સ્વામી વિવેકાનંદની ૧૫૦મી જન્મજયંતી મહોત્સવના ઉપલક્ષ્યમાં શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા આયોજિત યુવા સંમેલનમાં સ્વામી સર્વલોકાનંદ મહારાજે આ૫ેલ મૂળ હિન્દી પ્રવચનમાંથી કરેલ ગુજરાતી અનુવાદ અહીં પ્રસ્તુત છે.-સં.

(આ લેખનો એક અંશ દિપોત્સવી અંકમાં છપાઈ ચૂક્યો છે.)

સ્વામીજીએ જોઈ ભારતની દુર્દશા, માતૃભૂમિની અવગતિ. તેઓ માત્ર જુએ છે અને ઉદ્વિગ્ન થઈ ઊઠે છે એટલું જ નહીં પણ વિચારે છે કે આનો ઉપાય શો ? આપણો દેશ કેમ કરીને ઉન્નત બને ? આપણા દેશનો અભ્યુદય કોણ કરશે ? તેઓ ચાલતા ચાલતા કન્યાકુમારી આવી પહોંચે છે અને ભારતવર્ષના અંતિમ શિલાખંડ પર બિરાજીને ત્યાં ધ્યાનસ્થ થાય છે. ત્યાં તે ક્યા વિષયનું ધ્યાન કરે છે ? આપણે જાણીએ છીએ કે સંન્યાસીની ધ્યાન-વસ્તુ હોય છે કોઈ દેવીદેવતા ! અથવા તો બ્રહ્મ. આપણે ગૃહસ્થ લોકો શાનું ધ્યાન કરીએ છીએ ? સત્તા, સ્થાન અને કારકિર્દી. પરંતુ સ્વામીજી શાનું ધ્યાન કરે છે ? સાંભળીને આશ્ચર્ય થશે. તેઓ ધ્યાન કરે છે ભારતવર્ષનું. તેમના ધ્યાનસ્થ ચિત્તમાં ભારતનાં ત્રણ ચિત્ર દૃષ્ટિગોચર થાય છે – અતીત, વર્તમાન અને ભવિષ્યનું ભારતવર્ષ. સ્વામીજી આનું ધ્યાન કરે છે.

વર્તમાનમાં ભારતવર્ષ ઘણાં બધાં ક્ષેત્રોમાં પાછળ છે પરંતુ ભૂતકાળમાં ભારતવર્ષ કોઈપણ ક્ષેત્રમાં પાછળ ન હતું. ભારતવર્ષ પ્રત્યેક ક્ષેત્રે અગ્રીમ હતું. આપણે ગણિત વિશે ચર્ચા કરીએ છીએ, તો શૂન્યના અંકનો આવિષ્કાર કોણે કર્યો ? આપણા ભારતવર્ષના ગણિતજ્ઞ આર્યભટ્ટે તેનો આવિષ્કાર કર્યો હતો. ભારતવર્ષ આટલું ગૌરવમય હતું અતીતમાં. હજારો વર્ષોની ગુલામી પશ્ચાત્ અતીતનું ભારતવર્ષ હાલ રહ્યું નથી. વર્તમાન ભારત દુર્દશાગ્રસ્ત બન્યું છે. સ્વામીજીના ધ્યાનસ્થ ચિત્તમાં આ વાત ચમકે છે. શું આવે છે તેમના ધ્યાનમાં ? કે ભવિષ્યમાં ભારતવર્ષ જાગી ઊઠશે. એવું જાગશે અને ઉન્નત થશે કે જેની સરખામણીમાં અતીતનો ઇતિહાસ મ્લાન થઈ જશે… આપણે જોઈ રહ્યા છીએ કે ભારતવર્ષ એક શક્તિશાળીના રૂપમાં આગળ આવી રહ્યું છે. કદાચ થોડો સમય લાગશે પણ અવશ્ય ઉન્નત થશે કારણ કે સ્વામીજીની વાણી કંઈ સામાન્ય નથી. સ્વામીજી સ્વયં ઋષિ હતા અને ઋષિની વાણી, ભવિષ્યકથન, ભાવિદર્શન કદાપિ મિથ્યા થતાં નથી.

આવા ભાવિ ભારત માટે કોણ કામ કરશે ? ભવિષ્યમાં તે કેવી રીતે ઉન્નત થશે ? આપણા દેશને સમૃદ્ધ – સશક્ત બનાવવાનો છે. કોણ બનાવશે ? કેવી રીતે બનાવશે ? જેને આપણે રૂપરેખા કહીએ છીએ તે સ્વામીજીએ શિલાખંડ પર બેસીને બનાવી હતી. સ્વામીજી કહે છે કે ભારતવર્ષના પુનરુદ્ધાર્થે, પુનર્નિર્માણાર્થે યુવાશક્તિનો પ્રયોગ અત્યંત આવશ્યક છે. તેઓ ઇચ્છતા હતા કે ભારતવર્ષના પુનરુદ્ધાર્થે, પુનર્નિર્માણાર્થે યુવાશક્તિનો ઉપયોગ કરવો જોઈએ. સ્વામીજીએ અનુભવ કર્યો હતો કે કોઈપણ દેશ યુવાશક્તિ વગર ઉન્નત બની શકે નહીં. જો કોઈપણ દેશે ઉન્નત થવું હોય તો યુવાશક્તિને કામે લગાડવી પડશે. એટલા માટે સ્વામીજી યુવાનોને વારંવાર આહ્‌વાન કરે છે. ઉપનિષદની વાણીમાં સ્વામીજી લલકાર કરે છે : ઉત્તિષ્ઠત જાગ્રત પ્રાપ્ય વરાન્નિબોધત – ઊઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી મંડ્યા રહો. સ્વામીજી આપણને સૌને આહ્‌વાન કરીને કહે છે કે ઊઠો, જાગો, દેશના કામમાં મંડી પડૉ.

પરંતુ કેવી રીતે કાર્યરત થશો ? કેવી રીતે કાર્ય કરશો ? એની પણ પ્રક્રિયા હોવી જોઈએ. સ્વામીજી શું કહે છે ? સ્વામીજી કહે છે કે આપણે જેને રાષ્ટ્રનો આદર્શ કહીએ છીએ તે આદર્શ ક્યો છે ? તે આદર્શ છે ત્યાગ અને સેવાનો. આ આદર્શદ્વય દ્વારા આપણે ભારતવર્ષને ઉન્નત કરી શકીશું. ભારતવર્ષને પુન :ગૌરવશાળી બનાવી શકીએ છીએ. પરંતુ સ્વામીજીએ કેમ કહ્યું કે ત્યાગ અને સેવા ? કારણ કે ત્યાગ વિના, સમર્પણ વિના સેવા થઈ શકતી નથી. તેટલા માટે સ્વામીજી ત્યાગ અને સેવા કહે છે. એક જ સિક્કાની બે બાજુ છે – ત્યાગ અને સેવા. ભારતવર્ષને આઝાદી પ્રાપ્ત થયે સાત દશક થઈ ગયાં પરંતુ હજુ જ્યાં પહોંચવું જોઈએ ત્યાં પહોંચી શકાયું નથી. હા, કેટલાંક ક્ષેત્રોમાં ભારતે ઉન્નતિ કરી છે તે નિ :સંદેહ બાબત છે. પરંતુ જે ક્ષેત્રોમાં ઉન્નત થવું જોઈએ તેમ થયું નથી… મુંબઈ, કોલકાતા, ચેન્નાઈ, બેંગાલુરુ જેવાં શહેરોને જોઈને ભારતવર્ષનો વિચાર ન કરો. ચાલ્યા જાઓ સુદૂર ગામડાંમાં… મુંબઈ શહેર જોઈને લાગે છે કે ભારત કેટલું સમૃદ્ધ થયું છે ! ભારતવર્ષ કેવું સશક્ત બન્યું છે ! મુંબઈથી માત્ર દસ કિલોમિટર જ દૂર જાઓ અને જુઓ કે શું છે ? લોકોને હજુ પણ ખાવા માટે પૂરતું અન્ન નથી, પીવા માટે પાણી નથી… એટલે સ્વામીજી કહે છે, ‘ભારતવર્ષ ગામડાંમાં જીવે છે.’ હજુ પણ ભારતવર્ષ ગામડાંમાં જીવે છે. આ ગામડાંની ઉન્નતિની ઘણી જરૂર છે.

આજે આઝાદી બાદ આપણે સંપૂર્ણપણે સશક્ત છીએ પરંતુ સમૃદ્ધ થયા નથી. એનું કારણ શું ? જે ભાવનાથી આપણે કાર્ય કરવું જોઈએ, દેશની સેવા કરવી જોઈએ તેમ કર્યું નથી. સેવાભાવનાથી આપણે કાર્ય કરવું જોઈતું હતું, નહીં કે લૂંટવાની વૃત્તિથી. એટલે જ આપણા દેશની દુર્દશા અને દુર્ગતિ આજે આપણે જોઈ રહ્યા છીએ. સ્વામી વિવેકાનંદ ભવિષ્યદૃષ્ટા હતા. તેઓ જાણતા હતા કે જો આપણે સેવાભાવનાથી અને ત્યાગભાવનાથી કાર્ય નહીં કરીએ તો ભારતવર્ષને આગળ લાવી શકાશે નહીં. એટલા માટે જ તેમણે કહ્યું કે ત્યાગ અને સેવાના માધ્યમથી જ આપણે ભારતવર્ષને ઉન્નત કરી શકીશું. આપણે સેવા… સેવા એમ માત્ર બોલીએ જ છીએ. સેવા કરવી એટલી સહજ નથી.

આપણે હંમેશા બોલીએ છીએ કે આપણે સમાજસેવા, દેશસેવા, માતપિતાની સેવા કરીએ છીએ. પણ કઈ દૃષ્ટિથી ? ક્યારે આ કાર્ય સેવામાં પરિણત થાય, રૂપાંતરિત થાય ? જ્યારે કાર્ય સાથે એક ઉદાત્તભાવના પ્રયુક્ત થાય ત્યારે આ કામ સેવામાં રૂપાંતરિત થાય. આવો દૃષ્ટિબોધ રાખીને કાર્ય થવું જોઈએ. પૈસા કમાવાની દૃષ્ટિથી, લૂંટવાની દૃષ્ટિથી, બીજાને દબાવીને – બીજા પર અત્યાચાર આચરીને જો કાર્ય કરાય તો સાચા અર્થમાં કાર્ય થતું નથી.

ગામમાંથી એક માર્ગ પસાર થતો હતો. ઘણા શ્રમિકો, મજૂરો ત્યાં કામ કરતા હતા. ત્યાંથી પસાર થતા એક સજ્જને એક મજૂરને પૂછ્યું કે તું શું કરી રહ્યો છે ? મજૂરે પ્રત્યુત્તર આપ્યો કે તે મજૂરીનું કામ કરી રહ્યો છે, અને પૈસા કમાઈ રહ્યો છે તેનાથી તેનો જીવન નિર્વાહ થાય છે. વળી સજ્જન આગળ વધે છે અને બીજા મજૂરને પૂછે છે કે તે શું કરે છે. બીજા શ્રમિકે જવાબ આપ્યો કે હું વળી શું કરું ? કોન્ટ્રાક્ટરના આદેશ મુજબ કામ કરું છું, પૈસા કમાઉં છું અને પરિવારનું ભરણપોષણ કરું છું. આગળ વધીને સજ્જન ત્રીજા મજૂરને પૂછે છે કે તે શું કરે છે ? આ મજૂરે કહ્યું કે હું અહીં માર્ગ બનાવવાનું કામ કરું છું અને માર્ગ પૂરો થતાં હજારો લોકો આરામપૂર્વક ગંતવ્ય સ્થાને પહોંચશે. તેથી અમે કૃતાર્થ છીએ, ધન્ય છીએ કે અમને આટલા બધા લોકોની સેવા કરવાનો મોકો મળ્યો. કાર્ય પાછળ આવો દૃષ્ટિકોણ હોવો જોઈએ. આવા દૃષ્ટિકોણથી આપણે સેવા કરવી જોઈએ.

સ્વામી વિવેકાનંદ આટલા મહાન રાષ્ટ્રસેવક બન્યા ! તેમને આવું સેવાદર્શન ક્યાંથી સાંપડ્યું ? આવું મહાન સેવાસૂત્ર કોણે આપ્યું ? સ્વામી વિવેકાનંદના પરમગુરુ હતા શ્રીરામકૃષ્ણદેવ. તેઓ શું કહી ગયા તે વિશે એક ઘટના છે. જેઓએ શ્રીરામકૃષ્ણ કથામૃત વાંચ્યું છે તે બધા જાણે છે. એકવાર શ્રીરામકૃષ્ણદેવ દક્ષિણેશ્વરમાં પોતાના ઓરડામાં બેઠા હતા અને કેટલાક વૈષ્ણવ સાથે વૈષ્ણવધર્મની ચર્ચા ચાલતી હતી. વૈષ્ણવ ધર્મના ત્રણ સ્તંભ છે, તે પૈકીનો એક છે – જીવો પ્રત્યે દયા. જ્યારે શ્રીરામકૃષ્ણદેવે સાંભળ્યું કે ‘જીવ પ્રત્યે દયા’ ત્યારે તેઓ અત્યંત અપ્રસન્ન થઈ ગયા અને કહ્યું કે શું જીવ પર દયા ? જીવ પ્રત્યે દયા કરનાર તું કોણ ? જીવ પ્રત્યે દયા નહીં, પરંતુ ‘શિવજ્ઞાનથી જીવ સેવા’. સેવા અંગેનો શ્રીરામકૃષ્ણદેવે પ્રબોધેલો આ અતિ અદ્‌ભુત આદર્શ છે ! ‘શિવજ્ઞાનથી જીવ સેવા’. એ વ્યવહારુ વેદાંત છે.

આપણે કેવી રીતે સેવા કરી શકીએ છીએ ? આપણે તેને બુદ્ધિપૂર્વક સમજી લઈએ. આપણી સમક્ષ જે કાંઈ જોઈએ છીએ તે પ્રત્યેકમાં ભગવાન નિવાસ કરી રહ્યા છે. ઈશ્વર નિવાસ કરી રહ્યા છે તે ભાવનાથી બીજાની સેવા કરાય તો તે યથાર્થ સેવા છે, અન્યથા યથાર્થરૂપે સેવા થઈ શકશે નહીં. જ્યારે આપણે સમજીએ છીએ કે બધામાં ઈશ્વર વાસ કરી રહ્યો છે ત્યારે આપણે તેની અવહેલના નહીં કરીએ પણ યથાર્થરૂપે સેવા કરીશું. ભગવાન આપણને સૌને પ્રિય છે. જો આપણે ભગવત્ દૃષ્ટિથી સેવા કરીશું તો સેવા યથાર્થરૂપે થશે. આજકાલ એવો પ્રશ્ન ઊઠે છે કે આ બધા તો માત્ર મનુષ્ય જ છે. આવી શંકા, સંદેહ ઉપજે તે ખોટું નથી… આપણે સ્વયં ખાઈએ, પીઈએ અને મોજ કરીએ. આપણે અન્યની સેવા કરવાની શી જરૂર છે ? બીજાનું ભલું કરવાની શી આવશ્યકતા છે ? આવા પ્રશ્નો આપણા મનમાં ઉદ્ભવે છે પરંતુ આપણે શ્રીરામકૃષ્ણદેવે નિર્દિષ્ટ કરેલ દૃષ્ટિથી જોવું જોઈએ એટલે કે શિવજ્ઞાનથી જીવસેવા એ ભાવે. જો પ્રત્યેક જીવમાં શિવ, નરમાં નારાયણ છે તો પછી તમે પણ નારાયણ, અમે પણ નારાયણ, બધા જ નારાયણ. બધા જ નારાયણ હોય તો આપણે બીજાને કેવી રીતે છેતરી શકીએ કે અત્યાચાર આચરી શકીએ અને કેવી રીતે દુ :ખ દઈ શકીએ ? આપણે બીજાની સેવા કરીએ છીએ એવું નથી, પણ હકીકતમાં આપણે આપણી પોતાની જ સેવા કરીએ છીએ.

આપણે જાણવું જોઈએ કે દાતા અને ગૃહિતા એમ બે હોય છે; એક આપે છે, બીજો ગ્રહણ કરે છે. આપણે દાતા થઈને એવું સમજીએ છીએ કે આપણે ગૃહિતા પર કૃપા કરી, પરંતુ આપણે શ્રીરામકૃષ્ણદેવની સેવાદૃષ્ટિથી જોવું પડશે… ગૃહિતા આપણી સહાનુભૂતિને પાત્ર નથી, પણ તે આપણી શ્રદ્ધાને પાત્ર છે કે જેણે આપણને ધન્ય કરીને સેવાની તક આપી છે. જો આપણે આવી દૃષ્ટિથી સેવા કરીશું તો ભારતવર્ષને અગ્રેસર કરી શકીશું, ઉન્નત કરી શકીશું. જો આપણે ઇચ્છીએ તો દેશમાં પરિવર્તન લાવી શકાય… કેવી રીતે પરિવર્તન લાવી શકીશું ? માત્ર નિયમથી, કાયદાથી આપણે દેશને, સમાજને બદલી શકીશું નહીં. આપણી પાસે ઘણા નિયમ છે, કાનૂન છે. તેનાથી આપણે દેશ અને સમાજને બદલી શકીશું નહીં. પહેલાં સ્વયંમાં પરિવર્તન લાવો. જુઓ, પછી સમાજ પોતાની મેળે જ બદલાઈ જશે…

અત્યારે આધ્યાત્મિકતાની ઘણી જરૂર છે. આપણે સ્વામી વિવેકાનંદને વિભિન્નરૂપે જોઈએ છીએ. આપણે તેમને સમાજસુધારકના રૂપમાં, દેશભક્તના રૂપમાં, પ્રખર વક્તાના રૂપમાં, વેદોના પ્રવક્તાના રૂપમાં, માનવતાવાદીના રૂપમાં જોઈએ છીએ. પરંતુ જાણી લો કે સ્વામી વિવેકાનંદ સર્વોપરી આધ્યાત્મિકતાનો પ્રચાર-પ્રસાર કરવા આવ્યા હતા. તેઓ જાણતા હતા કે ભૌતિકતા અને ભોગવાદની સાથે જો આપણે આધ્યાત્મિકતાને નહીં જોડીએ તો જીવંત નહીં રહી શકીએ.

સ્વામીજી કહેતા કે પાશ્ચાત્ય ભૌતિક સંસ્કૃતિ, ભૌતિક સભ્યતા એક દિવસ ચૂર્ણ-વિચૂર્ણ થઈ જશે. એટલે સ્વામીજી ઇચ્છતા કે ભલે ખાઓ, પીઓ અને મોજ કરો પણ નિયમનમાં રહીને… બધી પ્રવૃત્તિઓને આધ્યાત્મિકતા સાથે સાંકળો. જો બધા કાર્યકલાપને આધ્યાત્મિકતા સાથે યુક્ત કરશો તો દીર્ઘકાળ ટકી શકશો, શાંતિથી જીવી શકશો, સાથો સાથ સ્વયંને સમૃદ્ધ કરી શકશો, દેશ અને સમાજને પણ સમૃદ્ધ કરી શકશો. એટલે જ સ્વામી વિવેકાનંદ આધ્યાત્મિકતાનો પ્રચાર-પ્રસાર થાય તેવું ઇચ્છતા હતા.

Total Views: 250

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.