પ્રત્યાહાર અને ધારણાઃ શ્રીકૃષ્ણ કહે છેઃ ‘જે માણસો મને શોધે છે તેઓ ગમે તે સાધનાનો આશ્રય લે પણ મને પ્રાપ્ત કરે છે; તે સર્વે મને પહોંચવાના જ માર્ગ છે.’ પ્રત્યાહાર એટલે ‘ની તરફ એકઠું કરવું’ એટલે કે મનને પકડવાનો અને ઇચ્છિત વસ્તુ પર તેને કેન્દ્રિત કરવાનો પ્રયાસ. પ્રથમ પગલું મનને ભમવા દેવાનું છે. તેના પર દૃષ્ટિ રાખો; જુઓ કે તે શું વિચારે છે? માત્ર સાક્ષી થઈને રહો, મન એ જીવ કે આત્મા નથી; તે ફક્ત વધુ સૂક્ષ્મ સ્વરૂપે રહેલું જડ દ્રવ્ય જ છે. આપણે એના માલિક છીએ; અને જ્ઞાનતંતુની શક્તિઓ દ્વારા આપણે તેને ચલાવતા શીખી શકીએ છીએ.

શરીર એટલે આપણે જેને (આંતરિક) મન કહીએ છીએ તેનું બાહ્ય દર્શન. આપણે એટલે કે આત્મા. એ શરીર અને મન બંનેથી પર છે; આપણે નિત્ય, સનાતન, પરિવર્તનરહિત સાક્ષી આત્મા છીએ. શરીર એટલે નક્કર થઈ ગયેલો વિચાર.

શ્વાસ જ્યારે ડાબા નસકોરામાંથી વહેતો હોય ત્યારે આરામ લેવાનો સમય છે. જમણામાંથી વહે ત્યારે કાર્ય કરવાનો સમય છે અને બન્નેમાંથી વહે ત્યારે ધ્યાનનો સમય છે એમ જાણવું. આપણે જ્યારે શાંત હોઈએ અને બંને નસકોરામાંથી સરખો શ્વાસ લેતા હોઈએ ત્યારે નીરવ ધ્યાન માટેની યોગ્ય સ્થિતિમાં છીએ. શરૂઆતમાં જ મનને એકાગ્ર કરવાનો પ્રયત્ન નકામો છે. વિચારો પર કાબૂ એની મેળે આવશે.

અંગૂઠા અને તર્જનીથી નસકોરાં બંધ રાખવાના પૂરતા અભ્યાસ પછી, ઇચ્છાશક્તિથી એકલા વિચાર દ્વારા જ આપણે તેમ કરી શકીશું.

પ્રાણાયામમાં હવે થોડોક ફેરફાર કરવાનો છે. સાધક પાસે પોતાના ‘ઇષ્ટ’નું નામ હોય તો પૂરક અને રેચક વખતે ૐને બદલે તે વાપરવું અને કુંભક વખતે ‘હુમ્’ શબ્દ વાપરવો.

‘હુમ્’ શબ્દના પ્રત્યેક ઉચ્ચારણની સાથે રોકી રાખેલ શ્વાસને કુંડલિનીના માથા ઉપર બળપૂર્વક છોડો અને કલ્પના કરો કે આઘાત તેને જાગ્રત કરે છે. તમે પોતાને માત્ર ઈશ્વર સાથે જ અભિન્ન ગણો. થોડા સમય પછી વિચારો પોતાનું આગમન જણાવશે અને તેઓ કઈ રીતે શરૂ થાય છે તેની આપણને ખબર પડશે; અને જેમ અત્યારની ભૂમિકાએ બહાર દૃષ્ટિ નાખીને કોઈ માણસને આવતો આપણે જોઈ શકીએ છીએ; તેમ આપણે શો વિચાર કરવાના છીએ તે જાણી શકીશું. આ સ્થિતિએ આપણે ત્યારે પહોંચીશું કે જ્યારે આપણે પોતાને આપણાથી પૃથક્ કરતાં અને આપણને પોતાને એક રીતે તથા મનને તેથી કંઈક અલગ વસ્તુ તરીકે જોતાં શીખીશું. વિચારોના સકંજામાં તમે પકડાઈ જાઓ નહિ; તેમનાથી અલગ થઈને બાજુએ ઊભા રહો એટલે તેઓ શમી જશે.

આ પવિત્ર વિચારને અનુસરો. તેમની સાથે ચાલો. તેઓ વિલીન થઈ જશે ત્યારે તમે સર્વશક્તિમાન ઈશ્વરનાં ચરણ પ્રાપ્ત કરશો. આ જ સમાધિ કે અતિચેતન અવસ્થા છે. વિચાર વિલીન થઈ જાય ત્યારે તેને અનુસરો અને તેની સાથે તમે પોતે પણ વિલીન થઈ જાઓ.

જ્યોતિર્મંડલો આંતરજ્યોતિનાં પ્રતીકો છે અને યોગીઓને તે દેખાય છે. કેટલીક વાર આપણને જાણે કે અગ્નિજ્વાળાઓથી ઘેરાયેલું હોય તેવું કોઈક મુખ દેખાય. તે જ્વાળાઓમાં તે વ્યક્તિનું ચારિત્ર્ય વાંચી શકીએ. ભૂલ વગર તેનો તોલ બાંધી શકીએ. આપણને આપણા ઇષ્ટનાં દર્શન થાય. એ પ્રતીક ઉપર આપણે શ્રદ્ધાપૂર્વક આધાર રાખી શકીએ. આપણા મનને સંપૂર્ણપણે એકાગ્ર કરી શકીએ.

સર્વ ઇંદ્રિયો દ્વારા આપણે કલ્પના કરી શકીએ, પરંતુ મુખ્યત્વે આપણે આંખ દ્વારા તેમ કરીએ છીએ. કલ્પના સુધ્ધાં અર્ધ-જડ દ્રવ્યની બનેલી છે. બીજા શબ્દોમાં કહીએ તો મૂર્ત આભાસ સિવાય આપણે વિચાર કરી શકીએ નહિ. પરંતુ પ્રાણીઓ વિચાર કરતાં દેખાય છે છતાં તેમની પાસે શબ્દો નથી. તેથી સંભવિત છે કે વિચાર અને કલ્પના વચ્ચે અતૂટ સંબંધ નથી.

કલ્પનાને યોગમાં ટકાવી રાખવાનો પ્રયાસ કરો; પરંતુ એટલું સંભાળજો કે તે પવિત્ર અને નિર્દોષ હોય. આપણા સૌની કલ્પનાશક્તિના પ્રકારમાં, દરેકની વિશિષ્ટતાઓ હોય છે; માટે તમને જે પ્રકાર સૌથી વધુ સ્વાભાવિક લાગે તેને અનુસરો; તમને એ સૌથી સહેલું થઈ પડશે.

આપણે કર્મ દ્વારા સર્વ પુનર્જન્મોના પરિણામરૂપ છીએ; બૌદ્ધો કહે છે તેમ ‘એક દીવામાંથી પ્રગટેલો બીજો દીવો’ —દીપ જુદા જુદા પણ પ્રકાશ એક જ.

આનંદમાં રહો, વીર બનો, રોજ સ્નાન કરો; ધીરજ, પવિત્રતા અને ખંત રાખો; તો તમે સાચેસાચા યોગી થશો. ઉતાવળા થવાનો પ્રયાસ કદી કરો નહિ અને જો સિદ્ધિઓ આવે તો યાદ રાખો કે તે માત્ર આડા રસ્તા છે. તેમનાથી લલચાઈને મુખ્ય માર્ગથી ભ્રષ્ટ થાઓ નહિ; એ બધીને બાજુએ મૂકો અને તમારા એકમાત્ર સાચા ધ્યેય ઈશ્વરને દૃઢતાથી વળગી રહો. જે શાશ્વત વસ્તુને પ્રાપ્ત કરવાથી આપણને ચિર શાંતિ મળે તેની જ શોધ કરો; સર્વને પામી ચૂક્યા હોવાથી પામવા માટે પ્રયાસ કરવા જેવું કંઈ રહેતું નથી અને આપણે સદા મુક્ત અને પૂર્ણ સત્‌માં—કેવળ સત્, કેવળ ચિત્, કેવળ આનંદમાં છીએ.

Total Views: 199
ચોથો પાઠ
૧. કાર્ય એ જ પૂજન