મહાત્મા ગાંધીની દિનચર્યા કેવી હતી, તેની વાત કરતાં પહેલાં એક નાનો પ્રસંગ જોઈએ :

પ્રખર ગાંધીજન ડૉ. અભય બંગના પિતા ઠાકુરદાસ બંગ તરુણ હતા ત્યારની વાત છે. એક દિવસ તેઓ મહાત્મા ગાંધીને મળવા ગયા. ગાંધીજીએ પૂછ્યું, ‘કહે, કેમ આવ્યો ?’ ઠાકુરદાસે કહ્યું, ‘મને સ્કોલરશીપ મળી છે. વિદેશમાં જઈને અર્થશાસ્ત્ર શીખવા માગંુ છું.’

‘સ્કોલરશીપ મળી, તે સારી વાત. પણ અર્થશાસ્ત્ર શીખવા વિદેશ શા માટે જવું છે ? અહીં સેવાગ્રામમાં આવ, અર્થશાસ્ત્ર શીખવાનું આવું ક્ષેત્ર બીજે નહીં મળે.’

ઠાકુરદાસ બંગ બહાર નીકળ્યા, સ્કોલરશીપનાં પેપર્સ ફાડી નાખ્યાં અને સેવાગ્રામ આવી ગયા. એમણે લખ્યું છે, ‘ગાંધીજીની વાતની અસર મને એટલા માટે થઈ કે તેઓ આ શબ્દો ઝૂંપડીમાં, માટીની ફરસ પર ચટાઈ પાથરીને રેંટિયો કાંતતાં કાંતતાં બોલ્યા હતા. તેમના શબ્દો, આચરણમાં મુકાયેલા શબ્દો હતા.’

મહાત્મા ગાંધીજીનું જીવન તો ખુલ્લી કિતાબ સમું હતું. જેને પણ એમની દિનચર્યા વિશે જાણવું હોય તે ઇન્ટરનેટની એક બે ક્લીકથી જાણી જ શકે. ઇન્ટરનેટ સાથે દોસ્તી ન હોય તે એકાદ લાયબ્રેરીનાં પગથિયાં ચડે એટલે કામ પતી જાય. પણ જાણવું અને સમજવું એમાં ફેર છે. જાણ્યા પછી જો સમજવાના ન હોઈએ તો તેનો ઝાઝો અર્થ નથી. અને સમજ્યા પછી જો આચરણમાં ન ઉતારવાના હોઈએ તો પછી જાણકારી ઇન્ટરનેટ પર કે એકાદ ચોપડીનાં પાનાં પર હોય એમ મગજમાં છપાયેલી રહેવા સિવાય, તેનો કોઈ ઉપયોગ નથી. વિચાર કરીએ તો સમજાય કે આપણે આપણા મગજને તો માહિતીની વખાર જેવું બનાવી મૂક્યું છે. પણ આચરણના નામે મીંડું રહ્યું છે. મહાત્મા ગાંધી કહેતા કે આચરણ વિનાની કે જરૂર વગરની માહિતી સંઘરવી એ પણ એક જાતનો પરિગ્રહ છે.

સમયપાલન અને સમયસૂચિ માટે ગાંધીજી અતિ આગ્રહી હતા. આશ્રમજીવન કઠોર હતું, આશ્રમવાસીને ગમે ત્યારે જેલમાં જવું પડે તો તેને માટે તાલીમ આશ્રમવાસીને આશ્રમમાં જ મળી રહેવી જોઈએ, એવું ગાંધીજી માનતા હતા.

ગાંધીજીનાં યુરોપિયન સાથી મીરાં બહેને લખ્યું છે, ‘જેલમાં આવી ત્યારે મને ખબર પડી કે ગાંધીજી સમયપાલન અને સમયસૂચિની જે તાલીમ આપતા હતા તે કેટલી અગત્યની હતી! મેં તરત કસરત, પ્રાર્થના, વાંચન વગેરેનો સમય ગોઠવી કાઢ્યો. મારો જેલવાસ તેથી સહ્ય અને શિસ્તબદ્ધ બન્યો.’ આપણે જેલમાં નથી જવાનું, પણ સ્પર્ધા અને મહત્ત્વાકાંક્ષાના આ યુગમાં સમયપાલન અને સમયસૂચિના મહત્ત્વનો ઇન્કાર ન કરી શકીએ. બહારની શિસ્ત અંદરની શિસ્તને જન્મ આપે છે અને પોષે છે.
ગાંધીજી વર્ધા આશ્રમમાં રહેતા ત્યારે તેમની દિનચર્યા આ પ્રમાણે હતી :

૪ :૦૦ વાગ્યે ઊઠવું; ૪ :૨૦ વાગ્યે સમૂહપ્રાર્થના, લેખન-પત્રવ્યવહાર અને થોડો આરામ; ૭ :૦૦ વાગ્યે નાસ્તો, ચાલવા જવું (લગભગ ૫ કિ.મી.), શાક સમારવું, દળવું, વાસણ સાફ કરવાં વગેરે, આશ્રમના રસોડાનું કામ, સંડાસ સફાઈ વગેરે; ૮ :૩૦ વાગ્યે મુલાકાતો, લેખન, વાંચન; ૯ : ૩૦ વાગ્યે સૂર્યપ્રકાશમાં માલિશ, દાઢી કરવી, ટબમાં સ્નાન, ગાંધીજી સાબુ અને અરીસા વિના જ દાઢી કરતા; ૧૧ :૦૦ વાગ્યે બપોરનું ભોજન; ૧ :૦૦ વાગ્યે પત્રવ્યવહાર, મુલાકાત

બપોર પછી

૪ :૩૦ વાગ્યે કાંતણ; ૫ :૦૦ વાગ્યે સાંજનું ભોજન; ૬ :૦૦ વાગ્યે સાયંપ્રાર્થના; ૬ :૩૦ વાગ્યે ચાલવા જવું; ૯ :૦૦ વાગ્યે ઊંઘી જવું.

અઠવાડિયાનું બાકી રહેલું કામ ગાંધીજી સોમવારે મૌન રાખતા ત્યારે પતાવતા.

આ દિનચર્યામાં સમય અનુસાર ક્યારેક ફેરફાર થતો. પ્રવાસ હોય કે અધિવેશન – ગાંધીજી બે વારની પ્રાર્થના, પત્રવ્યવહાર, લેખન, મુલાકાતો, કાંતણ કે ચાલવાનું કદી ન ચૂકતા. આ બધાને પહોંચી વળાય તે માટે તેઓ ક્યારેક સવારે ૩ :૦૦ વાગ્યે કે તેથી વહેલા પણ ઊઠી જતા અને અકળાયા વિના, ચોક્કસાઈથી એક પછી એક કામ ઉકેલતા જતા. વચ્ચે નાનું ઝોકું, જેને આજની ભાષામાં ‘પાવર નેપ’ કહેવાય તે લઈ લેતા. ઊંઘ પર, મન પર અને શરીર પર કાબૂ એટલો કે પંદર મિનિટ સૂવાનું હોય તો પંદર મિનિટ ઘસઘસાટ સૂઈને સોળમી મિનિટે ગાંધીજી તાજા થઈને ઊઠી જ ગયા હોય. આજે સ્ટે્રસ અને મેનેજમેન્ટ પ્રોબ્લેમ્સ હલ કરવા ગાંધીજીનું ઉદાહરણ અપાય છે.

નિરીક્ષણ કરીએ તો ગાંધીજીની દિનચર્યામાં કામ, આરામ, કસરત અને યોગ્ય ખોરાકનું સરસ સંતુલન છે. ઉપરાંત પ્રાર્થના વડે દિનચર્યાને એક આધ્યાત્મિક પરિમાણ પણ અપાયું છે. પણ પ્રાર્થના એટલે માગણી કે સ્તુતિ માત્ર નહીં. ગાંધીજીને મન પ્રાર્થના એટલે ઈશ્વર સાથે જોડાવાની, નમ્ર થવાની, ઋણસ્વીકાર કરવાની અને ઈશ્વરનાં સંતાનો એટલે કે સર્વમનુષ્યોની સેવા કરવા કટિબદ્ધ થવાની ઘડી. તેઓ કહેતા કે શ્રદ્ધા આત્માનું પોષણ છે. તેમનો ધર્મ માનવધર્મ હતો; એટલે તેમણે દરેકમાં-શત્રુમાં પણ-વસેલી માણસાઈ પર શ્રદ્ધા રાખી હતી.

એમના આશ્રમમાં રહેનારે અગિયાર વ્રતનું પાલન કરવું પડતું. આ વ્રતો એટલે સત્ય, અહિંસા, અસ્તેય, અપરિગ્રહ, શ્રમ, અસ્વાદ, સર્વધર્મ સમભાવ, સ્પર્શભાવના, અભય, સ્વદેશી, બ્રહ્મચર્ય જેવાં વ્રતો ગાંધીજીના રોજના જીવનમાં વણાઈ ગયાં હતાં. અર્થપૂર્ણ જીવન જીવનાર આ વ્રતોની ઉપેક્ષા કરી શકે નહીં.

ગાંધીજીએ ૧૯૦૩ થી ૧૯૪૮ દરમિયાન ૧૭ વખત ઉપવાસ કર્યા હતા. સૌથી લાંબા ઉપવાસ ૨૧ દિવસ ચાલ્યા હતા. અહિંસા અને સત્યના પ્રયોગો જેટલી જ નિષ્ઠાથી ગાંધીજીએ આરોગ્યના પ્રયોગો કર્યા હતા. માણસ હવા અને પાણી વગર જીવી શકતો નથી, તેમ ખોરાક વિના પણ જીવી શકતો નથી એ હકીકત સાથે ગાંધીજી સંમત હતા. કસ્તુરબા સરસ રસોઈ બનાવતાં. ગાંધીજી યૌવનકાળમાં ખાવાના શોખીન પણ હતા. તેમનું કુટુંબ વૈષ્ણવ હતું, ચુસ્ત શાકાહારી હતું એટલે ગાંધીજી સંસ્કારે તો શાકાહારી હતા જ. એથી જ તો અંગ્રેજો જેવા બળવાન બનવાની ઇચ્છાથી માંસ ખાવાનો પ્રયોગ કરવા છતાં તેઓ તેને અપનાવી શક્યા ન હતા. પણ લંડન ગયા પછી, ત્યાંની વેજિટેરિયન સોસાયટીના સભ્ય બન્યા પછી અને ખાસ મિલરનું પુસ્તક ‘પ્લીઆ ફોર વેજીટેરિયનિઝમ’ વાંચીને તેમણે પસંદગીપૂર્વક શાકાહાર અપનાવ્યો હતો.

ખોરાકના એમના પ્રયોગો જીવનભર ચાલ્યા. તેઓ શરીરને ઉત્તમ સાધન માનતા તેથી તેને ઉત્તમ સ્થિતિમાં રાખવા જરૂરી, પણ ખોટાં લાડ લડાવી બગાડી ન મૂકવા યોગ્ય એવા ખોરાકની શોધ તેમને રહેતી. ઉપરાંત તેઓ બ્રહ્મચર્યને ઉપયોગી એટલે કે મનના વિકારોને શાંત રાખે તે પ્રકારની ભોજનપદ્ધતિ પણ ઇચ્છતા. સાથે અહિંસક અને સાદા, સૌને પોષાય તેવા ભોજનનો આગ્રહ પણ ખરો. ક્યારેક ઘઉં છોડે, ક્યારેક દૂધ, ક્યારેક મીઠું તો ક્યારેક કઠોળ. ક્યારેક પાંચ જ વસ્તુ લેતા હોય અને તેમાં મીઠું પણ ગણે. તેઓ પ્રમાણમાં કાચાં શાક, ફળ, ખજૂર અને મગફળી લેતા. ઘણી વાર સવારમાં લીંબુ-મધનું પાણી લેતા. એક વાર તેમણે ફક્ત નારંગી ખાઈને રહેવાનું નક્કી કર્યું. ડાૅક્ટરો કહે, ‘એકલી નારંગી પર રહેવું હોય તો દિવસની ૪૦-૫૦થી વધારે નારંગી ખાવી પડે, ખાશો ?’ પછી ગાંધીજીએ એ વિચાર માંડી વાળ્યો. ગાયભેંસનું દૂધ છોડ્યું અને બકરીનું દૂધ શરૂ કર્યું તે કિસ્સો તો જાણીતો છે.

ગાંધીજીને બ્લડપ્રેશર રહેતું. એક વાર સખત મરડો થયો. તેઓ પ્લુરસી અને મેલેરિયાના ભોગપણ બન્યા હતા. અને બે ઓપરેશન પણ કરાવેલાં. આમ છતાં તેઓ દવા ભાગ્યે જ લેતા. યોગ્ય ખોરાક, કસરત અને રામનામ એ જ એમનાં ઔષધ હતાં. એક અમેરિકન પત્રકારે ગાંધીજીની મુલાકાત પછી લખ્યું છે કે મિ. ગાંધીનું શરીર એકવડું છે, પણ કસાયેલું અને મજબૂત છે. તેમની ત્વચા સુંવાળી અને નરમ છે. તેઓ શરીરની ઉપેક્ષા નથી કરતા, પણ તેને ખોટાં લાડ પણ નથી લડાવતા. મહાબળવાન બ્રિટિશ સામ્રાજ્ય સાથે બાથ ભીડવા છતાં તેમના ચહેરા પર શાંતિ છે. આ શાંતિ બહારથી મેળવેલી ચીજ નથી, એ અંદરની સમજમાંથી જન્મેલી બાબત છે. ગાંધીજી પાસે ન તો કોઈ મિલકત હતી કે નહોતું કોઈ બેન્કમાં ખાતંુ. સેવા કરવી હોય તો તેણે સ્વેચ્છાએ ગરીબી અપનાવવી જોઈએ, તેમ તેઓ માનતા અને એ જ પ્રમાણે રહેતા. આ ગરીબીમાં વંચિતતા ન હતી, અભાવ પણ ન હતો. એમાં સાદગીની સુગંધ હતી, ઓછી જરૂરિયાતો રાખવાથી મોકળાશ આવતી. આપણી પાસે બધું જ છે, છતાં આપણને શાંતિ નથી, સંતોષ નથી કારણ કે આપણે સ્વકેન્દ્રિત થઈ ગયા છીએ. આપણી ઇચ્છાઓનો કોઈ અંત નથી. આપણાં લોભ-લાલસાઓ સતત વધતાં જાય છે. બીજાનાં સુખદુ :ખ આપણને સ્પર્શતાં નથી. ગાંધીજી બીજાઓ માટે જ જીવ્યા. ખરેખર તો બીજાઓ માટે જીવ્યા, એમ કહેવું યોગ્ય નથી કેમ કે એમને મન કોઈ પરાયું ન હતું. તેઓ તો કહેતા, ‘સબ સે પહલી હિંસા, દૂસરે કો દૂસરા માનને સે શુરૂ હોતી હૈ.’

આજે જીવન ખૂબ ઝડપી બની ગયું છે. શાને માટે આટલું દોડવાનું છે અને આપણને ખરેખર શું જોઈએ છીએ તે વિચારવાનો સમય પણ નથી. પોતાના કે અન્ય વિશે વિચારવાની ફુરસદ પણ નથી. ગાંધીજીએ કહ્યું, ‘જીવનમાં ગતિ વધારવા સિવાય પણ ઘણું કરવાનું હોય છે.’ જો જરા શ્વાસ લેવા ઊભા રહીએ તો કંઈક સૂઝે. તેઓ રમૂજવૃત્તિને મહત્ત્વ આપતા. કહેતા કે સત્ય અને પ્રેમ હંમેશાં જીતે છે.

મિત્રો, ગાંધીજીની દિનચર્યાને જીવનમાં ઉતારવી એનો અર્થ- તેઓ જે કરતા તેનું અંધ અનુકરણ કરવું, એવો નથી થતો. આ સાર્ધશતાબ્દી વર્ષે આપણે એમની પ્રશંસાના પુલો બાંધવા બેસવું જ પડે એવું પણ નથી. આપણે વિચારવાનું એટલું જ છે કે જે વ્યક્તિ દેશ અને દુનિયામાં પૂજાય છે, જે વ્યક્તિ રાજકારણ અને રોજિંદા વ્યવહારોમાં નીતિ સાચવી શકાય તેવો દાખલો બેસાડે છે, જે વ્યક્તિ શસ્ત્રહીન પ્રજાને નૈતિક તાકાતના જોરે બ્રિટિશ સામ્રાજ્યથી મુક્તિ મેળવવા ઊભી કરી શકે છે અને જે વ્યક્તિ આટલાં સામર્થ્ય છતાં બિલકુલ સ્વાર્થ મુક્ત રહીને જીવી અને મરી બતાવે છે, તેની અંદર તાકાત કેવી હશે ! આપણે પણ આપણી આત્મિક તાકાતને ઓળખવાનો અને જીવનને અર્થપૂર્ણ અને ઉપયોગી બનાવવાનો પ્રયત્ન કેમ ન કરીએ ?

દરેક દિવસ એ ભવિષ્યની તૈયારી છે. એવી રીતે જીવવું કે જાણે આજે જીંદગીનો છેલ્લો દિવસ છે અને એવી રીતે શીખવું અને કામ કરવું કે જાણે હંમેશાં જીવવાના છીએ અને કોઈ પણ કામ કરતાં પહેલાં સાત સામાજિક પાપ-સિદ્ધાંતવિહોણું રાજકારણ, શ્રમ વિનાની સંપત્તિ, સમજ વિનાની મજા, ચારિત્ર વિનાનું જ્ઞાન, માનવતા વિનાનું વિજ્ઞાન અને ત્યાગ વિનાની ભક્તિ વિશે- વિચારીએ, આવું ગાંધીજીએ કહ્યું અને કરી બતાવ્યું. એની સ્મૃતિ મનમાં રાખવી અને એને અનુરૂપ દિનચર્યા પાળવી એ અઘરા કરતાં મજેદાર વધારે છે.

Total Views: 396

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.