ઓક્ટોબર, ૨૦૧૨માં ‘બુલેટીન ઓફ રામકૃષ્ણ મિશન ઈન્સ્ટીટ્યુટ ઓફ કલચર’માં સુસ્મિતા ઘોષનો પ્રસિદ્ધ થયેલ અંગ્રેજી લેખનો શ્રીહર્ષદભાઈ પટેલે કરેલ ગુજરાતી અનુવાદ અહીં પ્રસ્તુત છે. – સં.

વીસમી સદીના પ્રારંભકાળમાં ખાસ કરીને ‘નિમ્ન જાતિઓ’, કહેવાતી અસ્પૃશ્યજાતિઓ અંગેનાં ચુસ્ત જાતિ-બંધનો હતાં. મોટાભાગના લોકો રૂઢિચુસ્તો હતો અને નિમ્ન જ્ઞાતિના લોકો સાથે કોઈપણ જાતના સામાજિક સંપર્કાે રાખવાનું ટાળતા. પરંતુ સ્વામી વિવેકાનંદે કહ્યું હતું : ‘અડશોમા’ના મરજાદીપણા સાથે અમારે કશી લેવાદેવા હોવાની હું સાફ ના પાડું છું. એ હિંદુ ધર્મ જ નથી; આપણા કોઈ પણ ધર્મગં્રથોમાં એ નથી. એ એક ધર્મવિરોધી વહેમ છે અને આખા પ્રજાજીવનની કાર્યસાધકતામાં ઠેઠ સુધી માથું મારતો આવ્યો છે.’ (સ્વા.વિ.ગ્રંથમાળા : ભાગ : ૫.૬૨૧) પણ શ્રીસારદાદેવીએ તેવા લોકોને પોતાના ઘરમાં આવકાર્યા, તેઓને અન્ન પીરસ્યું અને તેમનાં એંઠાં પતરાળાં ઉઠાવ્યાં, સાથે પોતે જ તે સ્થાન પણ સ્વચ્છ કર્યું. કારણ કે બીજા લોકોએ તેવું કરવાનો ઈન્કાર કર્યો હતો. ભક્તોને કોઈ જાતિ હોતી નથી, એવું કહીને તેમણે એઠું અને સ્થાન સ્વચ્છ કર્યું. તેમના આવાં કૃત્યથી તેઓ પોતાની જ્ઞાતિ ગુમાવશે એવા સૂચનનો અવારનાર અનાદર કર્યો. ઉચ્ચ રૂઢિચુસ્ત જ્ઞાતિમાં આવા પ્રકારનું વર્તન ઘણું જ મુશ્કેલી ભર્યું હતું. પરંતુ તેઓ માનપૂર્વક મસ્તક ઉન્નત રાખતાં અને તરછોડાયેલા લોકોને તેમની સાચી માતા છે તેવી અનુભૂતિ કરાવતાં.

જો કે શ્રીમદ્ ભગવદ્ગીતા જેવા ગં્રથો મુજબ વર્ણ-વિભાજન વૈયક્તિક ગુણ (ચારિત્રિક ખાસિયતો) અને કર્મ (વ્યવસાય) પર આધારિત છે; પાછળના વૈદિકકાળમાં આ વિભાજનો વંશાનુગત પ્રથામાં પરિણમ્યાં. વ્યવસાયો સુદ્ધાં વંશપરંપરાગત થયા. અત્રે એ ખાસ નોંધનીય છે કે આધુનિક સમાજમાં પણ બાળકો સંભવિતપણે તેમનાં માતપિતાનો વ્યવસાય કે તેનો આનુષાંગિક વ્યવસાય પસંદ કરશે અને આવું પણ મહદ્અંશે બને છે. પ્રાચીનકાળમાં સ્વાભાવિકપણે વ્યવસાયો વંશપરંપરાગત કરાતા હતા.

જ્ઞાતિપ્રથાએ કોઈપણ વ્યવસાય કે ધંધામાં સરળ, પ્રાકૃતિકપણે સર્વોત્તમ પ્રશિક્ષણ આપ્યું છે કારણ કે તેવા વ્યવસાયોમાં સમગ્ર કુટુંબ ગૂંથાયેલું રહેતું.

ઘણું કરીને નિશ્ચિત વ્યવસાય કરનારા લોકો એક સમાન જ્ઞાતિના હોવાથી અને તેઓની પોતાની વસાહતમાં રહેતા હોવાથી એવી જ તાલીમની અભિરુચિને અનુકૂળ વાતાવરણ રહેતું. આ પ્રથાએ સ્વયં સ્ફુરિતપણે બેરોજગારીનો પ્રશ્ન પણ નાબૂદ કર્યો કે જે પ્રશ્ને હાલમાં ચોંકાવનારા પરિણામનું સ્વરૂપ ધારણ કર્યું છે.

અનેક સદીઓ પર્યંત દરેક જ્ઞાતિસમૂહની સમાજ પ્રત્યેની મહદ્અંશે ફરજો અને કર્તવ્યો તેમજ પ્રત્યેક સમૂહના બીજાઓ તરફથી પ્રાપ્ત ચોક્કસ હક્કો અને વિશિષ્ટ અધિકારોનો સ્પષ્ટ સીમાબદ્ધતાએ શાંતિપૂર્ણ સહઅસ્તિત્વની ભાવનાને પોષી છે.

તેમ છતાંય જ્ઞાતિપ્રથાનો સાચો અસ્મિતાનો ક્રમશ : ક્ષય થઈ રહ્યો છે. બ્રાહ્મણ અને ક્ષત્રિય જેવી ઉચ્ચ જ્ઞાતિઓમાં બન્યું તેમ સંપત્તિ અને સત્તાનું કેન્દ્રીકરણ અનીતિ તરફ દોરી જાય છે અને તે જ્ઞાતિઓએ પોતાના સ્વાર્થી ઉદ્દેશો માટે સમાજને પોતાને આધિન કરવાનો પ્રયત્ન કર્યો છે. સ્વાભાવિકપણે આ ઘટનાએ જ્ઞાતિ-જ્ઞાતિ વચ્ચેના સંઘર્ષો પેદા કર્યા અને તે એકબીજા પર આધિપત્ય મેળવવાના પ્રયાસો કરતા રહીને, કહેવાતી નિમ્નજ્ઞાતિઓ સુધી વિસ્તર્યા. આનાથી સામાજિક માળખામાં શાંતિ અને સમતોલન ખોરવાયાં.

‘ઉચ્ચ’ વર્ગના લોકોએ ‘નિમ્ન’ જ્ઞાતિના લોકોને હીણ દૃષ્ટિએ જોવાનું શરૂ કર્યું. તેઓએ સાથે ભોજન કરવાનું પણ નામંજૂર કર્યું, જો ઉચ્ચ વર્ગના સભ્યો ભૂલેચૂકે નિમ્ન જ્ઞાતિના લોકોના દૈહિક સંસર્ગમાં આવતા તો ઉચ્ચ વર્ગના લોકો પોતે શુદ્ધ થવા સ્નાન કરતા અને ફરી પાછા પવિત્ર બની જતા! એટલું જ નહીં, પણ નિમ્ન વર્ગના લોકોને ઉચ્ચ વર્ગના લોકોની ગૃહસીમાઓમાં પ્રવેશ કરવા દેવામાં આવતા નહીં. આવું હીન આચરણ એટલું બધું કઠોર બની ગયું હતું કે જો કહેવાતી નિમ્ન-જ્ઞાતિની કોઈ વ્યક્તિ મૃત્યુશૈય્યા પર પડી હોય, તો પણ તેવા પુરુષ કે સ્ત્રીને પાણીનું ટીપું સરખુંય આપવાની કોઈ દરકાર કરતું નહીં! જ્ઞાતિપ્રથાની આ અધોગતિને કારણે ભારતીય સહવાસીઓ પરત્વે લાગણીશૂન્ય થયો છે.

શ્રીમાનો અદ્વૈત પરક અભિગમ

જ્યારે આપણે શ્રી શારદાદેવીના જીવનપ્રતિ દૃષ્ટિ કરીએ છીએ ત્યારે આપણને માલૂમ પડે છે કે તેઓ પરિભાષાના સાચા અર્થમાં સમાજ સુધારક ન હતાં. સ્થાપિત રીતરિવાજોની વિરૂદ્ધ જઈને તેઓ કોઈને આઘાત પહોંચાડવાનું ઇચ્છતાં ન હતાં. પરંતુ માની લીધેલા નિમ્નજ્ઞાતિના લોકો પ્રત્યેનું તેમનાં વલણ અને વર્તન-વ્યવહાર તેવા લોકોમાં તેઓ સમાજના સામાન્ય પ્રવાહની અંતર્ગત જ છે તેવી ભાવના ઊભી કરતાં, તેઓએ પ્રવર્તમાન જ્ઞાતિપ્રથાને નાબૂદ કરવાનો પ્રયતન કર્યો ન હતો પણ તેઓ કહેવાતી નીચલી અને કચડાયેલી જાતિ પ્રત્યે થતાં અપમાન અને હાનિ સહન કરી શકતાં નહિ. તેમની પાસે આવવાની બધાંને છૂટ હતી અને તેઓને શ્રીમા તરફથી યથોચિત આદર મળતો. શ્રીસારદાદેવી આ રીતે સમાનતાનો ભાવ પ્રસ્થાપિત કરવા માગતાં હતાં. વળી ગમે તે જ્ઞાતિ, સંપ્રદાય કે રંગનો – એમ દરેકમાં ઈશ્વર વસી રહેલો છે તેવા અદ્વૈતપરક સત્યને નિશ્ચયાત્મકપણે તેઓ આગ્રહ પ્રગટ કરતાં. તેઓ અદ્વૈતના સત્યને માત્ર સૈદ્ધાંતિકરૂપે માનતાં ન હતાં, પણ તેઓએ તે સત્યને તેમના દૈનંદિન જીવનમાં વ્યવહૃત કર્યું હતું, પ્રગટિત કર્યું હતું. તેઓએ બતાવી આપ્યું કે જીવ અને શિવ અભિન્ન છે.

શ્રીરામકૃષ્ણ કહેતા હતા : ‘જ્ઞાતિપ્રથા એક જ ઉપાય દ્વારા દૂર કરી શકાય અને ઉપાય છે ઈશ્વર પ્રત્યેનો પ્રેમ. ઈશ્વરના ચાહકો કોઈ એક જાતિના નથી. દિવ્ય પ્રેમ દ્વારા મનુષ્યનાં દેહ, મન અને આત્મા વિશુદ્ધ બની જાય છે. ચૈતન્ય અને નિત્યાનંદે સર્વત્ર હરિનામ વિતરિત કર્યું, અસ્પૃશ્ય સુદ્ધાંમાં અને તે બધાને આલિંગન કર્યું. આવા પ્રેમ વિનાનો બ્રાહ્મણ એ બ્રાહ્મણ નથી અને ઈશ્વર પ્રેમવાળો અસ્પૃશ્ય એ અસ્પૃશ્ય નથી. ભક્તિ દ્વારા અસ્પૃશ્ય વિશુદ્ધ અને ઉન્નત બની જાય છે.’

શ્રી સારદાદેવી અવારનવાર નિમ્નજ્ઞાતિના શિષ્યોના હાથમાં પોતાની થાળીમાંથી ભોજન-પદાર્થો આપતાં અને તેમના હાથ ધોયા વગર જ ખાવાનું પુન : શરૂ કરતાં. એક વખતે બ્રાહ્મણેતર જ્ઞાતિના શિષ્યે રાંધેલો ભાત તેમણે શ્રીરામકૃષ્ણને નિવેદિત કર્યો અને પોતે જાતે ગ્રહણ કર્યો. કહેવાતા અસ્પૃશ્ય જ્ઞાતિના લોકો પણ તેમની અગાધ કરુણાની ઉદારમતવાદિતામાંથી બાકાત રહ્યા નહોતાં. એક વખત જયરામવાટીમાં સફાઈવાળો પાણીનો કોઠી નીચે મૂકવા માટેની ઈંઢોણી લઈ આવ્યો. શ્રીમાએ તે ઈંઢોણીને તેમના મકાનના વરંડામાં રાખવા કહ્યું, પણ ચુસ્ત જ્ઞાતિ વિષયક પૂર્વગ્રહો ધરાવતી તેમની ભત્રીજીએ તે માણસને તેમના ઘરની ચીજોને અડકવા બદલ નજીવી બાબત પર ધમાલ અને ગાળાગાળી શરૂ કર્યાં. શ્રીમાએ, તેમ છતાંય તે સફાઈદારને તેણે કંઈ જ ખોટું કર્યું નથી, એમ કહી દિલાસો આપ્યો અને નાસ્તો ખરીદવા માટે થોડા પૈસા આપ્યા. ચુસ્ત જ્ઞાતિ વિષયક શિષ્ટાચારની દૃષ્ટિએ તે દિવસોમાં તેમના જેવો સામાજિક મોભો ધરાવતાં ઉચ્ચવર્ગના બ્રાહ્મણ ગૃહિણીના પક્ષે આવા આચરણને પાપરૂપ ગણવામાં આવતું હતું.

એક વખત કવિરાજ (આયુર્વેદ ચિકિત્સક) શ્યામાદાસ રાધુને (શ્રીમાની ભત્રીજી) તપાસવા આવ્યા. શ્રીમાએ રાધુને વૈદ્યરાજને પ્રણામ કરવા અને તેમનો ચરણસ્પર્શ કરવા કહ્યું અને રાધુએ તે મુજબ કર્યું. ત્યાં ઉપસ્થિત કેટલાંકને રાધુનું આવા બ્રાહ્મણેતરને પ્રણામ કરવાનું કૃત્ય ન ગમ્યું; અને વૈદ્યરાજના વિદાય બાદ તે બધાંએ માતાજીને પૂછ્યું કે તેમણે શા માટે રાધુને તેમ કરવાનું સૂચન કર્યું હતું. શ્રીમાએ પ્રત્યુત્તર આપ્યો, ‘ચોક્કસપણે તેણે તેમ જ કરવું જોઈએ. આવો વિદ્વાન પુરુષ બ્રાહ્મણ સમાન છે. જો રાધુ આવી વ્યક્તિને પ્રણામ નહીં કરે તો બીજા કોને કરશે?’

બધાંને જોડવાની તેમની પ્રવૃત્તિ

જયરામવાટીમાં એક વખત મમરા અને જલેબી શ્રીઠાકુરને નિવેદિત કર્યાં. પછી મમરાની મોટી થાળીમાં તે બધું સજાવીને તેમણે ભક્તોને મોકલ્યું. સમાજની વિવિધ જ્ઞાતિના લોકોને એકત્રિત કરવા માટે શ્રીમા સારદાદેવી આ બધું કરતાં.

જ્યારે, તેઓની અંતિમ માંદગીના સમયે, કોઈકે ટિપ્પણી કરી કે તેઓની શારીરિક યંત્રણાઓ તેઓના અપવિત્ર લોકોના સંસર્ગને કારણે થઈ છે અને હવે પછી તેઓના સ્વાસ્થ્યની પુનપ્રાપ્તિ પછી તેઓને આ બધાંથી સંપૂર્ણપણે સુરક્ષિત રાખવાં જોઈએ, ત્યારે તેઓએ પ્રતિકાર કરતાં કહ્યું, ‘તમે આવું કેમ બોલો છો? શું તમે એવું માનો છો કે શ્રીરામકૃષ્ણ માત્ર રસગુલ્લાં ખાવા માટે જ આવ્યા હતા?’ તેઓના કહેવાનું તાત્પર્ય એ હતું કે તેઓના જીવનનો ઉદ્દેશ તેઓ માટે કંઈક પ્રાપ્ત કરવાનો ન હતો પણ બીજાઓના જીવનપ્રકાશ અને મુક્તિ માટે પોતાનું બલિદાન આપવાનો હતો.

વૈશ્વિક માતૃત્વની ગહન ભાવનાને લઈને તેઓ સર્વ માનવતાની ઉપર ઊઠી શક્યાં; ભલે તે ઉચ્ચવર્ણના કે નિમ્ન વર્ણના, હિંદુઓ કે મુસલમાનો, સદાચારી કે દુરાચારી હોય. સાર્વત્રિક પ્રેમની દૃષ્ટિથી તેઓ બધાંને સમાનભાવથી નિહાળતાં કે જેણે માનવ-માનવ વચ્ચેના સઘળા અંતરાયો તોડી નાખ્યા હતા.

અદ્વૈતવાદે ઉપદેશેલો સાર્વત્રિક પ્રેમ સર્વજીવોના મૂળભૂત ઐક્યની અનુભૂતિ પર આધારિત છે. એક જીવની બીજા જીવ વચ્ચેની દેખીતી વિભિન્નતા પૂર્ણત : અજ્ઞાનને કારણે છે; ધીર પુરુષ સર્વત્ર એક જ ચૈતન્ય નિહાળે છે. અજ્ઞાની જન દ્વારા પ્રદર્શિત થતા સીમિત પ્રેમને પૃષ્ઠભૂમિકામાં પણ અદ્વૈતભાવ પર આધારિત સાર્વત્રિક પ્રેમની અસ્પષ્ટ અભિવ્યક્તિ રહેલી છે. ભલે કોઈ જાણે કે ન જાણે, પણ પારસ્પરિક પ્રેમ-આકર્ષણનું ઉદ્ગમસ્થાન અસ્તિત્વમાં રહેલું ઐક્ય જ છે.

નારીશક્તિના પુનર્જાગરણનો ભવ્ય પ્રારંભ શ્રીમા સારદાદેવીના આગમન દ્વારા લક્ષિત થયો અને તેઓના વિશ્વમાતૃત્વ દ્વારા તેમણે સ્ત્રીત્વના સદ્ગુણના પ્રતિક એવી નારીની સુષુપ્ત અને જાગ્રત દિવ્યતા જગત સમક્ષ પ્રગટિત કરી.

માનવનો અનુભવ એ હકીકતના ખરાપણાની ખાતરી આપે છે કે માતાની પોતાની સંતતિ પ્રત્યેનો પ્રેમ તેઓના ગુણ કે અવગુણને લક્ષમાં લીધા વિના, સર્વોત્કૃષ્ટપણે અને અન્ય પાસાં સાથે સંકળાયા વગરનો બિનશરતી હોય છે.

Total Views: 295

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.