(અદ્વૈત આશ્રમ, કોલકાતા દ્વારા પ્રકાશિત હિંદી ગ્રંથ ‘સ્વામી વિવેકાનંદ ઔર ઉનકા અવદાન’માંથી બ્રહ્મચારી અમિતાભના લેખનો શ્રી મનસુખભાઈ મહેતાએ કરેલો અનુવાદ અત્રે પ્રસ્તુત છે. – સં)

શ્રીરામકૃષ્ણે કાલીમાતાને વિનંતી કરી હતી : ‘મા, મને નિરસ સાધુ ન બનાવતી. મને સ-રસ સાધુ બનાવજે.’ સ્વામી વિવેકાનંદ પણ આવા સરસ એટલે કે રસિક સાધુ હતા. તેઓ નાનપણથી જ વિનોદપ્રિય વૃત્તિના હતા. તેઓ કહેતા: ‘હું સાધુ છું, એટલે શું હું મારા પોતાના હૃદયને ઉખેડીને બહાર ફેંકી દઉં? આમ તો સંન્યાસ મનુષ્યને પત્થર બનાવી દે છે, પણ હું એવા સંન્યાસને પસંદ કરતો નથી.’ સ્વામીજી મહાન પ્રતિભાશાળી હતા અને પોતાનાં વાતચીત, સાહિત્ય અને સંભાષણમાં વ્યંગવિનોદનો પર્યાપ્ત પ્રયોગ પણ કરતા.

બાળપણમાં સ્વામીજી ઘણા હાસ્યવિનોદના ટુચકા કહેતા. એમને અહીં આપેલી એક વાર્તા બહુ ગમતી. 

કોઈ એક ઘરડી સ્ત્રી પાસે બકરી હતી. એક દિવસ એક ચોર એની બકરી ચોરી ગયો. એણે પેલી વૃદ્ધા પાસે જઈને કહ્યું: ‘તમારી બકરી તો આજે અદાલતમાં કાજી બની ગઈ છે.’ વૃદ્ધ સ્ત્રી ઘણી સરળ હતી. એણે પેલા ધુતારાની વાત પર વિશ્વાસ કર્યો અને એ તો અદાલતમાં પહોંચી ગઈ. એણે જોયું તો ત્યાં જે કાજીના રૂપે કામ કરનારના મોઢા પર બકરીના જેવી દાઢી હતી. એ જોઈને પેલી વૃદ્ધ સ્ત્રી હાથમાં દોરડું લઈને કાજીની પાસે પહોંચી ગઈ અને કહેવા લાગી: ‘અરે! આવી જા રે, મારી બકરી આવી જા.’ એ સાંભળીને કાજી તો લાલપીળો થઈ ગયો. એણે પોલીસને બોલાવ્યા અને કહ્યું: ‘આ ડોસીને પકડી લો.’ કાજીની વાત સાંભળીને ડોસીમાને પણ ગુસ્સો આવ્યો અને બોલી ઊઠ્યાં: ‘શું તને તારા પોતાના પૂર્વજન્મની વાત યાદ નથી? તું તો પૂર્વ જન્મમાં મારી બકરી હતી. મેં પ્રયત્નપૂર્વક તને પાળી પોષી હતી. એ બધું તારાથી ભૂલી જવાય કે!’ અદાલતમાં કેટલાક લોકો એવા હતા કે જે આ ડોસીમાને ઓળખતા હતા. એમણે પાસે જઈને પૂછ્યું કે વાત શું છે. વૃદ્ધ સ્ત્રીની વાત સાંભળીને બધા હસવા લાગ્યા. અંતે પેલા ધુતારાને પકડીને થાણા ભેગો કરી દીધો.

સ્વામીજી જ્યારે શ્રીરામકૃષ્ણ પાસે જવા લાગ્યા ત્યારે ઘણા લોકો સાથે એમને ઓળખાણ થઈ. સ્વામીજીએ મજાક-મશ્કરીમાં બધાને એક મજાનું ઉપનામ પણ આપી દીધું હતું. હરમોહનને તેઓ ‘હારમોનિયમ’ કહેતા, ગંગાધરને ‘ગેન્જેઈસ’ અને હરિપ્રસન્નને ‘અલ્લાહાબાદનો બિશપ’ કહેતા. બાબુરામ મોટા ભક્ત હતા. ઈશ્વરનું નામ સાંભળતાં જ એમની આંખમાંથી આંસુ વહેવા લાગતા. સ્વામીજીએ એમનું નામ ‘ભેંપું’ પાડ્યું હતું. કિશોરી મોહન દાઢી રાખતા અને બહુ સારી રીતે ઉર્દુ ભાષા બોલતા. એટલે તેઓ બની ગયા ‘અબ્દુલ’. યજ્ઞેશ્વર ભટ્ટાચાર્યને પણ લાંબી દાઢી હતી એટલે એમને બધા ‘ફકીર’ કહેતા. સ્વામીજીએ એમનું નામ ‘ફકીરુદ્દીન હૈદર’ પાડ્યું હતું. 

અમેરિકામાં પણ સ્વામીજીએ અનેક લોકોને આવા મજાનાં ઉપનામ આપ્યાં હતાં. જ્યોર્જ હેઈલ અને તેમનાં પત્ની ઘણા ભક્તિભાવવાળાં હતાં. સ્વામીજીએ બંનેને ‘ફાધર પોપ’ અને ‘મધર ચર્ચ’ બનાવી દીધાં હતાં. ગુડવીનને તેઓ ‘બૈડવીન’ કહેતા. સિંગારવેલુ મુદલિયાર સ્વલ્પાહારી હતા. એટલે એમનું નામ ‘કીડી’ પડી ગયું. તમિલભાષામાં કીડી એટલે પક્ષી. જાપાની પંડિત ઓકાકુરાને તેઓ ‘અક્રૂર કાકા’ કહેતા.

ગાજીપુરમાં એક માણસ રહેતો હતો. એને બધા લોકો ઠાકુરદા કહેતા. ગાંજો, અફીણ અને ભાંગમાં તે સિદ્ધપુરુષ હતો. એની એવી ધારણા હતી કે રોવું એ જ ધર્મનું લક્ષણ છે. સ્વામીજીએ એક દિવસ એને કહ્યું: ‘આવો ઠાકુરદા, આજે હું તમને વેદ સંભળાવીશ.’ ઠાકુરદા તો આનંદ સાથે વેદ સાંભળવા બેઠા. સ્વામીજીએ મજાકમાં કહ્યું: ‘વેદનું પ્રથમ સ્તોત્ર છે – કસ્મિંશ્ચિત્ વને ભાસુરકો નામ સિંહ: પ્રતિવસતિ સ્મ.’ ઠાકુરદાને ખ્યાલ ન આવ્યો કે આ વાક્ય હિતોપદેશનું છે અને એનો અર્થ છે ‘કોઈ એક વનમાં ભાસુરક નામનો સિંહ રહેતો હતો.’ એમણે તો એને વેદમંત્ર ગણી લીધો અને સાંભળતાં જ રોવાનું શરૂ કરી દીધું. સ્વામીજી પણ એમની સ્પષ્ટતા કરતાં કહેવા લાગ્યા: ‘અરે! કેવું પદલાલિત્ય છે! કેવો શબ્દવિન્યાસ!! કેટલો ભાવપૂર્ણ શ્લોક!!!’ આ રીતે સ્વામીજી વેદપાઠ કરી રહ્યા હતા અને ઠાકુરદા જમીન પર સૂઈને રડતા હતા. એ દરમિયાન જ્યારે શિરીષચંદ્ર ઓરડામાં પ્રવેશ્યા અને સ્વામીજીએ એમને કહ્યું: ‘અત્યારે તમે અહીંથી ચાલ્યા જાઓ. હું ઠાકુરદાને વેદ સંભળાવી રહ્યો છું.’ શિરીષ તો બીજા ઓરડામાં જઈને ખડખડાટ હસવા લાગ્યા.

જયપુરમાં પંડિત સૂર્યનારાયણ એકવાર સ્વામીજીને કહે છે: ‘મને અવતારવાદમાં જરાય શ્રદ્ધા નથી. હું પણ એક અવતાર છું એમ જો કહું તો શું તમે હું અવતાર નથી એ પ્રમાણિત કરી શકો છો?’ સ્વામીજીએ હસતાં હસતાં જવાબ આપ્યો: ‘ના રે ભાઈ, હિંદુ શાસ્ત્રમાં તો સુવર, માછલી અને કાચબાને અવતાર ગણ્યા છે, હવે તમે જ કહો કે આમાંથી તમે કયા અવતાર છો?’ 

બંગાળના પ્રખ્યાત નાટ્યવિદ્ અભિનેતા ગિરીશચંદ્ર ઘોષ શ્રીરામકૃષ્ણદેવના શિષ્ય હતા. એમણે લખેલ નાટક ‘બુદ્ધ ચરિત’ ખૂબ લોકપ્રિય બન્યું. એક દિવસ સ્વામીજી એ નાટક જોવા ગયા. નાટક પૂરું થયા પછી સ્વામીજી ગિરીશબાબુના ઓરડામાં બેઠા હતા. ત્યાં બીજા લોકો પણ હતા. જે અભિનેતાએ નાયકની ભૂમિકા કરી હતી તે પણ હાજર હતો. એ ઉપરાંત તે એક વિદ્યાવિલાસી માણસ પણ હતો અને એ હંમેશાં પોતાની વિદ્યાનો ડંકો વગાડવાની તક શોધતો રહેતો. એ અભિમાની અભિનેતાએ ગિરીશબાબુને પૂછ્યું: ‘શું બુદ્ધદેવ નાસ્તિક હતા?’ ગિરીશબાબુએ એને કહ્યું: ‘સ્વામીજીને પૂછો.’ એણે જ્યારે આ જ પ્રશ્ન સ્વામીજીને પૂછ્યો ત્યારે એમણે ઉત્તર આપ્યો: ‘અહીં તો બુદ્ધદેવ પોતે જ હાજર છે, એને જ પૂછી લો ને!’

પરિવ્રાજક રૂપે જ્યારે સ્વામીજી રાજસ્થાન પહોંચ્યા ત્યારે એક રાજપૂત મુસલમાને એમની પાસે આવીને કહ્યું: ‘સ્વામીજી, રાજસ્થાનમાં બધા લોકો કહે છે કે તેઓ ઘણા ઉચ્ચવંશના છે. કોઈ પોતાને સૂર્યવંશી કહે છે તો કોઈ વળી ચંદ્રવંશી. શું આપશ્રી હું કયા વંશનો છું, એ બતાવી શકો છો?’ સ્વામીજીએ જવાબ આપ્યો: ‘જુઓ ભાઈ, સૂર્યવંશ અને ચંદ્રવંશ તો હવે જૂનાપૂરાણા થઈ ગયા છે. હવે તમે એક નવો વંશ શરૂ કરો. આજથી તમે તમારા પોતાના વંશના બની જાઓ.’ ખાન સાહેબ આ સાંભળીને ખૂબ પ્રસન્ન થયા અને ગૌરવપૂર્વક બધાને પોતાનો વંશ બતાવવા લાગ્યા.

પરિવ્રાજક અવસ્થામાં સ્વામીજીએ સારી રીતે દેશની હાલત જોઈ હતી અને એને સમજ્યા પણ હતા. એમણે જોયું કે બધા લોકો અસ્પૃશ્યતા અને જ્ઞાતિ-જાતિને જ ધર્મ માને છે. એ જોઈને એમનું હૃદય ઘણું દુ:ખી બન્યું; પણ ક્યારેક ક્યારેક એને લઈને મજાક પણ કરી લેતા. એમને ‘અહિંસા પરમોધર્મ’ નામની વાર્તા ખૂબ પસંદ હતી. તેઓ એ વાર્તા દ્વારા કહેતા કે કોઈ મકાનનું નામ ‘અહિંસા પરમોધર્મ’ હતું. એક દિવસ એક ચોર એ ઘરમાં ગયો અને પકડાઈ ગયો. કેટલાય લોકોએ ભેગા થઈને એને ખૂબ લમધાર્યો. એટલામાં મકાન માલિક આવી પહોંચ્યા અને કહ્યું: ‘અરે ભાઈ! એને મારો મા. અહિંસા પરમોધર્મ.’ લોકોએ મકાનમાલિકને પૂછ્યું : ‘તો પછી આ ચોરનું હવે શું કરવું?’ એટલે માલિકે જવાબ આપ્યો: ‘અહિંસા પરમોધર્મ. રક્તપાત કરવો એ ખરાબ વાત છે. એને મારવાથી તો લોહી વહેવાનું, એટલે ચોરને બાંધીને નદીમાં ફેંકી દો!’

લોકાચારના આડંબરને જોઈને સ્વામીજીએ લખ્યું છે : ‘સનાતન હિંદુ ધર્મનું ગગનચુંબી મંદિર છે. એ મંદિરમાં અંદર જવાના કેટલાય માર્ગ છે અને ત્યાં શું નથી? વેદાંતીના નિર્ગુણ બ્રહ્મથી માંડીને બ્રહ્મા, વિષ્ણુ, શિવ, શક્તિ, ઉંદર પર સવાર ગણેશ, વિવિધ દેવતાગણ એવું બધું કેટલુંય ત્યાં છે. પછી વેદ-વેદાંત, દર્શનપુરાણ અને તંત્રમાં એવી કેટલીયે સામગ્રી છે, એની એકએક વાતથી ભવબંધન તૂટી જાય અને લોકોની ભીડની તો શી વાત કરવી? ૩૩ કરોડ લોકો ત્યાં ઊમટી રહ્યા છે. મને પણ ઈંતેજારી થઈ. હું પણ દોડ્યો. ત્યાં જઈને એક અદ્ભુત કાંડ જોવા મળ્યો. દરવાજા પાસે એક પચાસ માથાવાળી, સો હાથવાળી અને બસ્સો પેટવાળી અને પાંચસો પગવાળી મૂર્તિ છે. એના પગમાં બધા પડે છે. એક વ્યક્તિને પૂછતાં એણે જવાબ આપ્યો: ‘અંદર જેટલા દેવતા છે, એને તો દૂરથી પ્રણામ કરીએ અને એકાદ બે ફૂલ નાખીએ એટલે યથેષ્ટ પૂજા થઈ જાય. સાચી પૂજા તો દરવાજા પર રહેલ દેવતાની થવી જોઈએ. જે વેદ વેદાંત, દર્શન, પુરાણ તમે જુઓ છો એને તો ક્યારેક ક્યારેક સાંભળી લો તોયે એમાં નુકસાન ન થાય. પણ આનો હુકમ તો માનવો જ પડે.’ એટલે મેં વળી પૂછ્યું: ‘આ દેવતાજીનું નામ શું છે એ તો કહો?’ એટલે પેલાએ જવાબ આપ્યો : ‘એનું નામ છે લોકાચાર.’

ચેન્નઈના બ્રાહ્મણોના ચંદનતિલક જોઈને એકવાર સ્વામીજીએ કહ્યું: ‘દૂરથી જોવાથી એવું લાગે છે કે ખેતરમાં પક્ષીઓ ઉડાડવા કોઈ ચાડિયો ઊભો છે.’ બંગાળના વૈષ્ણવોના તિલકને જોઈને ચિતા અને વાઘ પણ ડરે છે. રામાનંદ સંપ્રદાયના લોકોને તિલક પર આટલો બધો વિશ્વાસ છે :

તિલક તિલક સબ કોઈ કહૈ, પર રામાનંદી તિલક.
દિખત ગંગા પાર સે, યમ ગૌદ્વાર કે ખિડક.

બંગાળના સાહિત્યકારોનો નારી સુલભ આચાર-વ્યવહાર જોઈને સ્વામીજીએ આમ લખ્યું છે : ‘આ એક દળ દેશમાં ઊમટી પડ્યું છે. એ સમુહના લોકો સ્ત્રીઓની જેમ પહેરે ઓઢે છે, સ્ત્રૈણ ભાષામાં બોલે છે અને તિરછી નજરે જુએ છે અને ચાલે છે. એ લોકો કોઈની તરફ સીધી આંખ રાખીને બોલી શકતા નથી. એ બધા જન્મતાંની સાથે જ પ્રેમની કવિતાઓ લખે છે અને વિરહની આગમાં વલોપાત કર્યા કરે છે.’  સ્વામીજી પોતાને વિશે પણ મજાક કરી લેતા. એકવાર એમણે કહ્યું: ‘જ્યારે મારી તબિયત સારી હોય છે ત્યારે હું વિચારું છું કે ‘અહમ્ બ્રહ્માસ્મિ’. પણ જ્યારે મને પેટમાં પીડા ઊપડે ત્યારે તો ‘હે મા’ કરીને પ્રાર્થના કરું છું.’

ભારત પરિભ્રમણ પછી સ્વામીજી અમેરિકા ગયા. ત્યાં એમણે જોયું કે લોકો ધર્મને બરાબર સમજતા નથી અને થોડા કટ્ટર પણ છે. ત્યાં સ્વામીજીએ એક મજાની વાર્તા કહી હતી : ‘એક ખેડૂત ચર્ચમાં ગયો. ત્યાં જઈને એણે સાંભળ્યું કે યહૂદીઓએ ઈશુને ક્રૂસ પર ચડાવ્યા હતા. આ વાત સાંભળીને તે ગુસ્સે થયો. ચર્ચની બહાર નીકળતા જ્યારે એણે એક યહૂદીને જોયો ત્યારે એને પકડીને મારવા માંડ્યો. આ ખેડૂતને નવી ધર્મ પ્રેરણા મળી હતી. એટલે એણે યહૂદીને ખૂબ માર્યો. પછી યહૂદીએ પૂછ્યું: ‘અરે ભાઈ, મને શા માટે મારો છો?’ ખેડૂતે જવાબ આપ્યો: ‘તમે પ્રભુ ઈશુને શા માટે ક્રૂસ પર ચડાવી દીધા?’ યહૂદીએ સમજાવતાં કહ્યું: ‘ભાઈ, આ તો ૧૯૦૦ વર્ષ પહેલાંની વાત છે.’ ખેડૂતે સામે જોઈને ફરીથી કહ્યું: ‘પણ એનાથી શું ફેર પડવાનો? મેં તો આજે જ આ વાત સાંભળી છે.’

સ્વામીજી એક બીજી વાત પણ કહેતા : એક જહાજ સમુદ્રમાં સફર કરતાં કરતાં ભયમાં સપડાઈ ગયું. આકાશમાં વાદળાં છવાઈ ગયાં, તોફાન શરૂ થઈ ગયું, એટલે બધા યાત્રીઓ મળીને જહાજના પાદરી પાસે ગયા અને કહ્યું: ‘ફાધર, આ તો ઘણી મોટી વિપત્તિ કહેવાય. હવે કંઈક ધર્મની વાત સંભળાવો તો સારું.’ આ સાંભળતાં જ પાદરીએ પોતાનો ટોપો ઉતાર્યો અને ફંડ એકઠું કરવા માંડ્યા. આ પાદરીનું ધર્મતત્ત્વ આવી રીતે ફંડ ઉઘરાવવામાં જ હતું!

અમેરિકામાં સ્વામીજી પોતાના ગુરુભાઈઓ વિશે પણ ઘણી વખત મજાક કરી લેતા. તેઓ કહેતા: ‘શરત્ જ્યારે અંગ્રેજીમાં લેક્ચર આપે છે ત્યારે એવું લાગે છે કે જાણે તે ચંડીપાઠ કરતા હોય.’ તેઓ પોતાના નાક પર આંગળી રાખીને કહે છે : ‘ગંગાધરનું નાક આટલું લાંબુ છે.’ ડો. રાઈટ સ્વામીજીના મોટા ભક્ત હતા. એકવાર એમણે પૂછ્યું: ‘સ્વામીજી, શું હું પણ બ્રહ્મ છું?’ સ્વામીજીએ કહ્યું: ‘જરૂર.’ એક દિવસ બધા લોકો ભોજન લેવા ટેબલ પર બેઠા હતા. ડો. રાઈટને આવવામાં  વાર લાગી. તેઓ જ્યારે ત્યાં પહોંચ્યા ત્યારે સ્વામીજીએ ઊંચે અવાજે કહ્યું : ‘તમે બધા સાવધાન થઈ જાઓ, બ્રહ્મ આવી રહ્યા છે!’ બધા લોકો ખડખડાટ હસી પડ્યા.

Total Views: 14

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.