સ્વામી વિવેકાનંદની ૧૫૦મી જન્મજયંતી મહોત્સવના ઉપલક્ષ્યમાં અદ્વૈત આશ્રમ, કોલકાતા દ્વારા મૂળ અંગ્રેજીમાં પ્રકાશિત ‘વિવેકાનંદ એઝ ધ ટર્નિંગ પોઈન્ટ’ નામના ગ્રંથમાં પ્રકાશિત ઇન્ડિયન અમેરિકન સંશોધક લેખક વર્તમાન પ્રવાહોના સુપ્રસિદ્ધ વક્તા અને આઈ.એફ.પી.ના સ્થાપક, નિયામક; અને ઘણ્ાી સંસ્થાઓના સલાહકાર શ્રીરાજીવ મલ્હોત્રાના અંગ્રેજી લેખનો શ્રી હરેશ ધોળકિયાએ કરેલ ગુજરાતી અનુવાદ અહીં પ્રસ્તુત છે. – સં.

તર્કશુદ્ધ રીતે વિચાર કરનારો કોઈપણ માણસ આ ઉત્ક્રાંતિવાદીઓની સામે વાંધો લાવી શકે જ નહિ. પણ આપણે એક બાબત વધારે હજુ શીખવાની છે; આપણે એક પગલું વધુ આગળ જવાનું છે. તે પગલું શું છે ? તે એ છે કે પ્રત્યેક ઉત્ક્રાંતિની પૂર્વે અપક્રાંતિ હોય જ. (સ્વા. વિ. ગ્રંથમાળા : ૨.૨૦૩)

સ્વામી વિવેકાનંદનો પશ્ચિમના બુદ્ધિનિષ્ઠો પર ક્રાંતિકારી પ્રભાવ પડ્યો હતો. તે પ્રભાવે ધર્મ, મનોવિજ્ઞાન, તત્ત્વજ્ઞાન, સાહિત્ય અને લોકપ્રિય સંસ્કૃતિ જેવાં વિવિધ ક્ષેત્રોમાં જબરું પરિવર્તન આણ્યું હતું. સ્વામીજીના નિધન બાદ દસકાઓ પછી પણ તેમનો પ્રભાવ અનેકગણો વધતો રહ્યો હતો. પશ્ચિમી વિચારકોની પછીની દરેક પેઢીએ તેમના વિચારોનું અર્થઘટન કર્યું, તેને પશ્ચિમી શબ્દાવલીને અનુકૂળ કરી પુન :ગોઠવ્યું અને સતત પ્રગતિશીલ માનવ પ્રવૃત્તિઓના વિભાગોમાં તેનું અમલીકરણ કર્યું. આ લેખનો હેતુ આ ઘટનાનું તાત્ત્વિક રીતે મૂલ્યાંકન કરવાનો અને વિવેકાનંદના વિચારોનો પશ્ચિમના વિચારો પર શું પ્રભાવ પડ્યો તે બતાવવાનો છે.

વિવેકાનંદના વિચારોના પ્રભાવનું પૃથક્કરણ

પશ્ચિમી વિચારમાં સ્વામીજીનું પ્રદાન બે વિશાળ ચળવળમાં વહેંચી શકાય. તેમાં પ્રથમ તો તેમનાં કાર્યોથી જેઓ પરિચિત છે તેમના દ્વારા તેનું સારી રીતે અભિવાદન થયેલ છે. બીજાનો તો વળી વધારે ગાઢ પ્રભાવ પડ્યો હતો. છતાં સ્વામીજીએ જે વિચારોને વેગ આપ્યો તે બાબતે ભાગ્યે જ સ્વામીજીનો ઉલ્લેખ કરાય છે. આ બે ચળવળો, જેને આપણે સ્વામીજીની પશ્ચિમી વિચાર ક્રાંતિ કહી શકીએ, તે આ પ્રમાણે છે :

૧. પ્રથમ ક્રાંતિમાં સ્વામીજીના જીવનકાળ દરમિયાન તાત્કાલિક પ્રભાવ પડ્યો તેનો અને તેમની વિદાય પછી પાછળથી જે પ્રસાર થયો તેનો સમાવેશ થાય છે. તે પ્રભાવ ત્રણ માધ્યમોથી થયો : (અ) રામકૃષ્ણ મઠના સંન્યાસીઓ અને તેની સાથે જોડાયેલા દ્વારા, (બ) પશ્ચિમી અનુયાયીઓ અને શિષ્યો દ્વારા અને (ક) એવા પશ્ચિમના લોકો, જેઓ સ્વામીજીથી પ્રભાવિત થયા, પણ તેમની ચળવળથી સીધા અલિપ્ત રહ્યા હતા.

૨. અત્યારે જે બીજી ક્રાંતિ ચાલી રહી છે તે વિવિધ પેઢીના વિચારકો દ્વારા તેમના વિચારો વ્યક્ત થઈ રહ્યા છે તે છે. દરેક વખતે, આ વિચારો નવારૂપે રચવામાં આવે છે અને તેનો તેના મધ્યસ્થીઓ દ્વારા ‘મૌલિક’ કહીને પ્રચાર કરવામાં આવે છે. અલબત્ત, કેટલાક મધ્યસ્થીઓએ સ્વામીજીના ઋણનો સ્વીકાર કર્યો છે, પણ બીજા તો પોતાને આ વિચારોના અગ્રણી હોવાનો દાવો કરે છે. તેના ભારતીય મૂળને છુપાવવા નવી જ શબ્દાવલી શોધે છે અને તે રીતે તેને ‘પશ્ચિમના વિચારો’ તરીકે પ્રચાર કરવા માટે તેમાં ભેળસેળ પણ કરી નાખે છે. પરિણામે તેની ઉપયોગિતાને મર્યાદિત કરે છે.

જે એક ખાસ વિચારે બીજી ક્રાંતિને બળ આપ્યું તે છે સ્વામીજીનો ‘involution – અપક્રાંતિ’નો વિચાર. આ વિચાર પોતાના વિજ્ઞાન અને ધર્મ-બન્નેને એક સંવાદિત માળખામાં સમાવીને ડાર્વિનના સિદ્ધાંતને અને યહૂદી-ખિસ્તીઓના સર્જનના વિચારને સમાન રીતે પડકારે છે.

આ અપક્રાંતિનો વિચાર સ્વામીજીનાં લખાણોમાં વારંવાર ઉલ્લેખ થયેલો અને સમજાવવામાં આવેલ છે. ‘પ્રબુદ્ધ ભારત’માં તેમના શિષ્યો અને ૫્રસંશકો દ્વારા એક સદી દરમિયાન જે લેખો લખાયા છે તેમાં આ શબ્દ ૧૫૭ વાર આવ્યો છે. છતાં તાજેતરમાં પશ્ચિમના વિચારમાં તેનો સમાવેશ થયો છે અને એ બાબતે સ્વામીજીને ભાગ્યે જ યશ આપવામાં આવે છે.

તદ્દન વર્તમાનમાં અમેરિકન લેખક કેન વાઈબર પોતે જેને ‘સુગ્રથિત સિદ્ધાંત’ કહે છે તેમાં આ અપક્રાંતિના વિચારને સમાવ્યો છે, પણ સ્વામીજીનો ઉલ્લેખ કરવાનું ટાળ્યું છે.

સ્વામી વિવેકાનંદના વિચારો અને વીસમી સદીના પશ્ચિમના વિચારોમાં પ્રથમ ક્રાંતિ.

એવા સમયે જ્યારે પશ્ચિમના નિકોલા ટેસ્લા જેવા ભૌતિકશાસ્ત્રના લોકો પદાર્થ અને ઊર્જાને તદ્દન અલગ એકમ માનતા હતા, ત્યારે સ્વામીજીએ તેમને સાંખ્યશાસ્ત્રના તત્ત્વજ્ઞાનનું મહત્ત્વ સમજાવ્યું, જેમાં પદાર્થ અને ઊર્જાને એક જ એકમના પરસ્પર બદલતા આકાર તરીકે સમજાવેલ છે. ખુદ ટેલ્સાએ જ સ્વામીજીની સાંખ્યશાસ્ત્રની પરિભાષા ‘આકાશ’ને ‘પ્રોટો-સબ્સ્ટંસ’ (Proto-Substance) તરીકે સ્વીકારી, જેમાંથી બધું નિર્મિત થાય છે. ટેલ્સાના પ્રભાવથી આ સંકલ્પના પશ્ચિમનાં અનેક શાસ્ત્રોમાં પ્રસરી અને આગળ જતાં તે કેમેસ્ટ્રીમાં નોબલ ઈનામ મેળવનાર ઈલ્યા પ્રીગોઝાઈનના સિદ્ધાંતોમાં વિકાસ પામી. તેણે પણ પાછળથી ઈર્વીન લાસ્ઝલો, રુડોલ્ફ સ્ટીનર અને ડેવીડ બોહમ જેવા વિદ્વાનોને પ્રભાવિત કર્યા.

Total Views: 47
By Published On: November 1, 2013Categories: Rajiv Malhotra0 CommentsTags: , ,

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.

Facebook
WhatsApp
Twitter
Telegram