પ્રાચીનકાળથી જવનો ઉપયોગ થતો આવ્યો છે. પ્રાચીનકાળમાં ઋષિમુનિઓનો આહાર મુખ્યત્વે જવનો હોવાનું કહેવાય છે. વેદોએ યજ્ઞની આહુતિ રૂપે જવનો સ્વીકાર કરેલ છે. સ્વાદ અને આકૃતિની રીતે જોતાં જવ ઘઉં કરતાં તદ્દન અલગ લાગે, પણ એ ઘઉંની જાતનું જ ધાન્ય છે.ઘઉં કરતાં ગુણવત્તાની દૃષ્ટિએ જવ હલકું અને બરછટ ધાન્ય છે. જવ રેતાળ અને ઊતરતા પ્રકારની જમીનમાં પણ થાય છે. ભારતમાં જવ સર્વત્ર થાય છે. ગુજરાત અને રાજસ્થાનમાં જવનો પાક વિશેષ થાય છે. જવની જંગલી જાત યુરોપ, અમેરિકા, ચીન, જાપાન જેવા દેશમાં ઔષધિઓ બનાવવામાં વપરાય છે. જવના છોડ ઘઉંના છોડ જેવા જ અને તેટલી જ ઊંચાઈના થાય છે. તેનાં પાન મૃદુ, લાંબાં અને અણીદાર હોય છે.

જવ ચોમાસુ અને શિયાળુ પાક છે. કેટલાક ઠેકાણે ઘઉં અને જવ ભેગા વવાય છે. એવા મિશ્રપાકને ‘બેરડ’ કહે છે. જવની મુખ્ય ત્રણ જાતો છે : તીક્ષ્ણ અણીવાળા, અણી વગરના અને લીલાશ પડતા ઝીણા. અણીવાળા જવને ‘યવ’, અણી વગરના કાળા તથા રતાશ પડતા જવને ‘અતિયવ’ અને લીલાશ પડતા અણી વગરના ઝીણા જવને ‘તોક્ય’ કહેવાય છે. યવ કરતાં અતિયવ અને અતિયવ કરતાં તોક્ય જવ ઓછા ગુણવાળા ગણાય છે.

રાજસ્થાનમાં જવ આમજનતાનો ખોરાક ગણાય છે. ઉત્તરપ્રદેશમાં ગરમીની ઋતુમાં ભૂખ અને તરસ શાંત કરવા ‘સત્તુ-સાથવા’નો ઉપયોગ થાય છે. જવને શેકી, પીસી,થોડું સીંધવ અને પાણી મેળવવાથી સત્તુ બને છે. મીઠાને બદલે ગોળ કે ખાંડ ભેળવાય. મરાઠીમાં સાથવાને ‘સાતુ’ અને ઉત્તરપ્રદેશમાં ‘સતુવા’ કહે છે. સાથવો ઠંડો, અગ્નિને પ્રદીપ્ત કરનાર, હલકો, કફપિત્તને હરનાર, રુક્ષ અને મળને ઉખેડનાર છે. ગરમીથી તપેલા અને કસરતથી થાકેલા માટે સાથવો હિતકર છે. જવને સારી પેઠે છડીને ઉપરની બરછટ છાલ કાઢીને દળવામાં આવે છે. જવની રોટલી, રોટલા, ભાખરી બનાવાય છે. ઘઉં અને જવના મિશ્રણનાં રોટલી, રોટલા, ભાખરી બનાવાય છે. જવની રોટલી રુચિ ઉપજાવનાર, મધુર, સ્વચ્છ, હળવી, બળ આપનાર, કફના રોગોને મટાડનાર છે. મધુપ્રમેહવાળાને જવ-બેરડના લોટથી શર્કરાનું પ્રમાણ વધતું નથી. મેદવાળાએ ઘઉં-ભાત છોડીને જવની રોટલી કે ભાખરી સાથે તાંદળજા કે મેથીની ભાજીનું સેવન કરવું. તેનાથી ધીમે ધીમે મેદ ઘટે છે.

જવ મૂત્રલ છે, પેશાબ છૂટથી આવે છે. જવ તૂરા, મધુર, ઠંડા, કોમળ, રુક્ષ, બુદ્ધિ તથા મંદાગ્નિને દૂર કરનાર, સ્વર સુધારનાર, બળપ્રદ, કફ હરનાર છે. વિદ્યાર્થીઓ માટે વિશેષ હિતકારી છે. જવની રાબ પણ થાય છે.બિસ્કિટમાં પણ જવનો લોટ વપરાય છે. દૂઝણાં ઢોરને જવ આપવાથી દૂધ વધારે આપે છે. કંઠ અને ચામડીના રોગ તેમ કફ, પિત્ત, મેદ, સળેખમ, શ્વાસ, લોહી વિકાર, ઉધરસ અને તરસને મટાડે છે. શેકેલા જવનો લોટ અને સાકર સરખે ભાગે મેળવીને ખાવાથી વારંવાર થતો ગર્ભપાત અટકે છે. શેકેલા જવનો લોટ ઠંડા પાણીમાં કાલવી ઘી મેળવી પીવાથી તરસ, દાહ, રક્તપિત્ત મટે છે. જવ અને મગનું ઓસામણ પીવાથી આંતરડાની ઉગ્રતા શાંત થાય છે અને અતિસારમાં ફાયદો થાય છે. શેકેલા જવનો લોટ અને જેઠીમધનું ચૂર્ણ ધોયેલા ઘીમાં મેળવીને લેપ કરવાથી રતવા મટે છે. જવને બાળીને તલના તેલમાં ખરલ કરીને લેપ કરવાથી અગ્નિદાહના વ્રણ મટે છે.

 

Total Views: 354

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.