શ્રીરામકૃષ્ણ મઠ અને મિશનના વરિષ્ઠ સંન્યાસી બ્રહ્મલીન શ્રીમત્ સ્વામી હિરણમયાનંદજી મહારાજનો મૂળ અંગ્રેજીમાં ‘વિવેકાનંદ હીઝ ગોસ્પેલ ઓફ મેન મેઈકિંગ’માં પ્રસિદ્ધ થયેલ લેખનો શ્રી મનસુખભાઈ મહેતાએ કરેલ અનુવાદ અહીં પ્રસ્તુત છે. – સં.

સ્વામી વિવેકાનંદનો જન્મ ૧૮૬૩માં કોલકાતાના એક ભદ્ર કુટુંબમાં થયો હતો. નાનપણથી જ તેઓ ધર્મમાં પ્રબળ રસ ધરાવતા. પરંતુ શાળા અને કોલેજમાં તેમણે મેળવેલી અંગ્રેજી કેળવણીએ ક્રમશ : એમની ભીતરની ધર્મશ્રદ્ધાના પાયાને હચમચાવી મૂક્યો. તેઓ બેન્થામ, મીલ, સ્પેન્સરના વિદ્યાર્થી હતા એટલે ધર્મના રૂઢિચુસ્ત વિચારો કે દૃષ્ટિકોણ એમની ઉમદા, તર્કવાદી બુદ્ધિ માટે ગ્રાહ્ય કરવા મુશ્કેલ હતા. પરિણામે ધીમે ધીમે તેઓ અજ્ઞેયવાદી અને નાસ્તિક જેવા બની ગયા. આ સમયગાળામાં સ્વામી વિવેકાનંદ શ્રીરામકૃષ્ણદેવના સંપર્કમાં આવ્યા. તેમનામાં એમને એક એવી વ્યક્તિનાં દર્શન થયાં કે જે પ્રત્યક્ષ રીતે કહી શકે કે મેં ઈશ્વરને જોયા છે. આને લીધે એમના મનમાં એક નવીન આશાનો સંચાર થયો. ત્યારથી માંડીને શ્રીરામકૃષ્ણ ૧૮૮૬માં અવસાન પામ્યા ત્યાં સુધી સ્વામીજી પ્રત્યક્ષ તાલીમ હેઠળ રહ્યા. પણ શ્રીઠાકુરની આ સંપૂર્ણ શરણાગતિમાં પણ અનેક મથામણોમાંથી તેમને પસાર થવું પડ્યું. ડગલે ને પગલે પ્રશ્નો થતા રહેતા અને એમના નિરાકરણની માગ પણ થતી. અંતે શંકાનાં ઘનઘોર વાદળ અને અશ્રદ્ધા પોતાની દિવ્યાનુભૂતિ સાથે ઓગળી ગયાં અને હવે સ્વીકાર પણ પૂર્ણ અને પૂર્વગ્રહ વિહોણો બની ગયો.

સ્વામી વિવેકાનંદ હવે પોતાના ગુરુદેવના જીવનના સૂચિતાર્થને પૂરેપૂરો સમજી શક્યા અને એ સંકેત કે સૂચિતાર્થ એટલે સમગ્ર વિશ્વનું આધ્યાત્મિક નવજાગરણ. ભગવાન બુદ્ધ દ્વારા સમગ્ર એશિયાની પ્રજાએ આર્યોનાં સનાતન સત્યો સાંભળ્યાં અને એમણે ભારતના ઇતિહાસ જીવનમાં એક ભવ્ય પ્રકરણ ઉમેર્યું. શ્રીરામકૃષ્ણ દ્વારા હવે સમગ્ર વિશ્વ હિંદુધર્મનાં સનાતન સત્યો – આત્માનો મહિમા અને બધા જીવોની એકતા – સાંભળવાનું હતું. આ ભગીરથ કાર્ય માટે સમગ્ર રાષ્ટ્રને એક નવી ઊર્જાની જરૂર હતી. એટલે જ સ્વામી વિવેકાનંદ સમગ્ર રાષ્ટ્રને મર્દાનગીભર્યા માનવની પૂર્ણ ઊંચાઈએ પહોંચાડવા અને ફરીથી જગાડવા એક કર્મઠ કર્મયોગી બની ગયા. છ વર્ષ સુધી તેઓ સમગ્ર ભારતવર્ષમાં પરિવ્રાજકરૂપે ફરી વળ્યા અને લોકોની અવદશાને નજરે નિહાળી. તેમણે સર્વત્ર અત્યંત દરિદ્રતા, ગરીબી, અન્યાય અને નિર્દયતા જોયાં. આ બધી વિષમ પરિસ્થિતિઓ પાછળ તેમણે જોયું કે ભારતનો પ્રાણ હજી જોબનવંતો અને ધબકતો રહ્યો છે. આ સૂતેલા રાક્ષસને ફરીથી જગાડવા માટે તેઓ ઉપાયો અને સાધનો વિશે વિચારવા લાગ્યા. કન્યાકુમારીની એક એકાકી શિલા પર બેસીને તેમણે આ દુ :ખદર્દને દૂર કરવાની યોજના પણ વિચારી કાઢી.

પશ્ચિમમાંથી આવેલાં ધર્મ અને સંસ્કૃતિના મોહજાળમાં ભારત બરાબર ફસાઈ ગયું હતું. આવો વળગાડ અને જાદુઈ પ્રભાવ પણ એ જ દિશામાંથી આવ્યો હતો. જ્યાં સુધી પશ્ચિમનું જગત ભારતની ઉત્કૃષ્ટતાને ન સ્વીકારે ત્યાં સુધી આ રીતે પશ્ચિમના પ્રવાહથી મોહાંધ બનેલા ભારત માટે બીજી કોઈ બાબત સ્વીકારવી અશક્ય હતી. એટલે જ સ્વામી વિવેકાનંદે ૧૮૯૩માં શિકાગોમાં યોજાનારી વિશ્વધર્મપરિષદમાં ભાગ લેવા અમેરિકા જવાનું નક્કી કર્યું.

અહીં જુદા જુદા ધર્મોના પ્રતિનિધિની મહાસભા સમક્ષ તેઓ હિંદુધર્મના પ્રતિનિધિરૂપે બોલ્યા હતા. એમનાં આ વિશ્વધર્મપરિષદનાં ઉચ્ચારણોએ વૈશ્વિક પ્રભાવ પાડ્યો. તેઓ હિંદુધર્મના કોઈ સાંપ્રદાયિક પાસા વિશે બોલ્યા ન હતા, પરંતુ પોતાના ગુરુદેવે જીવનમાં જીવી બતાવેલા પાયાના આદર્શાેને ત્યાં શ્રોતાઓ સમક્ષ મૂક્યા. આમ છતાં પણ તેમણે પોતાનાં સંભાષણોમાં શ્રીરામકૃષ્ણના નામનો ઉલ્લેખ ન કર્યો. એમની દૃષ્ટિએ વ્યક્તિ કરતાં તેમના સિદ્ધાંતો વધારે અગત્યના હતા. સમય જતાં કોઈ પણ વ્યક્તિના સિદ્ધાંતો દ્વારા એ વ્યક્તિને સુયોગ્ય ખ્યાતિ અને માન-આદર મળે છે. એમની સ્પષ્ટ અને ગળે ઊતરી જાય એવી પોતાના વિશાળ દૃષ્ટિકોણ અને હૃદયના ઊંડાણની ઉષ્મા સાથેની રજૂઆતે વિશ્વધર્મપરિષદના શ્રોતાઓના હૃદયનો પ્રતિભાવ તો મેળવ્યો પણ સાથે ને સાથે અમેરિકાના વિવિધ વિસ્તારના લોકોનો પણ હાર્દિક પ્રતિભાવ એમને સાંપડ્યો હતો. આ હતો એમણે મેળવેલો ભારતનો સાંસ્કૃતિક અને આધ્યાત્મિક વિજય.

આંતરરાષ્ટ્રિય અને રાષ્ટ્રિય કક્ષાએ આ મહાન વિજયની ઘટનાએ જબરો પ્રભાવ પાડ્યો હતો. સ્વામી વિવેકાનંદના સંદેશમાં સત્તા અને ઇન્દ્રિય ભોગલાલસામાં રાચતા અને એમની પાછળ આંધળી દોટ મૂકતા ભૌતિકવાદી પશ્ચિમના જગતને આવશ્યક સુધારણા કરવાનો અને આ બધી લાલસાઓમાંથી મુક્ત કરવાનો માર્ગ મળી ગયો. વળી તેમનું જીવન પૂર્વ અને પશ્ચિમના આદર્શાે અને વિચારોનું સંગમ સ્થાન બની ગયું. એને લીધે એક એવું વિસ્તૃત અને વૈશ્વિક સુસંયોજન સર્જાયું કે જે માનવજાત માટે એક નવા નૈતિક આદર્શનું નિર્માણ કરી શકે.

રાષ્ટ્રિય કક્ષાએ સ્વામી વિવેકાનંદના આ મહાન વિજયે ભારતની પ્રજામાં આત્મસન્માન અને પોતાના અમૂલ્ય આધ્યાત્મિક વારસા પ્રત્યે અનન્ય શ્રદ્ધા જગાડ્યાં. પોતાના ચારેખૂણામાં ગોંધાઈ રહેલ અને સુષુપ્ત કર્મશીલ ગતિશીલતાના દરવાજા ખોલી નાખ્યા અને ભારતના ઇતિહાસનું એક ભવ્ય અને નવું પ્રકરણ શરૂ થયું.

Total Views: 252

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.