ગાંધીજીનો પ્રભાવ ભારત ઉપર અને જગત ઉપર વધારે કેમ ન પડ્યો ? જ્યારે આપણે દાંડીકૂચ વખતની લોકજાગૃતિ અથવા ગોળમેજી પરિષદ વખતે જે રાજ્દ્વારી કુનેહથી ગાંધીજીએ ભારતનું ગૌરવ સાચવ્યું તે અથવા તો જે વીરત્વભરી ધીરજથી એમણે કોમી આગ સાથે કામ પાર પાડ્યુંં અને આખરે પોતાનું જીવન સુધ્ધાં સમર્પી દીધું, એ બધું યાદ કરીએ ત્યારે આપણને કરુણ વેદનાની એક લાગણી ઘેરી વળી છે, જે એમની હત્યાથી જાગેલી એવી લાગણી કરતાં અનેકગણી ઘેરી હોય છે. હત્યાથી જાગેલી લાગણીની આસપાસ તો મહિમા અને પરિપૂર્તિનું એક તેજોવલય હતું અને અમુક વખત સુધી તો એમ લાગતું હતું કે કોઈક પાયાની વસ્તુ સિદ્ધ થઈ છે. પણ આજે, વીસ વરસ પછી, આપણે ક્યાં છીએ?

કંઈક આડે પાટે ચડી ગયું લાગે છે. ગાંધીજીને સંતો અને ઉદ્ધારકોની કોટિમાં ચડાવી દેવામાં આવ્યા છે, એને લીધે તો આમ નહીં લાગતું હોય! કારણ, એવા પુરુષોના સંદેશનો પ્રચાર થાય છે, એ સંદેશ ઠેર ઠેર છપાય છે, પણ જગત તો પોતાને રસ્તે ચાલ્યા કરે છે. બીજા શબ્દોમાં કહીએ તો ગાંધીજીના સંદેશને કોઈ એક વાદનું રૂપ આપવામાં આવી રહ્યું છે.

છેક ૧૯૩૬માં ગાંધીજીને આવો ભય લાગ્યો હતો અને તેમણે ગાંધીસેવાસંઘને સંબોધતાં સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી ઉચ્ચારી હતી : ‘ગાંધીવાદ જેવી કોઈ વસ્તુ નથી. હું મારી પાછળ કોઈ પંથ મૂકી જવા ઇચ્છતો નથી.’ તેમ છતાં રેંટિયો એક ‘ધાર્મિક પ્રતીક’ બનતું જાય છે, અને ગાંધીજીએ ઉપદેશેલો જીવનમાર્ગ કર્મકાંડનું રૂપ પકડતો જાય છે. અને જે રીતે બધું ચાલી રહ્યું છે તે ઉપરથી તો લાગે છે કે ગાંધીજીની ઝીણી ઝીણી અંગત વપરાશની વસ્તુઓ ‘ધાર્મિક અવશેષો’નું સ્વરૂપ પામે એવો પૂરો સંભવ છે. આ બધું અમુક ચોક્કસ ધાર્મિક પંથની શરૂઆત નથી?

એક વખત વસ્તુઓ અને વિચારો ‘ધાર્મિક’ સ્વરૂપ ધારણ કરે છે, એટલે તેઓ એવા પવિત્ર બની જાય છે કે અડી જ ન શકાય અને વિકાસની સ્વતંત્રતા રુંધાવાની સંભાવના ઊભી થાય છે. જે વસ્તુ ‘ગાંધીવાદ’નું પ્રતીક બનવા લાગે છે તે જ આનો એક દાખલો છે. આટલે દૂરથી ભારતમાં અત્યારે કેવી પરિસ્થિતિ પ્રવર્તે છે તેની વિગતો વિશે હું જાણી શકું એવી સ્થિતિમાં નથી, પણ મને પ્રબળપણે એવું લાગે છે કે રેંટિયાને એના ગાંધીદીધા સ્વરૂપમાં આટલો પવિત્ર અને અસ્પૃશ્ય ન માનવામાં આવ્યો હોત, તો આજે ગામડાંને કાપડના ઉત્પાદનથી ધમધમતાં બનાવી શકાયાં હોત. બેશક, એમાં એ ગર્ભિત છે જ કે જો મોટા ઉદ્યોગપતિઓ પાસે ગ્રામોદ્યોગનો આવો વિકાસ સ્વીકારાવી શકાયો હોત તો.

મોટી મિલોની હરીફાઈ કરી શકે એવું ઊંચી જાતનું કાપડ પેદા કરવા માટે જોઈતાં નાનાં નાનાં યંત્રો આધુનિક વિજ્ઞાન અને યંત્રવિદ્યાનું કૌશલ ગામડાંને પૂરાં ન પાડી શકે એવું માની શકાતું નથી.

ભારતનાં ગામડાંના કાપડ ઉદ્યોગને ફરી સજીવન કરવો એ ગાંધીજીનું ધ્યેય હતું અને આજથી ૫૦ વર્ષ પહેલાં રેંટિયો આ બાબતમાં આશ્ચર્યજનક કામગીરી બજાવી શક્યો હોત. પણ આ પચાસ વર્ષ દરમ્યાન વિજ્ઞાન અને યંત્રવિદ્યાએ સ્વપ્ને પણ ન કલ્પેલી એવી પ્રગતિ સાધી છે અને તેથી આખી પરિસ્થિતિ તદ્દન બદલાઈ ગઈ છે.

મેં પહેલાં કહ્યું તેમ અત્યારે જે કંઈ ચાલી રહ્યું છે તે બધાની મને ખબર નથી. કદાચ ગાંધીમાર્ગને વરેલા કાર્યકરો પોતાના કાર્યક્રમને નવેસર ગોઠવી રહ્યા હશે. પણ ગાંધીજીના જમાનામાં જે જુસ્સો અને મુશ્કેલીઓનો સામનો કરવાની વૃત્તિ જોવામાં આવતાં હતાં, તે મને આજે દેખાતાં નથી. અને તેમ છતાં ભારતનાં ગામડાંને સ્વાવલંબી બનાવવાનું ગાંધીજીનું ધ્યેય જો આધુનિક સાધનો દ્વારા સિદ્ધ કરવું હોય તો, ક્રાંતિકારક જુસ્સાના પૂરેપૂરા બળની જરૂર પડે એમ છે. એ વગર મિલમાલિકોને એ વસ્તુને સ્વીકારવાનું શી રીતે સમજાવી શકાશે? જે ઘડીએ એવી ઝુંબેશ ઉપાડવામાં આવશે તે ઘડીએ કેવળ ભારત જ નહીં, આખી દુનિયા ગાંધીજીના આદર્શમાં રહેલું સત્ય અને તેનું તેજ ફરી વાર અનુભવવા લાગશે.

અહીં યુરોપમાં બેઠાં તો એવી છાપ પડે છે કે રેંટિયા ઉપર મુકાતો આ ભાર અને ગાંધીજીના આદર્શના પ્રતીક તરીકે થતો એનો ઉપયોગ તેમના સમગ્ર સંદેશના આકલનમાં આડખીલીરૂપ થઈ પડે છે અને તેમના સિદ્ધાંતોની વ્યવહાર્યતા વિશેની લોકોની શ્રદ્ધામાં ઘટાડો કરે છે. ગાંધીજી પોતે પોતાના વિચારોને અસાધારણ ચીવટથી વળગી રહેતા હતા, તેમ છતાં તેમાં ફેરફાર કરવાની જરૂરની ખાતરી થતાં જ તેઓ ફેરફાર કરતાં કદી અચકાતા નહોતા. કદાચ વાદો પ્રત્યે એમને આટલો બધો અણગમો હતો તેનું આ જ કારણ હતું. માણસને સાચું સુખ આપી શકે એવા, સત્યની એમની શોધ સતત ચાલુ હતી અને આપણે પણ કેવળ અનુસરણ કરવાને બદલે સત્યની શોધમાં મંડવું જોઈએ.

ગાંધીવિચારના કાર્યકરોએ મિશનરી પ્રચારકો નહીં, પણ ક્રાન્તિકારીઓ બનવું જોઈએ.

Total Views: 257

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.