પ્રસ્તાવના

અન્ય શાસ્ત્રની જેમ વેદો ચિરંતન પ્રેરણાસ્રોત છે. તે આપણને ઉચ્ચતર જીવન જીવવા પ્રેરિત કરે છે. જો આપણે અનુમાન કરી લઈએ કે વેદો મહત્તર અને ગુણવત્તા સભર જીવન પ્રત્યેની ઉત્કંઠાને જગાડતા નથી છતાંય એ હકીકત છે કે મનુષ્યની પ્રકૃતિના ગહન સ્તરેથી ઉદ્‌ભવેલ એ વાણી તેને એવા માર્ગ અને માળખાથી સુસજ્જ બનાવે છે કે જેમાં માનવમાત્રના કલ્યાણ અર્થે આદર્શવાદ ક્રિયાત્મક બની શકે. તેથી વેદોના ઉપદેશ આધારિત શિક્ષણનાં વિવિધ પાસાંનું અત્રે અર્થઘટન કરવાનો પ્રયત્ન આદરવામાં આવ્યો છે.

વેદોનું શૈક્ષણિક તત્ત્વદર્શન

શિક્ષકમાં પ્રત્યેક વિદ્યાર્થીની અંતર્નિહિત શક્તિઓ પ્રતિ શ્રદ્ધા હોવી જોઈએ, કારણ કે પ્રત્યેક પ્રાણીના હૃદયમાં આત્મા નિવસી રહેલ છે.

आत्मास्य जन्तोर्निहितो गुहायाम् ।
(કઠોપનિષદ ૧.૨.૨૦)

‘આ જીવાત્માની હૃદયરૂપ ગુફામાં પરમાત્મા રહેલા છે.’

તેની સાથે સાથે વિભિન્ન પશ્ચાદ્‌ ભૂમિકાને કારણે વિદ્યાર્થીની શિક્ષણને આત્મસાત્‌ કરવાની ક્ષમતામાંના ભેદને જાણવા માટે શિક્ષક સક્ષમ હોવો જોઈએ. કેમ કે તે યથાર્થપણે નિર્દિષ્ટ કરવામાં આવ્યું છેઃ

अक्षण्वन्तः कर्णवन्तः सखायो मनोजवेष्वसमा बभूवुः।
(ઋગ્વેદ ૧૦.૭૧.૭)

‘બધા મનુષ્યોને એક જેવાં જ આંખ અને કાન હોય છે છતાં તેઓની બુદ્ધિશક્તિ અસમાન હોય છે.’

તદનુસાર વિદ્યાર્થીની વિભિન્ન આવશ્યકતાઓને પહોંચી વળવા માટે શિક્ષક પ્રેરકબળ તરીકે ભાગ ભજવવા સક્ષમ હોવો જોઈએ. આ ત્યારે જ શક્ય છે, જો શિક્ષકમાં જ્ઞાન પ્રતિ પ્રેમ હોય. શિક્ષકે નવાં નવાં પુસ્તકોનું અધ્યયન કરતા રહેવુું જોઈએ, શિક્ષણના વિવિધ પક્ષોનું જ્ઞાન સંપાદિત કરતા રહેવું જોઈએ, નવીન વૈચારિક મૂલ્યોથી સુસંપન્ન બનતા રહેવું જોઈએ. આ જ્ઞાન-સંપાદનની ક્ષમતા અને બીજાઓમાં જ્ઞાન વિતરિત કરવાની ક્ષમતાને શિક્ષકે જોડી દેવી જોઈએ. વેદોના શબ્દોમાંઃ

स्वाध्यायप्रवचनाभ्यां न प्रमदितव्यम्।
(તૈત્તિરીય ઉપનિષદ ૧.૧૧.૧)

‘વેદોના અધ્યયન અને અધ્યાપનમાં ક્યારેય પ્રમાદ ન કરવો.’

આદર્શ શિક્ષક મિત્ર, ફિલસૂફ અને માર્ગદર્શક હોવો જોઈએ. તેનો બૌદ્ધિક અહમ્‌ વિદ્યાર્થીઓનાં મંતવ્યોના અસ્વીકાર કે અનાદર પ્રતિ તેને દોરી જતો ન હોવો જોઈએ. વસ્તુતઃ વિદ્યાર્થીઓ પ્રત્યેનો પ્રેમાળ અભિગમ શિક્ષકને વર્ગખંડમાં પારસ્પરિક સહયોગ સંબંધે પ્રોત્સાહિત કરે છે. શિક્ષક વિદ્યાર્થીને પ્રશ્ન પૂછે છે અને વિદ્યાર્થીઓને પોતાના અભિપ્રાયો પ્રસ્તુત કરવા પ્રોત્સાહિત કરે છે. પ્રશ્નો મહત્ત્વપૂર્ણ ઉદ્દેશની ગરજ સારે છે. આમ પ્રશ્નો વિદ્યાર્થીઓને વિચાર કરવા માટે કાર્યાન્વિત કરે છે અને વિદ્યાર્થીઓનાં મનને સક્રિયપણે ક્રિયાશીલ બનવાના અસરકારક માર્ગ તરીકે પુરવાર થાય છે. સામા પક્ષે, વિદ્યાર્થીઓનાં દૃષ્ટિબિંદુ શિક્ષકમાં નવા વિચારપ્રવાહને ઉદ્દીપ્ત કરે છે અને તેને નૂતન અંતર્દૃષ્ટિ પૂરી પાડે છે. અધ્યયન કરાવવું એટલે અધ્યયન કરવું. તેથી અધ્યયન-અધ્યાપનનો આદર્શ એકમાર્ગીય પ્રક્રિયા નથી. શિક્ષક અને વિદ્યાર્થી બન્નેની બુદ્ધિને પરિમાર્જિત કરનાર અસરકારક સાધન હોવાથી અધ્યયન અને અધ્યાપનને ફળપ્રદ બનાવવાં એ નિમ્નલિખિત વૈદિક શાંતિમંત્રનો ઉદ્દેશ છે, જેથી કરીને બન્નેય પોતાની માનસિક અને આધ્યાત્મિક શક્તિઓના સર્વોત્કૃષ્ટ અને બૃહત્તર ક્ષિતિજોના આવિષ્કાર ક્ષેત્રે સંયુક્ત સાહસમાં સફળ થઈ શકે.

ॐ सहनाववतु। सह नौ भुनक्तु।
सह वीर्यं करवावहै।
तेजस्वि नावधीतमस्तु मा विद्विषावहै।
ॐ शान्तिः शान्तिः शान्तिः।।
(તૈત્તિરીય ઉપનિષદ ૮.૧.૧)

‘અમને બન્નેને (ગુરુ-શિષ્યને) જ્ઞાનભંડાર ખોલી આપીને રક્ષો, અમને બન્નેને જ્ઞાનનાં ફળનું આદાનપ્રદાન કરાવીને સમૃદ્ધ બનાવો, અમે બન્ને સાથે મળીને ઊર્જાપ્રાપ્તિ કરીએ. અમે જે કંઈ પણ અધ્યાપન કરીએ તે અમારી શક્તિનો સ્રોત બની રહો. અમે બન્ને પરસ્પર ઈર્ષ્યા ન કરીએ.’

આદર્શ શૈક્ષણિક પ્રક્રિયામાં શિક્ષક પિતાતુલ્ય હોવો જોઈએ, એક Role Model-આદર્શ વ્યક્તિરૂપ. વૈદિકકાળમાં શિક્ષક ઘણું કરીને ગુરુ જ હોતા, એક સામાન્ય વ્યક્તિ નહીં પણ ઋષિ-મંત્રદ્રષ્ટા. તેમનામાં જ્ઞાનોદય બાહ્ય અનુભવો કરતાંય આંતરિક દર્શનથી થયેલ હોતો, જો કે બીજા પ્રકારનું જ્ઞાન પ્રથમ પ્રકારના જ્ઞાનથી કોઈ પણ પ્રકારે ઊતરતી કક્ષાનું નથી. શિષ્યે એવા મહાપુરુષોના સંગમાં રહેવાનું હોતું કે જેમણે જીવનને ઉદાત્ત બનાવ્યું હોય અને મૃત્યુ પર વિજય મેળવ્યો હોય કારણ કે જીવન જીવનને પ્રકાશિત કરે છે. વૈદિક આદેશ છેઃ

आयुषायु: कृतां जीवायुष्मान्‌ जीव मा मृथा:।
प्राणेनात्मन्वतां जीव मा मृत्योरुदगा वशम्‌।।
(અથર્વવેદ ૧૯.૨૭.૮)

‘આયુષ્ય વધારનારા પૂર્વજ ઋષિઓએ આપેલા આયુષ્યથી આપ જીવતા રહો. આપ લાંબા સમય સુધી જીવિત રહો. મૃત્યુ ન પામો. પ્રાણવાન આત્મજ્ઞાનીની જેમ આપ જીવિત રહો. મૃત્યુને વશ ન થાઓ.’

જ્ઞાનપ્રાપ્તિના માર્ગમાં મંદોત્સાહ અને આત્મસંતોષ મોટામાં મોટા બે અવરોધ છે. શીખવાનો કોઈ અંત નથી. શ્રીરામકૃષ્ણ કહ્યા કરતા કે જ્યાં સુધી હું જીવીશ ત્યાં સુધી શીખીશ. જે નવાં નવાં જ્ઞાનની ક્ષિતિજો શોધે છે તે પોતાને પદગૌરવ અપાવે છે. મનુષ્યનું કર્તવ્ય છે કે તે જ્ઞાનની શોધમાં અગ્રસર થતો રહે.

आरोहणमाक्रमणं जीवतोजीवतोऽयनम्‌।
(અથર્વવેદ ૫.૩૦.૭)

અર્થાત્‌ ઊર્ધ્વ ગતિ કરવી અને આગળ વધવું તે પ્રગતિનો પથ છે.

भूत्यै जागरणमभूत्यै स्वपनम्‌।
(યજુર્વેદ ૩૦.૧૭)

અર્થાત્‌ જાગૃતિ જીવન છે, પ્રમાદ મૃત્યુ છે.

વર્તમાન સ્થિતિથી સંતુષ્ટ ન થઈને વ્યક્તિએ ઉચ્ચ અને ઉચ્ચતર પ્રગતિ સાધવા પ્રયત્નશીલ રહેવું જોઈએ. તેથી વેદો આપણને પ્રેરણા પૂરી પાડે છેઃ

उत्‌ क्रामात: पुरुष माव पत्था:।
(અથર્વવેદ ૮.૧.૪)

અર્થાત્‌ ઓ માનવ, તારી વર્તમાન પરિસ્થિતિમાંથી ઊભો થા, પડતો નહીં.

પુનઃ સાતત્યપૂર્ણ જ્ઞાન સંપાદન અને નિયમિત અધ્યયનની પ્રક્રિયા પણ અતિ મહત્ત્વપૂર્ણ છે. જો કે વ્યક્તિએ પુસ્તકોની પસંદગીના વિષયમાં સાવધ રહેવું જોઈએ. માત્ર તે જ પુસ્તકો અધ્યયન માટે સારાં ગણાય છે; જે ઇન્દ્રિયો અને મનને વિશુદ્ધ કરે, બૌદ્ધિક અને આધ્યાત્મિક સામર્થ્યમાં વૃદ્ધિ કરે અને ઉમદા કાર્યો કરવા માટે વ્યક્તિને પ્રેરિત કરે છે. તેથી વેદો આદેશ કરે છેઃ

यः पावमानीरध्येत्यृषिभिः सम्भृतं रसम् ।
सर्वं स पूतमश्नाति स्वदितं मातरिश्वना ॥
(ઋગ્વેદ ૯.૬૭.૭૧)

અર્થાત્‌ જે વ્યક્તિ સર્વ જીવોને પવિત્ર કરનારાં દિવ્યજ્ઞાનનાં પુસ્તકો તેમજ આત્મજ્ઞાની ઋષિ-મુનિઓ દ્વારા સંરક્ષિત ગ્રંથોનું અધ્યયન કરે છે તેને સ્વર્ગીય આનંદ, પવિત્રતા અને વિશુદ્ધિ પ્રાપ્ત થાય છે.

નીતિશાસ્ત્રનું વૈદિક ધારાધોરણ છે ચારિત્ર્ય ઘડતર અને ચારિત્ર્ય ઘડતર એ શિક્ષણનો મુખ્ય ધ્યેય છે. અહીં પાછું આદર્શ શિક્ષકનું ઉત્તરદાયિત્વ રહેલું છે. વેદો અનુસાર શ્રેષ્ઠ શિક્ષકો એટલે માત્ર અધ્યાપન કરાવનાર જ નહીં પરંતુ વિદ્યાર્થીઓને ઉમદા સદ્‌ગુણોથી સુસંપન્ન નાગરિકો બનાવનાર પણ.

વૈદિકકાળના શિષ્યોને તેમના વડીલો જેવાં કે પિતા, માતા, ગુરુ-શિક્ષક અને અતિથિઓનો આદર-સત્કાર કરવાનું શીખવવામાં આવતું. વડીલોને આદર આપવો એનો અર્થ એ નહીં કે તેમનું અનુકરણ કરવું અથવા તેમનું અંધ-અનુસરણ કરવું. વૈદિકકાળમાં તેઓ પોતાના વડીલોની નિર્ભેળ ઉમદા લાક્ષણિકતાઓના સંપાદનમાં વિવેકયુક્ત બનતા.

Total Views: 767

2 Comments

  1. Er. Bhupendra Sonigra August 31, 2023 at 12:09 pm - Reply

    ખુબજ સરળ શબ્દોમાં બહુજ અગત્ય ની સમજ બદલ ધન્યવાદ.

  2. મિતેષ વિમલભાઈ શાહ September 7, 2022 at 12:40 am - Reply

    ખૂબજ સરસ વિચાર પ્રયત્ન કર્યો છે શાસ્ત્રોકત્ સમજ પ્રમાણે સાચા ગુરુ ના નિર્માણ તરફ સફળતા અપાવે તેવી પ્રાર્થના 🙏

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.