(સસ્તું સાહિત્ય વર્ધક કાર્યાલય, દ્વારા પ્રકાશિત ‘દિવ્ય વાર્તાઓ’ પુસ્તકમાંથી સાભાર.)

આખાયે ભારતવર્ષમાં જેની પાસે મૃતસંજીવની વિદ્યા હોય એવો તે એક જ હતો. ગમે તેટલાં ભયંકર વિષનો પણ ઉપચાર તેની પાસે હતો.

એનું નામ હતું કાશ્યપ.

એક વાર તેને કાને એક સમાચાર અથડાયા: ‘મહારાજ પરીક્ષિતને થોડાક જ દિવસોમાં તક્ષક કરડવાનો છે.’

પહેલાં તો આ વાત તેના માન્યામાં જ ન આવી. મહારાજ પરીક્ષિત, અભિમન્યુ અને ઉત્તરાનો પુત્ર, ગાંડિવધન્વા પાર્થનો પૌત્ર, હસ્તિનાપુરમાંના સિંહાસનનો સ્વામી, ભારતનો ચક્રવર્તી…. એમ ક્યાં રેઢો પડયો છે એ, કોઈ સામાન્ય માણસની પેઠે કે કોઈ એરુ એને આભડી જાય! અને વળી તક્ષક કાંઈ આગળથી નોતરું આપીને ઓછો જ કરડવા આવવાનો હતો, વાજતે – ગાજતે!

કાશ્યપે તપાસ કરવા માંડી – જાણકાર અને વિશ્વાસપાત્ર વર્તુળોમાં, તો વાત એમ નીકળી કે મહારાજ એક વાર મૃગયા કરવા ગયા હતા, ત્યાંથી મૃગને બદલે સાપ ઉપાડતા આવ્યા હતા.

એ જમાનામાં નર્મવૃત્તિ કૈંક ઓછી હશે, નારદ જેવા એકાદ બે અપવાદ સિવાય. શૃંગી ઋષિની સમાધિસ્થ ડોકમાં મરેલા સર્પનો હાર વીંટાળતી વખતે, ભારતના સમગ્ર ઋષિકુલનો કે સમગ્ર બ્રાહ્મણવર્ણનો કે શૃંગી ઋષિના કુટુંબનો કે છેવટે ખુદ શૃંગીનો પણ, દેહાંતદંડને પાત્ર કોઈ મહાભયંકર અપરાધ પોતે કરી રહ્યા છે એવું પરીક્ષિતને ભાન જ નહોતું! કૈંક ચીડમાં અને કૈંક વિનોદમાં તેણે આમ કર્યું હશે. તે થાકેલો હતો, ભૂખ્યો અને તરસ્યો હતો, ઉતાવળો પણ હતો. તેનો શિકાર તેને હાથતાળી દઈને છટકી ગયો હતો – તેના માણસો તો; અને શિકાર – મૃગયા – એ તો ક્ષત્રિય તરીકે અને રાજવી તરીકે એનો ધર્મ હતો. શૃંગી ઋષિ પાસેથી તેણે આમ પોતાના એક ધર્મકાર્યમાં જ મદદ માગી હતી. અને વળી મદદેય તે એવડી શી મોટી હતી જે! એના બાણથી વીંધાયેલો પેલો મૃગ શૃંગીના આશ્રમની પાસે થઈને નાઠો હતો, તે કઈ દિશામાં ગયો તે જાણવા પૂરતી જ તો!

પણ ઋષિ હતા પોતાના ધર્મમાં રત, સમાધિસ્થ. આવે વખતે આશ્રમની નજીક થઈને કોઈ વીંધાયેલ મૃગ તો શું, પણ કોઈ મત્ત માતંગરાજ પણ નીકળે; તો તેની સુદ્ધાં તેમને ખબર ન પડે! ખબર નહિ શા માટે, કાલિદાસે દુષ્યંતની અનંગમૃગયા માટે રંગમંચ સાફ કરવાના હેતુથી કુલપતિ કણ્વને આશ્રમની બહાર તગડી મૂક્યા હશે! એટલું કામ તો કણ્વને સમાધિમાં બેસાડયા હોત, તો પણ થઈ જાત!

બિચારા શૃંગી! એમને બાપડાને તો આ બધી રામાયણની – કે ભાગવતની! ખબર પાછળથી જ પડી. સમાધિમાંથી જાગ્યા પછી! ચિરંજીવી શમીકે બધીયે વાત એમને માંડીને કરી, ત્યારે!

પરીક્ષિતે એમને, એટલે કે, એમના સમાધિસ્થ શરીરને મૃગની દિશા પૂછી. સમાધિસ્થ શરીરે એ પૃચ્છાની સ્વાભાવિક રીતે જ ઉપેક્ષા કરી. રાજા ચિડાયો, પણ તેની ધર્મવૃત્તિ સતેજ જ રહી. એ સતેજ ન રહી હોત, તો રાજાની ચીડ તો બીજી અનેક રીતે વધુ હિંસકરૂપે પણ વ્યક્ત થઈ શકી હોત.

રાજાએ એક મરેલા સર્પને ઋષિની પાસે પડેલો જોયો. ક્યાંથી આવ્યો હશે એ સર્પ, બરાબર આ જ વખતે, ઋષિની નજીકમાં જ મરીને અનેકને મારવા માટે! અને મર્યો કેવી રીતે હશે તે! ઋષિના તપ:પ્રભાવથી સ્તો! ઓછામાં ઓછું પરીક્ષિતને તો એમ લાગ્યું જ હોવું જોઈએ! સમાધિમાં બેઠા બેઠા પણ આવા સર્પોને સંહારીને પોતાનું રક્ષણ કરી શકો છો, પણ આશ્રમની નજીક થઈને જતા આવતા મૃગોની ખબર રાખી શકતા નથી કાં! તો લ્યો!

પરીક્ષિતની પેઠે શમીકમાં પણ નર્મવૃત્તિ સતેજ હોત, તો આ વાત આટલેથી જ અટકી જાત અથવા ઓછામાં ઓછું આવડું ભયંકર રૂપ તો તેણે ધારણ કર્યું ન જ હોત! પણ જગતથી દૂર રહેતા જુવાનિયામાં, જમાનાના ખાધેલા કોઈ બુઢ્ઢા જેટલી સમતોલતા, સ્વસ્થતા, ઔચિત્ય – અનૌચિત્ય, વિવેકવૃત્તિ ક્યાંથી હોય? બાપના ખભા ઉપર સાપનું મૃત શરીર જોઈને જ એ તો છેડાઈ પડયો. પિતા સમાધિમાંથી ઊઠે અને કૈક પ્રકાશ પાડે તેની વાટ જોવા પણ એ ન રોકાયો. અધૂરામાં પૂરું, તેની પાસે થોડાક સમવયસ્ક મિત્રો પણ હાજર હતા: બળતામાં ઘી હોમવા! આ મિત્રોની પાસે તેણે ઘણીયે વાર બડાશો મારી હશે, પોતાના તપોબળની, પોતાની સામે કોઈ આંગળી પણ ઊંચી કરે, તો એ આંગળીને એક જ ભ્રૂકુટિ ભંગથી સરગવાની એક સૂકેલી શીંગમાં પલટી નાખવાની!

આ સ્થિતિમાં પિતાની ડોકે ઝૂલતા આ સર્પ -હારની સામે આંખ આડા કાન તે શી રીતે કરી શકે? એ  કરવા ધારે તોપણ દોસ્તારો કરવા જ શાના દે! તેમને તો વગરખર્ચનું નાટક જોવાની એક અભૂતપૂર્વ તક સાંપડી ગઈ હતી, ઘેર બેઠાં! કોઈ કુશળ નાટકકાર રચી શકે એથીયે સરસ સંવિધાન અહીં રચાઈ ચૂકયું હતું, દેવાધિદેવ અકસ્માતને હાથે! નહિતર કયાં સમાધિસ્થ ઋષિ અને કયાં મૃત સર્પ અને કયાં એ બંનેનો યોગ કરાવી આપનાર પરીક્ષિત! પરાકાષ્ટા આણવા માટે હવે તેમના થોડાક શબ્દોની જ જરૂર હતી. એ તેઓ શા માટે પૂરા ન પાડે?

તેમાંના એકનું નામ હતું કૃશ. લાકડાંનો ખડકલો ભળ્યો કે હોળી ચેતવવી જ એવી તેની ટેવને કારણે જ કદાચ એ સદા સુકલકડી – કૃશ-રહેતો હશે!

શમીકનો ઉશ્કેરાટ કૈંક ઓસરે તે પહેલાં જ આ કૃશ એને મેણાં ઝીંકવા માંડે છે: ‘તારા તેજસ્વીપણાની અને તપની ઠેકડી કરતું આ દૃશ્ય જો, ભાઈ શમીક! ક્યાં ગઈ તારી મર્દાનગી? ક્યાં ગઈ દર્પભરી તારી ડંફાસો?’

બસ થઈ રહ્યું: જામગરીમાં તણખો મૂકાઈ ગયો. ‘આજથી સાતમે દિવસે’ પરીક્ષિતનો પ્રાણ તક્ષક લે, એવી વ્યવસ્થા થઈ ગઈ.

કાશ્યપે એ આખી કથા, કટકે કટકે સાંભળી અને એને પોતાની મૃતસંજીવની વિદ્યા યાદ આવી. એ સિદ્ધિ આવે વખતે કામ નહિ આવે, તો પછી ક્યારે કામ આવશે? કીર્તિ અને કંચન – બંને તેની સામે પોતાની તમામ  શક્યતાઓનું પ્રદર્શન ભરીને ઊભાં હતાં. સંજીવનીનો ચમત્કાર તે બતાવે એટલી જ વાર! પછી એ આખા ય પ્રદર્શનનો માલિક તે પોતે જ!

તે હસ્તિનાપુરની નેમ નોંધીને ચાલી નીકળ્યો. માર્ગ ઉપર ઠીક ઠીક અવરજવર હતી. શમીકના શાપની વાત ઘણા ખરાની જીભ ઉપર ચઢી ગઈ હતી. તે સુલભ-ક્રોધ મુનિપુત્રે ભૂતકાળમાં કેવા કેવા ચમત્કારો કર્યા હતા! તે તે ચમત્કારોના સર્જન વખતે પોતે જાણે હાજર જ ન હોય, એવી રીતે કોઈ કોઈ એમને વર્ણવતા જતા હતા; કોઈ ‘એવા ભામટા તો અનેક પડયા છે, એમ જો શાપ ફળતા હોત, તો ભારતમાં કેવળ ભામટા જ બાકી રહેત અને છેવટે તેઓ પણ એકમેકને શાપ આપીને ખતમ થાત,’ એવી મશ્કરીઓ કરતા કરતા પંથ કાપતા હતા; કોઈ વળી ‘એ જ લાગનો છે, એ!’ એમ કહી, પરીક્ષિતને મળેલા શાપનું સમર્થન કરતા હતા, તો કોઈ ‘આટલો નાનકડો અપરાધ, અને આવડી મોટી સજા!’ એમ કહીને જગતની રચનામાં પ્રવર્તતા અન્યાય સામે તત્ત્વજ્ઞ પણ લાચાર આંગળી ચીંધી રહ્યા હતા.

ટૂંકમાં બધાય જાણે કોઈ અઘટિત ઘટના બની ગઈ હોય અને પોતે એ પ્રારબ્ધલીલાના અસહાય સાક્ષીઓ હોય એવી રીતે વર્તતા હતા.

‘પણ હું પોતે પણ ક્યાં પૃથગ્જનોનાં આ ટોળાંમાંથી કોઈ જુદી જાતનો છું?’ હસ્તિનાપુર અને પોતા વચ્ચેનું અથવા કહો કે, કંચન-કીર્તિ અને પોતાની લોલુપતા વચ્ચેનું – અંતર ઝપાટાભેર ઓછું કરી રહેલા કાશ્યપે પોતાના મન સાથે વાર્તાલાપ કરવા માંડયો.

‘તું?’ મન તેને પડકારવા માંડયું: ‘તારાં અને આ ટોળામાં હાથી – ઘોડા જેટલો ફરક છે!’

‘કેવી રીતે? તેણે મનને સામો સવાલ પૂછયો.

‘કેવી રીતે?’ મન જાણે તેના ચાળા પાડતું હોય તેમ બોલી ઊઠયું: ‘આ ટોળું તો ખરેખર અસહાય છે. તક્ષકના વિષની સામે પોતાના મહારાજાનું રક્ષણ કરવાની તેમની હાર્દિક ઈચ્છા હોત, તોપણ તે તેમ કરી શકતું નથી. ત્યારે તું તો વૈદ્યરાજ છે. તારી પાસે તો કાતિલમાં કાતિલ સર્પદંશનો અમોઘ પ્રતિકાર છે.’

‘એ છે માટે હું નીકળ્યો છું મહારાજાનું જીવન બચાવવાનો સંકલ્પ કરીને,’ એક આંખને સહેજ વાંકી કરીને તેણે પોતાનો બચાવ ઉચ્ચાર્યો -બીતા બીતાં…

‘હું આખા જગતને છેતરનાર, તેને તું છેતરી શકીશ?’ મન ત્રાડી ઊઠયું. ‘તું મહારાજાનું જીવન બચાવવા દોડયો છે કે કંચન કમાવા?

‘એક કાંકરે અનેક પક્ષીઓ મરતાં હોય તો વાંધો શો છે?’ તેણે દુન્યવી ડહાપણની ફિલસૂફી ફેંદવા માંડી.

‘વાંધો? વાંધો એક જ અને મોટામાં મોટો, એક કાંકરે અનેક પક્ષીઓને મારવા નીકળનારાઓ આખરે તો પોતાની જાતને જ મારે છે- એ જ કાંકરાથી!’

આજે તેનું મન કંઈક વધુ પડતું વેદિયું બની ગયું હતું એમ તેને લાગ્યું. તે તેને બોધ આપ્યે જ જતું હતું:

‘અમૃતનો એક જ ઉપયોગ હોઈ શકે: મૃતને પુનર્જીવન બક્ષવાનો. એ વખતે કીર્તિ અને કંચનની ગણતરી કરવા બેસવું એ અમૃતનું અપમાન કરવા બરાબર છે!’

‘ચૂપ રહે વેદિયાઢોર!’ દલીલથી કંટાળેલા કાશ્યપે મનને એક તમાચો મારીને શાંત કરવાનો પ્રયત્ન કર્યો.

પણ મન જેનું નામ. તમાચાઓથી એની ખંધાઈ કે વાચાળતા ઓછાં જ ઓછાં થવાનાં હતાં!

પડછાયાની પેઠે કાશ્યપની પાછળ પાછળ ચાલતાં, તે માંડયું બબડવા:

‘વાહ રે ધન્વંતરિ વાહ! વાહ રે સંજીવનીના સાધક વાહ! સૃષ્ટિમાં સર્પદંશ શું આ પહેલી વાર જ થાય છે, તારા જીવન દરમ્યાન? તે દિવસે પેલો ડોસો, બળબળતા બપોરે, ખેતરમાં હળ હાંકતો હતો અને કોઈ કાળોતરાએ એને ફટકાવ્યો… અને… એનો ભત્રીજો દોડતો અને હાંફતો તારે ઘેર પહોંચ્યો… ત્યારે…’

‘ત્યારે હું વામકુક્ષી કરવાની તૈયારી કરતો હતો. આંખો ઉપર શ્રીખંડના જમણનું ઘેન હતું… અને…’

‘અને તું રકઝક કરતો રહ્યો….

‘અને ડોસો મારી દવા વગર, ઢીમ થઈને ઢળી પડયો. એ જ ને? સાચું છે! અક્ષરશ: સાચું છે. પણ મારેય તે પેટ છે ભાઈ! મહામુસીબતે મેળવેલી વિદ્યાને એમ ચોરે ને ચૌટે, ખળે અને ખેતરે વેરતો ફરું તો….’

‘ના રે ના; તારી વિદ્યા તે કૈં વાટે ને ઘાટે વેરવા માટે છે! એ તો છે વેચવા માટે – રાજાઓના મહેલોમાં અને શ્રીમંતોની હવેલીઓમાં.’

‘તું ગમે તેમ કહે,’ કાશ્યપે હાર્યા ભારતીયનું છેવટનું શસ્ત્ર ઉગામ્યું, ‘પણ ત્રુટીની કોઈ બૂટી નથી. એ ડોસાની બાજરી ખૂટી હશે માટે જ તો મારાથી વામકુક્ષીનો મોહ નહિ મુકાયો હોય. નહિતર કયાં તે દી મારે શ્રીખંડ ખાવો અને કયાં બળબળતે બપોરે એ ડોસાને હળ હાંકવાની કમતડી સૂઝવી…. અને કયાં એવે કટાણે ખેતરપાળનું યાંથી નીકળવું…. અને કયાં….! બધી પ્રારબ્ધની લીલા છે, ભાઈ!’

જિદ્દી મન સાથેના વાદવિવાદથી કાશ્યપ એટલો બધો કંટાળી ગયો હતો કે, છેલ્લા શબ્દો તેનાથી મોટેથી બોલાઈ જવાયા.

‘કાં મહારાજ, કેમના?’ બ્રાહ્મણ દેખાતા એક નવજવાને આ ઉદ્ગારોનો લાભ લઈને કાશ્યપની સાથે વાર્તાલાપમાં ઝુકાવ્યું.

કોણ જાણે કયારનોયે એની પાછળ પાછળ ચાલ્યો આવતો હશે, એ!

‘આ હસ્તિનાપુર તરફ!’ સહપ્રવાસીને બેચાર નિમેષ પગથી તે માથા સુધી નીરખી લઈને કાશ્યપે જવાબ આપ્યો.

‘મહારાજ પરીક્ષિતની વાત તો સાંભળીને! મોત નજીક હશે એટલે જ એમને આવું સૂઝયું!’

‘જગત જરૂર એમ ધારે!’ બીજાઓ નથી જાણતા. એવું કંઈક પોતે જાણે છે, એવા ભાવથી કાશ્યપે કહ્યું.

‘જગતને જવા દો, મહારાજ! તમે શું ધારો છો?’ સાથીએ જિજ્ઞાસા દાખવી.

‘હું?’ પોતાના મન સાથે થોડીક મસલત કરીને કાશ્યપે જવાબ દીધો, ‘હું ધારું છું કે મહારાજ પરીક્ષિતનું મોત નજીક નથી!’

‘એટલે? શું તક્ષક શમીકના શાપ પ્રમાણે….?’

‘તક્ષક જરૂર શમીકનું વચન રાખશે…. અને છતાં!’

‘અને છતાં પરીક્ષિત જીવતો રહેશે! તમે જબરા આશાવાદી લાગો છો મહારાજ!’ સહયાત્રીએ ખડખડાટ હસતાં ટકોર કરી.

‘જબરો કે નબળો, કોઈ પણ પ્રકારનો હું આશાવાદી નથી, બંધો!’ સહયાત્રીના અટ્ટહાસ્યથી સહેજ પણ ડઘાયા વગર કાશ્યપે પોતાની જાત વિષે માહિતી આપવા માંડી: ‘હું તો વાસ્તવવાદી છું નર્યો!…. પણ જવા દો. હવે કયાં ઝાઝા દિવસની વાર છે? જે થશે, તે આખું જગત જોશે!’

કાશ્યપે પોતાની ગતિ વધારી મૂકી. પણ પેલો નવો સહયાત્રી એમ કયાં તેનો કેડો મૂકે એમ હતો!

‘જરા ધીરે ચાલો, મહારાજ! મને રસ પડે છે તમારી વાતમાં,’ દોડીને સાથે થઈ જતાં તેણે કાશ્યપને આજીજી કરી.’

‘જગત શું જોશે?’

‘ચમત્કાર!’

‘કયા પ્રકારનો?’

‘કે તક્ષકનો કરડયો પણ જીવી શકે છે?!’

‘કોણ સાધશે એ ચમત્કાર?’

‘તેનું તમારે શું કામ છે? તમે નથી પરીક્ષિત કે નથી શમીક….?’

‘પરીક્ષિત અને શમીક કરતાં પણ, તમે કહો છો તેવા ચમત્કારમાં મને વધુ રસ છે, મહારાજ!’

‘કારણ!’

‘કારણ કે હું તક્ષક છું. મારી હિંસક શક્તિને નિષ્ફળ બનાવે એવો….’

‘એવો એક નુસખો મારી પાસે છે!’ સંપૂર્ણ સ્વસ્થતા સાથે તક્ષકનું અધૂરું વાકય કાશ્યપે પૂરું કર્યું. ‘જોવું હોય તો અબઘડી બતાવી દઉં! ડંખ દ્યો… આ લીલાકુંજાર વડલાને!… તમે ખરેખર તક્ષક હો તો!’

આખા જગતની આંખ સામે એક ગંભીર ગજગ્રાહમાં ઊતરતા પહેલાં પોતાના પ્રતિપક્ષની તાકાત માપી લેવાની આ અણધારી તક તક્ષકને ઝડપવા જેવી લાગી. બ્રાહ્મણનો વેષ છોડીને તેણે પોતાનું અસલ રૂપ ધારણ કર્યું…. અને જોતજોતામાં….

એક મહાભયંકર નાગના દંશથી પેલું લીલુંકુંજાર વૃક્ષ રાખનો ઢગલો થઈને પૃથ્વી પર પડયું.

‘લ્યો મહારાજ! હવે બતાવો તમારો ચમત્કાર!’ ફરી નકલી બ્રાહ્મણનું રૂપ ધારણ કરી તક્ષકે પડકાર ફેંકયો.

અને એ પડકારનો છેલ્લો શબ્દ તક્ષકના મોંમાંથી હજુ પૂરો બહાર પણ નહોતો નીકળ્યો, ત્યાં તો રાખના ઢગલામાંથી પેલું લીલુંકુંજાર વૃક્ષ પ્રગટ થઈ પણ ગયું!

‘અભિનંદન મહારાજ! લાખ લાખ અભિનંદન મારાં!’ અંતરની આગને અંતરમાં જ છુપાવી તક્ષકે કાશ્યપનો વાંસો થાબડયો.

‘રાખો રાખો હવે તક્ષકજી! અત્યારથી આપ મારા પર ઓળઘોળ થવા માંડશો તો હસ્તિનાપુરમાં શું કરશો? સાચાં અભિનંદન તો તમારે મને હજી હવે આપવાનાં છે – પરીક્ષિતને સજીવન કરીશ ત્યારે!’

‘એ પણ આપીશ, વખત આવશે ત્યારે, 

મહારાજ!’ કાશ્યપનું પાણી માપવાના મહાપ્રયાસ સાથે તક્ષકે આગળ ચલાવ્યું: ‘પણ એવાં અભિનંદનોથી તમારું દળદળ ઓછું ફીટવાનું છે? આમ જુઓ,’ અવાજને બિલકુલ ધીમો કરી નાખીને તેણે પેટ ખોલવા માંડયું. ‘પરીક્ષિત અંતે તમને શું નિહાલ કરી નાખવાનો છે?’

‘લાખેક સોનામહોરો તો સહેજે જ આપશે.’ કાશ્યપની લોલુપતાએ પોતાના માલિકની કિંમત આંકી આપી!

‘કબૂલ, પણ હું તમને દશ લાખ સોનામહોર આપું તો?… તમે સમજી ગયા હશો, મહારાજ, આ મારી પ્રતિજ્ઞાનો સવાલ છે.’

‘તો જેવું પરીક્ષિતનું પ્રારબ્ધ!’ તક્ષકની ‘ઓફર’નો તત્કાલ સ્વીકાર કરતાં કાશ્યપે કર્મનો સિદ્ધાંત સમજાવવા માંડયો, ‘એની બાજરી હશે તો એ મારા નુસખા વગર પણ….’

અને દશ લાખ સોનામહોરોનું ગાડું ભરીને – પ્રારબ્ધની લીલાનાં ગીત ગાતો કાશ્યપ હસ્તિનાપુર જવાને બદલે પોતાને ગામ પાછો ફર્યો….

અને શમીકના શાપ અનુસાર, તક્ષકના વિષથી મૃત્યુ પામેલા પરીક્ષિતને, પ્રારબ્ધની લીલા ગાતું ગાતું તે વખતનું ભારત, બે – ચાર દિવસ સંભારીને પછી વીસરી ગયું!

આ વાતને, પુરાણકારોની ગણતરી પ્રમાણે, આજ લગભગ પાંચ હજાર વરસ વીતી ગયાં છે….

પણ મૃતસંજીવની સમી પોતપોતાની સિદ્ધિઓને પ્રારબ્ધની લીલા ગાતાં ગાતાં, વધુમાં વધુ દ્રવ્ય આપનારને વેચીને, કાતિલ વિષ વમતા તક્ષકોને મોકળું મેદાન આપનારા કાશ્યપનો વંશવેલો હજુ એવો ને એવો જ લીલો છે….

ભારતીય સંસ્કૃતિની આધ્યાત્મિકતા અને સાત્ત્વિકતાની ગૌરવગાથા ગાતાં આપણી જીભ કદી ધરાતી નથી….

પણ દધીચિ અને શિબિ, જનક અને ભગીરથ, ગાર્ગી અને મૈત્રેયી યાજ્ઞવલ્કયની પત્ની આદિની સાથે સાથે…. આવા કાશ્યપોનું નામસ્મરણ પણ કદી કદી કરતા રહેવું જોઈએ…. આપણી નમ્ર્રતાને ટકાવી રાખવા માટે.

Total Views: 5

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.