ઉપમા સાદૃશ્યમૂલક અલંકાર છે. તેમાં બે બાબતોની સરખામણી કરવામાં આવે છે. આ અલંકાર સમજવા માટે ઉપમેય, ઉપમાન, સાધારણ ધર્મ અને ઉપમાવાચક શબ્દ વિશે જાણવું જરૂરી છે. જેને સરખાવવામાં આવે છે તેને ‘ઉપમેય’ કહેવાય છે. જેમ કે મુખં કમલમ્ ઈવ સુંદરમ્ – મુખ કમળ જેવું સુંદર છે. આ વાક્યમાં મુખને સરખાવવાનું છે તેથી તે ઉપમેય છે જેની સાથે સરખામણી કરવાની હોય તેને ‘ઉપમાન’ કહેવાય. આ વાક્યમાં મુખની ‘કમલ’ સાથે સરખામણી કરેલી છે; તેથી કમલ શબ્દ ઉપમાન છે. ઉપમાન અને ઉપમેય વચ્ચે સરખાપણું દર્શાવનાર શબ્દને ‘સાધારણ ધર્મ’ કહેવાય. અહીં ‘સુંદરમ્’ શબ્દ સાધારણ ધર્મ છે. ઉપમા પ્રતિપાદક શબ્દો જેવાં કે ઈવ, યથા, તુલ્ય – જેવા, સમાન,  જાણે શબ્દો વપરાય છે. ચારેય ઘટકો હોય તો પૂર્ણોપમા કહેવાય અને એકાદ ઘટક ઓછું હોય તો લુપ્તોપમા કહેવાય. અર્થાલંકાર ભાષાનો એક વૈભવ છે. શ્રીરામકૃષ્ણ ભગવાનના વિરાટ ઐશ્વર્યને પોતાની સીધી સાદી છતાંય ઉપમા પ્રયોજતી ભાષા દ્વારા વ્યક્ત કરે છે.

શ્રીરામકૃષ્ણ કથામૃતમાં ઉપમા અલંકાર એક મોટું આશ્ચર્ય જગાડે છે. શ્રીરામકૃષ્ણ વારંવાર ઈશ્વરના સાકાર-નિરાકાર સ્વરૂપ વિશે, અદ્વૈતનું ગૂઢ જ્ઞાન, પરમાત્માને પામવાના પથ વિશે, કર્મ, સંસાર, જીવ, જગત અને પૂર્ણતાની પ્રાપ્તિ અંગે વિવિધ ઉપદેશો સરળ અને સુંદર ઉપમા દ્વારા સમજાવે છે. સંસ્કૃત સાહિત્યમાં કાલીદાસ ઉપમા અલંકારનો વૈભવ મુક્તપણે દર્શાવે છે. તેથી ઉપમા કાલીદાસસ્ય કહેવામાં આવતું. પરંતુ શ્રીરામકૃષ્ણ કથામૃતમાં શ્રીરામકૃષ્ણદેવના શ્રીમુખેથી ઉચ્ચારાયેલી ઉપમાઓ આપણને વિસ્મય પમાડે છે, એટલું જ નહિ આપણું મન બોલી ઊઠે છે: ઉપમા રામકૃષ્ણસ્ય.

(૧) સૃષ્ટિની ઉત્પત્તિ થયા પછી આદ્યશક્તિ જગતની અંદર જ રહે. જગતનો પ્રસવ કરે, તેમજ તેની અંદર રહે. વેદમાં છે ઊર્ણનાભિ: એટલે કરોળિયાની વાત. કરોળિયો અને એની જાળ, કરોળિયો પોતાની અંદરથી જ જાળ બહાર કાઢે, તેમજ પોતે એ જાળની અંદર રહે. તે જ પ્રમાણે ઈશ્વર જગતનો આધાર અને આધેય બંને.

(૨) ઈશ્વર સાકાર કે નિરાકાર? શ્રીરામકૃષ્ણ: જાણે કે સચ્ચિદાનંદ સમુદ્ર. ક્યાંય કિનારો નહિ. તેમાં ભક્તિ રૂપી ઠંડીથી પાણી ઠેકાણે ઠેકાણે જામીને બરફ થઈ જાય. અર્થાત્ ભક્તની પાસે એ જ સચ્ચિદાનંદ ક્યારેક ક્યારેક શક્તિ તરીકે સાકાર રૂપ લે. જ્ઞાન સૂર્ય ઊગે એટલે તેનો બરફ જેવો સાકારભાવ ઓગળી જાય, એ વખતે પછી ઈશ્વરનો વ્યક્તિ રૂપે અનુભવ થાય નહિ, તેનાં રૂપનું દર્શન થાય નહિ.

(૩) બ્રહ્મનું સ્વરૂપ કેવું તે મોઢેથી બોલી શકાય નહિ. એક મીઠાની પૂતળી સમુદ્ર માપવા ગઈ હતી. સમુદ્રમાં જવી ઊતરી કે તરત જ ઓગળીને સમુદ્રમાં મળી ગઈ. પછી સમુદ્રના ખબર કોણ આપે?

(૪) બ્રહ્મ અને શક્તિ અભિન્ન. જેમ કે અગ્નિ અને એની દાહક શક્તિ. અગ્નિ કહેતા જ દાહકશક્તિ સમજી શકાય. દાહક શક્તિ કહેતાં જ અગ્નિ સમજી શકાય.

(૫) આ જગત, સંસાર ઈશ્વરના સત્ત્વ, રજસ્ અને તમસ્ ગુણોથી થયેલું છે. પરંતુ ઈશ્વર પોતે અલિપ્ત. વિજ્ઞાનીઓ જુએ કે બ્રહ્મ તે જ ભગવાન. તે જ ષડૈશ્વર્ય પૂર્ણ. જે શેઠને ઘરબાર હોય નહિ અથવા વેચાઈ ગયા હોય એ શેઠ પછી શેઠ શેનો? ઈશ્વર ષડૈશ્વર્યપૂર્ણ. તેને જો ઐશ્વર્ય ન હોત તો એને માનત કોણ?

(૬) સંસાર જાણે વિશાલાક્ષીનો વમળ, નાવ એકવાર એ વમળમાં સપડાય તો પછી બચે નહિ. બોરડીના કાંટાની પેઠે એક કાઢો તો બીજો ભરાય. ભૂલભુલામણીમાં એકવાર પેઠા એટલે પછી નીકળવાનું કઠણ. સંસારમાં માણસ જાણે કે બળી જળી જાય.

(૭) જીવને હું પણાને લીધે જ આ બધું દુ:ખ. બળદ હમ્મા (હું) હમ્મા (હું) કરે તેથી જ તો તેને આટલું દુ:ખ. એને હળે જોડે, એ તડકો, વરસાદ સહન કરે. છેવટે વળી કસાઈ કાપે, એના ચામડામાંથી તાંત તૈયાર થાય. એ તાંતથી પિંજણ બને. ત્યારે પછી હમ્મા બોલે નહિ. ત્યાર પછી ‘તુંહૂ’ ‘તુંહૂ’ (તમે તમે) બોલે, ત્યારે છુટકારો થાય. હે ઈશ્વર, હું દાસ, તમે પ્રભુ, હું બાળક તમે મા.

(૮) અભિમાન હોય તો ઈશ્વરદર્શન થાય નહિ. અહંરૂપી ટોચ પર ઈશ્વરની કૃપારૂપી જળ એકઠું થાય નહિ; નીચે ઢળી પડે. હું યંત્ર માત્ર.

(૯) અંતરમાં સોનું પડ્યું છે. પણ હજી એની ખબર પડી નથી. જરા માટી નીચે દબાઈ રહેલું છે. જો એકવાર પતો લાગે તો બીજાં કામ ઓછાં થઈ જાય. ગૃહસ્થના ઘરની વહુ બે જીવવાળી થઈ હોય ત્યારે તેની સાસું એનાં કામ ઓછાં કરી નાખે. નવ માસ થયે જરાય કામ કરવા દે નહિ. અને બાળક આવે એટલે પછી એ છોકરાને જ લઈને રહે. એટલે કહું છું કે પ્રથમ કર્મોની મોટી ભાંજગડ હોય. ઈશ્વર તરફ આગળ વધો તેટલાં કર્મો ઓછાં થતા જાય, છેવટે કર્મત્યાગ અને સમાધિ.

(૧૦) જીવો જાણે કે અનાજના દાણા; ઘંટીની અંદર પડ્યા છે; પિસાઈ જવાના. પરંતુ જે કેટલાક દાણા વચલા ખીલાને વળગી રહે, તેઓ પિસાતા નથી. એટલા માટે ખીલાના એટલે કે ઈશ્વરના શરણાગત થવું જોઈએ. ઈશ્વરને સ્મરો, એનું નામ લો, ત્યારે મુક્ત થવાય. નહિતર કાળ રૂપી ઘંટીમાં પિસાઈ જવાના.

(૧૧) સોય કાદવથી ખરડાઈ હોય તો લોહચુંબક તેને ખેંચે નહિ. કાદવ ધોઈ નાખીએ તો લોહચુંબક તેને ખેંચે. તેવી રીતે મનનો મેલ આંખનાં આસુંથી ધોઈ નાખી શકાય. પશ્ચાત્તાપથી કોઈ રડે તો મેલ ધોવાઈ જાય, તો પછી ઈશ્વર રૂપી લોચુંબક મન રૂપી સોયને ખેંચી લે, ત્યારે સમાધિ થાય. ઈશ્વરદર્શન થાય.

(૧૨) બધા માર્ગોથી ઈશ્વર પાસે પહોંચી શકાય. મૂળ વસ્તુ છે અગાસી પર ચડવું તે. તમે પાકાં પગથિયાં પર થઈને ચડી શકો, લાકડાના દાદરાથી પણ ચડી શકાય, તેમ એક વગર છોલેલા વાંસ વડે ય ચડી શકો.

જો કહો કે બીજાના ધર્મમાં કેટલીયે ભૂલો છે; તો હું કહું છું કે ભલે રહી. ભૂલો બધા ધર્મોમાં છે. સૌ એમ માને છે કે પોતાની ઘડિયાલ બરાબર ચાલે છે.

આમ ઘણી ઉપમાઓ પ્રયોજીને શ્રીરામકૃષ્ણે આધ્યાત્મિક જગતનું ગૂઢ જ્ઞાન, જીવન અને પૂર્ણતાની ઉપલબ્ધિ સમજાવ્યાં છે. 

નાનપણથી અક્ષરજ્ઞાનની વિદ્યાને નકારતા શ્રીરામકૃષ્ણ એક પ્રખર પંડિત કરતાં ય સુંદર ઉપમાઓ અને દૃષ્ટાંતો આપી લોકોપદેશ કરે છે.

Total Views: 17

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.