આ જીવન અલ્પકાલીન છે, સંસારના મોજશોખ ક્ષણભંગુર છે; પણ જેઓ બીજાને માટે જીવે છે તેઓ જ ખરેખર જીવે છે; બાકીના બીજા બધા તો જીવતા કરતાં મરેલા વિશેષ છે.

– સ્વામી વિવેકાનંદ

ગર્ભાધાન, જન્મ, વૃદ્ધિ, કર્મફળને લીધે ઉદ્ભવતી ઘટનાઓ, અમુક માંદગીઓ, વૃદ્ધાવસ્થા અને મૃત્યુ આપણા અસ્તિત્વમાં વણાઈ ગયેલાં અને પૂર્વનિધાર્રિત હોવાથી તે અનિવાર્ય છે, વૈકલ્પિક નથી. તેથી જ પરમશક્તિનાં ગૂઢ રહસ્યોને સારી રીતે સમજી અને અનુભવી શકેલા મહર્ષિ અરવિંદે કહ્યું હતું કે વિશ્વનિર્મિતનું પ્રથમ આધ્યાત્મિક રહસ્ય જન્મ છે અને બીજું રહસ્ય મૃત્યુ છે. નિર્માણથી નિર્વાણ સુધી ચાલ્યા કરતી આ ઘટમાળને તેમણે આધ્યાત્મિક ઉત્ક્રાંતિ તરીકે વર્ણવી છે. આ નક્કર વાસ્તવિકતાની જાણ હોવા છતાં મૃત્યુને સહજપણે અપનાવી લેવું અને કાળના મહાસાગરના એક તરંગ જેવાં જીવનનો સદુપયોગ કરવો તેનો ખ્યાલ કેટલાંકને નથી આવતો. દવા, ટોનિક, ઈન્જેક્શન, શસ્ત્રક્રિયા, કેમોથેરપિ, ડોક્ટર, હોસ્પિટલ, અતિદક્ષતા વિભાગ (આઈ.સી.યુ.) – ટૂંકમાં તબીબી વિજ્ઞાનની ઘણી ક્ષમતા હોવા છતાં તેની સીમા છે તે પણ યાદ રાખવું ઘટે. આપણે આ બાબતનું એક પ્રત્યક્ષ ઉદાહરણ જોઈએ.

૯૫ વર્ષના રામભાઈની થાળીમાં ખીચડી પીરસી, તેમાં ઘી પીરસવા જતાં ૮૯ વર્ષનાં પત્ની કંચનબેનના હાથમાંથી ઘીની બાટલી છટકીને નીચે પડી ગઈ. તે ઉપાડવા જતાં તેમણે શરીરનું સંતુલન ગુમાવ્યું અને પોતે પણ પડી ગયાં. આ વયે પડવાનું પરિણામ સામાન્ય રીતે જે આવે છે તે જ આવ્યું. તેમને થાપાના હાડકાનું ફ્રેક્ચર થયું. આ બનાવ તેમની જિંદગીના અંતનો આરંભ હતો. હોસ્પિટલમાં દાખલ કરી કંચનબેનના તૂટેલા હાડકાને જોડવાની શસ્ત્રક્રિયા કરવામાં આવી, જે સફળ થઈ. પરંતુ ચાર દિવસ પછી નર્સ સાથે વાત કરતાં કરતાં તે ઢળી પડ્યાં. પત્નીના મૃત્યુ પછી રામભાઈનું સ્વાસ્થ્ય ઝડપથી નબળું પડવા માંડ્યું. જેની સાથે પંચોતેર વર્ષ ગાળ્યાં હતાં તે સહધર્મચારિણીના મૃત્યુને લીધે જિજીવિષા ન રહી હોય કે સમયે પોતાનો ધર્મ બજાવ્યો હોય, ગમે તે કારણ હોય પણ પુત્રીઓની પ્રેમાળ સારસંભાળ મળવા છતાં લગભગ પાંચ અઠવાડિયાં પછી તેમની સ્થિતિ વધારે પ્રમાણમાં કથળી, ફેમિલી ડોક્ટરે તેમને ઈન્ટેન્સીવ કેર યુનિટમાં ખસેડવાની સલાહ આપી.

આ સલાહનો અમલ કરવા મારાં માતા તેમજ મામીએ મને ફોન કર્યો. જે નાના-નાનીના હાથમાં મારો ઉછેર થયો હતો અને જે વડીલની મને ખૂબ માયા હતી તેને વિશે લાગણીવશ ન થઈ જવાય તેની તકેદારી રાખી મેં મારું સૂચન જણાવ્યું: ‘રામભાઈએ તેમની પ્રવૃત્તિમય જિંદગીનાં ઘણાં વર્ષો રચનાત્મક કાર્યોમાં વીતાવ્યાં છે. કુટુંબની બધી જ જવાબદારી પૂર્ણ કરી છે. હવે જો તેમનું જીવન સંકેલાઈ જાય તો જરા પણ કચવાયા વગર આપણે આ વાસ્તવિકતા અપનાવી લેવાની છે. ઈન્ટેન્સીવ કેર યુનિટમાં દાખલ કરવાથી ઉપકરણો, ઈન્જેકશન વગેરેની મદદથી ત્રણ-ચાર દિવસ માટે કે તેથી વધારે સમય કૃત્રિમ રીતે તેમના શ્વાસોચ્છ્વાસ અને હૃદયના ધબકારા ચાલુ રાખી શકાશે, પરંતુ સક્રિય કે રચનાત્મક થવાની પૂર્વવત્ ક્ષમતા હવે પાછી નહિ આવે.’ ઉપર જણાવેલા સ્વામી વિવેકાનંદના શબ્દો જરા જુદી રીતે સમજાવતાં મેં કહ્યું કે આ ઈલાજો જિંદગી નહિ લંબાવે, એ મરણની પ્રક્રિયા લંબાવશે.

આ નિર્ણય લઈ રામભાઈને ઘરમાં જ રાખ્યા. ત્રીજે દિવસે તેમના શ્વાસોચ્છ્વાસ ધીમા પડવા માંડ્યા, હૃદયના ધબકારાની ગતિ મંદ પડવા માંડી, શરીરનું હલનચલન બંધ થઈ ગયું. થોડીવાર પછી જેમ ઊંઘમાં નાનકડાં બાળકના ચહેરા પર નિર્દોષ, મીઠું સ્મિત આવે તેવું જ સ્મિત તેમના ચહેરા પર આવ્યું અને પ્રભુ સ્મરણ કરતાં, તેમના શરીરે પ્રેમથી હાથ ફેરવતાં સ્વજનો વચ્ચે તેમણે દેહત્યાગ કર્યો. આ બનાવ પછી કે.ઈ.એમ. હોસ્પિટલના અધિષ્ઠાતા તરીકે ફરજ બજાવતી હોવા છતાં મેં મારા નાનાને કે.ઈ.એમ. કે બીજી ખાનગી હોસ્પિટલમાં દાખલ ન કર્યા, ઈલાજ કર્યા વગર ઘરમાં જ રાખ્યા, આવું ન કરવું જોઈએ… જેવો શાંત કોલાહલ થયો. પરિણામનો પૂરેપૂરો વિચાર કર્યા પછી આ નિર્ણય લીધો હોવાથી બીજાં શું કહે છે તેની મને પરવા નહોતી. મૃત્યુ સમયનો ધર્મ છે. તેથી તેની સાથે ક્યારે સંઘર્ષ કરવો, ક્યારે તેનો સ્વીકાર કરવો અને ક્યારે સમર્પિત થઈ જવું તેવી વિવેકબુદ્ધિ માત્ર વ્યક્તિનાં સ્વજનોએ જ નહિ, ડોક્ટરોએ પણ કેળવવી આવશ્યક છે. શું કરી શકાય તેની માહિતી વિજ્ઞાન આપે છે, પરંતુ શું કરવું જોઈએ તે સંજોગો પ્રમાણે આપણી ફિલસૂફીએ ઠરાવવાનું છે.

મૃત્યુનો ભય ઘણીવાર મૃત્યુને જ નહિ, જિંદગીને પણ મુશ્કેલ બનાવી દે એવું બને. લાંબુ જીવવાની ઇચ્છાનું કારણ જિંદગી પ્રત્યેના પ્રેમ કરતાં મૃત્યુનો ભય હોય છે. મૃત્યુ સમયે કે ત્યાર પછી વેદના થશે, યમના દૂતો યાતના આપશે, નર્કમાં જવું પડશે, સ્વજનોને છોડી અજાણ્યા પ્રદેશમાં એકલા જવું પડશે, મૃત્યુ પછી શું થશે વગેરે વિચારોને લીધે એક દિવસ ભય – ફિયર ઓફ અનનોન’ ઉદ્ભવે છે. મૃત્યુ વિશે ચર્ચા કરવી તે પણ અમંગળ-અશુભ લેખાતું હોવાથી બહુ ઓછાં કુટુંબોમાં સવિસ્તાર ચર્ચા થાય છે. આવું ધૂંધળું અને ગેરસમજવાળું ચિત્ર ભૂંસી નાખી સ્પષ્ટ ચિતાર જાણવો આવશ્યક છે. આવું બને તો જ સ્થૂળ દેહની નશ્વરતા અને દેહમૃત્યુની અનિવાર્યતા અપનાવવાની ક્ષમતા અને શક્તિ નિર્માણ થઈ શકશે.

માનવી મૃત્યુ પામે ત્યારે સર્વપ્રથમ તેના કારણ- શરીરનું મૃત્યુ થાય છે, ત્યારબાદ સૂક્ષ્મ શરીરનું અને છેલ્લે સ્થૂળ શરીરનું. મૃત્યુનો પ્રથમ તબક્કો છે, મૃત્યુની ઝાંખી થવી. આ તબક્કામાં હળવાશનો કે ગાઢ નિદ્રાનો અનુભવ થાય છે. ત્યાર બાદ કારણશરીરનું મૃત્યુ થતાં પરમશાંતિ, નિષ્ક્રિય-નિર્વિચાર અવસ્થા, હળવાશ અને અસ્તિત્વહીનતાનો અનુભવ થાય છે. આ ક્ષણિક અચેતનાવસ્થા દરમિયાન કૃત્રિમ ઉપાયોથી કે આપમેળે સચેતનાવસ્થામાં આવી ગયેલી આવી વ્યક્તિ પોતાને અતિશય સુખદ-વર્ણનાતીત અનુભવ થયો એવું જણાવે છે. અંગ્રેજીમાં આને Near Death Experience (N.D.E) કહેવાય છે. આ તબક્કામાં કોઈવાર બહુ જ અલ્પ સમયમાં પોતાના વીતેલાં જીવનનાં ઘણાં દૃશ્યો જોવા મળે અને ત્યારબાદ પરમશાંતિ અનુભવાય તેવું બને. આ બનાવની સરખામણી શાંત પોઢેલી અથવા બધિરીકરણ પછી આવતી હળવી બેશુદ્ધાવસ્થા સાથે કરી શકાય. ત્યાર બાદ સૂક્ષ્મ શરીરનું મૃત્યુ થાય છે. આત્મા તેનું જૂનું આવરણ છોડી વિદાય લે છે. છેવટના તબક્કામાં સ્થૂળ શરીરનું મૃત્યુ થાય છે. શરીરના કોશો નિષ્ક્રિય-નિશ્ચેતન બની જાય છે. શરીરની પ્રક્રિયાઓનું સૂત્રસંચાલન કરતા મગજના કોશોની કામગીરી બંધ પડે છે, શ્વાસોચ્છ્વાસ બંધ પડે છે. હૃદય ધબકતું બંધ થઈ જાય છે અને બધી જ જીવનાવશ્યક પ્રક્રિયાઓ સ્થગિત થઈ જાય છે. ટૂંકમાં આ સંપૂર્ણ પ્રક્રિયા પરમશાંતિનો આહ્લાદક અનુભવ કરાવે છે.

મૃત્યુ, મુક્તિ, મોક્ષ, નિર્વાણ, મરણોત્તર અસ્તિત્વ અને પુનર્જન્મ વિશે આપણું જ્ઞાન અપૂર્ણ અને ધૂંધળું હોવાથી મતભેદો પ્રવર્તે છે. એક બાબત સ્પષ્ટ છે કે પ્રકૃતિના નિયમોનું આદરપૂર્વક પાલન, સદ્વિચાર, સદાચાર, શ્રદ્ધા અને કર્તવ્યપાલન વિ. નિર્માણથી નિર્વાણ તરફની યાત્રા માટેનું આવશ્યક ભાતું છે અને છેલ્લે એક મહત્ત્વની વાત યાદ રાખીએ – પરમશાંતિ માટે પ્રભુ સાથે – બ્રહ્મ સાથે તાદાત્મ્ય સાધવા ઇચ્છતી વ્યક્તિની અધીરાઈ કરતાં તેને પોતામાં સમાવી લેવાની પ્રભુની તાલાવેલી વધારે ઉત્કટ છે.

Total Views: 11

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.