રામકૃષ્ણ મિશન – વિદ્યામંદિર, બેલૂરના અધ્યક્ષ સ્વામી તેજસાનંદજીના ‘ઉદ્‌બોધન’ના વિશેષાંક -શ્રીશ્રીમા શતવર્ષ જયંતી સંખ્યા બંગાબ્દ વૈશાખ, ૧૩૬૧, ઈ.સ. ૧૯૫૩માં મૂળ બંગાળીમાં પ્રસિદ્ધ થયેલ લેખનો શ્રી મનસુખભાઈ મહેતાએ કરેલો ગુજરાતી અનુવાદ ભાવિકોના લાભાર્થે અહીં પ્રસ્તુત છે. – સં.

બહુવિપદાવાળા, પરિવર્તનશીલ વર્તમાન યુગમાં જે બધાં નરનારીઓએ ભારત વર્ષ માટે પથનિર્દેશનું મહાકાર્ય કર્યું છે; જેમનાં પુણ્યજીવને અને કર્મધારાએ મૃતપ્રાય: બનેલ જાતિ-પ્રજાના પ્રાણમાં ઉદ્દીપન-ઉત્સાહનો સંચાર કર્યો છે; એ બધાંનાં અમૂલ્ય પ્રદાન આજે શ્રીમા શારદાદેવીની શતાબ્દિ જયંતીના ઉત્સવમાં ઉજ્જ્વળ સ્મરણ રૂપે સ્મૃતિ પટ પર તરી આવે છે. એમ કહેવાની જરૂર નથી કે ભારતના સ્વાધીનતા સંગ્રામના યજ્ઞની વેદી પર જેમણે જેમણે પોતાનાં આત્મબલિદાન આપ્યાં છે તેમાં નારીઓનું સ્થાન સવિશેષ અને વિશિષ્ટ રહ્યું છે.

પુરુષ અને સ્ત્રી એ ઉભયને લીધે જાતિ-પ્રજાનું સંપૂર્ણાંગ બને છે. આકાશમાં સ્વચ્છંદ વિહરણ કરનાર પક્ષીની એક પાંખ કપાઈ જાય તો તેને માટે ગગનગામી વિહાર જેમ અસંભવ બને, તેમ નારી વિના કેવળ પુરુષોના પ્રદાનથી પુષ્ટ એવી જાતિ કે પ્રજા માટે પુરુષના અવલંબનથી પ્રગતિના પથે આગળ વધવું અસંભવ છે. સમાજ અને જાતિના સુગ્રથનના સિંહદ્વારે પ્રવેશ કરવાનો જેટલો પુરુષનો અધિકાર છે એટલો અધિકાર નારીઓનો પણ છે. જીવનનાં અમૂલ્ય સંપર્ક, ત્યાગ-વૈરાગ્ય, સેવા-સમર્પણ, ભગવત્પ્રેમ-જીવપ્રેમ દ્વારા જાતીય જીવનને પરિપુષ્ટ અને સંજીવિત કરવાની અખૂટ શક્તિ નારીઓમાં રહેલી છે. સ્વાધીનતાના આ પવિત્ર ઉષાકાળે આપણે જાણે કે એમનું શ્રદ્ધાપૂર્ણ હૃદયે સ્મરણ કરીને ધન્ય બની શકીએ છીએ. શ્રીરામકૃષ્ણનાં જીવનસંગિની, યુગનાયિકા શ્રીમા શારદાદેવીનું જીવન આ સંદર્ભમાં ચર્ચા માટે લેવું એ મારી દૃષ્ટિએ કોઈ વિષય નથી. તેનું કારણ એ છે કે એમનું જીવન એ સુદીર્ઘ નીરવ પ્રાર્થના જેવું હતું. આદર્શજીવન, આદર્શગૃહિણી, આદર્શસંન્યાસિની અને આદર્શ જનની રૂપે એમણે માનવજાતિ સમક્ષ પોતાને પ્રગટ કર્યાં છે. તેઓ નારીને દેવીના આસન પર સુપ્રતિષ્ઠિત કરીને ગયાં. દરેક કાર્ય અને વિચારના માધ્યમ દ્વારા જ્ઞાન, ભક્તિ, કર્મ અને યોગના અપૂર્વ સમન્વયથી જેમણે ચારિત્ર્યને માધુર્યમંડિત કર્યું છે એ જ શ્રી શ્રીમા, ઠાકુરાણીના અનવદ્ય જીવનનો આલેખ આ નાના લેખમાં પુનરંકિત કરવો સંભવ નથી. આધ્યાત્મિક શક્તિથી સંપન્ન બધી નારીઓ ભગવાન શ્રીરામકૃષ્ણ અને શ્રીમા શારદાદેવીને કેન્દ્ર સ્થાને રાખીને યુગ-પ્રયોજનની સિદ્ધિ માટે આવિર્ભૂત થયેલ નારીઓમાં અંતરંગ સપ્તસાધિકાની સાધના અને સેવાવ્રત અહીં અત્યંત સંક્ષેપમાં વાચકો સમક્ષ એક વાચન-ઉપહાર રૂપે આપવાનો વિનમ્ર પ્રયાસ કર્યો છે.

રાણી રાસમણિ

પુણ્યકીર્તિ રાણી રાસમણિ સપ્તસાધિકા માલાનું એક ઉજ્જ્વળ રત્ન છે. આ મહીયસી નારી બંગાળના ઇતિહાસમાં ચિરસ્મરણીય બન્યાં છે. યુગાવતાર ભગવાન શ્રીરામકૃષ્ણના જીવન સાથે એમનો સંબંધ અત્યંત ગાઢ અને ભક્તિભાવપૂર્ણ હતો. સલિલા ભાગીરથીના કિનારે દક્ષિણેશ્વર-શક્તિપીઠમાં નવયુગના શ્રેષ્ઠ સાધક શ્રીરામકૃષ્ણદેવ માટે એક સાધનાપીઠ ઊભી કરીને તેમણે આ સ્થાનને પુણ્યતીર્થભૂમિ બનાવી દીધું છે. ભક્તિમતી રાણી પોતાની અંતર્નિહિત ભક્તિથી પોતાનાં પ્રેમમંદિર-અધિષ્ઠાત્રી જગજ્જનની ભવતારિણીનાં શ્રીચરણોમાં આ સાધનાપીઠને – દક્ષિણેશ્વરના શ્રીકાલીમંદિરને અઘ્ર્યરૂપે અર્પણ કરીને તેઓ પોતે ધન્ય બન્યાં છે. સિદ્ધ સાધક શ્રીરામપ્રસાદની જન્મભૂમિ હાલિસહરની નજીક આવેલા ‘કોના’ગ્રામમાં એક દરિદ્ર માછીમાર પરિવારમાં સપ્ટેમ્બર, ૧૭૯૩માં એમનો જન્મ થયો હતો. એમનાં સ્નેહમયી માતા રામપ્રિયાએ એનું નામ ‘રાણી’ પાડ્યું હતું અને રાણીએ પોતાનાં નામને સ્વજીવનકાર્યની કીર્તિ દ્વારા સાર્થક બનાવ્યું હતું. પિતા હરિકૃષ્ણદાસ અત્યંત દીન અને દરિદ્ર હતા છતાં પણ લક્ષ્મીસ્વરૂપિણી રાણીના જન્મ પછી એમનો મોટો ભાગ્યોદય થયો હતો. હજુ ૧૨ વર્ષનાં થયાં ન થયાં ત્યાં જ રાસમણિનાં લગ્ન કોલકાતાના જાનબજારના સ્વનામધન્ય અને ધનાઢ્ય જમીનદાર રાજચંદ્ર દાસ સાથે થયાં. ઉંમર વધતાં તેઓ અત્યંત નિષ્ઠા અને વિચક્ષણતા સાથે હિંદુધર્મના પૂજા-ઉત્સવનું પોતાના ઘરમાં અનુષ્ઠાન કરાવતાં અને એ દ્વારા સમગ્ર જાનબજાર વિસ્તારને ઉત્સવના આનંદ ઉલ્લાસથી ભર્યું ભર્યું બનાવી દેતાં. દીનદુ:ખી, સર્વસામાન્ય માનવીઓ રાણીમાતાના સતત વહેતા દાનપ્રવાહથી પરિતૃપ્ત બની જતાં અને એ બધા લોકો હૃદયપૂર્વકની કૃતજ્ઞતા સાથેની શુભેચ્છાઓ આપતા. એક બાજુએ એમનાં ઉદાર દાન, નિરંતર ચાલતાં જનહિતનાં અસંખ્ય કાર્યો અને એમની દેવભક્તિએ જેમ રાણી રાસમણિને વરેણ્ય અને શ્રદ્ધાભાજન બનાવ્યાં હતાં એવી જ રીતે બીજી બાજુએ એમનાં સ્વાભિમાન, ગર્વગરિમા, નિર્ભીક સત્યવાદિતા અને આત્મસંયમે વિદેશી અંગ્રેજોના વણિકશાસનથી ઉત્પીડિત અને લાંછિત બનેલ ત્યારના બંગાળને ગૌરવ-ગરિમાના આસને એમણે સુપ્રતિષ્ઠિત કર્યું હતું.

પોતાના બુદ્ધિકૌશલ્યથી ઈસ્ટઈન્ડિયા કંપનીને કાનૂની રીતે મહાત કરીને ત્યાંના પોતાના દરિદ્ર માછીમારો પાસેથી કોઈ પણ જાતનો કરવેરો વસૂલ કર્યા વિના ભાગીરથી નદીમાંથી માછલાં પકડવાનો અધિકાર અક્ષુણ્ણ રાખ્યો. મકિમપુરના ગળીની ખેતી કરનારા ખેડૂતો પર જુલમ ગુજારનાર ડોનાલ્ડ સાહેબના અમાનુષી અત્યાચારનો સુયોગ્ય અને પૂર્ણ પ્રતિરોધ કર્યો હતો. જાનબજારમાં પોતાના મહેલના નિવાસભવનનાં અધિષ્ઠાત્રી દેવતાના મંદિરનાં દ્વારે સ્વહસ્તે કિરપાણ ધારણ કરીને, રણચંડી બનીને, મદમસ્ત, મદિરાપાન કરનારા અને જબરા ગોરાઓના સૈન્યના હસ્તક્ષેપથી આ પવિત્રસ્થાનની એમણે રક્ષા કરી હતી. બંગાળના મહોલ્લે મહોલ્લે આ ગૌરવમંડિત રોમાંચક ઘટનાથી સૌ કોઈ વાકેફ છે. એમનાં ભગવત્‌ પ્રેમ અને દાનશીલતા, અલૌકિક સાહસ અને કાર્યદક્ષતા, ઔદાર્ય અને વિચક્ષણતા જેવા એક વ્યક્તિમાં રહેલા આ સદ્‌ગુણો માત્ર તત્કાલીન બંગસમાજ તેમજ વર્તમાન બંગસમાજમાં પણ વિરલ છે. રાણી રાસમણિ અને તેમના જમાઈ મથુરમોહન વિશ્વાસ – મથુરબાબુ પોતાનાં જીવનના શેષકાળ પર્યંત ભગવાન શ્રીરામકૃષ્ણદેવનાં સાહચર્ય, કૃપા અને સેવાલાભ પ્રાપ્ત કરીને ધન્ય બન્યાં છે. ભક્તિમતી રાણી રાસમણિના પોતાના જીવનમાં શ્રીરામકૃષ્ણની ભાવરાશિ બહુલમાત્રામાં રૂપાયિત બની હતી; આમ કહેવું એ અત્યુક્તિ નહિ ગણાય. બંગાળનાં નરનારીઓ આજે પણ શ્રદ્ધાપૂર્ણ હૃદયે આ મહાન નારીની સ્મૃતિપૂજા કરે છે. ફેબ્રુઆરી, ૧૮૬૧માં શ્રીમા કાલીનાં ભક્ત રાણી રાસમણિએ ભવતારિણીના પતિતપાવન નામનું સ્મરણ કરતાં કરતાં ગંગાના તીરે પોતાની ભવલીલા સંકેલી લીધી. પોતાના જીવનકાળના અંતિમ સમયે જ્યારે એમને ગંગાતીરે લઈ જવામાં આવ્યાં ત્યારે પોતાની સામે અસંખ્ય દીપ પ્રજ્વલિત થયેલા જોઈને તેઓ અચાનક બોલી ઊઠ્યાં: ‘આ બધું દૂર હટાવો, આ પ્રકાશ હવે ગમતો નથી. હવે અમારાં મા – જગન્માતા કાલી પધારે છે. એમના શ્રીઅંગમાંથી નીકળતી પ્રભાથી ચોતરફ દિવ્યપ્રકાશ ફેલાઈ ગયો છે.’ આમ બોલતાં બોલતાં સેવાપરાયણ રાણી રાસમણિ કર્મક્લાંત દેહે જગન્માતાના અભય ઉત્સંગે શાશ્વત નિદ્રામાં પોઢી ગયાં.

યોગેશ્વરી ભૈરવી બ્રાહ્મણી

૧૮૬૧ની વસંતઋતુમાં દક્ષિણેશ્વરના તપોવનમાં – સપ્તસાધિકામાલાના એક અન્યતમ રત્ન રૂપે યોગેશ્વરી ભૈરવી બ્રાહ્મણી શ્રીરામકૃષ્ણદેવની તંત્રસાધનામાં ગુરુરૂપે આવ્યાં. એમણે યશોહર જિલ્લાના અંદરના ભાગમાં રહેતા કોઈ એક બ્રાહ્મણ પરિવારમાં જન્મ લઈને એ પરિવારને ધન્ય બનાવ્યો. શ્રીરામકૃષ્ણને શ્રીમા જગદંબાનો સાક્ષાત્કાર થયો ત્યાર પછીના થોડા સમય બાદ લુપ્તપ્રાય એવી તંત્રસાધનાને પોતાના ગૌરવાસને પુન: પ્રતિષ્ઠિત કરવા માટે જ જાણે કે આ સંન્યાસિની દક્ષિણેશ્વરમાં આવ્યાં હતાં. શ્રીરામકૃષ્ણના પ્રથમદર્શને જ આ સંન્યાસિનીએ જાણી લીધું કે પોતાના સમગ્ર જીવનકાળની સાધના સિદ્ધિની સંપત્તિને ગ્રહણ કરનાર યોગ્ય પાત્ર એમને સાંપડ્યું છે. કઠોર તપશ્ચર્યા, અમાપ શાસ્ત્રજ્ઞાન અને ભક્તિરાજ્યમાં સમગ્ર ભાવે કરેલ ગભીર અનુભૂતિથી એમણે માત્ર દિવ્યદૃષ્ટિ જ મેળવી ન હતી પરંતુ ગુરુરૂપે પણ ઉન્નતાસને પોતાને સ્થાપિત કર્યાં હતાં. પોતાનાં પરમ આરાધ્યા જગજ્જનની પાસે જઈને શ્રીરામકૃષ્ણે તંત્રસાધના દ્વારા મહાન ઉદ્દેશ્યની સિદ્ધિ માટેની અનુજ્ઞા મેળવી અને એ સંન્યાસિનીને ગુરુરૂપે સ્વીકાર્યાં. આ મહાસમર્થ નારીને પોતાની આધ્યાત્મિક સાધનામાં આચાર્યપદે સ્થાપીને નવભારતના પ્રથમ ઉષાકાળે સર્વપ્રથમવાર શ્રીરામકૃષ્ણે જ નારીને પોતાનો સાચો મહિમા પુન: અર્પ્યો. દિવસો ને દિવસો, મહિનાઓ ને મહિનાઓ સુધી, અપૂર્વ એવી આ કઠોર તંત્રસાધનાની અગ્નિ પરીક્ષામાં શ્રીરામકૃષ્ણ અનાયાસે સફળ થયા. જે મહાભાવના ઉન્માદથી મહાપ્રભુશ્રી ચૈતન્યદેવ મુખ્ય અવતારરૂપે જગદ્‌વરેણ્ય બની ગયા તે જ રીતે આજે શ્રીરામકૃષ્ણના દેહમાં આ બધાં લક્ષણસમૂહ રૂપે પરિપૂર્ણભાવે પ્રગટી ઊઠ્યાં છે. ‘નિત્યાનંદના દેહમાં શ્રીચૈતન્યના આવિર્ભાવરૂપ શ્રીરામકૃષ્ણ એક અવતાર છે.’ તેજસ્વિની, તત્ત્વજ્ઞાની ભૈરવી બ્રાહ્મણીએ મુક્તમને આ ઘોષણા કરી. તત્કાલીન શ્રેષ્ઠ મનીષીઓ અને જ્ઞાનીજનોની મંડળીને શાસ્ત્રીય તર્કમતના દ્વન્દ્વ યુદ્ધ માટે આહ્‌વાન પણ કર્યું. એ બધા મનીષીઓ નતમસ્તકે ભૈરવી બ્રાહ્મણીનાં ઘોષણા અને સિદ્ધાંત સ્વીકારીને ધન્ય બન્યા. વિસ્મયવિમૂઢ બનીને બંગાળનાં નરનારીઓએ ‘જે રામ, જે કૃષ્ણ, તે જ આજે (આ દેહે) રામકૃષ્ણ’ એ વાણી સાંભળી. વિખરેલા વાળાવાળાં, સ્વર્ગીય લાવણ્યમંડિતા, ત્રિશૂલધારિણી, ભગવાં વસ્ત્રોમાં સજ્જ ઓજસ્વિની નારી એવાં આપે (ભૈરવી બ્રાહ્મણીએ) પૂર્વ દિશામાં ઊગતા શુભ્રભાલવાળા બાલસૂર્યની જેમ પ્રકાશમાન, ચંદ્ર જેવા સુશીતલ જ્યોતિષ્કરની જેમ ઉદિત એવા શ્રીરામકૃષ્ણની અવતારપુરુષ રૂપે વિજયઘોષણા કરી છે. શું આપે લોકોત્તર માનવ મહાપુરુષ શ્રીરામકૃષ્ણના જીવનમાં રહેલ નિગૂઢ પ્રચ્છન્ન તત્ત્વને ઉદ્‌ઘાટિત કરીને જગત્કલ્યાણની સાધનામાં આપે  પોતાના આત્માને સમર્પિત કરી દીધો છે? આજે આપનાં શ્રીચરણોમાં કૃતજ્ઞતાપૂર્ણ અશેષભાવે નમન કરું છું. ૧૮૬૭ના મધ્યમાં આ સાધના નાટ્યરંગમંચ પર પટપરિવર્તન થયું. એક દિવસ જેમણે શિષ્ય રૂપે ભૈરવી બ્રાહ્મણીના પદપ્રાંતે-સાંનિધ્યમાં બેસીને એક પછી એક એમ ચોસઠ પ્રકારનાં તંત્રોની સમગ્ર સાધના અલૌકિક તત્પરતા સાથે પૂર્ણ કરી, એવા શ્રીરામકૃષ્ણે ફરીથી ગુરુના આસને બેસીને ભૈરવી બ્રાહ્મણીના પ્રેમસિક્ત પુષ્પોપહાર ગ્રહણ કરીને ભૈરવી બ્રાહ્મણીને ધન્ય બનાવ્યાં. 

લીલાં વૃક્ષોથી ભરેલા, શાંત-સ્નિગ્ધ વાતાવરણવાળા કામારપુકુરમાં ખુદીરામના ઘરે જગદ્‌ગુરુ શ્રીરામકૃષ્ણને પોતાના હાથે ગૂંથેલી પુષ્પમાળા ભક્તિભાવથી અર્પણ કરીને અશ્રુપૂર્ણ નયને એમની વિદાય લીધી. પોતાના જીવનના શેષ દિવસો શ્રીકૃષ્ણના નિવાસસ્થાન શ્રીવૃંદાવન ધામમાં આજીવન કુમારિકા રહીને યોગીશ્વરી ભૈરવી બ્રાહ્મણીએ પોતાની આત્મલીલા પૂર્ણ કરી. 

ગોપાલની મા

વર્તમાન વિજ્ઞાન અને યાંત્રિક યુગમાં અતીન્દ્રિય અવસ્થા વિશે ઘોરતમ સંદેહ ઉત્પન્ન થયો છે. પશ્ચિમના વૈજ્ઞાનિકો પોતાની પ્રયોગશાળામાં કોઈ પણ વસ્તુની પરીક્ષા કર્યા વિના આજે કોઈ સિદ્ધાંતનો સ્વીકાર કરતા નથી. ચારે તરફ વ્યાપેલી સંદેહની ઘનછાયાએ માણસોનાં જીવનને એક સમસ્યારૂપ અને દુર્વિષય બનાવી દીધાં છે. દૈનંદિન વધતા જતા ભોગ અને જડવાદે મનુષ્યને પોતાની વાસ્તવિક શાંતિમાંથી દૂર હડસેલીને દુ:ખના ભયંકર દલદલમાં ડુબાડી દીધો છે. પરંતુ હિંદુદર્શનશાસ્ત્ર અને આધ્યાત્મિક દૃષ્ટિસંપન્ન મનીષીઓ ઉદાત્ત કંઠે ઘોષણા કરે છે : ‘ત્યાગેનૈકેન અમૃતત્વમાનશુ: ન ધનેન, ન પ્રજયા, ન ચ ઇજ્યા – અમરત્વ ધનથી, સંતતિથી કે યજ્ઞયાગાદિથી પ્રાપ્ત થઈ શકતું નથી; એ તો માત્ર વૈરાગ્યથી જ પ્રાપ્ત થઈ શકે છે.’ આ શક્તિશાળી માનવનું અંતરનું અસલ રૂપ વૈજ્ઞાનિકોની પ્રયોગશાળામાં જોઈ કે પકડી શકાતું નથી. એકમાત્ર અકલાંત સાધના અને અંતરની દિવ્યદૃષ્ટિની સહાયથી એ દિવ્યસ્વરૂપનો અલ્પમાત્ર પરિચય મેળવવો શક્ય બને છે. આ દિવ્યસ્વરૂપનો પરિચય શ્રીરામકૃષ્ણનાં અંતરંગ ભક્તસાધિકા અઘોરમણિદેવીની ભક્તિરસામૃતથી ભર્યાં જીવનમાં ચરમ અનુભૂતિ દ્વારા સુપ્રમાણિત થયો છે. આ મહામહિલા ભક્તસમૂહમાં ‘ગોપાલેર મા – ગોપાલની મા’ ના નામે જાણીતાં થયાં છે. ઈ.સ. ૧૮૨૨માં દક્ષિણશ્વરથી નજીક સુરધુનિના તીરે કામારહાટિ ગામમાં એક બ્રાહ્મણપરિવારમાં એમનો જન્મ થયો હતો. નવમા વર્ષે તેમનાં લગ્ન થયાં અને અલ્પ સમયમાં વૈધવ્ય મળ્યું. પિતાના ઘરે શૂન્યપ્રાણે પાછાં આવ્યાં. યશોદા દુલાલ બાલગોપાલના ધ્યાનમાં પોતાનું જીવન સમર્પિત કરવાની ઝંખના સેવતાં હતાં. થોડા સમયમાં કોલકાતા નિવાસી ગોવિંદ દત્તે નિર્માણ કરેલ કામારહાટિનું રાધામાધવનું મનોરમ મંદિર જ તેમનું સાધનાક્ષેત્ર બની ગયું. ઘણા લાંબા સમય સુધી અવિરત ભક્તિભાવે બાલગોપાલની પ્રેમભક્તિ અને તેમના ચિંતનમાં નિમગ્ન રહેતાં હતાં. દક્ષિણેશ્વર આવીને ઈ.સ. ૧૮૬૪માં આ પરમ ભક્તિમતી મહિલાએ એકવાર શ્રીરામકૃષ્ણદેવનાં દર્શન કર્યાં હતાં. ત્યારથી માંડીને નિયમિત રીતે કામારહાટિથી દક્ષિણેશ્વર આવાગમનના પરિણામ સ્વરૂપે બંને વચ્ચે એક અપૂર્વ પ્રેમભક્તિ સ્થાપિત થઈ. ઋતુરાજ વસંતનું આગમન થઈ ચૂક્યું છે, પ્રકૃતિમાંથી પ્રસ્ફુટિત થતી સુષમાએ માનવપ્રાણમાં એક અપૂર્વ આનંદ અને ઉલ્લાસ ભરી દીધાં છે. આ વસંતકાળના એક બ્રાહ્મમુહૂર્તે જપાદિ પછી આ અઘોરમણિ દેવીને સ્પષ્ટ દર્શન થયું કે શ્રીરામકૃષ્ણદેવ તેમની ડાબી બાજુએ આવીને બેઠા છે. વિસ્મિત અને પુલકિત ચિત્તે એમનો સ્પર્શ કરવાથી જ એ ભગવતી નારીએ જોયું કે શ્રીરામકૃષ્ણના દેહમાંથી નવનીતકોમલ, અદ્‌ભુત અધર કાંતિવાળી, અપૂર્વ ગોપાલકૃષ્ણની મૂર્તિ બહાર આવી ને તેમના ખોળામાં કૂદીને બેસી ગઈ. ગોપાલકૃષ્ણના અધરમાંથી મૃદુમધુર હાસ્ય નિષ્પન્ન થતું અને તેમનાં નયનયુગલમાંથી જાણે કે અમૃત ટપકતું હતું. જળથી ભરેલાં નીલ વર્ણનાં વાદળાં જેવી વર્ણકાંતિ, લલિત-મધુર-સ્નિગ્ધ દૃષ્ટિ, રક્તોત્પલસમ ચરણયુગલ, બે સુકોમળ હસ્તથી રચેલી અમૃતભંગી –  આ બધાં દ્વારા બાલકૃષ્ણે એક અનન્ય સ્વર્ગીય સૃષ્ટિનું નિર્માણ કરી દીધું છે.

એ કેવો મધુર સ્પર્શ! બ્રાહ્મણીના રોમેરોમ અને નસેનસમાંથી એ મધુર સ્પર્શનો વિદ્યુત પ્રવાહ વહી રહ્યો. આનંદથી આત્મહારા બનીને ગોપાલકૃષ્ણને પોતાની છાતી સરસા ચાંપ્યા. ગોપાલકૃષ્ણમાં ડૂબી જઈને એમની આ વિશ્વજગતની સ્મૃતિ ક્યાંય ચાલી ગઈ! બાળપણથી જ ગોપાલકૃષ્ણનાં દર્શન માટે કેટકેટલી નિદ્રાવિહીન રાત્રીએ પોતાની આંખોમાંથી પ્રેમભક્તિનાં આંસું વહાવ્યાં હતાં! આજે એ જ ચિરવાંછિત પ્રેમઘનતનુ, નવદુર્વાદલ જેવા શ્યામસુંદર એવા ગોપાલકૃષ્ણે ક્રીડાંચલમાં ગોપાલ વેશે આલિંગનમાં લઈને તેમને અમાપ પ્રેમભક્તિના બંધને બાંધી દીધાં છે. આજે જ જાણે એમના જીવનની સમગ્ર આકાંક્ષાઓની પરમપૂર્તિ થઈ ગઈ છે! આનંદથી આત્મભાન ભૂલેલાં, ભગવત્પ્રેમઘેલાં, એવાં અઘોરમણિ દેવી ગોપાલકૃષ્ણના ભાવે ઊર્ધ્વશ્વાસે શ્રીરામકૃષ્ણની સાધનાપીઠ દક્ષિણેશ્વરમાં ઉતાવળે દોડતાં દોડતાં ગયાં. શ્રીરામકૃષ્ણનું આ જ ગોપાલકૃષ્ણ રૂપ એમના જીવનમાં અનંત આનંદની ઘનીભૂત મૂર્તિ બનીને આવ્યું. આ અનુભૂતિનો મર્મ આ ભૌતિકવાદી જગત કેવી રીતે સમજી શકે? કેવી વિચિત્ર લીલા! કેવા કેવા અદ્‌ભુત ખેલ! એ બંને વચ્ચે આ દિવ્યલીલામાં કેટલો સમય વીતી ગયો એ કોણ જાણી શકે? આજે શ્રીરામકૃષ્ણમાં ગોપાલકૃષ્ણના રૂપને નીરખીને ભગવત્પ્રેમમાં ઉન્મત્ત બનેલાં અઘોરમણિનું વૈકુંઠમાં વસતું મન અનન્ય શાંતભાવ અનુભવે છે. ઈ.સ. ૧૯૦૬માં ગોપાલની મા (અઘોરમણિ દેવી) જ્યારે બાગબજારમાં આવેલ ભગિની નિવેદિતાના નિવાસસ્થાને અંતિમ કાળે શય્યામાં સૂતેલાં ત્યારે શ્રીમા શારદાદેવીના સ્નેહમય ખોળામાં પોતાનું માથું રાખીને ગોપાલની મા આ શબ્દો બોલ્યાં: ‘ગોપાલ, તું આવ્યો! આવ્યો ખરો! આટલા દિવસ તું મારા ખોળામાં બેઠો હતો, આજે તમે મને તમારા ખોળામાં લો!’ પવિત્ર ભાગીરથીના તીરે તેમનો દેહ પાવન જળમાં વિલીન થઈ ગયો. કલકલ નિનાદે વહેતી સુરગંગાના મૃદુલતરંગ ધ્વનિ સાથે એમનો અંતિમ શ્વાસ ભળી ગયો. એમની જીવનસૌરભથી ચારે દિશાઓ પ્રસન્ન અને સુરભિત થઈ ગઈ.

યોગિન મા

પૃથ્વી પર જન્મ ધારણ કરીને શ્રીરામકૃષ્ણની દિવ્ય લીલામાં સહભાગી બનનાર સદ્‌ભાગી નારીઓમાં યોગીન્દ્ર મોહિની વિશ્વાસ એક અન્યતમ નારી હતાં. તેઓ પછીના કાળમાં ભક્ત સમુદાયમાં ‘યોગીન મા’ંના નામે પ્રસિદ્ધ થયાં હતાં. શ્રીરામકૃષ્ણે કહ્યું હતું: ‘યોગીન કોઈ સામાન્ય નારી નથી. ક્યારેય ન સુકાતાં, ધીમે ધીમે ખીલતાં અને પોતાની સૌરભને સર્વ દિશામાં ફેલાવતાં વિશાળ સહસ્રદલકમલ જેવાં તેઓ છે. વાસ્તવિક રીતે યોગીનમાનું જીવન આપણને વૈદિક યુગનાં બ્રહ્મવાદિની અને મંત્રદૃષ્ટા નારીઓનું સ્મરણ કરાવે છે. એમની અપૂર્વ આધ્યાત્મિક અનુભૂતિઓએ ભારતના આધ્યાત્મિક ઇતિહાસમાં એ નારીઓને અમર બનાવી દીધી છે. સેવા અને જ્ઞાનની સાથે ચારિત્ર્યનાં સંયમ અને માધુર્યના સંગમવાળું એમનું વ્યક્તિત્વ સૌ કોઈ માટે પ્રિય અને આદર પાત્ર બની ગયું છે.

સમાજના કાર્યના કોલાહલથી ભરેલા વાતાવરણમાં આવું નિરાડંબર, શાંત, ગંભીર, આધ્યાત્મિક ભાવથી મંડિત થયેલું જીવન અતિ વિરલ છે. યોગીન માનું પૂર્વ નામ યોગીન્દ્ર મોહિની મિત્ર હતું. જાન્યુઆરી, ૧૮૫૧માં ઉત્તર કોલકાતાના એક સુપ્રસિદ્ધ ધનાઢ્ય ચિકિત્સક પરિવારમાં એમનો જન્મ થયો હતો. યૌવનકાળે ખડદહના પ્રસિદ્ધ જમીનદાર વંશના અંબિકાચરણ વિશ્વાસ સાથે એમનાં લગ્ન થયાં. એમના પતિ ઉડાઉની જેમ ખુલ્લે હાથે ધન વાપરતા, અસંયમી અને ઉચ્છૃંખલ જીવન જીવતા હતા. એટલે આ પરિવારમાં એમના જીવનનાં સુખશાંતિનો પથ કંટકપૂર્ણ બની ગયો. યોગીન્દ્ર મોહિનીને અંતે કોઈ ઉપાય ન સૂઝતાં પિયરમાં આશરો લેવો પડ્યો. સંસારના અભદ્રખેલની સાથે એમના અંતરમાં રહેલી અકાટ્ય આધ્યાત્મિક ક્ષુધાએ એમને શ્રીરામકૃષ્ણદેવનાં ચરણકમળો પ્રત્યે આકર્ષિત કર્યાં અને તેઓ એમનાં શ્રીચરણકમળમાં આવ્યાં. શ્રીરામકૃષ્ણે પોતાની દિવ્ય દૃષ્ટિની સહાયથી જોયું કે યોગીનમાનું ભાવિ જીવન આધ્યાત્મિક સંભાવનાઓથી ભરેલું છે. એટલે જ શ્રીઠાકુરના નિર્દેશ પ્રમાણે યોગીનમા શ્રીમા શારદાદેવીનાં સેવિકા અને સંગિની રૂપે દક્ષિણેશ્વરના કાલીમંદિરના નાનકડા એવા નોબતખાનામાં કઠોર સાધના માટે રહેવા લાગ્યાં. યોગીનમાને સંગિની રૂપે મેળવીને શ્રીમાને શાંતિનો શ્વાસ લેવા મળ્યો. શ્રીરામકૃષ્ણની મહાસમાધિ પછી યોગીનમા પ્રત્યેક પળે શ્રીમાને એક છાયાની માફક અનુસરતાં. બેલૂર મઠ પાસે આવેલા નીલાંબર મુખર્જીના મનોરમ ઉદ્યાનગૃહમાં શ્રીમા શારદાદેવી સાથે — એમણે પંચતપાતપ કર્યું હતું, શ્રીવૃંદાવન ધામમાં કઠોર તપસ્યા કરીને ગંભીર અનુભૂતિ પામ્યાં હતાં, પ્રયાગના ત્રિવેણી સંગમમાં છ માસ સુધી કઠોર સાધના કરી હતી, બાગબજારના મહોલ્લામાં નવનિર્મિત માતૃમંદિર – ઉદ્‌બોધનમાં અથક ભક્તસેવા કરી હતી. આ બધાંને લીધે યોગીનમાનું અવર્ણનીય ચરિત્ર માધુર્યરસ ભરપૂર બની ગયું. વૃંદાવન ધામના લાલાબાબુના મંદિરમાં ભાવાવસ્થા દરમિયાન થયેલ દિવ્ય અનુભૂતિ વિશે એમણે પોતે જ પોતાના શબ્દોમાં આમ કહ્યું છે: ‘મારું મન એવા ગહન ધ્યાનમાં ડૂબી જતું કે હું મારા ઈષ્ટ શ્રીકૃષ્ણને સર્વ પ્રાણીઓમાં હાજરાહજૂર જોતી.’ આ સાંભળીને સ્વામી વિવેકાનંદે એકવાર તેમને કહ્યું: ‘યોગીનમા, તમે મહાસમાધિમાં રહીને દેહત્યાગ કરશો. એકવાર જેમને પણ આ અતીન્દ્રિય સમાધિભાવનું સૌભાગ્ય સાંપડ્યું છે તેઓ મૃત્યુની પળે પણ આ મધુમય દિવ્યાનુભૂતિ તેમના અંતરમાં જાગ્રત થઈને તેમને બ્રહ્માનંદના અધિકારી બનાવે છે.’ એમના પરમ આત્મીય બાલગોપાલ પોતાના બે કુસુમકોમલ હસ્ત દ્વારા એમને નિબિડ આલિંગનમાં લે છે, આવી પ્રત્યક્ષ અનુભૂતિ યોગીનમા ધ્યાનમાં કરતાં. શ્રીમાની મહાસમાધિ પછીનાં ૪ વર્ષ સુધી યોગીનમા આ ધરાધામ પર જીવતાં રહ્યાં. સંસારતપ્ત શત શત નરનારીઓના પ્રાણને પરમ શાંતિ અને તૃપ્તિનો અનુભવ કરાવ્યો; અને એમણે જૂન, ૧૯૨૪માં આ સંસાર-રંગમંચ પરથી ચિરવિદાય લીધી. ભગિની દેવમાતાએ પોતાના પુસ્તકમાં સાચે જ આમ કહ્યું છે : ‘આવુંં આધ્યાત્મિક જીવન એ એક નિર્મળ સરોવર જેવું કહેવાય. પ્રચંડ સૂર્ય પોતાનાં પ્રખર કિરણોથી સરોવરના નીરને શોષી લે છે, પરંતુ એ જ વારિરાશિ શીતલ બનીને ફરી પાછું આ ધરા પર વરસીને ધરતીને ભીંજવી દે છે અને શસ્યશ્યામલા બનાવી દે છે. આવું આધ્યાત્મિક જીવન કાળના કઠિન સ્પર્શને લીધે લોકોની નજરે ઓઝલ બની શકે પણ એમનાં પવિત્ર, સાર્થક આધ્યાત્મિક જીવન દીવાદાંડી બને છે, પથભૂલેલા પથિકને પથપ્રદર્શન કરાવે છે અને પોતાના જીવનના મૂળ ઉદ્દેશ્યનું અનુસંધાન કરાવી આપે છે.’ વાસ્તવિક રીતે શ્રીમા અને ઠાકુરના હાથે ઘડાયેલ ભક્તિવાળાં યોગીનમાએ નારીસમાજને જે અનિંદ્ય, સુંદર ઉચ્ચ આદર્શ બતાવ્યો છે, એ આદર્શ સંસારના બધા પથયાત્રીઓ માટે શાશ્વત જીવનપાથેય બની રહે તેવો છે.

(ક્રમશ:)

Total Views: 68

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.