‘Practice of the Presence of God’નામના પ્રસિદ્ધ ગ્રંથમાં કાર્મેલાઈટ પંથના સંત બ્રધર લોરેન્સની ઈશ્વર સાનિધ્યની સાધના વિષેની વાતો અને તેમના પત્રોનું સંકલન છે. પ્રસ્તુત પત્ર આ પ્રેરક પત્રોમાંનો એક છે. બ્રધર લોરેન્સે વાર્તાલાપોમાં કહ્યું હતું. “પડ્યા આખડ્યા પછી ફરી પાછા ઊભા થઈને અને શ્રદ્ધા તથા પ્રેમ ઘૂંટીઘૂંટીને હું એક એવી સ્થિતિએ પહોંચ્યો છું કે પહેલાં જેમ ઈશ્વર ચિંતન કરવું તે મુશ્કેલ હતું તેમ હવે ઈશ્વર ચિંતન વિના રહી શકવું મારા માટે મુશ્કેલ છે. મારા માટે પ્રાર્થનાનો સમય કામકાજના સમયથી જુદો નથી; મારા રસોડાની ધમાલ અને કોલાહલ વચ્ચે, એક સામટી રીતે કેટલીય વ્યક્તિઓ જુદી જુદી વસ્તુઓ માગતા હોય ત્યારે પણ, જાણે કે પવિત્ર ધર્મવેદી સમક્ષ ઘુંટણીએ પડ્યો ન હોઉં તેની જાતની મહા-શાંતિ અને ઈશ્વરનું સાંનિધ્ય હું અનુભવું છું.

શ્રીમતી…..ને પત્ર

બહેન શ્રી,

મને આપની ખૂબ દયા આવે છે. આપના કામકાજની ચિંતા જો આપશ્રી….ઉપર છોડી દો. અને જુઓ, આપની બાકીની જીંદગી ઈશ્વરને ભજવામાં જ ગાળો. તે વાત આપને માટે ઘણી મહત્ત્વની છે. આપણી પાસેથી ઈશ્વર કોઈ મોટી આશા રાખતો નથી. વખતો વખત તેનું એક નાનું શું સ્મરણ, એક નાની શી સ્તુતિ : કેટલીક વાર તેની કૃપા માટે નાનીશી પ્રાર્થના, કેટલીક વાર આપણાં સુખ-દુ:ખોનું સમર્પણ અને કેટલીકવાર આપણી ઉપરનાં સંકટોની વચ્ચે તેણે જે કૃપા વરસાવી અને હજુયે વરસાવે છે, તે માટે તેના ઋણનો સ્વીકાર. બને તેટલી વધુ વાર તેના ચરણોમાં આત્મ-સમાધાન અને આશ્વાસન મેળવો. કેટલીક વાર આપના ભોજન ટાણે સુધ્ધાં અને જ્યારે આપ કોઈની સાથે હો એવે વખતે આપના હૃદયને તેની ભણી ઊંચું લઈ જાઓ : એક તદ્દન નાનું શું સ્મરણ તેને હંમેશાં સ્વીકાર્ય હોય છે. તે માટે આપને બહું મોટો અવાજ કરવાનીય જરૂર નથી, આપણને ખ્યાલ છે તે કરતાં તે આપણી વધુ નજીક છે.

ઈશ્વરના સાન્નિધ્યમાં રહેવા માટે હંમેશાં મંદિરમાં જવાની કે રહેવાની જરૂર નથી; આપણા હૃદયની વાણી તેના સ્મરણ સાથે આપણે ઉચ્ચારીએ. ઈશ્વર સાથે તેના દાસ તરીકે નમ્રતા અને પ્રેમપૂર્વક વાતચીત કરીએ અને તેમાં વખતો વખત લીન બનીએ. દરેક વ્યક્તિ ઈશ્વર સાથે આવી જાતના વાર્તાલાપ કરી શકે છે, કોઈ વધારે તો કોઈ ઓછે અંશે : ઈશ્વર જાણે છે કે આપણે શું કરી શકીએ તેમ છીએ. તો પછી ચાલો, આપણે શરૂ કરીએ; વખતે તે આપણી પાસે માત્ર એક ઉદાર સંકલ્પની આશા સેવે છે. હિંમત રાખો. આપણી પાસે જીવવાનો કાળ માત્ર થોડોક જ રહ્યો છે; તમને લગભગ ચોસઠ થયાં છે, અને હું એંશી વર્ષનો થયો છું. ઈશ્વર સાથે જ આપણને જીવવા અને મરવા દો. આપણે ઈશ્વર સાથે હોઈશું ત્યારે આપણને દુ:ખોય મીઠાં અને આનંદદાયક લાગશે; અને તેના વિનાના મોટામાં મોટા સુખવૈભવો આપણે માટે ક્રૂર સજારૂપ બનશે. બધાય ઉપર તેની કૃપા હો. એ જ શુભેચ્છા.

વખતો વખત અને જો આપનાથી બની શકે તો પ્રત્યેક ક્ષણે સુધ્ધાં આપના કામકાજની વચમાં, આપનું હૃદય તેને અર્પણ કરવાની, તેની કૃપા યાચવાની અને તેને આવી રીતે ભજવાની આપની જાતને ટેવ પાડો. હંમેશાં અમુક નિયમો અથવા ભક્તિ માટે ચોક્કસ વિધિ-વિધાનોમાં આપણી જાતને ચુસ્તપણે બાંધી ન દેશો; પરંતુ પ્રેમપૂર્વક અને નમ્રતાપૂર્વક ઈશ્વરમાં વિશ્વાસ રાખીને કામ કરજો.

…ને આપ ખાતરી આપશો કે મારી રંક પ્રાર્થનાઓ તેને માટે પણ છે. હું તેમનો સેવક છું અને ખાસ કરીને હું છું. આપના પરમાત્મામાં રહેલો.

આપનો બંધુ,

ભાષાંતર : શ્રી યશસ્વીભાઈ મહેતા

Total Views: 44
By Published On: September 3, 2022Categories: Brother Lorence0 CommentsTags: , ,

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.

Facebook
WhatsApp
Twitter
Telegram