શ્રાવણ માસ આધ્યાત્મિક દૃષ્ટિકોણથી ખૂબ જ મહત્ત્વપૂર્ણ માસ છે, જે હિંદુ ધર્મમાં એક પવિત્ર અને ધાર્મિક મહિનો મનાય છે. આ માસમાં વૈષ્ણવ અને શૈવપંથી સમાજ ધામધૂમપૂર્વક ધાર્મિક ઉત્સવોનું આયોજન કરે છે. ભગવાન શિવ અને વિષ્ણુની પૂજા-અર્ચના, ધ્યાન, વ્રત, મંત્ર, આરાધના, સંતવાણી ઇત્યાદિનું આ માસમાં વિશેષ મહત્ત્વ છે.  ખાસ કરીને, આ વર્ષે અધિક માસ તથા શ્રાવણ માસ બંને એક સાથે આવવાથી ધાર્મિક દૃષ્ટિએ સતત બે મહિના માટે એક અનુપમ ભક્તિયોગ સર્જાયો છે.  17મી ઑગસ્ટ, 2023 થી લઈને 15મી સપ્ટેમ્બર, 2023 સુધી આ વર્ષે શ્રાવણ માસ ચાલશે.

આધ્યાત્મિક દૃષ્ટિએ મહત્ત્વ

ઉપાસના વિધિની દૃષ્ટિએ શ્રાવણ માસમાં પ્રતિદિન પ્રાતઃકાળે સૂર્યદેવના જપ કરતાં કરતાં સ્નાન કરવું એ એક મહત્ત્વપૂર્ણ ધાર્મિક ક્રિયા છે. આધ્યાત્મિક શાસ્ત્રોમાં આ માસમાં સૂર્યદેવનો જપ અને સ્નાન કરવું, એ મનને શુદ્ધ અને ચિત્તને શાંત રાખવામાં મદદરૂપ થાય છે.

ધાર્મિક મહત્ત્વ

શ્રાવણ માસનો એક અન્ય મહત્ત્વપૂર્ણ ધાર્મિક-સામાજિક ઉત્સવ રક્ષાબંધન છે. આ પર્વને ભારતીય પરિવારોમાં વિશેષ રૂપે ઉજવવામાં આવે છે. આ દિવસે બહેન ભાઈને રાખડી બાંધે છે. આધ્યાત્મિક દૃષ્ટિકોણથી રક્ષાબંધન એ ભાઈ-બહેનની ભાવનાઓને અભિવ્યક્ત કરવાનું એક પવિત્ર માધ્યમ છે, જેથી તેમનો પરસ્પરનો સંબંધ મજબૂત થાય છે.

સાંસ્કૃતિક મહત્ત્વ

શ્રાવણ માસમાં આચાર્ય અને સાધુઓના સત્સંગનું ઘણું વધારે મહત્ત્વ છે. ધાર્મિક સાધના, પ્રવચન અને ભજન-કીર્તનમાં સાધુઓ અને આચાર્યોના સત્સંગથી માનસિક અને આધ્યાત્મિક ઉત્થાન થાય છે.

શ્રાવણ મહિનામાં આવતા ધાર્મિક ઉત્સવો

ધાર્મિક ઉત્સવો જેવા કે શ્રીકૃષ્ણ જન્માષ્ટમી, ગણેશ ચતુર્થી, રક્ષાબંધન, નાગપંચમી, વરલક્ષ્મી વ્રત, શિવરાત્રિ આ માસમાં આવે છે.

ભારતીય એકતાનું પ્રતીક

શ્રાવણ માસ સમસ્ત ભારતમાં અલગ અલગ રીતે ઉજવાય છે. વિવિધ સમાજને જોડતો શ્રાવણ માસ ભારતીય આધ્યાત્મિકતા અને પ્રાચીન પરંપરાઓનો સંગમ છે. શ્રાવણ માસ ભારતીય ધાર્મિક વૈશિષ્ટ્યના એક મહત્ત્વપૂર્ણ અંગરૂપે છે. વેદપુરુષ ભગવાન શિવનો એક મહિનો ‘શ્રાવણ’નો હોય છે, જેમાં ભારતનાં વિવિધ રાજ્યોમાં અવસ્થિત સંપ્રદાયો અને તેમની આધ્યાત્મિક તથા સાંસ્કૃતિક પરંપરાઓનું અભિવંદન થાય છે.

ભગવાન શિવનું આરાધન

શિવજીના અત્યંત પ્રિય શ્રાવણ માસમાં શિવપૂજનનું એક અનેરું મહત્ત્વ છે. એક તરફ જ્યાં ભારતનાં મંદિરો શિવ-મહિમાનાં ગાનથી ગુંજી ઊઠે છે, ત્યાં બીજી તરફ લોકો ઘરે ઘરે પોતપોતાની શ્રદ્ધા અનુસાર ભગવાન શિવનું આરાધન-અર્ચન કરે છે. એ અર્થમાં સમગ્ર ભારતને એકસૂત્રમાં જોડતો આ આધ્યાત્મિક માસ છે. વ્યાપ્ત માન્યતા અનુસાર ભગવાન શિવને આ મહિનો વિશેષ પ્રિય હોવાનું કહેવાય છે, તેથી જ ભગવાન શંકરને રીઝવવા, તેમની વિશેષ કૃપા પ્રાપ્ત કરવા જુદા જુદા ધાર્મિક અભ્યાસોનું આપણી સંસ્કૃતિમાં પ્રયોજન છે.

રામકૃષ્ણ મઠ-મિશનમાં શ્રાવણ માસની ઉજવણી

રામકૃષ્ણ સંઘનાં અધિકાંશ શાખાકેન્દ્રોમાં વર્ષોથી શિવ-આરાધનાના ભાગરૂપે શિવનામ સંકીર્તન ગાવાની વિશેષ પરંપરા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે શિકાગોની ધર્મસભામાં ભારતવર્ષનો મહિમા ગાતી વખતે યુગપ્રવર્તક સ્વામી વિવેકાનંદે ‘શિવમહિમ્ન સ્તોત્ર’માંથી આ પંક્તિઓ ટાંકીને સમજાવેલું કે જેવી રીતે જુદી જુદી નદીઓ અંતમાં સાગરને મળે છે, તેમ સીધા કે અન્ય રસ્તેથી આવનારા દરેક ધર્મના લોકો અંતમાં તો એ એક જ પરમ તત્ત્વની પ્રાપ્તિને પામે છે.

रुचीनां वैचित्र्यादृजुकुटिल नानापथजुषां।
नृणामेको गम्यस्त्वमसि पयसामर्णव इव॥7।।

આ જ સ્વામી વિવેકાનંદે ગુરુના દર્શાવેલા પથને ઉજાળતાં ‘શિવભાવથી જીવસેવા’નો અમૂલ્ય સંદેશ માનવજાતને આપ્યો છે.

સ્વામીજીના ગુરુ શ્રીરામકૃષ્ણદેવના જન્મપૂર્વે તેમનાં માતા ચંદ્રામણિદેવીને કામારપુકુર ગામના જ એક શિવમંદિરની અલૌકિક જ્યોતિ તેમનામાં પ્રવેશી હોવાનો દૈવી અનુભવ થયેલો. પછીના સમયમાં એ જ શ્રીરામકૃષ્ણદેવમાં દક્ષિણેશ્વરના કાલીમંદિરમાં રાણી રાસમણિના જમાઈ મથુરબાબુને શિવ અને કાલીના સમાન રૂપે દર્શન થયેલાં.

‘શ્રવણ’ પરથી શ્રાવણ નામ

અંતમાં કહીએ તો, પૌરાણિક દૃષ્ટિએ ચાતુર્માસમાં એક સ્થાન પર રહીને શાસ્ત્રાભ્યાસ કરતા સાધુઓના ‘શ્રવણ’ પરથી શ્રાવણ તરીકે ઓળખાતા માસની વાત હોય કે પછી આ જ માસમાં સમુદ્રમંથન વખતે વિષને પોતાના કંઠમાં ધારણ કરનાર ‘નીલકંઠ’ શિવની વાત હોય. એક ધાર્મિક સમયગાળા તરીકે શિવતત્ત્વને ઉજાગર કરવા, શિવની શરણાગતિ પામવા આ સમગ્ર શ્રાવણ મહિનો આધ્યાત્મિક સાધકોને ઉત્તમ અવસર પૂરો પાડે છે.

Total Views: 135

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.