પૂજા ખૂબ શાસ્ત્રીય પદ્ધતિને અનુસરે છે તેની પર ભાર દેવા માટે જ ‘વિજ્ઞાન’ શબ્દ વાપરવામાં આવ્યો છે. જે સિદ્ધાંત પર એ આધારિત છે તેનો બુદ્ધિપૂર્વકનો અભ્યાસ આપણે કરશું તો, એનું દરેક પગથિયું તર્ક પર આધારિત છે અને એનાં વિવિધ પગલાંઓ સુયોજિત ક્રમને અનુસરે છે તે જોવા મળશે. શાસ્ત્રાધારિત વિધિઓ અનુસાર પૂજા કરવામાં આવે તો તેના દ્વારા, આધ્યાત્મિક માર્ગનો પ્રવાસી સર્વોચ્ચ આધ્યાત્મિક પૂર્ણતાના પોતાના ધ્યેયને પામી શકે છે.

શ્રીરામકૃષ્ણ લીલાપ્રસંગના પોતાના યુગવર્તી ગ્રંથમાં પૂજાના શાસ્ત્રનું તત્ત્વજ્ઞાન થોડા ચોટદાર શબ્દોમાં સ્વામી શારદાનંદે સુંદર રૂપે રજૂ કર્યું છે. એમની શૈલી સૂત્રાત્મક હોવા છતાં, એના કશા ખુલાસાની જરૂર નથી તેટલી એ પારદર્શક છે. સ્વામી શારદાનંદ લખે છે કે : ‘તમે કોઈ ચોક્કસ દેવના પૂજન માટે બેસો ત્યારે, ગુંચળું વળીને બેઠેલી કુંડલિની શક્તિ શિરમાં આવેલા સહસ્રદળ પદ્‌મમાં, સહસ્રારે પહોંચી છે અને તમે અદ્વિતીય પરમાત્મ તત્ત્વ સાથે એકરૂપ થયા છો, એમ તમારે ધારવું જોઈએ. પછી તમારે ચિંતવવું જોઈએ કે તમે એ શક્તિથી ભિન્ન થયા છો અને તમે ફરી જીવરૂપ થયા છો એમ માનવું જોઈએ; અને પરમ તત્ત્વની દિવ્ય જ્યોત સાકાર બની ગઈ છે અને એણે આરાધ્ય દેવનું રૂપ લીધું છે; અને તમે પોતાની જાતમાંથી તમારા આરાધ્ય દેવનો પ્રક્ષેપ કરી તમે પૂજામાં બેઠા છો.

પૂર્વ જન્મોનાં કર્મોના પ્રવાહને શાંત કરે, જન્મમૃત્યુના ચક્રને અટકાવે અને સંપૂર્ણ સિદ્ધિ આપે છે તે પૂજા – એવી વ્યાખ્યા કુલાર્ણવ તંત્રમાં આપવામાં આવે છે. ‘સંપૂર્ણ સિદ્ધિ’નો અર્થ છે ઇચ્છિત વસ્તુની પ્રાપ્તિ – અર્થાત્‌, પૂજ્ય પ્રત્યે પૂજકનું સંપૂર્ણ આત્મસમર્પણ પૂજ્યમાં પૂજકના સ્વત્વનો સંપૂર્ણ લોપ તે પૂજાનું ઈપ્સિત ફળ છે. શ્રીરામકૃષ્ણની મહાન આધ્યાત્મિક સાધનાને અંતે એમણે કહેલી ‘ષોડસી પૂજા’નું અહીં આપણને સ્મરણ થાય છે. શ્રી શારદાદેવીમાં આદ્યાશક્તિનું આરોપણ કરીને પોતાની બાર વર્ષોની વૈવિધ્યમય અને અદ્‌ભુત આધ્યાત્મિક સાધનાઓની સમાપ્તિ શ્રીરામકૃષ્ણે કરી હતી તે દરેક વાચક જાણે છે. એ પૂજાની પરિણતિ વર્ણવતાં સ્વામી શારદાનંદ લખે છે કે : ‘પૂજક સમાધિમાં સરી પડયા, દેવી સાથે પૂર્ણ રીતે એકરૂપ થઈ ગયા અને એ દેવી પણ સમાધિમય બની ગયા હતાં.’ પૂજાના શાસ્ત્રની આ જ તો ફળશ્રુતિ છે. શ્રીરામકૃષ્ણની આ સાધના પૂજાના શાસ્ત્રને પુન:પ્રમાણિત કરે છે અને લોકોના જીવનમાં તેના કીર્તિવંત જીવનની આગાહી કરે છે.

પૂજાની બીજી એક વ્યાખ્યામાં પૂજાનો હેતુ સુષ્ટ કરવામાં આવ્યો છે,૩ ‘પૂજક અને ઈશ્વરની એકતા તે પૂજા.’ પૂજક અને પૂજ્ય વચ્ચેની એકતાની આ લાગણીનું શ્રેષ્ઠ પરિણામ આત્મોપલબ્ધિ અને બ્રહ્મોપલબ્ધિ છે. આ આદર્શની પ્રાપ્તિ માટે પૂજા અગત્યનું કદમ છે. પૂજા જેવાં સર્વ કર્મોનો શ્રેષ્ઠ હેતુ આત્મ પ્રાપ્તિ કે બ્રહ્મ પ્રાપ્તિ છે. ગીતામાં પણ આ સ્પષ્ટ દર્શાવવામાં આવ્યું છે : ‘દ્રવ્યયજ્ઞના કરતાં જ્ઞાનયજ્ઞ ચડિયાતો છે કારણ, યજ્ઞ, પૂજન આદિ સર્વ કર્મોની પરિસમાપ્તિ જ્ઞાનમાં થાય છે.’

પૂર્ણ જ્ઞાન અને બ્રહ્મ પ્રાપ્તિ વચ્ચે કશો તફાવત નથી તેમ કહેવાની જરૂર નથી. બાહ્ય અને આંતરિક એવા ભક્તિના બે પ્રકાર છે તેમ દેવી ભાગવત જણાવે છે. બાહ્ય ભક્તિના વૈદિક અને તાંત્રિક એવા બે પ્રકારો છે. સર્વગ્રાહી ભારતીય આધ્યાત્મિક વિચાર માળખામાં વૈદિક અને તાંત્રિક બંને પ્રવાહો પ્રાચીન કાળથી નિકટ રીતે ગૂંથાયેલા છે. હકીકત તરીકે, વેદોનો યજ્ઞ અને તંત્રોની પૂજાનાં અર્થઘટનો સમાન છે અને બંનેનું પ્રાથમિક ધ્યેય પણ એક જ છે. ‘પ્રાચીન કાળથી, વેદોનાં તાત્ત્વિક સત્યો અને પૂજાદિના તાંત્રિક વિધિઓ એકમેકમાં ભળી ગયેલાં છે અને આમ પરસ્પરને પૂર્ણ કરે છે – એકની મર્યાદાઓને અન્ય દૂર કરે છે… કેટલાક મંગલ પ્રસંગોએ વૈદિક અને તાંત્રિક પૂજા બેઉ આવશ્યક બને છે. વેદોનું વિશિષ્ટ પ્રદાન યજ્ઞો છે, પૂજાતંત્રોનું તેવું પ્રદાન છે. વેદો અને તંત્રો એકમેકનાં પૂરક છે.’ વેદો અને ઉપનિષદોના આધારે વૈદિક પરંપરા ઊભી થયેલી છે અને અનેક તંત્રશાસ્ત્રો પરથી તાંત્રિક પરંપરા ઉદ્‌ભવી છે.

વેદોના પરમ અધિષ્ઠાતા બ્રહ્મ અને તંત્રોની પરમ અધિષ્ઠાત્રી શક્તિ વચ્ચે કોઈ તાત્ત્વિક ભેદ નથી એમ કહેવું બિનજરૂરી છે. તાંત્રિક વિધિઓ અનુસારની પૂજા તાંત્રિક પૂજા કહેવાય છે અને વૈદિક નિયમાનુસારની પૂજા વૈદિક પૂજા કહેવાય છે.

આ સામાન્ય ભેદો ઉપરાંત પૂજા પ્રકારોમાં બીજા પણ કેટલાક ભેદો હોય છે – આધાર, નિરાધાર, નિત્ય, નૈમિત્તિક, કામ્ય, સાત્ત્વિક, રાજસિક, સ્વાભાવિક ઈ. પરંતુ, બાહ્ય અને આંતરિક : પૂજાનાં આ બે પાસાંઓ આપણી વર્તમાન વિચારણાનો વિષય છે.

બાહ્ય પૂજાને महानिर्वाणातंत्र माँ अधमाधमा કહેવામાં આવી છે; બ્રહ્મજ્ઞાનની સાધના સર્વોચ્ચ સાધના છે. પછી ધ્યાન આવે છે, ભજન-ગાન અને જપ નિમ્ન કક્ષામાં આવે છે અને બાહ્ય મૂર્તિની પૂજાને નીચામાં નીચી કક્ષાની સાધના કહેવામાં આવી છે. ‘નીચામાં નીચી’ પ્રયોગ અહીં ઉતારી પાડવા માટે નથી કરવામાં આવ્યો. ઊલટું, સાધકની યોગ્યતાને આધારે, આધ્યાત્મિક ધ્યેયે પહોંચવા માટેના માર્ગ તરીકેનો એમાં પ્રચ્છન્ન સ્વીકાર છે. આ શાસ્ત્ર વાક્યનો સાચો અર્થ યોગ્ય રીતે સમજવામાં ના આવે તો, અગાઉ અવતારિત કથનના અર્થ બાબત ગેરસમજ થવા સંભવ છે. બાહ્ય અને આંતરિક – એવાં ભક્તિનાં બે પાસાં છે. દરેકનું મૂલ્ય સરખું જ છે. બાહ્ય પૂજાના કરતાં માનસિક પૂજા ચડિયાતી છે તેમ કેટલાક લોકો ધારે છે અને તેઓ માને છે કે, ઓછા ગુણવાળા સાધકો બાહ્ય પૂજા કરે છે. આ સાચું નથી’… વાસ્તવમાં, સંપૂર્ણ પૂજા આંતરિક અને બાહ્ય બંને પ્રકારનો સમન્વય છે.

વ્યાવહારિક કે આધ્યાત્મિક કોઈ પણ રીતમાં, સાધકોની યોગ્યતામાંના ભેદોને નકારી શકાય નહીં. આધ્યાત્મિક બાબતમાં આ વધારે સારું છે. સાધકની વૃત્તિ, ગ્રહણશક્તિ અને યોગ્યતા અનુસાર સાધના માટેની સૂચનાઓ ભિન્ન ભિન્ન હોય છે. શ્રીરામકૃષ્ણ કહે છે કે, ‘પોતાની રુચિ અને પોતાના સ્વભાવ મુજબ લોકો પૂજા ભક્તિ કરે છે. પોતપોતાના પેટને રુચે તે રીતે બધાં બાળકો ખાઈ શકે તે માટે એક જ માછલીને માતા જુદી જુદી રીતે રાંધે છે.૧૦ જ્ઞાન કે બ્રહ્મપ્રાપ્તિ જ ઉત્તમ ધ્યેય હોવા છતાં, એની પ્રાપ્તિ માટેનાં સાધનો તરીકે શાસ્ત્રો એમની ભલામણ કરે છે, જેથી ભિન્ન ભિન્ન લાયકાતોવાળા સાધકોને સહાય મળી રહે. ‘સાધનાના આરંભને તબક્કે સાધક હોય ત્યારે એણે કશાંક બાહ્ય અવલંબનની સહાયની જરૂર પડે છે અને, એનો અંતરાત્મા વિશુદ્ધ થાય ત્યારે એ વધારે સૂક્ષ્મ બાબતો તરફ ગતિ કરે છે.’૧૧ આરાધનામાં એ જેટલો આગળ વધે છે તેટલો એના ચિત્તની મલિનતા દૂર થતી જાય છે. પારલૌકિક શાંતિ અને આનંદ એના હૃદયને ઘેરી લે છે… પછી એ સત્યમાં અને સત્તામાં સ્થાપિત થાય છે : એના ઉચ્ચારેલા મંત્રો જાગ્રત થાય છે – એમનામાં ચેતનાની શક્તિનું બળ પુરાય છે – અને એની મેધામાં સૂક્ષ્મ સત્યો વિકસવા લાગે છે; આ સર્વ એના જાગ્રત મંત્રોચ્ચારને કારણે થાય છે. પછી, પરમાત્માની પૂજાનું સાચું ફળ, ‘પરમ શાંતિ અને આત્મપૂર્ણતા’, એને પ્રાપ્ત થાય છે.૧૨ આ તબક્કે એ સાધકને માટે ‘પૂજા’  જેવી ભિન્ન આધ્યાત્મિક સાધનાની આવશ્યકતા રહેતી નથી. એનું સમગ્ર જીવન અવિરત પૂજા બની જાય છે. ‘હે પ્રભુ, હું જે કંઈ કરું છું તે સર્વ આપની આરાધના સિવાય કશું નથી.’૧૩ આ સહજ, સ્વાભાવિક પૂજા છે. સહજ પૂજાનો આ ભાવ શંકરાચાર્યના સૌંદર્યલહરીના એક શ્લોકમાં સુંદર રીતે વ્યક્ત થયો છે : ‘હે જગજ્જનની! મારી બોલી આપના નામનો જપ બનો, મારા હાથનું હલનચલન, આપની પૂજાની મુદ્રાઓ બનો, મારું ભ્રમણ આપની પ્રદક્ષિણા બનો, મારું ખાવાનું આપનો પ્રસાદ બનો, મારું શયન આપનાં ચરણનાં – વંદન બનો; આંખ કાન, નાક વગેરે ઈંદ્રિયો દ્વારા જે કંઈ પ્રસન્નતા હું ગ્રહણ કરું તે સર્વ મૂર્તિમંત ચેતના એવાં આપની શરણાગતિના ભાન સાથેની બધી સારી બાબતોની સ્વીકૃતિ હો, આમ મારું સર્વ કાર્ય આપની અવિરત ભક્તિ હો.’૧૪

આ જ ભાવને વ્યક્ત કરતું એક ભજન બંગાળના એક મહાન સાધક રામપ્રસાદે લખ્યું છે : ‘તું સૂવા જાય છે ત્યારે, તું માને ચરણે પડે છે એમ જાણ અને, નિદ્રા એ માના ધ્યાન સિવાય કશું નથી. તું ખાય ત્યારે, માને પ્રસાદ અર્પણ કરે છે તેમ. તું સાંભળે છે તે બધા ધ્વનિઓ દેવીના મંત્રો છે કારણ, શબ્દબ્રહ્મની મૂર્તિરૂપ કાલી કોઈ પણ ધ્વનિના ઉચ્ચારણ દ્વારા પોતાની જાતને પ્રગટ કરે છે. રામપ્રસાદ આનંદથી પોકારી ઊઠે છે; સૃષ્ટિના પ્રત્યેક કણમાં મા રહેલી છે; તું નગરમાં ભટકે ત્યારે, તું મા શ્યામાની પ્રદક્ષિણા કરે છે એમ માનજે.’

તો, બાહ્ય અને આંતરિક એમ, પૂજાના બે પ્રકારો  છે, ને સંપૂર્ણ પૂજામાં આ બેઉ સમાવિષ્ટ હોવા જોઈએ. શાસ્ત્રો કહે છે કે : ‘બાહ્ય પૂજાના પ્રત્યેક કાર્ય સાથે માનસિક પૂજા પણ હોવી જ જોઈએ.’૧૫ દેવી તરીકે જેનું પૂજન કરવામાં આવે છે તે આદ્યશક્તિ, આદ્યા કાલીના આંતરિક પૂજન માટે મહાનિર્વાણ તંત્રમાં કહેવાયું છે: ‘દેવીને હૃદયાસને ધરો, સહસ્રારમાં ઉદ્‌ભવતા અમૃત વડે માનાં ચરણ ધૂઓ અને તમારું મન અર્ધ્ય તરીકે ધરાવો. એના સ્નાન અને એના પાણી માટે એ જ અમૃત ધરાવો. માના વસ્ત્ર તરીકે આકાશતત્ત્વ ધરો અને ચંદન તરીકે ગંધતત્ત્વ ધરાવો. ચિત્તને દેવીને અર્પણ ફૂલ માનો અને પ્રાણને ધૂપ માનો. તેજને મા આગળની આરતી માનો અને અમૃતસાગરને નૈવેદ્ય માનો. અનાહત ધ્વનિ ઘંટા છે અને વાયુતત્ત્વ ચામર છે. ઈંદ્રિયોનાં સર્વ કાર્યો અને ચિત્તની ચંચળતા માની પ્રસન્નતા માટેનાં નૃત્યો છે. આપણી મનોકામનાને પૂર્ણ કરવા માટે અહીં જણાવેલાં દસ પુષ્પો માને અર્પણ કરો : અજ્ઞાનનો અભાવ, ગર્વનો અભાવ, લોભનો અભાવ, દ્વેષનો અભાવ, નિર્મોહીપણું, અનાસક્તિ, ગર્વનો અભાવ, ચિત્તની શાંતિ, ઈર્ષ્યાનો અભાવ, અલોભીપણું આ ઉપરાંત બીજાં પાંચ પુષ્પો છે; અહિંસાનું સર્વોચ્ચ પુષ્પ, ઈંદ્રિયો પર અંકુશ, દયા, સહનશીલતા અને જ્ઞાન દેવીપૂજન માટે આ પંદર દિવ્ય પુષ્પોનો ઉપયોગ કરવો જોઈએ.’૧૬

પૂજા ઇચ્છિત ફળ આપે જ, ‘પણ પૂજકમાં કશી શારીરિક ખોડ હોય કે, શ્રદ્ધા વગર અને વિધિઓનું પૂરું ધ્યાનપૂર્વક પાલન કર્યા વિના પૂજા કરવામાં આવે તો પૂજાનાં બધાં ફળ મળે નહીં. કોઈક વાર અવળું પરિણામ પણ આવે. આમ, ગમે તેટલો શ્રમ કરીને પણ પૂજા માટેનાં જરૂરી બધાં સાધનો કાળજીપૂર્વક ભેગાં કરી લેવાં જોઈએ. નિર્ધારિત પરિણામ માટે આવશ્યક બધાં કારણોને એકત્ર કરવા પ્રયત્ન કરવો જ જોઈએ.૧૭ વાંછિત ફળ પ્રાપ્ત ન થાય તો પૂજાના શાસ્ત્રનો દોષ નથી; દોષ છે પૂજા વિધિના પૂરા પાલનના અભાવનો.’ રસાયણશાસ્ત્ર ઉપર પ્રાવીણ્ય મેળવવા માટે કોઈ ત્રણ વાર નહાય, ઓછું જમે અને એકાંતે બેસી બીજમંત્ર જપે તો એના નિર્ધારિત ધ્યેયે પહોંચવાની કોઈ આશા છે ખરી?… ‘લગ્નવિધિ માટે યોગ્ય સમયે, અને બીજા નહીં પણ ચોક્કસ મંત્રો જ બોલવા જોઈએ’, એવી કહેવત છે. ‘… શ્રદ્ધા વિના, વિધિઓના યોગ્ય પાલન વિના, શુદ્ધ મંત્રોચ્ચાર વિના અને, ગોરને દક્ષિણા આપ્યા વિના, ‘મને પૂજાનું ફળ શા માટે ન મળ્યું.’ એમ કોઈ કહે તો એ કેટલું અર્થહીન થશે?’૧૮ એટલે, કોઈ ચોક્કસ પૂજા માટે જે વિધિવિધાનો નક્કી કરવામાં આવ્યાં છે તેમનો કાળજીપૂર્વક અને શ્રદ્ધાપૂર્વક અમલ થાય એ પૂરું આવશ્યક છે.

સંદર્ભસૂચિ

(૧) સ્વામી શારદાનંદ, શ્રીરામકૃષ્ણ લીલાપ્રસંગ; અનુ. – સ્વામી જગદાનંદ, ચેન્નાઈ, શ્રીરામ. મઠ ૪.૧. (૨) પૂર્વજન્માનુશમનાત્‌ જન્મ મૃત્યુ નિવારણયાત્‌ । સંપૂર્ણ ફલદાનાચ્ચ પૂજેતિ કથિતા પ્રિયે ॥ કુલાર્ણવ તંત્ર, ૧૭.૭૦ (૩) શ્રીરામકૃષ્ણ લીલાપ્રસંગ ૧.૨૦. (૪) યોગો જીવાત્માનૈરેક્યં પૂજનં સેવકેશયો: ॥ મહાનિર્વાણ તંત્ર, ૧૪.૧૨૩. (૫) ગીતા, ૪.૩૩ (૬) દેવી ભાગવતમ્‌, ૭.૩૯-૩ (૭) ડો. મહાનામવ્રત બ્રહ્મચારી, ચંડી ચિંતા (બંગાળી) પૃ.૯ (૮) મહાનિર્વાણ તંત્ર, ૧૪.૧૨૨. (૯) ચંડી ચિંતા, પૃ. ૧૨૫-૨૬. (૧૦) ધ ગોસ્પેલ ઓફ શ્રીરામકૃષ્ણ (શ્રીરામ. મઠ, ચેન્નાઈ), ૧૮૯. (૧૧) ધ કં.વ. ઓફ સ્વા. વિવેકાનંદ : (કોલકાતા : અદ્વૈત આશ્રમ) ૩ : ૧૬૨. (૧૨) બ્રહ્મર્ષિ સત્યદેવ, પૂજા તત્ત્વ (બંગાળી), પૃ. ૧૩-૧૪. (૧૩) यद्यत् कर्म करोमि तत्त्दखिलं शम्भोतवाराचनम्‌। (૧૪) શ્રી શંકરાચાર્ય કૃત સૌંદર્ય લહરી (૨૭) (૧૫) सर्वासु ब्राह्मपूजासु अन्त: पूजा विधीयते (૧૬) મહાનિર્વાણ તંત્ર (૧૭) સ્વા. શારદાનંદ, ભારતે શક્તિપૂજા (બંગાળી) પૃ.૭૬ (૧૮) એજન, પૃ. ૬-૭

Total Views: 22

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.