પર્યુષણ પર્વ પ્રસંગે

‘ઉત્સવ પ્રિય જનાઃ’ – ‘લોકો ઉત્સવના રસિયા હોય છે.’ – એમ કહીને કવિ કુલગુરુ કાલિદાસે માણસની ઉત્સવપ્રિયતાનો મહિમા ગાયો છે. ઉત્સવો માનવીના જીવનને એકધારાપણામાંથી મુક્તિ અપાવે છે, દરરોજની રગશિયા પ્રવૃત્તિને નાવીન્ય અર્પે છે- તાજગી આપે છે. પરિણામ સ્વરૂપ દરેક ધર્મ અને દેશના ભિન્ન ભિન્ન ઉત્સવોનું આયોજન થાય છે. કાકાસાહેબ કાલેલકરે ‘જીવતા તહેવારો’માં આ ઉત્સવોને જીવંત કર્યા છે. સામાન્યતઃ ઉત્સવના દિવસે લોકો ખાણીપીણી, મોજમજા, નવવસ્ત્રપરિધાન, દેવદર્શન અને મિત્રો સંબંધીઓને મળવા જેવી પંચવિધ પ્રવૃત્તિઓમાં રચ્યાપચ્યા રહે છે; પર્યુષણપર્વ આમાં નૂતન ચીલો પાડે છે. તેથી જ તેને ઉત્સવને બદલે ‘પર્વ’ કહેવામાં આવે આ ‘ઉત્સવ’ અને ‘પર્વ’ વચ્ચેનો ભેદ પણ સમજવો પડશે.

‘જોડણી કોશ’ મુજબ તો પર્વ એટલે પવિત્ર દિવસ અને ઉત્સવ એટલે આનંદનો દિવસ એવો સાદો અર્થ છે, પરંતુ તેને જરા વિસ્તારથી સમજીએ. ઉત્સવની ઉજાણી હોય છે, ઉત્સવમાં રંગરાગ હોય છે અને આનંદનો માહોલ હોય છે. પશ્ચિમના ઉત્સવોમાં તો લોકો છાકટા બની નાચગાન સાથે શરાબની છોળો ઉડાડતા હોય છે. માણસનું વરવું સ્વરૂપ પૂરબહારમાં જોવા મળે છે ઉત્સવોમાં મોટાં શહેરોમાં, આપણે ત્યાં પણ કેટલાક ઉત્સવોમાં આવું અંધ અનુકરણ જોવા મળે છે. પર્વમાં ઉપાસના હોય છે, સાધના હોય છે, આત્માને ઉજાળતી અને અજવાળતી પ્રવૃત્તિઓમાં નિમગ્ન બનવાનું હોય છે. ઉત્સવમાં ઘરમાં અને દેવસ્થાનોમાં દીપક પ્રગટાવવામાં આવે છે. બાહ્ય રોશનીથી સમગ્ર વાતાવરણને ઝાકમઝોળ બનાવવામાં આવે છે. જ્યારે પર્વમાં હૈયે રોશની કરવાની હોય છે. પોતાના દોષોને શોધી શોધીને પ્રજાળવાના હોય છે. ગુણગ્રાહી બનીને અન્યના ગુણોને આત્મસાત્ કરવાના હોય છે. ઉત્સવમાં ખાણીપીણીના જલસા હોય છે, જાતજાતનાં અને ભાતભાતનાં પકવાનો પર માણસો તૂટી પડે છે! પહોંચ ન હોય છતાં પણ માણસ મિજબાની ઉડાવે છે. પર્વમાં તો તપત્યાગનો મહિમા છે. સ્વાદ પર વિજય મેળવવા વ્રત અને ઉપવાસ પર ભાર છે. અલ્પાહાર કરીને આત્મસાધનામાં નિમગ્ન રહેવાનું હોય છે. ઉત્સવમાં સ્નેહમિલન થાય છે, સગાં સંબંધી અને મિત્રો ભાવપૂર્વક અભિવાદન કરે છે, ભેટે છે. પર્વમાં તો વેરનાં વિસર્જન ૫૨ભાર છે. મન, વચન, અને શરીરથી કોઈને પણ દુભવ્યા હોય તો, દુણ્યા હોય તો તેમની અંતરના સાચા ભાવથી ક્ષમા યાચવાની હોય છે, સંક્ષિપ્તમાં તો એમ કહી શકાય કે ઉત્સવ બાહ્ય ભાવના પોષે છે જ્યારે પર્વ આત્મભાવને સમૃદ્ધ બનાવે છે.

કેટલાક જૈનોને મતે તો પર્યુષણ ‘પર્વાધિરાજ’ છે, કારણ કે જીવનનું ધ્યેય – ધ્રુવ સતત આંખ સામે રહે એવી પ્રવૃત્તિઓની હારમાળા આ આઠ દિવસ હોય છે. પોતે પોતાના, નિજ સ્વરૂપને ઓળખે અને આત્માની મુક્તિની ઝંખના – મોક્ષનો તલસાટ જાગે છે. ક્ષણભરને માટે પણ પ્રમાદાધીન ન બને એવી તકેદારી આ આઠ દિવસ દરમિયાન રાખવાની હોય છે. એમાંયે પહેલા ત્રણ દિવસ જૈનધર્માવલંબી શ્રાવકે પાંચ કર્તવ્યો કરવાનાં હોય છે : (૧) અમારિ પ્રવર્તન (૨) સાધર્મિક વાત્સલ્ય (૩) ક્ષમાપના (૪) અઠ્ઠમ તપ (૫) ચૈત્ય પરિપાટી.

હવે આ પ્રત્યેક કર્તવ્યને સમજવા પ્રયાસ કરીએ.

અમારિ પ્રવર્તન : આજે જગતમાં ઠેર ઠેર હિંસા પ્રવર્તી રહી છે. અરણ્યમાં વસતા પશુઓ એકબીજાના જીવ માટે તલસતાં હોય છે, તેથી યે વિશેષ પ્રમાણમાં માનવી માનવીનો જીવ લેવા અધીરો બન્યો છે. સંસ્કૃતિની હજારો વર્ષની મજલ કાપ્યા પછી પણ માનવની આ હિંસકવૃત્તિ શમી જવાને બદલે ઉછાળા મારી રહી છે. આવા સમયે અહિંસાનો સંદેશ વિશ્વનો એક માત્ર આધાર છે. ‘શમે ના વેરથી વેર’ એ આજની ધ્રુવપંક્તિ બનવી જોઇએ, ડગલે ને પગલે માનવે આંખ સામે રાખવી જોઈએ. જગતના લોકો, દેશો માત્ર અહિંસાની જ વાત સાંગોપાંગ સમજે અને જીવનમાં ઉતારે તો પૃથ્વી પર સ્વર્ગથી અદકેરું વાતાવરણ સર્જી શકાય. કલિંગના યુદ્ધમાં સંહાર પછી સમ્રાટ અશોકનો આત્મા કકળી ઊઠયો અને યુદ્ધ ન કરવાની ભીષ્મ પ્રતિજ્ઞા લીધી. આજના આણ્વિક શસ્ત્રોને કારણે વિશ્વ આખું થરથરે છે. ૬ઠ્ઠી ઑગસ્ટ ૧૯૪૫ના દિવસે હિરોશીમા ૫૨ ત્રાટકેલા અણુબૉમ્બને કારણે ૭૮,૦૦૦ માણસો તત્કાળ મૃત્યુને શરણ થયા. ત્રીજા દિવસે જ ૯મી ઑગસ્ટે નાગાસાકી પર ઝીકલા બૉમ્બે અડધું નગર સાફ કરી નાખ્યું હતું. આજે તો આ કરતાં પણ ભયંકર એવાં વિનાશક શસ્ત્રો-અસ્ત્રો સર્જાઈ ચૂક્યાં છે. આને કારણે પ્રતિવર્ષ કેટલી જાનહાની થાય તે સૌ કોઈ જાણે છે, છતાં પણ કોઇના પેટનું પાણી હલતું નથી! કેવો નીંભર બન્યો છે માનવ! સમયના વહેણમાં અહિંસાના આચરણ માટે કદાચ આજની પળ જેવી તાતી જરૂરિયાત ક્યારેય ઊભી નહિ થઇ હોય એ વાત માનવે યાદ રાખવી જોઈએ.

બેફામ ચાલતી પશુહિંસાથી નિષ્ઠુર બનેલું માનવ હૃદય હવે કૂણું બને તો સારું. પ્રયોગોને નામે અનેક નિર્દોષ પ્રાણીઓની કતલ થાય છે. પ્રજ્વલિત બુભૂક્ષાવાળો માનવી પશુઓનું માંસ આરોગી મજબૂત બનવા જાય છે. આ સૃષ્ટિ પર જીવવાનો અધિકાર માત્ર માનવીને જ હોય અને શેષ જીવસૃષ્ટિ પોતાના ઉપભોગ માટે જ હોય તેમ સમજીને માણસ જીવે છે. ઓછું ઉત્પાદન આપતું ઢોર કતલખાને જ શોભે એવું અર્થશાસ્ત્રીય વલણ જીવનનું મૂલ્ય બનતું જાય છે. માનવે પ્રાચીન મહર્ષિઓનો સંદેશ યાદ રાખવો પડશે કે, બીજાના મોત પર પણ જલસાથી જીવવાની વૃત્તિ તે વિકૃતિ છે. ‘જીવો અને જીવવા દો’ તે સંસ્કૃતિ છે અને જાતે મરીને પણ બીજાને જીવાડો તે સાચા ધર્મનો સંદેશ છે. કવિશ્રી ઉમાશંકર જોશીનું ‘વિશ્વશાંતિ’ કાવ્ય યાદ કરીએ :

વિશાળે જગવિસ્તારે નથી એક જ માનવી :
પશુ છે, પંખી છે, પુષ્પો, વનોની છે વનસ્પતિ!

અને કવિ ચેતવણી આપતાં કહે છે :

પ્રકૃત્તિમાં રમંતા એ દુભાશે લેશ જો દિલે,
શાંતિની સ્વપ્નછાયાયે કદી માનવને મળે?

પશુહિંસાથી આગળ વધી માનવી ભ્રૂણ હત્યા સુધી પહોંચ્યો છે. ગર્ભમાંના બાળકની જાતિ અણગમતિ હોય કે બાળક ન જોઈતું હોય તો વિજ્ઞાનના સહારે તેની હત્યા કરવામાં આવે છે! કદાચ આ જ વલણ ચાલુ રહેશે તો ૫૦ વર્ષ પછી તો સ્ત્રી-પુરુષની ટકાવારી ઘણા મોટા પ્રશ્નો ઊભા કરશે.

સાધર્મિક વાત્સલ્ય : પશુઓમાં બીજાંઓનું ઝૂંટવી લેવાની વૃત્તિ પ્રબળ જોવા મળે છે. શ્વાન ક્યાંકથી રોટલો લઇ આવે તો આસપાસના શ્વાન સહન કરી શકતા નથી – તેના પર તૂટી પડે છે. હિંસક પ્રાણીના મારણમાં ભાગ પડાવવા અન્ય પ્રાણીઓ તડપી રહ્યાં હોય છે. આજે માનવમાં પણ આ વૃત્તિએ વિશેષ જોર કર્યું છે. બીજાના ભોગે પોતાને સુખી બનવાની લાલસા પ્રબળતર બનતી જાય છે. ‘તેન ત્યકતેન ભુંજીયા:’ જાણે ભુલાઇ રહ્યું છે. અમેરિકા સમૃદ્ધ હોય તેની ઇંગ્લેન્ડને કે ચીનને અદેખાઇ છે. ગુજરાત સમૃદ્ધ હોય તો પડોશી રાજ્યોને ઇર્ષ્યા થાય છે. ‘મારું ગમે તે થાવ, તે તો માલદાર ન જ થવું જોઇએ.’ – આવું બીજાને સુખે દુઃખી થવાનું વલણ ચરમ સીમાએ પહોંચ્યું છે, ત્યારે સાધર્મિક વાત્સલ્ય આવશ્યક છે. પોતાની સંપત્તિનો હિસ્સો સ્વધર્માનુરાગીઓમાં વહેંચવો, તેમનું બહુમાન કરવું, સૌએ એક પંગતે બેસી ભોજન લેવું તે આનો હેતુ છે. શાણા જૈનો આ ભાવનાને થોડી વિસ્તૃત કરી માનવ વાત્સલ્યમાં પલટાવે તો સોનાનો સૂરજ ઊગે.

ક્ષમાપના : પશુઓમાં જાતિવૈરની વૃત્તિ જોવા મળે છે. સાપ અને નોળિયો, કૂતરો અને બિલાડી કે વાઘ અને બકરી અન્યોન્ય વેરભાવનાને પાળે છે, પોષે છે અને સંવર્ધે છે. આ વારસો માનવીએ પણ જાળવ્યો છે! હા, અમેરિકા જેવા દેશમાં પણ રંગભેદનું બિહામણું સ્વરૂપ જોવા મળે છે. સ્વાતંત્ર્યના પચાસમા વરસે પણ ભારતમાં જાતિ-જાતિ વચ્ચેનું વૈમનસ્ય ઘટતું નથી, વધે છે. ભિન્ન ભિન્ન જાતિને ઉતારી પાડતી કહેવતો અને ટુચકાઓ ભાષાની સમૃદ્ધિ ગણાય છે! અછૂતો અને આદિવાસીઓ પ્રત્યેના વણલમાં તલભાર પણ ફેરફાર જોવા મળે છે ખરો? આવે સમયે પ્રાણી માત્ર પ્રત્યે ક્ષમાપનાની ભાવના કેળવવી એ કેટલું બધું ઔદાર્ય અને હૃદયની વિશાળતા માગી લે છે? ‘હું સર્વ જીવોને ક્ષમા આપું છું અને સર્વ જીવો મને ક્ષમા આપે’ આ ભાવના જ આજના માનવની બુનિયાદને ઊલટાવી શકે, પલટાવી શકે. આ ભાવના જો સાંગોપાંગ સ્વીકારાય તો પર્યાવરણનો પ્રશ્ન ઊકલે, હથિયારોની હોળી થાય, માનવમાત્ર, સંતોષપૂર્વક, સમતાથી અને સુખેથી જીવી શકે. પરંતુ કૂદાકૂદ કરતો માનવનો ‘અહમ્’ આ ક્ષમાપનાને ઔપચારિક બનાવી દે છે. ખરેખર અંતઃકરણથી જેમની ક્ષમા યાચવી જોઈએ તેને બદલે ઈતર જનોની ક્ષમાપનામાં રાચે છે. આજનો યુવાન કોઈ વૃદ્ધજન સાથે સ્કૂટર ભટકાડી દઈ ‘સૉરી પ્લીઝ’ કહે, એવી કૃત્રિમ ક્ષમાપના આજે જોવા મળે છે. હૃદયના ઊંડાણમાંથી ખેલદિલીપૂર્વકની ક્ષમાપના આવે તો માનવમાત્રનું હૃદય પરિવર્તન થાય. મહાપુરુષો અને સંતો દુશ્મનોને પણ દોસ્ત બનાવે છે તેની ગુરુચાવી આ ક્ષમાપના છે. કબીરજીએ કહ્યું છે, ‘જહાં છિમા તહીં આપ.’ જ્યાં ક્ષમા છે ત્યાં પ્રભુનો જ સાક્ષાત્ વાસ છે. શાસ્ત્રોમાં કહ્યું છે કે ‘ક્ષમા વીરસ્ય ભૂષણમ્’ – એટલું જ શા માટે? મનુષ્ય માત્રનું એ આભૂષણ/ગુણ બને તો જીવનમાં શાંતિ, સુખ અને સમૃદ્ધિનો પાર ન રહે. પર્યુષણના પર્વે આ ક્ષમાપનાની પ્રવૃત્તિ – કર્તવ્યનું સાચા અર્થમાં વિસ્તરણ થાય તે ઈચ્છનીય છે. શાસ્ત્રોમાં ક્ષમાના પાંચ પ્રકાર બતાવ્યા છે. (૧) ઉપકાર ક્ષમા (૨) અપકાર ક્ષમા (૩) વિપાક ક્ષમા (૪) વચન ક્ષમા (૫) ધર્મ ક્ષમા. પહેલી ત્રણ પ્રકારની ક્ષમા તો મિથ્યાદૃષ્ટિ જીવને પણ હોઈ શકે છે. છેલ્લી બે ક્ષમા સમ્યક્દર્શનની પ્રાપ્તિ વિના સંભવતી નથી. અહીં એટલું જ કહીએ કે ક્ષમા જ્યારે માનવનો સ્વભાવ બનશે ત્યારે આત્માના પ્રદેશોમાંથી પ્રસન્નતાની છોળો ઊડશે, મુકિત વલ્લભવિજયજી એક પુસ્તકમાં લખે છે કે, ‘ક્ષમા જેણે આત્મસાત્ કરી છે તેને કોઈ કાપે કે બાળે, ચામડી ઊતરડે કે ઘાણીમાં પીલે, તેમના આત્મામાંથી ક્ષમાની સૌરભ જ પ્રસરતી હોય છે.’

અઠ્ઠમ તપ : આજે ભોગવિલાસ અને મોજશોખમાં જ મોટાભાગના માનવીઓ રમમાણ રહે છે : ‘આજનો લહાવો લીજીએ રે કાલ કોણે દીઠી છે!’ કે ‘દેવું કરીને પણ ઘી પીવો’ ‘ઋણં કૃત્વા ધૃતં પીબેત’ ‘અરે ભાઈ, પેલો ભસ્મિભૂત થયેલો દેહ પાછો ક્યાં આવવાનો છે!’ આવી ચાર્વાકની ફિલસૂફી આજના મોટા ભાગના માનવીનો જીવનમંત્ર બની ગયો છે. આવા સંજોગોમાં યથાશક્તિ એક દિવસ, ત્રણ દિવસ કે એક માસના ઉપવાસ કરવા અને શરીરને નીરોગી બનાવી, આત્માને ઉજ્જવલ બનાવતી પ્રવૃત્તિમાં રમમાણ રહેવું એવો આ તપનો ઉદ્દેશ છે. આ ઉપવાસ એ લાંઘણ નથી પરંતુ સમજપૂર્વક શરીરને સંયમ કેળવવાની સાધના છે. ચંચલ મન વિચલિત ન થાય તેવી કર્મપ્રધાન પ્રવૃત્તિની હારમાળા છે, તો બીજી બાજુ આ તપના દિવસોમાં આત્માની ઉન્નતિનું સતત ચિંતન થાય તેવી ગુરુ સાંન્નિધ્યની પ્રેરણા પણ છે. તેથી જ આવા તપ દરમિયાન સાધુ ભગવન્તોનો સહવાસ ઈચ્છનીય છે. દુઃખની વાત છે કે આજે મોટેભાગે તો આવી તપશ્ચર્યાઓ માત્ર વિધિવત્ કે ચીલાચાલુ પ્રક્રિયા બની ગઈ છે; તેની પાછળનું પ્રાણતત્ત્વ ભુલાઈ ગયું છે. પ્રત્યેક ધર્મે ઉપવાસનું મહત્ત્વ સ્વીકાર્યું જ છે. ઈસ્લામ ધર્મમાં રમજાન માસમાં રોજા કે ખ્રિસ્તીઓમાં ‘ફાસ્ટ’ પાછળ પણ એકાન્ત અને પ્રભુચિંતનનો હેતુ છે. પર્યુષણમાં પણ આ હેતુ સચવાય તો જીવનની દિશા બદલી જાય.

ચૈત્યપરિપાટી : મોટા ભાગના માનવીઓમાં ધ્યેયહીનતા જોવા મળે છે. માણસ ગતાનુગતિક જીવન જીવતો હોય છે જાણે કે જીવનનો ઢસરડો કરતો હોય છે. પોતાને આ જન્મ કોઈ ચોક્કસ ધ્યેયની પ્રાપ્તિ અર્થે મળ્યો છે અને તેની સિદ્ધિ માટે પ્રયત્નશીલ રહેવું જોઈએ, એવું બહુ ઓછાના જીવનમાં જોવા મળે છે.

પ્રભુ ના દો તો ન દેશો દર્શન તમારા અને આ જન્મે મારા;
પણ મિલન હજુ નથી થયું તમારું, એવા ભણકારા રહેજો જીવનમાં મારા

(ટાગોર)

– આવું કોઈ ધ્યેય જો માનવના જીવનમાં હોય તો તેને માનવમાંથી મહામાનવ બનવાનો અધિકાર છે. આ ભાવના ચૈત્યપરિપાટીમાં જોવા મળે છે. ગામ કે શહેરમાં જેટલાં ભગવાનનાં ધામ હોય તે બધાંનાં દર્શનાર્થે જવું અને સતત પ્રાર્થના કરવી, ચિંતન કરવું કે, ‘પ્રભુ, તારા સુધી પહોંચવામાં મારી કોઈ ઊણપો છે – અધૂરપ છે કે જેથી હું પાછો પડું છું. હું શું કરું તો તારું પદ પામું?’ એ ખ્યાલ ક્ષણભરને માટે પણ ન ભુલાય તે આ ચૈત્યપરિપાટીનો મર્મ છે. જૈન-દર્શન માને છે કે, પ્રત્યેક આત્મા ૫રમાત્મા થવા માટે સર્જાયો છે. આ માટે તેણે સતત જાગૃતિ રાખવી જોઈએ. જો લોકશાહી માટે કહેવાનું હોય કે. Eternal vigilance is the price of liberty તો માનવમુક્તિ માટે કહેવાવું જોઈએ કે Eternal vigilance is the price of Salvation.

Total Views: 131

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.