૨૬મી જાન્યુઆરી, ૨૦૦૧, શુક્રવાર.

આ સમયે અમે આદિપુરમાં ‘નિર્માણ’ એપાર્ટમેન્ટમાં બીજે માળે રહેતાં હતાં. એ દિવસે ૨૬મી જાન્યુઆરીની રજા હોવાને લીધે રાજુ ઘરે હતા. મોટી દીકરી નેહા પણ ઘરે હતી. નાની દીકરી અદિતિ શાળાએ ગઈ હતી. સવારે ૮.૪૫ વાગ્યે અચાનક ઘર ધણધણવા લાગ્યું. અમે ઘરવાજો ખોલીને બહાર ભાગ્યાં. રાજુ દરવાજાની નજીક હતા એટલે એ જલદી બહાર નીકળી ગયા. હું અને નેહા થોડાં અંદર હતાં એટલે પાછળ રહી ગયાં. અમે બીજા માળેથી પહેલા માળ સુધી બરાબર આવી ગયાં. જેવાં પહેલા માળની સીડી ઊતરવા લાગ્યાં કે ત્યાં જ બાજુમાં બંધાઈ રહેલી બહુમાળી બિલ્ડીંગ અમારી બિલ્ડીંગ પર પડી જેથી અમારી બિલ્ડીંગ અંદર ધસી ગઈ અને અમે ત્યાં જ સીડીના પેસેજમાં ફસડાઈ પડ્યાં. જેવાં ફસડાયાં કે ત્યાં જ મેં જોયું કે નેહાની તરફ એક સિમેન્ટનો બ્લોક આવી રહ્યો છે. એ જોઈને ખબર નહીં, ક્યાંથી શક્તિ આવી કે મેં એ બ્લોકને જોરથી ધક્કો માર્યો અને એ નીચે પડી ગયો. ત્યારે નેહાએ પૂછ્યું કે આ શું ધરતીકંપ છે? મેં કહ્યું કે અત્યારે કંઈ જ નથી વિચારવું. તને ગુરુમંત્ર યાદ છે? (એની મંત્રદીક્ષા શ્રીમદ્ સ્વામી ગહનાનંદજી મહારાજ પાસેથી બે મહિના પહેલાં જ થઈ હતી.) એણે કહ્યું કે યાદ છે. તેથી અમે જપ કરવા લાગ્યાં, પ્રાર્થના કરવા લાગ્યાં અને વચ્ચે વચ્ચે મદદ માટેની બૂમો પણ પાડવા લાગ્યાં. થોડા સમય પછી થાકી ગયાં અને બેહોશ થઈ ગયાં.

લગભગ પાંચ કલાક સુધી બેહોશ રહ્યા પછી જ્યારે હોશ આવ્યો ત્યારે મને મારા પગ પાસે એક નાનું બાકોરું દેખાયું. મારા ઉપરનો કાટમાળ ઘણો નજીક આવી ગયેલો અને હું જાણે આપણે ખુરશી પર બેસીને ટેબલ પર માથું રાખીને બેઠા હોઈએ એ સ્થિતિમાં ગોઠવાયેલી હતી. નેહા બરાબર હતી કારણ કે એ મારાથી નીચેના પગથિયે હતી.

હું ફક્ત માથું ફેરવી શકતી હતી. બીજું હલનચલન શક્ય ન હતું કારણ કે ઉપર કાટમાળ હોવાને લીધે માથું ઊંચું થાય તેમ ન હતું અને મારો ડાબો પગ બે બ્લોકની વચ્ચે ફસાયેલો હતો. એ જ પગ પાસે બાકોરું દેખાયું. એ જોઈને હિંમત આવી અને મદદ માટેની બૂમો પાડવાની શરૂઆત કરી. તરત જ સામેથી અવાજ આવ્યો કે જે મારા જેઠનો હતો. હું મદદ માટેની બૂમોમાં સતત અમારું નામ બોલી રહી હતી, જેથી તેઓ ઓળખી ગયા અને પૂછ્યું કે રાજુ ક્યાં છે? મેં કહ્યું કે મને ખબર નથી. નેહા મારી સાથે છે. એમણે કહ્યું કે ચિંતા ન કરતાં. આર્મી આવી ગઈ છે. અમે હમણાં તમને બહાર કાઢી લઈશું. આ સાંભળીને અમને ખૂબ નિરાંત થઈ. પછી મેં પાણી માગ્યું. તરત જ પાણીની બોટલ બાકોરામાંથી તેમણે આપી. અમે ફરીથી જપ અને પ્રાર્થના કરવા લાગ્યાં.

એ બાકોરામાંથી જ આર્મીના જવાનો રસ્તો બનાવી રહ્યા હતા. અમે કઈ સ્થિતિમાં છીએ તેવું તેમણે પૂછ્યું. એટલે મેં તેમને કહ્યું કે જ્યાં બાકોરું છે ત્યાં જ મારો પગ ફસાયેલો છે અને હું અત્યારે આવી સ્થિતિમાં છે. તેથી તેઓ ઘણી સાવચેતીથી રસ્તો કરવા લાગ્યા અને મને પૂછતા રહ્યા કે મને કયાંય વાગતું તો નથી ને? અને કદાચ વાગે તોપણ ડરવાનું નથી એમ મને હિંમત આપતા રહ્યા.

ઘણી મહેનત પછી એ બ્લોક તૂટ્યો અને મારો પગ ફ્રી થઈ ગયો. મારાથી ઊભું થવાય એમ ન હતું એવું એ લોકોને પણ દેખાયું. અમને કઈ રીતે બહાર કાઢવાં એની ચર્ચા કરતા મેં તેમને સાંભળ્યા. ત્યાં જ એક જવાનને મેં આ કાટમાળ પર સૂઈ જતો જોયો. એણે કહ્યું કે મારા ઉપર થઈને તમે લોકો બહાર નીકળી જાઓ. હું કંઈ વિચારું એની પહેલાં જ એ લોકોએ મને પગથી જ ખેંચી લીધી. થોડી જ વારમાં હું સ્ટ્રેચર પર હતી. મને એક પણ ઉઝરડો ન પડ્યો. દેવદૂત જેવા પેલા જવાનને કેટલું વાગ્યું હશે એ કલ્પના પણ કરી શકતી નથી. મને તરત જ હૉસ્પિટલમાં લઈ ગયા. થોડી જ વારમાં નેહા પણ ત્યાં આવી ગઈ. મારો પગ જ્યાં ફસાયેલો હતો ત્યાં જ એક ઝખમ થયો હતો. એના સિવાય અમને બન્નેને ખાસ કંઈ વાગ્યું ન હતું.

આ સાથે એક હકીકત એ પણ છે કે ઘર પણ ગયું, અને બધું ગયું પણ ઘરના મંદિરમાં જે શ્રીઠાકુર, શ્રીમા, સ્વામીજી અને ગુરુદેવના ફોટા હતા તે બરાબર મળ્યા.

Total Views: 603

One Comment

  1. રસેન્દ્ર અધ્વર્યુ February 26, 2023 at 7:51 am - Reply

    અદ્વિતીય. આવા પ્રસંગો ઈશ્વરમાં શ્રદ્ધા વધારે, આપણે ઈશ્વરની વધુ નજીક અનુભવીએ તો એમાં શું આષ્ચર્ય?

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.