વેદોનું શૈક્ષણિક સમાજવિજ્ઞાન

સ્વતંત્ર રાષ્ટ્રના નાગરિક હોવાને નાતે વિદ્યાર્થીઓને એ બાબતથી સુમાહિતગાર થવું જોઈએ કે આપણે આપણા રાષ્ટ્રીય આદર્શો, વિભાવનાઓ અને આવશ્યકતાઓ અનુસાર રાષ્ટ્રની સમસ્યાઓનો ઉકેલ લાવવાનો છે અને રાષ્ટ્રનાં ગૌરવ-ગરિમાનું પુનઃ ઘડતર કરવાનું છે. આમ વિદેશી બેડીઓમાંથી મુક્તિ એ સાચું સ્વાતંત્ર્ય નથી. શિક્ષણપ્રથાએ વિદ્યાર્થીઓને શક્તિસભર બનાવવા જોઈએ કે જેથી તેઓ દૃઢતાપૂર્વક માનવા પ્રેરાય કે ભારતીય પ્રશ્નો વિદેશી (આયાતી) સૈદ્ધાંતિક વિચારધારાથી હલ થતા નથી કારણ કે ભારતને પોતાનો સમૃદ્ધ અને ઉચ્ચસ્તરે ઉત્ક્રાંત આધ્યાત્મિક અને સાંસ્કૃતિક વારસો છે. વેદો આપણી પાસે સ્વ-શાસનની ચેષ્ટાનો આગ્રહ રાખે છેઃ

यतेमहि स्वराज्ये।
(ઋગ્વેદ ૫.૬૬.૬)

અર્થાત્‌ આપણે સ્વ-શાસન અર્થે ચેષ્ટા કરીએ.

વિદ્યાર્થીએ રાષ્ટ્રીય નિષ્ઠા અને ઉત્તરદાયિત્વનો વિકાસ કરવાની આવશ્યકતા છે. આ રાષ્ટ્રનિષ્ઠાની ભાવના માતૃભૂમિ પ્રત્યેના વૈદિક અભિગમ દ્વારા વિકસિત થઈ શકેઃ

माता भूमि: पुत्रो अहं पृथिव्या:।

(અથર્વવેદ ૧૨.૧.૧૨)

અર્થાત્‌ પૃથ્વી મારી માતા છે, હું તેના ભૂમિકણનો પુત્ર છું.

વેદો આપણને યાદ દેવડાવે છે કે આપણો રાષ્ટ્ર પ્રત્યેના ઉત્તરદાયિત્વનો અભિગમ આપણામાં રાષ્ટ્રસેવા કરવા માટેનો આગ્રહ પેદા કરે તેવો હોવો જોઈએ. અને તે રાષ્ટ્રીય સુરક્ષા અને રાષ્ટ્ર-કલ્યાણ અર્થે બલિદાન આપવા તૈયાર કરે તેવો હોવો જોઈએ.

उप सर्प मातरं भूमिम्‌।

(ઋગ્વેદ ૧૦.૧૮.૧૦)

અર્થાત્‌ તારી માતૃભૂમિની સેવા કર.

वयं तुभ्यं बलिहृत: स्याम।

(અથર્વવેદ ૧૨.૧.૬૨)

અર્થાત્‌ (ઓ માતૃભૂમિ!) અમે સૌ તારા માટે બલિદાન આપીએ.

વિદ્યાર્થીઓને વિવિધતામાં એકતાનું ભાન થાય તેવું શિક્ષણ આપવું જોઈએ કારણ કે આપણી માતૃભૂમિની વિશિષ્ટ લાક્ષણિકતા છે જેણે તેને સૈકાઓના સૈકા સુધી સામાજિક, સાંસ્કૃતિક અને આધ્યાત્મિક પાસાંના સંદર્ભમાં સુગઠિતપણે ટકી રહેવા સક્ષમ બનાવી છે અને અંતમાં તે વિવિધ પરંપરાઓની સંગીતરચનામાં રૂપાંતરિત થઈ છે.

વેદો સુધ્ધાં આપણી માતૃભૂમિના આ ઉદાત્ત પાસાને પ્રતિધ્વનિત કરે છેઃ

असंबाधं मध्यतो मानवानां
यस्या उद्वतः प्रवतः समं बहु ।
नानावीर्या ओषधीर् या बिभर्ति
पृथिवी नः प्रथतां राध्यतां नः ॥

(અથર્વવેદ ૧૨.૧.૨)

અર્થાત્‌ ઘણા પર્વતો, ઢોળાવો અને મેદાનોવાળી તેમજ પોતાના વક્ષસ્થળ પર રોગ મટાડનારી વનસ્પતિઓને ધારણ કરતી પૃથ્વી વિભિન્ન સ્વભાવ ધરાવતા અને વેરવિખેર વસેલા મનુષ્યોને એકીસાથે બાંધી રાખો.

વિવિધતામાં એકતાની વિભાવના ઓળખી લઈને વેદો સૌને શાંતિમય સહજીવનની સલાહ આપે છેઃ

जीवा स्थ जीव्यासम्‌।

(અથર્વવેદ ૧૯.૬૯.૧)

અર્થાત્‌ તમે જીવો અને મને પણ જીવવા દો.

વિદ્યાર્થીઓને એ બાબતથી અવગત કરવા જોઈએ કે સામાજિક જવાબદારી અને તેમાંથી નીપજતી ફરજો પર ભાર દેવાની દરકાર કર્યા વિના માત્ર વૈયક્તિક સ્વાતંત્ર્ય અને તેમાંથી નીપજતા હકો પરનું લોકોનું અતિશય દબાણ ચારિત્ર્ય-પ્રગતિના માર્ગમાં પાયાનું વિઘ્ન છે. જો વિદ્યાર્થીઓને રાષ્ટ્ર પ્રત્યેની પોતાની જવાબદારીનું ભાન થશે તો તેઓ વિશેષ કાર્યક્ષમતા અને મહત્તર સમર્પણ ભાવથી કાર્ય કરશે, પરિણામરૂપે રાષ્ટ્રનો વિકાસ વૃદ્ધિગત થશે. હકો અને ફરજો સાથે સાથે ચાલવાં જોઈએ જેમ કે વૈદિક મરુતમાં ઢાલ અને તલવાર છેઃ

हस्तेषु खादिश्च कृतिश्च सं दधे।

(ઋગ્વેદ ૧.૧૬૮.૩)

અર્થાત્‌ તેઓએ (મરુતોએ) પોતાના હાથમાં ઢાલ અને તલવાર ધારણ કર્યાં.

સાચું શિક્ષણ માનવતાવાદી અને સેવાભાવનાના ઉદ્દેશોવાળું હોવું જોઈએ. સ્વ-કેન્દ્રી વ્યક્તિને વેદો વખોડી કાઢે છે કે જેના સુખભોગના સાધનો તેના સ્વાર્થ પૂરતાં જ સીમિત છેઃ

मोघमन्नं विन्दते अप्रचेता:
सत्यं ब्रवीमि वध इत् स तस्य
नार्यमणं पुष्यति नो सखायं
केवलाघो भवति केवलादी।।

(ઋગ્વેદ ૧૦.૧૧૭.૬)

અર્થાત્‌ કંજૂસનું ધન કાંકરા બરાબર છે. હું સાચું કહું છું- તે વ્યક્તિથી ન તો દેવો કે ન તો મિત્રો રાજી થાય છે. જે પોતા માટે અન્ન રાંધે છે તે માત્ર પાપ જ ખાય છે.

વળતા જવાબ રૂપે વેદો દાનવીર બનવા પ્રોત્સાહિત કરે છે. ઉપાર્જનનો મુખ્ય હેતુ દાનના હેતુથી ધનને વાપરવાનો છેઃ

शतहस्त समाहर सहस्रहस्त सं किर।

(અથર્વવેદ ૩.૨૪.૫)

અર્થાત્‌ ૧૦૦ હાથથી ઉપાર્જન કરો અને ૧૦૦૦ હાથથી વિતરણ કરો.

करो यत्र वरिवो बाधिताय।

(ઋગ્વેદ ૬.૧૮.૧૪)

અર્થાત્‌ પતિતોને સહાય કરે છે તે હાથ ધન્ય છે.

વૈયક્તિકતાનું વિશુદ્ધ સામાજિક સહભાગીતામાં અતિક્રમણ કરવા માટે શિક્ષણે વ્યક્તિને સક્ષમ બનાવવી જોઈએ.

मा भ्राता भ्रातरं द्विक्षत्‌।

(અથર્વવેદ ૩.૩૦.૩)

અર્થાત્‌ ભાઈ ભાઈનો તિરસ્કાર (ઘૃણા) ન કરો.

 

Total Views: 550

One Comment

  1. Rasendra Adhvaryu May 9, 2022 at 12:33 pm - Reply

    It’s so amazing to read that such topics were also discussed in the vedas. These are so helping ideas for building a moral society. We did not give this to our kids and taught only that which was all western and alien to our ideas. The society of morals and values must be so vibrant in those days. Thanks Swamiji to explain this in such compact way. Gujarati is also so rich.

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.