ડો. એન. બી. પાટિલે મૂળ અંગ્રેજીમાં આપેલ વ્યાખ્યાન ‘ધ એજ્યુકેશનલ રિજ્યુવિનેશન ઓફ ઈંડિયા’નો પ્રો. નલીનભાઈ આઈ. છાયાએ કરેલો ગુજરાતી અનુવાદ અહીં પ્રસ્તુત છે. – સં.

લગભગ સો થી વધુ વર્ષ પહેલાં સ્વામી વિવેકાનંદે દુનિયા માટે કપરા સમયની આગાહી કરી હતી. એમણે કહ્યું હતું કે ગમે તે ક્ષણે ભભૂકી ઊઠે એવા કોઈ જ્વાળામુખીના મુખ ઉપર આપણે ઊભા છીએ. થોડાક દાયકાઓ પછી જે યુદ્ધો થવાનાં હતાં તેનો અંદેશો તેમને આવી ગયો હતો. પછી તો ૧૯૧૪માં મહાયુદ્ધ થયું અને ચાર વર્ષ ચાલ્યું. પછીના બે દાયકામાં જ યુરોપે બીજા યુદ્ધનો સામનો કરવો પડયો અને તે વિશ્વયુદ્ધમાં પરિણમ્યું. હિરોશિમા અને નાગાસાકી ઉપરના અણુબોંબના વિસ્ફોટ સાથે ૧૯૪૫માં વિશ્વ યુદ્ધનો અંત આવ્યો. તે સમયે આઈન્સ્ટાઈનને કોઈએ પૂછેલું કે ત્રીજા વિશ્વયુદ્ધમાં કયાં હથિયારો હશે? આઈન્સ્ટાઈનનો જવાબ હતો કે ત્રીજા વિશ્વયુદ્ધનાં હથિયારો અંગે એના મનમાં નિશ્ચિતતા નહોતી, પણ ચોથા વિશ્વયુદ્ધમાં વપરાનાર હથિયારો વિષે તે ચોક્કસપણે કલ્પના કરી શકતો હતો. તે હથિયારો કાંકરાઓ અને પથ્થરાઓ હશે. તેનો કહેવાનો ભાવાર્થ એ હતો કે ત્રીજા વિશ્વયુદ્ધમાં વપરાયેલ સાધનો સંપૂર્ણ માનવ સંસ્કૃતિ અને સભ્યતાનું સંપૂર્ણ નિર્મૂલન કરશે.

છેલ્લા પાંચ દશકાઓ દરમિયાન ત્રીજું વિશ્વયુદ્ધ તો જાણે કે રોકી શકાયું છે. પણ ૧૧ સપ્ટેમ્બર ૨૦૦૧ના વર્લ્ડ ટ્રેઈડ સેન્ટર ઉપરના હુમલાથી ત્રીજા વિશ્વયુદ્ધનાં કાળાં વાદળાં ક્ષિતિજ ઉપર જમા થવા લાગ્યાં છે. આતંકવાદનો રાક્ષસ દુનિયાના એકે એક દેશને પજવવા લાગ્યો છે. વાસ્તવમાં તો કેટલાક દેશો બીજા કેટલાક દેશોમાં કાયદો અને વ્યવસ્થાને વેરવિખેર કરવા આતંકવાદને પાલકબળ પૂરું પાડે છે. ૧૩ ડિસેમ્બરના દિવસે આપણી સંસદ ઉપરનો આતંકવાદી હુમલો ખૂબ જ હીન અને તિરસ્કારયુક્ત ઘટના હતી. સાંપ્રત સમયમાં આ દૂષણને ડામવા માટે વિશ્વવ્યાપી પ્રયત્નની જરૂર છે. આ સંદર્ભે ભારતમાં અને બીજા દેશોમાં શિક્ષણનું મૂલ્યાંકન કરવાની જરૂર છે. ૧૮૯૩ની ધર્મસંસદના સમાપન સમયે સ્વામીજીએ તેમના સમાપન પ્રવચનમાં કહેલું કે ‘વિશ્વધર્મ પરિષદના સંસદના આરંભે જે ઘંટારવ થયેલો તે દરેક પ્રકારની સંકુચિતતા અને અસહિષ્ણુતાનો મૃત્યુઘંટ વાગવો જોઈએ.’ ધર્મ સંસદનાં સ્વામીજીનાં પ્રવચનોએ વૈશ્વિક ધર્મને વ્યાખ્યાયિત કરેલ જેના દ્વારા દુનિયામાં શૈલી અને સંવાદ સ્થાપી શકાય.

૧ મે ૧૮૯૭ના રોજ સ્વામીજીએ સ્થાપેલ રામકૃષ્ણ મિશન વૈશ્વિક ધર્મનો વૈશ્વિક ફેલાવો કરવાનું સ્વામીજીનું કાર્ય કરી રહ્યું છે.

સ્વામીજીના મત અનુસાર માનવીમાં રહેલા અંગભૂત પૂર્ણત્વનું પ્રકટીકરણ એટલે શિક્ષણ. સ્વામીજીએ કહ્યું છે કે જે રીતે એક નાના સરખા બીજમાં વિશાળ વૃક્ષ સમાયેલું છે, તેવી જ રીતે પૂર્ણત્વ પણ દરેક જીવમાં સમાહૃત છે. ભણાવનાર તરીકે શિક્ષકે તો આ પ્રકટીકરણને અવરોધતી આડખીલીઓને ફક્ત દૂર જ કરવાની હોય છે. જે રીતે કોઈ માળી નિંદામણ કરીને બીજને પાણી પાય છે, અને એ બીજ પોતાની મેળે વિશાળ વૃક્ષ રૂપે વિકસે છે એવી જ રીતે જ્યારે કોઈ બાળકને શિક્ષક દ્વારા તક પુરી પાડવામાં આવે છે ત્યારે તે બાળક પોતાના પૂર્ણત્વનો વિકાસ કરે છે. બાળકનું આંતરિક પૂર્ણત્વ કદાચ કેટલાંક માનસિક વલણોનાં વાદળો નીચે ઢંકાઈ ગયું હોય તેમ બને. શિક્ષકે એ સંભાળ લેવી જોઈએ જેથી કરીને આ માનસિક વલણો દૂર થાય અને મૂળ પૂર્ણત્વ પોતાની રીતે જ પ્રગટ થાય.

એક અન્ય સંદર્ભે સ્વામીજી જણાવે છે કે શિક્ષણ એ કોઈ તમારા ભેજામાં મૂકવામાં આવેલ માહિતીનો જથ્થો નથી જેનું પાચન ન થવાને લીધે આખા જીવન દરમિયાન મનમાં તોફાનો કર્યા કરે. તેઓ કહે છે, ‘આપણામાં જીવન ઘડનારા માનવ બનાવનાર અને ચારિત્ર્યને સ્વરૂપ આપનાર વિચારોનો સુમેળ હોવો જોઈએ.’ તમે માત્ર પાંચ જ વિચારોનો સુમેળ સાધો અને તમારાં જીવન અને ચારિત્ર્યમાં તેમનો અમલ કરો તો આખું પુસ્તકાલય જેણે કંઠસ્થ કર્યું હોય એવી કોઈ પણ વ્યક્તિ કરતાં તમે વધુ શિક્ષિત છો તેમ કહી શકાય. વળી તેઓ કહે છે કે જો શિક્ષણ અને માહિતી બંને એક જ હોય તો પુસ્તકાલયો સંતો બની જાય અને વિશ્વકોષો વિશ્વના મહાન ઋષિઓ કહેવાય. અત્યારના જમાનામાં જ્યારે માહિતી અને તેની ટેકનોલોજીને ઘણા પ્રમાણમાં મહત્ત્વ અપાઈ રહ્યું હોય, ત્યારે આવા વિચારો કદાચ આધુનિક સાથે બંધબેસતા ન પણ લાગે. એટલે આપણે સ્વામીજીના વિચારોને ધ્યાનપૂર્વક સમજવા પડશે અને સાંપ્રત દૃષ્ટિબિન્દુમાં તેનું મૂલ્યાંકન કરવું પડશે.

જોકે સ્વામીજીએ ઘણી જગ્યાએ કહ્યું છે કે હકીકતોનો સંગ્રહ નહીં, પણ તથ્યોને પારખી શકવાની ક્ષમતા – વિવેક-નું મહત્ત્વ વિશેષ છે. તેના દ્વારા હકીકતોનું ચયન થઈ શકે છે અને મજબૂત નિષ્કર્ષ નીકળી શકે છે.

સ્વામીજીના મત મુજબ જ્ઞાન કોઈ બહારની વસ્તુ નથી, પણ આપણા હૃદયમાં સનાતન પ્રકાશતી એવી જ્યોતિ છે. જ્ઞાન એટલે જે બીજું બધું જાણે છે તે – यद्‌ ज्ञात्वा सर्वमिदम विज्ञातम्‌ भवति। આત્મજ્ઞાનથી બીજું કોઈ વધુ સારું જ્ઞાન હોઈ શકે નહીં. શિક્ષણની આપણી બધી યોજનાઓએ આ વાત બરાબર ધ્યાનમાં રાખવાની જરૂર છે. સ્વામીજી ધ્યાનની ક્રિયા ઉપર બહુ જ ભાર મૂકતા હતા. જ્ઞાનપ્રાપ્તિ માટેનું આ બહુ જ મહત્ત્વનું સાધન છે. એકવાર આત્માનો વિકાસ થાય તો તેનો ઉપયોગ કોઈ પણ જ્ઞાન – આધ્યાત્મિક કે દુન્યવી – માટે થઈ શકે.

સ્વામીજીએ ગુરુકુળ પદ્ધતિના શિક્ષણનો આગ્રહ સેવેલો હતો. આ પદ્ધતિમાં શિક્ષણનાં વર્ષો દરમિયાન વિદ્યાર્થીઓ તેમના શિક્ષકો સાથે રહેતા હોય છે. નિવાસી શૈક્ષણિક પરિસરમાં વિદ્યાર્થીઓને તેમના શિક્ષકો સાથે હેતુપૂર્વકનો સંવાદ રચી શકવાની વધુ તક મળે છે. વર્ગખંડની બહાર તેઓ ઘણું શીખી શકે છે. વિદ્યાર્થીઓને તેમના શિક્ષકોનો વધુમાં વધુ સમય માટેનો સહવાસ મેળવવાની તક હોવી જોઈએ. આ સહવાસ પરોક્ષ શિક્ષણની ગરજ સારે છે. દેવેન્દ્રનાથ અને રવીન્દ્રનાથ ટાગોરે જ્યારે શ્રી નિકેતન અને શાંતિ નિકેતનની બોલપુર ખાતે સ્થાપના કરી ત્યારે તેમણે કદાચ સ્વામી વિવેકાનંદ પાસેથી પ્રેરણા મેળવી હોઈ શકે. આ બે સંસ્થાઓમાં એક કલા અને હુન્નરના શિક્ષણ માટેની છે. અને બીજી શૈક્ષણિક, સાંસ્કૃતિક શિક્ષણ માટેની છે. મૂળભૂત રીતે આ બધાં કૌશલ્યોમાં તાલીમ પામેલા વિદ્યાર્થીઓ સાહસિકતાના જોમને આત્મસાત્ કરી શકે છે. અને તેઓ જે ક્ષેત્રમાં કામ કરે તેમાં શ્રેષ્ઠત્વ પ્રાપ્ત કરી શકે છે.

આપણા યુવકો વિદેશોની મુલાકાત લઈ તે દૂરના દેશોથી ઘણા ઉદ્યોગો અને હુન્નરો શીખે અને તેના બદલામાં પૌર્વાત્ય જ્ઞાન અને આધ્યાત્મિક વિજ્ઞાન તેમને શીખવે એમ સ્વામીજી ભારપૂર્વક ઇચ્છતા હતા. અત્યારે મોટી સંખ્યામાં આપણા બૌદ્ધિક વિદ્યાર્થીઓ વિદેશોની મુલાકાતે માત્ર આર્થિક કમાણી વધારવા માટે જ જતા હોય છે, તે આપણે જોઈએ છીએ. આ નોંધવા લાયક ઘટનાક્રમને ‘બ્રેઈન ડે્રઈન’ કહેવાય છે. આપણા વિદ્યાર્થીઓ આપણી સંસ્કૃતિનાં મૂળ તત્ત્વોને ભાગ્યે જ સાથે લઈ જતા હોય છે. સ્વામીજી ઇચ્છતા હતા કે આ વ્યવહાર બંને તરફનો હોવો જોઈએ. આપણે ધ્યાન રાખવું જોઈએ કે આપણી પાસે જે હોય તે આપીએ અને જે ન હોય તે લઈએ આવો વિનિમય વૈશ્વિક સંતુલન સ્થાપવામાં ચોક્કસપણે મદદ કરી શકે. સ્વામીજી કહેતા કે ધર્મ તો શિક્ષણનું હૃદય છે.

ધર્મ જ આપણને સંસ્કારે છે અને વધુ માનવીય બનાવે છે. તે વિશ્વના બીજા દરેક માણસ સાથે ભાઈચારાનો સંબંધ બાંધવા આપણને દોરી જાય છે. શિક્ષણમાં આ જ મુદ્દાને આપણે અવગણીએ છીએ. આપણી શૈક્ષણિક પદ્ધતિમાં ધર્મ અને નીતિના શિક્ષણની સૌથી વધુ અવગણના થઈ છે.

જનસમૂહના શિક્ષણ અંગેના પણ સ્વામીજીના વિચારો જાણીતા છે. તેમની ઇચ્છા હતી કે મિશનના બ્રહ્મચારીઓ અને સ્વામીજીઓ લોકો વચ્ચે મોટા પ્રમાણમાં મુસાફરી કરી અને તેમની પાસે ગમે તેવાં શૈક્ષણિક સાધનો હોય તેનો ઉપયોગ કરીને જનસમૂહમાંથી અજ્ઞાન અને અંધશ્રદ્ધા દૂર કરે.

તેઓ ઇચ્છતા કે ગામડાના લોકો આળસ ખંખેરીને તેમના ગામ માટે સંપત્તિનું સર્જન કરવા કામ કરે અને ધાર્મિક જીવન વ્યતીત કરે. આપણે જોઈ શકીએ છીએ કે સામ્ર્રાજ્ય- વાદના સમયગાળા દરમિયાન અંગ્રેજોએ જે શિક્ષણ નીતિને લગતી યોજના અને નીતિઓનો અમલ કર્યો તેમાં રાષ્ટ્ર ઘડતરના વિચારોને જરા પણ ધ્યાનમાં લીધા નહોતા. તો વળી સ્વાતંત્ર્ય પછીના સમયગાળામાં પણ આપણા કેળવણીકારોએ સ્વામીજીએ શિક્ષણ વિશે જે કહ્યું છે તેના પ્રત્યે જરા પણ ધ્યાન આપ્યું નથી.

આ સમયગાળા દરમિયાન ઘણા બધા અહેવાલો અને નીતિવિષયક નિર્ણયો લેવાયા છે, પણ તેમાં ભારતની પાયાની જરૂરિયાતો પ્રત્યે ધ્યાન અપાયું નથી. આપણે આપણી જરૂરિયાતોને ફરીથી તપાસવી પડશે અને આપણા દેશની પ્રતિભાને બંધબેસે તેવી શિક્ષણનીતિ ઘડવી પડશે. અનિશ્ચિતતાવાળી જે પ્રકારની દુનિયામાં આજે આપણે છીએ તેમાં યોગ્ય અભિજ્ઞાનની ઘણી જરૂર છે.

અત્યારનો આપણો બીજો બહુ મહત્ત્વનો કોયડો છે – ભ્રષ્ટાચાર. આ ભ્રષ્ટાચારનો ઉકેલ શો? સાચું શિક્ષણ એટલે એવું શિક્ષણ જેમાં વિદ્યાર્થી નૈતિક મૂલ્યો જાળવવા પ્રોત્સાહિત થાય. ભ્રષ્ટાચારને માત્ર તેના દ્વારા જ દૂર કરી શકાય. હું માનું છું કે બે ક્ષેત્રમાં તો ભ્રષ્ટાચારનો પગપેસારો કયારેય પણ થવો જોઈએ નહીં. આ બે ક્ષેત્રો એટલે શિક્ષણ અને ન્યાયતંત્ર.

આ બંને ક્ષેત્રો જો સ્વચ્છ હશે તો સ્વાભાવિક રીતે જ રાષ્ટ્રિય જીવનનો પ્રવાહ પણ અપ્રદુષિત રહેશે. લોકોને જો ન્યાયતંત્રમાં વિશ્વાસ હશે તો કાયદાના શાસનમાં પણ વિશ્વાસ રહેવાનો અને તો પછી રાષ્ટ્રના ભાવિ પ્રત્યે આશા બંધાઈ શકે. દેખીતું છે કે આ કંઈ રાતોરાત બની શકે નહીં. આ વિચારોને આપણે શિક્ષણમાં પ્રાથમિક શાળા કક્ષાઓથી દાખલ કરવા જોઈએ અને એ વય જૂથનાં છોકરાઓ અને છોકરીઓમાં તે પ્રોત્સાહિત કરવા જોઈએ.

ચારિત્ર્યનિર્માણ એ શિક્ષણના આદર્શોમાંનો એક આદર્શ છે. આમ ટૂંકમાં શિક્ષણ એટલે માણસના અંતર્ગત પૂર્ણત્વનું પ્રગટીકરણ. શિક્ષણ એ માહિતીનો જથ્થો નથી જે મગજમાં ખોસવામાં આવે અને ન પચી શકવાના લીધે જિંદગીભર ધમાલ કર્યા કરે.

આપણે જીવન ઘડનારા, માનવ બનાવનારા અને ચારિત્ર્યનું સર્જન કરનારા વિચારોનો સુમેળ સાધવાનો છે. સ્વામીજી પૂર્વ અને પશ્ચિમ વચ્ચે વ્યવહાર ઇચ્છતા હતા. વિજ્ઞાન અને ટેકનોલોજી અને પૂર્વના દેશોના શિક્ષણ, ડહાપણ અને ધર્મ વચ્ચેનાં વિનિમયથી નીતિ અને માનવતાનું સર્જન થશે. તો આપણે જો આ જરૂરિયાતો પ્રત્યે ધ્યાન આપી શકીએ તો શિક્ષણનો આખો પ્રવાહ સ્વચ્છ બની જશે અને તેનાં શ્રેષ્ઠ પરિણામ, ભલે તાત્કાલિક નહીં, પણ વીસ પચ્ચીસ વર્ષ સુધીમાં આવી શકશે.

શિક્ષણની ગંગાને પવિત્ર કરવાનું બહુ જરૂરી છે, જેથી કરી આપણે વધુ ઊંચાઈ આંબી શકીએ.

Total Views: 26

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.