હિરણ્મયેન પાત્રેણ સત્યસ્યાપિહિતં મુખમ્।
તત્ત્વં પૂષન્નપાવૃણુ સત્યધર્માય દૃષ્ટયે॥

ઈશોપનિષદની આ પ્રાર્થના દ્વારા ઋષિઓ સૂર્ય નારાયણને સત્યની અનુભૂતિ માટે વિનવે છે. સુવર્ણના એટલે કે મોહમાયાના ઢાંકણથી સત્યનું સ્વરૂપ ઢંકાયેલું છે. આ જગત અત્યંત સોહામણા પદાર્થોથી ભરેલું છે. ભોગના તમામ પદાર્થો લોભાવનારા છે તેથી જીવ ઈશ્વરનો સાક્ષાત્કાર કરી શકતો નથી. તેથી હે પૂષન! અમે સત્યનો સાક્ષાત્કાર કરી શકીએ એ માટે તમે મોહમાયા રૂપી સુવર્ણ ઢાંકણને ઉઘાડી દો.

સત્ય જ ઈશ્વર અને ઈશ્વર જ શાશ્વત સત્ય. સમસ્ત વિશ્વમાં એકમાત્ર ઈશ્વરીય સત્તા પરિવ્યાપ્ત છે. જે અનંત, અસીમ, પૂર્ણ અને શાશ્વત છે તે સત્ય! ઋગ્વેદ સત્યને સર્વત્ર વિરાજમાન સત્તા તરીકે વર્ણવે છે. શ્રીરામકૃષ્ણનો આવિર્ભાવ સર્વત્ર પરિવ્યાપ્ત સત્યને – અસીમને સીમાબદ્ધ નાનકડા દેહમાં આહ્વાન કરીને માનવજાતિ સામે ઉજાગર કરવા થયો હતો.

જેમ કેરીના ગોટલામાંથી આંબાનું વૃક્ષ ઊગે, તેમ સત્યના સત્ત્વમાંથી સત્યનો જ પ્રકાશ મળે. અર્થાત્ આદિમૂળ, ઉદ્ભવ અને ઉત્કૃષ્ટ સ્થિતિમાં એક અને એકમાત્ર સત્યનું જ સ્વરૂપ વિદ્યમાન હોય છે. વર્તમાન યુગના અવતારપુરુષ શ્રીરામકૃષ્ણ સત્ય સ્વરૂપ હતા. સત્યનો પૂર્ણ પ્રકાશ પૃથ્વી પર વિસ્તારવા મનુષ્યદેહ ધારણ કરીને આવ્યા હતા.

શ્રીરામકૃષ્ણના સત્યસ્વરૂપનું મૂળ ધર્મપરાયણ, સત્યનિષ્ઠ પિતા ખુદીરામનાં શુદ્ધ સાત્ત્વિક જીવનમાં પરિપુષ્ટ થયું હતું. ખુદીરામ દેરેગામમાં પોતાના કુટુંબ સાથે સમૃદ્ધ જીવન જીવતા હતા. પરંતુ ત્યાંના જમીનદારે ખુદીરામને કોઈ મુકદ્દમામાં ખોટી સાક્ષી આપવા દબાણ કર્યું, ત્યારે સત્યાશ્રયી ખુદીરામે ખોટી સાક્ષી આપવાનું સ્વીકાર્યું નહિ. પરિણામે પોતાનું ઘર, જમીન બધું જ છોડીને મિત્ર સુખલાલ ગોસ્વામીના આમંત્રણથી કામારપુકુરમાં આવીને રહ્યા. નિષ્ઠાવાન પિતા ખુદીરામનો સંસાર દારિદ્ર્યભર્યો હતો છતાં તેમનું ધર્મપરાયણ જીવન સત્ય, ત્યાગ અને તપસ્યાપૂર્ણ હતું. તેથી ગયાધામના વિષ્ણુએ તેમના ઘરે જન્મ ગ્રહણ કર્યો હતો.

બાળક ગદાધર ધની લુહારણના વાત્સલ્યથી ગદ્ ગદ્ થઈને તેની એક વિનંતી સ્વીકારે છે. ધની લુહારણે ગદાઈની પાસે એક યાચના કરી હતી કે ઉપનયન વિધિ વખતે તે પ્રથમ ભિક્ષા તેની પાસેથી લેશે. કરુણાર્દ્ર ગદાઈએ ધની લુહારણને વચન આપ્યું કે તેને જરૂર ભિક્ષામાતા બનાવશે. પુરોહિત તંત્રના આદેશ પ્રમાણે અબ્રાહ્મણ પાસે બાળક જનોઈ પ્રસંગે કદી ભિક્ષાગ્રહણ કરી શકે નહિ. આ શુભપ્રસંગે ગદાધરે પોતાની માતા અને મોટાભાઈને સ્પષ્ટ કહ્યું કે તેણે ધની-લુહારણને વચન આપ્યું છે. વચનપાલન ન કરે તો સત્યનું ઉલ્લંઘન થાય અને સત્યવ્રતનું પાલન ન કરે તો તે દ્વિજ કહેવાને યોગ્ય નથી. અંતે ગદાધરની સાત્ત્વિક જીદ સામે વડીલોને નમવું પડ્યું અને ગદાઈએ ભિક્ષામાતા તરીકે ધની લુહારણને સમ્માન આપ્યું.

સત્યનું યથાર્થ સ્વરૂપ કલ્યાણકારી અને આહ્લાદક છે. સત્યમ્ શિવમ્ સુંદરમ્ – સમસ્ત સૃષ્ટિમાં સત્ય સૌંદર્ય અને શ્રેયકર પ્રકૃતિમાં અભિન્ન ભાવે પરિવ્યાપ્ત છે. શૈશવથી જ ગદાધર દૈવી સૌંદર્યના -નર્યા નિસર્ગ સૌંદર્યના ઉત્કંઠ ચાહક હતા. બાળક ગદાધર લીલાછમ ખેતરોમાં ફરે છે ત્યારે આકાશમાં કાળાં ડિબાંગ વાદળો છવાઈ જાય છે અને તેમાં શ્વેત બગલાની હારમાળા ઊડી રહે છે. કુદરતનું આવું સૌંદર્ય નિહાળીને એવો તો મુગ્ધ થઈ જાય છે કે સંજ્ઞાશૂન્ય થઈને તે ખેતરની કેડી પર પડી જાય છે. આ હતી તેમની પ્રથમ ભાવસમાધિ. નાનકડા ગદાઈમાં આ ઘટનાથી નિજ સ્વરૂપનું એક પ્રકારનું પવિત્ર પ્રકટીકરણ થયું હતું.

પિતા ખુદીરામ રઘુવીરની પૂજામાં ધ્યાનમગ્ન બનતા ત્યારે નાનકડો ગદાઈ પોતાના ગળામાં ફૂલની માળા પહેરીને, કપાળમાં ચંદન લગાડીને પિતાને મુગ્ધ ભાવે વારંવાર કહે છે: જુઓ, જુઓ, હું રઘુવીર થયો છું. અંતનિર્હિત સૌંદર્યને આટલો નાનો બાળક પીછાણે છે – શણગારે છે અને આનંદથી અભિવ્યક્ત પણ કરે છે. તદુપરાંત બાળપણથી જ ગીત-સંગીત, અભિનય, ચિત્ર, શિલ્પ દ્વારા ગ્રામ્ય પ્રકૃતિનાં ખોળે સૌંદર્યનું રસપાન કરે છે – આહ્લાદના આગારમાં સ્વેચ્છાએ વિચરે છે!

દક્ષિણેશ્વરમાં મા-કાલીના પુજારી તરીકે મહાકાલીનાં દિવ્ય સૌંદર્ય અને કલ્યાણકારી માતૃરૂપને – ઈશ્વરીય સત્તાને વિશ્વમાં વિલસતા એક પરમ સત્ય સ્વરૂપે સર્વદા આત્મસાત્ કરે છે. વળી ભક્તો સાથે સત્ સ્વરૂપ પરમાત્માના અદ્ભુત ઐશ્વર્ય અને તેમને પામવાના લોકહિતકારી આત્મદાન દ્વારા સતત પરમ સત્યના આગારમાં વિચરે છે! મુહુર્મુહુ: સમાધિ, ભાવસમાધિમાં તરબોળ થઈને નૃત્ય, દિવ્ય સ્મિત દ્વારા ભક્તોને અમૃતનો આસ્વાદ પીરસે છે.

શ્રીરામકૃષ્ણનું સમગ્ર જીવન સત્યની અપૂર્વ ઉપાસના- ઈશ્વરનાં વિવિધ સ્વરૂપો, વિવિધ સાધનાના પથ અને વિવિધ ભાવનાં અનુષ્ઠાન દ્વારા સત્યની ખોજ કરે છે. સત્યનો સાક્ષાત્કાર સાકાર અને નિરાકારમાં પણ પામે છે. અંતે નિજ અનુભૂતિ દ્વારા શ્રીરામકૃષ્ણ ઘોષણા કરે છે: ચરાચરમાં એક જ પરમ સત્ય છે. જેને તમે પરબ્રહ્મ કહો કે કાલી કહો, જગતના તમામ ધર્મો સાચા છે. ઈશ્વરને પામવાના સઘળા માર્ગો એક જ ઈશ્વરને પામે છે. નામ, રૂપ, રસ, રુચિની ભિન્નતાથી ભિન્ન ભિન્ન ધર્મ માર્ગ એક જ ઈશ્વર તરફ લઈ જાય છે. ‘જેટલા મત તેટલા પથ’નું અનુપમ સૌંદર્ય સુંદર સમન્વયકારી ભાવ સામ્રાજ્યમાં ચિરકાળ માટે સ્થાપે છે.

શ્રીરામકૃષ્ણ કહે છે: ‘ઈશ્વર જ સાર બાકી બધું અસાર. સત્ એટલે નિત્ય. અસત્ એટલે અનિત્ય.’ વિવેક બુદ્ધિ જાગ્રત હોય ત્યારે ઈશ્વરને – સતસ્વરૂપને જાણવાની ઇચ્છા થાય. મન-મુખ એક હોય ત્યારે સત્યસ્વરૂપ ઈશ્વરનું અનુષ્ઠાન જીવનમાં સફળ થાય. શ્રીરામકૃષ્ણનું મન-મુખનું અપૂર્વ ઐક્ય હતું. વ્યવહારિક જગતમાં પણ તેમનું આચરણ સત્યકેન્દ્રી જ રહેતું. શ્રીરામકૃષ્ણનું જીવન સત્યની સાધના હતી. ભૂલથીય ક્યારેય તેઓ કાયમનસાવાચા પોતાને સત્યથી ચ્યુત થવા દેતા નહિ. એક વખત ઠાકુર શ્રીરામકૃષ્ણે યદુમલ્લિકને તેમને ત્યાં જશે એવું કહ્યું હતું પરંતુ ગમે તે કારણે આ વાત તેઓ ભૂલી ગયા. રાત્રે અચાનક યાદ આવ્યું કે પોતે યદુને ત્યાં જવાનું કહ્યું હતું. અડધી રાતે શ્રીરામકૃષ્ણ યદુમલ્લિકને ત્યાં દોડી ગયા અને બગીચામાં પગ મૂકીને પાછા ફર્યા – ‘આ હું તમારે ત્યાં આવી ગયો’ કહીને શાંત થયા.

એક વખત દક્ષિણેશ્વરમાં શ્રીરામકૃષ્ણ માસ્ટર મહાશયને પૂછે છે: ‘વિદ્યાસાગર આવ્યા કેમ નહિ?’ ‘સત્યવચન, પરસ્ત્રી માતૃસમાન ઐસે હરિ ના મિલે તુલસી જુઠ જબાન.’ સત્યનું પાલન કરે તો જ ભગવાનને પામી શકાય. તે દિવસે વિદ્યાસાગરે કહ્યું હતું કે તે અહીં આવશે, પરંતુ આવ્યા નહિ.’ તેથી જ શ્રીરામકૃષ્ણ કહે છે કે સત્ય કળિયુગની તપશ્ચર્યા છે. આધુનિક યુગમાં તપશ્ચર્યા કરવા પર્વત કે ગુફામાં જવાની જરૂર નથી. સમાજમાં રહીને ઈશ્વરે સોંપેલ કર્તવ્ય બજાવતા સત્ય બોલવું, સત્યનું આચરણ કરવું એ એક મોટી તપશ્ચર્યા છે.

શ્રીરામકૃષ્ણ સ્વયં સત્ય નારાયણ છે. તેથી કોઈ સત્યથી લગીરક ચ્યુત થાય તો નારાજ થતા. તેમના ઈશ્વરકોટિના શિષ્યોમાંના એક બાબુરામ હતા. બાબુરામના હાડકાંય શુદ્ધ અને તેઓ ઠાકુર પાસે લગભગ બધો વખત રહેતા. તેમને પણ એક દિવસ ઠાકુર અડકી શક્યા નહિ. બાબુરામ આશ્ચર્યચકિત થઈ ગયા. મનમાં ને મનમાં તેમને મર્યા જેવું લાગ્યું. અચાનક બાબુરામને યાદ આવ્યું કે તે દિવસે સવારે તેઓ એક જૂઠાણું બોલ્યા હતા. ત્યારબાદ તેમણે તે વાતનો સ્વીકાર ઠાકુર પાસે કર્યો. ઠાકુરે કહ્યું: ‘તેથી જ એમ થયું. એ માટે જ આજ હું તારો સ્પર્શ કરી શક્યો નહિ.’ બાબુરામ પછીથી આ ઘટનાનો ઉલ્લેખ કરીને કહેતા. ઠાકુરની સત્યનિષ્ઠા કેટલી ગંભીર હતી!

મુંડોપનિષદ કહે છે: ‘સત્યેન પન્થા વિદ્યતો દેવયાન:’ સત્ય દ્વારા પ્રકાશનો ધ્રુવપથ ઉજાગર થાય છે. સત્ય તેજોમય વિરાટ વિભુ તરફનો રાજમાર્ગ છે. સત્ય જ દિવ્ય આધ્યાત્મિક જીવનની બુનિયાદ છે. તેથી જ સત્યથી મોટો કોઈ ધર્મ નથી. શ્રીરામકૃષ્ણ મા ભવતારિણી પાસે પોતાનું સર્વસ્વ સમર્પણ કરે છે: ‘હે મા! આ લ્યો તમારી શુચિ, આ તમારી અશુચિ; મને શુદ્ધ ભક્તિ આપો. આ લો તમારું સારું-નરસું મને શુદ્ધ ભક્તિ આપો. આ લો તમારું પુણ્ય, આ લો તમારું પાપ; મને શુદ્ધ ભક્તિ આપો.’ જ્યારે હું આ બધું કહેતો હતો ત્યારે એમ ન કહી શક્યો કે મા આ લો તમારું સત્ય અને આ લો તમારું અસત્ય. બધું માને આપી શક્યો પરંતુ સત્ય માને આપી શક્યો નહિ.

શ્રીરામકૃષ્ણ સત્ય સ્વરૂપ હતા. સત્યને પ્રતિષ્ઠિત કરવા તો આવ્યા હતા. તેથી ‘સત્ય’ માને કઈ રીતે આપી શકે? સત્ય માને આપી દે તો તેમની સાધના અને તપશ્ચર્યાનું સત્ય કઈ રીતે જળવાય?

સ્વામી વિવેકાનંદ કહેતા: ‘સત્ય માટે બધું ત્યજી શકાય પરંતુ કોઈ પણ વસ્તુ માટે સત્યને ન છોડી શકાય.’ મુંડકોપનિષદ વિશ્વવિજયી બનવા સત્યનો માર્ગ દર્શાવતા ઘોષણા કરે છે – ‘સત્યમેવ જયતે નાનૃતમ્’ સત્યનો જ જય થાય છે, અસત્યનો નહિ તેથી તો આજ ૧૭૫મા રામકૃષ્ણ જન્મોત્સવમાં સમગ્ર વિશ્વ શ્રીરામકૃષ્ણનો જયજયકાર કરે છે!

Total Views: 12

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.