મોતી લેણા ગોતી

દલ દરિયા મેં ડૂબકી દેણા,

મોતી રે લેણા ગોતી એ જી જી.

ખારા સમદર મેં છીપ બસત હે,

ભાત ભાતરાં મોતી એ જી,

એ મોતી કોઈ મરજીવા માણે,

નહીં પુસ્તક, નહીં પોથી રે. – દલ.

મુખા કમળ પર મરઘા કમળ હે,

તા પર ગંગા હોતી એ જી,

તન કર સાબુ, મન કર પાણી,

ધોઈ લેણા હરદારી ધોતી રે. – દલ.

રણુંકા૨ મેં ઝણુંકાર હે,

ઝણુંકાર મેં જ્યોતિ એ જી,

એ જ્યોતિ અભેપદ હોતી,

વહાં હે એક મોતી રે. – દલ.

નવ દુવારા, દસમી ખડકી,

ખડકી મેં એક ખડકી એ જી,

એ ખડકી કોઈ સતગુરુ ખોલે

કૂંચી ઉનરા ઘરકી રે. – દલ.

ડાબી ઇંગલા, જમણી પીંગલા,

નુરત સુરત કર જોતી,

દેવ ડુંગરપુરી બોલિયા,

હું હરખે હાર પરોતી. –

દલ દરિયામેં ડૂબકી દેણા,

મોતી રે લેણા ગોતી.

દિલના દરિયામાં ડૂબકી મારો અને આત્મજ્ઞાનરૂપી મોતી હાથ કરી લો.

સત કેરી વાણી

‘ખારા સમદર મેં છીપ’અસાર લાગતા આ સંસારમાં દેહરૂપી છીપ મળેલ છે. એ છીપમાં મોતી સમી – અનેક જાતની કીમતી વસ્તુઓ પડી છે. પણ જીવનની સાધના દ્વારા જે ઝંપલાવે છે એ જ પરમ મોતી જેવી સારવસ્તુ આત્મદર્શનને પામે છે. પુસ્તક – પોથાં – માત્ર શાસ્ત્ર – પુરાણો વાંચવાથી આ મોતી હાથ આવતું નથી.

પોતાની અંદર જ શોધ કરી અનેક રત્નોમાંથી પારસમણિને મેળવી લેવાનું એક રામપ્રસાદી ભજન છે:

‘આપના તે આપત્તિ થેકો, મન જેઓ ના કારુ ઘરે,

કતો મણિ પડે આછે આમાર ચિંતામણિર નાચદુયારે.’

(તું પોતે જ પોતાની અંદર રહે, મન, તું કોઈને ઘેર જ્યાં ત્યાં ભટકતું નહીં. મારા ચિંતામણિને આંગણે અનેક મણિ પડ્યા છે.)

પોતાની અંદર જ ડૂબકી મારી પરમ રત્નને પ્રાપ્ત કરવાની હાકલ કરતું એક બાઉલ ગીત છે:

‘ડૂબ ડૂબ ડૂબ રૂપસાગરે આમાર મન,

તલાતલ પાતાલ ખોંજલે પાબિરે પ્રેમરત્ન ધન.’

(હે મારા મન, તું રૂપસાગરમાં – અવ્યક્ત જગતમાં જ ઊંડે ઊંડે ડૂબકી માર. તારી અંદર સાત પાતાળ તું શોધી વળીશ તો એમાં જ તને પ્રેમનું અમૂલ્ય રત્ન મળી આવશે.)

‘મુખા કમળ પર’ મુખકમળ ઉપર મરઘાકમળ નેત્રોરૂપી કમળ છે. અને એ બે નેત્રો વચ્ચે, ભ્રૂમધ્યમાં ગંગા – પવિત્ર જ્ઞાનનું કેન્દ્ર, આજ્ઞાચક્ર છે. એ જ્ઞાનના પ્રવાહમાં હૃદયની ધોતી ધોઈ લે, નિર્મળ બની જા.

‘રણુંકાર મેં’નામજપમાં તારા રોમેરોમ જ્યારે રણકાર કરી ઊઠશે ત્યારે તેમાંથી જ અનહદ નાદનો ઝણકા૨ જાગશે. એ નાદમાં જ તને જ્યોતિનાં દર્શન થશે. એ જ્યોતિ અભયપદ, પરમપદ દર્શાવે છે અને ત્યાં આત્માનું સ્વચ્છ મોતી પ્રકાશે છે.

‘નવ દુવારા, દસમી ખડકી’આ દેહનાં નવ દ્વાર ઉપરાંત મૂલાધારમાં સુષુમ્ણાનું દશમું દ્વાર છે. આ દેશમા દ્વારમાં પણ કુંડલિની જ્યારે ઊંચે ચડે છે ત્યારે ‘ખડકી મેં એક ખડકી’ બ્રહ્મરન્ધ્રનું સૂક્ષ્મ દ્વાર ખૂલે છે. પણ તેને ખોલવાનું રહસ્ય તો કોઈ સતગુરુ જાણે છે.

ડુંગરપુરી કહે છે કે ડાબી ઈંગલા ચન્દ્રનાડી, જમણી પિંગલા – સૂર્યનાડી આ બંનેમાં વહેતા પ્રાણના પ્રવાહને તલ્લીનતાથી નીરખીને હું તેને આનંદથી સુષુમ્ણામાં પરોવું છું.

 

Total Views: 233

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.