દેવર્ષિ નારદે રાજા પ્રાચીનબર્હિને કહ્યું, ‘પાંડુ દેશના મલયધ્વજ નામના એક પ્રતાપી રાજાએ કેટલાય રાજાઓને પરાજિત કરીને વિદર્ભ રાજાની કન્યા વિદર્ભી સાથે લગ્ન કર્યાં. આ મલયધ્વજ રાજાને સાત પુત્રો અને એક પુત્રી હતાં. ભગવાન કૃષ્ણના પરમ ભક્ત મલયધ્વજ રાજાએ પોતાની પુત્રીને અગસ્ત્ય મુનિ સાથે પરણાવી હતી. રાજર્ષિ મલયધ્વજ પોતાના પુત્રોની વચ્ચે રાજ્ય ભાગ આપીને ભગવાન શ્રીકૃષ્ણની આરાધના કરવાના હેતુથી કુલાચલ નામના નિર્જન સ્થાને ચાલ્યા ગયા. રાણી વિદર્ભી પણ એમની સાથે ગયાં. ત્યાં મલયધ્વજે કઠિન અને ગહનગંભીર સાધના કરી. તેના પરિણામ સ્વરૂપે સુખદુ :ખ, વાયુવર્ષા, ક્ષુધાતૃષ્ણા, પ્રિયાપ્રિય, આવા બધા દ્વન્દ્વભાવો પર એમણે વિજય પ્રાપ્ત કર્યો. પોતાના અંતરની બધી કાલિમાને – પોતાના અંતરના બધા દુર્ગુણોને દૂર કરીને, પોતાના આત્માને એમણે પરમ બ્રહ્મરૂપી કેન્દ્રબિંદુમાં સ્થિરધીર કર્યો. વિદર્ભી ભક્તિભાવભીના પોતાના પતિની સેવામાં સદૈવ વ્યસ્ત રહેતાં.

એક વખતે મલયધ્વજ રાજાએ પોતાના સ્થૂળ દેહનો પરિત્યાગ કર્યો અને પરમાત્મામાં વિલીન થઈ ગયા. એ વખતે એમનાં પત્ની વિદર્ભી અત્યંત વ્યાકુળ બનીને કલ્પાંત કરવા લાગ્યાં. અને પછી એમના અગ્નિસંસ્કાર કરવા માટે ચિતા તૈયાર કરીને તેને મુખાગ્નિ આપ્યો. ત્યાર બાદ એમણે પોતે પતિ સાથે જ ચિતામાં પોતાને હોમવાનું નક્કી કર્યું. જ્યારે તેઓ અગ્નિમાં પ્રવેશ કરવા જતાં હતાં ત્યારે પુરંજનના એક પૂર્વજન્મના બ્રાહ્મણ મિત્ર ત્યાં ઉપસ્થિત થયા અને (આ જન્મમાં વિદર્ભીરૂપે જન્મેલ પુરંજનને) પતિ સાથે આવી રીતે મૃત્યુ પામવાની તેમણે મના કરી અને તેમને સાંત્વના પણ આપી.

એ બ્રાહ્મણે વિદર્ભીને કહ્યું : ‘હે મિત્ર, તમે મરેલા દેહ ખાતર શા માટે આ વૃથા શોક કરો છો? હું તો તમારો ચિરકાલીન બંધુ (આત્મા) છું. શું તમે મને ઓળખી ન શક્યા? પહેલાં તમે અનેકવાર મારી સાથે પરામર્શ કર્યો છે. તમે મારા બંધુ છો, જ્યારથી તમે મારો ત્યાગ કર્યો છે, ત્યારથી જ ક્રમશ : જડપદાર્થાે કે વિષયો પ્રત્યે આસક્ત થતા રહ્યા છો. મને ભૂલીને કોઈ નારીએ રચેલ આ જડજગતમાં વિભિન્ન દેહે તમે ભ્રમણ કર્યું છે. આ શરીરમાં પાંચ ઉદ્યાન, નવ દ્વાર, એક રક્ષક, ત્રણ કોઠા, છ પરિવાર, પાંચ દુકાન, પાંચ ઉપાદાન અને એક નારી આ બધાંની અધીશ્વરી.

પાંચ ઉદ્યાન એટલે ઇન્દ્રિય સુખોપભોગના પાંચ વિષય, રક્ષક એટલે કે નવ દ્વારેથી પ્રવાહિત થતો પ્રાણવાયુ, ત્રણ કોઠા એટલે અગ્નિ-જળ-પૃથ્વી, છ પરિવાર એટલે મન અને પાંચ ઇન્દ્રિયો, પાંચ દુકાન એટલે પાંચ કર્મેન્દ્રિય. આત્માપુરુષ આ બધાંનો ભોક્તા છે. પરંતુ દેહરૂપી નગરીથી આચ્છાદિત થવાને લીધે તે પોતાનું સ્વરૂપ જાણી ન શકે. હે મિત્ર, તમે જ્યારે વિષયબુદ્ધિરૂપી રમણી સાથે આ દેહમાં પ્રવેશ કર્યો છે ત્યારથી જ તમે ઇન્દ્રિય સુખોપભોગમાં આસક્ત રહ્યા છો. એટલે જ તમે તમારા ચિન્મય જીવનની વાત ભૂલી ગયા હતા અને આવી પાપીઓ જેવી દુદર્શા મેળવી હતી. તેના પરિણામે અનેક પ્રકારનાં દુ :ખકષ્ટ ભોગવ્યાં હતાં. વાસ્તવિક રીતે તમે વિદર્ભરાજાની કન્યા નથી. આ મલયધ્વજ રાજા પણ તમારા હિતેચ્છુ પતિ નથી. તમે કેવળ નવ દ્વાર સમન્વિત આ દેહમાં બંધાયેલા છો. તમે તો પોતાને દેહ માનીને ચાલો છો અને એ દેહ માયા દ્વારા સર્જાયેલો છે. આ માયા એ જ અમારી શક્તિ. વાસ્તવિક રીતે તમે અને હું બંને શુદ્ધ ચિન્મય આત્મા છીએ. હું અને તમે, પરમાત્મા અને આત્મા ગુણભાવે એક જ છે. હૃદયમાં બંને હંસ જ વિરાજે છે. એક હંસ જ્યારે બીજા હંસ દ્વારા ઉપદેશ મેળવે ત્યારે એની ઈશ્વરચેતના ફરીથી પામે.’

નારદે કહ્યું, ‘હે પ્રાચીનબર્હિ, બધાં કારણોનું પરમ કારણ પરમેશ્વર ભગવાનને પરોક્ષભાવે મેળવી શકાય. માટે મેં આપની સમક્ષ આ પુરંજનની કથાનું વર્ણન કર્યું. ખરેખર તો આ આત્માને પામવાનો ઉપદેશ છે.

હે રાજન્, પુરંજનને જીવરૂપે જાણવો, તે પોતાના કર્મના પરિણામે વિભિન્ન દેહોમાં અવતરે છે. મિત્રરૂપે જે બ્રાહ્મણે ઉપદેશ આપ્યો હતો, તે જ તેના નિત્ય સન્મિત્ર એટલે પ્રભુ. ભગવાન બદ્ધજીવ પાસે ચિરકાળ સુધી અવિકૃત રહે છે. એટલે કે એ પ્રભુમાં કોઈ વિક્ૃતિ આવતી નથી, એવો ને એવો રહે છે. જ્યારે કોઈ માનવ જડબુદ્ધિનો આશરો લે ત્યારે તે પોતાના જડદેહને જ મૂળ સ્વરૂપ સમજે છે. પાંચ કર્મેન્દ્રિયો અને પાંચ જ્ઞાનેન્દ્રિયો પુરંજનના સખા. આ બધી ઇન્દ્રિયો દ્વારા જીવને જ્ઞાનપ્રાપ્તિ થાય છે અને કર્મમાં પ્રવૃત્ત બને છે. ઇન્દ્રિયોની વૃત્તિ એમની સખી. પાંચ મુખવાળો સાપ એટલે પંચવૃત્તિવાળો પ્રાણવાયુ. કર્મેન્દ્રિયો અને જ્ઞાનેન્દ્રિયોનો અધિપતિ મન છે. પાંચાલ રાજ્ય એ એનો પરિવેશ. અહીં પંચેન્દ્રિયોના વિષયોનો ભોગ ભોગવી શકાય. આ પાંચાલ રાજ્યમાં છે નવદ્વારવાળી આ દેહરૂપી નગરી. ચંડવેગ એટલે અત્યંત શક્તિશાળી કાળ. કાળકન્યા એટલે વૃદ્ધાવસ્થા. દૈહિક અને માનસિક વિભિન્ન પીડાઓ એટલે યમરાજાના અનુચર. દેહની ભીતર રહેલ જીવ આધિદૈવિક, આધિભૌતિક અને આધ્યાત્મિકના વિભિન્ન ક્લેશ દ્વારા વિચલિત રહે છે. બધા પ્રકારના ક્લેશ રહેવાથી પણ જીવ દેહધર્મ, મનોધર્મ અને ઇન્દ્રિયધર્મને વશ થઈને અને જુદા જુદા પ્રકારના વ્યાધિ દ્વારા પીડાઈને આ જડજગતને ભોગવવાની વાસનામાં ઘણી પરિકલ્પનાઓ કરે છે. જીવ નિર્ગુણ છે છતાં પણ તે અજ્ઞાનને કારણે ‘હું અને મારું’ના અહંકારથી પ્રભાવિત થઈને અનેક પ્રકારનાં દુ :ખકષ્ટ ભોગવે છે. આવી રીતે જડદેહમાં સર્વાધિક ૧૦૦ વર્ષ સુધી રહે છે. જીવને શુભાશુભનો વિચાર કરીને એને ગ્રહણ કરવાની બહુ અલ્પ પ્રમાણમાં સ્વાધીનતા છે. પરંતુ જો તે પરમ પરમેશ્વરને ભૂલી જાય તો તે જડપ્રકૃતિના ગુણોને વશ થઈને અને તેનાથી પ્રભાવિત થઈને પોતાના દેહને પોતાનું અસલ સ્વરૂપ માને છે અને પછી દેહ માટેનાં બધા પ્રકારનાં કર્મોમાં આસક્તિ રાખતો બને છે.

હે મહારાજ પ્રાચીનબર્હિ, જે સત્ત્વગુણનો આશરો લઈને વૈદિક આદેશ પ્રમાણે પુણ્યકર્મ કરે તે સ્વર્ગલોકમાં જઈ શકે. જે લોકો રજોગુણથી પ્રભાવિત થયા હોય તેઓ મનુષ્યલોકમાં વિભિન્ન પ્રકારનાં સર્જનાત્મક કાર્યો કરે છે, અને જે લોકો તમોગુણ દ્વારા પ્રભાવિત થયા હોય તેઓ પોતાના જીવનમાં અનેક દુ :ખકષ્ટ ભોગવીને પાશવી જગતમાં પ્રવેશે છે. વિભિન્ન વાસનાઓથી પ્રભાવિત થઈને જીવ પોતાના પ્રારબ્ધ પ્રમાણે વિભિન્ન યોનિઓમાં ભટકતો રહે છે. ક્યારેક તે ઉચ્ચતર જીવન પ્રાપ્ત કરે છે અને વળી ક્યારેક નિમ્નતર જીવન. જીવ ત્રિતાપથી મુકત થવાનો પ્રયત્ન કરવા છતાં પણ પ્રકૃતિના નિયમથી તે બંધાયેલો રહે છે.

હે મહારાજ, કોઈ પણ વ્યકિત કૃષ્ણભક્તિ વિના બીજાં કોઈ કર્મ દ્વારા પોતાનાં બધાં કર્મફળોથી મુક્ત ન થઈ શકે. જે માનવીઓ અજ્ઞાનવશ થઈને બધાં કાર્યકલાપોમાં લિપ્ત રહે, એમને જેમ જાગરણ જ દુ :ખદ સ્વપ્નનો પ્રતિકાર છે તેમ કૃષ્ણભક્તિ દ્વારા આત્મ સ્વરૂપમાં જાગ્રત રહ્યા સિવાય અજ્ઞાન અને મોહજનિત સંસારનાં દુ :ખોમાંથી મુક્ત થવાનો બીજો કોઈ ઉપાય નથી.

હે રાજર્ષિ, જે વ્યક્તિ શ્રદ્ધાળુ બનીને સર્વદા ભગવાનના મહિમાને સાંભળે છે અને જે સદૈવ કૃષ્ણભક્તિના અનુશીલનમાં રત રહે છે તેને થોડા જ સમયમાં પ્રત્યક્ષ રૂપે ભગવાનનાં દર્શન કરવાની યોગ્યતા પ્રાપ્ત થાય છે.

હે રાજન્, આ હરણને જુઓ! તે સુંદર મજાના પુષ્પોદ્યાનમાં તેની હરણી સાથે મનાનંદ સાથે કૂણાં તણખલાં ચરે છે. એ જ ઉદ્યાનમાં કાન માંડીને ભ્રમરોનાં મધુર ગુંજારવને સાંભળે છે. એની આ અવસ્થાનું એક વાર વિવેચન કરીને જુઓ! એ જાણતું નથી કે તેની સામે જ વાઘ છે અને પાછળ એક શિકારી પોતાના તીક્ષ્ણ બાણથી તેને વીંધી નાખવા તત્પર બન્યો છે. આ રીતે જોઈએ તો એ હરણનું મૃત્યુ અવશ્ય છે જ.

હે મહારાજ, નારીગણ પુષ્પની જેમ પ્રથમ તો અત્યંત આકર્ષણીય હોય છે પરંતુ અંતે તો અત્યંત ક્લેશદાયી બને છે. જીવ નારીઓ પ્રત્યે આસકત થઈને જડજગતનાં બંધનમાં પડી જાય છે. માણસ જે રીતે પુષ્પની સૌરભને માણે છે એવી જ રીતે તે મિલનસુખનો અનુભવ કરે છે. તે દેહપર્યંત ઇન્દ્રિય સુખોપભોગનું જીવન જીવે છે. પોતાના ગૃહજીવનને સુખદાયી માને છે પરંતુ દિનરાત્રીના માધ્યમથી કાળ તેના આયુષ્યને ઘટાડતો રહે છે, એ વાત તે ભૂલી જાય છે.

હે રાજન્, આ વાતને હૃદયમાં ઉતારવાનો પ્રયત્ન કરો. આપની અત્યંત વિપત્તિજનક પરિસ્થિતિથી ચારે બાજુએથી આપ દુ :ખ સંકટથી ઘેરાયેલા રહો છો.’

નારદની વાણી સાંભળીને રાજા પ્રાચીનબર્હિએ કહ્યું, ‘હે દેવર્ષિ, અત્યાર સુધી મેં માત્ર કર્મકાંડનું અનુષ્ઠાન કરીને ઘણી મોટી ભૂલ કરી છે. હવે હું

જ્ઞાન, ભક્તિ અને વૈરાગ્યના પ્રભેદ જાણીને એમને હૃદયમાં ઉતારવાનો પ્રયત્ન કરીશ. હે બ્રહ્મને જાણનારા, મારા મનમાં એક સંશય છે. આ

જીવનમાં જીવ જે કંઈ કર્મ કરે, પછીના જીવનમાં તે એ કર્મનાં ફળ ભોગવે છે, એ કેવી રીતે સંભવે?’

તેના પ્રત્યુત્તરમાં ઋષિ નારદે કહ્યું, ‘ હે રાજન્, આ લોકમાં અને પરલોકમાં સ્થૂળ દેહ ભિન્ન હોવા છતાં સૂક્ષ્મ દેહ એક જ રહે છે એટલે એમાં કોઈ અસંગતિ ઊભી થતી નથી. લિંગદેહની સહાયથી પુરુષ (આત્મા) એક દેહનો ત્યાગ કરીને બીજો દેહ પામે છે. આ લિંગદેહ દ્વારા પુરુષ (આત્મા) હર્ષ-શોક, સુખ-દુ :ખનો અનુભવ કરે છે. કર્મબંધનમાંથી નિવૃત્તિ મેળવવા જગતની સૃષ્ટિ, સ્થિતિ અને લયના એક માત્ર કારણ પરમાત્મા સ્વરૂપનું ચિંતન કરીને બધાં અંત :કરણથી (મન-બુદ્ધિ વગેરે) એ પરમેશ્વરની આરાધના કરો.’

રાજાને આવો ઉપદેશ આપીને ઋષિ નારદ ત્યાંથી અંતર્ધાન થઈ ગયા. ત્યાર પછી રાજા કપિલાશ્રમ ગયા અને બધા વિષયોમાંથી નિરાસક્ત થઈને નારદજીએ ઉપદેશેલા ભક્તિયોગની સાધના કરીને શ્રીહરિનાં ચરણકમળનું ધ્યાન કરતાં કરતાં શ્રીહરિમાં એકરૂપ થઈ ગયા.

 

Total Views: 326

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.