(24 જાન્યુઆરી, બુધવારના રોજ સ્વામી તુરીયાનંદજી મહારાજની પુણ્ય તિથિપૂજા છે. આ ઉપલક્ષે ઉદ્બોધન કાર્યાલય દ્વારા પ્રકાશિત મૂળ બંગાળી પુસ્તક ‘સ્વામી તુરીયાનંદેર સ્મૃતિકથા’માંથી આ લેખ સંકલિત કરવામાં આવ્યો છે. લેખક સ્વામી શંકરાનંદજી મહારાજ શ્રીરામકૃષ્ણ સંઘના સાતમા પરમ પૂજનીય પરમાધ્યક્ષ હતા. અનુવાદક છે શ્રી અંજનાબહેન ત્રિવેદી. – સં.)
પૂજ્યપાદ હરિ મહારાજે સ્વામીજીને એક દિવસ કહ્યું, “તમે ઠાકુર વિશે કંઈક બોલો.” તેના ઉત્તરમાં સ્વામીજી થોડા ગંભીર અને ભાવસ્થ થઈને બોલ્યા, “તેમની વાત શું બોલું, તેઓ તો L-O-V-E Personified (ઘનીભૂત પ્રેમ) પ્રેમનું મૂર્તિમંત સ્વરૂપ છે.” ઠાકુર કહેતા, ‘હું કર્મનાશા અને ફરાશડાંગા.’ આમ કર્મનાશા અર્થાત્ વ્યક્તિનો કર્મક્ષય કરીને તેને મોક્ષનો અધિકારી બનાવી દે અને બીજું કહેતા ફરાશડાંગા (પોર્ટુગીઝ દેશ શાસિત ગોવા) અર્થાત્ અંગ્રેજ રાજ્યની કોઈ વ્યક્તિ અપરાધ કરીને જો ભાગીને ત્યાં આશ્રય લે, તો અંગ્રેજ જેમ કંઈ કરી ન શકે—તેવી રીતે મને આશ્રય કરે, મારા શરણે આવે તો સંપૂર્ણ સુરક્ષિત.”
હરિ મહારાજ સ્વામીજીના ભાવમાં મગ્ન રહેતા. એક વાર તેમને આવાસી વિદ્યાલય સ્થાપવાની ઇચ્છા થઈ. સુરેશ (સ્વામી શાસ્વાનંદ), પશુપતિ (સ્વામી વિજ્યાનંદ), જ્ઞાનેશ્વર (સ્વામી જ્ઞાનેશ્વરાનંદ), હેમેન્દ્ર (સ્વામી સદ્ભાવાનંદ) ત્યારે કાશીમાં હતા. હરિ મહારાજ ઘણી વાર તેમની પાસે છાત્રાવાસ માટે ચર્ચા કરતા. તે લોકો ત્યારે નવા આવ્યા હતા. કેટલાંક વર્ષોથી સંઘમાં યોગદાન કર્યું છે, શિક્ષિત છોકરાઓ ઉત્સાહથી ભરપૂર. પરંતુ આવી રીતે નવું કામ શરૂ કરવાનું સાહસ કરી શકતા નહોતા. આ કાર્યની સફળતા, તેનું ભવિષ્ય, તેનું પરિણામ શુભ આવશે કે અશુભ—એ વિશે ચોક્કસ નિશ્ચય કરી શકતા નહોતા. તેઓ દ્વિધામાં હતા. હરિ મહારાજે એક દિવસ સુરેશને પકડ્યો. સુરેશે કહ્યું, “શું હું આ કામ કરી શકીશ?” હરિ મહારાજે સુરેશનો હાથ પકડીને કહ્યું, “હું શું તને એમ જ બોલું છું? તારી અંદર શક્તિ છે, હું જોઈ શકું છું. ચોક્કસ તું કરી શકીશ.” અંતે સુરેશ સહમત થયો. સુરેશે કહ્યું, “આના (આ કાર્યના) મુખ્ય બે ભાગ છે. એક અંદરનું અને એક બહારનું. હું અંદરનું કામ કરી શકું. હેમેન્દ્ર જો બહારનાં કામ—પૈસા ભેગા કરવા વગેરેનો ભાર લઈ લે તો સારું થાય.” હરિ મહારાજે હેમેન્દ્રને બોલાવીને કહ્યું. હેમેન્દ્ર એ સમયે જ ઢાકાથી સાધન-ભજન કરવા આવ્યો હતો. ઢાકામાં કામ કરીને તેને ઘૃણા આવી ગઈ હતી. ત્યાં તો માત્ર કામ, કામ ને કામ! તેણે જવાબ આપ્યો, “કર્મ ઉપર મને વિશ્વાસ નથી. કર્મ દ્વારા સમાધિ ન થાય, મુક્તિ ન મળે. જે કર્મથી મુક્તિ ન મળે, તે કર્મ કરવાની સાર્થકતા છે કંઈ?” હરિ મહારાજ ઉત્તેજિત થઈને બોલી ઊઠ્યા, “આ કર્મ સ્વામીજીનું કર્મ છે. આના દ્વારા સમાધિ, મુક્તિ અનિવાર્ય છે. હું કહું છું, તું કાર્યમાં લાગી જા, તું તુરંત જ ફળ જોઈ શકીશ.” હરિ મહારાજનું મુખમંડળ ઉદ્ભાસિત થઈ ઊઠ્યું. હેમેન્દ્ર મુગ્ધ, તેની પ્રાણસત્તા નવચેતનાથી સંજીવિત થઈ. તે કાર્ય કરવા માટે સંમત થઈ ગયો. પૈસા સંગ્રહ કરવામાં તે ઉસ્તાદ હતો. બીજા દિવસે બધા ભેગા મળીને વિદ્યાર્થીઓ શોધવા નીકળી પડ્યા. આખો દિવસ જુદાં જુદાં સ્થળે ફર્યા; નિષ્ફળ થઈને પાછા ફર્યા. શરીર-મન ક્લાન્ત. ત્રણેય ગંગાકિનારે જઈને બેઠા. કંટાળેલા-નિરાશ વદને ચૂપચાપ ઉદાસભાવથી સમય પસાર કરે છે, ત્યાં થોડે દૂર તેર-ચૌદ વર્ષના એક બાળક પ્રત્યે નજર પડી. બાળક ઝાડ નીચે ટેકો દઈને ઊભો છે. પશુપતિએ જ પહેલાં જોયું. ત્રણેય જણા ઊઠીને તેની પાસે ગયા. વાતચીત કરતાં ખબર પડી કે તે છોકરો ગરીબ છે. પૈસાના અભાવે ભણતર છોડીને બેઠો છે. તેઓએ છોકરાને ભણાવવાની આર્થિક જવાબદારી લીધી. સેવાશ્રમમાં રહીને ભણશે, ત્યાં જ રહેશે અને ખાશે. તેનો અન્ય ખર્ચ પણ તેઓ ઉપાડશે. બીજા દિવસે તે સેવાશ્રમમાં આવ્યો. તેનું નામ શ્રીહરિહર મુખર્જી. પછી બીજા પણ કેટલાક વિદ્યાર્થીઓ આવ્યા. પાંચ-છ મહિના ખૂબ સરસ ચાલ્યું. ૧૯૨૧ની સાલમાં રાજા મહારાજની તબિયત સારી ન રહેતાં, બધા મઠમાં આવી ગયા. ધીરે ધીરે છાત્રાવાસ બંધ થઈ ગયું.
કાશી અદ્વૈત આશ્રમમાં હરિ મહારાજ ઘણા દિવસ હતા. તેમના અંતિમ દિવસોમાં સનત તેમની સેવા કરતો. એક દિવસ સાંજે તેઓ જે ઓરડામાં રહેતા હતા ત્યાં જઈને જોયું તો એક નાની તપેલીમાં વટાણા બફાતા હતા. વટાણા તો બફાઈ ગયા હતા, બધું પાણી બળી ગયું હતું અને વટાણાના બળવાનો અવાજ આવતો હતો. તુરંત નીચે ઉતારી લેવાની જરૂર હતી. સેવક ત્યાં ન હતો. તેઓ બેચેન બની ગયા, સાણસી કે કંઈ નહોતું મળતું કે જેનાથી તપેલી નીચે ઉતારી શકે. મને જોઈને પોતાની નિરુપાય સ્થિતિની વાત કરી. જોયું તો તપેલીમાં વટાણા બળતા હતા! મેં એક ક્ષણનો પણ વિલંબ કર્યા વિના, ખાલી હાથથી તપેલી ઉતારી લીધી. આંગળાની ચામડી બળી ગઈ. હરિ મહારાજ ચોંકી ગયા. ઓહ! તેમને કેટલું દુઃખ થયું! વારંવાર મને કહેવા લાગ્યા, “અમૂલ્ય, આ તેં શું કર્યું? તારી આંગળીઓ બળી ગઈ! મારા વટાણા બળી ગયા હોત તો શું વાંધો હતો?”
(હરિ મહારાજ અને ગોલાપ-મા વચ્ચેના વાર્તાલાપનો આ પ્રસંગ શંકરાનંદજીએ કહ્યો હતો.)
હરિ મહારાજઃ શ્રીશ્રીઠાકુર તે જ આદ્યશક્તિ. નારી-દેહમાં આવ્યા નહોતા, આવવાથી પ્રચારમાં અસુવિધા થાત. તેઓ કાલી સિવાય બીજું કોણ?
ગોલાપ-માઃ પ્રત્યક્ષ ન કરીએ ત્યાં સુધી વિશ્વાસ કરીએ કેવી રીતે?
હરિ મહારાજઃ તે તો સાચી વાત. ત્યારે તમે બધાં પ્રત્યક્ષ કરીને સમજી જાઓ તે પણ શું સંભવ છે? માની લો કે તમે વિદેશ ન જાઓ, વિદેશને પ્રત્યક્ષ ન જુઓ તો, જે ગયા હોય તેની વાત જ તમારે માનવી પડે, કારણ કે વિદેશ છે તે વાતનો અસ્વીકાર કરવો શક્ય નથી; તેવી જ રીતે ભગવાન છે તે, જેઓએ ઈશ્વર-દર્શન કર્યું છે તેમની વાતનો વિશ્વાસ કરી લેવો જોઈએ. શ્રીશ્રીઠાકુરે ઈશ્વર-દર્શન કરીને તો બધાને કહ્યું હતું, “મેં દર્શન કર્યાં છે, તમારાં પણ સાધન-ભજન અને વ્યાકુળતા હશે તો દર્શન થશે!”
જુઓ, તમને એ પ્રકારે અવિશ્વાસ આવશે તે ખબર હતી માટે જ વિજ્ઞાનના આ યુગમાં ઠાકુર આવ્યા તથા સ્વયં તપસ્યા કરીને ‘મા’ નો સાક્ષાત્કાર કર્યો ત્યારે કહ્યું, “ઈશ્વર છે, તમે સાધના અને વ્યાકુળતા દ્વારા તેમને પ્રાપ્ત કરો.” એટલે સુધી કે તેઓએ ભવતારિણીના નાક પાસે રૂ (કપાસ) રાખીને જોયું કે ‘મા’ના નિઃશ્વાસ નીકળે છે કે નહીં. જ્યારે જોયું કે નિઃશ્વાસ સાથે રૂ ઊડી ગયું ત્યારે વિશ્વાસ કર્યો કે હા, મા સાચે જ જાગૃત, ચિદાનંદમયી.
Your Content Goes Here