(૧૯૫૩, જાન્યુઆરી માસના ‘વેદાંત કેસરી’માં પ્રકાશિત આ લેખના અનુવાદક છે શ્રી હર્ષદભાઈ પટેલ. ૨૬ જાન્યુઆરી, 2023એ સરસ્વતી પૂજા છે. આ ઉપલક્ષે આ લેખ આપની સમક્ષ પ્રસ્તુત છે. -સં.)

વૈદિક ૠષિઓની સરસ્વતીદેવી વિષયક વિભાવના અંતર્ગત દેવી શ્વેત પદ્મ પર બિરાજિત, હસ્તે વીણાધારિણી, હંસવાહિની અને શ્વેત વસ્ત્ર વિભૂષિત છે. આ અંગેની આધુનિક વિભાવના કંઈક જુદી છે. વેદોના મતાનુસાર ‘સરસ્વતી’ શબ્દનો અર્થ થાય—સરસ્વતી નદી અથવા વાક્‌દેવી (વાણીની દેવી). પશ્ચાદ્‌વર્તીકાળમાં આનું નિષ્પત્તિકરણ થયું જ્ઞાનદાયિનીદેવીના રૂપમાં. 

દીર્ઘકાળ પર્યંત વેદો ગ્રંથરૂપે શબ્દબદ્ધ થયા ન હતા અને ગુરુ દ્વારા શિષ્યને તેનું મૌખિક રૂપે અધ્યયન કરાવાતું. વેદપાઠમાં ઉચ્ચારણ અને સ્વરોક્તિ મહત્ત્વપૂર્ણ ગણાય. તેથી તેઓને જણાયું કે વાક્‌ની અધિષ્ઠાત્રી દેવીની કૃપા અત્યંત આવશ્યક છે. પરિણામ રૂપે તે દેવીને સંબોધિત કરાયેલ અનેક પ્રાર્થનાઓ રચાઈ. તે દેવીને પ્રજાપતિની શક્તિ તરીકે પરિકલ્પિત કરવામાં આવી તેથી તે જગતના સર્જનનું ઉત્તરદાયિત્વ ધરાવે છે. વળી, સર્વોચ્ચ સિદ્ધિપ્રાપ્તિ યથાર્થ માર્ગદર્શન અને સુયોગ્ય સમજશક્તિ પર નિર્ભર છે. તેથી સરસ્વતીદેવીની મહત્તાને ગુરુત્વ અપાયું. આપણને જોવા મળે છે કે આધુનિકકાળના હિન્દુધર્મમાંનાં વર્તમાન દેવદેવીઓનાં સ્વરૂપ વેદોમાં વિકાસના પ્રાથમિક સ્વરૂપે વર્ણિત હતાં. વર્તમાનકાળમાં દેવ-દેવીઓ વિષયક વિભાવના સવિશેષ સ્પષ્ટ અને સુનિશ્ચિત કરાઈ છે. ફળસ્વરૂપે અત્યારે તે પૂજકો માટેના નિશ્ચિત ઇષ્ટરૂપે સ્થાન પામી છે. દેવ-દેવીઓનું ધ્યાન કરીને ૠષિ-મંત્રદ્રષ્ટાઓને જે તે સ્વરૂપનાં સ્પષ્ટ દર્શન થયાં, તે સ્વરૂપનું વર્ણન તેમણે શબ્દોમાં કર્યું. આ છે બધી દેવ-દેવીઓની મૂર્તિની પશ્ચાદ્‌ભૂમિ. મહાભારત અને પુરાણોમાં આ વિભાવનાઓ સ્પષ્ટ કરાઈ છે. તે ગ્રંથોમાં ધાર્મિક જીવનના આચરણનું આલેખન થયું છે અને દેવ-દેવીઓનાં સ્વરૂપોનું વર્ણન-વિવેચન કરાયું છે. જો કે, આધુનિક વાચકને અપૂર્ણ કે અશુદ્ધ લાગે, છતાંય લોકોને દેવ-દેવી વિષયક પરિકલ્પના અને હિન્દુ ધર્મના કેટલાક મહત્ત્વપૂર્ણ સિદ્ધાંતો સમજાવવા વિભિન્ન કથાનકો દ્વારા પ્રયાસો કરવામાં આવ્યા છે. આપણને વિવિધ પુરાણોના માધ્યમથી સરસ્વતીદેવીની આરાધના અંગે વિશેષ જ્ઞાન પ્રાપ્ત થાય છે. તેમના આવિર્ભાવ અંગે વર્ણિત છે કે તેમનો પ્રાદુર્ભાવ માનસ સરોવરમાંથી થયો હતો. આપણને સાંભળવા મળે છે કે માનસ સરોવરમાં શ્વેત હંસોનો નિવાસ છે અને કહેવાય છે કે સરસ્વતીનું વાહન હંસ છે. વાસ્તવમાં આપણી સર્વ વાણીનું ઉદ્‌ગમસ્થાન મન છે તેથી ઉપર્યુક્ત પ્રતીકાત્મક વર્ણન સાર્થક જણાય છે. સૌ પ્રથમ આપણને મનમાં વિચાર સ્ફૂરે છે અને પછી આપણે એને શબ્દોમાં વ્યક્ત કરીએ છીએ. તેથી સામાન્યજનને સુગમ રીતે સમજ પડે એટલે આ સુયોગ્ય ભાવાત્મક રૂપક બતાવાયું છે. એક વખત એવો હતો કે કાશ્મીરના લોકો શિષ્ટ સંસ્કૃત ભાષા બોલતા હતા. તેથી સરસ્વતીદેવીનું નિવાસસ્થાન કાશ્મીર કહેવાયું છે-‘काश्मीर पुरवासिनी’. બધાં વૈદિક અનુષ્ઠાનો ‘વાચા’ પર નિર્ભર છે અને કહેવાય છે કે લોકોનું સર્વ શત્રુઓ સામે રક્ષણ કરીને સરસ્વતીદેવી યજ્ઞકાર્યોને ઉત્તેજન આપે છે.

સર્વોચ્ચ બ્રહ્મજ્ઞાન પણ સુયોગ્ય આત્મસાતીકરણ પર નિર્ભર છે. તેથી વ્યક્તિએ શ્રવણ કર્યા પછી શ્રુતજ્ઞાનને બુદ્ધિગમ્ય કરવાનું છે અને બૌદ્ધિક સામર્થ્ય અનુસાર તેને સુપેરે વિકસિત કરવાનું છે. આ રીતે વિચારોની અભિવ્યક્તિની ક્ષમતા કેળવવાની છે. તેથી આપણે જોઈએ છીએ કે આ બધા પ્રકારની શક્તિ મેળવવા માટે વાક્‌દેવીને સંબોધિત અનેક સ્તોત્રો રચાયાં છે. આમ ક્રમશ: જોવા મળે છે કે સરસ્વતીદેવીની ગણના ‘જ્ઞાનદાયિની’ તરીકે થઈ. ઉદાહરણ રૂપે આપણને બૃહદારણ્યક ઉપનિષદમાં વાંચવા મળે છે—

वाचैव सम्राट् ब्रह्म जनायते।
वाग् वै सम्राट् ब्रह्म।।

અર્થાત્‌, ઓ સમ્રાટ! વાણી દ્વારા બ્રહ્મનું જ્ઞાન થાય છે. ઓ સમ્રાટ! વાણી પૂર્ણ બ્રહ્મ છે. 

સરસ્વતી બ્રહ્મજ્ઞાનનો સ્રોત છે. તેથી કહેવાય છે કે તેનું સર્જન થયું નથી, કારણ કે તે સ્વયં બ્રહ્મ છે. વાક્‌નું અન્ય નામ છે વાણી. દેવીનાં અન્ય નામ છે વાગીશ્વરી, ભારતી. સરસ્વતીદેવીની પૂજા પ્રાચીનકાલીન છે અને બધા વર્ણના લોકો તેના અધિકારી છે. એ આશ્ચર્યકારક નથી કે મહાયાન બૌદ્ધ ધર્મમાં આ દેવીનાં વિવિધ રૂપોનો ઉલ્લેખ છે અને જૈન સાહિત્યમાં સરસ્વતીને સંબોધિત ઘણાં બધાં મનોહારી સ્તોત્રો જોવા મળે છે. જાપાનમાં કેટલાકને જોવા મળ્યું છે કે ત્યાં પણ વિદ્યાની દેવી છે. 

વર્તમાનકાળમાં, સરસ્વતી વિશેષ રૂપે જ્ઞાનની દેવી તરીકે પૂજાય છે; સર્વ પ્રકારનાં જ્ઞાનની દેવી, સંગીત અને નૃત્ય સહિતની દેવી. તેથી કોઈપણ જાતના વિદ્યાધ્યયનના પ્રારંભમાં તેમની પ્રાર્થના કરવામાં આવે છે. વિભિન્ન ધ્યાનમંત્રોમાં દેવીના મનોહર સ્વરૂપનાં વર્ણન જોવા મળે છે. આ દેવી અત્યંત સાત્ત્વિક પ્રકૃતિનાં મનાય છે. તેથી તે સર્વશ્વેતમયી છે. તેમના હસ્તમાં છે- વીણા, પુસ્તક અને જપમાળા. તે અનુક્રમે સંગીત, ઐહિક જ્ઞાન અને દિવ્ય જ્ઞાનનાં પ્રતીકો છે. કેટલાંક કોતરકામમાં તેમને નૃત્ય કરતાં પણ બતાવાયાં છે. મૈસુરનાં કેટલાંક મંદિરોમાં આવું જોવા મળે છે. તંત્રોમાં તેમનો માતૃકામૂર્તિ રૂપે અને અષ્ટતારિણી પૈકીના એક સ્વરૂપે ઉલ્લેખ કરાયો છે. પ્રપંચસારતંત્રમાં કહેવાયું છે કે તે દેવીનો સમગ્ર દેહ સ્વર-વ્યંજનથી ઘડાયો છે. 

કાળક્રમે સરસ્વતીદેવીની વિભાવના પરાશક્તિમાં પરિણત થઈ અને તેની આદિશક્તિ રૂપે ગણના કરવામાં આવી. તેને દુર્ગા અને શારદા કહેવામાં આવે છે. તેથી આપણે હાલમાં શક્તિની ઉપાસના—દુર્ગા, લક્ષ્મી અને સરસ્વતી— ત્રિસ્વરૂપે કરાતી જોઈએ છીએ.

સરસ્વતીની મહાનતાનું વર્ણન ઉપનિષદોમાં પણ જોવા મળે છે. વૈદિક સાહિત્યમાં આ દેવીની પૂજા-ઉપાસના વિષયક સાહિત્ય વિપુલ પ્રમાણમાં ઉપલબ્ધ છે. અગણિત મહાન પુરુષોએ આ દેવીના કૃપાલાભ દ્વારા સિદ્ધિ પ્રાપ્ત કરી છે અને તેમનો પોતાનાં રક્ષણકર્તા રૂપે સાક્ષાત્કાર કર્યો છે. આદિ શંકરાચાર્યે આ દેવીમૂર્તિની સ્થાપના શ્રૃંગેરી મઠમાં કરી છે. હાલમાં ત્યાં ઉચ્ચ કક્ષાના સ્વામી દ્વારા તેની પૂજા થઈ રહી છે. 

જો કે, ભારતમાં સર્વત્ર એક જ સમયે સરસ્વતી પૂજા થતી નથી. વળી ભારતમાં ક્યાંય આ દેવીનું પ્રખ્યાત અલગ મંદિર નથી. છતાંય સર્વ ગ્રંથો-પુસ્તકોમાં આ દેવી વિદ્યમાન છે. ભારતવર્ષમાં તે અત્યંત લોકપ્રિય દેવી તરીકે ગણનાપાત્ર છે.

Total Views: 500
By Published On: December 20, 2022Categories: Rutjananda Swami2 CommentsTags: , ,

2 Comments

  1. Deviben vyas January 25, 2023 at 1:46 am - Reply

    Jythakur jyma jyswamiji Maharaj tamaro sada jy Thao ma sarsvtidevi ni Krupa drashti hoy toj vakendriy bolishake gnan kla sangit ane vishesh Kala ni Mata ma shardama no jy Thao masau pr Krupa drashti rakhjo srs mahiti sbhar lekh chhe pranam

  2. Vinubhai Vaghasia January 25, 2023 at 2:16 pm - Reply

    જય સરસ્વતી માતા
    ખુબ સરસ માહિતી આપી છે
    સ્વામી વિવેકાનંદ ને શત્ શત્ નમન

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.

Facebook
WhatsApp
Twitter
Telegram