સ્વામી વિવેકાનંદે કહ્યું છે : ‘શ્રદ્ધા, શ્રદ્ધા, શ્રદ્ધા; પોતાનામાં શ્રદ્ધા, ઈશ્વરમાં શ્રદ્ધા ! મહત્તાનું આ જ રહસ્ય છે… તમારા પોતામાં શ્રદ્ધા રાખો; એ શ્રદ્ધા પર મુસ્તાક રહો અને બળવાન બનો.’
મારા વ્યક્તિત્વનો ઘણો ખરો યશ મારી માતાને જાય છે. ઘરની આર્થિક પરિસ્થિતિ મધ્યમવર્ગની, ટૂંકો પગાર અને કૌટુંબિક ફરજો વચ્ચે પણ મારી માએ મને પ્રામાણિકતા અને સહનશક્તિના ગુણો આપ્યા છે.
વાત છે… શનિવારની સાંજની, અને એ પણ આખર તારીખ ૩૦. હું દશ વર્ષનો હોઈશ… એ શનિવારે સાંજે મારી માને ભારે તાવ આવ્યો. અમારા ઘરથી થોડે દૂર એક પાડોશી ડાૅક્ટરને બતાવવાની જરૂર ઊભી થઈ. આંગળી પકડીને મારી મા મને સાથે લઈને એ ડાૅક્ટરને તબિયત બતાવવા ગઈ. એ દૃશ્ય આજે પણ મને યાદ છે. ડાૅક્ટર સાહેબે તપાસ કરીને પડીકી વાળીને દવાનો ડોઝ મારી માતાના હાથમાં મૂક્યો. એ સમયે જનરલ પ્રેક્ટિશ્નરની ફી એક રૂપિયો હતી.
મારી માતાએ ડાૅક્ટરને જણાવ્યું કે અમે પાડોશી છીએ અને પહેલી તારીખે તેમની ફી ચૂકવી જઈશું. આ સમયે તે ડાૅક્ટરે મારાં માતુશ્રીના હાથમાંથી દવાની પડીકી લઈ લીધી અને જણાવ્યું કે પહેલી તારીખે દવા લેવા આવવું.
આ દૃશ્ય મારા બાળમાનસ પર છપાઈ ગયું. હજુ સુધી આ ઘટના મેં યાદ રાખી છે. સામાન્ય રીતે આવી ઘટનાથી બાળકનો વિકાસ ક્યારેક વિપરીત દિશામાં થઈ શકે છે અને બાળક મોટો થઈને સમાજવિરોધી પણ થઈ શકે છે. પણ મારી માતાના આધ્યાત્મિક સંસ્કાર કંઈક અલગ જ કહેતા હતા. મારી માએ ઈશ્વરનું નામ લેતાં લેતાં મીઠાના પાણીનાં પોતાં મૂકીને તાવ કાબૂમાં લીધો અને મને કહ્યું, ‘બેટા, મોટો થઈને ડાૅક્ટર બનજે અને પૈસાનો વિચાર કર્યા વગર તારી પાસે આવેલા દર્દીની સારવાર કરજે.’ આ શબ્દો આજે પણ મારા હૈયે કોતરાયેલા છે. મારી પચ્ચીસ વર્ષની તબીબી પ્રેક્ટિસમાં મહદ્ અંશે તેનું પાલન કર્યું છે.
મારી માતાએ આર્થિક સંકડામણ વચ્ચે મને અભ્યાસ માટે પ્રેરણા આપી છે. પોતે શિક્ષિકા હોવાથી અભ્યાસ પ્રત્યે મારી રુચિ જળવાઈ રહે તે માટે સતત માર્ગદર્શન આપ્યું હતું. જરૂર પડ્યે મારી સાથે કડક વર્તન રાખીને પણ મને અભ્યાસ માટે જાગ્રત રાખ્યો હતો.
અભ્યાસમાં ભૌતિક વિજ્ઞાન, ગણિત અને રસાયણશાસ્ત્ર મારા પ્રિય વિષયો હતા અને એન્જિનિયર બનવાની મારી પ્રબળ ઇચ્છા હતી. ધોરણ બારમાં જ્યારે સારા માર્ક્સ આવ્યા. એ વખતે પ્રવેશ મેળવવો સહેલો હતો. મારા પિતાશ્રી ૧૯૬૬થી શ્રી સત્યસાંઈ બાબાના ભક્ત હતા. તેમની ઇચ્છા અને બાળપણના માતાના એ કડવા અનુભવને યાદ રાખીને મેં ૧૯૭૮માં મેડિકલ કાૅલેજ, વડોદરામાં પ્રવેશ લીધો.
શરૂઆતના છ મહિનામાં એનેટોમી, ફિઝિયોલોજી વિષયોમાં અતિશય કંટાળો આવતો. વળી મારા પ્રિય વિષયો ફિઝિક્સ, મેથ્સની સતત ઊણપ લાગતી. માત્ર ૧૭ વર્ષની ઉંમરે હોસ્ટેલમાં રહીને અપ્રિય વિષયો વચ્ચે નિરાશ થઈ ગયો. લાઈબ્રેરીમાં વાચન દરમિયાન વિચારતો કે હું ખોટી દિશામાં આવી ગયો છું. મારો આત્મવિશ્વાસ ડગવા લાગ્યો. મને લાગ્યું કે હું પાસ નહીં થઈ શકું. છ મહિના બાદ દિવાળીના વેકેશનમાં જ્યારે હું રાજકોટ ઘરે આવ્યો ત્યારે નક્કી કર્યું કે હવે પાછા જવું નથી !!! હતાશા અને નિરાશાથી મારાં માતપિતાને જણાવ્યું કે હું પાછો મેડિકલ કાૅલેજ જવાનો નથી ! બીજા વર્ષે એન્જિનિયરીંગમાં પ્રવેશ લઈ લેવો છે. સ્વાભાવિક રીતે જ મારાં માતપિતા ચિંતામાં પડી ગયાં. મારા પિતાશ્રીએ મને કહ્યું, ‘તને જેમ યોગ્ય લાગે તેમ કરીશું, હાલ દક્ષિણભારતની યાત્રા કરી આવીએ.’ અમે આંધ્રપ્રદેશમાં આવેલા પુટ્ટપર્તિમાં સાંઈબાબાના આશ્રમ ‘પ્રશાંત નિલયમ’માં આઠ થી દશહજાર ભક્તો વચ્ચે બેઠા હતા. શ્રી સાંઈબાબા બધાની વચ્ચે દર્શન આપતાં આપતાં મારી પાસે આવ્યા. મને કહ્યું કે મારે તારી સાથે વાત કરવી છે. ત્યાંના નિયમ પ્રમાણે મારાં માતપિતા સાથે તેઓ મને એમના મુલાકાત ખંડમાં લઈ ગયા. ખંડમાં ભારતના અન્ય ભાગમાંથી આવેલ ડાૅક્ટર હાજર હતા. પૂજ્ય બાબાએ તબીબોના જીવનને સ્પર્શતી ઘણી વાતો કરી. એમાંની ઘણીખરી મને લાગુ પડતી હતી.
ત્યાર પછી તેમણે મને અંદરના એક રૂમમાં વ્યક્તિગત રૂપે વાત કરવા સૂચના આપી. આ દિવસ મારા જીવનનો અતિશય રોમાંચક દિવસ હતો. આશરે દશ મિનિટ સુધી શ્રી સાંઈબાબાએ મારી સાથે વાત કરી. મારા મનમાં જે દ્વિધા અને ઘર્ષણ ચાલતાં હતાં તેની તમામ વાતો મને એમણે સામેથી કહી. જે વાતો મારા મનમાં વિચાર સ્વરૂપે હતી તે બધી વાતો મને કહી.
આ તબક્કે તેમણે મને કહેલી એક અદ્‌ભુત વાત રજૂ કરું છું : તેમને ખબર હતી કે મને ફિઝિક્સ અને મેથ્સમાં રુચિ હતી. તેમણે મને જણાવ્યું કે એન્જિનિયર બનીને મશીન સાથે કામ કરવું એ ચોક્કસ સારી બાબત છે. પરંતુ માનવ-શરીર એ પણ ઈશ્વરે બનાવેલ અદ્‌ભુત મશીન છે અને માત્ર નસીબદારને જ આવા દિવ્ય મશીનનું જ્ઞાન પ્રાપ્ત થાય છે. તેમણે વધુમાં કહ્યું કે ડાૅક્ટર પણ એન્જિનિયર જ છે, પણ દિવ્ય મશીનોના દિવ્ય એન્જિનિયર.
મારા તૂટી રહેલા આત્મવિશ્વાસને પ્રબળ બનાવતાં તેમણે કહ્યું કે મારે ડાૅક્ટર જ બનવાનું છે. મારામાં એવી શ્રદ્ધા જગાડી કે તેમના આશીર્વાદથી મને અભ્યાસમાં ક્યારેય નિષ્ફળતા નહીં મળે. આ ઘટના મારા માટે અત્યંત આશ્ચર્યચકિત કરનારી અને પ્રેરક હતી.
શ્રી સાંઈબાબાની દિવ્યશક્તિનો પુરાવો જુઓ. ૮-૧૧-૭૮ના રોજ તેમણે મને કહ્યું કે મારે ડાૅક્ટર જ બનવાનું છે અને ભવિષ્યમાં તેમના કાર્યમાં પાયાનું કામ કરવાનું છે. ૧૯૭૮માં તેમણે જણાવેલ આ વાત ૧૯૯૩માં જ્યારે અમે રાજકોટમાં શ્રી સત્યસાંઈ હાર્ટ ક્લિનિકની શરૂઆત કરી ત્યારે ખરી નીવડી. રાજકોટની શ્રી સત્યસાંઈ હોસ્પિટલની શરૂઆત કરવાનું સૌભાગ્ય તેમના આશીર્વાદથી મને પ્રાપ્ત થયું છે.
એ મુલાકાત દરમિયાન તેમણે જણાવ્યું કે જો કોઈ ડાૅક્ ટર આધ્યાત્મિક ભાવ કે સિદ્ધાંતો સાથે પ્રેક્ટિસ કરે, તો જે અનુભૂતિ ઋષિમુનિઓને વર્ષોની તપસ્યા બાદ થાય છે, તે ડાૅક્ટરને થઈ શકે છે. આવી અનુભૂતિ મને પચ્ચીસ વર્ષમાં અનેક વખત થઈ છે અને એનું કારણ છે ડાૅક્ટરનો વ્યવસાય પણ એક તપશ્ચર્યા છે. તેમણે મને કહ્યું હતું કે મારી પાસે આવનાર દરેક દર્દીને પોતાના સ્વજન ગણવા. સામે બેઠેલા દર્દીની જગ્યાએ હું મારાં ભાઈબહેન, માતપિતા કે સ્વજન હોય એમ માનીને હું જે નિર્ણયો લઈને સ્વજન જેવી જ સારવાર સામે બેઠેલા દર્દીને આપું. આમ કરવાથી તમામ નિર્ણયો લગભગ સો ટકા પ્રામાણિક હોવાના અને એ રીતે પ્રેક્ટિસ કરવાથી મને અનેક નવા સંબંધો પ્રાપ્ત થયા. તેઓ કહેતા, ‘આ સૃષ્ટિ પરના તમામ માનવો ઈશ્વરના એક દિવ્ય કુટુંબના સભ્યો છે. તેમણે મને કહ્યું હતું કે જો આ દિવ્ય કુટુંબના સભ્ય બનવું હોય તો ઈશ્વરના દિવ્ય કાર્યમાં જોડાવું જોઈએ. આ સૃષ્ટિના સંચાલનમાં ઈશ્વરનું દિવ્ય વહીવટીતંત્ર કાર્યરત છે, તેમાં જોડાવું પડે. એક વાર જો પ્રભુના કાર્યમાં જોડાઈ જાઓ તો દિવસરાત ઈશ્વરીય શક્તિ શું છે એ અનુભવી શકાય. દિવ્ય કાર્ય માટે તેમણે મને ત્રણ શરતો સમજાવેલી :
૧. જે કાર્ય કે દર્દીની સારવાર કરતો હોઉં તેમાં કોઈ પણ પ્રકારનો સ્વાર્થ રાખવો નહીં. પૈસા અને પ્રસિદ્ધિ સંપૂર્ણપણે ગૌણ ગણવાં.
૨. જે દર્દીની સારવાર કરો તેમાં ઈશ્વરનાં દર્શન કરવાં અને જેને કારણે આ પ્રભુના દિવ્યકાર્યમાં જોડાવાનો અવસર પ્રાપ્ત થયો, તેનું ઋણ સ્વીકારવું.
૩. સંપૂર્ણ સારવાર બાદ જો અપયશ કે આક્રોશ સાંભળવાનો અવસર આવે તો તે સ્વસ્થચિત્તે સ્વીકારવો.
કોઈપણ માનવી ગમે તે ક્ષેત્રમાં કામ કરતો હોય અને ઉપર્યુક્ત ત્રણ સિદ્ધાંતોને અધીન રહીને કાર્ય કરે તો એ કાર્ય ઈશ્વરપૂજા બની જાય છે, દિવ્યકાર્ય બની જાય છે. અને આવું દિવ્યકાર્ય કરનારને પ્રબળ ઇચ્છાશક્તિ પણ આપમેળે મળી જાય છે. મેં મારાં પચ્ચીસ વર્ષના આ કાર્યમાં અનેક વખત આ શક્તિની અનુભૂતિ કરી છે. જે કાર્ય મારાથી ત્વરિત ગતિએ થઈ જાય, એ મને એક દિવ્ય ચમત્કાર જેવું લાગે છે.
હવે પછી હું એક સંપાદન રૂપે આજનાં યુવાન વિદ્યાર્થી ભાઈબહેનો માટે એક વાત કરવા માગું છું.
જીવનમાં ઝંઝાવાતો તો આવે જ પણ તમારામાં પહેલેથી જ ગુણસંસ્કાર-મૂલ્યોનું ભાથું માતપિતાએ ભરપૂર ભરી દીધું હોય તો એ ઝંઝાવાતો સામે થવાની કોઈ ઓર મજા અને આનંદ છે. એટલે જ એક કવિએ કહ્યું છે, ‘રણ તો ધીરાનું, નહીં કાયરનું’; ‘પ્રેમ પંથ છે પાવક જ્વાળા મહીં પડ્યા તે મહાસુખ પામે, દેખણહારા દાઝે જો ને.’ એટલે યુવાનોએ પોતાની સુષુપ્ત આત્મશક્તિને જગાડીને ‘યા હોમ’ કરવું પડે. અને આ તાકાત હોય તો ઈશ્વરીય દિવ્ય પ્રેરણા પણ કોઈક ને કોઈક ખૂણેથી મળી રહે છે. આજે યુવાનો મુસીબતોનાં રોદણાં રોઈને બેસી રહે છે. એમને શ્રી શ્રીમા શારદાદેવીના આ દિવ્યમંત્રની યાદ અપાવું છું, ‘મુસીબતો તો આવે, પણ તે કંઈ જિંદગીભર રહેતી નથી. તમને ખ્યાલ આવશે કે એ બધી પૂલ નીચેના પાણીની માફક સડસડાટ ચાલી જાય છે.’
યુવાન મિત્રો, તમે ગમે તે ક્ષેત્રમાં હો પણ જો દિવ્યભાવથી કામ કરશો તો તમારામાં પણ દિવ્યભાવ જાગશે. શ્રીરામકૃષ્ણદેવના દક્ષિણેશ્વરના ખંડમાં એક વખત વૈષ્ણવ સંપ્રદાયની વાત ચાલતી હતી. એ સંપ્રદાયમાં, ‘હરિનામમાં આનંદ, સૌ જીવો પ્રત્યે દયા, સહાનુભૂતિ અને ભક્તોની સેવા આ ત્રણ ગુણો પર ભાર મૂકે છે.’ આ વાત સાંભળીને શ્રીરામકૃષ્ણદેવ સમાધિમાં ડૂબી ગયા. બાહ્યભાન આવતાં તેઓ બોલી ઊઠ્યા, ‘પ્રાણી માત્ર પ્રત્યે દયા ! પ્રાણી માત્ર પ્રત્યે દયાની વાત કરનાર તું કોણ ! તું પોતે તો જંતુ છો ! ના, ના ! પ્રાણીઓ પ્રત્યે દયા નહીં પણ સેવા, ‘શિવજ્ઞાને જીવસેવા !’ આવું દિવ્ય કાર્ય કરનાર કોઈપણ માનવનું કાર્ય નિષ્ફળ થતું નથી. તે અણધારી સફળતાનાં શિખરો સર કરી લે છે.
આ ભાવને ધ્યાનમાં રાખીને સ્વામી વિવેકાનંદે કહ્યું છે, ‘સર્વ ઉપાસનાઓનો મર્મ આ છે : પવિત્ર થવું અને બીજાનું કલ્યાણ કરવું. જે મનુષ્ય દીનદુ :ખીઓમાં, નિર્બળોમાં, રોગીઓમાં ભગવાન શિવનાં દર્શન કરે છે, તે સાચે સાચ શિવની ઉપાસના કરે છે.’
એટલે જ તેમણે પોતાના એક કાવ્યમાં કહ્યું છે :
સમર્પાે, કિંતુ ના જરીય બદલામાં કંઈ ચહો,
અરે ! બિન્દુ ઇચ્છો ! તજી દઈ તમે સાગર મહા !
સહુ ભૂતો કેરો સુહૃદ બસ એ પ્રેમ સમજો,
અને બ્રહ્મે, કીટે સકળ અણુ આધાર ગણજો.
સહુનો એ પ્રેમી, પરમ તમ, પ્રેમાસ્પદ બનો,
બધું વારી નાખો, તનમન પ્રભુનાં ચરણમાં;
બહુ રૂપોમાં એ ઈશ અચલ ઊભા તમ કને,
બીજે શોધો શાને ? જીવ-પૂજનમાં છે શિવપૂજા.

Total Views: 329

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.