આનંદશંકર ધ્રુવની પુસ્તિકા ‘હિન્દુ ધર્મની બાળપોથી’ વાંચવા ગાંધીજીએ પુત્ર દેવદાસને ૨૯-૦૮-૧૯૧૮ના પત્રમાં ભલામણ કરેલી. મેં આનંદશંકરનો ગ્રંથ ‘આપણો ધર્મ’ વાંચીને ધન્યતા અનુભવેલી. તાજેતરમાં ‘હિન્દુ ધર્મની બાળપોથી’ની સંવત ૨૦૧૨ની પ્રકાશિત બીજી આવૃત્તિ હાથમાં આવતાં સડસડાટ વાંચી ગયો. શિક્ષક અને વિદ્યાર્થી વચ્ચે પ્રશ્નોત્તરી વચ્ચે આ ૧૩૮ પૃષ્ઠની પુસ્તિકા રચાઈ છે. ધર્મદર્શનની ગહન તત્ત્વચર્ચા સરળ રીતે થઈ શકે છે, એ જોઈને આનંદ થયો.

ગંગા-યુમુનાના પ્રદેશમાં ઉત્પન્ન થયેલો ધર્મ પ્રાચીન અને વધુ કેળવાયેલો છે. હિન્દુ શબ્દનો નાતો સિંધુ નદી સાથે પણ ખરો. એ વિસ્તારના પ્રાચીન આર્યોએ પરમાત્મા વિશે જે સિદ્ધાંત બાંધ્યા છે, તે આજે પણ પ્રસ્તુત છે, એ ભૂમિકા સાથે આનંદશંકર ધ્રુવ હિન્દુ ધર્મનાં શાસ્ત્રોનો પરિચય આપે છે. શ્રુતિ, સ્મૃતિ, ભાષ્ય અને સંતવાણીની પરંપરા સમજાવીને વિશ્વામિત્ર અને નદીઓનો કાવ્યાત્મક સંવાદ રજૂ કરે છે :

‘આપણા પ્રાચીન ઋષિઓ એ જ પ્રમાણે સૂર્ય, ચંદ્ર, વાયુ, વરસાદ, પ્રભાત, અગ્નિ વગેરે આ સૃષ્ટિના અદ્‌ભુત અને સુંદર પદાર્થાેમાં પરમેશ્વરનો વાસ જોતા અને પરમેશ્વર એમાં બોલતા હોય અને પરમેશ્વર એમને ચલાવતા હોય એમ જ એમને દેખાતું. તેથી તેઓ (સંસ્કૃત ‘દૃશ્’-દેખવું ક્રિયાપદ ઉપરથી ઋષિ શબ્દ થયો છે.) ‘ઋષિ’ એટલે દેખનાર, જોનાર કહેવાય છે. દેવોનો પરિચય આપતાં રસપ્રદ વિધાનો પણ કરે છે. જાગતાદેવ વરુણ વિશે કહે છે : ‘રાત્રે ચોતરફ અંધકાર છાઈ રહ્યો હોય છે, ત્યારે પણ એ અંધકારમાં જાગતો દેવ છે.’ (પૃ.૧૫) પરમેશ્વર રૂપી ઈંડામાંથી આ આખું જગત પાંખો ફફડાવતું નીકળ્યું છે, તેથી એ પરમેશ્વરનું નામ ‘હિરણ્યગર્ભ’ પણ છે. આ વિશ્વ એક સત્યની સીધી લીટીએ જ ચાલે છે એમ ઋષિઓ માનતા. આ વાકયની નીચે પાદટીપ છે : સીધી લીટીને વેદમાં ‘ઋત્’ કહે છે. અંગ્રેજી રાઈટ (ખરું) શબ્દનો મૂળ અર્થ આ સીધી લીટી છે. (પૃ.૧૬)

હરિશ્ચંદ્રનો યજ્ઞ, જનક રાજાની સભા અને ગાર્ગી-યાજ્ઞવલ્ક્યનો પ્રશ્નોત્તર, ‘સર્વદેવોને સ્થાને માત્ર એક ‘અક્ષર’-અવિનાશી પરમેશ્વર’નો નિર્દેશ જિજ્ઞાસા જગવીને સંતોષે છે. ‘ગૌતમબુદ્ધ અને બ્રાહ્મણો’ પ્રકરણનો નિષ્કર્ષ છે : ‘બીજા ગુણ હોય કે ન હોય, પણ જેનામાં ‘શીલ’ અને ‘પ્રજ્ઞા’ એટલે સદાચાર અને ડહાપણ (માત્ર વિદ્યા કે બુદ્ધિ નહીં પણ પાકા જ્ઞાનવાળી સમજણ) હોય તે જ ‘બ્રાહ્મણ’. (પૃ.૨૪)

ચાર વર્ણની ચર્ચામાં નોંધ્યું છે : ‘શૂદ્ર વર્ગના લોકોને વેદ ભણાવવામાં આવતા નહીં, ત્યારે પણ એમને ઇતિહાસ અને પુરાણ સાંભળવાની છૂટ હતી. અને એ પુસ્તકો દ્વારા વેદમાં રહેલું જ્ઞાન તેઓ મેળવતા.

એમ કહેવાય છે કે વ્યાસે ઇતિહાસ (મહાભારત), પુરાણો અને ધર્મશાસ્ત્ર લોમહર્ષણ નામના સૂત જાતિના એક શિષ્યને કહ્યાં અને એ સૂતે આ વિષયમાં એવી પ્રવીણતા મેળવી કે મોટા મોટા ઋષિઓ પણ એમની પાસે પ્રાચીનકથાઓ અને ધર્મનો ઉપદેશ સાંભળવા બેસતા. એક વખત નૈમિષારણ્ય નામના વનમાં શૌનક વગેરે ઋષિઓએ લાંબો યજ્ઞ આરંભ્યો. જૂના વખતમાં યજ્ઞ સાથે ધર્મચર્ચા કરવાનો રિવાજ હતો, તે અનુસાર યજ્ઞ ચાલે તે દરમિયાન ધર્મ સંબંધી કથા-વાર્તા તથા ઉપદેશ સંભળાવવા એમણે સૂતજીને વિનંતી કરી.’ (પૃ.૨૬)

બળદેવજી આવ્યા, સૂતજી વ્યાસપીઠ પર બેઠા હતા તેથી એમને માન આપવા ઊભા ન થયા. બળદેવજીએ દર્ભની સળી નાખી સૂતજીનો વધ કર્યો. બ્રાહ્મણોએ સૂતજીની પાત્રતા વિશે વાત કરી. બળદેવજીએ પ્રાયશ્ચિત્ત કરવા ભરતખંડનાં તીર્થાેની એક વર્ષ સુધી યાત્રા કરવાનું સ્વીકાર્યું. સૂતજીના પુત્રને વ્યાસપીઠ પર બેસાડી સત્સંગ ચાલુ રખાવ્યો. આ સમય મહાભારતના યુદ્ધનો હતો. વર્ણવ્યવસ્થાના ભેદથી ઉપર ઊઠી યોગ્યતાનું ગૌરવ કરતા પ્રસંગો અન્ય વિદ્વાનોએ પણ નોંધ્યા છે.

કર્મમાર્ગમાં માનતા મંડન મિશ્રને હરાવીને શંકરાચાર્યે એમને જ્ઞાનમાર્ગી બનવા પ્રેર્યા. મંડન મિશ્રે શિષ્ય બનીને સુરેશ્વરાચાર્ય નામ ધારણ કર્યું. રામાનુજાચાર્ય અને રામાનંદની પરંપરામાં કબીરજી આદિ સંતો દ્વારા જ્ઞાનભક્તિની પરંપરા વિકસી.

‘જેમાંથી આ સર્વ પદાર્થાે ઉત્પન્ન થાય છે, ઉત્પન્ન થઈને જેના આધારે જીવે છે, જીવતાં જેના પ્રત્યે એ જાય છે, ગતિ કરે છે અને જેમાં પ્રવેશ પામે છે એ ઈશ્વર’

ઈશ્વરની આ વ્યાખ્યા તૈત્તિરીય ઉપનિષદની છે. અગ્નિ, વાયુ, દેવો, યક્ષે ચીંધ્યા તણખલાને આઘુંપાછું પણ કરી શક્યા નહીં. એ દૃષ્ટાંતકથા દેવોનું અભિમાન નાબૂદ કરવા માટે છે. સર્વશક્તિમાન છે માત્ર પ્રભુ. બીજી ઉપનિષદ કથા છે ઉદ્દાલક અને શ્વેતકેતુની. ગુરુ પાસેથી મેળવેલી કેળવણીનું શ્વેતકેતુને અભિમાન હતું. એ નિવારવાનું કામ પિતા ઉદ્દાલકે કર્યું. માટી અને ઘડો, સોનું અને ઘરેણાંના દાખલાથી મૂળ જે એક એવા પરમેશ્વરનો નિર્દેશ કર્યોે. પરમેશ્વરને ઇચ્છા થઈ કે ‘હું એક છું તે બહુ થાઉં અને ઇચ્છા કરીને એણે પોતે જ પૃથ્વી, જળ, તેજ વગેરે રૂપ ધારણ કર્યાં અને આ સૃષ્ટિ થઈ.’ (પૃ.૩૬)

‘ઈશ્વર દેખાતો નથી પણ અનુભવાય છે’ – એની પ્રતીતિ કરાવવા પિતાએ શ્વેતકેતુને પાણીમાં ભેળવવા મીઠું આપ્યું. પછી જુદું પાડવા કહ્યું. એ શક્ય બનતું નથી. એનું તારણ છે : ‘પરમેશ્વર આંખે દેખાતો નથી, પણ એને અનુભવમાં લઈ શકાય છે. અને એ રીતે એ છે એમ આપણને ખાતરી થાય છે.’ આનંદશંકર ધ્રુવ લખે છે, ‘જેમ આપણા શરીરના અવયવો અને તેમને એકઠા રાખીને ચલાવનાર એક આત્મા, તેમ આ વિશ્વ અને તેમાં રહેલો પરમાત્મા એ જ પરમેશ્વર.’

આથી હિન્દુ ધર્મનાં શાસ્ત્રોમાં આ વિશ્વને પરમેશ્વરનું શરીર કહ્યું છે અને પરમેશ્વરને તેની અંદર વસતો જીવ-આત્મા કહ્યો છે. એ મહાન પુરુષને હજારો મસ્તક છે, હજારો આંખો છે, હજારો પગ છે, બીજી રીતે એને વર્ણવીએ તો આકાશ એ તેનું માથું છે, સૂર્ય-ચંદ્ર તેની આંખો છે, વાયુ એ એના શ્વાસોચ્છ્વાસ છે વગેરે.’ (પૃ.૪૨)

‘તેત્રીસ કરોડ દેવની સમજૂતી જુઓ : કરોડનો મૂળ સંસ્કૃત શબ્દ છે ‘કોટિ’. આદિત્ય ૧૨ કહેવાય છે, રુદ્ર ૧૧, વાયુ ૮ અને એ ઉપરાંત દેવોના રાજા ઇન્દ્ર ૧ તથા ઉત્પન્ન થયેલી વસ્તુ માત્રના પતિ, પાલન કરનાર ધણી, સ્વામી, તે પ્રજાપતિ ૧, એમ બધા મળીને ૩૩ થયા. તેત્રીસ કરોડ-કોટિ દેવ એટલે દેવોનાં કુલ માથાં તે ૩૩.’ (પૃ.૪૩)

સ્તુતિ રૂપી વાણીના પતિ તે બ્રહ્મા. બ્રહ્મણસ્પતિ, ગણપતિની પૂજા એ પ્રકારાંતરે બ્રહ્માની પૂજા છે. બન્ને વિદ્યાના દેવ.

‘બ્રહ્મા એ વાણીના દેવ અને એમનાં પત્ની સરસ્વતી તે વાણીની દેવી. વિષ્ણુએ જગતમાં પ્રવેશેલા પ્રભુ અને એમનાં પત્ની લક્ષ્મીજી તે સુંદરતાની મૂર્તિ અને રુદ્રએ સંહાર કરનાર ઈશ્વર-મહાકાલેશ્વર અને એમનાં પત્ની મહાકાળી, સર્વ પદાર્થાેનું ભક્ષણ કરનારી શક્તિ.’ (પૃ.૪૮)

રામ અને કૃષ્ણ, ચાર પુરુષાર્થ, ચાર વર્ણ, પેટા જાતિઓ, ચાર આશ્રમ, સોળ સંસ્કાર- આ બધાના મૂળમાં રહેલી ભાવના અને વિભાવના સુધી આનંદશંકર ધ્રુવ લઈ જાય છે.

ગીતાનો ધર્મ થોડાક શબ્દોમાં સમજાવી દે છે :

‘પોતાની હાર-જીત, સુખ-દુ :ખ, શત્રુ-મિત્ર, લાભ-નુકસાન વગેરેના વિચારો ન કરતાં પોતાની લાગણીને સમતામાં રાખી જે પોતાનો ધર્મ હોય, જે પોતાનું કર્તવ્ય હોય, તેને પ્રભુને ખાતર, પ્રભુને શરણે રહી, પ્રભુ પ્રત્યે સમર્પણભાવથી કરવું.’ (પૃ.૫૪)

વર્ણાશ્રમ વ્યવસ્થા જડ ન હતી. ‘વિશ્વામિત્ર ક્ષત્રિયકુળમાં જન્મ્યા છતાં તપ વડે બ્રાહ્મણ થયા હતા. કવશ ઐલૂષ શૂદ્ર હોવા છતાં એની ધાર્મિકતા જોઈને ઋષિઓએ એને પોતાના મંડળમાં લીધો હતો અને જાનશ્રુતિ પૌત્રાયણ નામે એક શૂદ્ર રાજા પણ બ્રહ્મજ્ઞાન મેળવી શક્યો હતો. (પૃ.૬૫) અગાઉ સૂત પૌરાણિકની વાત થઈ ચૂકી છે.

ચાર પુરુષાર્થના કેન્દ્રમાં અહીં ધર્મ છે. ‘ધર્મ દ્વારા જ મનુષ્યને અર્થ-કામ પ્રાપ્ત થવાં જોઈએ. ધર્મનો નાશ કે ત્યાગ કરીને પ્રાપ્ત કરેલાં અર્થ-કામથી તે પ્રાપ્ત કરનાર વ્યક્તિનું કે જનસમાજનું હિતકલ્યાણ થઈ શકતું નથી. અને ધર્મના માળા ઉપર મંડાયેલાં ન હોય તેવાં અર્થ-કામ પ્રાપ્ત કરનારને મોક્ષ અર્થાત્ પરમેશ્વરના સ્વરૂપનું સાચું જ્ઞાન અને ભક્તિ પ્રાપ્ત થઈ શકતાં નથી.’ (પૃ.૬૪)

કેટલીક વિગતો ધ્યાન ખેંચે છે :

‘અસલના વખતમાં તો કન્યાઓને પણ યજ્ઞોપવિત અપાતું અને ઘેર રાખી વેદ ભણાવવામાં આવતા. માત્ર એમને ગુરુને ત્યાં રહેવા જવાનું નહીં અને ભિક્ષા માગવાની નહીં. જો કે એ કાળમાં તો ગુરુને ત્યાં વેદવિદ્યા અને બ્રહ્મવિદ્યા (પરમાત્મા સંબંધી સૂક્ષ્મજ્ઞાન) ભણવા ગયેલી સ્ત્રીઓની વાત વાંચવામાં આવે છે.’

‘હાલમાં એવી ઘણી જ્ઞાતિઓ જોવામાં આવે છે કે જે અત્યારે શૂદ્ર ગણાય છે, પણ અસલ ક્ષત્રિય કે વૈશ્ય હતી. એ સર્વને દ્વિજ ગણી લો, એટલે હિન્દુસ્તાનના કેટલા બધા લોકો કેળવણી લેતા હશે એ તમને સમજાશે.’ (પૃ.૭૧)

પંચ મહાયજ્ઞ, વ્રત, ઉત્સવ અને યાત્રા, સામાન્ય ધર્મ આદિ પ્રકરણો વિદ્યાર્થીઓને જિજ્ઞાસા સંતોષી માણસાઈની કેળવણી આપે છે. ‘આપણે પોતાના ધર્મની ખાસ આવડત ઉપરાંત માણસ તરીકેના નીતિના, પ્રેમના, સચ્ચાઈના અને ઉમદા સ્વભાવના સામાન્ય ગુણો પણ કેળવવા જોઈએ. એને હિન્દુ ધર્મનાં શાસ્ત્રોમાં ‘સાર્વવર્ણક ધર્મ’ કહે છે. એટલે કે પોતપોતાના વર્ણના ગમે તેટલા ધર્મો પાળીએ છતાં સામાન્ય ધર્મ વિના એ બધા નકામા છે. (પૃ.૮૬)

આત્મા વિશે બીજાં બે પ્રકરણ આપ્યાં છે. ‘દેહમાં આત્મા રહેલો છે પણ દેહ તે જ આત્મા નથી.’ બે પક્ષીવાળું દૃષ્ટાંત સૂચવે છે તેમ ફળ ખાનાર તે જીવ અને જોનાર પક્ષી તે પરમાત્મા.

જીવ ઈશ્વરનો સખા-મિત્ર છે. એ નિર્દેશ ગીતાનો છે. મોજાં એ દરિયો જ છે, દરિયાથી જુદાં નથી તેમ જીવાત્મા તે પરમાત્મા જ છે, પરમાત્માથી જુદો નથી. એમ કહી નામ પાડ્યા વિના પણ શુદ્ધાદ્વૈતની ચર્ચા કરી લીધી છે.

કર્મ અને પુનર્જન્મ વિશે આનંદશંકરભાઈ પ્રશ્નો ઊભા કરતા નથી, શાસ્ત્રને સમજાવે છે. ‘કર્મનો અર્થ’, ‘કરેલું કામ’ એવો થાય છે. હિન્દુ ધર્મશાસ્ત્રમાં કર્મ અથવા પ્રારબ્ધ વિશે જે કહેવામાં આવ્યું છે તેમાં માણસને આળસુ બનાવવાનો કે એને માથેથી નીતિની, કર્તવ્યની જવાબદારી કાઢી નાખવાની વાત કહેલી નથી… આપણે સારાં કે ખોટાં જે જે કર્મો કરીએ છીએ તે પણ સુખ કે દુ :ખ ઉત્પન્ન કરશે. અને અત્યારે આજે આપણે જે જે સુખ યા દુ :ખ, સારી કે ખોટી સ્થિતિ ભોગવીએ છીએ તે આપણાં પૂર્વે કરેલાં કર્મોનું જ ફળ છે.’ (પૃ.૧૦૦)

સ્વર્ગ અને નર્કની વ્યાખ્યા લેખકે પોતાના યુગને અનુરૂપ આપી છે : ‘જેમ સ્વપ્નમાં દેખાતી દુનિયા આ પૃથ્વીની ઉપર છે કે નીચે છે એમ કહી શકાતું નથી. પણ આપણા મનનું બંધારણ જ એવું છે કે જે જે સારું છે એને આપણે હંમેશાં ઊંચે માનીએ છીએ અને જે જે ખોટું છે તેને નીચે માનીએ છીએ. તે પ્રમાણે સ્વર્ગને ઉપર અને નર્કને નીચે માનવામાં આવે છે.’ (પૃ.૧૦૩)

મુક્તિના શાસ્ત્રોક્ત પ્રકાર આ પ્રમાણે છે : ‘સાલોક્ય મુક્તિ- પ્રભુના લોકમાં વસવું; સામીપ્ય- પ્રભુની સમીપ સ્થાન મેળવવું; સાષ્ટિ- પ્રભુના જેવું ઐશ્વર્ય મેળવવું; સારૂપ્ય- પ્રભુના જેવું રૂપ પામવું; સાયુજ્ય- પ્રભુમાં જોડાઈ જવું; કૈવલ્ય મુક્તિ- પોતાનું કેવળ શુદ્ધ રૂપ અનુભવવું, જીવાત્મા તે પરમાત્મા જ છે એવો સાક્ષાત્કાર કરે છે. અહીં આત્માની ખરી સ્થિતિ જાણવાની છે. એ દેહ છૂટ્યા પછી પ્રાપ્ત કરી શકાય છે, એને વિદેહ-મુક્તિ કહે છે. જીવનમાં જેનો અનુભવ કરી શકાય તેને જીવન-મુક્તિ કહે છે.

કર્મ, ભક્તિ, જ્ઞાનના યોગ દ્વારા મનુષ્યે આ યોગ્યતા કેળવવાની છે. આનંદશંકરભાઈ આ ત્રણેય સંકલ્પનાઓનો શાસ્ત્રોક્ત અર્થ સમજાવે છે.

ષડ્દર્શનની સમજૂતી ટૂંકી અને સરળ છે. કપિલમુનિએ સ્થાપેલ સાંખ્યદર્શનમાં ઈશ્વરને માનવાની જરૂર નથી. જ્યારે યોગદર્શનના આચાર્ય પતંજલિ માને છે કે ઈશ્વર આ જગતથી તેમજ સઘળા જીવોથી ભિન્ન છે. આ સૃષ્ટિ એણે કરી નથી તેથી એ વિશુદ્ધ પુરુષ-ઈશ્વર કહેવાય છે. વૈશેષિક દર્શનના રચયિતા કણાદ મુનિ છે. પરમાણુ કણોમાંથી ઈશ્વરે જગતની રચના કરી છે. જીવ અને ઈશ્વર બન્ને આત્મા છે પણ એક નથી. ‘સાંખ્યે પ્રકૃતિ અને પુરુષને જુદાં કહ્યાં હતાં. તે બેનું જુદાપણું કેવી રીતે અનુભવમાં લાવવું તે યોગે બતાવ્યું છે. પણ એ જુદા છે એની વિશેષ તપાસ આ વૈશેષિક દર્શને કરી છે.’ (પૃ.૧૧૧)

ન્યાયદર્શનના આચાર્ય ગૌતમમુનિએ સત્ય જાણવાનાં સાધનો સૂચવ્યાં છે, મીમાંસાએ જૈમિનિમુનિ થકી વેદના યજ્ઞભાગની સમજણ આપી. બાદરાયણ વ્યાસે વેદાંત રૂપે બ્રહ્મની મીમાંસા કરી, હિન્દુ ધર્મના તત્ત્વરૂપ સિદ્ધાંતનું નિરૂપણ વેદાંત કરે છે. શંકારાચાર્ય, રામાનુજાચાર્ય અને વલ્લભાચાર્યે રચેલાં વેદાંતનાં ભાષ્ય વિખ્યાત છે. જ્ઞાન દ્વારા બ્રહ્મ સાથે અદ્વૈત, શરીર એ પરમાત્માનું એક વિશેષણ છે. તેથી રામાનુજાચાર્યનો વિશિષ્ટાદ્વૈત અને વલ્લભાચાર્યે કહ્યું છે કે જ્ઞાન અને વૈરાગ્ય ભક્તિનાં સાધન છે. પરમાત્માને પામવા ભક્તિ જ જોઈએ. સમર્પિતમાં પરમાત્મા ભક્તિ પોષ્યા કરે તેથી પુષ્ટિમાર્ગ.

જૈન તીર્થંકરો, ઋષભદેવ અને મહાવીર સ્વામી. જૈન ધર્મનો મુખ્ય ઉપદેશ- અહિંસા, જૈનવ્રત, સામયિક, પ્રતિક્રમણ; જૈનધર્મ અને મોક્ષ જેવાં સ્વતંત્ર પ્રકરણો આપ્યા પછી આનંદશંકર ધ્રુવ ગૌતમ બુદ્ધ અને એમનો મુખ્ય ઉપદેશ વિસ્તારથી સમજાવે છે. મૃત્યુનું રાજ્ય, અવિરોધનો ધર્મ સમજાવી પુસ્તિકાનું સમાપન કર્યું છે.

ઋષભદેવને બ્રાહ્મણો ચોવીસ અવતારોમાંના એક ગણે છે. અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય, અપરિગ્રહ જૈનોનાં આ પાંચ વ્રત ગાંધીજીનાં એકાદશ વ્રતમાં મોખરે છે. સામયિક એટલે મનની સમતા અને પ્રતિક્રમણ એટલે પાપમાંથી પાછા ફરીને શુભ તરફ ચાલવું.

બુદ્ધ એટલે બોધ પામેલા. તપના અનુભવને અંતે એમને મધ્યમ પ્રતિપદા-વચલો માર્ગ ઇષ્ટ લાગ્યો. હિંસા ન કરવી, આપ્યા વિના લેવું નહીં, અસભ્ય બોલવું નહીં, મદ્યપાન કરવું નહીં, બ્રહ્મચર્ય પાળવું- બૌદ્ધ ધર્મનાં આ પાંચ શીલ સાથે આનંદશંકર ધ્રુવ યોગસૂત્રના ‘પંચયમ’ અને જૈન ધર્મનાં ‘પાંચવ્રત’ને યાદ કરે છે. આ ત્રણેય ધર્મ વચ્ચે અવિરોધ છે, એમ મહદ્અંશે કહી શકાય. છતાંય આનંદશંકર ધ્રુવ ઉમેરે છે- સર્વ સિદ્ધાંતોમાં અહિંસાના સિદ્ધાંતને મોખરે મૂકવાનું માન જૈનોને છે. (પૃ.૧૩૬)

એક બીજી સ્પષ્ટતા પણ નોંધપાત્ર છે :

‘ઈશ્વર નથી એમ ગૌતમ બુદ્ધે કદી કહ્યું નથી. પણ ઈશ્વરની શોધમાં ગૂંથાઈ રહીને લોકો જે ખરું કરવું જોઈએ તે કરતા નથી અને ખાલી ચર્ચાઓમાં પડી રહે છે તેમને માટે જ બુદ્ધે ઈશ્વર વિશેની ચર્ચા નકામી કહી છે.’ (પૃ.૧૩૭)

‘જૈન ધર્મમાં પણ ઈશ્વર નથી એમ જે માન્યું છે તેનું ખરું તાત્પર્ય કર્મનો મહિમા બતાવવાનું, આપણાં કર્મોથી સઘળું થાય છે એમ બતાવવાનું છે. વળી, ગૌતમ બુદ્ધે આત્મા નથી એવું જે કહ્યું છે તેનું તાત્પર્ય પણ આપણું હુંપણું રાખવા માટેનું જ છે. તેમજ સઘળું શૂન્ય છે એમ કહેવાની મતલબ પણ પાપપુણ્યની જવાબદારીમાંથી નીકળી જવાની નહીં, પણ સંસારનો મોહ ટાળવા માટેની છે.’ (પૃ.૧૩૮)

‘હિન્દુ ધર્મની બાળપોથી’ માત્ર હિન્દુઓ માટે નથી. ધર્મને સંસ્કૃતિની આધારશિલા માનતા કોઈપણ જિજ્ઞાસુને એનું વાચન રસપ્રદ લાગશે. આ ભલે ‘બાળપોથી’ હોય, પ્રૌઢશિક્ષણનું કામ પણ એ કરી શકે એમ છે.

૧૯મી સદીના અંતભાગમાં ઘણા પ્રબુદ્ધ દેશભક્તો એવું માનવા લાગ્યા હતા કે સામાજિક પ્રગતિના સાધન તરીકે ધર્મની ઉપયોગિતા સમાપ્ત થઈ ચૂકી છે અને ભારતીય સંસ્કૃતિને નવી દિશા ચિંધવાની જરૂર છે. આ સંદર્ભમાં વિશ્વનાથ નરવણે ‘આધુનિક ભારતીય ચિંતન’ માં (પૃ.૧૦૮)નોંધે છે : ગાંધીની જેમ વિવેકાનંદ પણ આ વિચાર સાથે સહમત ન હતા. એ માનતા કે ભારતની નિયતિ સાથે ધર્મ જોડાયેલો છે. વિવેકાનંદ વેદાંતની વૈશ્વિકતા અને વસ્તુનિષ્ઠાનો મહિમા ગાતાં કહે છે કે એ સિદ્ધાંતોનું પ્રતિપાદન કરે છે, વ્યક્તિઓનું નહીં. કોઈ વ્યક્તિ પર આધારિત ધર્મને સમસ્ત માનવજાતિ આદર્શ માની ન શકે. વેદાંત મનુષ્યના ચિરંતન સ્વભાવ પ્રમાણે છે, એનો પાયો છે આધ્યાત્મિક એકતા.

 

Total Views: 424

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.