આપણા સમગ્ર જ્ઞાનનો આધાર છે અનુભવ. જેને આપણે અનુમાન કહીએ છીએ કે જેમાં આપણે ઓછા વ્યાપકમાંથી વધુ વ્યાપક જ્ઞાને પહોંચીએ છીએ અથવા સર્વ સામાન્ય સિદ્ધાંતના જ્ઞાનમાંથી વિશેષ જ્ઞાને પહોંચીએ છીએ, તેના પણ પાયામાં છે અનુભવ. જેમને નિશ્ચિત વિજ્ઞાનશાસ્ત્રો કહેવામાં આવે છે, તેમાં લોકોને સત્ય સહેલાઈથી સાંપડે છે, કારણ કે તે દરેક મનુષ્યના અમુક ખાસ અનુભવોને લાગુ પડતું હોય છે. વિજ્ઞાની તમને કોઈ પણ બાબતને માની લેવાનું કહેતો નથી, પણ તેની પાસે અમુક પરિણામો હોય છે કે જે તેણે પોતાના અનુભવમાંથી મેળવ્યાં હોય છે,અને તેમના પર પોતાની વિચારસરણી બાંધીને તે જ્યારે આપણને તેનાં પરિણામોમાં માનવાનું કહે છે ત્યારે તે માનવજાતિના કોઈક સર્વ વ્યાપક અનુભવને લગતી વાત કરતો હોય છે. દરેક નિશ્ચિત વિજ્ઞાનમાં એક પાયો કે આધાર હોય છે કે જે સમગ્ર માનવજાતિને માટે સર્વસામાન્ય હોય છે અને તેથી તેમાંથી તારવેલા નિર્ણયોનું સત્ય કે દોષ આપણે તરત જ જોઈ શકીએ છીએ. ત્યારે હવે પ્રશ્ન એ ઊભો થાય છે કે ધર્મને આવો કોઈ આધાર છે કે નહીં? મારે એ પ્રશ્નનો ઉત્તર ‘હા’ તેમજ ‘ના’ બંનેમાં આપવો પડશે.
સમગ્ર સંસારમાં ધર્મનો સાધારણ રીતે જે પ્રકારે ઉપદેશ આપવામાં આવે છે તેમાં કહેવામાં આવે છે કે ધર્મનો આધાર છે શ્રદ્ધા ને માન્યતા અને ઘણા ખરા કિસ્સાઓમાં તો ધર્મ માત્ર વાદોના જુદા જુદા સમૂહનો જ બનેલો હોય છે અને બધા ધર્મોને એકબીજા સાથે ઝઘડતા આપણે જોઈએ છીએ, તેનું કારણ છે આ. વળી, આ વાદો માન્યતાઓ પર મંડાયેલા હોય છે. એક માણસ કહે છે કે એક મહાન સત્તાધારી દેવ વાદળાંઓની ઉપર બિરાજે છે અને સમગ્ર વિશ્વ પર હકૂમત ચલાવે છે અને તે માણસ મને કેવળ તેના કથનને જ પ્રમાણભૂત તરીકે સ્વીકારીને માની લેવાનું કહે છે. એ જ પ્રકારે, મારે મારા પોતાના જ વિચારો હોય કે જે હું બીજાઓને માની લેવાનું કહેતો હોઉં અને જો તેઓ તેનું કારણ માગે તો હું એક પણ આપી શકું તેમ ન હોઉં. આ જ કારણસર, ધર્મ અને દર્શનશાસ્ત્રને આજે વગોવવામાં આવે છે. દરેક ભણેલો માણસ એમ કહેતો જણાય છે કે, ‘અરે, આ ધર્મો તો કેવળ વાદોના ભારાઓ જેવા છે, ને તેમાં નિર્ણય કરવાનું કોઈ ધોરણ જ નથી અને દરેક જણ તેને પોતાને ગમતા વિચારોનો જ પ્રચાર કરે છે.’ તેમ હોવા છતાં ધર્મમાં સર્વવ્યાપી માન્યતાનો આધાર રહેલો છે કે જે સઘળા જુદા જુદા વાદો અને જુદા જુદા દેશોમાં પ્રચલિત જુદા જુદા સંપ્રદાયોના બધા વિવિધ વિચારોનું સંચાલન કરે છે. તેમના મૂળમાં જઈએ તો આપણને જણાશે કે તે બધાનો આધાર પણ સર્વસામાન્ય અનુભવો છે.
સૌથી પહેલાં, જગતના બધા જુદા જુદા ધર્મોનું જો તમે પૃથક્કરણ કરશો તો તમને જણાશે કે ધર્મો બે વિભાગમાં વહેંચાયેલા છેઃ ગ્રંથ સહિતના અને ગ્રંથરહિતના. ગ્રંથ પર આધારવાળા ઘણા મજબૂત છે અને તેમના અનુયાયીઓની સંખ્યા ઘણી મોટી છે. ગ્રંથરહિતનાઓ ઘણા ખરા મરી પરવાર્યા છે અને જે થોડાક નવા થયા છે તેમના અનુયાયીઓની સંખ્યા બહુ નાની છે. તોપણ એ બધાયની અંદર એક બાબતમાં એકમતી જોવામાં આવે છે કે જે સત્યોનો તેઓ ઉપદેશ કરે છે તે સત્યો અમુક વ્યક્તિઓના અનુભવોનાં પરિણામો છે. ખ્રિસ્તી તમને તેના ધર્મમાં માનવાનું, ઈશુ ખ્રિસ્તમાં માનવાનું, ઈશુ ખ્રિસ્તને ઈશ્વરના અવતાર તરીકે માનવાનું, ઈશ્વરમાં, આત્મામાં અને આત્માના ઉદ્ધારમાં માનવાનું કહે છે. જો હું તેને તેનું કારણ પૂછું તો તે કહેશે કે હું એ બધામાં માનું છું માટે. પણ જો તમે ખ્રિસ્તી ધર્મના મૂળમાં જાઓ, તો તમને જણાશે કે તેનો પણ આધાર છે અનુભવ. ઈશુ ખ્રિસ્ત બોલ્યા હતા કે મેં ઈશ્વરને જોયો છે; તેના શિષ્યોએ કહ્યું હતું કે અમે ઈશ્વરને અનુભવીએ છીએ, વગેરે વગેરે. તે જ પ્રમાણે બૌદ્ધ ધર્મમાં બુદ્ધના અનુભવ છે. તેમણે કેટલાંક સત્યોનો અનુભવ કર્યો, તે સત્યોનાં તેમણે દર્શન કર્યાં, તેમના સંસર્ગમાં આવ્યા અને તેમનો તેમણે જગતને ઉપદેશ આપ્યો. તે જ પ્રમાણે હિંદુઓનું છે. તેમના ધર્મગ્રંથોમાં લેખકો કે જેમને ઋષિઓ કહેવામાં આવે છે તેઓ જાહેર કરે છે કે, ‘અમે કેટલાંક સત્યોનો અનુભવ કર્યો છે’ અને તેમનો તેઓ ઉપદેશ કરે છે. આમ એ સ્પષ્ટ છે કે જગતના બધા ધર્મો આપણા સર્વ જ્ઞાનના એકમાત્ર વિશ્વવ્યાપી અને વજ્ર જેવા મજબૂત પાયા-પ્રત્યક્ષ અનુભવ પર રચાયેલા છે. બધા આચાર્યોએ ઈશ્વરને જોયો હતો; તે બધાએ પોતાના આત્માને ઓળખ્યો હતો, તેમણે પોતાના ભાવિને જોયું હતું, તેમણે પોતાની અનંતતાને જોઈ હતી અને જે તેમણે જોયું તેનો તેમણે ઉપદેશ કર્યો. ફકત આટલો તફાવત છે કે આ ધર્મોમાંના ઘણા ખરા, ખાસ કરીને અત્યારના સમયમાં, એક નવાઈ જેવો દાવો કરે છે કે એ અનુભવો અત્યારના દિવસોમાં અશક્ય છે; એ અનુભવો તો જે આદિ ધર્મસ્થાપકોને નામે ધર્મો પાછળથી ઓળખાયા તે થોડાક મનુષ્યોને માટે જ શક્ય હતા. અત્યારના સમયમાં તો આ બધા અનુભવ લુપ્ત થઈ ગયા છે અને એટલા માટે, આપણે અત્યારના સમયમાં તો ધર્મનો સ્વીકાર માન્યતા પર જ કરવાનો રહ્યો. આનો હું ઘસીને ઇન્કાર કરું છું. આ દુનિયામાં જ્ઞાનની કોઈ પણ શાખામાં જો એક વાર એક અનુભવ થયો, તો એ નિર્વિવાદપણે ફલિત થાય છે કે તે અનુભવ અગાઉ લાખો વાર શક્ય થયો છે અને હંમેશાં ફરી ફરીને શક્ય થશે. એકસમાનતા એ કુદરતનો ચુસ્ત નિયમ છે; જે એક વાર બન્યું તે હંમેશાં બની શકે.
તેથી યોગવિજ્ઞાનના આચાર્યો ઘોષણા કરે છે કે ધર્મ પ્રાચીન કાળના અનુભવો પર રચાયેલો છે એટલું જ નહિ, પણ જ્યાં સુધી એ અનુભવોને પોતે પ્રાપ્ત કરે નહિ ત્યાં સુધી કોઈ પણ માણસ ધાર્મિક થઈ શકે નહિ. આ અનુભવો કેવી રીતે મેળવવા તે શીખવનારું વિજ્ઞાન છે યોગ. જ્યાં સુધી પોતાને અનુભવ ન થાય ત્યાં સુધી, ધર્મની માત્ર વાતો કરવાનો કશો ઉપયોગ નથી. ઈશ્વરને નામે આટલી ગડબડ, આટલા ઝઘડા અને કજિયા શા માટે છે? બીજી કોઈ પણ બાબત કરતાં ઈશ્વરને નામે વધારે રક્તપાત થયો છે, કારણ કે લોકો ધર્મના મૂળ સુધી ગયા જ નહિ; તેઓને તેમના બાપદાદાના રીતરિવાજોને માનસિક સંમતિ આપીને સંતોષ થતો હતો અને બીજાઓ પણ તેમ કરે એમ ઇચ્છતા હતા. જો માણસને પોતાના આત્માનો અનુભવ ન થતો હોય અથવા જો એ ઈશ્વરને દેખતો ન હોય, તો પોતાને આત્મા છે અથવા ઈશ્વર છે એમ કહેવાનો તેને શો અધિકાર છે? જો ઈશ્વર હોય તો આપણે તેને દેખવો જોઈએ, જો આત્મા હોય તો આપણને તેનો અનુભવ થવો જોઈએ; નહિતર બહેતર છે કે આપણે તેમાં ન માનીએ. દંભી થવા કરતાં ખુલ્લેખુલ્લા નાસ્તિક થવું વધુ સારું છે. આધુનિક વિચારપદ્ધતિમાં, ‘શિક્ષિતો,’ એક બાજુએ કહે છે કે ધર્મ અને અધ્યાત્મવિદ્યા અને એ પરમતત્ત્વ પાછળની શોધ વગેરે બધાં નકામાં છે; બીજી બાજુએ અર્ધશિક્ષિતોનો ખ્યાલ એવો લાગે છે કે આ બધી બાબતોને ખરેખર તો કશો આધાર નથી, માત્ર તેમની કશી કિંમત હોય તો એ છે કે તે બધી જગતનું ભલું કરવા માટેનું પ્રબળ પ્રેરક બળ પૂરું પાડે છે. જો મનુષ્યો ઈશ્વરમાં માને, તો તેઓ સારા થાય, ભલા અને નીતિમાન થાય અને એ રીતે સારા નાગરિક બને. આવા વિચારો ધરાવવા માટે આપણે તેમને દોષ ન દઈ શકીએ, કારણ કે આ માણસોને જે શિક્ષણ મળે છે તેની પાછળ માત્ર કોઈ પણ જાતના તત્ત્વ વિનાની એક સનાતન શબ્દજાળ જ છે. તેમને શબ્દો પર જ જીવવાનું કહેવામાં આવે છે; એ તે કાંઈ બને? જો એમ બનતું હોય તો માનવ-સ્વભાવ માટે મને જરાય માન ન રહે. માણસ માગે છે સત્ય, પોતે જાતે સત્યનો અનુભવ લેવા ઇચ્છે છે; જ્યારે એ સત્યને સમજશે, તેનો અનુભવ કરશે, હૃદયના ગંભીરમાં ગંભીર ઊંડાણમાં તેને પામશે, ત્યારે ને કેવળ ત્યારે જ, વેદો કહે છે તેમ, સર્વ સંશયો છેદાઈ જાય છે, સઘળો અંધકાર ઊડી જાય છે અને સઘળી કુટિલતા સીધી થઈ જાય છે. ‘હે અમૃતત્વના પુત્રો, હે દિવ્ય ધામના વાસીઓ, સાંભળો. મને માર્ગ મળી ગયો છે, આ સર્વ અંધકારમાંથી નીકળવાનો માર્ગ મને સાંપડ્યો છે અને તે છે અંધકારથી પર એવા પ્રકાશમાન આત્મતત્ત્વને અનુભવવાનો, તે સિવાય બીજો કોઈ માર્ગ નથી.’
રાજયોગનું વિજ્ઞાન માનવજાતિ સમક્ષ આ સત્યે પહોંચવા માટેની વ્યવહારુ અને વિજ્ઞાનની રીતે સિદ્ધ થયેલી પદ્ધતિ રજૂ કરવા માગે છે. પ્રથમ તો, દરેક વિજ્ઞાનને તેની પોતાની શોધખોળ કરવાની પદ્ધતિ હોવી જોઈએ. જો ખગોળવેત્તા થવું હોય તો બેઠા બેઠા ‘ખગોળવિદ્યા! ખગોળવિદ્યા!’ એમ બૂમો પાડવાથી ખગોળવિદ્યા કદી આવડવાની નથી. રસાયણવિદ્યા વિશે પણ તેમ જ સમજવું. એક ચોક્કસ પદ્ધતિને અનુસરવું જોઈએ. રસાયણશાસ્ત્રી થવા માટે પ્રયોગશાળામાં જવું જોઈએ, જુદાં જુદાં દ્રવ્યો લેવાં જોઈએ, તેમની મેળવણી કરવી જોઈએ, તેમને વાટીઘૂંટીને એકરસ કરવાં જોઈએ, તેમના પર પ્રયોગ કરવા જોઈએ, એ બધું કરતાં કરતાં રસાયણવિદ્યાનું જ્ઞાન આવે. જો ખગોળવેત્તા થવું હોય તો વેધશાળામાં જવું જોઈએ. દૂરબીન લઈને તારાઓ અને ગ્રહોનો અભ્યાસ કરવો જોઈએ, ત્યારે ખગોળવેત્તા થવાય. દરેક વિજ્ઞાનને તેની પોતાની એક આગવી પદ્ધતિ હોવી જોઈએ. હું તમને ભલે હજારો ધાર્મિક વ્યાખ્યાનો આપું, પણ જ્યાં સુધી તમે એ પદ્ધતિ પ્રમાણે સાધના ન કરો ત્યાં સુધી એ પ્રવચનોથી તમે ધાર્મિક થવાના નથી. આ સત્યો તો સર્વ દેશનાં, સર્વ યુગના ઋષિઓનાં છે, પવિત્ર અને નિઃસ્વાર્થ મહાપુરુષોનાં છે કે જેમનો જગતનું ભલું કરવા સિવાય બીજો કોઈ હેતુ જ ન હતો. તેઓ સર્વે જાહેર કરે છે કે ઇંદ્રિયો આપી શકે તેના કરતાં વધુ ઉચ્ચ કોઈક સત્ય તેમને લાધ્યું છે અને તેની પરીક્ષા કરી જોવા માટે તેઓ આમંત્રણ આપે છે. તેઓ આપણને તેમણે દર્શાવેલી પદ્ધતિને અપનાવીને પ્રામાણિકપણે સાધના કરવાનું કહે છે અને ત્યાર પછી, જો આપણને આ વધુ ઉચ્ચ સત્ય સાંપડે નહિ, તો જ એ દાવામાં કશું વજૂદ નથી એમ કહેવાનો આપણને અધિકાર મળે છે, પણ તેમ કર્યા પહેલાં તેમના કથનના સત્યને કાઢી નાખવું એ આપણે માટે ન્યાય નથી. એટલે આપણે તેમણે દર્શાવેલી પદ્ધતિ પ્રમાણે શ્રદ્ધાપૂર્વક કાર્ય કરવું જોઈએ, તો પ્રકાશ આવશે.
જ્ઞાન મેળવવાની ક્રિયામાં આપણે સર્વસામાન્ય નિયમનો ઉપયોગ કરીએ છીએ; સર્વસામાન્ય નિયમનો આધાર છે નિરીક્ષણ. આપણે પ્રથમ હકીકતોનું નિરીક્ષણ કરીએ છીએ, તે પછી તેમના પરથી એક સામાન્ય નિયમ તારવીએ છીએ અને ત્યાર પછી નિર્ણયો અથવા સિદ્ધાંતો બાંધીએ છીએ. મન સંબંધેનું જ્ઞાન, મનુષ્યની આંતરપ્રકૃતિનું જ્ઞાન, વિચારનું જ્ઞાન, પ્રથમ જ્યાં સુધી આપણે અંદર ચાલી રહેલી હકીકતોનું નિરીક્ષણ કરવાની શક્તિ ન મેળવીએ ત્યાં સુધી કદી મળી શકે નહિ. બાહ્યજગતમાં ઘટનાઓનું નિરીક્ષણ કરવું પ્રમાણમાં સહેલું છે, કારણ કે એ કરવા માટે ઘણાંય સાધનો શોધાયાં છે, પણ આંતરજગતની અંદર મદદ કરવા માટે કોઈ જ સાધન નથી. છતાં આપણે જાણીએ છીએ કે, ખરેખરું વિજ્ઞાન પ્રાપ્ત કરવા માટે નિરીક્ષણ કરવું જ જોઈએ. યોગ્ય પૃથક્કરણ વિના કોઈ પણ વિજ્ઞાન નકામું નીવડવાનું, એ માત્ર સિદ્ધાંત નિરૂપણ જ રહેવાનું અને એ કારણસર જ જે થોડાક ગણ્યા ગાંઠ્યા મનોવિજ્ઞાનીઓએ નિરીક્ષણનાં સાધનો શોધી કાઢ્યાં તેમના સિવાયના બધા જ અનાદિ કાળથી આપસ આપસમાં ઝઘડા કરતા આવ્યા છે.
રાજયોગ-વિજ્ઞાન, સૌથી પહેલું તો આપણી અંદરની અવસ્થાઓનું નિરીક્ષણ કરવાનું સાધન આપવા માગે છે. એ સાધન છે મન પોતે જ. ધ્યાન દેવાની શક્તિને જ્યારે યોગ્ય દોરવણી આપીને અંદરની દુનિયા પર વાળવામાં આવે છે, ત્યારે તે મનનું પૃથક્કરણ કરી બતાવે છે અને હકીકતોને પ્રકાશમાં લાવે છે. મનની શક્તિઓ એ વિખરાઈ ગયેલાં પ્રકાશનાં કિરણો જેવી છે; જ્યારે તેમને એકાગ્ર કરવામાં આવે છે, ત્યારે તે પ્રકાશ આપે છે. જ્ઞાન મેળવવાનું આપણી પાસે આ એક માત્ર સાધન છે. સૌ કોઈ, બાહ્ય તેમજ આંતર—બંને જગતમાં તેનો ઉપયોગ કરે છે; પણ જે બારીક નિરીક્ષણ ભૌતિક વિજ્ઞાની બાહ્ય જગતમાં કરે છે, મનોવિજ્ઞાનીએ તેટલું જ આંતરજગતમાં કરવાનું છે; અને આને માટે ઘણી જ સાધનાની જરૂર છે. બચપણથી માંડીને અત્યાર સુધી આપણને બાહ્ય વસ્તુઓ પર જ ધ્યાન દેતાં શીખવવામાં આવ્યું છે, પણ અંદરની બાબતો પર કદી નહિ, તેથી આપણામાંના ઘણા ખરા અંદરની યંત્રરચનાનું નિરીક્ષણ કરવાની શક્તિ લગભગ ખોઈ બેઠા છીએ. મનને, જાણે કે, અંદરની બાજુએ વાળવું, તેને બહાર જતું અટકાવવું અને પછી તેની સઘળી શક્તિઓને એકાગ્ર કરીને ખુદ મન પર જ લગાડવી કે, જેથી તે પોતાના સ્વભાવને જાણી શકે, તેનું પૃથક્કરણ કરી શકે, એ ઘણું જ કઠણ કામ છે અને છતાં આ વિષયમાં વૈજ્ઞાનિક પ્રવેશ જેવું કંઈ હોય, તો તેનો રસ્તો એ એક જ છે.
આવા જ્ઞાનનો ઉપયોગ શો? પ્રથમ તો, જ્ઞાન પોતે જ જ્ઞાનનો સર્વોત્તમ બદલો છે અને બીજું, તેમાં ઉપયોગિતા પણ છે. એ આપણાં સર્વ દુઃખો હરી લેશે. માણસ જ્યારે પોતાના મનનું પૃથક્કરણ કરીને કોઈક એવી વસ્તુને પ્રત્યક્ષ કરશે કે જેનો કદી નાશ થતો નથી કે જે પોતાને સ્વભાવે જ સદાને માટે શુદ્ધ અને સંપૂર્ણ છે, ત્યારે તેને કદી શોક નહિ થાય, તે કદી દુઃખી નહિ થાય. સઘળાં દુઃખનું મૂળ છે ભય, અતૃપ્ત વાસના. માણસને જ્યારે જણાશે કે પોતે કદી મૃત્યુ પામતો નથી, એટલે પછી તેને મૃત્યુનો ભય રહેશે નહિ. જ્યારે તેને જ્ઞાન થશે કે પોતે પૂર્ણ છે ત્યારે તેને વ્યર્થ વાસનાઓ નહિ સતાવે અને આ બંને કારણો નહિ રહેવાથી તેને દુઃખ રહેશે નહિ, આ શરીરમાં રહેવા છતાં તેને પૂર્ણ આનંદની પ્રાપ્તિ થશે.
આ જ્ઞાન મેળવવાની માત્ર એક જ રીત છે, જેને એકાગ્રતા કહેવામાં આવે છે તે. રસાયણશાસ્ત્રી તેની પ્રયોગશાળામાં પોતાના મનની સઘળી શક્તિઓને એક કેન્દ્રમાં એકાગ્ર કરે છે અને જે પદાર્થોનું તે પૃથક્કરણ કરી રહ્યો હોય છે તેમના પર નાખે છે અને એ રીતે તેમનાં રહસ્યો શોધી કાઢે છે. ખગોળવેત્તા તેના મનની સઘળી શક્તિઓને એકાગ્ર કરીને દૂરબીન દ્વારા આકાશમાં વાળે છે; પરિણામે તારાઓ, સૂર્ય, ચંદ્ર વગેરે પોતાનું રહસ્ય તેને જણાવી દે છે. જે વિષય પર હું તમારી સમક્ષ બોલી રહ્યો છું તેના પર મારા વિચારોને હું જેટલા વધુ એકાગ્ર કરી શકું તેટલો તેને હું વધુ સ્પષ્ટ કરી શકું. તમે મને સાંભળી રહ્યા છો અને તમે તમારા વિચારોને જેટલા વધુ એકાગ્ર કરી શકો, તેટલા તમે મારા કહેવાના તાત્પર્યને વધુ ગ્રહણ કરી શકશો.
મનની શક્તિઓને એકાગ્ર કર્યા સિવાય બીજી કઈ રીતે જગતમાંનું કોઈ પણ જ્ઞાન મેળવાયું છે? જગતને જો ધક્કો મારતાં આપણને આવડે, તેને યોગ્ય રીતે આઘાત કરતાં જો આપણને આવડે તો દુનિયા પોતાનાં રહસ્યો ખુલ્લાં કરી દેવા માટે તૈયાર પડી છે. એ આઘાતનું બળ અને વેગ આવે છે એકાગ્રતામાંથી. માનવમનની શક્તિને કોઈ સીમા નથી. જેમ જેમ તે વધુ એકાગ્ર થાય છે, તેમ તેમ તેની શક્તિ એક કેન્દ્ર પર વધુ ને વધુ એકાગ્ર કરી શકાય છે; રહસ્ય એ છે.
બહારની વસ્તુઓ પર મનને એકાગ્ર કરવું વધુ સહેલું છે, મન કુદરતી રીતે જ બહારની બાજુએ જાય છે; પણ ધર્મની બાબતમાં કે મનોવિજ્ઞાનની બાબતમાં કે તત્ત્વજ્ઞાનની બાબતમાં કે જ્યાં જ્ઞાતા ને જ્ઞેય એક જ છે, ત્યાં તેમ નથી. ત્યાં જ્ઞાનનો વિષય છે આંતરિક, મન પોતે જ વિષય છે—એટલે કે મન પોતે જ મનનો અભ્યાસ કરે છે. આપણે જાણીએ છીએ કે મનની અંદર એક એવી શક્તિ છે કે જેને ચિંતન કહેવામાં આવે છે. આ હું તમારી સાથે બોલી રહ્યો છું તે જ વખતે હું, જાણે કે, એક બીજી વ્યક્તિરૂપે અલગ ઊભેલો છું અને હું જે બોલી રહ્યો છું તે જાણી રહ્યો છું ને સાંભળી રહ્યો છું. તમે એક જ વખતે કામ કરો છો અને વિચાર કરો છો, ત્યારે તમારા મનનો એક અંશ બાજુએ ઊભો રહે છે અને તમે જે વિચાર કરો છો તે જુએ છે. મનની શક્તિઓને એકાગ્ર કરવી જોઈએ અને તેના પોતા પર જ વાળવી જોઈએ, એટલે જેવી રીતે ગાઢમાં ગાઢ અંધારી જગા પણ સૂર્યનાં વેધક કિરણોના પ્રકાશમાં પોતાનું રહસ્ય ખુલ્લું કરી દે, તેવી રીતે આ એકાગ્ર થયેલું મન પોતાનાં જ ઊંડામાં ઊંડાં રહસ્યોનો ભેદ ઉકેલશે. આ રીતે આપણે માન્યતાના મૂળ આધાર પાસે, ખરા સત્ય ધર્મને પહોંચીશું. આપણને આત્મા છે કે નહિ, જિંદગી પાંચ મિનિટની છે કે અનંત છે, વિશ્વમાં કોઈ ઈશ્વર છે કે નહિ, એ બધું આપણે પોતે જ અનુભવીશું. એ બધાનું આપણને પ્રત્યક્ષરૂપે દર્શન થશે. રાજયોગ જે શીખવવા માગે છે તે આ છે. તેના સઘળા ઉપદેશોનું ધ્યેય એ છે કે મનને કેવી રીતે એકાગ્ર કરવું, ત્યાર પછી આપણા પોતાના મનનાં ઊંડામાં ઊંડાં રહસ્યોને કેવી રીતે શોધી કાઢવાં, ત્યાર પછી તે બધા વિષયો પરથી સામાન્ય નિયમો કેવી રીતે તારવવા અને તેમના પરથી આપણા પોતાના નિર્ણયો કેવી રીતે બાંધવા. એટલા માટે, રાજયોગ એ પ્રશ્ન કદી પૂછતો નથી કે આપણો ધર્મ શો છે, આપણે ઈશ્વરવાદી છીએ કે નાસ્તિક છીએ કે આપણે ખ્રિસ્તી છીએ કે યહૂદી કે બૌદ્ધધર્મી છીએ. એને માટે તો આપણે મનુષ્યો છીએ એટલું બસ છે. દરેક મનુષ્યને ધર્મની શોધ કરવાનો હક અને શક્તિ છે જ. દરેક મનુષ્યને ‘શા માટે’ એવું કારણ પૂછવાનો અને જો પોતે ફક્ત તસ્દી લે તો પોતાના એ પ્રશ્નનો જવાબ પોતાની મેળે જ મેળવવાનો અધિકાર છે.
ત્યારે, અત્યાર સુધી આપણે જોઈએ છીએ કે આ રાજયોગની સાધનામાં કોઈ જાતની શ્રદ્ધા કે માન્યતા આવશ્યક નથી. તમે પોતે જ શોધી ન કાઢો ત્યાં સુધી કશું જ માની લેવું નહિ. રાજયોગ આપણને આ શીખવે છે. સત્યને ખડું રાખવા માટે ટેકાની જરૂર નથી પડતી. શું તમે એમ કહેવા માગો છો કે આપણી જાગ્રત અવસ્થાની હકીકતોને સાબિત કરવા માટે કોઈ સપના કે કલ્પનાઓની જરૂર પડે છે? નહિ જ. આ રાજયોગની સાધના માટે લાંબો સમય અને નિરંતર સાધના જોઈએ છે. આ સાધનાનો અમુક અંશ શરીરને લગતો છે, પણ મુખ્યત્વે કરીને એ મનને લગતો છે. જેમ જેમ આપણે આગળ જઈશું તેમ તેમ આપણને જણાશે કે મનનો શરીરની સાથે કેટલો નિકટનો સંબંધ છે. જો આપણે માનીએ કે મન કેવળ શરીરનો વધુ સૂક્ષ્મ વિભાગ છે અને મન શરીર પર અસર કરે છે તો એ દલીલ પણ સાચી છે કે શરીર પણ મન પર વળતી અસર કરે જ. જો શરીર માંદું પડે તો મન પણ માંદું થઈ જાય. જો શરીર તંદુરસ્ત હોય, તો મન પણ તંદુરસ્ત અને મજબૂત રહે. જ્યારે માણસ ક્રોધમાં આવી જાય છે ત્યારે મન વ્યગ્ર થઈ જાય છે. તેવી જ રીતે જ્યારે મન ક્ષુબ્ધ થઈ જાય છે, ત્યારે શરીર પણ અસ્વસ્થ થઈ ઊઠે છે. માનવજાતિના મોટા ભાગનાં મન ઘણે અંશે શરીરની હકૂમતમાં હોય છે, કારણ કે તેમનાં મનનો વિકાસ ઘણો જ ઓછો હોય છે. માનવ સમાજનો અતિ વિશાળ સમુદાય પશુત્વથી બહુ આગળ વધેલો નથી હોતો. એટલું જ નહિ, પણ અનેક કિસ્સાઓમાં તો તેમની સંયમશક્તિ નીચલી કોટિનાં જાનવરોની સંયમશક્તિ કરતાં સહેજસાજ જ ઊંચી હોય છે. આપણો આપણાં મન પર કાબૂ ઘણો જ ઓછો હોય છે. તેથી તે કાબૂ લાવવા માટે, શરીર અને મન પરનો એ કાબૂ મેળવવા માટે, આપણે કેટલીક શારીરિક મદદ લેવી પડશે. જ્યારે શરીર સારી રીતે કાબૂમાં આવી જાય, ત્યારે મનને ઇચ્છાનુસાર ચલાવવાનો પ્રયત્ન કરી શકાય. મનને ઇચ્છા પ્રમાણે ચલાવવાથી, આપણે તેના પર કાબૂ મેળવી શકીશું, આપણે ગમે તે પ્રમાણે તેની પાસે કામ કરાવી શકીશું અને આપણી ઇચ્છા પ્રમાણે તેની શક્તિઓને એકાગ્ર કરવાની તેને ફરજ પાડી શકીશું.
રાજયોગીના મત પ્રમાણે બાહ્યજગત એ આંતર યાને સૂક્ષ્મજગતનું સ્થૂળ રૂપ છે. સૂક્ષ્મ એ હંમેશાં કારણરૂપ હોય છે, જ્યારે સ્થૂળ કાર્યરૂપ. તેથી બાહ્યજગત એ કાર્યરૂપ છે, ને આંતરજગત કારણરૂપ. તે જ રીતે બહારનાં બળો એ કેવળ સ્થૂળ ભાગો છે, અંદરનાં બળો તેમના સૂક્ષ્મ ભાગો છે. જે મનુષ્ય અંદરનાં પરિબળોને શોધી કાઢીને તેમને ચલાવતાં શીખ્યો હોય છે, તેના કાબૂમાં સમગ્ર પ્રકૃતિ આવશે. યોગી આ સમસ્ત જગત પર સત્તા મેળવવાનું, સમગ્ર પ્રકૃતિ પર કાબૂ ધરાવવા જેટલું મહાન કાર્ય પોતાના પર લેવા માગે છે. તે એક એવા કેન્દ્રે પહોંચવા ઇચ્છે કે ત્યાં જેને આપણે ‘કુદરતના કાયદા’ કહીએ છીએ તેમનો તેના પર જરાય પ્રભાવ નહિ રહે, જ્યાં તે એ બધાથી પર થઈ શકશે. એ અંદરની તેમ જ બહારની એમ સમસ્ત પ્રકૃતિનો માલિક બનશે. માનવજાતિની પ્રગતિ અને સંસ્કૃતિનો અર્થ માત્ર એટલો જ છે કે, આ પ્રકૃતિ પર કાબૂ ધરાવવો.
ભિન્ન ભિન્ન પ્રજાઓ પ્રકૃતિ પર કાબૂ મેળવવાની ભિન્ન ભિન્ન પદ્ધતિઓ અજમાવે છે. જેવી રીતે એક જ સમાજમાં કેટલીક વ્યક્તિઓ બાહ્યપ્રકૃતિ પર કાબૂ મેળવવા માગે છે, જ્યારે બીજીઓ અંદરની પ્રકૃતિ પર; તેવી રીતે પ્રજાઓમાં પણ કેટલીક પ્રજાઓ બાહ્યપ્રકૃતિ પર કાબૂ મેળવવા માગે છે, જ્યારે બીજીઓ આંતરપ્રકૃતિ પર. કેટલાક એમ કહે છે કે આંતરપ્રકૃતિ પર કાબૂ મેળવવાથી આપણે દરેક વસ્તુ પર કાબૂ મેળવીએ છીએ. બીજાઓ કહે છે કે બાહ્યપ્રકૃતિ પર કાબૂ મેળવવાથી આપણે દરેક વસ્તુ પર કાબૂ મેળવીએ છીએ. આ બંને વિચારોને છેક છેડા સુધી લઈ જઈએ તો બંને સાચા ઠરે છે, કારણ કે પ્રકૃતિમાં આંતર કે બાહ્ય એવા વિભાગ જેવું છે જ નહિ. આ તો કાલ્પનિક મર્યાદાઓ ઊભી કરી છે, તેમનું અસ્તિત્વ કદી હતું જ નહિ. બાહ્યવાદીઓ અને આંતરવાદીઓ જ્યારે તેમની જ્ઞાનની છેલ્લી સીમાએ પહોંચશે ત્યારે બંને એક જ જગાએ મળવાના છે. જેવી રીતે ભૌતિક વિજ્ઞાની તેના જ્ઞાનને આગળ લઈ જતાં જતાં જ્યારે છેક છેડે લઈ જાય છે, ત્યારે તે જુએ છે કે તેનું ભૌતિકજ્ઞાન ઓગળતું ઓગળતું તત્ત્વજ્ઞાનમાં પરિણામ પામવા લાગે છે, તેમ તત્ત્વજ્ઞાનીને પણ જણાશે કે જેને તે મન અને જડ દ્રવ્ય એમ બે જુદા પદાર્થો કહે છે તે ભેદ દેખાવ પૂરતો જ છે, તેમનું ખરું તત્ત્વ એક જ છે.
સઘળાં વિજ્ઞાનનું ધ્યેય અને હેતુ એ એકતાને શોધવાનો છે, જેમાંથી બહુત્વ તૈયાર થાય છે તે એકત્વને ખોળી કાઢવાનો છે, જે એક અનેકરૂપે વિલસી રહ્યું છે તેને પકડી પાડવાનો છે. રાજયોગ આંતરજગતથી શરૂ કરવા માગે છે, આંતરપ્રકૃતિનો અભ્યાસ કરવા માગે છે અને તેના દ્વારા આંતર અને બાહ્ય—સમગ્ર પ્રકૃતિ પર કાબૂ મેળવવા માગે છે. એ પ્રયત્ન અતિ પ્રાચીન કાળથી ચાલ્યો આવે છે. ભારત તેનો ખાસ ગઢ ગણાયું છે, પણ બીજી પ્રજાઓએ પણ તેનો પ્રયત્ન કરી જોયો હતો. પશ્ચિમના દેશોમાં તે રહસ્યવાદ તરીકે ઓળખાતો અને જે લોકો તેની સાધના કરવા જતા તેમને ડાકણો અને જાદુગરો તરીકે કાં તો બાળી મૂકવામાં આવતા અથવા મારી નાખવામાં આવતા. ભારતમાં વિવિધ કારણોને લીધે, તે વિદ્યા એવા લોકોના હાથમાં આવી પડી કે જેઓએ એ વિદ્યાનો નેવું ટકા નાશ કર્યો અને બચેલીને ખૂબ ખૂબ ગુપ્ત રાખી. અત્યારના સમયમાં પશ્ચિમના દેશોમાં રાજયોગના કહેવાતા ગુરુઓ ઘણાય હાલી નીકળ્યા છે; અને પેલા ભારતીય ગુરુઓ કરતાં વધુ ખરાબ—કારણ કે ભારતીયો તો કંઈક પણ જાણતા હતા, જ્યારે આ આધુનિકો તો એ બાબતમાં સાવ મીંડું છે.
યોગની આ સાધના-પદ્ધતિઓમાં જે કંઈ ગુહ્ય અને રહસ્યમય કહેવામાં આવે તેનો તાબડતોબ ત્યાગ કરવો. જીવનમાં ઉત્તમમાં ઉત્તમ ભોમિયો છે તાકાત. બીજી બધી બાબતોની પેઠે ધર્મના ક્ષેત્રમાં પણ જે કંઈ તમને નબળા બનાવે તે બધાનો ત્યાગ જ કરો, તેની સાથે કશો સંબંધ ન રાખો. રહસ્યમયતાનો શોખ મનુષ્યના મગજને નબળું બનાવે છે. યોગવિદ્યા કે જે એક ભવ્યમાં ભવ્ય વિજ્ઞાન છે, તેનો રહસ્યમયતાએ લગભગ નાશ કરી નાખ્યો છે. ચાર હજાર વરસથીય વધુ પહેલાં જ્યારે એની શોધ થઈ ત્યારથી ભારતમાં તેનું વર્ણન કરવામાં આવ્યું છે, તેનું વર્ગીકરણ થયું છે અને તેનો ઉપદેશ થતો આવ્યો છે. એ એક નવાઈભરી હકીકત છે કે ટીકાકાર જેમ વધુ આધુનિક તેમ તેની ભૂલો વધુ મોટી, જ્યારે લેખક જેમ વધુ પ્રાચીન તેમ તે વધુ તર્કશુદ્ધ. આધુનિક લેખકોમાંના ઘણા ખરા હરતરેહનાં રહસ્યોની વાતો કરે છે. આમ યોગવિદ્યા એવા લોકોના હાથમાં આવી પડી કે જેમણે તેના પર દિવસનો અને બુદ્ધિનો ઝળહળતો પ્રકાશ પડવા દેવાને બદલે તેને એક રહસ્યરૂપ બનાવી મૂકી. આમ કરવામાં તેમનો હેતુ એ કે તેમાંની સિદ્ધિઓ તેમની પાસે જ રહે.
સૌથી પહેલું, હું જે શીખવું છું તેમાં રહસ્ય જેવું કશું જ નથી. જે થોડું ઘણું હું જાણું છું તે હું તમને કહી બતાવીશ. જ્યાં સુધી મારી બુદ્ધિ પહોંચશે ત્યાં સુધી હું તેને બુદ્ધિગમ્ય બનાવીશ, પણ જે હું જાણતો નહિ હોઉં, તેને વિશે શાસ્ત્રો જે કહે છે તે હું કહી બતાવીશ. અંધશ્રદ્ધા રાખવી એ ખોટું છે. તમારે તમારી પોતાની બુદ્ધિનો અને ન્યાયશક્તિનો ઉપયોગ કરવો; તમારે સાધના કરી જોવી અને અનુભવ લેવો કે આ બધી બાબતો બને છે કે નહિ. જેવી રીતે તમે બીજી કોઈ વિદ્યાનો અભ્યાસ કરો, બરાબર તેવી જ રીતે તમારે આ યોગવિદ્યાનો અભ્યાસ કરવો. તેમાં કશું ગુપ્ત નથી કે ભય નથી. જો સાચું હોય ત્યાં સુધી તેનો જાહેર રસ્તાઓ પર, ખુલ્લે દિવસે પ્રચાર થવો જોઈએ. આ બાબતોને રહસ્યમય બનાવવાનો કોઈ પણ પ્રયત્ન મોટું જોખમ ઊભું કરે છે.
હવે આગળ વધતાં પહેલાં, જેના પર આખો રાજયોગ મંડાયો છે તે સાંખ્યદર્શન વિશે હું તમને થોડુંક કહીશ. સાંખ્યદર્શન પ્રમાણે જ્ઞાનની ઉત્પત્તિનો પ્રકાર આ પ્રમાણે છેઃ બહારના પદાર્થોનાં સંવેદનોને બાહ્યસાધનો (કાન, આંખ, નાક વગેરે) દ્વારા તેમની સાથે જોડાયેલાં મગજ માંહેનાં કેન્દ્રો યાને ઇંદ્રિયો પાસે લઈ જવામાં આવે છે, ઇંદ્રિયો તે સંવેદનોને મન પાસે મોકલે છે, મન તેમને બુદ્ધિને સોંપે છે, બુદ્ધિ તેમને પુરુષ (આત્મા) પાસે રજૂ કરે છે, ત્યારે જ્ઞાન થાય છે. ત્યાર પછી પુરુષ યોગ્ય અમલ કરવા માટે કર્મેન્દ્રિયોને, જાણે કે, પાછો હુકમ મોકલે છે. એક પુરુષના અપવાદ સિવાય આ બધાં છે તો ભૌતિક, પણ મન એ કર્મેન્દ્રિયો કરતાં ઘણાં જ વધુ સૂક્ષ્મ દ્રવ્યનું બનેલું છે. જે દ્રવ્યનું મન બનેલું છે, તે જ દ્રવ્યમાંથી સૂક્ષ્મ તન્માત્રાઓ બનેલી છે. આ તન્માત્રાઓ સ્થૂળ થઈને બાહ્ય પદાર્થ બને છે. સાંખ્યમતનું મનોવિજ્ઞાન એ છે. એ હિસાબે બુદ્ધિ અને બહારના વધુ સ્થૂળદ્રવ્ય વચ્ચેનો તફાવત માત્ર પ્રમાણનો જ છે. પુરુષ જ એકમાત્ર એવી વસ્તુ છે કે જે જડદ્રવ્ય નથી. મન તો, જાણે કે, આત્માના હાથમાં એક હથિયાર જેવું છે કે જેના વડે આત્મા બહારના પદાર્થોને ગ્રહણ કરે છે. મન નિરંતર બદલાતું રહે છે અને ડોલાયમાન રહ્યા કરે છે, પણ જ્યારે તે શુદ્ધ થાય, ત્યારે તેને એક જ ઇંદ્રિય સાથે કે એકસાથે ઘણી ઇંદ્રિયો સાથેય જોડી શકાય અથવા ઇંદ્રિય સાથે જોડાયા વિનાનું પણ રાખી શકાય. દાખલા તરીકે, જો હું ઘડિયાળના ટકોરા એકચિત્ત થઈને સાંભળું તો કદાચ મારી આંખો ખુલ્લી હોવા છતાં હું કશું જોઉં નહિ. એ બતાવે છે કે મન જ્યારે શ્રવણેન્દ્રિય પર ચોંટેલું હતું ત્યારે દર્શનની ઇંદ્રિય સાથે જોડાયેલું નહોતું. પણ તાલીમથી સંપૂર્ણ બનાવેલું મન સઘળી ઇંદ્રિયોની સાથે એકી સાથે જોડી શકાય. તેનામાં તેના પોતાના ઊંડાણમાં પાછું વળીને જોવાની એક સ્વાભાવિક શક્તિ રહેલી છે. મનની આ પાછું વળીને જોવાની શક્તિ યોગી મેળવવા માગે છે; મનની શક્તિઓને એકાગ્ર કરીને અને તેમને અંદરની બાજુએ વાળીને અંદર શું ચાલી રહ્યું છે તે એ જાણવા માગે છે. આ વિષયમાં એકલી માન્યતાનો પ્રશ્ન જ ન હોઈ શકે; એ તો અમુક દાર્શનિકોએ પ્રાપ્ત કરેલું પૃથક્કરણ છે. આધુનિક શરીરશાસ્ત્રીઓ કહે છે કે આ આંખો એ જોવાની ઇંદ્રિય નથી, પણ દર્શનની ઇંદ્રિય તો મગજની અંદર રહેલું એક જ્ઞાનતંતુ-કેન્દ્ર છે અને તે પ્રમાણે બધી ઇંદ્રિયોની બાબતમાં સમજવું. વળી તેઓ એમ પણ કહે છે કે આ જ્ઞાનતંતુ કેન્દ્રો, જે પદાર્થનું ખુદ મગજ બનેલું છે તે જ પદાર્થમાંથી બનેલાં છે. સાંખ્યવાદીઓ પણ તે જ વસ્તુ કહે છે. શરીરવિજ્ઞાનીઓનું વિધાન શરીરની બાબતમાં છે, જ્યારે સાંખ્યવાદીઓનું વિધાન મનોવિજ્ઞાનની બાબતમાં છે; છતાં બંને એક જ છે. આપણી શોધખોળનું ક્ષેત્ર આથીય આગળ રહેલું છે.
યોગી અનુભવની એ સૂક્ષ્મ અવસ્થાએ પહોંચવા માગે છે કે જેમાં તે મનની સઘળી જુદી જુદી અવસ્થાઓને પારખી શકે. એ બધીનો માનસિક અનુભવ થવો જોઈએ. સંવેદના કેવી રીતે જાય છે, મન તેને કેવી રીતે ગ્રહણ કરે છે, તે બુદ્ધિ પાસે કેવી રીતે પહોંચે છે અને બુદ્ધિ સંવેદનાને કેવી રીતે પુરુષ પાસે રજૂ કરે છે, એ બધું અનુભવી શકાય છે. જેમ દરેક વિજ્ઞાનમાં કેટલીક તૈયારીઓ કરવી પડે છે અને તેની પોતાની એક આગવી પદ્ધતિ હોય છે કે જેનું અનુસરણ કરવાથી જ તે વિજ્ઞાન સમજી શકાય, તેમ રાજયોગમાં પણ છે.
આહારની બાબતમાં અમુક નિયમો આવશ્યક છે, મનને શુદ્ધમાં શુદ્ધ બનાવે તેવો આહાર લેવો જોઈએ. જો તમે પ્રાણીસંગ્રહસ્થાનમાં જાઓ તો આનું ઉદાહરણ તમને તરત જોવા મળશે. તમે જોશો કે હાથીઓ ઘણાં મોટાં પ્રાણીઓ છે, પણ તે શાંત અને નરમ સ્વભાવનાં હશે; પણ જો તમે સિંહ-વાઘનાં પાંજરાં પાસે જઈને જોશો તો તમને એ અશાંત લાગશે. એ બતાવે છે કે આહારને લીધે કેટલો બધો તફાવત પડી જાય છે. આ શરીરમાં જેટલાં જેટલાં બળો કાર્ય કરી રહ્યાં છે, તે બધાં આહારમાંથી જ ઉત્પન્ન થયેલાં છે એ આપણે રોજ જોઈએ છીએ. જો તમે ઉપવાસ કરવા માંડો તો પહેલાં તમારું શરીર નબળું પડશે, શારીરિક બળો ઘટશે; ત્યાર પછી થોડાક દિવસો બાદ માનસિક શક્તિઓ પણ ઓછી થવા લાગશે. પ્રથમ યાદશક્તિ જશે. ત્યાર પછી એક એવી સ્થિતિ આવશે કે જ્યારે તમે વિચાર પણ નહિ કરી શકો, દલીલપૂર્વક તર્ક કરવો તો દૂર રહ્યો. એટલા માટે, શરૂઆતમાં આપણે કયા પ્રકારનો આહાર લઈએ છીએ તે બાબતમાં સંભાળ રાખવાની છે. પણ જ્યારે આપણામાં શક્તિ આવે, જ્યારે આપણી સાધના સારી રીતે આગળ વધી હોય ત્યારે આ આહારની બાબતમાં એટલા બધા કાળજીયુકત થવાની જરૂર નથી. નાનો છોડવો જ્યારે ઊગતો હોય ત્યારે તેને ફરતી વાડ કરવી જોઈએ કે જેથી કોઈ તેને નુકસાન ન કરે; પણ જ્યારે તે વધીને મોટું વૃક્ષ થાય, ત્યારે પછી વાડની જરૂર રહેતી નથી. પછી તો એ બધા આઘાત ઝીલી શકે એટલું મજબૂત થઈ જાય છે.
યોગી થવા ઇચ્છનારે વિલાસિતા અને ઘોર તપસ્યા એ બે અતિશયતાઓથી દૂર રહેવું. તેણે બિલકુલ નિરાહાર ન રહેવું, તેમ શરીરને અતિ કષ્ટ ન આપવું. ગીતા કહે છે કે જે તેમ કરે છે તે યોગી થઈ શકતો નથી; જે અતિશય ખાય કે જે બિલકુલ ન ખાય, જે ઉજાગરા કરે કે જે અતિશય ઊંઘ્યા કરે, જે બહુ જ કામ કર્યા કરે, તેમ જ જે બિલકુલ કામ ન કરે, આમાંનો કોઈ પણ યોગી થઈ ન શકે. (ગીતાઃ અ. ૬, શ્લોક ૧૬)

