સર્વ વિધિઓ બાબતની શાસ્ત્રાજ્ઞાઓનો કાળજીપૂર્વક અભ્યાસ કરતાં જણાશે કે, તે દરેકની પોતાની વિશિષ્ટતા છે અને આ વિધિઓના પૂર્ણજ્ઞાન અને અર્થ સાથે કોઈ પૂજા કરે તો, પૂજાનો આનંદ વૃદ્ધિ પામશે. શાસ્ત્રોમાં કહેવાયું છે કે : ‘એક કાર્યની વિશિષ્ટતા-મહત્તાનું જ્ઞાન, એને કરવાના એક ભાગરૂપ જ છે. આ જ્ઞાન વિના, (પૂજા વ.નું) સાચું કાર્ય શકય નથી.’૧૯ આમ કર્મની અગત્યતા સમજ્યા પછી એ કરવામાં આવે તો ભક્તની ભક્તિ અને શ્રદ્ધા સ્વભાવિકપણે સુદૃઢ થાય છે. પછી એ યંત્રવત્, અને શુષ્ક વિધિ જેવું રહેતું નથી. ઉલટું, વ્યક્તિના આધ્યાત્મિક જીવનમાં એ ટેકારૂપ છે તેની પાકી ખાતરી થાય છે. વિધિનો સાચો ભાવ અને તેનું ભીતરનું સત્ય મનુષ્ય અનુભવી અને પ્રાપ્ત કરી શકે તો, ભક્ત તેની આવશ્યકતા અને અગત્ય સમજી શકે. પછી મંત્રોના સાચા અર્થો, નૈવેદ્ય ધરવું અને ન્યાસ, પ્રાણાયામ, ભૂતશુદ્ધિ, ધ્યાન આદિ પૂજાનાં વિવિધ અંગોની સાચી અગત્ય પણ તેની સમક્ષ સ્પષ્ટ થાય અને, આ સર્વનું ધ્યેય ઈશ્વર સાક્ષાત્કાર છે તેમ પોતાના હૃદયના ઊંડાણમાં એ અનુભવી શકે.

વ્યક્તિ પોતાના નિર્ધારિત ધ્યેયે પહોંચવા ચાહતી હોય તો, વિધિના જેટલી જ અગત્યતા આ મંત્રોના અર્થોની છે તે કહેવાની જરૂર નથી. અર્થોની સમજ સાથે મંત્રોનો પાઠ કરનાર વ્યક્તિ ભક્તિનું પૂર્ણ ફળ મેળવી શકે છે. ભક્ત મંત્રોનો અર્થ સમજતો હોય તો, દેવ પાસેથી એ શું માગે છે તે એ જાણે છે તેમ કહેવાની જરૂર નથી. મંત્રનો અર્થ કેટલો ગહન, વિસ્તૃત અને આકર્ષક છે તે એ ઊંડાણથી સમજતો થઈ જાય છે. મંત્રો અને ક્રિયાકાંડ બંનેનું ભાન ભક્તને હોય તે સાર્થક ભક્તિ માટે પૂરું આવશ્યક છે.

ભક્તિમાં સફળતા મેળવવા માટે, ક્રિયાકાંડના વિવિધ ભાગોને લગતા અનુભવોનો આવિષ્કાર પૂરો જરૂરી છે. આરંભથી જ, ભક્તિના આંતરિક ધ્યેયની ભાવના ભક્તમાં ઓતપ્રોત થવી જોઈએ. देवो भूत्वा देवं यजेत्‌ – એમ શાસ્ત્રાજ્ઞા પણ છે. ‘તમે જાતે દેવરૂપ છો એમ માની દેવપૂજા કરો.’ ‘જેવી ભાવના, તેવી સિદ્ધિ’-यादृशी भावना सिद्धिर्भवति तादृशी। નિત્ય ઈશ્વરનું ચિંતન કરીને ભક્ત દેવત્વ પ્રાપ્ત કરે છે.

દરેક પદાર્થ એના સાચા સ્વરૂપમાં બ્રહ્મ છે, પણ જુદાં જુદાં આચ્છાદનોને કારણે એની સાચી પ્રકૃતિ પ્રકટ થતી નથી. સાચી વસ્તુનું ધ્યાન ધરવાથી, બાહ્ય આવરણોને ભેદી શકાય છે અને સાધકનું ચિત્ત એમના સાચા તત્ત્વને પામી શકે છે. માટે જ તો, પૂજા વેળા પૂજા કરનારના ચિત્તને પોતાની મૂળ પ્રકૃતિ પર ધ્યાન કેન્દ્રિત કરવાનું કહેવામાં આવે છે. પૂજક જાતે દિવ્ય છે એટલું જ માનવા પર નહીં પરંતુ પૂજાની સર્વ સામગ્રીને પણ તેવી જ માનવા શાસ્ત્રો કહે છે. પૂજા માટે વપરાતી બધી ચીજોને દિવ્ય માનવામાં આવે તો એ સર્વ વિશુદ્ધ થઈને, લોકોની આંતરિક દિવ્યતા પણ પ્રગટવા લાગે.૨૦

ઉપરછલ્લી દૃષ્ટિએ ભક્તિ સાથે સંકલિત કેટલાક પૂજા પ્રકારો અને તેમનાં અંગો ઘણીવાર નિરુપયોગી અને અર્થહીન લાગે. પણ વિવેકપૂત વિચારથી જોતાં તે સર્વ ખરે જ અર્થગર્ભ લાગે: શુદ્ધ ચિત્ત સાથે પૂજા ખંડમાં પૂજક પ્રવેશે ત્યારથી તે અંતિમ પ્રણામ સુધીનાં બધાં જ પગથિયાં, આચમન, શુદ્ધિકરણ, ન્યાસ, દેવને ધરાતા વિવિધ પદાર્થો, સઘળું જ, આમાંનો એક પણ વિધિ નકામો કે અર્થહીન નથી. બધી જ વિધિઓ એટલી તો કાળજીપૂર્વક વિચારાઈ છે અને શાસ્ત્રીય રીતે ક્રમબદ્ધ કરવામાં આવી છે કે, એ સઘળાપૂજકને પૂજાના ઉત્તમોત્તમ ધ્યેયે લઈ જાય છે – એ ધ્યેય છે પૂજક અને પૂજ્યની એકતાનું.

જો કે આપણા આ વિષયવસ્તુની પાછળનો સામાન્ય તાત્ત્વિક સિદ્ધાંત છે અને અહીં એ બાબતમાં માત્ર શાસ્ત્રીય ભૂમિકાની થોડી વિગતવાર ચર્ચા જ ભલે હોય પણ પૂજા તે આધ્યાત્મિક સાધના છે તે લક્ષમાં સ્પષ્ટ રહેવું જ જોઈએ અને, એ સાધનામાં સફળ થવા માટે એનું પ્રત્યેક અંગ પૂર્ણ હોવું જોઈએ, તેમ જ બધા પૂજોપચારો દેવ માટે ભક્તિથી, શ્રદ્ધાથી અને પ્રેમગાંઠથી રંગાયેલા હોવા જોઈએ. આ છેલ્લે જણાવેલો ભાવનો અભિગમ પૂજાની મુખ્ય આવશ્યકતા છે. ગીતામાં કહ્યું છે કે, ‘જે કોઈ મને પત્ર, પુષ્પ, ફળ કે જળ ભક્તિથી અર્પણ કરે છે તેને, વિશુદ્ધ ચિત્તવાળા મનુષ્યની ભાવપૂર્વકની ભેટ તરીકે, હું સ્વીકારું છું.’૨૧

કોઈ વૈષ્ણવ સાધકના ગીતમાં પણ એ જ ભાવ સુંદર રીતે વ્યક્ત કરવામાં આવ્યો છે : ‘ભક્તિચંદન લગાડેલા મનરૂપી તુલસીપત્રને પ્રભુને અર્પણ કરનારને ઓસડિયા પર સુખડ ઘસવાની જરૂર નથી. માત્ર ફૂલોની ભરેલી ટોપલીથી કદી ભક્તિ શકય નથી; ફૂલોથી સૌ પૂજન કરે છે પણ મધ તો મધમાખ જ ભોગવે છે.’

આપણા ઈષ્ટદેવને ચિત્તનું તુલસીપત્ર અને ભક્તિનું ચંદન ધરવામાં જ ભક્તિની ફલશ્રુતિ રહેલી છે.

પૂજોપચારનો અર્થ જાણવો તે એ ઉપચારનો ભાગ છે અને, તેનો અર્થ જાણ્યા વિના કોઈ પૂજાવિધિ શકય નથી.૨૨ અહીં ઉપર જણાવેલા શાસ્ત્રવાકયના સંદર્ભમાં પૂજા દરમિયાન કરાતા કેટલાક પૂજોપચાર વિધિઓનું મહત્ત્વ નક્કી કરવાની કોશિશ અહીં કરવામાં આવી છે. કેટલાક સામાન્ય ઉપચાર વિધિઓના અર્થ અને હેતુઓ નીચે ટૂંકમાં જણાવવામાં આવ્યા છે.

ઉપચારોના તથા મંત્રોના, બંનેના અર્થોનો સમાવેશ અર્થજ્ઞાન શબ્દમાં થાય છે. પ્રત્યેક પૂજોપચાર વિધિનો અર્થ અને તેને લગતા મંત્રનો અર્થ પૂજકે જાણવો જ જોઈએ. વિષયમાં પ્રવેશ કરતાં પહેલાં આરંભમાં થોડાંક સામાન્ય કથનો આપણે જોઈએ. પૂજા વિષયક કોઈ પણ ઉપચારને અલગ વિચારીને જોઈશું તો, એના સાચા અર્થને ગ્રહણ કરવાનું શકય નથી. આવો ખંડિત અભ્યાસ વિકૃત સમજ ઊભી કરશે. સમગ્રતાના પરિપ્રેક્ષ્યમાં જ પૂજોપચારના પ્રત્યેક વિધિનો સાચો હેતુ સાંપડી શકે. પૂજામાંનું પ્રત્યેક વૈધિક કાર્ય આદિથી તે અંત સુધી સવિચારિત અને સુયોજિત કાર્યના અગત્યના ભાગરૂપ છે. પૂજાવિધિની દરેક શાસ્ત્રાજ્ઞાના ‘કેમ’ અને ‘શા માટે’ ચોક્કસપણે ગ્રહણ કરવાની શક્તિ સૌ પાસે હોવાનું શકય નથી. પણ આ ઉપચારોના ભીતરના અર્થને તેથી હાનિ થતી નથી. આવા કિસ્સાઓમાં, શાસ્ત્રાજ્ઞાઓને શ્રેષ્ઠ અધિકારી ગણવી જોઈએ. ગીતા કહે છે કે : ‘શાસ્ત્રવિધિઓને તજી દઈને પોતાની કામનાઓનો દોર્યો કોઈ રહે તો તે નથી તો આધ્યાત્મિક પૂર્ણતા પ્રાપ્ત કરતો, નથી સંસારસુખ પામતો કે નથી પરમ ગતિ પામતો.’૨૩

દક્ષિણેશ્વરમાં પૂજાવિધિ કરતી વેળા શ્રીરામકૃષ્ણને થયેલી અનુભૂતિઓમાંથી થોડીક ઉપર આપણે ઊડતી નજર નાખીએ. આ અનુભૂતિઓ એમના જીવનમાં જુદા જુદા સમયે આવી હોવા છતાં, અહીં આપણે તેમનો ઉલ્લેખ સાગમટે જ કરીશું :

‘અંગન્યાસ, કરન્યાસ વ., કરતી વેળા પોતે તે અક્ષરોનું જ્વલિત રંગોમાં દેહમાં દર્શન કરતા એમ ઠાકુર કહેતા. સુષુમણાથી સહસ્રાર જતી કુંડલિની શક્તિ એમને પ્રત્યક્ષ થતી. દેહના જે ભાગો છોડી એ શક્તિ ઉપર જતી તે ભાગો એમને મૃત બની ગયેલા લાગતા અને સાવ શાંત અને નિર્જીવ બની જતા. તેમજ, શાસ્ત્રાનુસાર, પોતાની ચોમેર પાણીનું પ્રોક્ષણ કરીને ‘રં’ મંત્ર બોલતા, અને પૂજાસ્થાન ફરતે ચોમેર અગ્નિની કલ્પના કરતા ત્યારે, સેંકડો અગ્નિજિહ્વાઓ વાળો ઓળંગી ન શકાય તેવો અગ્નિ પૂજાસ્થાન ફરતો અને ચોમેરથી રક્ષણ કરતો તેમને દેખાતો.’૨૪

‘(ઠાકુરે કહ્યું છે કે) સંધ્યાપૂજા કરતી વેળા શાસ્ત્ર વચનાનુસાર હું માનતો કે ભીતરનો પાપપુરુષ બળી ગયો છે. દેહ ભીતર પાપપુરુષ છે અને એ આ રીતે બળીને ખાખ થશે તે ત્યારે કોણ જાણતું હતું. સાધનાના પ્રારંભથી અંગદાહની પીડાની અનુભૂતિ થતી. ‘આ તે કયો રોગ છે?’ એમ હું વિચારતો. ધીમે ધીમે વધીને એ પીડા અસહ્ય થઈ જતી. વૈદોએ બતાવેલાં જુદાં જુદાં તેલનું મર્દન કરતો; પણ એ બળતરા જરા ય દૂર ન થતી. એક દિવસ પંચવટી નીચે બેઠો હતો ત્યારે, મેશ જેવો કાળો, લાલઘૂમ આંખોવાળો અને બિહામણા દેખાવવાળો એક પુરુષ, પીધેલો હોય તેમ લથડિયાં ખાતો (પોતાનો દેહ ચીંધી) આમાંથી બહાર નીકળ્યો અને મારી સન્મુખ ચાલવા લાગ્યો. મેં ફરી જોયું તો ગંભીર આકૃતિવાળો, ભગવાં પહેરેલો, હાથમાં ત્રિશુળ ધારણ કરતો બીજો એક પુરુષ આ જ શરીરમાંથી બહાર આવ્યો અને એણે અગાઉ પ્રગટ થયેલા પુરુષ પર જોરદાર હલ્લો કરી તેને હણી નાખ્યો, આ દર્શન પછી દેહની બળતરા થોડા સમય માટે ઘટી ગઈ. પાપપુરુષ બળી ગયો ત્યાં સુધી, છ મહિના પર્યંત, એ બળતરા મેં અનુભવી હતી.’૨૫ ‘પૂજાવખતે માતાજીને તેઓ નૈવેદ્ય ધરતા હોય ત્યારે માતાજીનાં નયનમાંથી તેજદાર કિરણ આવી ધરાવેલા બધા પદાર્થોને સ્પર્શી પાછું એ નયનમાં સમાઈ જતું એમને દેખાતું.’

આવાં કેટલાંય દૃષ્ટાંતો આપી શકાય. પણ આપણા વિષય ભણી આપણે પાછા વળીએ. સ્નાનથી શુદ્ધ થઈને અને દૈનિક પ્રાર્થના કર્યા પછી ભક્તે પૂજાખંડમાં પ્રવેશવું એ પ્રથમ સૂચના છે; પછી સાષ્ટાંગ પ્રણામ કરવાના અને ઉત્તર કે પૂર્વ તરફ મોં રાખી બેસવું.

ઉત્તર કે પૂર્વાભિમુખ બેસવાની આ સૂચના અગત્યની છે. આ સૂચનાઓ પ્રતીકરૂપે છે. સૂર્ય જ્ઞાનનું પ્રતીક છે અને એનો ઉદય પૂર્વમાં થાય છે. એટલે, પૂર્વનો વિચાર, સહજપણે, સૂર્યોદયના ભાવની પ્રેરણા આપે છે. લોહચુંબકની સોય હંમેશા ઉત્તરાભિમુખ જ રહે છે તેમ, આપણું ચિત્ત પણ ઈશ્વરાભિમુખ જ હોવું જોઈએ. ઉત્તર દિશાનો ઉલ્લેખ થતાં, મન સહજ રીતે ઈશ્વર ભણી વળવા લાગે છે. તેથી જ તો, પૂજા સમયે પૂર્વ કે ઉત્તર તરફ મુખ રાખી બેસવાની સલાહ સાધકને આપવામાં આવે છે.

સંદર્ભો :

(૧૯) મીમાંસા ન્યાયપ્રકાશ
(૨૦) ગાંધર્વ તંત્ર, ૧૩.૩-૫
(૨૧) ગીતા : ૨.૨૬
(૨૨) મીમાંસા ન્યાયપ્રકાશ.
(૨૩) ગીતા. ૧૬-૨૩
(૨૪) સ્વા. શારદાનંદ, શ્રી રામકૃષ્ણ લીલાપ્રસંગ (ચેન્નાઈ: શ્રીરામકૃષ્ણ મઠ, ૧૯૫૨) પૃ પૃ. ૧૩૨-૩૩.
(૨૫) એજન ૨.૭.૧૦, પૃ. ૧૪૮-૪૯.
(૨૬) એજન, ૨-૭.૪. પૃ. ૧૪૩.

Total Views: 67

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.