ત્યાર પછીના પગથિયાને પ્રત્યાહાર કહેવામાં આવે છે. પ્રત્યાહારમાં શું છે? પદાર્થોનું જ્ઞાન કેવી રીતે થાય છે તે તમે જાણો છો. સૌથી પહેલાં બહારનાં સાધનો કર્મેન્દ્રિયો છે. ત્યાર પછી છે અંદરની ઇંદ્રિયો કે જે મગજમાંનાં કેન્દ્રો દ્વારા શરીરમાં કામ કરતી હોય છે અને ત્યાર પછી રહેલું છે મન. આ બધાં જ્યારે એકઠાં થઈને કોઈક બહારના પદાર્થ સાથે જોડાય, ત્યારે આપણને તેનું જ્ઞાન થાય. તે સાથે જ મનને એકાગ્ર કરીને એક જ ઇંદ્રિય પર કેન્દ્રિત કરવું એ ઘણી જ મુશ્કેલ બાબત છે; મન ઇંદ્રિયોનું ગુલામ છે.

‘સારા થાઓ’, ‘સારા થાઓ’, ‘સારા થાઓ’ એમ આખી દુનિયામાં ઉપદેશ અપાતો આપણે સાંભળીએ છીએ. કોઈ પણ દેશમાં જન્મેલું ભાગ્યે જ એવું બાળક હશે કે જેને શીખવવામાં આવ્યું નહીં હોય કે ‘ચોરી કરવી નહીં’, ‘જૂઠું બોલવું નહીં’, પણ એ કર્યા વગર કેવી રીતે રહી શકવું એ તેને કોઈ કહેતું નથી. સૂત્રોના ઉપદેશ માત્રથી તેનું કંઈ વળતું નથી. શા માટે તેણે ચોર ન થવું? ચોરી કર્યા વગર કેવી રીતે રહી શકવું એ તો આપણે તેને શીખવતા નથી; આપણે તો માત્ર તેને કહીએ છીએ કે ‘ચોરી કરીશ મા.’ જ્યારે આપણે તેને તેના મન પર કાબૂ રાખતાં શીખવીએ ત્યારે જ આપણે તેને ખરી મદદ કરી ગણાય. સઘળી ક્રિયાઓ, આંતરિક તેમજ બહારની ત્યારે જ થાય છે કે જ્યારે મન, જેમને ઇંદ્રિયો કહેવામાં આવે છે તે અમુક કેન્દ્રો સાથે જોડાય છે. ઇચ્છાએ કે અનિચ્છાએ તે કેન્દ્રો સાથે જોડાવા માટે ખેંચાય છે અને એ કારણસર લોકો મૂર્ખાઈભર્યાં કામો કરીને દુઃખી થાય છે કે જે કામ જો તેમનાં મન કાબૂમાં હોત તો તેઓ ન કરત. મનને કાબૂમાં રાખવાનું પરિણામ શું આવત? જો એને ત્યારે કાબૂમાં રાખ્યું હોત તો એ અનુભવકેન્દ્રો સાથે જોડાયું ન હોત અને કુદરતી રીતે જ, સંવેદના અને ઇચ્છા કાબૂમાં રહેત. આટલે સુધી તો સ્પષ્ટ છે. પણ એ શક્ય છે? હા, એ સંપૂર્ણ રીતે શક્ય છે. અત્યારના સમયમાં પણ તમને એ જોવા મળે છે. શ્રદ્ધાથી રોગ મટાડનારાઓ લોકોને કહે છે કે તમે માનો કે દુઃખ અને દર્દ અને પાપ નથી. તેમની ફિલસૂફી જરા ગોળ ગોળ છે ખરી, પણ એ યોગવિદ્યાનો જ એક વિભાગ છે કે જેનું જ્ઞાન તેમના હાથમાં આકસ્મિક રીતે આવી પડ્યું છે. પીડાને નકારી કાઢીને માણસનું દુઃખ હઠાવી દેવામાં તેઓ જ્યારે સફળ થાય છે ત્યારે તેઓ ખરી રીતે પ્રત્યાહારનો જ અંશ ઉપયોગમાં લે છે, કારણ કે તેઓ તે માણસનું મન ઇંદ્રિયોને અવગણવા જેટલું મજબૂત બનાવી દે છે. એવે જ પ્રકારે સંમોહન વિદ્યાવાળાઓ તેમનાં સૂચનો દ્વારા દરદીની અંદર તત્પૂરતો એક પ્રકારનો વિકૃત પ્રત્યાહાર ઉત્તેજિત કરે છે. કહેવાતાં સંમોહન કરનારાનાં સૂચનો નબળા મન ઉપર જ પ્રભાવ ચલાવી શકે અને સંમોહન કરનાર જ્યાં સુધી ત્રાટક (સ્થિર નજર) વડે કે બીજી કોઈ રીતે સંમોહનના પાત્રના મનને નિશ્ચેષ્ટ, વિકૃત અવસ્થામાં લાવવામાં સફળ ન થાય ત્યાં સુધી તેનાં સૂચનો કદી અસર કરતાં નથી.

હવે, સંમોહનના પાત્રમાં કે શ્રદ્ધાથી રોગ મટવાની આશા રાખનાર દરદીમાં સંમોહક દ્વારા તત્પૂરતો જે કેન્દ્રો પરનો કાબૂ જમાવવામાં આવે છે, તે અનુચિત છે, કારણ કે આખરે તે વિનાશક નીવડે છે. એમાં માણસની પોતાની ઇચ્છાશક્તિ વડે મગજનાં કેન્દ્રોને ખરેખર કાબૂમાં લેવાની ઘટના નથી, પણ, જાણે કે, દરદીના મનને સંમોહકની ઇચ્છાશક્તિ જે ઓચિંતા ઘા મારે છે તેમના દ્વારા તત્પૂરતું બહેરું, જડ કરી નાખવા જેવું છે. એ તેજીલા ઘોડાઓના ઉચ્છૃંખલ વેગને લગામ અને બાવડાંના બળ વડે રોકવા જેવું નથી પણ તેમના માથા પર મોટા ઘા મારવાનું બીજાને કહીને તેમને તત્પૂરતા બેહોશ કરીને નરમ પાડી દેવા જેવું છે. આ પ્રકારની દરેકેદરેક પ્રક્રિયા વખતે પ્રક્રિયાનું પાત્ર તેની માનસિક શક્તિનો અમુક અંશ ગુમાવે છે અને અંતે તેનું મન સંપૂર્ણ કાબૂ રાખવાની શક્તિ મેળવવાને બદલે ઢંગધડા વગરનું, બળ વગરનું જડ બની જાય છે અને એ પાત્રનું એક માત્ર ગંતવ્યસ્થાન પાગલખાનું જ રહે છે.

જે પ્રયત્ન સ્વેચ્છાપૂર્વકનો ન હોય, કાબૂ મેળવનારના પોતાના જ મન વડે લેવાતો ન હોય તેવો કાબૂ મેળવવાનો દરેક પ્રયત્ન ખતરનાક છે એટલું જ નહીં, પણ જે હેતુથી એ કરવામાં આવે છે તે હેતુ પણ સરતો નથી. દરેક આત્માનું ધ્યેય છે મુક્તિ, સ્વામિત્વ—જડ પદાર્થ અને વિચારની ગુલામીમાંથી મુક્તિ, બાહ્ય અને આંતર પ્રકૃતિ પર સ્વામિત્વ. બીજા માણસમાંથી આવતો દરેક ઇચ્છાપ્રવાહ, પછી તે ગમે તે સ્વરૂપમાં આવતો હોય, ઇંદ્રિયોના સીધા કાબૂરૂપે અથવા વિકૃત સ્થિતિની અસર નીચે પરાણે લાદેલા ઇંદ્રિયો પરના કાબૂરૂપે, પણ તે જૂના ભૂતકાળના વિચારો, ભૂતકાળના જૂના વહેમોના બંધનની હયાત રહેલી વજનદાર સાંકળમાં એક કડી વધારે ઉમેરીને પાકી કરે છે. એટલા માટે, બીજાઓની સંમોહન વગેરે ક્રિયાઓનો પ્રભાવ તમારા પર પડવા દેતાં પહેલાં સાવચેત રહેજો અને સંમોહનશક્તિનો પ્રભાવ બીજા પર પાડી અજાણપણે તેનો સર્વનાશ કરતાં પહેલાં ચેતજો. એ ખરું કે કેટલાક લોકો બીજાઓની માનસિક વૃત્તિઓને એક નવું વલણ આપવાથી અમુક સમય પૂરતા તેમને ફાયદો કરવામાં કદાચ સફળ થાય, પણ એ સાથે જ તેઓ અજાણપણે જે સૂચનો આજુબાજુ ફેલાવી મૂકે છે તે સૂચનો લાખો નરનારીઓનાં મનની અંદર જે વિકૃત, નિષ્ક્રિય અને અચેતન જેવી સ્થિતિ પેદા કરી મૂકે છે,તેનાથી તેઓ લગભગ જડ બની જાય છે અને આખરે વિનાશને નોતરે છે. તેથી, જે કોઈ માણસ બીજાને અંધશ્રદ્ધાથી માનવાનું કહે છે અથવા તો પોતાની પ્રબળ ઇચ્છાશક્તિની આકર્ષક શક્તિ વડે લોકોને પોતાની પાછળ ખેંચે છે, તે પોતાનો હેતુ ન હોય તોપણ માનવજાતિને નુકસાન પહોંચાડે છે.

એટલા માટે, તમારાં પોતાનાં મનનો ઉપયોગ કરો, તમારાં શરીર અને મન પર તમે પોતે જ કાબૂ મેળવો. યાદ રાખજો કે તમે મનથી માંદા નહીં બનો ત્યાં સુધી બહારની બીજા કોઈની ઇચ્છાશક્તિ તમારા પર પ્રભાવ નહીં પાડી શકે. તમને અંધશ્રદ્ધાપૂર્વક માનવાનું જે કહે તે ગમે તેટલો મહાન અને સારો હોય તોપણ તેનાથી દૂર રહેજો. દુનિયામાં બધેય નાચવા-કૂદવાના ને ધૂન-કીર્તનના બરાડા પાડનારા સંપ્રદાયો થયા છે કે જેઓ જ્યારે ગાવા ને નાચવા ને પ્રચાર કરવા માંડે ત્યારે તે ચેપી રોગની પેઠે ફેલાય છે; તેઓ પણ એક પ્રકારના સંમોહન કરનારાઓ છે. તેઓ નબળા મનના માણસો પર તત્પૂરતો અજબ કાબૂ જમાવે છે, પણ અફસોસ! લાંબે ગાળે તેઓ આખી જાતિને અધોગતિએ લઈ જાય છે. અરે…વિકૃત બાહ્ય સંમોહનની અસર હેઠળ ઉપરછલ્લા સારા બનવા કરતાં ખરાબ રહેવું એ વ્યક્તિ કે જાતિ માટે બહેતર છે.

આવા શુભ હેતુવાળા પણ બિનજવાબદાર ધર્મઝનૂનીઓથી માનવજાતને જે પારાવાર નુકસાન થયું છે તેનો વિચાર કરતાં છાતી બેસી જાય છે. એ ધર્મઝનૂનીઓને ખબર નથી હોતી કે સંગીત અને પ્રાર્થનાઓ સહિતનાં તેમનાં સૂચનોની અસર નીચે જે માણસોનાં મન ઓચિંતી આધ્યાત્મિક ઉન્નતિએ ચડે છે તેઓ કેવળ પોતાને નિષ્ક્રિય, વિકૃત અને નિર્બળ બનાવે છે અને સહેલાઈથી કોઈ પણ સૂચનને વશ થવાને તૈયાર બની જાય છે, પછી તે ભલેને ગમે તેટલું અનિષ્ટકારી હોય. આ અજ્ઞાની અને ભાન ભૂલેલા ધર્મઝનૂની માણસોને સ્વપ્નેય ખ્યાલ નથી આવતો કે તેઓ પોતાના માનવા મુજબ ઉપર વાદળમાં બેઠેલા કોઈક દેવતાએ તેના પર વરસાવેલી બીજા માણસોનાં મનમાં પરિવર્તન લાવી મૂકવાની ચમત્કારી શક્તિ માટે પોતાને મુબારકબાદી આપવાની સાથે સાથે ભવિષ્યના સડાનાં, ગુનાનાં, ગાંડપણનાં અને મોતનાં બીજ વાવી રહ્યા છે. એટલા માટે, તમારું સ્વાતંત્ર્ય ખૂંચવી લે એવી હરકોઈ બાબતથી ચેતતા રહેજો. જાણજો કે એ જોખમકારક છે અને તમારી શક્તિમાં હોય તે બધા ઉપાયોથી તેનાથી દૂર રહેજો.

જે માણસ પોતાના મનને કેન્દ્રો સાથે ઇચ્છાનુસાર જોડવામાં કે તેમનામાંથી હઠાવી લેવામાં સફળ થયો છે તે પ્રત્યાહારમાં સફળ થયો છે એમ જાણવું. પ્રત્યાહારનો અર્થ થાય છે ‘પાછા વળવું’, મનની બહિર્મુખ શક્તિઓને બહાર જતી અટકાવવી, ઇંદ્રિયોની ગુલામીમાંથી તેને મુક્ત કરવું. જ્યારે આપણે આ કરી શકીશું ત્યારે આપણે સાચા ચારિત્ર્યવાન કહેવાઈશું. કેવળ ત્યારે જ આપણે સાચા સ્વાતંત્ર્ય તરફ લાંબું પગલું લીધું ગણાશે; તે પહેલાં તો આપણે માત્ર જડ યંત્રો છીએ.

મનને કાબૂમાં રાખવું કેટલું બધું કઠણ છે! તેને હડકાયા વાંદરા સાથે સરખાવવામાં આવ્યું છે એ બરાબર જ છે. એક તો વાંદરો—સ્વભાવે ચંચળ—જેમ બધાં વાંદરાં હોય છે તેમ. એટલું બસ ન હોય તેમ કોઈએ તેને ખૂબ દારૂ પાયો, એટલે એ એથીયે વધુ ચંચળ બન્યો. ત્યાર પછી તેને એક વીંછી કરડ્યો. માણસને વીંછી કરડે તો એ આખો દિવસ ઊંચો નીચો થયા કરે; એટલે એ વાંદરાની સ્થિતિ તો ચંચળતાની ટોચે પહોંચી અને પછી તેના દુઃખની માત્રા પર કળશ ચડાવવા માટે તેનામાં ભૂતનો સંચાર થયો. પછી એ વાંદરાની કાબૂ બહારની ચંચળતાને કઈ ભાષા વર્ણવી શકે? માણસનું મન એ વાંદરા જેવું છે, સ્વભાવે જ નિરંતર ચંચળ; પછી એ ઇચ્છારૂપી દારૂ ઢીંચીને ટેં થાય, એટલે તેની ચંચળતાની માત્રા ખૂબ ખૂબ વધી જાય, ઇચ્છાએ તેને કબજામાં લીધો એટલે પછી આવે બીજાઓની ફતેહથી થતી ઈર્ષ્યાના વીંછીનો ડંખ; અને છેલ્લે અભિમાનનું ભૂત તેના મનમાં ભરાઈ બેસે,એટલે એ પોતાને સર્વશ્રેષ્ઠ માને. આવા મનને કાબૂમાં લેવું એ કેટલું કઠણ!

એટલે, આ મનને કાબૂમાં લેવાનો પહેલો પાઠ એ છે કે થોડો સમય માત્ર બેસી રહેવું અને મનને દોડવા દેવું. આખો દિવસ ને રાત મન તો ઉછાળા માર્યા જ કરે છે. એ તો પેલા કૂદાકૂદ કરતા વાંદરા જેવું છે. વાંદરો ભલે ફાવે તેટલા કૂદકા માર્યા કરે; તમે ફક્ત બેઠા બેઠા જોયા કરો. કહેવત છે કે જ્ઞાન એ જ શક્તિ છે અને એ ખરું છે. જ્યાં સુધી તમે જાણો નહીં કે મન શું શું કરે છે ત્યાં સુધી તમે તેને કાબૂમાં ન લઈ શકો. તેની લગામ છૂટી મૂકી દો; મનમાં અનેક ઘૃણાજનક વિચારો આવશે, એ જોઈને તમને આશ્ચર્ય થશે કે તમે આવા વિચારો કરી શકો છો! પણ તમને જણાશે કે દિવસે દિવસે મનના ઉછાળા ઓછા ને ઓછા ઉગ્ર થતા જાય છે, દિવસે દિવસે એ વધુ શાંત થતું આવે છે. શરૂઆતના થોડાક મહિનામાં તમને લાગશે કે મનમાં અનેક વિચારો ઊઠે છે, પછી તમને જણાશે કે એ કંઈક ઘટ્યા છે અને કેટલાક વધુ મહિનાઓમાં તે વધુ ને વધુ ઘટતા જશે અને છેવટે મન પૂરેપૂરું કાબૂમાં આવશે; પણ ધીરજપૂર્વક આપણે રોજ અભ્યાસ કરવો જોઈએ. એક વાર વરાળ ચાલુ કરો એટલે એન્જિન દોડવાનું જ; વસ્તુઓ જેવી આપણી સામે આવી, એટલે તે આપણને દેખાવાની જ; તેથી મનુષ્યે, પોતે જડ યંત્ર નથી એ સાબિત કરી આપવા માટે દર્શાવી આપવું જોઈએ કે પોતે કોઈ પણ વસ્તુના કાબૂમાં નથી. મન પરનો આ કાબૂ અને તેને કેન્દ્રો સાથે જોડાવા ન દેવું, એ છે પ્રત્યાહાર. આનો અભ્યાસ કેવી રીતે કરવો? એ એક જબરદસ્ત કાર્ય છે, એક દિવસમાં થાય તેવું નથી. કેવળ ધીરજપૂર્વકના વરસોનાં વરસો સુધીના અભ્યાસ પછી જ આપણે તેમાં સફળ થઈ શકીએ.

કેટલાક સમય સુધી પ્રત્યાહારનો અભ્યાસ કર્યા પછી ત્યાર પછીનું પગથિયું ‘ધારણા’ લો. ધારણા એટલે મનને અમુક સ્થળો પર સ્થિર કરવું. અમુક સ્થળોએ મનને ચોંટાડી રાખવું એનો અર્થ શો? મનને શરીરના બીજા ભાગોને બાદ કરીને અમુક ભાગોનો જ બળપૂર્વક અનુભવ કરાવવો. દાખલા તરીકે, શરીરના બીજા ભાગોને બાદ કરી માત્ર હાથનો જ અનુભવ થવા દેવો. જ્યારે ચિત્ત યાને મન-તત્ત્વને અમુક એક સ્થળે મર્યાદિત કરીને સ્થિર કરીને રાખવામાં આવે ત્યારે તે ધારણા કહેવાય. આ ધારણા વિવિધ પ્રકારની હોય છે અને તેની સાથે કલ્પનાની જરાક રમત હોવી એ વધુ સારું છે. દાખલા તરીકે, મનને હૃદયની અંદર એક બિન્દુનો જ વિચાર કરવામાં લગાડવું એ ઘણું જ કઠણ છે; એથી વધુ સહેલો રસ્તો એ છે કે ત્યાં એક કમળની કલ્પના કરવી. એ કમળ પ્રકાશથી, ઝળહળતી જ્યોતિથી ભરપૂર છે. મનને ત્યાં સ્થિર કરો. અથવા મગજમાંના કમળને અથવા તો અગાઉ કહી ગયા તે સુષુમ્ણાની અંદર કહેલાં જુદાં જુદાં કેન્દ્રોને પ્રકાશમય કલ્પો.

યોગીએ સાધના હંમેશાં કરવી જોઈએ. તેણે એકલા રહેવાનો પ્રયાસ કરવો; જુદા જુદા સ્વભાવના માણસોનો સહવાસ મનને વિક્ષેપમાં નાખે છે; તેણે બહુ બોલવું નહીં, કારણ કે બોલવાથી મનમાં વિક્ષેપ થાય છે; તેણે અતિશય કામ કરવું નહીં, કારણ કે અતિ પ્રમાણમાં કામકાજ મનને વિક્ષેપમાં નાખે છે; આખા દિવસના સખત પરિશ્રમ પછી મનને કાબૂમાં રાખી શકાય નહીં. ઉપરના નિયમોનું પાલન કરે તે યોગી થાય. યોગમાં એવી શક્તિ છે કે તેની સહેજસાજ સિદ્ધિ પણ ઘણો ફાયદો કરનારી થઈ પડે. તેનાથી કોઈને નુકસાન થતું નથી, પણ સૌ કોઈને એ ફાયદો કરશે. સૌથી પહેલું, એ ઉત્તેજિત જ્ઞાનતંતુઓને શાંત કરશે, સ્થિરતા લાવશે, વસ્તુઓને વધુ સ્પષ્ટ રીતે જોવાની શક્તિ આપશે, સ્વભાવ સુધારશે, તંદુરસ્તી સારી થશે. સંપૂર્ણ આરોગ્ય અને મધુર અવાજ એ શરૂઆતની એક નિશાની હશે. અવાજમાંની ખામીઓ દૂર થશે.

જે ઘણાંય પરિણામો આવશે તેમાંથી આ પહેલાં પહેલાં આવશે. જેઓ (યોગનો) ખૂબ અભ્યાસ કરશે તેઓને બીજાં ઘણાંય ચિહ્નો જોવા મળશે. કોઈ કોઈ વાર અવાજો આવશે, જાણે કે દૂર વાગતા ઘંટના અવાજો એક સાથે મિશ્રિત થઈને એક સતત સુસંવાદિત નાદની પેઠે કાન પર આવીને સંભળાતા હોય. કોઈક વાર વળી અદ્‌ભુત વસ્તુઓ જાણે કે જોવામાં આવશે, નાની નાની પ્રકાશની ચિનગારીઓ હવામાં તરતી અને મોટી ને વધુ મોટી થતી દેખાશે; અને જ્યારે આ બધાં ચિહ્નો દેખાય ત્યારે જાણવું કે તમે ઝડપથી આગળ વધી રહ્યા છો.

જેઓ યોગી થવા અને સખત સાધના કરવા ઇચ્છે તેમણે શરૂઆતમાં પોતાના આહારની કાળજી રાખવી જોઈએ. પણ જેઓ રોજિંદા ધંધાદારી જેવા જીવનમાં જરા તરા સાધના કરવા ઇચ્છે તેમણે ઠાંસી ઠાંસીને ન જમવું; ખાવામાં બીજી રીતે તેઓ ભલે ઠીક લાગે તે જમે. જેઓ ઝડપથી પ્રગતિ કરવા ઇચ્છતા હોય અને સખત સાધના કરવા ઇચ્છતા હોય, તેમને માટે નિયમિત પ્રકારનો આહાર બિલકુલ આવશ્યક છે. તેમને માટે કેટલાક મહિનાઓ સુધી તો માત્ર દૂધ અને શાકાન્ન પર જ રહેવું ફાયદાકારક થઈ પડશે. શરીર રચના જેમ જેમ વધુ ને વધુ સૂક્ષ્મ બનતી જશે તેમ તેમ શરૂઆતમાં જણાશે કે જરાક સરખીય અનિયમિતતા સમતુલાને ખોરવી નાખે છે. જ્યાં સુધી સંપૂર્ણ કાબૂ ન આવે ત્યાં સુધી તો આહારનો એક કોળિયો ઓછો વધુ થતાં આખી શરીરરચના ખોરવાઈ જશે. પણ જ્યારે સંપૂર્ણ કાબૂ આવે ત્યાર પછી સાધક પોતાને જે ઠીક પડે તે ખોરાક લઈ શકશે.

માણસનું મન જ્યારે એકાગ્ર થવા લાગે ત્યારે એક ટાંકણી સરખી પડવાનો અવાજ પણ મગજમાં વજ્રપાત જેવો લાગે. ઇંદ્રિયો જેમ જેમ સૂક્ષ્મ થતી જાય તેમ તેમ, સંવેદનો પણ સૂક્ષ્મ બનતાં જાય છે. આ બધી ભૂમિકાઓમાંથી આપણે પસાર થવાનું છે અને જેઓ ખંતપૂર્વક અભ્યાસ ચાલુ રાખશે તેઓ સફળ થશે. બધી દલીલબાજી અને બીજા વિક્ષેપોને છોડી દો. શુષ્ક તર્કજાળમાં તે શું વળવાનું છે? એનાથી તો માત્ર મનની સમતુલાનો ભંગ થાય છે અને તે ચંચળ બને છે. આપણે તો વધુ સૂક્ષ્મ ભૂમિકાઓના અનુભવો લેવાના છે. વાતો કરવાથી શું એ બનવાનું છે? માટે બધી નિરર્થક વાતો છોડી દો. માત્ર જેમને આત્મ-સાક્ષાત્કાર થયો હોય એવા માણસોનાં લખેલાં પુસ્તકો જ વાંચો.

કાલુ માછલી જેવા બનો. ભારતની એક સુંદર વાત છે કે સ્વાતિ નક્ષત્રમાં જો વરસાદ થાય અને એ વરસાદનું ટીપું જો કાલુ માછલીની છીપમાં પડી જાય તો એ ટીપું મોતી બને. કાલુ માછલીઓને આ ખબર હોય છે, એટલે જ્યારે સ્વાતિ નક્ષત્રનો ઉદય થાય ત્યારે તેઓ દરિયાના પાણીની સપાટી પર આવે અને એ કિંમતી વર્ષાનું ટીપું ઝીલવાની રાહ જુએ. જેવું ટીપું અંદર પડે કે તરત જ કાલુ માછલીઓ પોતાની છીપો બંધ કરે અને ડૂબકી મારીને દરિયાને તળિયે ચાલી જાય અને ત્યાં ધીરજથી એ ટીપાંને મોતીમાં વિકસાવે. આપણે એના જેવા થવું જોઈએ. પ્રથમ સાંભળો, પછી સમજો અને ત્યાર બાદ બધા વિક્ષેપોને બાજુએ મૂકીને બહારની અસરો સામે તમારાં મન બંધ કરો અને તમારી અંદર રહેલાં સત્યને વિકસાવવામાં લાગી જાઓ.

અહીં ભય એ છે કે માત્ર નવીનતાની ખાતર એક વિચારને પકડી પછી બીજો વધુ નવો મળતાં પહેલાને છોડી દેવામાં શક્તિ વેડફાઈ જાય છે. એક બાબતને હાથમાં લો અને તેને વળગી રહો અને એના અંત સુધી જાઓ, અને જ્યાં સુધી તેનો અંત ન આવે ત્યાં સુધી તેને છોડો મા. જે માણસ એક વિચારની પાછળ ગાંડો બની શકે, તે જ પ્રકાશ જોઈ શકે. જેઓ માત્ર ઘડીકમાં અહીં ને ઘડીકમાં તહીં મોં નાખતા ફરે તેઓ કદી કશું પામવાના નથી. તેઓ માત્ર પોતાના જ્ઞાનતંતુઓને ક્ષણભરને માટે ઉત્તેજિત કરે એટલું જ. એ લોકો પ્રકૃતિના ગુલામ જ રહેવાના અને ઇંદ્રિયોના ક્ષેત્રથી આગળ કદી જઈ શકવાના નથી.

એટલે જેમણે ખરેખર યોગી થવું હોય, તેમણે આ અહીં તહીં મોં નાખવાની ટેવ હંમેશને માટે છોડી દેવી. એક જ વિચારને પકડો. એ એક જ વિચારને તમારું જીવન સર્વસ્વ બનાવો, તેને વિશે જ વિચાર કરો, તેનાં જ સ્વપ્ન સેવો, એ વિચાર પર જ જીવો. તમારું મગજ, સ્નાયુઓ, માંસપેશીઓ, જ્ઞાનતંતુઓ, તમારા શરીરના એકેએક અવયવોને એ વિચારથી ભરપૂર કરી દો અને એ સિવાયના બીજા દરેકે દરેક વિચારને પડતા મૂકો. સફળ થવાનો આ જ માર્ગ છે અને આ જ માર્ગે મહાન આધ્યાત્મિક વિભૂતિઓ પાકે છે. બીજાઓ તો માત્ર વાતો કરનારા સંચા છે. જો આપણે ખરેખર ધન્ય થવું હોય અને બીજાઓને ધન્ય બનાવવા હોય, તો આપણે ઊંડા ઊતરવું જ જોઈએ. એટલે પહેલું પગથિયું છે મનને વ્યગ્ર ન થવા દેવું. વિક્ષેપ પાડે એવા વિચારવાળા માણસો સાથે હળવું-મળવું નહીં. તમે સૌ જાણો છો કે અમુક માણસો, અમુક સ્થળો, અમુક પ્રકારનો આહાર તમને અરુચિકર છે, તેમનાથી દૂર રહો. જેઓ સર્વોચ્ચ ધ્યેયે પહોંચવા ઇચ્છે છે, તેમણે તો સારી કે નરસી સઘળી સોબતનો ત્યાગ કરવો જોઈએ. સખત સાધના કરો; તમે જીવો કે મરો તેની પરવા નહીં. પરિણામનો વિચાર કર્યા વિના તમારે ઝંપલાવી દેવાનું છે અને કામ કરવાનું છે. જો તમારામાં પૂરતું સાહસ હશે તો તમે છ મહિનામાં પૂર્ણ યોગી થઈ શકશો. પણ જેઓ થોડુંક યોગનું અને થોડુંક થોડુંક બીજા બધાનું એમ જુદી જુદી વસ્તુઓ પકડે છે તેઓની કશી પ્રગતિ થતી નથી. માત્ર અભ્યાસક્રમના પાઠ લેવાથી કંઈ વળવાનું નથી. જેઓ તમોગુણથી ભરેલા છે, અજ્ઞાની અને જડ છે, જેમનાં મન કોઈ પણ એક વિચાર પર કદી ચોંટી શકતાં નથી, જેઓ કેવળ કંઈક મનોરંજનકારી વસ્તુ માટે જ તલસતા હોય છે, તેમને માટે ધર્મ અને તત્ત્વજ્ઞાન માત્ર મનોરંજનના વિષયો જ બની રહે છે. ખંત વગરના લોકો આ પ્રકારના હોય છે. તેઓ એકાદું પ્રવચન સાંભળે, માને કે એ બહુ સારું છે, પણ પછી ઘેર જઈને એને વિશે બધું ભૂલી જાય. સફળ થવા માટે તો તમારામાં જબરદસ્ત ખંત હોવી જોઈએ, પ્રબળ ઇચ્છાશક્તિ હોવી જોઈએ. ‘હું સાગર આખો પી જઈશ, મારી ઇચ્છાશક્તિના જોરે પર્વતના ચૂરા થઈ જશે’, ખંતીલો જીવ તો એમ બોલે. એ પ્રકારનો ઉત્સાહ રાખો, એ જાતની ઇચ્છાશક્તિ કેળવો, તો તમે ધ્યેયે પહોંચશો જ.

Total Views: 258
૫. આધ્યાત્મિક પ્રાણશક્તિનું નિયમન
૭. ધ્યાન અને સમાધિ