(20 જૂન, 2023ના રોજ ભગવાન શ્રીજગન્નાથની રથયાત્રા છે. આ ઉપલક્ષે આપણા હિન્દી માસિક ‘વિવેક જ્યોતી’ના જુલાઈ, 2016ના અંકમાંથી આ લેખ સાભાર ગ્રહણ કરવામાં આવેલ છે. અનુવાદક છે શ્રી હિતેષભાઈ ગઢવી – સં.)

લોકહિતૈષિણી ભારતીય સંસ્કૃતિ અને ભારતીય સંસ્કૃત સાહિત્યમાં ભગવાન જગન્નાથજીની મહિમાનું વર્ણન મળે છે. બ્રહ્મપુરાણમાં ભગવાન જગન્નાથને પ્રસન્ન કરવા માટે પ્રણામ-મંત્રમાં ઋષિ કહે છેઃ

सर्वव्यापी जगन्नाथः शंखचक्रगदाधरः।
अनादिनिधनो देवः प्रीयतां पुरुषोत्तमः॥

— ‘હે! શંખ-ચક્ર-ગદાધારી સર્વવ્યાપી ભગવાન જગન્નાથજી તથા આદિ-અંત રહિત ભગવાન પુરુષોત્તમ મારી પર પ્રસન્ન થાઓ.’ શ્રીચૈતન્યદેવ ભગવાન જગન્નાથજીને લોકકલ્યાણની પ્રાર્થના કરતાં કહે છેઃ

हर त्वं संसार द्रुततरमसारं सुरपते
हर त्वं पापानां विततिमपरां यादवपते।
अहो दीनानाथं निहितमचलं पातुमनिशं
जगन्नाथः स्वामी नयनपथगामी भवतु मे॥

— ‘હે પ્રભુ! તમે સંસારનાં સર્વે પાપ-તાપ-દુઃખનું હરણ કરો તથા અમારી અહર્નિશ રક્ષા કરો. હે જગન્નાથ પ્રભુ! અમે અમારાં ચક્ષુઓથી સદા આપનાં દર્શન કરતાં રહીએ.’

આવા સર્વવ્યાપી જગન્નાથજી ભગવાનની સાર્વજનિક લોકમંગળકારિણી રથયાત્રા ખૂબ જ ધામધૂમથી જગન્નાથપુરી (ઓરિસ્સા)માં ઉજવવામાં આવે છે, જેમાં સમસ્ત વિશ્વમાંથી ભક્તો પધારે છે તથા નાતજાતના ભેદભાવથી ઉપર ઉઠીને આ યાત્રામાં જોડાય છે.

આ એક અદ્વિતીય મહોત્સવ છે. આ યાત્રાને ‘ગુડિચા યાત્રા’ પણ કહેવામાં આવે છે. આ યાત્રામાં બધાં ભક્તો વર્ગભેદ ભૂલીને શ્રદ્ધા તથા પ્રેમથી ભગવાન જગન્નાથજીને અર્પણ કરવામાં આવેલા ભોગને ‘મહાપ્રસાદ’ના રૂપમાં ગ્રહણ કરે છે.

જીવોની મુક્તિદાયિની જગન્નાથ-યાત્રાના સંદર્ભમાં બ્રહ્માજી કહે છે, “હે ઋષિઓ! ભગવાન શ્રીકૃષ્ણ, બલભદ્ર અને સુભદ્રા, આ રથમાં બિરાજમાન થઈને જ્યારે ગુડિયા મંદિર (ભગવાન જગન્નાથજીનું મોસાળ)ની યાત્રા કરે છે, તે સમયે જેમને એમનાં દર્શન પ્રાપ્ત થાય છે, તથા જે લોકો એક સપ્તાહ સુધી એ મંદિરમાં બિરાજમાન શ્રીકૃષ્ણ, બલભદ્ર અને સુભાદ્રજીનાં ભક્તિભાવપૂર્વક દર્શન કરે છે, તેઓ વિષ્ણુલોકમાં જાય છે.”

 

રથયાત્રાનો આરંભઃ

આવી મહિમાવંત રથયાત્રાના પ્રારંભની એક અલૌકિક કથા છે. ઓરિસ્સાના રાજા ઇન્દ્રદ્યુમ્ને એક વાર સમુદ્રમાં એક મોટો લાકડાનો ટુકડો જોયો. તેણે તેમાંથી ભગવાન વિષ્ણુની મૂર્તિ બનાવવાનો વિચાર કર્યો. વિશ્વકર્માજીએ વૃદ્ધ રૂપે આવીને રાજાને કહ્યું, “મૂર્તિ સંપૂર્ણ રીતે બની ન જાય ત્યાં સુધી તેને કોઈ જોશે નહિ.” રાજાએ શરત માન્ય રાખી અને તે વૃદ્ધ એક મકાનમાં દરવાજો બંધ કરીને મૂર્તિ બનાવવા લાગ્યા. અન્ય કોઈને એ વૃદ્ધ સુથાર વિશે કંઈ ખબર ન હતી, પરંતુ મહારાણીને એવો સંશય થયો કે બંધ મકાનમાં ભોજન-પાણી વિના આ વૃદ્ધ કઈ રીતે મૂર્તિ બનાવશે! તેણે આ વાત રાજાને કરી. જ્યારે રાજાએ ઘરનો દરવાજો ખોલીને જોયું તો વૃદ્ધ સુથાર અદૃશ્ય થઈ ગયા અને એના હાથે બનાવેલ શ્રીજગન્નાથજી, બલભદ્ર અને સુભદ્રાની અપૂર્ણ મૂર્તિઓ હતી! સ્વાભાવિકપણે રાજાને ખૂબ દુઃખ થયું, ત્યારે જ આકાશવાણી થઈ કે, “હે રાજન! દુઃખી ન થઈશ, અમે આ જ સ્થિતિમાં રહેવા માગીએ છીએ. અમારી સ્થાપના કરી દો.” ભગવાન જગન્નાથજીના મંદિરમાં તે મૂર્તિઓ આજે પણ સ્થાપિત છે. પુરીની રથયાત્રામાં એ જ મૂર્તિઓને સુશોભિત કરવામાં આવે છે. કહેવાય છે કે સુભદ્રાજીને દ્વારિકા-ભ્રમણ કરવાની ઇચ્છા થઈ હતી. એમની ઇચ્છાપૂર્તિ હેતુ શ્રીકૃષ્ણ, બલભદ્ર અને સુભદ્રાને અલગ અલગ સુસજ્જિત રથોમાં નગરચર્યા કરાવવામાં આવી હતી. એની સ્મૃતિમાં આ રથયાત્રા-મહોત્સવનું આયોજન જગન્નાથપુરીમાં પ્રત્યેક વર્ષે કરવામાં આવે છે.

રથને તીર્થયાત્રી-ભક્તો ખૂબ જ શ્રદ્ધાપૂર્વક ખેંચે છે. સાથે સાથે ભાવિક ભક્તો વાદ્યયંત્રોની સંગે વિવિધ પ્રકારનાં ભજન-ગીતો ગાય છે. શ્રીજગન્નાથજીનો જયઘોષ કરે છે.

વિભિન્ન તીર્થસ્થાનોમાં એ તીર્થો સંબંધિત યાત્રા-પરિક્રમાઓ હોય છે. જેમ કે, કાશી પંચકોશી યાત્રા, ગોવર્ધન પરિક્રમા, કામદ ગિરિ પરિક્રમા વગેરે, પરંતુ પુરીમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા કંઈક વિશેષ છે. આ યાત્રામાં સાક્ષાત્‌ ભગવાન અર્ચા-વિગ્રહ રૂપે રથના સિંહાસન પર બિરાજમાન રહે છે. જે યાત્રિકો સાથે સ્વયં ભગવાનનો સંગ હોય, એમનું સર્વે પ્રકારે મંગળ, સુખ તથા આનંદાભૂતિ થાય એ સ્વાભાવિક છે. અનાદિકાળથી ચાલ્યા આવતા મનુષ્યના આ શ્રદ્ધા અને વિશ્વાસે ભગવાનને સંપૂર્ણ માનવજાતિ પર સ્વયંની કૃપારૂપી છત્ર-છાયાથી આવૃત્ત કરવા વિવશ કર્યા. ભગવાનના રથનું દોરડું ખેંચીને ભક્ત પોતાના જીવનરૂપી રથની લગામ જગતના નાથ, ભગવાનના હાથમાં સોંપીને મુક્તિને પોતાના વશમાં કરી લે છે. ભગવાન જગન્નાથની રથયાત્રા એવી મુક્તિદાયિની છે.

શ્રીરામચરિતમાનસમાં રથનું વર્ણનઃ

ગોસ્વામી તુલસીદાસ રચિત શ્રીરામચરિતમાનસમાં પણ એક રથનું વર્ણન મળે છે. રાવણને રથ સાથે તથા શ્રીરામચંદ્રજીને રથ વિહીન જોઈને વિભીષણ ગભરાઈ ગયા. ભગવાન પ્રત્યે અત્યંત પ્રેમ હોવાને કારણે એમના મનમાં એ સંશય થયો કે રથ વગર શ્રીરામજી રાવણ પર કઈ રીતે વિજય પ્રાપ્ત કરશે? એમણે ભગવાનની ચરણ-વંદના કરીને પ્રેમપૂર્વક કહ્યુંઃ

नाथ न रथ नहिं तन पद त्राना ।
केहि बिधि जितब वीर बलवाना ।।

— ‘હે નાથ! આપની પાસે ન રથ છે, ન તનરક્ષક કવચ છે, ન પગરખાં છે. આપ વીર બળવાન રાવણ પર કઈ રીતે વિજય પ્રાપ્ત કરશો?’ ત્યારે ભગવાન કહે છેઃ

सुनहु सखा कह कृपानिधाना ।
जेहिं जय होइ सो स्यन्दन आना ॥
सौरज धीरज तेहि रथ चाका ।
सत्य सील दृढ़ ध्वजा पताका ॥
बल बिबेक दम परहित घोरे ।
छमा कृपा समता रजु जोरे ॥
ईस भजनु सारथि सुजाना ।
बिरति चर्म संतोष कृपाना ॥
दान परसु बुधि सक्ति प्रचंडा ।
बर बिग्यान कठिन कोदंडा ॥
अमल अचल मन त्रोन समाना ।
सम जम नियम सिलीमुख नाना ॥
कवच अभेद बिप्र गुरु पूजा ।
एहि सम बिजय उपाय न दूजा ॥
सखा धर्ममय अस रथ जाकें।
जीतन कहँ न कतहुँ रिपु ताकें।।
महा अजय संसार रिपु जीति सकइ सो बीर।
जाकें अस रथ होइ दृढ़ सुनहु सखा मतिधीर।।

(६/७९/३-११, दोहा-८० (क))

— ‘હે મિત્ર! શૌર્ય અને ધૈર્ય તે રથનાં પૈડાં છે. સત્ય અને શીલ તેની મજબૂત ધ્વજા-પતાકા છે. બળ, વિવેક, સંયમ અને પરોપકાર આ ચાર ઘોડા છે, જે ક્ષમા, દયા અને સમતા રૂપી દોરીથી રથ સાથે જોડાયેલાં છે. ઈશ્વરનું ભજન કુશળ સારથિ છે, વૈરાગ્ય ઢાલ છે, સંતોષ તલવાર છે, દાન કુહાડી છે, બુદ્ધિ પ્રચંડ શક્તિ છે, શ્રેષ્ઠ વિજ્ઞાન કઠિન ધનુષ છે. નિર્મળ, અચળ મન તરકસ (તીરનો ભાથો) છે અને શમ, યમ અને નિયમ એ વિભિન્ન બાણ છે, બ્રાહ્મણ અને ગુરુની પૂજા અભેદ્ય કવચ છે—આના સમાન વિજયનો અન્ય કોઈ ઉપાય નથી. હે ધૈર્યવાન મિત્ર સાંભળ! જેની પાસે આવો દૃઢ રથ હોય, તે વીર સંસારરૂપી મહાન દુર્જેય શત્રુ પર વિજય પ્રાપ્ત કરી શકે છે.’

યજુર્વેદમાં રથ-વર્ણનઃ યજુર્વેદ (૩૪/૬)માં રથનું વિવરણ આ રૂપમાં મળે છેઃ

सुषारथिरश्वानिव यन्मनुष्यान्नेनीयतेऽभीशुभिर्वाजिन इव।
हत्प्रतिष्ठं यदजिरं जविष्ठं तन्मे मनः शिवसङ्कल्पमस्तु॥

— ‘જે રીતે કુશળ સારથિ વેગવાન ઘોડાઓને લગામની મદદથી પોતાની ઇચ્છાનુસાર ચલાવે છે, તે રીતે હૃદય-સ્થાનમાં સ્થિત તીવ્ર વેગવાળા મારા મનમાં મંગલમય-કલ્યાણકારી સંકલ્પોનો ઉદય થાય.

વિદુરનીતિ દર્પણમાં રથનું દૃષ્ટાંતઃ

रथः शरीरं पुरुषस्य राजत्रात्मा
नियन्तेन्द्रियाण्यस्य चाश्चाः।
तैरप्रमत्तः कुशली सदश्वैर्दान्तैः
सुखं याति रथीव धीरः ॥ ५७॥

— ‘હે રાજન! આ માનવ-શરીર રથ છે, આત્મા તેનો (નિયંત્રક) સારથિ છે, ઇન્દ્રિયો એના ઘોડા છે, જેને વશ કરીને બુદ્ધિમાન વ્યક્તિ સુખપૂર્વક યાત્રા કરે છે.’

કઠોપનિષદમાં રથ વગેરેનું રૂપક વર્ણનઃ

आत्मानं रथिनं विद्धि शरीरं रथमेव तु ।
बुद्धिं तु सारथिं विद्धि मनः प्रग्रहमेव च ।।
इंद्रियाणि हयानाहुर्विषयांस्तेषु गोचरान् ।
आत्मेन्द्रियमनोयुक्तं भोक्तेत्याहुर्मनीषिणः ।।
(१/३/३,४)

— ‘તું આત્માને રથી, શરીરને રથ, બુદ્ધિને સારથિ અને મનને લગામ સમજ. બુદ્ધિશાળી, વિચારશીલ મનુષ્ય ઇન્દ્રિયોને અશ્વ કહે છે, ઇન્દ્રિયોના વિષયો (રૂપ, રસ, ગંધ, શબ્દ તથા સ્પર્શ)ને વિચરણના માર્ગ કહે છે તથા શરીર, ઇન્દ્રિયો અને મનથી યુક્ત આત્માને ભોક્તા કહે છે.’

ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં સમ્મિલિત ભક્તોમાં ભગવાન પ્રત્યે શ્રદ્ધા-ભક્તિનું ઉદ્દીપન થાય છે. પ્રેમનો ઉદ્રેક (વૃદ્ધિ) થાય છે. તુરંત જ માનસિક વાસનાઓ શાંત થઈ જાય છે, ષડ્‌રિપુઓ પર વિજય મળે છે અને મન ભગવદ્‌ભાવમાં લીન થઈ જાય છે. એક ભક્ત લખે છે, “રથનું નિર્માણ બુદ્ધિ, ચિત્ત અને અહંકારથી થાય છે. આવા રથરૂપી શરીરમાં આત્મારૂપી ભગવાન જગન્નાથ બિરાજમાન થાય છે. આ પ્રમાણે રથયાત્રા આત્મા અને શરીરના યોગ (જોડાણ)નો સંકેત આપે છે તથા આત્મ-નિરીક્ષણ કરવાની પ્રેરણા આપે છે. રથયાત્રાના સમયે રથનું સંચાલન આત્મયુક્ત શરીર કરે છે, જે જીવનયાત્રાનું પ્રતીક છે. જો કે શરીરમાં આત્મા હોય છે, તો પણ તે સ્વયંસંચાલિત નથી હોતી, પરંતુ એને માયા સંચાલિત કરે છે. આ પ્રકારે ભગવાન જગન્નાથના સ્વયં બિરાજમાન થવાથી રથ આપમેળે નથી ચાલતો, એને ખેંચવા માટે લોકશક્તિની જરૂર પડે છે.” શ્રીરામકૃષ્ણનાં લીલાસહચારિણી શ્રીમા શારદાદેવીએ કહ્યું હતું, “रथे वामनं दृष्टवा पुनर्जन्म न विद्यते ।” અર્થાત્‌ ‘રથમાં બેઠેલા ભગવાનનાં દર્શન કરવાથી પુનર્જન્મ નથી થતો.’

ભગવાન જગન્નાથજી આપણા સારથિ છે, પરંતુ આપણે આપણાં સાધના-પુરુષાર્થના બળે જીવન-રથને સ્વયં જ ખેંચવો પડશે. ભગવાન આપણા ઇન્દ્રિયાશ્વોને નિયંત્રિત કરીને, લોકયાત્રા કરાવીને પુનઃ પોતાના ધામમાં લઈને ચાલ્યા જશે. લોકકલ્યાણકારી, મુક્તિદાયિની ભગવાન જગન્નાથજીની રથયાત્રાનો આ જ સંદેશ છે.

Total Views: 357

3 Comments

  1. Darshan June 20, 2023 at 6:29 pm - Reply

    Khoob saras article
    Jai Thakur
    Jai Jagannath

  2. Darshan June 20, 2023 at 6:28 pm - Reply

    Very nice article
    Jai Thakur
    Jai Jagannath

  3. રસેન્દ્ર અધ્વર્યુ June 19, 2023 at 5:23 am - Reply

    ખુબ સુંદર અને માહિતી સભર લેખ, આભાર.

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.