(આ અને હવે પછીના રાજયોગ પરના પાઠો ઇંગ્લેન્ડના વર્ગ વ્યાખ્યાનની સંગ્રહાયેલી નોંધ પરથી તૈયાર કરાયેલા છે.)

પ્રાણ

સર્જનનો સિદ્ધાંત એવો છે કે જડ પદાર્થ પાંચ અવસ્થાઓને આધીન છે. આકાશરૂપ, પ્રકાશમય, વાયુરૂપ, પ્રવાહી અને ઘન. આ બધાં તત્ત્વો એક આદિ તત્ત્વ, જે અત્યંત સૂક્ષ્મ આકાશતત્ત્વ છે, તેમાંથી આવ્યાં છે.

વિશ્વમાં રહેલી શક્તિનું નામ ‘પ્રાણ’ છે; તે આ તત્ત્વોમાં રહેલું બળ છે. પ્રાણનો ઉપયોગ કરવાનું મોટું સાધન મન છે. મન જડ છે; મનની પાછળ આત્મા છે, તે પ્રાણ પર કાબૂ રાખે છે. પ્રાણ એ જગતનું સંચાલક બળ છે અને જીવનની પ્રત્યેક અભિવ્યક્તિમાં તે દેખાય છે. શરીર મરણાધીન છે તેમ મન પણ મરણાધીન છે; બંને સંયોજનો હોવાથી તેમનો નાશ થવો જ જોઈએ.

તે બધાંની પાછળ આત્મા છે; તે કદી મરતો નથી. પ્રાણને કાબૂમાં રાખનાર અને તેનું સંચાલન કરનાર આત્મા શુદ્ધ પ્રજ્ઞારૂપ છે.

આપણે આપણી આસપાસ જે પ્રજ્ઞા જોઈએ છીએ તે તો સદા અપૂર્ણ છે. જ્યારે પ્રજ્ઞા સંપૂર્ણ હોય ત્યારે અવતાર બને છે, જેમ કે ઈશુ. આ પ્રજ્ઞા હંમેશાં પ્રગટ થવા મથ્યા કરે છે અને તે માટે વિવિધ અવસ્થાના વિકાસવાળાં મન અને શરીરો તે ઉત્પન્ન કર્યા કરે છે.

વાસ્તવિક રીતે અને બધી વસ્તુના હાર્દમાં જઈએ તો બધાં પ્રાણીઓ સમાન છે. મન એ અતિ સૂક્ષ્મ જડ દ્રવ્ય છે; પ્રાણની અભિવ્યક્તિ માટેનું તે જ સાધન છે. બળને પ્રગટ થવા માટે જડ પદાર્થની જરૂર રહે છે.

ત્યાર પછીનો મુદ્દો છે આ પ્રાણનો કેમ ઉપયોગ કરવો તે. આપણે બધા તેને વાપરીએ છીએ; પણ કેટલી દુઃખપૂર્ણ રીતે તેનો વ્યય કરીએ છીએ! પ્રાથમિક ભૂમિકાએ પહેલો સિદ્ધાંત એ છે કે સઘળું જ્ઞાન અનુભવમાંથી આવે છે; જે કાંઈ પાંચ ઇંદ્રિયોથી પર છે તેનો પણ અનુભવ થવો જોઈએ, જેથી તે આપણને સાચું લાગે.

આપણું મન ત્રણ ભૂમિકા ઉપર કામ કરે છેઃ અવચેતન, ચેતન અને અતિચેતન. મનુષ્યોમાં ફક્ત યોગી જ અતિચેતન ભૂમિકાએ હોય છે. યોગવિદ્યાનો સમગ્ર સિદ્ધાંત મનની પેલે પાર જવાનો છે. પ્રકાશનાં કે ધ્વનિનાં આંદોલનોના દાખલા પરથી આ ત્રણ ભૂમિકાઓ સમજી શકાય.

પ્રકાશનાં કેટલાંક આંદોલનો દેખાય નહીં તેટલાં મંદ હોય છે; પછી જેમ તે વધારે વેગવાન બને છે તેમ આપણે તેમને પ્રકાશરૂપે જોઈ શકીએ છીએ; અને ત્યાર પછી તેઓ એટલાં બધાં વેગવાન બની જાય કે આપણે તેમને જોઈ પણ ન શકીએ. ધ્વનિની બાબતમાં પણ એવું જ છે.

તંદુરસ્તીમાં ખલેલ પહોંચાડ્યા સિવાય ઇંદ્રિયોથી પર કેમ થવું એ આપણે શીખવા માગીએ છીએ. પાશ્ચાત્ય માનસને કેટલીક માનસિક શક્તિઓ આકસ્મિક રીતે મળી ગઈ છે; તે શક્તિઓ એ લોકોમાં અસામાન્ય બાબત છે અને ઘણીયે વાર તો તે માનસિક રોગની નિશાની હોય છે. હિંદુઓએ આ માનસશાસ્ત્રીય વિષયનો અભ્યાસ કરીને તેને સંપૂર્ણ બનાવ્યો છે; બધા લોકો હવે કોઈ પણ જાતની બીક કે જોખમ વિના તેનો અભ્યાસ કરી શકે છે.

માનસિક શક્તિ દ્વારા રોગનિવારણ એ અતિચેતન અવસ્થાનું એક સુંદર પ્રમાણ છે; કારણ કે જે વિચાર આરોગ્ય આપે છે તે પ્રાણમાં એક પ્રકારના આંદોલન જેવો છે. તે એક વિચાર તરીકે પ્રવેશતો નથી, પરંતુ કંઈક વિશેષ ઉચ્ચ છે, જેનું નામ આપણને ખબર નથી.

દરેક વિચારના ત્રણ તબક્કા હોય છે. પહેલો તબક્કો તે તેની શરૂઆત છે, જે વિશે આપણને ખ્યાલ પણ હોતો નથી; બીજો તબક્કો જ્યારે વિચાર સપાટી પર પ્રગટ થાય છે તે અને ત્રીજો તબક્કો જ્યારે તે આપણી અંદરથી જતો રહે છે તે. વિચાર એ સપાટી ઉપર આવતા પાણીના પરપોટા જેવો છે.

જ્યારે વિચાર ઇચ્છા સાથે જોડાય છે, ત્યારે આપણે તેને શક્તિ કહીએ છીએ. બીમાર માણસને તંદુરસ્ત કરવામાં તેની સાથે જે અથડાય છે તે માત્ર વિચાર નથી પણ શક્તિ છે. આ બધી શક્તિમાં ઓતપ્રોત થઈ રહેલા આત્મમાનવને સંસ્કૃતમાં ‘સૂત્રાત્મા’ કહેવાય છે.

પ્રાણની છેલ્લી અને સર્વોચ્ચ અભિવ્યક્તિ પ્રેમ છે. જે ક્ષણે તમે પ્રાણમાંથી પ્રેમનું સર્જન કરવામાં સફળ થાઓ તે જ ક્ષણે તમે મુક્ત બનો છો. આ સિદ્ધિ મેળવવી એ મહાનમાં મહાન અને કઠિનમાં કઠિન બાબત છે. બીજા લોકોની ટીકા ન કરો, ‘તમારી જાતની’ જ ટીકા કરો. દારૂડિયાને જુઓ તો તેની નિંદા ન કરો; યાદ રાખો કે જુદે સ્વરૂપે તમે પોતે જ તે છો. જેના પોતામાં અંધકાર નથી તે બીજામાં પણ અંધકાર જોતો નથી. જે તમારી અંદર છે તેને જ તમે બીજાની અંદર જુઓ છો. સુધારણાનો આ ખાતરીપૂર્વકનો માર્ગ છે. ટીકા કરનારા અને પાપને જોનારા ભાવિ સુધારકો પોતે જ જો પાપ કરતા અટકે તો દુનિયા વધારે સારી બને. આ વિચારને તમારા મગજમાં ઘૂંટી ઘૂંટીને સંઘરો.

યોગનો અભ્યાસ

 શરીરની યોગ્ય સંભાળ લેવી જોઈએ. જેઓ દેહને કષ્ટ આપે છે તેઓ આસુરી વૃત્તિના છે. હંમેશાં મન આનંદિત રાખો; જો ગમગીનીભર્યા વિચારો આવે તો તેમને હાંકી કાઢો. યોગીએ હદથી વધુ આહાર કરવો ન જોઈએ, તેમ તેણે ભૂખ્યા પણ ન રહેવું જોઈએ; તેણે અતિશય ઊંઘવું ન જોઈએ; તદ્દન ઊંઘ વિના પણ રહેવું ન જોઈએ. બધી બાબતોમાં જે માણસ સોનેરી મધ્યમ માર્ગ અપનાવે છે તે જ યોગી બની શકે છે.

યોગની સાધના કરવાનો શ્રેષ્ઠ સમય કયો છે? જ્યારે સમગ્ર પ્રકૃતિ શાંત થઈ જાય છે તે ઉષા અને સંધ્યાનો સમય. પ્રકૃતિની સહાય લો. બેસવામાં સૌથી વધુ સુગમ પડે તેવું આસન રાખો. છાતી, ખભા અને મસ્તક, ત્રણે ભાગને સીધા રાખો. કરોડરજ્જુને આગળ કે પાછળ નમાવી દીધા વિના છુટ્ટી અને ટટ્ટાર રાખો. પછી શરીરનો એકેએક ભાગ લઈને, તે પૂર્ણ છે તેવો વારાફરતી માનસિક સંકલ્પ કરો. પછી આખા જગત તરફ પ્રેમનો એક પ્રવાહ મોકલો; ત્યાર બાદ પ્રકાશ માટે પ્રાર્થના કરો. છેલ્લે તમારી શ્વાસક્રિયા સાથે મનને જોડો અને તેની ગતિ પર તમારું ધ્યાન કેન્દ્રિત કરવાની શક્તિ ધીરે ધીરે ખીલવો. આમ કરવાનું કારણ સમય આવ્યે આપોઆપ સ્પષ્ટ થઈ જશે.

ઓજસ્

‘ઓજસ્’ એ છે, જે માણસ માણસ વચ્ચે તફાવત પાડે છે. જેનામાં ખૂબ ઓજસ્ હોય તે લોકોનો નેતા બને છે. તે અસાધારણ આકર્ષણશક્તિ બક્ષે છે. જ્ઞાનતંતુમાં થઈ વહેતા ચેતના-પ્રવાહોમાંથી ઓજસ્ પેદા થાય છે. એ એક વિશિષ્ટતા છે કે જે શક્તિ મૈથુન શક્તિરૂપે પ્રગટે છે, તેમાંથી ઓજસ્ બહુ સહેલાઈથી બનાવી શકાય છે. જો મૈથુન કેન્દ્રોની શક્તિઓનો દુરુપયોગ કરીને તેમનો વ્યર્થ વ્યય કરવામાં ન આવે, (ક્રિયા એટલે સ્થૂળ સ્વરૂપે વિચાર જ) તો એ શક્તિઓમાંથી ઓજસ્ બની શકે. શરીરના બે મોટા ચેતના-પ્રવાહો મગજમાંથી શરૂ થાય છે અને કરોડરજ્જુની બેઉ બાજુએ એકેક આગળ વધે છે; પરંતુ મસ્તકની પાછળ અંગ્રેજી આંકડા (∞)ના આકારમાં તેઓ એકબીજાને ઓળંગે છે. આ પ્રકારે શરીરનો ડાબો ભાગ મસ્તકના જમણા ભાગથી નિયંત્રિત થાય છે. આ ગોળાકારના નીચામાં નીચે છેડે મૈથુન કેન્દ્ર એટલે કે મૂલાધાર છે. ઉપરના બે ચેતના પ્રવાહો જે શક્તિને ખેંચી લાવે છે તે નીચે જાય છે અને તેનો મોટો જથ્થો નિરંતર મૂલાધારમાં એકઠો થાય છે. કરોડરજ્જુનો છેલ્લો મણકો મૂલાધારની બરાબર ઉપર આવે છે. રૂપકની ભાષામાં તેને ત્રિકોણ તરીકે વર્ણવવામાં આવ્યો છે અને શક્તિ તેની બાજુમાં સંઘરાઈ રહેતી હોવાને લીધે આ શક્તિને સર્પનું રૂપક આપવામાં આવ્યું છે. ચેતન-અવસ્થા અને અવચેતન અવસ્થા આ બે ચેતના પ્રવાહો દ્વારા કાર્ય કરે છે. પરંતુ અતિચેતન અવસ્થા, ચેતના-પ્રવાહ જ્યારે ગોળાકારને નીચલે છેડે પહોંચે છે ત્યારે ત્યાંથી તેને લઈ લે છે અને તેને ઉપર જવા દઈને વર્તુળ પૂરું કરવા દેવાને બદલે તેને અટકાવે છે અને મૂલાધારમાંથી ઓજસ્ના રૂપમાં તેને કરોડરજ્જુમાં ઉપર જવાને ધકેલે છે. સામાન્ય અવસ્થામાં તો કરોડરજ્જુ બંધ હોય છે, પણ આ ઓજસ્ને માટે રસ્તો કરવા સારુ તેને ઉઘાડી શકાય છે. જેમ જેમ ચેતના-પ્રવાહો કરોડરજ્જુના એક કેન્દ્રથી બીજા કેન્દ્રે પહોંચે છે, તેમ તેમ ‘તમે’ પણ ચેતનાની એક ભૂમિકા પરથી બીજી ભૂમિકા પર જઈ શકો છો. આથી જ બીજાં પ્રાણીઓ કરતાં માનવ-પ્રાણી વધારે મહાન છે, કારણ કે માનવ શરીરમાં રહેલા આત્માને માટે બધી ભૂમિકાઓમાં જવાનું અને બધા અનુભવો લેવાનું શક્ય છે. આપણે બીજા દેહની જરૂર નથી પડતી; કેમ કે માણસ, જો ઇચ્છે તો, આ જ શરીરમાં પોતાની સાધના પૂરી કરી શકે અને તે પછી શુદ્ધ આત્મા બની શકે. જ્યારે ઓજસ્ એક કેન્દ્રથી બીજા કેન્દ્રમાં જાય અને અંતે પીનીઅલ ગ્રંથિ (Pineal gland) સુધી પહોંચે (આ ગ્રંથિ મગજનો એક ભાગ છે; તેનું શું કાર્ય છે તે વિજ્ઞાન હજુ નક્કી કરી શક્યું નથી.) ત્યાર પછી માણસને મન કે શરીર ધારણ કરવાનું રહેતું નથી; તે સર્વ બંધનોથી મુક્ત બને છે.

યોગની સિદ્ધિઓનો મોટો ભય એ છે કે માણસને, જાણે કે, એ અચાનક સાંપડી જાય છે અને તેમનો ઉપયોગ સાચી રીતે કેમ કરવો તે તે જાણતો નથી હોતો. તે એ બાબતની તાલીમ વગરનો હોય છે અને પોતાને શું થયું છે તેના જ્ઞાન વિનાનો હોય છે. જોખમ એ છે કે આ યોગની સિદ્ધિઓ વાપરવા જતાં સંભોગવૃત્તિઓ અસાધારણ રીતે પ્રબળ થઈ ઊઠે છે, કારણ કે આ સિદ્ધિઓ હકીકતમાં તો મૈથુન કેન્દ્રોમાંથી ઉત્પન્ન થઈ હોય છે. સૌથી ઉત્તમ અને સલામતીભર્યો માર્ગ તો આવી યોગસિદ્ધિઓથી દૂર રહેવાનો છે, કારણ કે એ સિદ્ધિઓ તેમના અજ્ઞાન અને અણઘડ માલિકો પર અત્યંત ભયંકર અટકચાળાં આચરે છે.

પેલું રૂપક ફરી લઈએ. ઓજસ્ની કરોડરજ્જુ ઉપરની ગતિ વળાંક લેતી લાગે છે, તેથી તેને ‘સર્પ’ કહે છે. તેથી ‘સર્પ’ કરોડના છેલ્લા હાડકા કે ત્રિકોણ પર આરામ લે છે તેમ કહેવાય છે. જ્યારે તેને જગાડવામાં આવે છે, ત્યારે તે કરોડરજ્જુના ઉપરના ભાગ તરફ ચડવાનું શરૂ કરે છે. જેમ જેમ તે એક કેન્દ્રથી બીજા કેન્દ્ર તરફ ચડતો જાય તેમ તેમ એક એક નવીન પ્રાકૃતિક સૃષ્ટિ આપણી અંદર ખૂલતી જાય છે, એટલે કે કુંડલિની જાગ્રત થઈ જાય છે.

પ્રાણાયામ

પ્રાણાયામનો અભ્યાસ એ અતિચેતન મનની તાલીમ છે. તેની શારીરિક ક્રિયા ત્રણ ભાગમાં વહેંચાયેલી છે અને તેને સંપૂર્ણપણે શ્વાસક્રિયા સાથે જ સંબંધ છે. એ ક્રિયામાં શ્વાસને અંદર લેવાનો, તેને રોકી રાખવાનો અને બહાર છોડી દેવાનો સમાવેશ થાય છે. ચાર ગણીએ ત્યાં સુધી એક નસકોરા વડે શ્વાસ અંદર લેવો, પછી સોળ ગણાય ત્યાં સુધી તેને અંદર રોકી રાખવો અને આઠ ગણાય એટલી વારમાં બીજા નસકોરા દ્વારા તેને બહાર કાઢવો. ત્યાર પછી પહેલા નસકોરાને બંધ રાખીને આથી ઊલટી રીતે ક્રિયા કરવી. શરૂઆતમાં અંગૂઠા વડે એક નસકોરું બંધ કરીને આ ક્રિયા કરવી પડશે; પણ સમય જતાં શ્વસનક્રિયા તમારા મનને તાબે થશે. આવા ચાર ચાર પ્રાણાયામ સવારે અને સાંજે કરો.

પરા વિદ્યા

‘પશ્ચાત્તાપ કરો (repent) કેમ કે સ્વર્ગનું સામ્રાજ્ય તમારા હાથવેંતમાં છે.’ ગ્રીક ભાષામાં repent નો અર્થ ‘જ્ઞાનથી પર થવું,’ પંચેન્દ્રિયોના જ્ઞાનથી ઉપર જવું, એવો થાય છે. ‘આવા જ્ઞાનથી પર જઈ તમારી અંદર જુઓ, ત્યાં તમને સ્વર્ગનું સામ્રાજ્ય દેખાશે.’

ફિલસૂફી પરના એક ગ્રંથના અંતમાં સર વિલિયમ હેમિલ્ટન કહે છેઃ ‘અહીં તત્ત્વજ્ઞાન પૂરું થાય છે અને ધર્મની શરૂઆત થાય છે.’ ધર્મ કદી બુદ્ધિનો વિષય હોતો નથી અને થઈ જ ન શકે. બૌદ્ધિક તર્કવાદ ‘ઇંદ્રિયો’ને ગોચર હોય તેવી હકીકતો પર આધાર રાખે છે. પણ ધર્મને ઇંદ્રિયો જોડે કંઈ સંબંધ નથી. અજ્ઞેયવાદીઓ કહે છે કે તેઓ ઈશ્વરને જાણી શકતા નથી; એ સાચું છે કેમ કે તેમણે ઇંદ્રિયોની મર્યાદા આવી જાય ત્યાં સુધી પ્રયત્ન કરી લીધો છે અને છતાં ઈશ્વરના જ્ઞાનમાં આગળ વધતા નથી. માટે ધર્મની સાબિતી માટે, એટલે કે ઈશ્વરનું અસ્તિત્વ—અમૃતત્વ વગેરે સાબિત કરવા માટે આપણે ઇંદ્રિયજન્ય જ્ઞાનની પેલે પાર જવું પડે છે. બધા મહાન પેગંબરો અને ઋષિઓ ‘ઈશ્વરદર્શન’નો દાવો કરે છે. એટલે કે તેમને ઈશ્વરનો પ્રત્યક્ષ અનુભવ થયેલો. અનુભવ સિવાય કશું જ્ઞાન ન થાય અને માણસે ઈશ્વરને પોતાના આત્મામાં જ જોવાનો છે. જ્યારે માણસ વિશ્વના એકમાત્ર મહાન સત્યની સન્મુખ આવીને ઊભો રહે છે, ત્યારે જ શંકાઓ અદૃશ્ય થાય છે અને વક્રતા નીકળી જઈને સરલતા આવે છે. આનું નામ ‘ઈશ્વરદર્શન’. આપણું કામ છે વસ્તુનો અનુભવ લેવો અને નહીં કે સર્વ કંઈ એમ ને એમ ગળી જવું. અન્ય વિજ્ઞાનોની જેમ ધર્મના અભ્યાસમાં પણ તમારે હકીકતો એકઠી કરવી જોઈએ, તમારી જાતે સમજવી જોઈએ; અને જ્યારે તમે પાંચ ઇંદ્રિયોના પ્રદેશમાં રહેલા જ્ઞાનની પેલે પાર પહોંચો ત્યારે જ એ શક્ય છે. ધાર્મિક સત્યોની સાબિતી સૌએ કરવાની જરૂર છે. ઈશ્વરનું દર્શન કરવું એ જ એકમાત્ર ધ્યેય છે; સિદ્ધિ મેળવવી એ ધ્યેય નથી. શુદ્ધ સત્ – ચિત્ અને પ્રેમ એ જ ધ્યેય છે; અને પ્રેમ ઈશ્વર છે.

વિચાર, કલ્પના અને ધ્યાન

‘કલ્પના’ નામની જે શક્તિનો આપણે વિચારોમાં અને સ્વપ્નામાં ઉપયોગ કરીએ છીએ, એ જ શક્તિ સત્યે પહોંચવાનું સાધન થઈ પડશે. જ્યારે કલ્પનાશક્તિ ખૂબ તીવ્ર હોય ત્યારે પદાર્થ નજરે દેખાય એવો થાય છે; તેથી કલ્પનાશક્તિથી આપણે શરીરને તંદુરસ્ત કે નાદુરસ્ત ગમે તેવી સ્થિતિમાં લાવી શકીએ. જ્યારે આપણે કોઈ પદાર્થને જોઈએ છીએ ત્યારે કેલીડોસ્કોપ (પરાવર્તન દ્વારા રંગીન સપ્રમાણ આકૃતિઓ ઉત્પન્ન કરનારું ચક્ષુ-યંત્ર)ની કલાકૃતિઓની માફક મગજના પરમાણુઓ, અમુક આકારમાં ગોઠવાઈ જાય છે. સ્મૃતિ એટલે આ જ સંયોજન અને મગજના પરમાણુઓને ફરી પાછાં ગોઠવવાં તે. ઇચ્છાશક્તિ જેટલી વધારે બળવાન તેટલી મગજના પરમાણુઓને ફરી પાછા ગોઠવવામાં વધારે મોટી સફળતા મળે. શરીરને આરોગ્ય આપનારી માત્ર એક જ શક્તિ છે અને તે દરેક માણસમાં રહેલી છે. દવા ફક્ત આ શક્તિને જાગ્રત કરે છે. રોગ એટલે શરીરમાં પ્રવેશેલા ઝેરને ફેંકી દેવાનો આ શક્તિનો દેખી શકાય તેવો પ્રયત્ન. જો કે દવા વડે પણ ઝેરને ફેંકી દેવાની શક્તિ જાગ્રત થાય, તોપણ વિચારના બળ વડે તે વધારે કાયમની સારી રીતે જાગ્રત થાય છે. માંદગીના કિસ્સામાં તંદુરસ્તીના આદર્શની સ્મૃતિ જાગ્રત કરી શકાય અને તંદુરસ્ત અવસ્થામાં મગજના પરમાણુઓ જે સ્થિતિમાં હતા તે સ્થિતિમાં ફરી ગોઠવાઈ જાય તે માટે કલ્પનાએ તંદુરસ્તી અને તાકાતના વિચારોને પકડી રાખવા જોઈએ. ત્યાર પછી શરીરનું વલણ મગજને અનુસરવા તરફ જાય છે.

બીજાના મનનો આપણા પર પ્રભાવ પડે ત્યારે આ પ્રક્રિયા થાય છે; એ બીજું પગલું છે. આના દાખલા રોજ જોઈ શકાય. શબ્દો એ એક મનની બીજા મન પરની ક્રિયાનો માત્ર પ્રકાર છે. સારા તેમજ ખરાબ વિચારો એ દરેક બળવાન શક્તિ છે અને તે વિશ્વમાં વ્યાપી રહેલા છે. જેમ આંદોલન ચાલુ રહે, તેમ વિચારો કાર્યમાં રૂપાંતર ન પામે ત્યાં સુધી વિચારના સ્વરૂપમાં જ રહે છે. દાખલા તરીકે માણસ જ્યાં સુધી થપાટ મારે નહીં ત્યાં સુધી બળ તેના હાથમાં ગુપ્ત પડ્યું રહે છે, પણ થપાટ મારે છે ત્યારે તે બળને કાર્યમાં ફેરવી નાખે છે. સારા અને નરસા વિચારના આપણે જ વારસદારો છીએ. જો આપણે આપણી જાતને પવિત્ર બનાવીએ તેમજ સદ્વિચારોનું સાધન બનાવીએ, તો સદ્વિચારો આપણામાં પ્રવેશ કરશે. સારો માણસ દુષ્ટ વિચારોને ગ્રહણ કરવાને તૈયાર નહીં હોય. દુષ્ટ વિચારો દુષ્ટ માણસોમાં જ સારું સ્થાન જમાવી શકે છે; યોગ્ય પ્રકારની જમીન મળે ત્યારે જ જન્મે અને વધે તેવાં કીટાણું જેવા જ ખરાબ વિચારો છે. માત્ર વિચારો નાનકડી લહરીઓ જેવા છે; આંદોલનોના તાજા હિલોળા તેમની સાથે અથડાયા કરે છે અને અંતે એક મોટું મોજું ઊભું થઈને બાકીનાં બધાંને ગળી જાય છે. આવાં વિશ્વવ્યાપી વિચારનાં મોજાં દર પાંચસો વર્ષે ફરી ઉત્પન્ન થાય છે. તે વખતે અવશ્ય એક મહાન મોજું આવીને આદર્શ નક્કી કરે છે અને બીજાં બધાંને ગળી જાય છે. પેગંબરને ઘડે છે તે આ છે. જે યુગમાં પોતે જીવે છે તે યુગનો વિચાર તે પોતાના મનમાં કેન્દ્રિત કરે છે અને મૂર્ત સ્વરૂપે માનવજાતને તે પાછો આપે છે. શ્રીકૃષ્ણ, ભગવાન બુદ્ધ, ઈશુ ખ્રિસ્ત, હજરત પેગંબર અને લ્યૂથરને ઉદાહરણ તરીકે ટાંકી શકાય; તેઓ પોતાના યુગના લોકોથી ઊંચાં ઊઠેલાં મોજાં જેવા હતા. (આ બધા વચ્ચે અંદાજે પાંચસો વર્ષનો ગાળો હતો.) હંમેશાં જે મોજાંની પાછળ સૌથી મહાન પવિત્રતા અને સૌથી ઉમદા ચારિત્ર્યનું બળ હોય છે, તે સમાજ સુધારણાના આંદોલનરૂપે જગત પર તૂટી પડે છે. પાછું આપણા યુગમાં જ વિચારનાં મોજાંનું આંદોલન શરૂ થયું છે અને તેનો કેન્દ્રવર્તી વિચાર સર્વવ્યાપી ઈશ્વરનો છે. દરેક સ્થળે, દરેક સ્વરૂપે અને દરેક સંપ્રદાયમાં આ વિચાર પ્રગટ થઈ રહ્યો છે. આ મોજાંમાં સર્જન અને વિનાશ વારાફરતી આવ્યા કરે છે, છતાં હંમેશાં વિનાશની પ્રક્રિયાની પછી સર્જન આવે જ છે. અત્યારે માણસ જેમ જેમ પોતાના આધ્યાત્મિક સ્વભાવને પ્રાપ્ત કરવા માટે ઊંડો ઊતરે છે, તેમ તેમ તેને લાગે છે કે તે હવે વહેમથી બંધાયેલો નથી. મોટાભાગના સંપ્રદાયો અલ્પજીવી હશે અને પાણીના પરપોટાની જેમ થોડો કાળ ટકશે, કેમ કે તેના પ્રણેતાઓ સાધારણ રીતે ચારિત્ર્યશીલ માનવીઓ નથી હોતા. જેમાં હૃદય કદી પ્રતિકાર નથી કરતું તેવો પૂર્ણ પ્રેમ ચારિત્ર્યને ઘડે છે. નેતામાં ચારિત્ર્ય ન હોય તો તેને બીજા લોકોની સંપૂર્ણ વફાદારી મળવી શક્ય નથી; માત્ર સંપૂર્ણ પવિત્રતાથી જ બીજાની કાયમી વફાદારી અને વિશ્વાસની બાંયધરી મળે છે.

એક વિચારને પકડી લો, તમારી જાતને તેમાં યોજો, ધૈર્યપૂર્વક તેને માટે પ્રયત્ન કરો, એટલે તમારે માટે સૂર્યોદય થશે.

આપણે કલ્પનાની વિચારણા પર પાછા વળીએ. આપણે કુંડલિની નજર સામે છે એવી કલ્પના કરવાની છે. તેનું પ્રતીક છે ત્રિકોણાકાર હાડકા પર ગૂંચળું વળીને પડેલો સર્પ. હવે ઉપર જણાવ્યા પ્રમાણે પ્રાણાયામની ક્રિયાનો આરંભ કરો. શ્વાસને રોકતી વખતે શ્વાસને જ આડા પડેલા અંગ્રેજી (∞) આંકડામાં નીચેની તરફ વહેતો પ્રવાહ હોય તેવી કલ્પના કરો; જ્યારે તે છેક નીચેના બિંદુએ પહોંચે ત્યારે એવી કલ્પના કરો કે તે ત્રિકોણ પરના સર્પની સાથે અથડાય છે અને સર્પને કરોડરજ્જુની અંદર ઉપર તરફ ચડાવે છે. શ્વાસને વિચાર દ્વારા ત્રિકોણ સુધી પહોંચાડો.

અહીં આપણે શારીરિક ક્રિયા પૂરી કરી; અહીંથી હવે તે માનસિક ક્રિયા બને છે.

પહેલી પ્રક્રિયાને પ્રત્યાહાર એટલે ‘અંદર ખેંચવાની’ ક્રિયા કહે છે. તેમાં મનને એકાગ્ર કરવાનું હોય છે અથવા ભટકતું રોકવાનું હોય છે.

શારીરિક ક્રિયા બાદ મનને ભટકવા દો, તેને રોકશો નહિ; પણ એક સાક્ષી તરીકે તેનું કાર્ય નીરખતા હો તેમ મન પર નજર રાખો. આમ આ મન બે ભાગમાં વહેંચાઈ જાય છેઃ એક ભટકનાર અને બીજો તેને નીરખનાર. હવે સાક્ષીરૂપ ભાગને બળવાન બનાવો અને તેને ભટકતો રોકવામાં નકામો સમય ન ગાળો. મન વિચાર તો કરવાનું જ; પણ ધીમે ધીમે જેમ જેમ સાક્ષી-ભાગ પોતાનું કાર્ય કરશે, તેમ તેમ ભટકતું મન વધારે ને વધારે કાબૂમાં આવશે અને છેલ્લે તમારું મન ભટકતું બંધ થઈ જશે.

બીજી પ્રક્રિયા છે ધ્યાન. તેના બે ભાગ કરી શકાય. બંધારણથી જ આપણે સાકાર છીએ, એટલે મન પણ આકારરૂપે જ વિચાર કરી શકે. ધર્મ આ વસ્તુસ્થિતિને કબૂલ રાખે છે અને બાહ્ય આકૃતિઓ અને કર્મકાંડની સહાય આપે છે. કોઈ પણ આકૃતિ સિવાય ઈશ્વરનું ધ્યાન કરી ન શકાય. ગમે તે એક આકાર તો તમારા મનમાં આવશે જ, કારણ કે વિચાર અને પ્રતીક અલગ કરી શકાય તેમ નથી. તે આકાર પર તમારા મનને સ્થિર કરવા પ્રયત્ન કરો.

ત્રીજી પ્રક્રિયાઃ ધ્યાનનો અભ્યાસ કરવાથી તે પ્રાપ્ત થાય છે; ખરેખરી રીતે તે ‘એકાગ્રતા’ છે. મન સામાન્યરૂપે વર્તુળમાં ક્રિયા કરે છે; તેને એક જ બિન્દુ પર સ્થિર કરો.

છેલ્લું છે પરિણામ. મન જ્યારે આટલે સુધી પહોંચી ગયું હોય ત્યારે બધું રોગ મટાડવાની શક્તિ, દૂરદર્શનશક્તિ અને એવી બધી યોગની સિદ્ધિઓ પ્રાપ્ત થાય છે. ઈશુની જેમ એક ક્ષણમાં તમારો વિચારપ્રવાહ તમે ગમે તેની તરફ રવાના કરી શકો અને તાત્કાલિક પરિણામ મેળવી શકો.

કેટલીક વાર અગાઉની તાલીમ લીધા વગર લોકોને આ સિદ્ધિઓ અચાનક પ્રાપ્ત થઈ ગઈ હોય છે. પણ હું તમને સલાહ આપું છું કે તમે ધીમે ધીમે આ બધી ક્રિયાઓનો અભ્યાસ કરજો; પછી બધું તમારા કાબૂમાં આવશે. પ્રેમ જ જો તમારો હેતુ હોય તો તમે થોડાએક માનસોપચાર કરી શકો, કેમ કે તેમાં નુકસાન નથી. પરંતુ માણસ ઘણો જ ટૂંકી દૃષ્ટિવાળો અને અધીર છે. સૌને સિદ્ધિઓ જોઈએ છે, પણ તે મેળવવાની ધીરજ બહુ જ થોડામાં હોય છે. માણસ પોતે જ તેને વેડફી નાખે છે, પણ સંઘરી રાખતો નથી. તેને પ્રાપ્ત કરતાં બહુ લાંબો સમય લાગે છે, પરંતુ વેડફી નાખતાં બહુ જ ઓછો વખત લાગે છે. માટે જેમ જેમ શક્તિઓ પ્રાપ્ત થતી જાય તેમ તેમ તેનો સંગ્રહ કરો, વ્યય ન કરો.

વાસનાનું રોકેલું પ્રત્યેક મોજું તમારા લાભમાં છે. બધા સાચા નીતિધર્મની પેઠે, ક્રોધનો બદલો ક્રોધથી ન આપવો એ જ સારી ‘યોજના’ છે. ઈશુ ખ્રિસ્તે કહ્યુંઃ ‘અનિષ્ટનો પ્રતિકાર ન કરો.’ પણ આમ કરવું એ સદાચાર છે એટલું જ નહિ પણ એ એક સારી નીતિ છે, એવું ભાન ન થાય ત્યાં સુધી ઈશુનું વાક્ય આપણે સમજી શકતા નથી; કારણ કે જે માણસ ક્રોધ કરે છે, તેની શક્તિનો ક્રોધ નાશ કરે છે. ક્રોધ અને તિરસ્કાર જેવા બુદ્ધિ વિકારોમાં તમારા મનને જવા દેશો નહિ.

રસાયણશાસ્ત્રમાં જ્યારે તેનું મૂળભૂત તત્ત્વ શોધી કઢાશે, ત્યારે રસાયણશાસ્ત્રીનું કાર્ય પૂરું થશે. જ્યારે અદ્વૈતની શોધ થાય છે, ત્યારે ધર્મના વિજ્ઞાનમાં પૂર્ણતા પ્રાપ્ત થાય છે; અને આ પૂર્ણતા હજારો વર્ષ પહેલાં પ્રાપ્ત થઈ ગઈ છે. જ્યારે માણસ કહે કે ‘હું અને મારા પિતા એક છીએ’ ત્યારે પૂર્ણ અદ્વૈત પ્રાપ્ત થયું ગણાય. (1.365)

Total Views: 381
૫. ઝનૂનીવૃત્તિ વિષે
૨. મનોવૈજ્ઞાનિક કે આધ્યાત્મિક અન્વેષણની ભૂમિકા