એવા એક મનુષ્યને મેં જોયો છે, તેની વાણી સાંભળી છે અને તેના પ્રત્યે શ્રદ્ધા નિવેદિત કરી છે. એમનાં જ ચરણોમાં નમીને મેં મારા આત્માનો અનુરાગ અર્પિત કર્યો છે. આવા મનુષ્ય બધી તુલનાઓથી પર છે. સંત સાધારણ મનુષ્યથી વધારે પવિત્ર, પુણ્યવાન અને નિષ્ઠાવાન હોય છે. સ્વામી વિવેકાનંદની તુલના કોઈની સાથે કરી શકાય તેમ ન હતી. તેઓ એક અલગ જ શ્રેણીના હતા. તેઓ એક એવી જ્યોતિર્મય વિભૂતિ હતા, જે એક સુનિર્દિષ્ટ ઉદ્દેશ્ય માટે કોઈ ઉચ્ચતર મંડળમાંથી આ મૃત્યુલોકમાં અવતીર્ણ થયા હતા. આવી વ્યક્તિના જન્મ પર જો પ્રકૃતિ પોતે જ આનંદ માણે, સ્વર્ગના દ્વાર ઉન્મુક્ત થઈ જાય અને દેવદૂત કીર્તિગાન કરે, તો ભલા એમાં આશ્ચર્યની વળી શી વાત !

ધન્ય છે એ દેશ કે જ્યાં એમનો જન્મ થયો ! ધન્ય છે એ લોકો કે જે એ સમયે પૃથ્વી પર અસ્તિત્વ ધરાવતા હતા ! અને એવા કેટલાક લોકો કે જેમને એમનાં ચરણોમાં બેસવાનું સૌભાગ્ય મળ્યું તે ત્રણ-ત્રણવાર ધન્ય છે !

૧૮૯૪ના ફેબ્રુઆરીની શિશિરની રાતે જ્યારે લગભગ અનિચ્છાપૂર્વક જ હું ડેટ્રોઈટના યુનિટેરિયન ચર્ચમાં એક વ્યાખ્યાન સાંભળવા નીકળી. એ વખતે મેં મારા સ્વપ્નમાં પણ વિચાર્યું ન હતું કે હું કંઈક એવું કરવા જઈ રહી છું કે જે મારા જીવનની ધારાને સંપૂર્ણ રીતે પરિવર્તિત કરી દેશે. એનો એટલો ગહન પ્રભાવ પડશે કે પરિચિત કોઈપણ માપદંડથી તેનું આકલન નહીં કરી શકાય.

એ ઠંડીમાં ડેટ્રોઈટ આવનારા બધા ધર્મપ્રચારક અનપેક્ષિત રૂપે કંટાળી રહ્યા હતા. એ લોકો વિશે મારો મોહભંગ એટલો પ્રબળ હતો કે મેં બધી આશાઓ સાથે હવે વધારે સાંભળવાની ઇચ્છા ન હતી. કેવળ મારી સખી શ્રીમતી મેરી સી. ફંકના અનુરોધને લીધે જ ‘ભારતથી આવેલા એક સંન્યાસી – વિવેકાનંદ’નું વિશેષ વ્યાખ્યાન સાંભળવા ગઈ. અમે ‘ભારતથી આવેલ વ્યક્તિ’ને સાંભળવા ગયાં. અમે પોતાના અસંખ્ય જન્મો દરમિયાન કોઈપણ મહત્ત્વનું કદમ ઉઠાવ્યું ન હતું ! પાંચ મિનિટ સાંભળ્યા પછી અમારી સમજણમાં આવ્યું કે અમને એ સ્પર્શમણિ મળી ગયો છે કે જેની અમે દીર્ઘકાળથી તલાશ કરી રહ્યાં હતાં. એકી સાથે અમારા બન્નેનાં મુખમાંથી આ ઉદ્ગાર સરી પડ્યા, ‘જો આપણે આનાથી વંચિત રહી ગયાં હોત તો !!!’

જે લોકોએ સ્વામી વિવેકાનંદના બાહ્યરૂપ વિશે ઠીક ઠીક પ્રમાણમાં સાંભળ્યું હતું, એમને આ જાણીને આશ્ચર્ય થશે કે લોકો પર અમીટ છાપ છોડી દેતી પહેલી બાબત એમનું બાહ્યરૂપ ન હતું. પશ્ચિમના દેશોમાં મોટે ભાગે કૃશકાય તપસ્વી જેવી વ્યક્તિને જ આધ્યાત્મિકતાનો પર્યાય માનવામાં આવે છે. પરંતુ મંચ પર કદમ રાખનાર એ સશક્ત ઓજસ્વી વ્યક્તિ એવી તો જરાયે ન હતી. એક દુબળોપાતળો સંત બધાની સમજમાં આવી જાય છે, પરંતુ એક શક્તિશાળી સંત વિશે ભલા કોણે સાંભળ્યું હશે ? આ રહસ્યમય વ્યક્તિમાંથી ઝરતી શક્તિ એટલી પ્રબળ હતી કે એમની સમક્ષ બધાં ભયચકિત થઈ ગયાં. એમની શક્તિ બધાંને અભિભૂત કરી દેનારી હતી, સામે આવનારની દરેક ચીજને વહાવી જનારી હતી. એ પ્રારંભિક અવિસ્મરણીય ક્ષણોમાં પણ અમને એનું ભાનજ્ઞાન થઈ ગયું. પછી તો અમે એ શક્તિને સક્રિયરૂપે પણ જોઈ.

એમનું મન, એ અદ્‌ભુત મન જ સૌથી પહેલાં પ્રભાવિત કરી દેતું. એ મનની ભવ્યતા, મહિમા અને ગરિમાનો ક્ષીણ આભાસ દેવા શબ્દો પણ અસમર્થ છે. એમનું એ મન બીજાને કે જેમને અમે ‘જિનિયસ’ કહીએ છીએ તેમનાં મનથી પણ એટલી ઉચ્ચતર કોટિનું હતું કે એની સંરચના કંઈક અનેરી લાગતી હતી. એ મનના વિચાર એટલા સ્પષ્ટ, એટલા સબળ અને એટલા ઉદાત્ત હતા કે એ બધા વિચારો કોઈ સીમામાં બંધાયેલા માનવની બુદ્ધિમાંથી સરતા હશે, એમ માનવું કઠિન હતું. આમ છતાં તે મનમાંથી પ્રવાહિત થતી એવી કેટલીક અદ્‌ભુત જેવી ચીજ અને એ વિલક્ષણ વિચાર, એ બધું કંઈક કંઈક સુપરિચિત જેવું હતું. હું બોલી ઊઠી, ‘હું આ મનને પહેલેથી જ જાણું છું.’ જો સૂર્યનાં કિરણોને એકત્ર કરીને એમને એક જગ્યાએ કેન્દ્રિત કરવામાં આવે, તો જે લાલિમાયુક્ત સોનેરી જ્વાળા પ્રગટે છે, એ રીતે તેઓ અમારી સમક્ષ પ્રગટ થયા.

સુદૂર ભારતથી આવેલ આ ધર્મપ્રચારક માંડમાંડ ૩૦ વર્ષના હશે. કાલાતીત યૌવનના પ્રતીક બનીને જાણે કે તેઓ પ્રાચીનકાળના એક જ્ઞાનવૃદ્ધ હતા. જીવનમાં પહેલીવાર અમને ભારતના યુગયુગ જૂના સંદેશ ‘આત્મતત્ત્વની વાતો’ સાંભળવા મળી.

તેઓ જાણે કે એક સુંદર કાશ્મીરી શાલનું નિર્માણ કરીને ચમકતા તથા રંગબેરંગી તાણાવાણા વણી રહ્યા અને શ્રોતાગણ મંત્રમુગ્ધ બનીને એમને સાંભળતો રહ્યો. વચ્ચે ક્યાંક તેઓ ઉપહાસનો ધાગો પરોવી દેતા, તો ક્યાંક કરુણતાનો અને તેમાં ઘણા ધાગા ગહન ચિંતન, આકાંક્ષાઓ, આદર્શવાદ તેમજ પરમ જ્ઞાનના પણ રહેતા. પરંતુ આ બધા તાણાની વચ્ચે ભારતનો પરમ પવિત્ર જ્ઞાનબોધ-માનવની દિવ્યતા અને તેમાં અંતર્નિહિત શાશ્વત પૂર્ણતાનો વાણો રહેતો જ. તે પૂર્ણતા ધીરે ધીરે ઉપલબ્ધિની વસ્તુ નથી, પરંતુ વર્તમાનની સચ્ચાઈ હતી – ‘તત્ ત્વમ્ અસિ’. માત્ર વાતો કરવાની નથી, પરંતુ તેની અનુભૂતિ કરવાની છે. આ અનુભૂતિ તત્કાળ પલવારમાં જ થઈ શકે છે કે તેમાં કરોડો વર્ષ પણ લાગી શકે છે, પરંતુ બધા લોકો નિશ્ચિત રૂપે એ સ્વર્ણિમ ઊંચાઈ સુધી પહોંચી જશે. આપણે પોતાને જેવાં અસહાય સીમાબદ્ધ પ્રાણી સમજીએ છીએ, એવાં નહીં પરંતુ એ પરમ આનંદમય સત્તાનાં જન્મમૃત્યુ રહિત સંતાન છીએ. પુરાતનકાળના આચાર્યોની જેમ જ તેઓ પણ દૃષ્ટાંતની ભાષામાં જ બોલ્યા. વિષય સર્વદા એક જ રહેતો, ‘માનવનું સાચું સ્વરૂપ.’ આપણે લોકો તે વ્યક્તિ જેવા છીએ કે જે સોનાની ખાણ ઉપર રહેવા છતાં પોતાની જાતને નિર્ધન માને છે. આપણે એ સિંહના સંતાન જેવા છીએ કે જે ઘેટાંની વચ્ચે જન્મ્યું હતું અને પોતાની જાતને ઘેટું જ સમજતું હતું. પોતાના અસલ સ્વરૂપથી અજાણ હોવાથી વરુના આવવાથી તે ભયથી ‘બેં…બેં…’ કરતો હતો. એક દિવસ એક સિંહ આવ્યો અને તેને બીજાં ઘેટાં સાથે બેં…બેં… કરતો જોઈને કહ્યું, ‘તું ઘેટું નથી, સિંહ છો. તારે ડરવાની જરૂર નથી.’ આ સિંહને તત્કાળ પોતાના અસલ સ્વરૂપનું ભાન થયું અને તે સિંહગર્જના કરવા લાગ્યો.

એ દિવસે તેઓ યુનિટેરિયન ચર્ચના મંચ પર ઊભા રહીને જે ધીરગંભીર અવાજે મહાન સત્યોની ઘોષણા કરી રહ્યા હતા, તેવો અવાજ પહેલાં ક્યારેય સાંભળ્યો ન હતો. એ એક એવો લયબદ્ધ અવાજ હતો કે જે પ્રત્યેક ભાવને વ્યક્ત કરતો હતો. ક્યારેક કરુણાથી સભર તે અવાજ હૃદયની અજ્ઞાત ગહનતાને આંદોલિત કરી દેતો અને જ્યારે પીડા અસહ્ય થવા લાગતી, ત્યારે એ જ અવાજ વ્યક્તિને હાસ્યરસનું આસ્વાદન કરાવતો. વળી એકાએક તીવ્ર ઉત્સાહનો એક વજ્રઘોષ, જાગરણનો શંખનાદ વ્યક્તિને વિસ્મયવિભોર કરી દેતો. એ અદ્‌ભુત અવાજ સાંભળ્યા પછી વ્યક્તિને એવું લાગતું કે અત્યાર સુધી સાચા સંગીતનું તેને જ્ઞાન જ ન હતું.

એમને સાંભળનારાઓમાં ભલા કોણ એમને ક્યારેય વિસ્મૃત કરી શકશે ! જ્યારે અમે ભારતના આ પ્રાચીન સંદેશને સાંભળ્યો, ત્યારે અમારાં મનમાં આત્માની કેવી કેવી સુપ્ત સ્મૃતિઓ જાગી ઊઠી :

श्र्ाृण्वन्तु विश्वे अमृतस्य पुत्रा

आ ये धामानि दिव्यानि तस्थुः ।

वेदाहमेतं पुरषं महान्तमादित्यवर्णं तमसः परस्तात् ।

तमेव विदित्वातिमृत्युमेति नान्यः

पन्था विद्यतेऽयनाय ।।

હે અમૃતના પુત્રો, સાંભળો ! હે દિવ્યધામના નિવાસીઓ, તમે લોકો પણ સાંભળો ! મેં એ અનાદિ પુરુષને જાણી લીધા છે, જેમને જાણીને જ મૃત્યુના ચક્રમાંથી છૂટવું સંભવ છે. (શ્વેતાશ્વતર ૨.૫,૩.૮)

 

Total Views: 348

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.