સ્વામી શુભાનંદજી મહારાજ સ્વામી વિવેકાનંદના સંન્યાસી શિષ્ય હતા. અંગ્રેજી પુસ્તક ‘મોનાસ્ટિક ડિસાય્પલ્સ ઓફ સ્વામી વિવેકાનંદ’માંથી. – સં.

ચારુચંદ્રદાસ કે જેઓ પછીથી સ્વામીજી પાસેથી મંત્રદીક્ષા લઈને સ્વામી શુભાનંદ બન્યા. તેઓ ‘વારાણસી સેવાશ્રમના સ્થાપકોમાંના એક હતા. – સં.

સ્વામીજીનું દિવ્ય સ્વરૂપ

સ્વામી વિવેકાનંદ તા. ૧૯ ફેબ્રુઆરી,૧૮૯૭ ના રોજ પશ્ચિમમાં વેદાંત પર વ્યાખ્યાનો આપી કોલકાતા આવી રહ્યા હતા. તેમનું સ્વાગત કરવા સિયાલદાહ સ્ટેશન પર એકઠી થયેલ વિશાળ જનમેદનીમાં ચારુચન્દ્ર પણ જોડાયા હતા. ઉત્સાહી યુવાનોએ, જે બગીમાં સ્વામીજીને સ્ટેશનથી રિપન કોલેજ સુધી લાવવાના હતા તે બગીના ઘોડા છોડી નાખ્યા અને આ યુવાનોએ પોતે જ બગી ખેંચી. ચારુચન્દ્ર પણ સ્વામીજીની આ બગી લોકોની ભીડ વચ્ચે સફળતાપૂર્વક ખેંચવામાં સદ્ભાગી બન્યા હતા. તેમને આ કાર્યમાં કેટલો આનંદ થયો હશે તેની કલ્પના કરી શકાય છે. પહેલાં તેમણે પુરીમાં ભગવાન જગન્નાથની રથયાત્રાની માત્ર વાતો સાંભળી હતી. પરંતુ આ પ્રસંગથી તો તેઓ સ્વયં તેમાં શામેલ હોય તેમ લાગ્યું. તેમને થયું, ‘મેં પણ વિશ્વેશ્વર જગન્નાથનો અહીં રથ ખેંચ્યો.’ ચારુચન્દ્ર સ્વામીજીનું દિવ્ય સ્વરૂપ જોઈ અંજાઈ ગયા. આ સરઘસ પછી તેઓ ઘરે પાછા તો ફર્યા, પરંતુ તેમનું મન તો સ્વામીજીનાં ચરણોમાં જ હતું. બીજે દિવસે તેઓ સ્વામીજીના દર્શનાર્થે કાશીપુરમાં ગોપાલ લાલ સીલના ઘેર પહોંચ્યા.

સ્વામીજીનું વેદાંત વાંચ !

તેઓએ સ્વામીજીના અત્યંત પ્રેરણાદાયી કાવ્ય
‘મિત્રને’ માથી નીચેની પંક્તિઓ ફરી ફરી વાંચી :
સર્વોચ્ચ બ્રાહ્મણથી એક નાના કીડા સુધી,
અને નાનામાં નાના અણુ સુધી,
સર્વત્ર ઈશ્વર રહેલો છે જેને આપણે ચાહીએ છીએ
મિત્ર, તેમનાં ચરણમાં મન, આત્મા, શરીર અર્પણ કર
તારી સમક્ષ ઈશ્વરનાં આ જુદાં જુદાં સ્વરૂપો છે
તેમનો અસ્વીકાર કરીને ઈશ્વરને તું ક્યાં શોધી રહ્યો છે ?
જે કોઈ પણ ભેદભાવ વિના સર્વ પ્રાણીઓને ચાહે છે
તે જ તેના ઈશ્વરને ઉત્તમ રીતે ભજી રહ્યો છે.

આ કાવ્યની દરેક પંક્તિએ ચારુચન્દ્રના હૃદયમાં ખળભળાટ મચાવી દીધો હતો. તેમના શરીરમાં ઝણઝણાટી પ્રસરી હતી અને તેમને અસાધારણ આનંદ થયો હતો. સ્વામીજીના સંદેશથી તેમના હૃદયમાં ઊંડે ઊંડે હલચલ મચી ગઈ હતી અને તેઓ ભાવવિભોર થયેલા. તે ઉદ્‌બોધન (સ્વામીજી દ્વારા આરંભાયેલ બંગાળી માસીક જેમાં આ કાવ્ય પ્રસિદ્ધ થયું હતું) ની નકલ લઈ તેમના મિત્રને ઘેર ગયા. તેમનો મિત્ર ઘરના એક ખૂણામાં ધ્યાનમાં બેઠો હતો. ચારુચન્દ્ર તેના ઓરડામાં દાખલ થયા, મિત્રને આસન પરથી ખેંચીને ઊભો કર્યો, ‘ઉદ્‌બોધન’ સામયિક ખોલીને કાવ્ય મોટેથી વાંચવા લાગ્યા. અતિ ભાવાવેશમાં આવી તેમણે તેમના મિત્રની પીઠ થાબડી અને કહ્યું, ‘સાંભળ, સ્વામીજીના શબ્દો સાંભળ, તું તો એક ખૂણામાં આંખો બંધ કરીને બેઠો છે. સ્વામીજીનું વેદાંત વાંચ ! ભૂખ્યા, રોગી અને ગરીબ, જેમને આપણે પ્રત્યક્ષ જોઈએ છીએ, એ જ ખરેખર આપણા ઈશ્વર, આપણા નારાયણ, આપણા શિવ છે.’ ચારુચન્દ્રના મિત્રનું નામ યામિનિ રંજન મજુમદાર હતું. બન્ને મિત્રોનેે જાણે ઘણા વખતથી જેની પ્રતીક્ષા કરતા હતા તે આદર્શ મળ્યો. ચારુચન્દ્ર બોલ્યે જતા હતા, ‘જો યામિનિ, સ્વામીજી કહે છે કે સર્વ પ્રાણીઓમાં ઈશ્વર અથવા બ્રહ્મનો વાસ છે. જીવમાત્રમાં બ્રહ્મનો વાસ છે. તેને પ્રાપ્ત કરવામાં જ ધર્મ, આધ્યાત્મિક સાધના અને સર્વ પ્રવૃત્તિઓનું અસ્તિત્વ રહેલું છે. સ્વામીજીએ આપણને આ જ સત્ય કહ્યું છે. આધ્યાત્મિક સાધનાની સૌથી ઉચ્ચ સિદ્ધિ તો આપણા આદર્શોની પ્રેરણા વડે ઉપર ઊઠીને આપણા જીવનને કાર્યશીલ બનાવવામાં છે.’ સ્વામીજીના વિચારો યામિનિ પર પણ વીજળીના ચમકારાની જેમ અસર કરી ગયા. આ પ્રમાણે સ્વામીજીના વિચારોથી ચારુચન્દ્ર પ્રભાવિત થયા.

માત્ર સેવા એ જ તમારો આદર્શ હોવો જોઈએ

૧૯૦૨માં જ્યારે સ્વામીજીએ ઓકાકુરા અને બીજાઓ સાથે વારાણસીની મુલાકાત લીધી ત્યારે ચારુચન્દ્રના જીવનચક્રે વેગ પકડ્યો. સ્વામી નિરંજનાનંદ અને શિવાનંદ સ્વામીજીના આગમનના થોડા દિવસ પહેલાં વારાણસી આવ્યા અને ચારુચન્દ્ર અને તેમના મિત્રો સાથે સ્વામીજીને આવકારવા મુગલસરાઈ સ્ટેશન પર ગયા. સ્વામીજી કાલીકૃષ્ણ ઠાકુરના ઘેર ઊતર્યા. ચારુચન્દ્રને હવે દરરોજ સ્વામીજીની સેવા કરવાની તક મળી. કોઈ વાર સ્વામીજીના રાત્રી-ભોજનમાં મોડું થતું તો ચારુચન્દ્ર કાલીકૃષ્ણના ગાર્ડન હાઉસમાં જ સ્વામીજીના ઓરડાની બાજુના ઓરડામાં સૂતા. આમ સ્વામીજીના સીધા સંપર્કમાં આવવાથી ચારુચન્દ્ર અને તેના મિત્રોને તેમના ઉદ્દેશ અને કાર્યો વિશે સ્પષ્ટ જ્ઞાન થયું.

એક વાર સ્વામીજીએ કહ્યું, ‘જ્યારે આધ્યાત્મિક ભાવથી સેવા કરવામાં આવે ત્યારે દરેક પ્રાણીમાં ઈશ્વરનાં દર્શન થાય છે અને તે સર્વમાં એક જ સ્વરૂપે દર્શન આપે છે. તમારા કાર્યમાં તમે કરુણાને મહત્ત્વ આપ્યું છે પરંતુ તમને કરુણા દર્શાવવાનો કોઈ અધિકાર નથી, માત્ર ઈશ્વર, જે સર્વ સત્તાધીશ છે, તે જ દયાળુ થઈ શકે છે. જ્યારે કોઈ સામાન્ય માનવી કરુણા કે દયા દાખવે છે તે તેના અહંકાર કે ગર્વનું પ્રદર્શન કરે છે અને તે અન્યને પોતાના કરતાં નિમ્ન ગણે છે. માટે માત્ર સેવા એ જ તમારો આદર્શ હોવો જોઈએ, નહિ કે કરુણા. તમારા કાર્યને ભક્તિમાં ફેરવો અને સર્વ પ્રાણીઓમાં ઈશ્વરનાં દર્શન કરો. જીવોને માત્ર ઈશ્વર જ યાતનામાંથી મુક્ત કરી શકે છે. ગરીબોને રાહત આપનારા તમે કોણ?’

Total Views: 209

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.