(સ્વામી સુબોધાનંદ શ્રીરામકૃષ્ણદેવના સંન્યાસી શિષ્ય અને સ્વામી વિવેકાનંદના ગુરુભાઈ હતા. તેઓના બાલસુલભ સ્વભાવને કારણે શ્રીરામકૃષ્ણ તેઓને ‘ખોકા’ અર્થાત્‌ ‘બાળક’ કહીને પોકારતા. માટે જ તેઓ ખોકા મહારાજ નામે વિખ્યાત હતા. સ્વામી ચેતનાનંદજી મહારાજ દ્વારા સંપાદિત તથા ઉદ્‌બોધન કાર્યાલય દ્વારા પ્રકાશિત ‘સ્વામી સુબોધાનંદેર સ્મૃતિકથા’ નામક મૂળ બંગાળી પુસ્તકનો એક અંશ અહીં પ્રસ્તુત છે. અનુવાદક છે સ્વામી કૃષ્ણસખાનંદ. – સં.)

એક ભક્તે સુબોધાનંદજી મહારાજને પ્રશ્ન કર્યો: મહારાજ, ધ્યાન કેવી રીતે જામે?

ઉત્તર: તેઓનું (ઈશ્વરનું) નામ લઈને પડી રહેવાથી કદાચ થઈ જાય.

પ્રશ્ન: છતાં પણ ધ્યાનનો અભ્યાસ તો કરવો જ પડેને?

ઉત્તર: હા, કરવો જ પડેને!

પ્રશ્ન: શ્રીશ્રીઠાકુરનું જે ધ્યાન કરીએ છીએ, એ કેવળ રૂપ, કે ગુણનું પણ ખરું?

સુબોધાનંદજીની વાત

ઉત્તર: શ્રીશ્રીઠાકુરનું સીધું ધ્યાન કરી શકાય ખરું? સાથે કોઈને લેવા પડે—જેમ કે શ્રીશ્રીમા અથવા રાખાલ મહારાજ (સ્વામી બ્રહ્માનંદ) —તમે જેમને જાેયા છે, જે તમને યાદ છે. (પ્રશ્નકર્તા ભક્તે કદાચ શ્રીમા તથા સ્વામી બ્રહ્માનંદનાં દર્શન કર્યાં હશે, માટે સુબોધાનંદજી આમ કહે છે.)

કોઈને સાથે લેવા પડે. કેમ ખબર છે? સાંભળો એક વાર્તા કહું છું. તને પહેલાં કહી છે? આ વાર્તા નથી, સત્ય ઘટના છે. રાંચીમાં એક સ્ત્રીભક્તે મારી પાસેથી ઠાકુર સંબંધે જાણીને દીક્ષા લીધી હતી. એને મારા પર ખૂબ ભક્તિ, શ્રદ્ધા, ખૂબ સ્નેહ.

એનું રાતે દોઢ વાગ્યે દેહાવસાન થયું. મુખર્જીની (સુબોધાનંદજીના એક ભક્ત) શેરીમાં જ એનું ઘર હતું. મુખર્જીએ એ રાત્રે, એ જ સમયે જાેયું કે હું એ સ્ત્રીભક્તનો હાથ પકડીને દોરીને લઈ જાઉં છું. ચાંદની રાત. મુખર્જી તો જાેઈને જ અવાક થઈ ગયો. પોતાની પત્ની સુધ્ધાંને બોલાવીને બતાવ્યું—એણે પણ જાેયું કે હું એ સ્ત્રીભક્તનો હાથ પકડીને દોરીને લઈ જાઉં છું.

મુખર્જી અને એનાં પત્ની વિચારમાં પડી ગયાં અને કહેવા લાગ્યાં કે હું જ્યારે જ્યારે એમની શેરીમાં જાઉં છું ત્યારે ત્યારે તો તેઓના ઘરની મુલાકાત લઈને જાઉં છું. પરંતુ આજે આટલી મોડી રાતે હું આવી રીતે મુલાકાત લીધા વિના ચાલ્યો ગયો, એનો અર્થ શું?

મુખર્જીને તો આનો કંઈ ઉત્તર મળ્યો નહીં. પછીથી એણે મને આખી વાત કરી અને પ્રશ્ન કર્યો. મેં ઉત્તર આપ્યો, ‘શું ખબર, અત્યારે કશું કહી શકીશ નહીં, જાે થઈ શકે તો પછીથી કહીશ.’

ત્યાર બાદ હું કાશી ગયો. ત્યાં મને મોટી બીમારી થઈ. મરડાના પ્રકોપે હાથ-પગમાં ખૂબ વેદના થવા લાગી. વેદનાની પીડાથી અસ્થિર થઈને પડ્યો છું. ત્યારે એ સ્ત્રીભક્તની વાત યાદ આવી ગઈ—મને થોડી પણ બીમારી થતી તો એ દોડી આવતી, અને કેટલીય સેવા કરતી. આમ વિચારતાં વિચારતાં જ હું બોલી ઊઠ્યો, ‘અત્યારે તું ક્યાં છે? આ જે આટલું ભોગવું છું, કોણ જુએ છે?’ આમ કહેતાં જ તંદ્રામાં સરી પડ્યો. જાેયું તો એક આઠ-નવ વર્ષની છોકરી આવીને હાજર થઈ.

‘કોણ છે તું?’ આમ પ્રશ્ન કરતાં જ એણે કહ્યું, ‘હું એ જ.’ (અર્થાત્‌ એ જ સ્ત્રીભક્ત.)

મેં પ્રશ્ન કર્યો: કેમ આવી છે?

એણે કહ્યું: તમે બોલાવી એટલે જ આવી છું.

પ્રશ્ન: ક્યાં હતી? શું કરતી હતી?

ઉત્તર: કેમ, તમે શ્રીશ્રીઠાકુરની સેવા કરવાનું કહ્યું હતુંને! એમની જ સેવા કરતી હતી અને એમની જ સાથે હતી.

મેં એને હવા નાખવાનું કહ્યું. એ બે હાથે હવા નાખવા લાગી. ખૂબ સરસ હવા આવવા લાગી.

મેં ફરીથી પૂછ્યું: તારું જ્યારે મૃત્યુ થયું હતું ત્યારે શું થયું હતું, કહે તો. કોણ તારો હાથ દોરીને લઈ ગયું હતું.

આના ઉત્તરમાં એણે પૂછ્યું કે હું કયા જનમની વાત કરું છું, અને કહ્યું, ‘એક નિંદર આવતાં જ એક દિવસની વાત ભૂલી જવાય. આ તો કેટલા જન્મો વહી ગયા છે—કયા જનમની વાત પૂછો છો?’

સ્ત્રીભક્તની વાત

ત્યારે મેં એને રાંચીની વાત યાદ કરાવી. એણે ઉત્તર આપ્યો:

જે રાત્રે મારું મૃત્યુ થયું હતું, એ રાત્રે મારી પીડા એટલી બધી વધી ગઈ હતી કે કશાથી પણ શાંતિ મળતી ન હતી, છતાં પણ હું તમને નહોતી ભૂલી. તમને યાદ કરતી હતી એ સમયે તમે આવીને મારો હાથ પકડીને કહ્યું, ‘ચાલી આવ.’

હું પણ એમ જ ચાલી આવી. ઘણે દૂર આવીને, હું ખોકા મહારાજ (સ્વામી સુબોધાનંદ) સમજીને જ તમારી સાથે વાત કરી રહી હતી. એ સમયે જેમણે મારો હાથ પકડીને મને દોરીને લાવી હતી, એમણે કહ્યું, ‘હું ખોકા મહારાજ નથી.’

મેં પૂછ્યું: તો કોણ?

એમણે કહ્યું: ખોકા મહારાજે તને જેની પૂજા કરવાનું કહ્યું છે, હું .

પ્રશ્ન: તો પછી તમે ખોકા મહારાજ જેવા કેમ દેખાવ છો?

ઉત્તર: એવું ના હોત તો, તું મને કેવી રીતે ઓળખી શકત? માટે ખોકાનું રૂપ ધરીને તારો હાથ દોરીને લાવ્યો છું.

પ્રશ્ન: જાે એમ જ હોય તો કૃપા કરીને તમારું સ્વરૂપ એક વાર બતાવો.

ત્યારે શ્રીશ્રીઠાકુરે ખોકા મહારાજનો ચહેરો છોડીને પોતાનું સ્વરૂપ ધારણ કર્યું. એ રૂપમાં કેવી જ્યોતિ, કેવું સ્નિગ્ધ શાંતિમય રૂપ—એ શું શબ્દોથી વર્ણવી શકાય!

અત્યારે પણ ઠાકુરની પાસે જ હતી—તમે વારંવાર પોકારી માટે જ એમને કહીને આવી કે તેઓ પોકારે છે, માટે જઈને થોડું સાંભળી આવું.

ત્યારે મેં (સુબોધાનંદજીએ) એને કહ્યું: ખૂબ સારું. જા, જ્યાં હતી ત્યાં પાછી ફરી જા.

તરત જ એ સ્ત્રીભક્ત ચાલી ગઈ.

Total Views: 84

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.