સ્વામી કલ્યાણાનંદજી મહારાજ સ્વામી વિવેકાનંદના સંન્યાસી શિષ્ય હતા. અંગ્રેજી પુસ્તક ‘મોનાસ્ટિક ડિસાય્પલ્સ ઓફ સ્વામી વિવેકાનંદ’માંથી. – સં.

નિષ્કામની સૌમ્ય પ્રતિમૂર્તિ

સ્વામી કલ્યાણાનંદનું સેવામય જીવન જાણે સદૈવ જલતી રહેતી એક દીપ-શીખા સમું હતું. સેવાશ્રમના પ્રારંભમાં કોડીહીન અવસ્થામાં પણ એ જેવું દીપ્તિમાન હતું, તે પછી ઉત્તરકાળની સહજ સારી સ્થિતિમાં પણ તે તેવું જ પ્રખર તેજોમય રહ્યું હતું. જીવનની સર્વ પ્રકારની પરિધિમાં સંન્યાસી-સુલભ કઠોર નીતિપરાયણ જીવન અને આદર્શબોધ એ એમના ચરિત્રની વિશિષ્ટતા હતી અને એણે જ એમને એટલા મહાન કરી દીધા હતા. સેવાશ્રમના કોઈ કોઈ કાર્યકરોએ એક વાર બીજી બધી ઈસ્પિતાલની દેખાદેખીથી એનું અનુસરણ કરવાના ઉદ્દેશથી કાર્યનો નિર્દિષ્ટ સમય બાંધી દેવા માટે એમને અનુરોધ કર્યો. આપણને સ્વામી કલ્યાણાનંદે તેના જવાબમાં કહ્યું હતું, ‘જુઓ, આપણી કંઈ આ ઈસ્પિતાલ નથી. સ્વામીજીએ આપણને અહીં સેવા કરવા મોકલ્યા છે. આ તો સેવાશ્રમ છે. મારાં સંતાન, અહીં તો એ બધું ઘડિયાળના કાંટે કામ નહિ ચાલે. આપણો તો આ સેવાભાવ છે.’ સેવાશ્રમને તેઓ સાધન ક્ષેત્ર – ભગવત્ ઉપાસનાનું સ્થાન માનતા. તેથી એની સ્વચ્છતા અને પવિત્રતા તરફ ખૂબ ધ્યાન રાખતા. ફૂલનો બાગ બનાવી સેવાશ્રમને સુસજ્જ કરવા માટે તેમણે કેટલી બધી કોશિશ કરી હતી ! ઘણાં બધાં ફૂલઝાડ થયાં તેથી મચ્છરોનો ઉત્પાત વધી ગયો. કોઈએ એમને એ વાત કરી તો તેઓ કહે, ‘એમાં શું ? મચ્છરના દિવસોમાં જરાક મચ્છરો તો થાય જ ને ? તેથી શું સ્વામીજીના આશ્રમમાં ફૂલ ન ઉગાડવાં !’

સ્વામીજીના આદર્શાેને લઈને એમની સકળ સાધના-સેવા, કર્મ, ઉપાસના – વગેરે સર્વ હતાં. અસંખ્ય કાર્યમાં પણ, કર્મયોગી સ્વામી કલ્યાણાનંદ નિષ્કામતાની સૌમ્ય પ્રતિમૂર્તિ હતા. ધ્યાન-જપ અને સેવા-સાધનાનાં સર્વ સ્રોત તેમની માત્ર એક ધારામાં વહેતાં – અને એ ધારાનું ગંતવ્ય હતું એમના જીવનઆદર્શના પ્રતીક સ્વામીજી. સ્વામીજીની વાત તેઓ કદી જાહેરમાં કે મોટેથી બોલવા જતા તો એમનો કંઠ રુંધાઈ જતો. તેઓ એકવાર બોલ્યા હતા, ‘જુઓ, સ્વામીજીની વાત શું કરું ? તેઓ શું હતા તે શબ્દોમાં વર્ણવી શકાય નહીં. હું તેમને કદી પણ સામે તાકીને જોઈ શકતો નહીં. એવી dazzling (જ્યોતિર્મય) એમની આંખો હતી-જાણે એમાંથી આંખો આંજી નાખે એવો પ્રકાશ ઝરતો હતો. ક્યારેક જો એક નજર થતી – મળતી – તો મારું માથું આપોઆપ જ નમી જતું. જમીન ભણી નજર ઢાળી દેતો. તેઓ જ્યારે ધ્યાન કરતા, એ તો એક જોવાલાયક દૃશ્ય હતું ! જાણે એક પથ્થરની મૂર્તિ – Statue – ન હોય !

અમે પણ મંદિરમાં ધ્યાન કરતી વખતે તો ડરતાં ડરતાં ઉચ્છ્વાસ મૂકતા, અમારા ઉચ્છ્વાસના અવાજથી વળી એમના ધ્યાનમાં ખલેલ પડશે તો ! અહા ! કેવી એ મૂર્તિ ! જેમ તમે એમની તસ્વીરમાં જુઓ છો ને ! એક હાથ પર બીજો હાથ મૂકીને બેઠા છે! કલાકો સુધી, લગભગ ત્રણ ચાર કલાક તેઓ રોજ સવારે ઠાકુર – ખંડમાં એકાસને બેસતા.

Total Views: 251

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.