(રામકૃષ્ણ મઠ, નાગપુર દ્વારા મૂળ હિંદીમાં પ્રકાશિત પુસ્તક ‘ધ્યાન’નો એક અંશ અહીં પ્રસ્તુત છે. અનુવાદક છે સીમાબહેન માંડવિયા. સ્વામી ઘનાનંદને વેદાંતનો પ્રચાર કરવા બેલુર મઠ દ્વારા યુરોપ મોકલવામાં આવ્યા હતા. તેમણે નવેમ્બર 1948માં લંડનમાં વેદાંત કેન્દ્રની શરૂઆત કરી હતી. 1969 સુધી, મૃત્યુપર્યંત, તેઓ કેન્દ્રના અધ્‍યક્ષ હતા. ત્યાં રહેતાં રહેતાં જ તેઓએ કેટલાંક પુસ્તકો પ્રકાશિત કર્યાં હતાં અને વિભિન્ન દેશોમાં ભ્રમણ કરીને પ્રવચનો આપ્યાં હતાં. -સં.)

વેદોમાં શ્રવણ, મનન અને નિદિધ્યાસનની વાત કહેવામાં આવી છે. શ્રવણનો અર્થ ફક્ત પુસ્તકો દ્વારા જ નહિ, પરંતુ કોઈ સંતની પ્રત્યક્ષ વાણીથી સત્ય સાંભળવું એ છે. મનનનો અર્થ છે, એ સત્યનું ચિંતન અને નિદિધ્યાસન એટલે કે ધ્યાન. ઊંડું ઈશ્વરીય ચિંતન જ ધ્યાન છે. એ સત્ય છે કે ભૂમિતિ, પરમાણુ વિસ્ફોટ, વિજ્ઞાન વગેરે કેટલાય વિષયોનું ધ્યાન કરી શકાય છે પરંતુ અહીં આપણે બધી જ જગ્યાએ નિદિધ્યાસન શબ્દનો ઉપયોગ ઊંડા ઈશ્વરીય ચિંતનના અર્થમાં જ કરીશું.

હવે, તમે જોશો કે બધા જ ધર્મોમાં મનને ભગવાન પર અથવા પરમ સત્તા પર એકાગ્ર કરવાનો પ્રયત્ન કરવામાં આવે છે. વ્યક્તિ જ્યારે કોઈ વસ્તુનું ચિંતન કરે છે ત્યારે તે માનસિક રૂપે તેની નજીક પહોંચી જાય છે. ત્યાર પછી એક એવી સ્થિતિ આવે છે, જ્યારે તે વસ્તુ તેના મન, હૃદય અને આત્મામાં પ્રવેશ કરી જાય છે અને ત્રીજી સ્થિતિમાં સંભવતઃ એ વસ્તુ સાથે થોડી માત્રામાં એકત્વનો અનુભવ કરવા લાગે છે. આ બધી અવસ્થાઓ આધ્યાત્મિક ચિંતનમાં પણ થાય છે. પ્રથમ અવસ્થામાં ભગવાન આપણી નજીક અને આપણે ભગવાનની નજીક છીએ તેવું અનુભવીએ છીએ. ત્યાર બાદ બીજી અવસ્થામાં ભગવાન આપણી અંદર અને આપણે ભગવાનની અંદર છીએ એવું જ્ઞાન થાય છે. અને ખૂબ જ ઓછા લોકો આધ્યાત્મિક ચિંતન અને અનુભૂતિની અંતિમ અવસ્થા, ચરમ અવસ્થા સુધી પહોંચી શકે છે, જયાં ‘હું ઈશ્વર છું’ અને ‘ઈશ્વર હું છું’ — એવો સાક્ષાત્કાર થાય છે. આ એકત્વની અનુભૂતિમાં મનુષ્યનું દેહાત્મભાન લુપ્ત થઈ જાય છે. તે પરમ સત્તામાં વિલીન થઈ જાય છે અને ભૂલી જાય છે કે તે એક જીવ છે તથા તેનું કોઈ સ્વતંત્ર અસ્તિત્વ પણ છે. બીજા શબ્દોમાં, માનવીની અત્યંત નમ્રતાના ફળસ્વરૂપે ભગવત્‌-સાક્ષાત્કારની આ સ્થિતિ પ્રાપ્ત થાય છે.

ધ્યાનમાં પ્રયત્નશીલ લોકો હંમેશાં ફરિયાદ કરતા હોય છે કે થોડીક ક્ષણો બાદ મન ભટકવા લાગે છે. તેઓ ધ્યાન કરવા બેસે છે અને પછી લાગે છે કે આઠ-દસ મિનિટ બાદ મન ભટકી ગયું છે. તેઓ સ્થિર નથી બેસી શકતા અને શરીર અસ્થિર થવાથી મન પણ અસ્થિર થઈ જાય છે. ત્યાર બાદ સાધક ધ્યાનનું આસન ત્યાગીને એવું બોલી ઊઠે છે કે તે મનને એકાગ્ર નથી કરી શકતો. ખરેખર તો ધ્યાનના અભ્યાસ પૂર્વે કેટલીક પ્રારંભિક તૈયારીઓ કરવી પડે છે અને જો તે ન કરવામાં આવે તો મન કદાચ એકાગ્ર ન થઈ શકે. યોગના મહાન વિશેષજ્ઞ પતંજલિએ, જે મારી માન્યતા અનુસાર બુદ્ધના સમકાલીન હતા, તેમણે ચિત્તને એકાગ્ર કરતા પહેલાંની અનેક શરતોનું વર્ણન કર્યું છે. તે ‘રાજયોગ’ નામની સાધન-પદ્ધતિનાં આઠ અંગોમાં વર્ણિત છે.

પ્રથમ અંગ ‘યમ’ કહેવાય છે, જેના અંતર્ગત અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ વ્રત આવે છે. અપરિગ્રહ—અર્થાત્‌ કોઈ પાસેથી ભેટનો સ્વીકાર ન કરવો, તેની પાછળનો ભાવ એવો છે કે ભેટ સ્વીકાર કરવાવાળાના મન પર દેવાવાળાના મનનો પ્રભાવ પડે છે. ભેટ સ્વીકારવાથી દાતા પ્રત્યે ઉપકાર અનુભવવાથી સાધકની સ્વાધીનતા નષ્ટ થવાની સંભાવના રહે છે. પતંજલિએ અહીં તથા પોતાના શાસ્ત્રમાં અન્ય જગ્યાએ પણ આ પદ્ધતિના વિજ્ઞાનનું વર્ણન કર્યું છે. રાજયોગની સફળ સાધના માટે બધી શરતોનું પાલન પરિસ્થિતિઓ તથા સાધકની ક્ષમતા પર આધાર રાખે છે. સાચા પ્રેમના પ્રતીક રૂપે આપેલી ભેટ સામાન્ય રીતે ઓછી માત્રામાં હાનિકારક માની શકાય છે.

બીજું અંગ છે નિયમ, જે અંતર્ગત શારીરિક સ્વચ્છતા અને ચિત્તશુદ્ધિ, સંતોષ, દેહ અને મનને ક્ષીણ કરવાવાળું અતિવર્જિત તપ, અધ્યાત્મશાસ્ત્રનો અભ્યાસ તથા ઈશ્વર પ્રત્યે શરણાગતિનો સમાવેશ થાય છે. સંતોષનો અર્થ છે, જીવનમાં પોતાની સ્થિતિનો ઈર્ષ્યા અને ચંચલતા વિના સંતોષપૂર્વક સ્વીકાર કરવો. એનો અર્થ વિપત્તિમાં પડેલા લોકોની દુર્ગતિ પ્રત્યે સંતુષ્ઠ રહેવું નથી.

ત્યાર બાદ છે આસન. તમારા દેશ ઇંગ્લેન્ડમાં સામાન્ય રીતે એવું સમજવામાં આવે છે કે યોગ અર્થાત્‌ હઠયોગના નામથી પરિચિત શારીરિક કસરતો. પતંજલિ ફક્ત સ્થિર, સુખમય શારીરિક આસનની વાત કરે છે. તેમના આ એક સ્પષ્ટ નિર્દેશથી ઘણાં આસનોનો વિકાસ થયો, જેનો અભ્યાસ ભારતના લોકો કરવા લાગ્યા અને જે હવે સંપૂર્ણ વિશ્વમાં પ્રચલિત છે. પતંજલિની રુચિ માત્ર ધ્યાનોપયોગી આસનોમાં હતી. એ આસન સરળ અને સ્થિર હોવું જોઈએ, જેથી શરૂઆતમાં ઓછામાં ઓછો અડધો કલાક અને પછી ૪૫ મિનિટ કે તેથી વધુ સમય સુધી ધ્યાનમાં બેસી શકાય. તમારે એક વાર સવારે અને એક વાર સાંજે ભોજન કર્યા પહેલાં ધ્યાનમાં બેસવાનો પ્રયત્ન કરવો જોઈએ. ભરપેટ ખાધા પછી બે કલાક બાદ અથવા તો તેથી પણ વધુ સમય પછી જ ધ્યાનમાં બેસવું જોઈએ. બેસતી વખતે કરોડરજ્જુ ટટ્ટાર અને મસ્તક પણ સીધું હોવું જોઈએ. માંસપેશીઓમાં તણાવ ન થવો જોઈએ. જો જમીન પર પલાંઠીવાળીને બેસવાની આદત ન હોય તો ખુરશી પર બેસવું જોઈએ અને ટટ્ટાર બેસવા માટે પગને ખુરશી નીચે વાળીને બેસવું જોઈએ.

રામકૃષ્ણ મિશનના—જે સંસ્થાના સભ્ય હોવાનું મને સૌભાગ્ય મળ્યું છે—એક અત્યંત વરિષ્ઠ સંન્યાસી હંમેશાં કહ્યા કરતા કે સત્યપાલન અને મંત્રજપ જ ધ્યાનમાં સફળતા પ્રાપ્ત કરવા માટે પર્યાપ્ત છે. પરંતુ મારે સાથે એ પણ જોડી દેવું જોઈએ કે તેમણે બ્રહ્મચર્યની આવશ્યકતાને પહેલેથી જ માન્યતા આપેલ છે.

Total Views: 119

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.