સ્વામી કલ્યાણાનંદજી મહારાજ સ્વામી વિવેકાનંદના સંન્યાસી શિષ્ય હતા. અંગ્રેજી પુસ્તક ‘મોનાસ્ટિક ડિસાય્પલ્સ ઓફ સ્વામી વિવેકાનંદ’માંથી. – સં.

(હાલના બાંગ્લાદેશના બરીસાલ જિલ્લાના વજીરપુર કસબાની નજીક હનુઆ નામના ગામમાં ઉમેશચંદ્ર ગુહાના પુત્રરૂપે જન્મ્યા હતા. ગરીબ ઘર, નાનપણમાં જ પિતાનુ અવસાન અને વિધવા માતાના આંખના રતન જેવા પુત્રના વાલી તરીકે તેના કાકાએ એને ભણાવવાની વ્યવસ્થા ગોઠવી. તેમને કોણ જાણે કેમ ‘ટીચિંગ ઓફ શ્રીરામકૃષ્ણ’ વાંચવાનું બહુ ગમતું. તેમણે જુદાં જુદાં વર્તમાન પત્રો અને સામયિકોમાંથી સ્વામીજીનાં વક્તવ્યોની અગ્નિમંત્રસમી વાણી અને વેદાંત પ્રચારની વાતો વાંચી હતી. એ વખતે સ્વામીજીના સંદેશથી આકર્ષાઈને કેટલાય યુવાનો એમના શિષ્ય બન્યા હતા. એમાંના એક હતા આ દક્ષિણારંજન ગુહા (સ્વામી કલ્યાણાનંદ).-સં)

ગુરુઆજ્ઞા શિરોધાર્ય કરી

મઠમાં આવ્યા બાદ આટલા દિવસ પછી દક્ષિણારંજનના અંતર્નિહિત ભક્તિ અને સેવાના ભાવને પૂર્ણપણે વિકસવાની તક મળી. શ્રીરામકૃષ્ણનાં સંતાનોના સાક્ષાત્ સંપર્કથી જીવનના સર્વતોમુખી પ્રકાશ-સાધનના ઉપાયો શોધી કાઢવામાં તેમને વિલંબ ન લાગ્યો. સ્વામીજી સ્વયં ત્યારે મઠમાં હતા, તેથી દક્ષિણારંજનનો આનંદ અસીમ હતો. જેમના વિષે આટલો સમય કેવળ કાનેથી જ સાંભળ્યું હતું અને છાપાઓમાં વાંચ્યું હતું; જેમની એકે એક વાતની, શબ્દની શક્તિથી કેટકેટલી ઉદ્દીપના અનુભવી હતી; આજે તેમના પ્રત્યક્ષ સાંનિધ્યથી વૈરાગ્યવાન દક્ષિણારંજનના મનોજગતમાં કેવા ભાવતરંગ સંચારિત થયા હતા, તેનું અનુમાન સહેજે જ કરી શકાય. ગામડામાંથી આવેલા સરળ યુવકની આંતરિકતાની પરીક્ષા કરવા માટે સ્વામીજીએ એક દિવસ મજાકમાં પૂછ્યું, ‘અચ્છા, ધાર કે મારે થોડા પૈસાની જરૂર છે અને તે માટે જો હું તને ચાના બગીચામાં કૂલી તરીકે વેચી નાખું તો તું તૈયાર છે ?’ દક્ષિણારંજને દ્વિધા વિના આનંદ સહિત તૈયારી બતાવી. ગુરુપદે સમર્પિતપ્રાણ એવા શિષ્યના જીવનનું જો સમગ્રભાવે અવલોકન કરીએ તો નક્કી એ હકીકત નજરે પડશે કે ચાના બગીચામાં કૂલીરૂપે નહિ પરંતુ વિરાટ માનવ જાતિની સેવા માટે સ્વામીજીએ પોતાના આ અનુગત શિષ્યનો ઉત્સર્ગ કર્યો હતો.

દક્ષિણારંજને સ્વામીજીના પદપ્રાંતે આશ્રય મેળવ્યો ત્યારે ઈ.સ.૧૮૯૮નો એક દિવસ હતો. સંન્યાસ દીક્ષા પછી સ્વામીજીએ નવીન શિષ્યનું નામ સ્વામી કલ્યાણાનંદ પાડ્યું હતું. સ્વામીજીના પવિત્ર સાંનિધ્યમાં સ્વામી કલ્યાણાનંદનું મઠનું જીવન ખાસ્સું ઉત્સાહ-ઉદ્દીપનાની ઝંકૃતિસહ ચાલતું હતું. અચાનક એક દિવસ સ્વામીજીએ એમને બોલાવીને કહ્યું, ‘જો કલ્યાણ, હૃષીકેશ-હરિદ્વાર વિસ્તારમાં બીમાર, રોગી સાધુઓ માટે તું કંઈ કરી શકીશ ? તેમની દેખરેખ માટે તો કોઈ નથી. તું જઈને તેમની સેવામાં લાગી જા.’ પરિવ્રાજક જીવન દરમિયાન ઉત્તરાખંડના પરિભ્રમણકાળમાં વૃદ્ધ અને પીડિત સાધુઓની દુર્દશાનાં કરુણ દૃશ્યો પોતાની સગી આંખે જોઈને સ્વામીજી ખૂબ જ વિહ્વળ થઈ જતા અને પછી તો તેઓ પોતે પણ ત્યાં બીમાર થઈ ગયા હતા ત્યારે તે બધાથીયે વધુ હૃદયવિદારક અવસ્થાનો સામનો કર્યો હતો. ત્યારથી જ આ વાતે એમના સમગ્ર હૃદય પર કબજો કરી લીધો હતો. આજે યોગ્ય શિષ્યને જોતાં, તેમણે એ વાત કરી. ગુરુઆજ્ઞા શિરોધાર્ય કરી, એમનો આદેશ એ મહત્ સાધના છે એમ માનીને, સ્વામી કલ્યાણાનંદે આનંદપૂર્વક પ્રયાણ કર્યું. પહેલાં તેઓ પ્રિય ગુરુભ્રાતા સ્વામી સ્વરૂપાનંદ સાથે વિચાર-મંત્રણા કરવા માયાવતી ગયા. સ્વામીજીની ઇચ્છાને વાસ્તવિકરૂપ આપવા કર્મ-સૂચિ કેવી હોવી જરૂરી છે – એ વિષે બંને ગુરુભાઈઓએ ઘણી બધી ચર્ચા કરી. સ્વામી સ્વરૂપાનંદે આ કઠિન કાર્યમાં સ્વામી કલ્યાણાનંદને આંતરિક સમર્થન આપીને ખૂબ પ્રેરણા આપી હતી અને કર્મની શરૂઆત કરવામાં પોતે પણ યથેષ્ટ સક્રિય ભૂમિકા ગ્રહણ કરી હતી.

Total Views: 249

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.