પરસ્પર ઈર્ષ્યા કરવાને બદલે, અંદરોઅંદર સંઘર્ષ કરવાને બદલે અને એકબીજાની ખેંચાખેંચ કરવાને બદલે સાચા શિક્ષણે વ્યક્તિને સહકાર આપવાની ક્ષમતા વિકસિત કરવા તેમજ સામૂહિક રીતે કાર્ય કરવા સક્ષમ બનાવવી જોઈએ. વેદો મનુષ્ય પાસે સમાન ધ્યેય સિદ્ધ કરવા માટે એકસમાન મંચ પર એકત્રિત થવાનો, સાથે મળીને વિચારવાનો અને સાથે મળીને કામ કરવાનો આગ્રહ રાખે છેઃ

ॐ सं गच्छध्वं सं वदध्वं सं वो मनांसि जानताम्‌।
देवा भागं यथा पूर्वे सञ्जानाना उपासते।।
समानो मंत्र: समिति: समानी
समानं मन: सह चित्तमेषाम्‌।
समानं मन्त्रमभि मन्त्रये व:
समानेन वो हविषा जुहोमि॥
समानी व आकूति: समाना हृदयानि व:।
समानमस्तु वो मनो यथा व: सुसहासति॥
(ઋગ્વેદ ૧૦.૧૯૧.૨-૪)

અર્થાત્‌ આપ સૌ પરસ્પર હળીમળીને ચાલો, પરસ્પર મળીને સ્નેહપૂર્વક વાર્તાલાપ કરો. આપના મનના જેવી વિચારધારાવાળા બનીને જ્ઞાનાર્જન કરો. જે રીતે પૂર્વકાળમાં સજ્જનોએ એક સાથે મળીને યજ્ઞાદિ કાર્યો કરતાં દેવોની ઉપાસના કરી હતી તેવી રીતે આપ બધા એકમત બની જાઓ. આપ બધાની પ્રાર્થના એક સમાન થાઓ. પારસ્પરિક મિલન એક જેવું હો. આપનું વિચારતંત્ર સમાનરૂપ હો. હું આપના જીવનને એક જ મંત્રથી અભિમંત્રિત કરું છું અને એક સમાન આહુતિ પ્રદાન કરીને યજ્ઞમય કરું છું.
લોકશાહીમાં પોતાના પ્રતિનિધિઓને ચૂંટવાની નાગરિકોની જવાબદારી છે કે જે પ્રતિનિધિઓ રાષ્ટ્રની સુરક્ષા અને કલ્યાણની સંભાળ રાખશે. તેથી લોકશાહીમાં શિક્ષણે મહત્ત્વપૂર્ણ ભાગ ભજવવાનો છે. રાષ્ટ્રસંચાલનની પ્રક્રિયામાં પોતાના પ્રતિનિધિઓની જવાબદારી અંગે સજાગ અને સચેત થવા માટે જનસાધારણને પર્યાપ્ત રૂપે શિક્ષિત કરવા જોઈએ. પુરુષમેધ અને વાજપેય યાગના મંત્રો શાસકની જવાબદારીઓનો ઉલ્લેખ કરે છે અને સૂચવે છે કે શાસક લોકકલ્યાણની સક્ષમતાથી સંપન્ન હોવો જોઈએઃ

क्षत्राय राजन्यम्‌।
(યજુર્વેદ ૩૦.૫)

અર્થાત્‌ શાસક સુરક્ષા અર્થે છે.

कृष्यै त्वा क्षेमाय त्वा रय्यै त्वा पोषाय त्वा।
(યજુર્વેદ ૯.૨૨)

અર્થાત્‌ કૃષિવિકાસ માટે, સંપત્તિના સંરક્ષણ માટે, પ્રગતિ માટે અને સુખસમૃદ્ધિ માટે, સહાય અને ગુજરાન માટે તમે અમારા શાસક તરીકે નિયુક્ત છો.

સ્વાતંત્ર્ય આપણો જન્મસિદ્ધ હક છે. શિક્ષણે વ્યક્તિને શોષણનાં વિભિન્ન સ્વરૂપોથી માહિતગાર કરવી જોઈએ જેથી કરીને તે સ્વાયત્તતા માટે અને ગૌરવપૂર્વક જીવવાના હક માટે લડત આપી શકે. એ સ્વાભાવિક છે કે લોકોના સામાજિક જીવનની સાંસ્કૃતિક પૃષ્ઠભૂમિ, આર્થિક સ્તર, કેળવણી, વ્યવસાય અને સુખસમૃદ્ધિ જેવાં વિવિધ પાસાં પર આધાર રાખવો પડશે. પરંતુ એનો અર્થ એવો નહીં કે સમાજના કોઈ એક વિભાગને અન્ય વિભાગોનું શોષણ કરવાનો વિશેષાધિકાર છે. સમાજે દરેકે દરેક વ્યક્તિને સર્વપ્રકારનાં શોષણથી મુક્ત રીતે જીવવાની ખાતરી આપવી જોઈએ જેવી કે વેદોમાં ઉદ્‌ઘોષણા કરાઈ છેઃ

अदीना: स्याम शरद: शतम्‌।
(યજુર્વેદ ૩૬.૨૪)

અર્થાત્‌ આપણે અન્યના ગુલામ બન્યા સિવાય ૧૦૦ વર્ષ જીવીએ.

માત્ર શિક્ષણ જ સર્વ સામાજિક દૂષણોનો રામબાણ ઇલાજ છે તેથી વેદો સમગ્ર વિશ્વને આર્યમય બનાવવાનું વિદ્વાનોને આહ્‌વાન કરે છે. આર્ય અર્થાત્‌ વિશુદ્ધ, સુસંસકૃત, સુસભ્ય વ્યક્તિ; આર્યમય એટલે ઉદાત્ત બનાવવું, ઉમદા બનાવવું. જ્યારે મોટા ભાગના લોકો આર્યમય બની જશે ત્યારે જગતમાં શાંતિ અને સમૃદ્ધિ પ્રવર્તશે. વેદો આદેશાત્મક વાણીમાં કહે છેઃ

कृण्वन्तो विश्वमार्यम्‌।
(ઋગ્વેદ ૯.૬૩.૫)

અર્થાત્‌ આપણાં સર્વ કૃત્યો ઉમદા-ઉદાત્ત બનાવીએ.

उत देवा अवहितं देवा उन्नयथा पुन:।
(ઋગ્વેદ ૧૦.૧૩૭.૧)

અર્થાત્‌ તમે દેવોએ અમને અવનત કર્યા છે, તમારે અમારું ઉત્થાન કરવું જ પડશે.

જનસાધારણમાં પ્રવર્તમાન અંધશ્રદ્ધાનો અંધકાર, અજ્ઞાન, નિરક્ષરતા અને સંકીર્ણ દૃષ્ટિબિંદુનો નાશ કરીને બીજાઓને પ્રગતિને માર્ગે અગ્રસર કરવા પોતાના જીવનનું બલિદાન દેનાર પ્રબુદ્ધજનોનો વેદો પ્રેમાદર કરે છેઃ

ते हि पुत्रासो अदिते: प्रजीवसे मर्त्याय।
ज्योतिर्यच्छन्त्यजस्रम्‌।।
(યજુર્વેદ ૩.૩૩)

અર્થાત્‌ તેઓ જગતના આદરણીય પુત્રો છે, જેઓ માનવજીવનના કલ્યાણ અર્થે સનાતન પ્રકાશ પ્રસારિત કરે છે.

Total Views: 436

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.