जन्मौषधिमन्त्रतपः समाधिजाः सिद्धयः॥4.1॥
जन्म औषधि मन्त्र तप: समाधिजा: सिद्धयः॥

૧. જન્મ, ઔષધિઓ, મંત્ર, તપ અને સમાધિ દ્વારા સિદ્ધિઓ મળે છે.

કોઈ કોઈ વખતે કોઈક માણસ સિદ્ધિઓ લઈને જ જન્મે છે, અવશ્ય, એ સિદ્ધિઓ તેણે તેના આગલા જન્મમાં મેળવેલી હોય છે. આ જન્મમાં તો તે જાણે કે, તેમનાં ફળ ભોગવવા જ જન્મેલો હોય છે. સાંખ્યદર્શનના જનક મહર્ષિ કપિલને વિષે એમ કહેવાય છે કે તેઓશ્રી જન્મથી જ સિદ્ધ હતા.

યોગીઓ એવો દાવો કરે છે કે આ સિદ્ધિઓ રસાયણો દ્વારા મેળવી શકાય. તમે સૌ જાણો છો કે રસાયણવિદ્યાનો પ્રથમ આરંભ થયો કીમિયાગરની વિદ્યા તરીકે; માણસો પારસમણિ અને અમૃત અને એવું એવું શોધવા નીકળેલા. ભારતમાં ‘રાસાયણો’ (રસાયણવિદ્યા જાણનારાઓ) નામનો એક સંપ્રદાય પણ હતો. તેમનો મત એવો હતો કે આદર્શવાદ, જ્ઞાન, આધ્યાત્મિકતા અને ધર્મ વગેરે બધાં ઠીક છે, પણ એ બધાંને પામવાનું સાધન તો એકમાત્ર શરીર છે. જો શરીર વારંવાર નાશ પામ્યા કરે તો ધ્યેયે પહોંચવા માટે કેટલોય બધો વધારે સમય લાગે. દાખલા તરીકે, કોઈ માણસ યોગસાધના કરવા ઇચ્છતો હોય અથવા અધ્યાત્મ સાધના કરવા ઇચ્છતો હોય. પણ તે ઘણો આગળ વધે તે પહેલાં જ મૃત્યુ પામે છે. ત્યાર પછી એ બીજું શરીર ધારણ કરે છે અને ફરીથી શરૂ કરે છે. ત્યાર પછી એ પાછો મરી જાય છે અને એમ ચાલ્યા કરે છે. આ રીતે મૃત્યુ પામવામાં અને ફરીથી જન્મ લેવામાં ઘણો સમય વેડફાઈ જવાનો. એટલે જો શરીરને મજબૂત અને સંપૂર્ણ બનાવી શકાય કે જેથી જન્મ અને મૃત્યુને ટાળી શકાય, તો આધ્યાત્મિક બનવા માટે આપણને એટલો વધારે સમય મળે. એટલા માટે આ રસાયણવિદ્યાવાળાઓ કહે છે કે પ્રથમ શરીરને ખૂબ મજબૂત બનાવો. તેઓ એવો દાવો કરે છે કે આ શરીરને અમર બનાવી શકાય. તેમનો ખ્યાલ એવો છે કે જો મન શરીરને બનાવતું હોય અને જો એ સાચું હોય કે દરેક મન અનંત શક્તિ મેળવવાનો એક ધોરિયો માત્ર છે, તો બહારથી ગમે તેટલી શક્તિ મેળવવામાં એ દરેક ધોરિયાને કશી મર્યાદા ન હોય. આપણાં શરીરને કાયમને માટે જાળવી રાખવાનું અશક્ય શા માટે હોય? જે કોઈ પણ શરીરો આપણે લઈએ, તે બધાંને આપણે જ બનાવવાં પડે છે. આ શરીર જેવું મરણ પામશે કે તેવું જ આપણે એક નવું તૈયાર કરવું પડશે. જો આપણે એ ત્યારે તૈયાર કરી શકીએ તો આપણે તે અહીંયાં ને હમણાં, અત્યારના શરીરમાંથી બહાર નીકળ્યા વિના કેમ ન કરી શકીએ? એ સિદ્ધાંત સંપૂર્ણ રીતે સાચો છે. જો એ શક્ય હોય કે આપણે મૃત્યુ પછી પણ જીવીએ છીએ અને નવાં શરીરો બનાવીએ છીએ, તો પછી અહીંયાં જ, આ શરીરને સાવ વિલીન કર્યા વિના જ, માત્ર તેમાં નિરંતર ફેરફાર કર્યા કરીને બીજાં શરીરો બનાવવાની શક્તિ આપણામાં હોવી જોઈએ; એ અશક્ય શા માટે હોય? વળી તેમની એવી પણ માન્યતા હતી કે પારામાં અને ગંધકમાં અદ્‌ભુતમાં અદ્‌ભુત શક્તિ છુપાયેલી પડી છે અને આ બંનેમાંથી તૈયાર કરેલાં અમુક રસાયણો દ્વારા મનુષ્ય પોતાના શરીરને ઇચ્છે તેટલું ટકાવી શકે. બીજાઓ માનતા કે અમુક ઔષધિઓ માણસને હવામાં ઊડવાની કે એવી બીજી સિદ્ધિઓ આપી શકે છે. અત્યારના સમયની ઘણીયે અતિ અદ્‌ભુત દવાઓ રસાયણશાસ્ત્રીઓને આભારી છે, ખાસ કરીને ધાતુઓમાંથી બનેલી દવાઓ. યોગીઓના કેટલાક સંપ્રદાયો એવો દાવો કરે છે કે તેમના મુખ્ય મુખ્ય ગુરુઓમાંથી ઘણાય હજી તેમનાં એનાં એ શરીરોમાં જીવે છે. યોગવિદ્યામાં પ્રમાણ પુરુષ પતંજલિ મુનિ પણ આ બાબતને નકારી કાઢતા નથી.

મંત્રશક્તિઃ કેટલાક એવા પવિત્ર શબ્દો છે કે જેમને મંત્રો કહેવામાં આવે છે. તેમનો જ્યારે યોગ્ય સંજોગોમાં જપ કરવામાં આવે ત્યારે તેઓ આ અદ્‌ભુત સિદ્ધિઓ આપવાની શક્તિ ધરાવે છે. આપણે રાતદિવસ એટલા બધા ચમત્કારોના સમૂહ વચ્ચે રહીએ છીએ કે આપણે તેમના વિશે કશો વિચાર કરતા નથી. મનુષ્યની શક્તિને, મંત્રોની શક્તિને અને મનની શક્તિને કોઈ સીમા નથી.

તપઃ તમે જુઓ છો કે દરેક ધર્મમાં કઠોર તપશ્ચર્યાઓ અને આકરાં વ્રતોનું પાલન કરવામાં આવે છે. આ પ્રકારના ધાર્મિક વિચારોમાં હિંદુઓ છેક છેલ્લી હદે જાય છે. તમને એવા માણસોય જોવા મળશે કે જેઓ આખી જિંદગી સુધી હાથ ઊંચા રાખી રહેલા હોય અને છેવટે તેમના હાથ ચીમળાઈ જઈને ખોટા પડી જાય. કેટલાક માણસો રાત ને દિવસ ઊભા જ રહેલા હોય છે, છેવટે તેમના પગ સૂજી જાય અને જો તેઓ જીવતા રહે તો તેમના પગ એ સ્થિતિમાં રહ્યા રહ્યા એટલા તો અક્કડ થઈ જાય કે પછી તેઓ તે વાળી જ ન શકે અને આખી જિંદગી સુધી ઊભા રહેવું પડે. એક વાર મેં એવા માણસને જોયો કે તેણે પોતાના હાથ આ રીતે ઊંચા કરી રાખ્યા હતા. મેં તેને પૂછ્યું કે, ‘તમને શરૂઆતમાં, આમ હાથ રાખતા ત્યારે કેમ લાગતું હતું?’ તેણે જવાબ આપ્યો કે, ‘અસહ્ય પીડા થતી હતી. એવી પીડા થતી હતી કે મારે નદીએ જઈને પાણીમાં રહેવું પડતું અને તેથી વેદના જરા વાર ઓછી થતી. એક મહિના પછી પીડા બહુ ન થતી.’ આવી આવી સાધનાઓ વડે સિદ્ધિઓ મળે.

સમાધિઃ સમાધિ એટલે એકાગ્રતા, ખરો યોગ એ છે; આ વિજ્ઞાનનો મુખ્ય વિષય એ છે અને સર્વોચ્ચ સાધન પણ એ જ છે. આની પહેલાંનાં સાધનો ગૌણ છે અને તેમના વડે આપણે સર્વોચ્ચ ધ્યેયે ન પહોંચી શકીએ. સમાધિ જ એક એવું સાધન છે કે જેના વડે આપણે માનસિક, નૈતિક કે આધ્યાત્મિક સર્વ કંઈ મેળવી શકીએ.

जात्यन्तरपरिणामः प्रकृत्यापूरात्॥4.2॥
जाति अन्तर परिणाम: प्रकृति आपूरात्॥

૨. પ્રકૃતિ દ્વારા (જોઈતી ખોટ) પૂરી પડવાથી એક જાતિ બીજી જાતિમાં પરિણામ પામે છે.

પતંજલિએ એવો સિદ્ધાંતો રજૂ કર્યો છે કે સિદ્ધિઓ જન્મથી, કોઈ કોઈ વાર ઔષધિઓથી અથવા તપથી આવે છે. તેઓશ્રી એમ પણ સ્વીકાર કરે છે કે શરીરને ગમે તેટલા લાંબા કાળ સુધી ટકાવી રાખી શકાય. હવે તે એ સમજાવી રહ્યા છે કે એક જાતિના શરીરનું બીજી જાતિમાં પરિવર્તન થાય છે તેનું કારણ શું? તે કહે છે કે એક જાતિનું બીજી જાતિમાં પરિવર્તન થવામાં કારણભૂત છે પ્રકૃતિની પુરવણી. તેનો ખુલાસો એ હવે પછીના સૂત્રમાં કરે છે.

निमित्तमप्रयोजकं प्रकृतीनां वरणभेदस्तु ततः क्षेत्रिकवत्॥4.3॥
निमित्तम् प्रयोजकम् प्रकृतीनाम् वरण भेद: तु ततः‌ क्षेत्रिकवत्‌॥

૩. પ્રકૃતિનાં જાતિમાં પરિવર્તનો થવામાં સારાંનરસાં કર્મો સાક્ષાત્ કારણ નથી, પણ પ્રકૃતિની ઉત્ક્રાંતિમાં આવતી અડચણોને દૂર કરનાર તરીકે તેઓ કામ કરે છે; જેવી રીતે ખેડૂત ચાલ્યા આવતા પાણીના પ્રવાહને (ક્યારીમાં જતાં) રોકનારી પાળરૂપી અડચણને ભાંગે છે એટલે પાણી પોતાની મેળે ક્યારીમાં વહી જાય છે, તેમ.

ખેતરોની સિંચાઈ માટેનું પાણી નહેરમાં તો છે જ, પણ તેમાંથી ખેતરમાં આવવાના દરવાજાઓ બંધ છે. ખેડૂત આ દરવાજાઓને ઉઘાડી નાખે છે. એટલે પાણી ગુરુત્વાકર્ષણના નિયમ પ્રમાણે એની મેળે જ નીચે વહી જાય છે. તે પ્રમાણે સઘળી પ્રગતિ અને શક્તિ મનુષ્ય માત્રમાં પહેલેથી જ રહેલાં છે; પૂર્ણત્વ એ મનુષ્યનો સ્વભાવ છે, માત્ર તેને યોગ્ય રસ્તે જવામાં અડચણો આવે છે અને તેથી તે અટકે છે. જો કોઈ એ અડચણ દૂર કરે તો તેનો પૂર્ણત્વરૂપી સ્વભાવ ઝડપથી પ્રગતિ કરે. ત્યારે માણસ પોતાનામાં પહેલેથી જ રહેલી શક્તિઓને પ્રાપ્ત કરે છે. જેવો એ પ્રતિબંધ તૂટે ને પૂર્ણત્વરૂપી સ્વભાવ પ્રગતિને પંથે ઝડપભેર ચાલવા માંડે, ત્યારે જેમને આપણે દુષ્ટ કહીએ છીએ તેઓ સંત બની જાય છે. પ્રકૃતિ જ આપણને પૂર્ણત્વ તરફ ધકેલી રહી છે અને ક્રમે ક્રમે એ સૌ કોઈને પૂર્ણત્વે પહોંચાડશે. ધાર્મિક બનવા માટેની આ બધી સાધનાઓ અને મથામણો તો માત્ર નિષેધક કાર્ય છે, આપણા જન્મસિદ્ધ હક, આપણા સ્વભાવરૂપી પૂર્ણત્વને પામવામાં આડે આવતી અડચણો દૂર કરીને તેના દરવાજા ખુલ્લા કરવા માટે છે.

પ્રાચીન યોગીઓનો ઉત્ક્રાંતિવાદ આજે આધુનિક શોધખોળોની દૃષ્ટિએ વધુ સારી રીતે સમજી શકાશે અને છતાં યોગીઓનો સિદ્ધાંત ઉત્ક્રાંતિવાદની વધુ સારી સમજૂતી આપે છે. આધુનિક વૈજ્ઞાનિકોએ રજૂ કરેલાં ઉત્ક્રાંતિનાં બે કારણો, જાતીય પસંદગી અને સૌથી સબળનો જીવનમાં ટકાવ, એ પૂરતાં નથી. ધારો કે મનુષ્યનું જ્ઞાન એટલું આગળ વધ્યું છે કે જીવનનિર્વાહ તેમજ જીવનસાથી એ બંને મેળવવા માટેનું હરીફાઈનું તત્ત્વ નાબૂદ થઈ ગયું તો, આધુનિકોના મત પ્રમાણે મનુષ્યની પ્રગતિ અટકી જાય અને માનવજાતિ નાશ પામે. આ સિદ્ધાંતનું ફળ એ આવે કે દરેક અત્યાચારીને અંતઃકરણના ડંખને શાંત પાડવાની એક દલીલ મળી જાય. એવા માણસોનોય તોટો નથી કે જેઓ દાર્શનિકોનો લેબાસ ધારણ કરીને સઘળા દુષ્ટ અને અસમર્થ માણસોનું નિકંદન કાઢી નાખીને માનવજાતિને જાળવી રાખવા માગે છે! અવશ્ય, સમર્થ-અસમર્થનો ન્યાય કરનારા તો માત્ર તેઓ જ છે. પરંતુ મહાન પ્રાચીન ઉત્ક્રાંતિવાદી પતંજલિ ઘોષણા કરે છે કે ઉત્ક્રાંતિ એટલે પ્રાણીમાત્રમાં પ્રથમથી જ રહેલી પૂર્ણતાનું પ્રગટ થવું; આ પૂર્ણતાની આડે પ્રતિબંધ આવી રહેલા છે અને તેમની પાછળ રહેલી અનંત શક્તિની ભરતી પોતાને પ્રગટ કરવા માટે મથામણ કરી રહી છે. આ મથામણો અને હરીફાઈઓ માત્ર આપણા અજ્ઞાનનું જ પરિણામ છે, કારણ કે પાણીને અંદર આવવા દેવા માટે દરવાજો ઉઘાડવાનો યોગ્ય રસ્તો આપણે જાણતા નથી. પાછળ રહેલી આ અનંત ભરતી પ્રગટ થવી જ જોઈએ; એ જ સમગ્ર વિકાસનું કારણ છે. જીવન ગુજારા માટેની અથવા જાતીય વાસનાની તૃપ્તિ માટેની સ્પર્ધાઓ તો માત્ર ક્ષણિક છે, અનાવશ્યક છે, બાહ્ય પરિણામો છે, અજ્ઞાનથી પેદા થયેલાં છે. જ્યારે સઘળી સ્પર્ધા બંધ થઈ ગઈ હશે ત્યારે પણ પાછળ રહેલો આ પૂર્ણત્વરૂપી સ્વભાવ, જ્યાં સુધી એકેએક મનુષ્ય પૂર્ણત્વે નહિ પહોંચે ત્યાં સુધી આપણને આગળ ને આગળ જવા માટે ધકેલ્યા જ કરશે. તેથી આગળ પ્રગતિને માટે હરીફાઈ આવશ્યક છે એમ માનવાનું કશું જ કારણ નથી. પશુયોનિમાં મનુષ્યત્વ દબાઈ રહેલું હતું, પણ જેવો દરવાજો ખુલ્લો થઈ ગયો તેવું જ મનુષ્યત્વ બહાર પ્રગટ થયું. તે જ પ્રમાણે, મનુષ્યની અંદર દેવત્વ દબાઈ રહેલું છે, અજ્ઞાનના દરવાજા અને આડશોથી અટકાવાઈ રહેલું છે. જ્યારે જ્ઞાનથી આ પ્રતિબંધો તૂટી જાય છે, ત્યારે દેવત્વ પ્રગટ થાય છે.

निर्माणचित्तान्यस्मितामात्रात्॥4.4॥
निर्माण चित्तानि अस्मितामात्रात्॥

૪. નિર્માણ-ચિત્તોની ઉત્પત્તિ એકલા અહંકારમાંથી જ થાય છે.

કર્મનો સિદ્ધાંત એવો છે કે સારાં કે નરસાં કર્મોનું ફળ આપણે ભોગવવું પડે છે અને સમગ્ર ફિલસૂફીનું ક્ષેત્ર મનુષ્યની મહિમામય સ્થિતિએ પહોંચવાનું છે. સઘળાં શાસ્ત્રો મનુષ્યની, આત્માની, કીર્તિ ગાયા કરે છે અને સાથોસાથ કર્મ કરવાનો ઉપદેશ પણ આપે છે. કહે છે કે શુભ કર્મોનું ફળ એક પ્રકારનું આવે છે અને અશુભ કર્મનું બીજા પ્રકારનું; પણ જો આત્મા ઉપર સારા કે નરસા કર્મનો પ્રભાવ પડી શકતો હોય તો એ આત્માનું કશું મૂલ્ય નથી. જે થાય છે તે એ કે ખરાબ કર્મો પુરુષના સ્વરૂપને પ્રગટ થવામાં આડો પ્રતિબંધ ઊભો કરે છે; સારાં કર્મો પ્રતિબંધોને દૂર કરે છે, એટલે પુરુષનો મહિમા પ્રગટ થાય છે. પુરુષમાં પોતામાં કદીય પરિવર્તન થતું નથી. જે કંઈ તમે કરો, તેનાથી તમારો મહિમા, તમારું સ્વરૂપ કદી નાશ પામતું નથી, કારણ કે આત્માની ઉપર કોઈ પણ વસ્તુનો પ્રભાવ પડી શકતો નથી, માત્ર તેની આડે એક આવરણ આવી ગયેલું છે, તેથી તેની પૂર્ણતા ઢંકાઈ ગયેલી છે.

પોતાનાં કર્મોનો જલદી જલદી ભોગ કરીને ક્ષય કરી નાખવાના હેતુથી યોગી પુરુષો ‘કાયવ્યૂહ’ એટલે કે શરીરોનો સમૂહ નિર્માણ કરે છે. આ બધાં શરીરો માટેનાં મન યોગીઓ અહંતત્ત્વમાંથી નિર્માણ કરે છે. એ બધાંને, મૂળ મનથી તેમનું ભિન્નત્વ દર્શાવવા માટે, ‘નિર્માણ-ચિત્તો’ કહેવામાં આવે છે.

प्रवृत्तिभेदे प्रयोजकं चित्तमेकमनेकेषाम्॥4.5॥
प्रवृत्तिभेदे प्रयोजकम् चित्तम् एकम् अनेकेषाम्॥

૫. જો કે જુદાં જુદાં નિર્માણ-ચિત્તોની પ્રવૃત્તિઓ જુદી જુદી હોય છે, તોપણ તે બધાંનું નિયામક પેલું એક મૂળ ચિત્ત જ હોય છે.

આ જુદાં જુદાં મન કે જેઓ જુદાં જુદાં શરીરોમાં રહીને કાર્ય કરે છે, તેમને નિર્માણ-ચિત્તો કહેવામાં આવે છે અને તે શરીરોને નિર્માણ-શરીરો કહેવામાં આવે છે. જડ દ્રવ્ય અને મન એ બે અખૂટ ભંડાર જેવાં છે. જ્યારે તમે યોગી થાઓ ત્યારે તમને તેમના પરના કાબૂનું રહસ્ય સમજાય. એ તમારી પાસે બધો વખત હતું જ, પણ તમે તે વિસરી ગયા હતા. જ્યારે તમે યોગી થાઓ છો, ત્યારે તે તમને પાછું યાદ આવે છે. ત્યારે તમે તેને ગમે તે ઉપયોગમાં લઈ શકો છો, તમને ગમે તેમ તેનો વ્યવહાર કરી શકો છો. જે ઉપાદાન દ્રવ્યમાંથી નિર્માણ-ચિત્ત તૈયાર થાય છે તે જ ઉપાદાન દ્રવ્ય સમષ્ટિ બ્રહ્માંડના નિર્માણ માટે વપરાયું છે. એવું નથી કે મન એક વસ્તુ છે અને જડદ્રવ્ય બીજી વસ્તુ છે. તે બંને એક જ વસ્તુના બે જુદા જુદા પ્રકાર છે. જેમાંથી યોગીનાં આ નિર્માણ-ચિત્તો અને નિર્માણ-શરીરો તૈયાર થાય છે, તે છે અસ્મિતા, યાને અહંભાવના, અસ્તિત્વની સૂક્ષ્મ અવસ્થા. તેથી, જ્યારે યોગીને કુદરતની આ શક્તિઓના રહસ્યનો પત્તો લાગી જાય, ત્યારે તે આ અસ્મિતા નામના તત્ત્વમાંથી જોઈએ તેટલાં શરીરો કે જોઈએ તેટલાં મન ઉત્પન્ન કરી શકે.

तत्र ध्यानजमनाशयम्॥4.6॥
तत्र ध्यानजम् अनाशयम्॥

૬. આ વિવિધ ચિત્તોમાંથી ધ્યાન દ્વારા સમાધિએ પહોંચેલું ચિત્ત વાસનારહિત થયેલું હોય છે.

જુદા જુદા મનુષ્યોમાં જોવામાં આવતાં જુદાં જુદાં ચિત્તોમાંથી માત્ર જે ચિત્ત સમાધિ અવસ્થા યાને સંપૂર્ણ એકાગ્રતાની સ્થિતિએ પહોંચ્યું હોય તે જ સર્વોચ્ચ છે. જે મનુષ્યે ઔષધિઓ કે મંત્રો કે તપ વડે અમુક સિદ્ધિઓ મેળવી હોય છે, તેનામાં વાસનાઓ હજી રહેલી હોય છે, પણ જે મનુષ્યે એકાગ્રતા યાને ધ્યાન દ્વારા સમાધિ અવસ્થા પ્રાપ્ત કરી હોય છે તે જ કેવળ સર્વ વાસનાઓથી મુક્ત હોય છે.

कर्माशुक्लाकृष्णं योगिनस्त्रिविधमितरेषाम्॥4.7॥
कर्म अशुक्ल अकृष्णम् योगिन: त्रिविधम् इतरेषाम्॥

૭. યોગીઓને માટે કર્મો શુભ કે અશુભ હોતાં નથી; બીજાઓને માટે તે શુભ, અશુભ અને મિશ્ર એમ ત્રણ પ્રકારનાં હોય છે.

યોગી જ્યારે પૂર્ણતાએ પહોંચ્યો હોય છે, ત્યારે તેનાં કાર્યો અને તે કાર્યોના પરિણામે ઉત્પન્ન થયેલું કર્મ તેને બંધનકારક બનતાં નથી, કારણ કે તેણે તે કશી વાસનાથી પ્રેરાઈને કરેલાં હોતાં નથી. તે સહજ રીતે કાર્ય કર્યે જાય છે; તે બીજાનું ભલું કરવા માટે કર્મ કરે છે અને તે બીજાનું ભલું કરે પણ છે; પણ તેના ફળની સ્પૃહા રાખતો નથી, એટલે તે તેને પહોંચતું નથી. પણ સાધારણ મનુષ્યોને માટે કે જેઓ એ સર્વોચ્ચ સ્થિતિએ પહોંચ્યા નથી તેમને માટે કર્મો ત્રણ પ્રકારનાં હોય છે, કૃષ્ણ (અશુભ), શુકલ (શુભ) અને મિશ્ર (શુભાશુભ).

ततस्तद्विपाकानुगुणानामेवाभिव्यक्तिर्वासनानाम्॥4.8॥
ततः तत् विपाक अनुगुणानाम् एव अभिव्यक्ति: वासनानाम्॥

૮. આ ત્રિવિધ કર્મોનાં ફળરૂપે જે અવસ્થામાં (શરીરમાં) જે યોગ્ય હોય તે વાસનાઓ જ વ્યક્ત થાય છે. (બીજી વાસનાઓ એટલા સમય પૂરતી રોકાયેલી રહે છે.)

ધારો કે મેં શુભ, અશુભ અને મિશ્ર એમ ત્રણ પ્રકારનાં કર્મો કર્યાં છે અને પછી, ધારો કે હું મરીને સ્વર્ગે જઈને દેવ થયો છું. દેવશરીરમાંની વાસનાઓ માનવશરીરમાંની વાસનાઓ જેવી નથી હોતી; દેવશરીરમાં ખાવાપીવાનું હોતું નથી. તો પછી મારાં જે કર્મો ખાવાપીવાની વૃત્તિ ઉત્પન્ન કરે તે ભોગવ્યા વગરનાં પૂર્વકર્મોનું શું થાય? હું જ્યારે દેવ થાઉં ત્યારે એ કર્મો ક્યાં જાય? તેનો ઉત્તર એ કે વાસનાઓ કેવળ તેમને અનુરૂપ વાતાવરણમાં જ વ્યક્ત થઈ શકે. જે વાસનાઓને માટે વાતાવરણ યોગ્ય હોય તે જ વાસનાઓ માત્ર પ્રગટ થવાની; બીજી બધી સંઘરાઈ રહેવાની. જીવનમાં આપણામાં ઘણી દેવલોકને યોગ્ય વાસનાઓ હોય છે, ઘણી મનુષ્યલોકને યોગ્ય હોય છે અને ઘણી પશુશરીરને યોગ્ય હોય છે. જો હું દેવશરીર લઉં તો માત્ર દેવશરીરને યોગ્ય વાસનાઓ જ પ્રગટ થવાની, કારણ કે વાતાવરણ તેમને માટે અનુકૂળ છે અને જો હું પશુશરીર લઉં, તો માત્ર પશુશરીરને યોગ્ય ઇચ્છાઓ જ પ્રગટ થવાની અને સારી ઇચ્છાઓ રાહ જોતી પડી રહેશે. આ શું બતાવે છે? કે વાતાવરણના સહયોગથી આપણે વાસનાઓને દાબી શકીએ. વાતાવરણને અનુકૂળ હોય અને તેમાં બંધબેસતાં થઈ શકે તેવાં કર્મો જ પ્રગટ થશે. આ બતાવે છે કે વાતાવરણની શક્તિ એ ખુદ કર્મને પણ નિયંત્રિત કરનારું બહુ જ મોટું બળ છે.

जातिदेशकालव्यवहितानामप्यानन्तर्यं स्मृतिसंस्कारयोरेकरूपत्वात्॥4.9॥
जाति देश काल व्यहितानाम् अपि ‌आनन्तर्यम् स्मृति संस्कारयो: एकरूपत्वात्॥

૯. સ્મૃતિ અને સંસ્કારો એકરૂપ હોવાથી વાસનાઓ જાતિ, દેશ અને કાળ વડે જુદી પડેલી હોવા છતાં તેમનો અનુક્રમ બરાબર રહે છે.

અનુભવો સૂક્ષ્મ થઈને સંસ્કાર બને છે; સંસ્કારો ફરીથી જાગ્રત કરવામાં આવતાં સ્મૃતિ બને છે. અહીંયાં સ્મૃતિ શબ્દનો અર્થ સંસ્કારરૂપ થઈ ગયેલા ભૂતકાળના અનુભવોનો વર્તમાનમાં થતા સમજપૂર્વકના કાર્યની સાથે અજ્ઞાત રીતે થતો સુમેળ. દરેક શરીરમાં, પૂર્વે તેના જેવા જ શરીરમાં મેળવેલા સંસ્કારોનો સમૂહ, આ શરીરમાંના કાર્યનું કારણ બને છે. જુદા પ્રકારના શરીરમાં મળેલા સંસ્કારો પાછળ ઠેલાયેલા રહે છે. દરેક શરીર, જાણે કે તે જાતિના પૂર્વનાં શરીરોની પરંપરાનું વારસદાર ન હોય તેમ કાર્ય કરે છે; આ રીતે વાસનાઓનો અનુક્રમ તૂટતો નથી.

तासामनादित्वं चाशिषो नित्यत्वात्॥4.10॥
तासाम् अनादित्वं च आशिष: ‌नित्यत्वात्॥

૧૦. સુખની આશા નિત્ય હોવાથી આશાઓ અનાદિ છે.

સઘળા અનુભવની પૂર્વે સુખની આશા રહેલી હોય છે. અનુભવોનો કોઈ આદિ નથી, કારણ કે દરેક નવો અનુભવ પૂર્વના અનુભવથી ઉત્પન્ન થયેલા મનના વલણ પર આધાર રાખતો હોય છે; તેથી વાસના અનાદિ છે.

हेतुफलाश्रयालम्बनैः संगृहीतत्वादेषामभावे तदभावः॥4.11॥
हेतु फल आश्रय आलम्बनै: संगृहीतत्वात् एषाम् अभावे तद् अभाव:॥

૧૧. હેતુ (કારણ), ફળ (કાર્ય, આશ્રય, ચિત્ત) અને આલંબન (પદાર્થો, વિષયો) વડે વાસનાઓ બંધાયેલી હોવાથી આ બધાંનો અભાવ થાય ત્યારે વાસનાઓનો અભાવ થાય.

વાસનાઓ કારણ અને કાર્ય (કારણો એટલે કલેશો, સ.પા. સૂ.૩) અને કર્મ, (કૈ. પા. સૂ. ૭) અને ફળ એટલે જાતિ, આયુષ્ય અને સુખદુઃખનો ભોગ (સ. પા. સૂ.૧૩) વડે બંધાયેલી રહે છે. જો વાસના જાગ્રત થઈ હોય, તો તે પરિણામ લાવ્યા વિના શાંત થતી નથી. વળી, ચિત્ત એ બહુ મોટો ભંડાર છે, સંસ્કારમાં પરિણામ પામેલી સઘળી ભૂતકાળની વાસનાઓનો આધાર છે. જ્યાં સુધી ફળ ઉત્પન્ન કરીને શમી ન જાય ત્યાં સુધી વાસનાઓ નાશ પામતી નથી. વળી જ્યાં સુધી ઇંદ્રિયો બાહ્ય વિષયોને ગ્રહણ કર્યા કરે છે, ત્યાં સુધી નવી વાસનાઓ ઉત્પન્ન થવાની જ. જો કર્મ, તેનાં ફળ, તેનો આશ્રય અને વાસનાના વિષયો છોડી દેવાનું શક્ય બને તો જ વાસનાઓ નિવૃત્ત થાય.

अतीतानागतं स्वरूपतोऽस्त्यध्वभेदाद्धर्माणाम्॥4.12॥
अतीत अनागतम् स्वरूपतः अस्ति अध्व भेदात् धर्माणाम्॥

૧૨. (વસ્તુઓના) ધર્મોના પ્રકાર જુદા જુદા હોવાને લીધે ભૂતકાળ અને ભવિષ્યકાળ વાસ્તવિકરૂપે છે.

અહીં કહેવા એ માગે છે કે અસ્તિત્વની ઉત્પત્તિ કદી અભાવમાંથી થાય નહિ. ભૂતકાળ અને ભવિષ્યકાળ વ્યક્તરૂપે ન હોવા છતાં, સૂક્ષ્મરૂપે હોય છે.

ते व्यक्तसूक्ष्मा गुणात्मानः॥4.13॥
ते व्यक्त सूक्ष्मा: गुण आत्मान:॥

૧૩. એ ધર્મો ત્રિગુણાત્મક હોવાથી વ્યક્ત સ્વરૂપે અથવા સૂક્ષ્મસ્વરૂપે રહે છે.

ગુણો એટલે સત્ત્વ, રજસ અને તમસ. તેમની સ્થૂલ (વ્યક્ત) અવસ્થા એ જ આ ઇંદ્રિયગોચર જગત છે. આ ગુણોના પ્રગટ થવાના જુદા જુદા પ્રકારોમાંથી ભૂતકાળ અને ભવિષ્યકાળની ઉત્પત્તિ થાય છે.

परिणामैकत्वाद्वस्तुतत्त्वम्॥4.14॥
परिणाम एकत्वात् वस्तु तत्त्वम्‌॥

૧૪. પરિણામોમાં એકતા હોવાથી વસ્તુઓમાં એકતા રહેલી છે.

ગુણો જો કે ત્રણ છે, છતાં તેમનાં પરિણામો પરસ્પર સંકળાયેલાં હોવાને લીધે સઘળા પદાર્થોમાં એકતા રહેલી છે.

वस्तुसाम्ये चित्तभेदात्तयोर्विभक्तः पन्थाः॥4.15॥
वस्तुसाम्ये‌ चित्त भेदात् तयो: विभक्त: ‌पन्थाः॥

૧૫. વસ્તુ એક જ હોવા છતાં તે વસ્તુ વિશેનો અનુભવ અને ઇચ્છાઓ ભિન્ન ભિન્ન હોવાને લીધે તે વસ્તુ અને (તેનો અનુભવ કરનારું) મન એ બંને જુદા જુદા પ્રકારનાં છે.

એટલે કહેવા એ માગે છે કે આપણાં મનથી સ્વતંત્ર એવું એક બાહ્ય જગત છે. આથી બૌદ્ધોના વિજ્ઞાનવાદનું ખંડન થાય છે. એક જ વસ્તુનો જુદા જુદા માણસો જુદી જુદી રીતે અનુભવ કરે છે તે કારણસર તે વસ્તુ કોઈ એક જ વ્યક્તિની કલ્પના માત્ર નથી.

(કેટલીક આવૃત્તિઓમાં અહીં નીચેનું વધારાનું સૂત્ર છેઃ न चैकचित्ततन्त्रं वस्तु तदप्रमाणकं तदा किं स्यात्। વસ્તુ એક જ ચિત્ત પર આધાર રાખી રહેલ છે એમ કહી ન શકાય. (કારણ કે અમુક અવસ્થામાં) તે ચિત્તના અસ્તિત્વનું પ્રમાણ ન રહેતાં તે વસ્તુ અસ્તિત્વરહિત બની જાય. જો વસ્તુનો અનુભવ એ જ એકમાત્ર તેના અસ્તિત્વનું પ્રમાણ હોય, તો પછી ચિત્ત જ્યારે કોઈક વસ્તુમાં તદ્રૂપ થઈ ગયું હોય અથવા સમાધિમાં હોય ત્યારે તે વસ્તુનો અનુભવ કોઈને પણ થાય નહિ અને તેનું અસ્તિત્વ નથી એમ કહી શકાય. આ જાતનો નિર્ણય અનિચ્છનીય છે. – સંપાદક)

तदुपरागापेक्षित्वाच्चित्तस्य वस्तु ज्ञाताज्ञातम्॥4.16॥
तद् उपराग अपेक्षित्वात् चित्तस्य वस्तु ज्ञात अज्ञातम्॥

૧૬. વસ્તુ ચિત્ત પર કેવું પ્રતિબિંબ પાડે છે તેના પર તેનું જ્ઞાન થવાનો કે ન થવાનો આધાર રહેલો છે.

सदा ज्ञाताश्चित्तवृत्तयस्तत्प्रभोः पुरुषस्यापरिणामित्वात्॥4.17॥
सदा ज्ञाता: चित्तवृत्तय: तत् प्रभो: पुरुषस्य अपरिणामित्वात्॥

૧૭. ચિત્તવૃત્તિઓ સદા જ્ઞાત છે, કારણ કે ચિત્તનો માલિક પુરુષ સદા અપરિણામી છે.

આ સિદ્ધાંતનો સઘળો સાર આ છે કે જગત માનસિક અને ભૌતિક બંને છે. આ બંને પ્રકારનું જગત નિરંતર પરિવર્તન પામ્યા જ કરે છે. આ પુસ્તક શું છે? એ એક નિરંતર પરિવર્તન પામ્યા કરતા પરમાણુઓનું સંમિલન છે. એક જથ્થો તેમાંથી નીકળી જાય છે અને બીજો અંદર આવે છે. એ એક વમળ જેવું છે, પણ તેમાં એકતા ક્યાંથી આવે છે? પુસ્તક એનું એ જ રહે છે શાને લીધે? એ પરિવર્તનો તાલબદ્ધ રીતે થતાં રહે છે; એક સુસંગત ક્રમમાં તેઓ મનમાં સંવેદનો મોકલ્યા કરે છે અને આ બધાં એક સાથે જોડાવાથી એક સળંગ ચિત્ર બને છે, જો કે તેના વિભાગો તો નિરંતર બદલાયા કરે છે. મન પોતેય નિરંતર ફેરફાર પામતું રહે છે. મન અને શરીર એક જ પદાર્થમાંના બે થર જેવાં છે. આ થરો વેગના જુદા જુદા પ્રમાણમાં ગતિ કરી રહ્યા છે. સાપેક્ષ રીતે, એ બેમાંથી એક ધીમી ગતિવાળું અને બીજું વધુ ઝડપી ગતિવાળું હોવાથી, એ બંનેની ગતિ વચ્ચેનો તફાવત આપણે સમજી શકીએ છીએ. દાખલા તરીકે, એક રેલગાડી ચાલી જાય છે અને તેની બાજુમાં બીજી એક ગાડી ચાલી જાય છે. આ બંનેની ગતિનો વેગ શોધી કાઢવાનું અમુક અંશે શક્ય છે. પરંતુ તે ઉપરાંત પણ બીજું કંઈક આવશ્યક છે. ગતિનો અનુભવ થવો ત્યારે જ સંભવે કે જ્યારે તેની સામે ગતિ વિનાનું બીજું કંઈક રહેલું હોય. પરંતુ જ્યારે બે કે ત્રણ ચીજો એકબીજીની અપેક્ષાએ ગતિમાં હોય છે ત્યારે આપણને પહેલાં વધુ ઝડપવાળી ચીજની ગતિ નજરે ચડે છે અને પછી વધુ ધીમી ચીજોની. મનને પરખવું કેવી રીતે? તે પણ ગતિમાં છે. માટે બીજી કોઈક વસ્તુ કે જે તેના કરતાં ઓછી ગતિમાં હોય તેની આવશ્યકતા છે. ત્યાર પછી તમારે એવી એક વસ્તુએ પહોંચવું પડશે કે જેની ગતિ પેલી વસ્તુ કરતાંય ઓછી હોય; અને એવી રીતે આગળ જતાં, જવાનો ક્યાંય અંત નહીં આવે. માટે તર્કશાસ્ત્ર કહે છે કે તમારે ક્યાંક તો અટકવું પડશે જ. આ અનુક્રમને પૂરો કરવા માટે તમારે એવું કંઈક તત્ત્વ જાણવું જ પડશે કે જે કદાપિ પરિવર્તન પામતું ન હોય. ગતિની આ અંત વિનાની સાંકળની પાછળ પરિવર્તનરહિત, નિરંજન, શુદ્ધ પુરુષ રહેલો છે. જેવી રીતે મેજિક લેન્ટર્ન પડદાને કોઈ પણ રીતે બગાડ્યા વિના તેના પર ચિત્રો પાડે છે તેવી રીતે પુરુષ ઉપર આ બધા અનુભવો માત્ર પ્રતિબિંબિત થયેલા છે.

न तत्स्वाभासं दृश्यत्वात्॥4.18॥
न तत् स्व आभासम् दृश्यत्वात्॥

૧૮. મન દૃશ્ય વસ્તુ હોવાને લીધે સ્વયંપ્રકાશમાન નથી.

પ્રકૃતિમાં સર્વત્ર જબરદસ્ત શક્તિ વ્યક્ત થયેલી જોવામાં આવે છે, પણ પ્રકૃતિ સ્વયંપ્રકાશમાન નથી અને વાસ્તવિક રીતે ચેતનરૂપ નથી. કેવળ પુરુષ જ સ્વયંપ્રકાશમાન છે અને પોતાનો પ્રકાશ સર્વ વસ્તુઓને આપે છે. સમસ્ત જડદ્રવ્ય અને બળમાં થઈને પ્રસરી રહેલી શક્તિ પુરુષની જ છે.

एकसमये चोभयानवधारणम्॥4.19॥
एकसमये च उभय अनवधारणम्॥

૧૯. ચિત્ત પોતાને તેમજ બીજી વસ્તુને એક જ સમયે અનુભવી શકતું નથી.

જો ચિત્ત સ્વયંપ્રકાશમાન હોત તો તે પોતાને અને બીજા પદાર્થોને એકી સાથે જ જાણી શકત, પણ તે તેમ કરી શકતું નથી. જ્યારે એ પદાર્થને જાણે છે ત્યારે તે પોતાને જાણી શકતું નથી. તેથી પુરુષ જ સ્વયંપ્રકાશમાન છે અને ચિત્ત નથી.

चित्तान्तरदृश्ये बुद्धिबुद्धेरतिप्रसङ्गः स्मृतिसङ्करश्च॥4.20॥
चित्तान्तर दृश्ये बुद्धिबुद्धे: अतिप्रसङ्ग: स्मृति सङ्कर: च॥

૨૦. જો એક ચિત્તને બીજું એક ચિત્ત પ્રકાશિત કરે છે એમ માનવામાં આવે તો એવી કલ્પનાનો ક્યાંય અંત આવે નહિ અને પરિણામે સ્મૃતિઓ સેળભેળ થઈ જશે.

ધારો કે બીજું એક ચિત્ત છે કે જે આ સામાન્ય ચિત્તને જાણે છે. તો પછી એક બીજાં ચિત્તને જાણવા માટે વળી એક ત્રીજા ચિત્તની જરૂર પડશે અને એ રીતે એનો કોઈ અંત આવશે નહિ અને પરિણામે સ્મૃતિમાં ગરબડ ગોટાળો ઊભો થશે અને સ્મૃતિભંડાર જેવું કંઈ રહેશે નહિ.

चितेरप्रतिसंक्रमायास्तदाकारापत्तौ स्वबुद्धिसंवेदनम्॥4.21॥
चिते: अप्रतिसंक्रमाया:‌ तद् आकार आपत्तौ स्वबुद्धि संवेदनम्॥

૨૧. ચિત્તવસ્તુ (પુરુષ) અપરિવર્તનશીલ હોવાથી ચિત્ત જ્યારે પુરુષનો આકાર લે છે ત્યારે તેને પોતાનું ભાન થાય છે.

પતંજલિ આ સૂત્ર દ્વારા એ વધુ સ્પષ્ટ કરવા માગે છે કે જ્ઞાન એ પુરુષનો ગુણ નથી. પણ જ્યારે ચિત્ત પુરુષની નજીક આવે છે ત્યારે પુરુષ ચિત્તની ઉપર જાણે કે, પ્રતિબિંબિત થાય છે, એટલે ચિત્ત તેટલા સમય પૂરતું જાણે કે સચેતન બને છે અને પોતે જ જાણે કે પુરુષ હોય એમ ભાસે છે.

द्रष्टृदृश्योपरक्तं चित्तं सर्वार्थम्॥4.22॥
द्रष्टृ दृश्य उपरक्तम् चित्तं सर्व अर्थम्॥

૨૨. દ્રષ્ટા અને દૃશ્યથી રંગાયેલું ચિત્ત સર્વ વસ્તુને જાણી શકે છે.

ચિત્તની એક બાજુએ દૃશ્ય, યાને બાહ્ય જગત પ્રતિબિંબિત થાય છે અને બીજી બાજુએ, દ્રષ્ટા પ્રતિબિંબિત થાય છે. ચિત્તમાં સઘળું જાણવાની શક્તિ આ રીતે આવે છે.

तदसंख्येयवासनाभिश्चित्रमपि परार्थं संहत्यकारित्वात्॥4.23॥
तद् असंख्येय वासनाभि: चित्रम् अपि परार्थम् ‌संहत्यकारित्वात्‌॥

૨૩. ચિત્ત અસંખ્ય વાસનાઓથી ચિત્રવિચિત્ર થયેલું હોવા છતાં તે વિષયોની સાથે મળીને કાર્ય કરતું હોવાથી બીજાને (પુરુષને) માટે છે.

ચિત્ત વિવિધ વસ્તુઓનું મિશ્રણ છે, અને તેથી તે પોતાને માટે કાર્ય કરી શકતું નથી. આ દુનિયામાં જે જે વસ્તુ મિશ્રણરૂપ છે તેનો તે મિશ્રણથી અલગ કોઈક હેતુ હોય છે, કોઈક ત્રીજી વસ્તુ હોય છે કે જેને માટે આ મિશ્રણક્રિયા ચાલી રહી હોય છે. તેથી આ ચિત્તરૂપી મિશ્રણ પુરુષને માટે છે.

विशेषदर्शिन आत्मभाव-भावनाविनिवृत्तिः॥4.24॥
विशेषदर्शिन: आत्म भाव भावना विनिवृत्ति:॥

૨૪. (પુરુષ અને ચિત્ત વચ્ચેનો) તફાવત દેખી શકનારને માટે ચિત્તનું આત્મા તરીકેનું ભાન દૂર થાય છે.

પુરુષ અને ચિત્ત વચ્ચેના વિવેક દ્વારા યોગી જાણે છે કે ચિત્ત પુરુષ નથી.

तदा विवेकनिम्नं कैवल्यप्राग्भावं चित्तम्॥4.25॥
तदा विवेकनिम्नम् कैवल्य प्राग्भावम् चित्तम्॥

(બીજો એક પાઠ છેઃ ‘कैवल्यप्राग्भारं’ એ પ્રમાણે અર્થ આમ થાયઃ પછી ચિત્ત વિવેકદર્શનમાં ઊંડું ઊતરી જાય છે અને કૈવલ્ય ભણી ઢળે છે. – સંપાદક)

૨૫. ત્યારે વિવેક તરફ વળેલું ચિત્ત કૈવલ્યની પૂર્વઅવસ્થાને પ્રાપ્ત કરે છે.

આમ યોગની સાધના વિવેકશક્તિ તરફ, દર્શનની સ્વચ્છતા તરફ લઈ જાય છે. આંખોની સામેથી આવરણ હટી જાય છે અને વસ્તુઓ જેવી છે તેવે જ સ્વરૂપે આપણને દેખાય છે. આપણને જણાય છે કે પ્રકૃતિ એ મિશ્ર વસ્તુ છે અને સાક્ષીરૂપ પુરુષને આ જગતનું દૃશ્ય દેખાડી રહી છે, તથા પ્રકૃતિ એ માલિક નથી, પ્રકૃતિનાં સઘળાં મિશ્રણો કેવળ અંતરમાં સિંહાસન પર બિરાજમાન સમ્રાટ પુરુષને આ જગતનું દૃશ્ય બતાવવા માટે જ છે. લાંબા કાળની સાધના વડે જ્યારે વિવેક પ્રાપ્ત થાય છે, ત્યારે ભય નીકળી જાય છે અને ચિત્ત કૈવલ્યદશાને પ્રાપ્ત કરે છે.

तच्छिद्रेषु प्रत्ययान्तराणि संस्कारेभ्यः॥4.26॥
तत् छिद्रेषु प्रत्यय अन्तराणि संस्कारेभ्यः‌॥

૨૬. તેના (કૈવલ્ય સ્થિતિમાંના) વચ્ચેના ગાળાઓમાં અડચણરૂપ જે જે વિચારો ઊઠે, તે સંસ્કારોમાંથી આવે છે.

સુખી થવા માટે બાહ્ય કંઈક વસ્તુની જરૂર રહે છે એવું આપણને મનાવનારા જે બધા વિવિધ પ્રકારના વિચારો ઊઠે છે તે બધા એ પૂર્ણત્વની અવસ્થામાં અડચણરૂપ છે. પુરુષ પોતાને સ્વભાવે જ આનંદસ્વરૂપ અને ધન્યસ્વરૂપ છે. પરંતુ તે જ્ઞાન પૂર્વના સંસ્કારોથી ઢંકાઈ રહેલું છે. આ સંસ્કારોનો ક્ષય થઈ જવો જોઈએ.

हानमेषां क्लेशवदुक्तम्॥4.27॥
हानम् एषाम् क्लेशवत् उक्तम्॥

૨૭. તેમનો નાશ અગાઉ (સ.પા.સૂ. ૧૦માં) કહ્યા પ્રમાણે કલેશો (અવિદ્યા, અસ્મિતા)ના નાશ મુજબ કરવાનો છે.

प्रसंख्यानेऽप्यकुसीदस्य सर्वथा विवेकख्यातेर्धर्ममेघः समाधिः॥4.28॥
प्रसंख्याने अपि अकुसीदस्य सर्वथा विवेकख्याते: धर्ममेघ: समाधि:॥

૨૮. તત્ત્વોનું વિવેકજ્ઞાન થતાં, તેમાંથી ઉત્પન્ન થતી ઐશ્વર્ય માટેની સ્પૃહાને પણ છોડવાથી યોગીને જે સંપૂર્ણ વિવેકજ્ઞાન થાય છે તેનાથી તે ‘ધર્મમેઘ’ નામની સમાધિ દશાએ પહોંચે છે.

જ્યારે યોગી આ વિવેકજ્ઞાન મેળવી ચૂક્યો હોય છે ત્યારે પાછળના પ્રકરણમાં જણાવેલી સઘળી વિભૂતિઓ તેની પાસે આવે છે, પરંતુ સાચો યોગી તેમનો અસ્વીકાર કરે છે. તેનામાં એક ખાસ પ્રકારનું જ્ઞાન, એક ખાસ પ્રકારનું તેજ આવે છે, તેને ‘ધર્મમેઘ’ કહેવામાં આવે છે. ઇતિહાસમાં નોંધાયેલા જગતના સઘળા મહાન આચાર્યોમાં આ જ્ઞાન હતું. તેઓને સર્વ જ્ઞાનનું મૂળ પોતાની અંદર લાધ્યું હતું. સત્ય તેમને માટે વાસ્તવિક બન્યું હતું. સિદ્ધિઓના મિથ્યા ગર્વને છોડી દીધા પછી શાંતિ અને સ્વસ્થતા અને પૂર્ણ પવિત્રતા તેમને સ્વભાવગત બની ગયાં હતાં.

ततः क्लेशकर्मनिवृत्तिः॥4.29॥
ततः क्लेश कर्म निवृत्ति:‌॥

૨૯. તેમાંથી કલેશ અને કર્મોની નિવૃત્તિ થાય છે.

જ્યારે ‘ધર્મમેઘ’ સમાધિ પ્રાપ્ત થાય છે, ત્યારે પછી પતનનો ભય રહેતો નથી, પછી તે યોગીને કોઈ પણ વસ્તુ નીચે ખેંચી શકતી નથી. એને માટે કશું અનિષ્ટ રહેતું નથી કે કશું દુઃખ રહેતું નથી.

तदा सर्वावरणमलापेतस्य ज्ञानस्यानन्त्याज्ज्ञेयमल्पम्॥4.30॥
तदा सर्व आवरण मल अपेतस्य ज्ञानस्य आनन्त्यात् ज्ञेयम् अल्पम्॥

૩૦. ત્યારે સર્વ આવરણ અને મળ દૂર થતાં જ્ઞાન અનંત થાય છે અને તેથી જ્ઞેય અલ્પ બને છે.

જ્ઞાન તો પોતે ત્યાં રહેલું જ છે; માત્ર તેના પરનું આવરણ દૂર થયું છે. બૌદ્ધધર્મના એક ગ્રંથમાં બુદ્ધ (એ એક અવસ્થાનું નામ છે) એટલે શું તેની વ્યાખ્યા આપતાં કહે છે કે બુદ્ધ એટલે આકાશ જેટલું અનંત જ્ઞાન. જિસસે એ પ્રાપ્ત કર્યું અને તે ક્રાઈસ્ટ બન્યા. સૌ કોઈ એ સ્થિતિએ પહોંચશો. જ્ઞાન અનંત થતાં જ્ઞેય અલ્પ બની જાય છે. જ્ઞેય વિષયો સાથેનું સમસ્ત જગત પુરુષની પાસે નહિવત્ થઈ જાય છે. સાધારણ માણસ પોતાને બહુ જ અલ્પ માને છે, કારણ કે તેને મન જ્ઞેય વિશ્વ અનંત લાગે છે.

ततः कृतार्थानां परिणामक्रमसमाप्तिर्गुणानाम्॥4.31॥
ततः कृतार्थानां परिणाम क्रम समाप्ति: गुणानाम्॥

૩૧. ત્યારે લક્ષ્યમાં પહોંચી ગયેલા હોવાને લીધે ગુણોની પરિણામ-પરંપરા સમાપ્ત થાય છે.

ત્યારે પછી, એક જાતિમાંથી બીજી જાતિમાં ફેરવાઈ જતા ગુણોનાં આ બધાં વિવિધ પરિવર્તનો સદાને માટે સમાપ્ત થઈ જાય છે.

क्षणप्रतियोगी परिणामापरान्तनिर्ग्राह्यः क्रमः॥4.32॥
क्षण प्रतियोगी परिणाम अपरान्त निर्ग्राह्य: क्रमः॥

૩૨. ક્ષણોની સાથે સંબંધિત અને પરિવર્તનોને લીધે જેનો અનુભવ થાય છે, તેને ક્રમ કહે છે.

અહીં પતંજલિ ‘ક્રમ’ શબ્દની વ્યાખ્યા આપે છે. ક્રમ એટલે ક્ષણોની સાથે સંબંધિત થઈને રહે છે તે પરિવર્તનો. હું વિચાર કરું છું તે અરસામાં ઘણી ક્ષણો ચાલી જાય છે અને દરેક ક્ષણની સાથે વિચાર બદલાય છે. પણ હું આ ફેરફારોને માત્ર એક પરંપરાને છેડે પારખી શકું છું. આને ‘ક્રમ’ કહેવામાં આવે છે. પરંતુ જે ચિત્ત સર્વવ્યાપિત્વની સ્થિતિએ પહોંચ્યું છે, તેને માટે ‘ક્રમ’ હોતો જ નથી. તેને માટે સર્વ કંઈ વર્તમાન બની ગયું છે; તેની પાસે એક માત્ર વર્તમાનની જ હયાતી છે, ભૂતકાળ અને ભવિષ્યકાળ અદૃશ્ય થઈ ગયા છે. કાળ સ્થગિત થઈ રહે છે, સઘળું જ્ઞાન એક ક્ષણમાં જ થાય છે. સર્વ કંઈ એક ચમકારાની પેઠે તેને જણાય છે.

पुरुषार्थशून्यानां गुणानां प्रतिप्रसवः कैवल्यं स्वरूपप्रतिष्ठा वा चितिशक्तिरिति॥4.33॥
पुरुषार्थ शून्यानाम् गुणानाम् प्रति प्रसव: कैवल्यम् स्वरुप प्रतिष्ठा वा चितिशक्ति: इति॥

૩૩. કૈવલ્ય એટલે પુરુષ માટેની ઉપયોગિતાથી રહિત થયેલા ગુણોનો ઊલટા (પ્રતિલોમ) ક્રમમાં લય અથવા ચિત્શક્તિની પોતાના સ્વરૂપમાં પ્રતિષ્ઠા.

હવે પ્રકૃતિનું કાર્ય પૂરું થયું છે, આ નિઃસ્વાર્થ કાર્ય કે જે આપણી હેતાળ માતા પ્રકૃતિએ પોતાને માટે લીધું હતું. પોતાના સ્વરૂપને વિસરી ગયેલા જીવાત્માનો જાણે કે હાથ પકડીને તેને જુદાં જુદાં શરીરો દ્વારા ઊંચો ને ઊંચો લેતી જઈને જગતમાંના સઘળા અનુભવો, સઘળાં રૂપો તેને બતાવ્યાં અને અંતે તેનો ભુલાઈ ગયેલો મહિમા તેને પ્રાપ્ત કરાવ્યો અને તેને પોતાના સ્વરૂપની સ્મૃતિ આવી. ત્યાર પછી એ હેતાળ મા જે રસ્તે થઈને આવી હતી તે જ રસ્તેથી પાછી ગઈ અને જિંદગીના વેરાન રણમાં ભૂલા પડી ગયેલા બીજા જીવાત્માઓને માર્ગદર્શન કરવામાં લાગી ગઈ અને આ રીતે તે અનાદિકાળથી તે અનંતકાળ સુધી કામ કર્યા જ કરે છે અને આ રીતે સુખદુઃખમાં થઈને, શુભાશુભમાં થઈને જીવાત્માઓનો અનંત પ્રવાહ પૂર્ણત્વના મહાસાગરમાં, આત્મસાક્ષાત્કારના મહાસાગરમાં વહ્યા જ કરે છે.

જેમણે પોતાના સ્વરૂપનો સાક્ષાત્કાર કર્યો છે તેમનો જય હો! આપણા સર્વ ઉપર તેમના આશીર્વાદ હો!

Total Views: 254
૧૨. વિભૂતિપાદ
૧૪. રાજયોગનું પરિશિષ્ટ