૧૯૧૫માં મહાત્મા ગાંધી સ્વદેશ પાછા ફર્યા અને જુદાં જુદાં સ્થળે ફરીને આશ્રમ સ્થાપવા માટે વિચારણા કરી. આખરે અમદાવાદમાં કોચરબમાં આશ્રમ સ્થાપવાનું નક્કી કર્યું. કોચરબ આશ્રમમાં હાથશાળ મેળવીને શરૂ કરી, પરંતુ તેમાં સૂતર મિલમાં તૈયાર થઈને આવતું. ગાંધીજીને ત્યાં સુધી હાથશાળ અને ચરખાના ભેદનો ખ્યાલ ન હતો. એમને ખટકતું હતું કે હાથશાળ ઉપર સૂતર વણીને કપડું તૈયાર કરી શકાય; પરંતુ એ માટે સૂતર તો મિલનું જ વાપરવું પડે.
એટલે એમણે હાથકંતામણથી સૂતરનું ઉત્પાદન કરવા વિચાર્યું. ગંગાબેનનો સંપર્ક સાહિત્યપરિષદની સભામાં થયો અને એમણે મહેસાણા જિલ્લાના વિજાપુર ગામના માળિયામાંથી એક જૂનો ચરખો શોધી કાઢ્યો, તેનાથી ગાંધીજીને અત્યંત આનંદ થયો.
એમણે પોતાની આત્મકથા ‘સત્યના પ્રયોગો’માં આ પ્રકરણનું ‘મળ્યો’ શબ્દ લખીને ચરખાની શોધનો આનંદ વ્યક્ત કર્યો છે.
ચરખો મળ્યો. તેની ઉપર સૂતર કાંતવાની પ્રક્રિયા જાણી અને તેનાથી કપાસમાંથી પૂણી બનાવવા સુધીની પ્રક્રિયા શોધી. પછી પૂણી બનાવવાનું શરૂ કર્યું અને એ રીતે કપાસને લોઢાવી, પિંજાવી અને એમાંથી પૂણી બનાવીને ચરખા ઉપર સૂતર કાંતવાની શરૂઆત થઈ.
એક સદી સુધી ચરખામાં સંશોધન થતું રહ્યું. બારડોલી-ચરખો શોધાયો, પ્રવાસમાં અને બીજે સાથે રાખી શકાય એ માટે યરવડા ચક્ર શોધાયું. એ એક ત્રાકના ચરખામાં સૂતર કંતાતું, તકલી ઉપર પણ સૂતર કંતાતું. ગાંધીજીને એનાથી સંતોષ ન થતાં ૧૯૨૫માં સ્થપાયેલા ચરખાસંઘ દ્વારા એમણે ચરખાના સંશોધન માટે એ સમયે રૂપિયા એક લાખનું ઇનામ જાહેર કર્યું. આંધ્રપ્રદેશના એક ગામના કિસાન એકમ્બરનાથે ચાર ત્રાકનો ચરખો શોધ્યો અને એ ચરખાનું નામ અંબર ચરખો પડ્યું. આ ચરખામાં પણ સંશોધન થતાં રહ્યાં અને આજે આઠ ત્રાકનો ચરખો ચાલે છે. ભારત સરકારે ૧૯૫૬માં ખાદી ગ્રામોદ્યોગ કમિશનની રચના કરી અને સ્વરાજ પછી પ્રથમ છ ત્રાકના અને પછી આઠ ત્રાકના ચરખા દ્વારા ખાદીકામના ઉત્પાદનને વેગ મળ્યો. આજે દેશમાં અંદાજે સાડાત્રણ લાખ જેટલા અંબર ચરખા ચાલતા હશે. તેમાંથી ખાદી કમિશનના સહયોગથી રાજકોટની સૌરાષ્ટ્ર રચનાત્મક સમિતિનો રાજકોટ મોડેલનો અંબર ચરખો દેશમાં પ્રચલિત થયો. અને આજે રાજકોટ મોડેલના લગભગ બે લાખ ચરખા સમગ્ર દેશમાં અપાયા છે.
ગાંધીજીની મૂળ કલ્પના
લાખો ગામડાંમાં લાખો કિસાનો સૂર્યનારાયણની ઊર્જાથી અને ચોમાસાના વરસાદથી કપાસ ઉગાડે છે. આ રીતે દેશનાં ગામડાંમાં કિસાનો જે રૂ પેદા કરે છે તે મોટે ભાગે તે વખતે ચોમાસુ પાક રૂપે કપાસ થતો. ૧૦ થી ૨૦% સિવાયની ખેતી આકાશી ખેતી હતી. સિંચાઈની ઉપલબ્ધતા નહિવત્ હતી. વર્ષના મોટા ભાગના ફાજલ સમયમાં કિસાનો પોતાના કપાસમાંથી પૂણી બનાવીને કાંતે અને ગામડાનો વણકર હાથશાળમાં વણે અને એ રીતે ખાદી પેદા થાય તો ગામડાનું ધન ગામડામાં જ રહે.
આમ નવરાશના સમયમાં ખેડૂતને કામ મળે, વણકરને સૂતર વણવાની રોજી મળે આવી ગાંધીજીની મૂળ કલ્પના હતી. એટલે ખાદીને ‘પર્યાવરણ મિત્ર-Echo friendly’ વસ્ત્ર કહેવામાં આવ્યું છે. આ રીતે આપણા દેશમાં મહાત્મા ગાંધીજીના આવવાથી અને તેમના પ્રયત્નથી ખાદીનો પુનર્જન્મ થયો. ૫છીથી સ્વરાજ આવ્યું અને ચરખાસંઘ સ્થપાયો. ભારત સરકારના પ્રયત્નો થઈ રહ્યા છે, એટલે આજે અંબર ચરખા માટેની પૂણીઓ વિવિધ સંસ્થાઓ દ્વારા ખાદી કમિશનની મદદથી તેના પૂણી-પ્લાન્ટોમાં તૈયાર કરવામાં આવે છે અને તે બધી પૂણી કાંતનારાને અપાય છે, કાંતનારા હાથે કાંતે અને જે સૂતર ઉત્પાદન રૂપે મળે, તેનું મહેનતાણું કાંતનારને ચૂકવાય અને તે પછી હાથશાળ ઉપર સૂતરમાંથી ખાદી વણીને તૈયાર થાય.
આ રીતે ખાદીના ઉત્પાદન માટે જે કાર્યક્રમ ચાલતો રહ્યો, તેમાં ભારત સરકારે ૧૯૫૬માં એક કાયદો ઘડ્યો. એના દ્વારા ખાદીની આવી વ્યાખ્યા થઈ – ‘હાથે કાંતેલી, હાથે વણેલી અને કુદરતી રેસાઓમાંથી ઉત્પન કરેલ વસ્ત્ર એટલે ખાદી.’ આને કારણે તેને ‘પર્યાવરણમિત્ર’ કહેવામાં આવે છે.
કાપડમિલોમાં સૂતર પણ કાંતણમિલમાં તૈયાર થાય છે. આવી કાંતણમિલમાં હજાર ત્રાકથી જે સૂતર નીપજે તેમાં બે થી ત્રણ માણસોની જરૂર પડે છે અને એમને રૂપિયા ૪૦૦-૫૦૦થી ઓછું વેતન મળે છે. જ્યારે આઠ ત્રાકના ચરખા દ્વારા એક હજાર ત્રાકસૂતર ઉત્પન્ન કરવા માટે લગભગ ૧૨૫ માણસોની જરૂર પડે છે. અંબર ચરખાની ક્ષમતા પ્રમાણે એક માણસ આઠ કલાકમાં એક હજાર તારની પચ્ચીસ આંટી કાંતે, ત્યારે તે એક આંટીના રૂા. ૮/- લેખે કુલ ૨૦૦/- રૂા. કમાઈ શકે. વધારે માણસોની જરૂર પડવાને કારણે સૂતરની મિલ કરતાં હાથવણાટની તૈયાર થયેલ ખાદી મોંઘી પડે, એ સ્વાભાવિક છે.
વાસ્તવિક રીતે આ ખાદી ૧૨૦ થી ૧૨૫ લોકોને રોટી-રોજી આપે છે અને કાપડમિલ આટલા લોકોની રોજી-રોટી ઝૂંટવી લે છે, પછી ભલે એ કાપડ સસ્તંુ પડતું હોય. સાથે ને સાથે મિલોને કારણે પર્યાવરણમાં પ્રદૂષણ વધે છે. શહેરીકરણને કારણે ગંદકી વધે છે. હાૅસ્પિટલોનો ખર્ચ વધે, કાયદાવ્યવસ્થા માટે પોલીસ રાખવી પડે તેનો પણ ખર્ચ વધે છે.
આમ આડકતરી રીતે જોઈએ તો મિલ દ્વારા તૈયાર થતા કાપડ માટે આપણે ટેક્સ ભરીએ છીએ અને પર્યાવરણને બગાડીએ છીએ. વળી હવે પોલીવસ્ત્રનાં મિલનાં કપડાં મળવાથી ચામડીના રોગો વધે છે અને આરોગ્યનો ખર્ચ પણ વધે છે. ખાદીમાં ઘણા વધુ પ્રમાણમાં લોકોનું ગુજરાન ચાલે છે અને પર્યાવરણ કે કાયદાવ્યવસ્થાની જાળવણીનો પ્રશ્ન ઊભો થતો નથી.
બીજું મહત્ત્વનું પાસું એ છે કે ૧ મીટર ખાદી ઉત્પન્ન કરવા ૩ થી પ લિટર પાણી વપરાય છે. એટલું જ કાપડ મિલમાં ઉત્પન્ન થાય તો ૪૦ થી ૫૦ લિટર પાણી વપરાય છે. એટલે એનાથી પાણીનો દુર્વ્યય થાય છે અને એના ગંદાપાણીથી પ્રદૂષણ વધે એ બીજું દુર્ભાગ્ય. પર્યાવરણમિત્ર ખાદી વાતાવરણને પ્રદૂષિત કરતી નથી, તેમાં પાણીની ઓછી આવશ્યકતા રહે છે અને રોગોથી દૂર રહેવાય છે.
આજે સમગ્ર જગતમાં સૌને મૂંઝવતો પ્રશ્ન પર્યાવરણ-રક્ષણનો છે. એ માટે પણ ખાદી આવશ્યક છે. ભારતમાં કુલ વસ્ત્ર-ઉત્પાદનમાં ખાદી ૦.૫% જેટલો ફાળો આપે છે અને બાર લાખ લોકોને રોજી આપે છે. કાપડમિલોને બદલે સરેરાશ વ્યક્તિ દીઠ ૧૫ થી ૨૦ મીટર કાપડની આવશ્યકતાની દૃષ્ટિએ જો આપણે કાંતણનાં સાધનો વિકસાવીએ તો કરોડો લોકોને રોજી-રોટી આપી શકાય અને બેકારીનો પ્રશ્ન દૂર કરી શકાય, પાણીની ખેંચ ઘટાડી શકાય.
ગાંધીજીએ કહ્યું હતું, ‘ખાદી કેવળ રોજી આપવાવાળો એક ઉદ્યોગ છે, એ ખ્યાલ તો આપણે છોડી દેવો જોઈએ. ખાદી વસ્ત્ર નહીં પણ વિચાર છે. મારે મન ખાદી હિન્દુસ્તાનની સમગ્ર વસ્તીની એકતાનું, તેના આર્થિક સ્વાતંત્ર્યનું અને સમાનતાનું પ્રતીક છે.’
આપણે ખાદી પહેરીએ તો તેમાં ખર્ચાતો પ્રત્યેક રૂપિયો કપાસ ઉગાડનાર ખેડૂતને, કાંતનારને, વણનારને, પીંજનારને, ધોબીને અને વ્યવસ્થાતંત્ર સંભાળનારની વચ્ચે વહેંચાય છે. મિલમાં ઉત્પન્ન થતાં કાપડમાંથી મળતા પ્રત્યેક રૂપિયામાંથી મિલમાલિક અને વિતરણ વ્યવસ્થામાં વધારે વપરાય છે અને કાચો માલ આપનાર તેમજ મજૂરોને નહિવત્ હિસ્સો મળે છે. મિલમાં કેન્દ્રિત ઉત્પાદનને કારણે ધનસંચય અને તેનાં માઠાં પરિણામો ઊભાં થાય છે. ખાદીના વિકેન્દ્રિત ઉત્પાદનથી ભાઈચારો, સમાનતા, પ્રેમ, સહકાર, સત્ય, શાંતિ અને અહિંસા તેમજ ‘ત્યાગીને ભોગવી જાણો’ની ભાવના ઊપજે છે.
Your Content Goes Here