ખાસ કરીને શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટનો મહિમા સાંભળીને હું સન્માનની લાગણી અનુભવું છું.

છેલ્લાં 25-30 વર્ષથી જ્યારે જ્યારે આવા કાર્યક્રમોમાં મને વ્યાખ્યાન આપવા નિમંત્રણ આપવામાં આવે છે ત્યારે સભાગૃહમાં મારા જેવા ધોળા વાળવાળા લોકોને વધુ સંખ્યામાં જોઈને હું હંમેશાં મૂંઝવણ અનુભવું છું, એને બદલે અહીંના શ્રોતાઓમાં યુવાનો કે જેમને મન સ્વામી વિવેકાનંદ જીવનના એક આદર્શરૂપ છે, એ જોઈને હું આનંદ અનુભવું છું. આજનો આ પ્રસંગ સ્પષ્ટપણે એ દર્શાવે છે કે શેષ વિશ્વને સામે આ દેશ એક ઉન્નત પરિવર્તન પ્રસ્તુત કરે છે. ભારતનું યુવાજગત પોતાના ગુમાવી બેઠેલા ભારતને પાછું મેળવી રહ્યું છે એ આ દેશ માટે એક મહાન શુભ સંકેતરૂપ છે.

શા માટે ભારત વિના સમગ્ર વિશ્વ ટકી ન શકે અને આજે વિશ્વ જે જે સમસ્યાઓનો સામનો કરી રહ્યું છે, તેનો ઉકેલ કેવી રીતે ભારતી સંસ્કૃતિ પાસે છે એના વિશે હું બોલવાનો છું. આખું વિશ્વ આર્થિક ઉન્નતિમાં ડૂબી ગયું છે. આર્થિક ઉન્નતિ જ બાકીની માનવ પ્રજા માટે એક પડકારરૂપ બની છે. આ વર્ષે એક વૈશ્ર્વિક વિશાળ શ્રોતાસમૂહે એક મહત્ત્વનોે ભેદ જોયો છે કે માત્ર ધનની વૃદ્ધિ આ વિશ્વની સમસ્યાઓનો ઉકેલ શોધી શકે તેમ નથી. આનાથી ઊલટું આજના વિશ્વની અડધોઅડધ સમસ્યાઓનું મૂળ કારણ આ ધનલાલસા જ છે. મેં આ મુદ્દો ઉઠાવ્યો હતો કારણ કે તેના એક દિવસ પહેલાં જ સમાચારપત્રો અને માસમિડિયામાં એવો અહેવાલ પ્રસિદ્ધ થયો કે ભારતની કુલ સમૃદ્ધિનો 73% ભાગ 1% લોકો જ ધરાવે છે.

આખું વિશ્વ આજે ત્રણ મુખ્ય સમસ્યાઓથી ઘેરાયેલું છે અને જો આપણે માનવપ્રજા તરીકે સાથે મળીને એનો સામનો નહીં કરીએ તો કદાચ આપણે આપણી જાતનો વિનાશ નોતરીશું. વાસ્તવિક રીતે આખા વિશ્વ માટે તે એક સામૂહિક આત્મઘાત બની રહેશે. આ બધી સમસ્યાઓ કઈ કઈ છે અને આપણે એમનો સામનો શા માટે અને કેવી રીતે કરી શકીએ ?

  1. આપણને ગમે કે ન ગમે પણ પહેલો પડકાર છે ધાર્મિક ઝનૂનવાદનો. જો આપણે એનો સામનો નહીં કરીએ તો આપણી જાતનો વિનાશ તત્કાળ નોતરવાના જ.
  2. બીજો પડકાર છે ટેક્નોલોજીના અતિ વિકાસમાંથી નિપજતી સમસ્યાનો. આપણે બધા ટેકનોલોજીની ઉન્નતિને વધાવીએ છીએ. આ જ ટેકનોલોજીની ઉન્નતિના પરિણામે આવતાં દશ વર્ષમાં 69% નોકરીધંધા અદૃશ્ય થઈ જવાના. વિશ્વની કરુણાંતિકા તો એ છે કે બધાં રાષ્ટ્રો એવી શિક્ષણ પ્રણાલીની રૂપરેખા તૈયાર કરવામાં રત છે કે જેથી કામધંધાનાં સાધનો મળી રહે. પરંતુ આનું ક્યાંય અસ્તિત્વ દેખાતું નથી. એટલે મોટા ભાગના શ્રોતાઓએ એ પૂરેપૂરું જાણી લેવું જોઈએ કે તમારી ઉપાધિઓ તમને કામધંધો આપી નહીં શકે. પરંતુ આ બધાનો સાચો જવાબ ભારતીય સંસ્કૃતિમાં રહેલો છે.
  3. આપણે આજે જે વિષમતાને ભયંકર પ્રમાણમાં વધતી જતી જોઈએ છીએ તેનું આપણે ધ્યાન નહીં રાખીએ તો સમગ્ર વિશ્વમાં શક્ય છે કે એ વિસ્ફોટક બની જશે. આ આપણી ત્રીજી સમસ્યા છે; આ બધા પ્રકારની વિષમતા પછી ભલે તે પ્રૌદ્યોગિકીની હોય, સામાજિક કે ભૌગોલિક હોય. હું ભારતના એ પ્રદેશમાંથી આવું છું કે જ્યાં દરરોજ ત્રણ કલાક વીજળી મળે છે. વિષમતાની વાત તો એ છે કે 27 મેગાવોટ જેટલી વીજળી એટલે કે કુલ વીજ-ઉત્પાદનના 54% બેંગલોર શહેરમાં જ જાય છે. બાકીનું કર્ણાટક રાજ્ય અંધારામાં જીવે છે. આ વિષમતાને કારણે આપણે ચિંતિત બન્યા છીએ. આવી બધી બાબતો નકારાત્મક ધ્વનિ સંભળાવે છે. પરંતુ આ મુદ્દો અહીં એટલા માટે રજૂ કરું છું કે આવી બધી લાલ ઝંડી માટેનો ઉકેલ આપણી હાર્દસમી ભારતીય સંસ્કૃતિમાં જ રહેલો છે અને એટલા જ માટે સમગ્ર માનવજાતને ઉગારવા માટે ભારતે જગદ્ગુરુ બનવાની આવશ્યકતા છે.

હું ભારતીય છું, અમેરિકન કે સીરીયન છું, એનાથી વધારે એમ કહેવું કે હું ભારતીય હિંદુ છું, હું ભારતીય મુસ્લિમ છું વગેરે જેવી ઘણી સંકુચિત ભાવના વિશે ભારતે કદીય વિચાર્યું નથી. પોતાના દેશનું નાગરિકત્વ એક સંકુચિત સંકલ્પના છે અને એને વધારે વિસ્તૃત કરવા આપણે ‘વિશ્વનાગરિકત્વ’ એમ કહેવું જોઈએ. કેવી રીતે તમે કોઈને ‘હું આ સમગ્ર વિશ્વનો છું’ એવું ગળે ઉતારી શકો? તમે કેવી રીતે મહત્તરભાવથી વિચારી શકો અને કહો કે ‘હું તો બાકીની બધી માનવપ્રજામાંનો છું?’ આપણે ભારતના એ ભવ્ય, અસામાન્ય અને પ્રબળ સંદેશને, આત્મકેન્દ્રીયતાથી દૂર લઈ જનાર સંદેશને સ્વીકારવાનો છે. આ પ્રબળ સંકલ્પના એટલે ‘વસુધૈવ કુટુંબકમ્’ની ભાવના.

આપણી પાસે વિશ્વને અર્પણ કરવા જેવું શું છે ? એવી કઈ વસ્તુઓ છે કે જેની આપણને જરૂર છે અને શા માટે તેની આવશ્યકતા આપણે અનુભવી છીએ? આપણે માનવપ્રજામાંથી એક એવી પેઢીની જરૂર છે કે જે ‘વસુધૈવ કુટુંબકમ્’ના આ સંદેશને સમજી શકે અને તેને વ્યાખ્યાયિત કરી શકે. અહીં આજે બેઠેલ યુવાન વર્ગને સ્વીકાર્ય હોય તે રીતે તેને જીવી બતાવે, એવી પેઢીની આવશ્યકતા છે. અહીં ઉપસ્થિત શ્રોતાવર્ગ બે દિવસ સુધી બુદ્ધિપ્રતિભાના ભવ્ય તારામંડળ જેવા લોકોના વિચારોથી પ્રેરાશે. આવતીકાલ પછી તમારે વળી પાછું શાળા-મહાશાળાએ જવાનું થશે, પરીક્ષાઓની ચિંતા કરવી પડશે, કામધંધાની ચિંતા કરવી પડશે, તમારા ટેબલ પર મુકાતી ભોજનની થાળીની પણ ચિંતા કરવી પડશે – જીવનની વાસ્તવિકતા આ છે.

આવી પરિસ્થિતિઓથી પાર જવા આજની યુવાપેઢીને પ્રેરવા શું કરવું જોઈએ ? આ વિશે સ્વામી વિવેકાનંદે ઘણા સુંદર શબ્દમાં વાત કરી છે, ‘ભૂખ્યા પેટે તમે ધર્મની વાત ન કરી શકો.’ હું માનું છું કે આ જ મહત્ત્વનો અને પ્રાથમિક સંદેશ છે. તમે જાઓ અને ‘ઇન્ડુસ મેડિસન’માં પ્રકાશિત થયેલો સૌને અવાક બનાવી દેતો અહેવાલ જુઓ. આ અહેવાલ હજુ સુધી જાહેર કરાયો નથી. એ ‘વર્લ્ડ ઇકોનોમી: એ મિલેનિયલ પર્સપેક્ટીવ – વિશ્વનું અર્થતંત્ર : એનો સહસ્રાબ્દી દૃષ્ટિકોણ’ને નામે ઓળખાય છે. 1600 વર્ષ સુધી આ વિશ્વમાં સુદીર્ઘકાળ સુધી જે દેશ વિકસ્યો તે ભારત છે. આ જ દેશ 36-38% વૈશ્ર્વિક અર્થતંત્ર પર કાબૂ ધરાવતો હતો. ત્યાર પછી આપણે ક્યારેય અર્થકારણના અધિષ્ઠાતા બનવાની આશા-અપેક્ષા સેવી ન હતી. છેલ્લાં આ 300 વર્ષમાં શું થયું ? સમગ્ર વિશ્વને સંદેશ આપવાને બદલે આ દેશની દરેક વ્યક્તિ ‘મારી પાસે આપવા જેવું કંઈ નથી, હું નિર્બળ છું,’ અને તેણે બહારથી આવતી આર્થિક સહાયને ચૂસવાનું શરૂ કર્યું. છેલ્લાં 300 વર્ષમાં આપણે પોતે ભારતીય હોવાની ભાવનાને જ માત્ર ગુમાવી નથી, પરંતુ ભારતીય સંસ્કૃતિની ગૌરવગરિમાની શક્તિને પણ આપણે ગુમાવી બેઠા છીએ.

ઘણા ભારતીય વૈજ્ઞાનિકોએ પોતાની એ 1600 વર્ષ દરમિયાન કરેલી શોધખોળ પાછળ પોતાનાં નામ પણ નથી જોડ્યાં અને એનો દાવો પણ નથી કર્યો. એ વર્ષો દરમિયાન શૂન્ય, દશાંશ પદ્ધતિ, ત્રિકોણમિતિ, માપતોલ પદ્ધતિ અને રસાયણવિજ્ઞાન જેવી શોધો કરાઈ હતી. ભારતના એક પ્રબળ સંદેશ તરફ જરા નજર કરો કે જ્યાં આપણે કહેતા હતા, ‘આ મારું એકલાનું જ નથી, પણ સમગ્ર વિશ્વનું છે.’

આપણે બધાએ બે વસ્તુ શીખવાની જરૂર છે. આપણે આપણા પોતાની ભીતરની પ્રકૃતિને સમજવા જન્મ્યા છીએ – એ હકીકતને ભૂલ્યા વિના આપણી બાહ્ય પ્રકૃતિ પર સતત નિયમન રાખવાનું કેવી રીતે શીખી શકીએ? આ બંને શક્તિશાળી બળોને એકીસાથે કેવી રીતે લાવવાં એ જો આપણે નહીં સમજીએ તો વૈશ્ર્વિકનાગરિકત્વનું સૂત્ર કંઈક જુદું જ બની જશે.

આપણે એક માનવપ્રજા બનવાની વાત કરીએ એ પહેલાં ભારતે જાણેલ ચાર પ્રબળ તત્ત્વોને સમજવાની જરૂર છે. એના વિના સંકુચિત વિભાજનો વધતાં રહેશે. આપણે એટલું સમજ્યા હતા કે હૃદય, દેહ, મન અને પ્રાણ એ કોઈ પ્રાપ્ત કરવા જેવી સંકુચિત ભાવવાળી બાબતો ન હતી. પરંતુ સમાજના કલ્યાણ માટે એને સમજવાનું, એના પર આધિપત્ય મેળવવાનું, તેને સંયમમાં લાવવાનું અને ઉપયોગમાં લાવવાનું તમે શીખો છો.

એકલા અમેરિકામાં આજે 30 અબજ ડોલરની વાર્ષિક ઉપજ યોગ આપે છે. આજે અહીં બેઠેલા શ્રોતાજનોને જો હું મૂંઝવણમાં મૂકવા માગું તો મારે તમને એટલું જ પૂછવું છે કે આપ સૌમાંના કેટલા લોકો દેહમનના ખરા ઐક્યભાવથી દરરોજ યોગનો અભ્યાસ કરો છો ? 800 શ્રોતાઓમાંથી માત્ર 20 હાથ ઊંચા થયેલા જોઈ શકું છું. જેની ગરિમાની સ્વામીજી મુગ્ધતા અનુભવતા હતા, એ જ આ ભારત છે અને આ વિશે ભારતને પરિવર્તિત કરવાની જરૂર છે. જો આપણે ભારતના અને ભારતીયોના લોહીના પ્રાચીન સંસ્કારો માટે ગર્વ નહીં અનુભવીએ તો આખા વિશ્વે ગુમાવવાનું રહેશે. આ માત્ર ભારતે જ નહીં પણ સમગ્ર વિશ્વે યાદ રાખવાનું છે. ચિંતનાત્મક ઉપલબ્ધિ ભારત માટે મહત્ત્વની હતી અને આપણે એ કર્યું છે. ભારત કેટલાક અલ્પ સંખ્યાના દેશોમાંનો એક છે કે જેણે વ્યક્તિ વ્યક્તિ વચ્ચેની સ્થૂળ અને સૂક્ષ્મ ચેતનાશક્તિને જાણી લીધી હતી. જ્યારે પશ્ચિમના દેશોએ સાંવેગિક ચેતનાશક્તિ પર સંશોધન પત્રો લખવાનું શરૂ કર્યું ત્યાર પહેલાં આપણે એ શક્તિને સમજી ગયા હતા. એનાથી પણ વધારે મહત્ત્વનું એ હતું કે આપણે આંતર પ્રકૃતિ એટલે કે આધ્યાત્મિક ઉન્નતિ અને આધ્યાત્મિક પ્રાપ્તિને પણ જાણતા હતા. બાહ્ય અને આંતર પ્રકૃતિના સંદર્ભમાં ઉપરનાં ચારેય હૃદય, દેહ, મન અને પ્રાણ તત્ત્વોએ એકીસાથે રાખીને ચાલવું પડે. સંભવત: આજે વૈશ્ર્વિક નાગરિકત્વ વિશેની વિચારણામાં આગળ વધવા માટે આ એક જ પાયાનો માર્ગ છે.

આજના સંદર્ભમાં વિશ્વ નાગરિક્ત્વની સંકલ્પના અદૃશ્ય થઈ રહી છે. અત્યારે આપણે ‘યુનો’ના પાયાની સંરચનાને નષ્ટ કરી દીધી છે. વિશ્વમાં એવા દેશો છે કે જે પોતાના સંકુચિત રાજકીય રસ માટે આ સંસ્થાનો ઉપયોગ કરે છે અને તેનો વિનાશ કરી રહ્યા છે. કેટલાક દેશો ઘણી વૈશ્ર્વિક સંસ્થાઓનું પોતાની અંગત સ્વાર્થ ભરેલી વૃત્તિથી સંચાલન કરી રહ્યા છે. દુ:ખની વાત તો એ છે કે કોઈપણ દેશને વૈશ્ર્વિકકલ્યાણમાં રસ નથી. તેઓ અવારનવાર પોતાને ગમતા સંકુચિત સ્વાર્થમાં ખેંચાઈ જાય છે. એટલે જ અત્યારે સ્વાર્થવૃત્તિવાળી રુચિનાં વૈશ્ર્વિક ઉચ્ચારણો આપણી પાસે છે અને એમાં ક્યાંય વૈશ્ર્વિકતા નથી. આ જ બાબતમાં ભારત અલગ પડે છે. જરા ‘યુનો’ જેવી સંસ્થાની કલ્પના કરો. જો તે ભારતની ‘વસુધૈવ કુટુંબકમ્’ની વૈશ્ર્વિક ભાવનાના આદર્શને અમલમાં મૂકત તો આજે જે દેખાય છે એના કરતાં યુનો જુદું જ હોત. આપણે આ બધામાં પરિવર્તન લાવવું પડશે અને એ પરિવર્તન ત્યારે જ શક્ય બનશે કે જ્યારે વિશ્વ સમક્ષ ભારતનો આ આદર્શ મુકાય. આપણે સૌ પ્રથમ તો માનવપ્રજા અને વિશ્વ માટે વિચારવાનું શરૂ કરવું પડશે.

કોઈ એક દેશ કંઈ કરી ન શકે. પશ્ચિમે સર્જેલાં બધાં દૂષણો આપણને પણ દઝાડે છે અને આપણી ઉન્નતિની પ્રગતિમાં આ દૂષણ અવરોધ ઊભો કરે છે, જેનાં માઠાં પરિણામો બાકીના વિશ્વે સહન કરવાનાં રહેશે. આર્ક્ટિકના હિમપર્વતો ઓગળી રહ્યા છે તે એ પ્રદેશની જ સમસ્યા નથી, પણ એ સમસ્યા આખા વિશ્વની છે. એટલે આપણને વિશ્વનાગરિક્ત્વની જરૂર છે. આફ્રિકાનો એબોલા વાયરસ તે માત્ર આફ્રિકાનો નથી. અમેરિકાએ પણ ગયે વર્ષે એની પીડા ભોગવી છે અને એને કારણે આપણે પણ ભોગવવું પડે. સમગ્ર વિશ્વ આજે આટલું નિકટથી જોડાયેલું છે! બેક્ટેરિયા કે વાયરસને કોઈ સીમા નથી હોતી. શા માટે આપણે એને એક મોટો પ્રશ્ન બનાવી દઈએ છીએ ? કારણ કે વહીવટી સુવિધાઓ માટે આપણને પાસપોર્ટની આવશ્યકતા રહે છે.માનસિક રીતે આ સીમાઓને કેવી રીતે દૂર કરવી એની આપણને જરૂર છે. આપણું મન કેવી રીતે આ સીમાઓથી પર જઈને અસીમિત બની

જાય ? આ રહસ્યને જે એક રાષ્ટ્રે શોધી કાઢ્યું હતું તે હતો ભારતદેશ. મર્યાદાઓની સીમાઓ પછી ભલે તે મનની હોય કે દેહની, પણ એ સીમાઓ છે. અને ભારત દેશે દુનિયાને આ સીમાઓ તોડવાનું શીખવ્યું હતું. વૈશ્ર્વિક નાગરિક્ત્વના ક્ષેત્રમાં ભારતીય સંસ્કૃતિનું આ સૌથી મોટું પ્રદાન છે. માત્ર ભારતને જ નહીં પરંતુ અખિલ વિશ્વને વધુ સારું સ્થળ બનાવવા માટે આપણે શારીરિક, ચૈતસિક અને સંવેદનાત્મક તેમજ આધ્યાત્મિક રીતે તૈયાર થઈને જગતને એ સંદેશ આપવાનો છે. સાચી ઉન્નતિ કે વિકાસ એ માત્ર શારીરિક ઉન્નતિ નથી, પરંતુ અગાઉ જણાવેલાં હૃદય, દેહ, મન અને પ્રાણની ઉન્નતિમાં રહેલ છે. જો એમ નહીં થાય તો એ પૂર્ણ ઉન્નતિ ન બની શકે.

આ માટે આપણને આજે શેની જરૂર છે ? આ માટે આપણને નેતૃત્વની પ્રબળ અભિવ્યક્તિની જરૂર છે અને એ જ ભારતનું મહાન પ્રદાન છે. જો તમે ભગવદ્ગીતા તેમજ ઉપનિષદમાં જુઓ અને તેના સારતત્ત્વ રૂપ સંદેશ તરફ નજર કરો તો એના જવાબ પ્રાપ્ય છે. આજે કેવા પ્રકારના નેતૃત્વની વિશ્વને જરૂર છે એ તમારે સમજવું જોઈએ. કોઈ કોર્પોરેટ એકમ કે રાજકીય એકમના નેતાની આવશ્યકતા નથી. અહીં આપેલી આઠ આવશ્યક ગુણવત્તાવાળા નેતૃત્વની આજે આવશ્યકતા છે. હજારો વર્ષોથી આ આઠેય ગુણવત્તાનો પ્રબળ સંદેશ ભારતે વિશ્વને આપ્યો છે અને એ પણ આજે નહીં ભૂતકાળમાં. કમભાગ્યે આજે આપણે એવું વિચારીએ છીએ કે નેતૃત્વ તો હાર્વર્ડ યુનિવર્સિટી કે ભારતની બહારના દેશોમાં શીખી શકાય. ભારતીયોના લોહીના પ્રાચીન સંસ્કારો અને સંસ્કૃતિમાં વર્ણવેલા નેતૃત્વ માટેના આ આઠ પ્રબળ સંદેશ છે. આ આઠેય ગુણો ધરાવતા નેતૃત્વને પ્રબુદ્ધ નેતૃત્વ કહેવાનું મને ગમશે :

  1. કરુણા :- સમસંવેદના એટલે માત્ર બીજાને મદદ કરવી એ નથી. સમસંવેદના એટલે એવું ઉષ્મા અને લાગણીભર્યું કર્મ કે જ્યાં ‘હું – મને’નું અસ્તિત્વ રહેતું નથી અને એને બદલે ‘બીજાં – બધાં’ બની જાય છે. સ્વામી વિવેકાનંદે 23 જૂન, 1894ના રોજ મૈસૂરના મહારાજાને પત્રમાં લખ્યું છે, ‘આ જીવન ટૂંકું છે અને તેના તુચ્છ મોજશોખો ક્ષણિક છે. જેઓ બીજા માટે જીવે છે તેઓ જ ખરેખર જીવે છે, બાકીના તો જીવતા કરતાં વધુ મરેલા છે.’
  2. શ્રદ્ધા અને આશા :- આપણામાં રહેલી શ્રદ્ધા પર જરા નજર તો કરો. ગમે તેટલી સમસ્યા હોય છતાં પણ ભારત જગદ્ગુરુ બની શકે એમ માનવાનું આપણે ક્ષણભર માટે પણ છોડી શકતા નથી.
  3. ભાવાત્મક વિચારણા :- સ્વામી વિવેકાનંદમાં આપણે બધી વસ્તુ ભાવાત્મક જોઈએ છીએ. ભારતમાં પણ ભૂતકાળમાં બધું ભાવાત્મક હતુું. આજે માનવના દેહ અને મન પર ભાવાત્મકતાના પ્રબળ પ્રભાવને સમજવા સંશોધનો થઈ રહ્યાં છે. ભારત તો આ પહેલેથી જ જાણતું હતું. આપણે આ બધું પહેલેથી જ જાણીએ છીએ એવું વિચારતા નથી અને એ જ આપણી સમસ્યા છે.
  4. વિનોદવૃત્તિ :- ભારતનું હાસ્ય બીજાની ઠઠ્ઠામશ્કરી માટે ન હતું. ભારત પાસે બીજાની સાથે હસવાની એક અજબની કળા હતી. આજનું નેતૃત્વ બીજાને હસે છે. હું બાંગ્લાદેશ કે શ્રીલંકાની સમસ્યાઓ તરફ હાસ્યની દૃષ્ટિએ ન જોઈ શકું. એનાથી કામ સરવાનું નથી. એ તો લોકોને અધ:પતન તરફ લઈ જશે. આપણે ભૂતકાળમાં લોકો સાથે નિર્મળ હાસ્ય વેરતા અને તે જ નેતૃત્વ છે.
  5. સેવાભાવ :- સ્વામી વિવેકાનંદે ઉચ્ચારેલા આ શક્તિશાળી વિચારોને જુઓ, ‘માનવમાં ઈશ્વરને જોવા’. સેવા વિશેનું આનાથી વધારે સારું બીજું વર્ણન તમે ક્યાં મેળવી શકો ! એ સેવામાં કોઈ ગરીબને પાંચેક રૂપિયા જેવી રકમ આપીને મદદ કરવાની વાત નથી. મદદ કરવાની તો એ એક તક છે. એ મારો વિશેષાધિકાર છે એમ માનીને મારી આંતરિક પ્રકૃતિને બાહ્ય સેવાના કાર્યથી નિયમનમાં લાવવાનું કાર્ય છે. કોઈને ગરીબ માનીને મદદ કરવાનો વિચાર એ તેના મહાન મોભાને હણી નાખવા જેવું છે. સ્વામીજીએ એને ઘણી પ્રબળ રીતે રજૂ કર્યું છે. તે તમારા વિશે છે, પેલા સહાય મેળવનાર માટે નથી. તમારે તમારી જાતને ઉત્ક્રાંત કરવાની છે અને ઈશ્વરે તમને આપેલી આ એક અમૂલ્ય તક છે.
  6. આત્મનિરીક્ષણનો ભાવ :- રમણ મહર્ષિ જેવા આપણા મહાન સંતોએ એક સાદો સીધો પ્રશ્ન પૂછ્યો છે – ‘હું કોણ છું?’ દરેકેદરેક વ્યક્તિએ પોતાની જાતને આવો પ્રશ્ન પૂછવો જોઈએ કે હું કોણ છું, હું શા માટે ભારતમાં જન્મ્યો છું અને અમેરિકામાં નહીં? દરેકે દરેક ભારતીયે એમ કહેવું જોઈએ કે અહીં હું ભારતમાં જન્મ્યો છું એનો મને ગર્વ છે. એનું કારણ એ છે કે હવે પછીનાં 15-20 વર્ષમાં જો તમે લોકો તમારા વારસાનો દાવો નહીં કરો તો, કોઈક બહારથી અહીં આવી જશે અને એને માટે તે પોતાનો દાવો કરશે. તેમણે યોગને સ્વીકાર્યો છે, આયુર્વેદને સ્વીકાર્યું છે, આહારતત્ત્વને પણ ગ્રહણ કર્યું છે. તેણે આપણી ચૈતસિક શક્તિની જાગરૂકતાને પણ સ્વીકારી લીધી છે. તમારી પાસે પહેલેથી જે કંઈ પણ હતું તેમાંનું મોટા ભાગનું અત્યારે બહારના દેશોમાં જોવા મળે છે. દુ:ખની વાત તો એ છે કે પશ્ચિમે પોતાના વિદ્યાર્થીઓને સહાયરૂપ થવા યોગ અને ધ્યાનનો તેમની યુનિવર્સિટીમાં પ્રારંભ કર્યો છે. આપણે એ વિશે અહીં વાત કરીએ તો કેટલાક કહેવાતા શાણા લોકો કહેવાના ‘અરે, એ તો કેટલું ભયંકર ગણાય!’

આપણે આપણી આવી સમૃદ્ધિ ગુમાવી રહ્યા છીએ એ સમજવા માટે મનની ઉઘાડી બારીવાળું વલણ ક્યારે આવશે? હું એમ નથી કહેતો કે આપણે આ વિશે ચિંતા સેવવી જોઈએ, કારણ કે ભારતે હંમેશાં અર્પણ કર્યું છે. આપણે તો એવા વૈશ્ર્વિક નાગરિકત્વને શોધી કાઢવાની જરૂર છે કે જેથી આપણા માટે પણ પૂરતા જવાબદાર બનીએ અને અન્યને કાજે પણ જવાબદારીનો બોજો ઉપાડીએ. આ જ સંદેશો આજે આપણે પશ્ચિમમાંથી કદાચ શીખવો જોઈએ.

  1. નિર્ભયતા :- પશ્ચિમનું જગત વૈશ્ર્વિક નાગરિકત્વ લાવવાની વાતો કરવાનું સાહસ (ઈજ્ઞીફિલય) કરે છે. ભારત ક્યારેય આવી હિંમતની વાત કરતું નથી. આ સાહસ કે હિંમત (ઈજ્ઞીફિલય) એ પશ્ચિમનું અર્થઘટન છે. અને એનો અર્થ માત્ર ભયનો અભાવ. ભારતે કદી આની ચિંતા કરી નથી. ભારતે હંમેશાં ભયની સીમાઓને ઉલ્લંઘવાનું વિચાર્યું છે. તમને આવો સંદેશ ક્યાંથી મળશે? આપણે તો નિર્ભયતાનું શિક્ષણ આપ્યું છે. સ્વામી વિવેકાનંદે કહ્યું છે, ‘અભી:, અભી:, અભી:.’ એમણે ક્યારેય ‘ ઈજ્ઞીફિલય, ઈજ્ઞીફિલય, ઈજ્ઞીફિલય’ એમ નથી કહ્યું. તેમણે તો સ્પષ્ટપણે કહ્યું છે, ‘નિર્ભયતા, નિર્ભયતા, નિર્ભયતા.’
  2. અવધાન : આપણે એમ કહી શકીએ કે ભારતનો સૌથી વધારે પ્રબળ સંદેશ યોગસૂત્રોમાં રહ્યો છે અને ભગવાન બુદ્ધે એને લોકપ્રિય બનાવ્યો છે. આજે દરેક રીતે પશ્ચિમમાં એનું અનુકરણ થઈ રહ્યું છે. આપણે પણ આટલા જાગરૂક બની શકીએ કે હું આ દેશનો ક્ષુદ્ર કે સંકુચિત વ્યક્તિ નથી, પરંતુ હું તો જગમાનવ છું. ‘હું સમગ્ર માનવપ્રજામાંનો છું અને હું પોતે માનવજાત છું’ એમ સ્વામીજીની જેમ તમે કહો કે હું જગમાનવ છું. પછી જો આપણે આ વાસ્તવિકતા માટે જાગરૂક રહીએ અને આપણા જીવનની પળેપળ એનું અવધાન રાખીએ તો વૈશ્ર્વિક નાગરિક બનવાનું આપણું મનોવલણ આપણે કેળવી લઈશું.
Total Views: 568

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.