લય અર્થાત્ વિસર્જન – સ્થૂળનું સૂક્ષ્મમાં વિલિનીકરણ, કાર્યનું કારણમાં મળી જવું. વૈશ્વિક પ્રક્રિયામાં સર્જન અને સ્થિતિની જેમ જ લયની અગત્યતા છે. હિન્દુ પરંપરા મુજબ ઈશ્વર માત્ર સર્જક અને પાલક રૂપે જ પૂજાતા નથી પરંતુ સંહારકના રૂપમાં પણ તેમની પૂજા થાય છે. ઉદાહરણ રૂપે છાંદોગ્ય ઉપનિષદમાં વર્ણવાયું છે :

अथ येऽस्योदंचो रश्मयस्ता एवास्योदीच्यो

मधुनाड्योऽथर्वाङ्गिरस एव मधुकृत

इतिहासपुराणं पुष्पं ता अमृता आपः ।। 3.4.1।।

ભાવાર્થ : ‘તથા એનાં જે ઉત્તર દિશાનાં કિરણો છે તે જ એની ઉત્તર દિશાની મધુનાડીઓ છે. અથર્વાંગિરસ શ્રુતિઓ જ મધુકર છે, ઇતિહાસ-પુરાણ જ પુષ્પ છે તથા (સોમાદિરૂપ) અમૃત જ જળ છે.’

ભગવદ્ગીતાના ૧૧મા અધ્યાયમાં ઈશ્વરની આ સમગ્ર સૃષ્ટિની વિલયકારી શક્તિનું સ્પષ્ટ ઇન્દ્રિયગ્રાહ્ય સ્વરૂપ (વિશ્વરૂપદર્શન) જોવા મળે છે. ઈશ્વરના વિશ્વરૂપમાં સમગ્ર સૃષ્ટિનાં બધાં અંગોપાંગ, સાથે ને સાથે બધા પ્રકારના જીવો, દેવો, દેવદૂતો સૌ કાર્યરત છે, પરંતુ એની સાથે મૃત્યુ અને લયલીલા પણ પૂર્ણ વેગે ચાલી રહી છે. ભગવદ્ગીતાના ૧૧.૩૨માં શ્લોકમાં આ વર્ણન આવે છે.

कालोऽस्मि लोकक्षयकृत्प्रवृद्धो

लोकान्समाहर्तुमिह प्रवृत्तः ।

ॠतेऽपि त्वां न भविष्यन्ति सर्वे

येऽवस्थिताः प्रत्यनीकेषु योधाः ।।32।।

ભાવાર્થ ः ‘હું જગતનો વિનાશ કરનાર કાળ છું. અહીં જગતના સંહાર માટે પ્રવૃત્ત છું. સામસામે ગોઠવાઈને ઊભેલા આ યોદ્ધાઓ તારા વિના પણ એમાંથી કોઈ જીવતા રહેવાના નથી.’

ભયકંપિત થઈને અર્જુન પૂછે છે : ‘આ ભયંકર રૌદ્રરૂપમાં આપ કોણ છો ?’ ભગવાન શ્રીકૃષ્ણે કહ્યું :

यथा नदीनां बहवोऽब्बुवेगाः

समुद्रमेवाभिमुखा द्रवन्ति ।

तथा तवामी नरलोकवीरा

विशन्ति वक्त्राण्यभिविज्वलन्ति ।।

यथा प्रदीप्तं ज्वलनं पतङ्गा

विशन्ति नाशाय समृद्धवेगाः ।

तथैव नाशाय विशन्ति लोका-

स्तवापि वक्त्राणि समृद्धवेगाः ।।

‘જેવી રીતે નદીઓના અનેક જળપ્રવાહો સાગર તરફ વેગથી વહે છે, તેવી રીતે માનવલોકના આ વીરો આપનાં મુખોમાં પ્રવેશે છે. જેવી રીતે પતંગિયાં વેગપૂર્વક જલતા અગ્નિમાં નાશ પામવા માટે જઈ ચડે છે, તેવી રીતે આ લોકો પણ પોતાના નાશ માટે ખૂબ વેગથી આપનાં મુખોમાં પ્રવેશ કરે છે.’ (ગીતા : ૧૧.૨૮-૨૯)

ઉપર્યુક્ત વર્ણનો ઈશ્વરના વિનાશકારી-લયકારી સ્વરૂપોનાં દૃષ્ટાંતો છે. આપણે મહાકાલીના સ્વરૂપને યાદ કરી શકીએ. ‘અભય’ અને ‘વર’ મુદ્રાવાળા એમના બે હસ્તની સાથે એમના બીજા બે હાથમાં મૃત્યુનાં પ્રતીક સમાં ખડગ અને ભયંકર માનવમુંડ પણ આપણે જોઈએ છીએ.

ભગવદ્ગીતામાં સૃષ્ટિના લયનું આ રીતે વર્ણન આવે છે :

भूतग्रामः स एवायं भूत्वा भूत्वा प्रलीयते ।

रात्र्यागमेऽवशः पार्थ प्रभवत्यहरागमे ।।8.19।।

ભાવાર્થ : (બ્રહ્માના દિવસના સમયે અસ્તિત્વમાં હતાં તે) ‘ભૂતોનો સમુદાય રાત્રિ થતાં અવશ થઈને લય પામે છે અને ફરી (બ્રહ્માનો) દિવસ થતાં ફરી આવે છે.’

હિન્દુ વિભાવના પ્રમાણે સમગ્ર બ્રહ્માંડ બ્રહ્માનો દેહ છે. એવું વૈશ્વિક વ્યક્તિત્વ કે રૂપ તેઓ છે. આ સમગ્ર બ્રહ્માંડના સર્જન અને લયના કાળચક્રીય પરિવર્તનનું અનુશાસન અને નિરીક્ષણ તેઓ કરતા રહે છે. દરેક માનવ (જીવ) પોતાનાં નિદ્રા અને જાગૃતિની પરિવર્તન પ્રક્રિયામાં ઉપસ્થિતિ અને અનુપસ્થિતિની ઘટનામાંથી પસાર થતો હોય છે.

આપણા સામાન્ય જીવનમાં લયયોગ

જો આપણે લયની આ વિભાવનાઓનું ચિંતન કરીએ તો લયયોગનાં પ્રાથમિક સોપાનોનું મંડાણ થાય. જે વાસ્તવમાં અસ્તિત્વમાન નથી તેવા જગત સાથે આપણે અત્યધિક આસક્ત છીએ. આપણા દેહ-મનને કેન્દ્રિત એવા આ જગતરૂપે ભજવાતા નાટકના ભાગરૂપે આપણે આપણા જીવનને ચાહીએ છીએ. આ નાટકના અંતના વિચારમાત્રથી આપણે કંપી ઊઠીએ છીએ. અલબત્ત, આ બુદ્ધિહીન છે, કારણ કે એક ને એક દિવસે આ નાટકનો પડદો તો પડવાનો જ છે. જીવનને માટે ઝંખતા હોવા છતાં મૃત્યુનું નિવારણ થઈ શકવાનું નથી.

જીવનના રહસ્યને ઉકેલવા અને પરમ સત્ત્વની અનુભૂતિ કરવા મથતા યોગીને આવી અબૌદ્ધિકતા છાજે નહીં. તેણે ચિંતન અને વ્યવહાર વચ્ચેની વિસંગતતાઓનું પરીક્ષણ કરવાનું હોય છે. આમ તે સર્જનનું પાસું જુએ છે પણ વિસર્જનનું પાસું ઉવેખતો નથી. શાસ્ત્રોમાંથી અને દૈનિક અનુભવોમાંથી તે શીખ્યો છે કે લય વિશ્વપ્રક્રિયાનો ક્રિયાત્મક ઘટક છે. સત્ય તો જીવન અને મૃત્યુના દ્વૈતથી પર છે. તેથી તે જગતના સદા પરિવર્તનશીલ અને સદા વિનાશશીલ સ્વરૂપ પર દૃષ્ટિ રાખતો રહે છે અને પરિવર્તિત થતી જતી અવિરત પરંપરાની પૃષ્ઠભૂમિવાળી અપરિવર્તનશીલ સત્તા પર પોતાની દૃષ્ટિ મંડાયેલી રાખે છે. આ ચિંતનનો અભ્યાસ વૈરાગ્ય પ્રેરિત મનની ગંભીરતા જન્માવે છે.

ॐ र्इशा वास्यमिदं सर्वं यत्कचिं जगत्यां जगत् ।

तेन त्यक्तेन भुञ्जीथा मा गृधः कस्यस्विद्धनम् ।।

ભાવાર્થ : ‘ઈશનું રાજ્ય છે આ આખું, જે જે અવનિ વિશે, ત્યાગીને ભોગવી જાણો, વાંછો મા ધન અન્યનું.’ (ઈશઉપનિષદ ૧.૧)

ભક્તિયોગમાં લય

ભક્ત તો પ્રભુને ચાહવા ઇચ્છે છે, એને મન તો પ્રભુ પ્રેમનું પૂર્ણ સ્વરૂપ છે. સર્વોત્કૃષ્ટ પ્રભુના પ્રેમમાં બધી માનવીય આકાંક્ષાઓ પરાકાષ્ઠાએ પહોંચે છે. ભક્તિને કેળવવા શાસ્ત્રોક્ત પૂજા-પ્રાર્થના-જપ જેવી ઘણી ભાવાત્મક સાધનાઓ એમાં જોડાય છે. પરંતુ આપણી આ સાધનાઓ વાસ્તવિક રૂપે પ્રભાવક બને, એ માટે ઇન્દ્રિય-જગત પ્રત્યેની ગહન આસક્તિનું મહાન વિઘ્ન આપણે દૂર કરવું રહ્યું.

જો આપણું મન ભૌતિક ઇન્દ્રિયજ્ન્ય આકર્ષણોથી ઊછળતું-કૂદતું રહેતું હોય, તો દિવ્યપ્રેમના ઉત્કર્ષ માટે અત્યંત આવશ્યક એવો સાત્ત્વિકભાવ આપણા મનમાં જાગી ન શકે. આમાં લયયોગ ઘણો મદદગાર નીવડી શકે. જે આપણું શાશ્વત નિવાસસ્થાન લાગતું જ નથી એવા વિશ્વ પ્રત્યે ભક્ત ભૌતિક પદાર્થાેની ક્ષણભંગુરતાનું સતત ચિંતન કરીને તેના તરફ સુદૃઢ આધ્યાત્મિક વલણ સ્થાપિત કરે છે. એક માત્ર ઈશ્વર જ સત્ય છે અને એ સિવાય બીજું બધું સરી જતા પડછાયા જ છે, આવી સંકલ્પના સ્થપાયા પછી મનમાં રાજસી અને તામસી તત્ત્વો ઘણા પ્રમાણમાં ઘટાડી શકાય છે અને પછી જ નિર્મળ ભક્તિની ઉન્નત ભૂમિ તૈયાર થાય છે. ભક્ત લયયોગથી સાધના કરતી વખતે પોતાના ચિંતન-મનનમાં ઈશ્વરની દિવ્યકૃપાને પણ મૃત્યુરૂપે-લયરૂપે ચિંતવે છે :

मृत्युः सर्वहरश्चाहमुद्भवश्च भविष्यताम् ।

कीर्तिः श्रीर्वाक् च नारीणां स्मृर्तिमेधा

धृतिः क्षमा ।।34।।

ભાવાર્થ : ‘સર્વસંહારક મૃત્યુ તેમજ ભવિષ્યમાં જન્મનારાઓનું ઉદ્ભવ સ્થાન હું છું. સ્ત્રીલિંગ નામોમાં કીર્તિ, લક્ષ્મી, વાણી, સ્મૃતિ, બુદ્ધિ, ધીરજ અને ક્ષમા હું છું.’ (ગીતા : ૧૦.૩૪)

પુરાણોમાં અસંખ્ય સ્તુતિ-સ્તોત્રોમાં આપણને જોવા મળે છે કે ઈશ્વરની માત્ર સર્જનહાર રૂપે જ નહીં, પરંતુ વિનાશકશક્તિ રૂપે પણ પ્રશંસા કે સ્તુતિ કરવામાં આવી છે. શ્રીમદ્ ભાગવતમાં ૧૧મા સ્કંધમાં દેવોએ ભગવાન કૃષ્ણનું આ શબ્દોમાં મહિમાગાન કર્યું છે :

अस्यासि हेतुरुदयस्थितिसंयमाना-

मव्यक्तजीवमहतामपि कालमाहुः ।

सोऽयं त्रिणाभिरखिलापचये प्रवृत्तः

कालो गभीररय उत्तमपूरुषस्त्वम् ।। 15।।

ભાવાર્થ : ‘હે પ્રભુ! તમે આ જગતની ઉત્પત્તિ, સ્થિતિ અને પ્રલયનું પરમ કારણ છો; કેમ કે શાસ્ત્રોએ એવું કહ્યું છે કે તમે પ્રકૃતિ, પુરુષ અને મહત્તત્ત્વનું પણ નિયંત્રણ કરનાર કાળ છો. શિયાળો, ઉનાળો અને વર્ષાઋતુ રૂપે ત્રણ નાભિવાળા સંવત્સર રૂપે બધાને નાશની તરફ લઈ જનાર કાળ તમે જ છો. તમારી ગતિ અબાધ અને ગંભીર છે. તમે સ્વયં પુરુષોત્તમ છો.’

ભક્તોએ પોતાના અહમ્ને ક્રમશ: દૂર કરવાનો અભ્યાસ કરવો પડે છે. ભક્તની જીવનધારણામાં ઈશ્વર જ સર્વ-કર્તા છે, એવી સંકલ્પના હોવી જોઈએ. વ્યવહારુ માયિક જીવનમાં ‘સ્વ’ના અહમ્ને વજન દેવું કદાચ મહત્ત્વનું બની રહેશે, પણ ભક્તિના પથ આડે તો રાક્ષસી શિલા સમું વિઘ્ન બની રહે છે. અહમ્ તો હરપળે ‘હું’ અને ‘મારું’ બરાડતો રહે છે. એટલે જ ભક્ત દ્વારા તે બરાડા-બડબડાટને એવી શક્તિમાં ઢાળી ન દેવાય, એને નીરવ ન બનાવી દેવાય, રૂપાંતરિત ન કરી શકાય ત્યાં સુધી એને ઢીબવાનો છે. આ નીરવ-શાંત શક્તિ એ જ ઈશ્વર. જેમ જેમ ભક્ત અહમ્ને વધારે ને વધારે માત્રામાં ઓગાળી શકે છે, તેમ તેમ તે વધુ ને વધુ પ્રમાણમાં પ્રભુની ઉપસ્થિતિ માટે પોતાના દેહ-મનમાં જાગૃત અને ઉચ્ચ આદર્શવાળો બની શકે છે.

એવી જ રીતે ભક્તે પોતાની અત્યંત પ્રબળ ઇચ્છાઓનો અને ઇન્દ્રિયજન્ય અનુભવોનો લય-વિલય કરવાનો અભ્યાસ કરવો પડે છે.

मनोमयः प्राणशरीरो भारूपः सत्यसंकल्प

आकाशात्मा सर्वकर्मा सर्वकामः सर्वगन्धः सर्वरसः

सर्वमिदमभ्यत्तोऽवाक्यनादरः ।।3.14.2।।

છાંદોગ્ય ઉપનિષદમાં શાંડિલ્ય વિદ્યા અધિકૃતપણે જણાવે છે કે ‘સર્વકર્મા’ બધાં કર્મોના કર્તા; ‘સર્વકામા’ બધી ઇચ્છાઓના અંતિમ સ્રોત; ‘સર્વગંધા’ રુચિકર મનપસંદ સુગંધના ધાતા; ‘સર્વરસ’ બધા મધુર રસને ધારણ કરનારા ‘બ્રહ્મ’નું ધ્યાન ધરવું જોઈએ.

ઈશ્વર જ સર્વકંઈ છે. એટલે ધ્યાનીએ પોતાનાં ઇન્દ્રિયજન્ય સંવેદનો અને લાગણીઓ જે સર્વકંઈ છે, તે બધાં ઈશ્વરમાં ઓગાળી દેવાં જોઈએ. આ અભ્યાસ તેના મનનાં વિચલનોને ઓછામાં ઓછાં કરી દેશે; તેના મનને પોતાના પરમ પ્રેમાસ્પદ ઈશ્વર પર સ્થિર-ધીર કરશે.

કર્મયોગમાં લય

કર્મ સામાન્ય રીતે વિચલિત કરનારું અને દુન્યવી બંધનોમાં દોરી જતું હોય છે; એનું કારણ એ છે કે આપણને પોતાનાં કર્મનાં ફળોની આસક્તિ છે. આધ્યાત્મિકતાની આરત અનુભવતા સાધકે કર્મને ન છોડી દેવાં, પરંતુ એને યોગિક રીતે કરતાં શીખવું જોઈએ. ભગવદ્ગીતા કર્મયોગનો મુખ્ય સિદ્ધાંત સૂચવે છે :

कर्मण्येवाधिकारस्ते मा फलेषु कदाचन ।

मा कर्मफलहेतुर्भूर्मा ते सङ्गोऽस्त्वकर्मणि ।।

ભાવાર્થ : ‘તારો અધિકાર કર્મનો છે, કર્મના ફળ માટેનો કદી નહીં; કર્મના ફળથી પ્રેરાતો નહીં અને અકર્મ પ્રત્યે આકર્ષાતો નહીં.’ (ગીતા : ૨.૪૭)

એટલે જ કર્મયોગીએ પોતાનાં કર્મોનાં ફળની આસક્તિને સદૈવ ત્યજતા રહેવું જોઈએ. કર્મયોગી માટે કર્મ એક યજ્ઞ છે – પાવનકારી આહુતિ છે. આ ‘યજ્ઞ’ માટેની આહુતિઓ તો છે પોતાની આસક્તિઓ અને કર્મ પ્રત્યેનો ‘સ્વ’ભાવ.

સ્વાર્થભરી આસક્તિ દ્વારા પ્રેરિત કર્મ સત્યના દીપકને હોલવી નાખે છે. જ્યારે આ આસક્તિ અથાક કર્મો દ્વારા લય પામે છે, ત્યારે કર્મ આધ્યાત્મિક શાંતિનો પથ કોરી કાઢે છે. બધાં કર્મો વાસ્તવિક રીતે ઈશ્વરમાંથી નિષ્પન્ન થાય છે, આમ ગીતાનો ૧૮.૪૬ શ્લોક કહે છે :

यतः प्रवृत्र्तिभूतानां येन सर्वमिदं ततम् ।

स्वकर्मणा तमभ्यर्च्य सिद्धिं विन्दति मानवः ।।

ભાવાર્થ : ‘જેનાથી પ્રાણીઓ જન્મીને કર્મોમાં પ્રવૃત્ત રહે છે, જેનાથી આ સમસ્ત જગત વ્યાપ્ત થયેલું છે, તે (પરમાત્મા)ને પોતાનાં કર્મો વડે પૂજીને મનુષ્ય સિદ્ધિ પામે છે.’

 

અને એટલે જ ઈશ્વરના આરાધકે પોતાનાં બધાં કર્મો ઈશ્વરને અર્પણ કરી દેવાં જોઈએ. અંતે કર્મયોગ તો એવા તબક્કે આવી પહોંચે છે કે જ્યારે કર્મયોગ પોતે પોતાનાં બધાં વિઘ્નો અને બંધનકર્તા પાસાં સાથે સંપૂર્ણપણે લય પામે છે.

ગીતાના શ્લોક ૪.૨૩,૨૭માં આવું વર્ણન છે :

गतसङ्गस्य मुक्तस्य ज्ञानावस्थितचेतसः ।

यज्ञायाचरतः कर्म समग्रं प्रविलीयते ।।

ભાવાર્થ : ‘આસક્તિ રહિત, મુક્ત, જ્ઞાનનિષ્ઠ ચિત્તવાળા અને યજ્ઞાર્થે કર્મો કરનાર મનુષ્યોનાં કર્મો ફળ સહિત નાશ પામે છે.’

सर्वाणीन्द्रियकर्माणि प्राणकर्माणि चापरे ।

आत्मसंयमयोगाग्नौ जुह्वति ज्ञानदीपिते ।।

ભાવાર્થ : ‘કેટલાક ઇન્દ્રિયોની બધી ક્રિયાઓને, તો કેટલાક પ્રાણોની ક્રિયાઓને જ્ઞાન દ્વારા પ્રકાશિત કરીને આત્મસંયોગરૂપ અગ્નિમાં હવન કર્યા કરે છે.’

Total Views: 330

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.