંતુ ઘણી વાર તેઓ તેમને પુષ્કળ ગભરાવી મૂકતા. સૌને ખબર છે કે શ્રીરામકૃષ્ણનો જન્મ કામારપુકુર નામના ગામડામાં થયો હતો, જે જયરામવાટીથી બહુ દૂર ન હતું. તેમનાં સગાં સંબંધીઓને મળવા માટે તઓ ઘણીવાર શિહોર જતા હતા અને કામારપુકુરથી શિહોર જતો રસ્તો તેમના સસરાના ગામ જયરામવાટી થઈને જતો હતો. જ્યારે જ્યારે તેઓ શિહોર જતા ત્યારે ગામના લોકો હંમેશાં તેમને વધારે વખત રોકાણ કરવા કહેતા. હસીમજાક કરીને અને વાર્તાઓ સંભળાવીને તેઓશ્રી તે લોકોનું ખૂબ મનોરંજન કરતા. માત્ર મનોવિનોદ માટે સ્ત્રીઓને ચિઢવવાનું તથા તેમને વિચલિત કરવાનું તેમને ગમતું. ઘણીવાર તેઓ સ્ત્રીઓની સાથે એટલી બધી મજાક કરીને હસાવતા કે તે બધાં હસી હસીને બેવડ વળી જતાં. પછી તે બધાંને અસ્વસ્થ કરાવી મૂકે તેવી મજાક પણ ક્યારેક કરતા અને એ સાંભળીને તે બધી ખૂબ લજ્જા અને શરમની મારી લાલ લાલ થઈ જતી અને ત્યાંથી નાસી જતી. જેવી તે બધી તેમની પાસેથી ભાગી જતી ત્યારે તેઓ ઘણીવાર સુધી ખુશી થતાં થતાં મંદ મંદ હાસ્ય કરતા રહેતા.

એક દિવસે શ્રીરામકૃષ્ણે શ્યામાસુંદરીને તેમના ઘરની બહાર સંપૂર્ણપણે ખીલેલ પુષ્પોથી ભરપૂર, સરગવાના વૃક્ષ નીચે બેઠેલાં જોયાં. એમણે તો મજાકમાં તરત જ એક ગીતની રચના કરી દીધી કે એમને આ વૃક્ષ નીચે બેઠેલાં જોઈને એ વૃક્ષ ઉપરથી કેટલાંક પુષ્પો ચૂંટીને એમના કાન પાછળ કેટલાંક પુષ્પો મૂકીને એમને શણગાર કરું, વગેરે વગેરે. આ સાંભળીને શ્યામાસુંદરીએ એમને હસતાં હસતાં ઠપકો આપ્યો કે તેઓ તો એમનાં માતુશ્રી સમાન છે અને આ પ્રકારનું વર્તન જમાઈ માટે શોભારૂપ નથી. આવી છૂટ લેવાનો કશો અધિકાર નથી. આના પ્રત્યુત્તરમાં શ્રીરામકૃષ્ણે ધૃષ્ટતાપૂર્વક જવાબ આપ્યો કે, ‘શું તમારી પીઠ ઉપર લખ્યું છે કે તમે મારાં સાસુ છો?’ શ્યામાસુંદરીએ સાડીના છેડા વડે પોતાનો ચહેરો સંતાડી દીધો અને તત્કાલ એ સ્થાન છોડીને ચાલ્યાં ગયાં.

કેટલીકવાર જ્યારે શ્રીરામકૃષ્ણ તેમના સસરાને ઘરે જતા હતા ત્યારે એ લોકો કીર્તનનું આયોજન કરતા. અવારનવાર તેઓશ્રી ઊંડી આધ્યાત્મિક સમાધિમાં લીન થઈ જતા. એકવાર શ્યામાસુંદરીની એક પુત્રવધૂએ તેમને ઓરડાના એક ખૂણામાં દિગંબર અવસ્થામાં તથા બેભાન પરિસ્થિતિમાં જોયા. શ્યામાસુંદરીને આથી કેવો આઘાત લાગ્યો હશે એની કલ્પના તો કરી જુઓ. શ્યામાસુંદરીના પરિવારનાં લોકો તથા પાસપાડોશીઓ તેઓશ્રીની આવી હર્ષોન્માદની મનોદશાને સમજી શક્યાં નહિ. એકવાર તેમને ઘરે ઘણી બધી સ્ત્રીઓ એકઠી થઈ હતી. દરેક સ્ત્રી સાક્ષાત્‌ મા કાલીનું સ્વરૂપ છે ઇત્યાદિ કહીને તેમણે પુષ્પો તથા ચંદન વડે તે બધાંનાં ચરણોની પૂજા કરી. તે બધી તો ખૂબ શરમિંદી બની ગઈ તથા વિચલિત થઈ ગઈ અને ભયની મારી ત્યાંથી નાસી ગઈ. બીજી એક વખતે આ સ્ત્રીઓ મનસાદેવી માટે પ્રસાદ લઈને જતી હતી તે સમયે શ્રીરામકૃષ્ણ તેમને જોઈને મનસાદેવી વિશે ગીત ગાવા માંડ્યા. મનસાદેવી સાથે પોતાનું તાદાત્મ્ય સાધીને તેમણે સ્ત્રીઓ જે બધા પ્રસાદ ધરાવવા માટે લાવી હતી તે બધો જ આરોગવાનું શરૂ કર્યું. તેમનું આવું વર્તન જોઈને તે બધી આશ્ચર્યચકિત થઈને ઊભી જ રહી ગઈ. એમના જમાઈને એ સ્ત્રીઓ મુકરજીના પાગલ જમાઈ તરીકે ગણતી હતી તે બધી વાતો બીચારી શ્યામાસુંદરીને સાંભળવી પડતી.

શ્યામાસુંદરી એમના જમાઈની ખૂબ સરસ કાળજી રાખતાં હતાં. એક વખત ગામડેથી આવેલી એક સ્ત્રીએ શ્રીરામકૃષ્ણને અનેક ફૂલોથી ભરપૂર એક મોટો હાર આપ્યો. જ્યારે એમણે એ હાર પહેર્યો ત્યારે તેમને એક ગીત ગાવાની પ્રેરણા થઈ અને ગાતાં ગાતાં તેઓ એટલા બધા ભાવાવેશમાં આવી ગયા કે તેમને સમાધિ લાગી ગઈ. એમની એ ભાવસમાધિ પૂરા ચૌદ કલાકે સમાપ્ત થઈ. આ ઘટના બાદ જ્યારે શ્રીરામકૃષ્ણ એમને ત્યાં હોય ત્યારે તેઓ કોઈને પણ ઘરની અંદર આવવા દેતાં નહિ. શ્રીરામકૃષ્ણને પણ તેમના પ્રત્યે અપાર આદરની લાગણી હતી. શ્યામાસુંદરી કામારપુકુર ગયાં હતાં તે સમયની એક ઘટનાનું વર્ણન કરતાં શ્રીમા સારદાદેવીએ કહ્યું છે: ‘જ્યારે તેઓ કામારપુકુર ગયાં ત્યારે શ્રીરામકૃષ્ણે તેમની કેટલી બધી કાળજી રાખી હતી અને અપાર અનુરાગ દર્શાવ્યો હતો. તેઓશ્રીએ સૌને માટે અથાણું બનાવી આપવાની પણ તેમને વિનંતી કરી હતી.’

જ્યારે અન્ય લોકો અફવા ફેલાવતા હતા તે સમયે તેમની સાસુ શ્યામાસુંદરીએ પણ સાચું માની લીધું કે શ્રીરામકૃષ્ણ તેમની દક્ષિણેશ્વરની કઠોર આધ્યાત્મિક સાધનાઓ દરમિયાન પાગલ થઈ ગયા હતા; તેથી શ્યામાસુંદરીએ પણ ખૂબ પીડા અનુભવી હતી. તેઓ એવું વિચારવા લાગ્યાં કે તેમની પુત્રીને હવે કોઈ સંતાન થશે નહિ અને તેઓ પોતે પણ એનાં પૌત્ર-પૌત્રીઓ માટે વિશિષ્ટ વાનગીઓ બનાવી આપવાની તથા તે બધાંને વસ્ત્રો અને રમકડાં આપવાની પ્રસન્નતાથી વંચિત રહી જશે. ‘મા’ના સંબોધનથી થતી આનંદ-ઉલ્લાસની અનુભૂતિ તેમની પુત્રી માણી શકશે નહિ. શ્રીરામકૃષ્ણે તેમને એમ કહીને આશ્વાસન આપ્યું કે ‘હે મા! તમે એ બાબતની જરા પણ ચિંતા કરશો નહિ. તમારી પુત્રીને તો એટલાં બધાં બાળકો હશે કે ‘મા, મા’ કહીને તેમને સતત પોકાર કરતાં બાળકોના અવાજો સાંભળીને તેમના કાન પાકી જશે.’ ઘણાં વર્ષો બાદ તેમણે જોયું કે તેમની પુત્રીને વિશ્વનાં તમામ તવંગર તથા ગરીબ લોકો જેઓ તેમને મા તરીકે ગણતાં હતાં. તેમનાં દ્વારા તેઓ દેવી તરીકે પૂજાતાં હતાં. શ્રીરામકૃષ્ણની ભવિષ્યવાણી કેવી અક્ષરશ: સાચી પડી!

૧૮૭૩માં જ્યારે શ્રીમા સારદાદેવી દક્ષિણેશ્વરમાં હતાં ત્યારે ફલહારિણી કાલીપૂજાની રાત્રે શ્રીરામકૃષ્ણે શ્રીમા સારદાદેવીની ત્રિપુરાસુંદરીદેવી તરીકે પૂજા કરી. જ્યારે પૂજા સમાપ્ત થઈ ગઈ ત્યારે એમણે શ્રીરામકૃષ્ણને પૂછ્યું: ‘મને નૈવેદ્ય તરીકે અર્પણ થયેલી હાથની બંગડીઓ, સાડી અને અન્ય ચીજોનું તેમણે શું કરવું.’ ત્યારે શ્રીરામકૃષ્ણે કહ્યું: ‘ભલે તમે એ બધી ચીજવસ્તુઓ તમારાં માતુશ્રીને આપી શકો છો, તેમને તે બધું આપતી વખતે એવું વિચારશો નહિ કે તેઓ એક માનવ શરીરધારી છે, પરંતુ તેઓશ્રી વિશ્વના તમામ લોકોના ‘મા’ છે એ બાબતને ધ્યાનમાં રાખશો.’ એટલે જ શ્રી સારદાદેવી એમનાં માતુશ્રીને સર્વવ્યાપી ‘મા’ સ્વરૂપે જ જોતાં હતાં અને શ્રી શ્યામાસુંદરી પણ પોતાની પુત્રીને વિશ્વવ્યાપી ‘મા’ તરીકે જોતાં હતાં. એ બંનેના આવા વિરલ અને અદ્‌ભુત સંબંધને શ્રીરામકૃષ્ણે પોષ્યો હતો.

જ્યારે શ્રીશ્યામાસુંદરી વૃદ્ધાવસ્થાએ પહોંચ્યાં ત્યારે શ્રી સારદાદેવી તેમને સને ૧૯૦૪માં યાત્રા કરવા લઈ ગયાં. ઘણું કરીને તેમની વારાણસીની અને અન્ય પાવન સ્થળોની મુલાકાત દરમિયાન શ્રીશ્યામાસુંદરીએ ફરિયાદ કરી કે જો શ્રીરામકૃષ્ણ સ્વસ્થ વ્યક્તિ હોત તો જ્યારે તેઓ યુવાન વયનાં હતાં ત્યારે જ તેમને યાત્રા કરવા લઈ ગયા હોત, અને અત્યારે જે કઠિનાઈ વેઠવી પડે છે તે વેઠવી પડી ન હોત. પોતાનાં માતુશ્રી તરફથી થયેલી ફરિયાદ તથા પોતાના પતિ વિશે અસંતોષનો ગણગણાટ સાંભળીને શ્રી સારદાદેવી ક્રોધથી લાલ લાલ થઈ ગયાં. તેઓ ઊભાં થઈ ગયાં અને ગુસ્સાથી પોતાની આંખો પૂરેપૂરી ખોલીને સખ્તાઈપૂર્વક બોલ્યાં, ‘જુઓ, હું કહું છું તે સાંભળી લો. હવે પછી ફરીથી કોઈ દિવસે એ વાતનું પુનરાવર્તન કરશો નહિ કે તેઓશ્રી પાગલ હતા. એકવાર મારા પતિના દોષદર્શન સાંભળીને મેં મારા શરીરનો ત્યાગ કરી દીધો હતો. શું ફરીવાર હું એ પ્રમાણે કરું એમ તમે જોવા માગો છો?’ (તેઓ તેમના સતિ તરીકેના અવતાર વિશે ઉલ્લેખ કરતાં હતાં) સદાસર્વદા શાંતચિત્ત એવી પ્રકૃતિની પોતાની પુત્રીનો રોષ જોઈને શ્યામાસુંદરી તો ડરી જ ગયાં. આ ઘટના પછી તેમણે શ્રીસારદાદેવીની સમક્ષ કદી પણ શ્રીરામકૃષ્ણનું દોષદર્શન કર્યું નહિ.

વારાણસીનાં મંદિરો અને પ્રતિષ્ઠિત સાધુઓનાં દર્શન કરીને યાત્રાળુઓનો સમૂહ વૃંદાવન ગયો. એક દિવસે તેઓ બધાં બાંકેબિહારીનાં દર્શને ગયાં. શ્યામાસુંદરીએ શ્રીસારદાદેવીને કહ્યું: ‘આ મૂર્તિનાં દર્શન કરીને મારા જમાઈને સમાધિ લાગી ગઈ હતી.’ જાણે કે તેઓ પોતાના જમાઈનું અભિવાદન કરી રહ્યાં હોય એ ભાવથી તેમણે દેવને આદરપૂર્વક નમસ્કાર કર્યા. શ્રી સારદાદેવીએ અવલોકન કર્યું: ‘મારાં માતુશ્રી એમના જમાઈની એક સમયે જેટલી ત્રુટિઓ દર્શાવતાં હતાં આખરે હવે એટલી જ એમની પૂજા કરી રહ્યાં છે.’

શ્રીરામકૃષ્ણના શિષ્યોનું શ્યામાસુંદરી ખરેખર એક દાદીમા જેટલું જ ધ્યાન રાખતાં હતાં. અને તે બધા શિષ્યો પાસે શ્રીરામકૃષ્ણના જીવનના પ્રસંગોનું વર્ણન કરતાં કરતાં તેઓ અપાર આનંદ અનુભવતાં હતાં. તેઓ કહેતાં કે ‘હે મારા વ્હાલા શિષ્યો! તે દિવસોમાં ખરેખર બધા જ લોકો મારા જમાઈને પાગલ માનતા હતા અને મારી સમક્ષ મારી દીકરીના ભાગ્ય માટે અભિશાપ વરસાવતા હતા અને સાથે સાથે મને કઠોર શબ્દો સંભળાવતા હતા, તે સમયે તો મરવા જેવી લાગણી થતી હતી. અને આજે જુઓ, ખાનદાન પરિવારોનાં કેટલાં બધાં છોકરાં અને છોકરીઓ સારદાને દેવી માનીને તેમનાં ચરણોની પૂજા અર્ચના કરી રહ્યાં છે!’

શ્રીસારદાદેવી એમનાં માતુશ્રી માટે કહેતાં: ‘મારાં મા કેટલા બધાં દયાળુ હતાં; લોકોને કેટલા બધા પ્રેમથી ભોજન કરાવતાં હતાં અને તેઓની કેટલી બધી કાળજી રાખતાં હતાં! તેઓ કેટલાં બધાં નિર્દોષ અને નિષ્કામ હતાં! મારાં મા તો સાક્ષાત્‌ લક્ષ્મી હતાં. તેઓ કહેતાં કે મારી ઘરગૃહસ્થી તો ઈશ્વર માટે અને તેમના શિષ્યો માટે જ છે.’ જાણે કે આ ઘરગૃહસ્થી તેમના અસ્તિત્વનું એક અનિવાર્ય અંગ બની ગઈ હતી. એને વ્યવસ્થિત રાખવા માટે એમણે કેટકેટલાં કષ્ટો નહિ સહન કર્યાં હોય!’

Total Views: 24

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.