ડિસેમ્બર ૨૦૦૭માં અંગ્રેજી માસિક ‘વેદાંત કેસરી’માં પ્રકાશિત લેખના લેખક સ્વામી બોધમયાનંદ ટી. નગર, ચેન્નાઈ સ્થિત રામકૃષ્ણ મિશન આશ્રમના સંન્યાસી છે. યુવા વ્યક્તિત્વ વિકાસ લક્ષી વર્કશોપ્સ, પ્રવચનો અને જ્ઞાન શિબિરોના આયોજન ક્ષેત્રમાં તેઓ સક્રિય છે. આ મૂળ અંગ્રેજી લેખનો શ્રીનવીનભાઈ સોઢાએ કરેલ ગુજરાતી અનુવાદ અહીં પ્રસ્તુત છે. – સં.

વર્તમાન પરિસ્થિતિ

યુવાવસ્થા એ બદલાવનો સમય છે. બાળક પુખ્તવયનો થાય છે. આ એવો સમય છે, જ્યારે તેના વ્યક્તિત્વનું અને જીવનનું ઘડતર કરવામાં વિચારો મોટો ભાગ ભજવે છે. જ્યારે યુવાન તેના સ્વપ્નની દુનિયામાંથી જાગે છે ત્યારે તેને જીવનની ઘણી અપ્રિય હકીકતોનો સામનો કરવો પડે છે. સ્વાર્થ અને નિર્દયતા, દંભ અને હિંસા, નકારાત્મક અને છીછરી વિચારસરણી જેવાં ઘણાં કઠોર સત્યો તેની સામે આવી પડે છે.

વ્યક્તિત્વ વિકાસના આ સંદર્ભમાં યુવાનો સમાજના જવાબદાર સભ્યો બની રહે તે માટે તેમને પ્રોત્સાહન અને સાચા માર્ગદર્શનની આવશ્યકતા ઊભી થાય છે.

એવું જણાય છે કે થોડા સમય પહેલાંના, વર્ષો પહેલાંના યુવકોની તુલનાએ આજના યુવાનોને જોઈતા સાધનસગવડો સહેલાઈથી ઉપલબ્ધ છે. ઈન્ટરનેટની સુવિધાને કારણે જીવનના ક્ષેત્રમાં વિશ્વ-ઘટનાઓ અને તેમાં થતા ફેરફારોથી તેઓ વ્યાપકપણે (ક્યારેક વધારે પડતા) માહિતગાર છે. તેઓ વધુ પૈસા, તકો અને સાથોસાથ સમસ્યાઓ પણ ધરાવે છે. પૂરતી આજીવિકાનાં સાધનો હોવાં છતાં ખિન્ન માનસિકતા, આત્મહત્યા અને હિંસાનું પ્રમાણ વધતું જાય છે. તેઓ અજંપાથી ભરેલા છે. જીવનની સમસ્યાઓના તાત્કાલિક ઉકેલ માટે તેઓ વડીલોની અથવા લોકપ્રિય પુસ્તકોની સહાય લે છે. છતાં એવું જોવામાં આવે છે કે વ્યક્તિત્વની ઉન્નતિ વિશે તેમને કરેલાં સલાહ – સૂચનો આકરાં હોવા છતાં, વડીલો નહીં પરંતુ યુવાનો તેમને ઉત્સાહથી સારો પ્રતિસાદ આપે છે. વડીલોમાં ઘણાં વર્ષોની પરિપકવતા હોવા છતાં તેમની માન્યતાઓ દૃઢ હોય છે તેથી નવા વિચારો ગ્રહણ કરવાની વૃત્તિઓનો તેમનામાં અભાવ હોય છે, પરંતુ યુવાનો માટે તેવા વિચારોને ગ્રહણ કરવા સહજ છે.

અલબત્ત, વર્તમાન પરિસ્થિતિ વિકટ છે. એક બાજુ યુવાનોને દિશા-નિર્દેશ, પ્રોત્સાહન અને કાળજીની જરૂર છે, તો બીજી તરફ તેને માટે જરૂરી સંપર્ક-વ્યવહારનો અભાવ છે. બધા લોકોની માફક યુવકો પણ એવી અપેક્ષા સેવે છે કે તેમની સમસ્યાઓનો ઉકેલ તેઓ સમજી શકે તેવી ભાષામાં, તેમની રૂઢિ મુજબ કરવામાં આવે. યુવાવસ્થાની નબળાઈઓને લઈને હાલના સંદેશ્ા-વ્યવહારનાં માધ્યમો આબાદ – વધુ ને વધુ પ્રભાવશાળી થતાં જાય છે. યુવાનો પણ રંગીન મિજાજની છાપ ધરાવે છે. આમ યુવાનોનો ઉપયોગ થઈ રહ્યો છે. તેઓ પોતે પોતાની સંસ્કૃતિ અને વારસાગત જ્ઞાનસરિતાની મજાક ઊડાવવા પ્રવૃત્ત થાય છે. હવે એ સમય પાકી ગયો છે જ્યારે આપણે યુવકોને સમજીએ અને ઉપનિષદોના સનાતન સંદેશાઓ તેમને સમજાવીએ. તેઓમાં દોરવણી અને ઉત્તેજનાની ભૂખ છે. ઉપનિષદોના સર્વકાળમાં ઉપકારક ઉપદેશોને જો આપણે તેમની સમક્ષ, તેમની રીતે રજૂ કરીએ તો તેમાં તેઓ રસ ધરાવતા થાય.

યુવાનોને શેની અપેક્ષા છે

ઉંમરના કોઈ પણ તબક્કાની સરખામણીએ યુવાવસ્થામાં પસંદગીના સૌથી વધુ વિકલ્પો ખુલ્લા હોય છે. અન્ય અવસ્થાઓની તુલનાએ યુવાવસ્થામાં આવી વિશેષ માંગ છે. ઘણાખરા યુવાનોની અપેક્ષા ઉપનિષદોએ નિર્દેશેલા માર્ગે ચાલવું કે નહીં તે નથી, પરંતુ તેવું જીવન ક્યારે ગુજારવું તે છે.

રીડર્સ ડાઈજેસ્ટમાંની એક વાર્તાના ઉદાહરણથી આ વાત સમજીએ : ધુમ્મસથી આચ્છાદિત એક રાત્રે એક જહાજના કપ્તાને એક પ્રકાશપુંજને તેના તરફ ગતિમાન થતો જોયો. તેણે તેના સંકેત અધિકારીને સંદેશ મોકલવા કહ્યું. સંદેશ હતો, ‘તમારા જહાજને દસ ડીગ્રી દક્ષિણમાં વાળો’. જવાબ આવ્યો, ‘તમારા જહાજને દસ ડિગ્રી ઉત્તર તરફ વાળો.’ કપ્તાને ફરી સંદેશ મોકલ્યો, ‘હું જહાજનો કપ્તાન છું, તમારા જહાજને દસ ડિગ્રી દક્ષિણ તરફ વાળો !’ પ્રતિસાદ હતો, ‘હું પ્રથમ કક્ષાનો ખલાસી છું, તમારું જહાજ દસ ડિગ્રી ઉત્તરે લો.’

આખરી સંદેશાથી કપ્તાને ગુસ્સે થઈને ફરી સંદેશો મોકલ્યો, ‘આ એક યુદ્ધજહાજ છે. તમારો માર્ગ દસ ડિગ્રી દક્ષિણ તરફ લો.’ અને જવાબ હતો, ‘આ એક દીવાદાંડી છે, તમે જહાજને દસ ડિગ્રી ઉત્તર તરફ વાળો.’

વાર્તાનો સંદેશ સ્પષ્ટ છે; ઉપનિષદોનું અનુસરણ કરો અથવા નાશ પામો. દીવાદાંડી ઉપનિષદના સનાતન સિદ્ધાંતો અને વિશ્વવ્યાપી મૂલ્યોનું પ્રતિક છે. ઉપનિષદો સદાકાળ અને સમગ્ર વિશ્વ માટે ઉપકાર જ્ઞાનનો ભંડાર છે. તે કોઈ ચોક્કસ જાતિ કે સંપ્રદાયનો તેને જાણવાનો અને અનુસરવાનો ઈજારો નથી. તેમાં કોઈ જાતિ કે મોભાનો ભેદ. ઉપનિષદનાં અનેક ઋષિઓ જાતિએ મહિલાઓ હતાં. તેઓમાં ગૃહસ્થ અને સંન્યાસીઓ પણ હતાં. ઘણા ઋષિઓ ખરેખર તો વિશાળ સત્તાની ધૂરા વહન કરતા શક્તિશાળી રાજપુરુષો હતા.

આત્મવિશ્વાસ અને નિર્ભયતા

આજના યુવાનો માટે ઉપનિષદો શો સંદેશ આપે છે ? ભૂતકાળના યુવાનોની માફક આજના યુવાનોને પણ સફળતા અને સામર્થ્યની ઝંખના છે. તેઓ આત્મવિશ્વાસથી સભર અને સફળતાને વરેલું જીવન ઇચ્છે છે. તેઓ જીવનના સાચા અર્થ અને સમસ્યાઓના ખરા ઉકેલની શોધમાં છે. તેઓને શક્તિ અને એકાગ્રતાવાળું મન જોઈએ છે. આવી પરિસ્થિતિમાં કોઈ ઉપનિષદ તરફ દૃષ્ટિપાત કરે તો તેને ત્યાં એક ગહન સત્ય ઉપલબ્ધ થશે; અમરત્વનું સત્ય, આત્માનું સત્ય. દરેક યુવાનને સફળતાને વરેલું વ્યક્તિત્વ જોઈએ છે. જીવનમાં તે કાયમી છાપ છોડી જવા ઇચ્છે છે. સ્વામી વિવેકાનંદ માને છે કે ઉપનિષદનો સંદેશ યુવાનોના જીવનમાં ક્રાંતિકારી પરિવર્તન આણી શકે છે. આપણે આ વસ્તુ સમજવાનો પ્રયત્ન કરીએ.

દરેક વ્યક્તિની વ્યક્તિગત કુશળતા અને સફળતા પાછળ પોતાના વિશે બાંધેલી માન્યતા કારણભૂત રહેલી હોય છે. કુશળતા અને સફળતાને વરેલા પુરુષો અથવા મહિલાઓના મનમાં ક્યાંક, ‘હું સફળ થઈ શકું છું.’ એવી માન્યતા રહેલી હોય છે. ઉપનિષદો એવો ઉપદેશ આપે છે કે દરેકના હૃદયના ઊંડાણમાં સ્થિત આ માન્યતા અને દિવ્ય આત્માની આ ધારણાની બુનિયાદ ઉપર વ્યક્તિત્વનું ચણતર થવું જોઈએ. દરેક વ્યક્તિના પ્રભાવ અને સફળતામાં તેના હૃદયના ઊંડાણમાં અવસ્થિત આ દિવ્ય આત્મધારણા રહેલી છે, તેવો ઉપનિષદોનો સંદેશ છે. મનુષ્યની પાર્શ્વભૂમિમાં વિલસી રહેલી આત્માની આવી દિવ્યતાનું વર્ણન કરતાં ઉપનિષદો ખીલી ઊઠે છે. ઉપનિષદોના આ સંદેશનો જાણે કે પડઘો પાડતા હોય તેમ સ્વામી વિવેકાનંદે કહ્યું હતું :

‘તમારી પોતાની જાતને, સહુ કોઈને, પોતાના સત્ય સ્વરૂપનો ઉપદેશ આપો; સૂઈ રહેલા આત્માને જગાડો અને જુઓ કે એ કેવો જાગી ઊઠે છે. જ્યારે આ સુષુપ્ત આત્મા જાગીને સન્માનપૂર્વક ક્રિયાશીલ થઈ જશે ત્યારે શક્તિ આવશે, કીર્તિ આવશે, ભલાઈ આવશે, પવિત્રતા આવશે અને જે કાંઈ ઉત્તમ છે તે બધી બાબતો આવી મળશે.’ (સ્વા. વિ. ગ્રંથમાળા : ૪.૯૫)

ઉપનિષદોનો આ શક્તિદાયી સંદેશ છે : પોતાની જાતમાં વિશ્વાસ. દરેક મનુષ્યમાં રહેલ આ દૈવી અસ્તિત્વમાં રાખો. આપણે આપણી જાતને હલકી અને નકામી ન ગણવી જોઈએ. આપણે પાપીઓ નથી. તત્ત્વત : આપણે ખરાબ નથી. બેશક આપણે ભૂલો કરીએ છીએ, પણ તે ભૂલો આપણા વિશેનું અંતિમ સત્ય નથી, પણ અંતિમ સત્ય છે : આપણામાં વિલસી રહેલી દિવ્યતા. ઉપનિષદો ઘોષણા કરે છે કે આ દિવ્યત્વ સનાતન સત્ય છે અને એ એક અપરિવર્તનશીલ હકીકત છે. જો યુવાનો આત્મશ્રદ્ધા ધરાવતા હોય તો તે જીવનની દરેક પરિસ્થિતિનો, કોઈ પણ મુસીબતનો સામનો કરી શકે છે.

ઉપનિષદો આપણને મહામૂલ્યવાન નિર્ભયતાનો સંદેશ પણ આપે છે. ઉપનિષદો નિર્ભયતા અને જિજ્ઞાસાવૃત્તિ (વિવેકશીલતા)નો ઉપદેશ સદાય આપતાં રહે છે. હકારાત્મક વલણનો આ પાયો છે. દુન્યવી બાબતો વિશેની જિજ્ઞાસાના અભાવે આપણામાં ભય ઊપજે છે. દુનિયાની ઘણી બાબતો અને વ્યક્તિઓ વિશે તથા આપણા વિશે પણ જીવનમાં આપણે કલ્પના રચીએ છીએ, પણ એના બદલે આપણે વિવેકશીલતાનો અભ્યાસ કરવો જોઈએ તેવું ઉપનિષદો શીખવે છે. મનને બળપ્રદ વિચારો તરફ અભિમુખ થવા દો. અણગમાથી મુક્ત થઈને આપણે વિવેકપૂર્વક વિચારીએ તો જણાશે કે આપણો ભય પાયા વગરનો અને કાલ્પનિક હતો. આવા હકારાત્મક વલણનો ઉપનિષદો સંદેશ આપે છે.

સ્વામી વિવેકાનંદે કહ્યું છે કે નિર્ભયતા એ ઉપનિષદોનો એક મહાન સંદેશો છે, ‘અભી – નિર્ભય બનો.’ આ ઉલ્લેખ તેમાં સતત મળતો રહે છે. ઈશોપનિષદ કહે છે, ‘આ સઘળું દિવ્યતાથી વ્યાપી રહ્યું છે. આ વાત જો કોઈ મનમાં સંઘરી રાખે તો ત્યાં ભયને ક્યાં સ્થાન છે ? ભય જડ પદાર્થાેમાંથી ઉદ્ભવે છે, નહીં કે દિવ્યતામાંથી અને તેની સાથે સાથે તેના વ્યક્તિત્વનો વિકાસ થાય છે. તે વિચારતો થાય છે કે ઈશ્વર સર્વત્ર વિરાજમાન છે. આ ખ્યાલથી તે તાજગીપૂર્ણ સામર્થ્યનો અનુભવ કરે છે.

(ક્રમશ 🙂

Total Views: 306

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.