બધા માનસિક અને શારીરિક વિષયોમાંથી આત્માને અલગ પાડવો એ ધ્યેય છે; જ્યારે એ પ્રાપ્ત થાય ત્યારે આત્માને ખબર પડશે કે પોતે સર્વકાળે એકાકી જ હતો અને પોતાને સુખી કરવા માટે બીજા કશાની જરૂર ન હતી. જ્યાં સુધી આપણને સુખી કરવાને બીજા કોઈકની જરૂર પડે, ત્યાં સુધી આપણે ગુલામ છીએ. જ્યારે પુરુષને ખબર પડે છે કે પોતે મુક્ત છે અને પોતાને સંપૂર્ણ કરવાને બીજા કશાની આવશ્યકતા નથી, તથા આ પ્રકૃતિ સંપૂર્ણ અનાવશ્યક છે, ત્યારે કૈવલ્ય (મુક્તિ)ની પ્રાપ્તિ થાય છે.

મનુષ્યો થોડાક રૂપિયા પાછળ દોડે છે, એ મેળવવા સારુ પોતાના જ માનવબંધુને છેતરતાં જરાય વિચાર કરતા નથી; પરંતુ જો તેઓ પોતાની જાતને રોકી રાખે તો થાડાં જ વરસોમાં તેમનાં ચારિત્ર્ય એવાં ઘડાઈ જાય કે જો તેઓ ઇચ્છે તો તેમને લાખો રૂપિયા મળે. એ વખતે તેમની ઇચ્છાશક્તિ વિશ્વનું નિયમન કરશે, પણ આપણે બધા ભારે મૂર્ખ છીએ!

પોતાની ભૂલોને દુનિયા પાસે ગાયા કરવાથી શો લાભ? એથી, થઈ એ ન થઈ શકવાની નથી. પોતે જે કાંઈ કર્યું છે તે પોતાને ભોગવવાનું જ છે; એટલે માણસે પ્રયત્નપૂર્વક વધુ સારા થવું જોઈએ. દુનિયા કેવળ સશક્ત અને સમર્થ પ્રત્યે જ સહાનુભૂતિ દાખવે છે.

માનવજાત અને પ્રકૃતિ પ્રત્યે સ્વેચ્છાપૂર્વકના અર્ઘ્યરૂપે કરવામાં આવેલું કામ જ તેની સાથે બંધનકારક આસક્તિ નથી લાવતું.

કોઈ પણ પ્રકારના કર્તવ્યને હલકું ગણો નહીં. જે મનુષ્ય હલકા પ્રકારનું કામ કરે છે તે, કેવળ એટલા જ કારણથી, ઊંચા પ્રકારનું કામ કરનાર અન્ય મનુષ્ય કરતાં હલકો નથી; મનુષ્યનું મૂલ્યાંકન તેના કર્તવ્યના પ્રકાર પરથી નહીં પરંતુ તે કઈ રીતે કરે છે તેના પરથી થવું જોઈએ; કર્તવ્ય બજાવવા તેની રીત તથા તેને માટેની તેની શક્તિ એ માણસની પરીક્ષાનાં ખરેખરાં સાધન છે. ટૂંકામાં ટૂંકા સમયમાં એક સુંદર અને મજબૂત જોડાંની જોડી બનાવનારો મોચી પોતાના ધંધા અને કામને હિસાબે, રોજ રોજ જિંદગી આખી અર્થહીન બડબડ કરનાર પ્રોફેસર કરતાં વધુ સારો માનવી છે.

હરેક કર્તવ્ય પવિત્ર છે અને કર્તવ્યપાલન એ ઈશ્વરની પૂજાનું ઊંચામાં ઊંચું સ્વરૂપ છે; બદ્ધજનોના ભ્રમિત અને અજ્ઞાનમાં ડૂબેલા આત્માઓને જ્ઞાનવાન બનાવવામાં તથા તેમનો ઉદ્ધાર કરવામાં એ બેશક મોટી અને પાયાની મદદ કરનાર બને છે.

આપણી પાસેમાં પાસેના, અરે, અત્યારે આપણા હાથમાં આવી પડેલા કર્તવ્યનું સારી રીતે પાલન કરવાથી આપણે આપણી જાતને મજબૂત બનાવીએ છીએ અને એ રીતે પગલે પગલે આપણું બળ વધારતા જઈને આપણે એવી પણ અવસ્થાએ પહોંચીએ કે જ્યારે જીવનમાં અને સમાજમાં જેની ખૂબ અભિલાષા સેવતા હોઈએ તેવાં માનદાયક કર્તવ્યો બજાવવાને આપણે હકદાર બનીએ.

પ્રકૃતિનો ન્યાય એકસરખો કઠોર અને નિર્દય છે.

સૌથી વધુ વ્યાવહારિક માણસ જીવનને સારું ન કહે તેમ નરસુંય ન કહે.

દરેક માનવીની સફળતા પાછળ ક્યાંક પણ જબરદસ્ત સચ્ચાઈ, જબરજસ્ત પ્રામાણિકતા રહેલાં જ હોવાં જ જોઈએ; જીવનમાં તેની અસાધારણ સફળતાનું કારણ એ જ છે. ભલે એ સંપૂર્ણ રીતે નિઃસ્વાર્થ ન બન્યો હોય; છતાં એ તેના તરફ જઈ તો રહ્યો જ હતો. જો તે સંપૂર્ણપણે નિઃસ્વાર્થ થયો હોત તો તેની સફળતા બુદ્ધ કે ઈશુના જેટલી જ મહાન બની હોત. સર્વ સ્થળે નિઃસ્વાર્થતાનું પ્રમાણ માનવીની સફળતાનું પ્રમાણ નક્કી કરે છે.

માનવજાતિના મહાન નેતાઓનું કાર્ય કેવળ વ્યાસપીઠ પરનાં ભાષણો કરતાં વધુ ઊંચી કક્ષાનું હોય છે.

પવિત્રતા કે અપવિત્રતાને અહિંસા કે હિંસાના અર્થમાં ઘટાડીએ તો, આપણે ગમે તેટલો પ્રયાસ કરીએ પરંતુ એવું એકેય કાર્ય નથી કે જે સંપૂર્ણપણે પવિત્ર કે સંપૂર્ણપણે અપવિત્ર હોય, બીજાઓને ઈજા પહોંચાડ્યા વિના આપણે જીવી ન શકીએ કે શ્વાસ પણ ન લઈ શકીએ; અન્નનો જે એક એક કોળિયો આપણે ખાઈએ છીએ તે કોઈક બીજાના મોઢામાંથી ઝૂંટવી લીધેલો હોય છે; આપણાં ખુદ જીવન જ બીજા કોઈકનાં જીવનને ભોગે જીવાય છે. આપણે કોઈકને ક્યાંકથી પણ જીવનમાંથી ધકેલી કાઢવાં જ પડે છે, પછી એ મનુષ્યો હોય, પ્રાણીઓ હોય કે બારીક ફૂલ ભલે હોય, વસ્તુસ્થિતિ આવી હોવાને લીધે, સ્વાભાવિક રીતે જ એમ ફલિત થાય છે કે પૂર્ણતા કામ દ્વારા મળી શકે નહિ. આપણે ભલે અનંત કાળ સુધી કામ કર્યા કરીએ, પરંતુ આ ભુલભુલામણી ભરેલા ચક્રાવામાંથી કોઈ રસ્તો જ નીકળવાનો નથી; આપણે ભલે સતત કામ કર્યે જ રાખીએ, પરંતુ અંત આવવાનો જ નથી.

જે માણસ સ્વતંત્રતા અને પ્રેમ દ્વારા કામ કરે છે તે પરિણામની મુદ્દલ પરવા નથી કરતો. પરંતુ ગુલામને ચાબુક જોઈએ જ; નોકરને પગાર જોઈએ જ. જીવનનાં બધાં ક્ષેત્રોમાં એવું છે. દાખલા તરીકે જાહેર જીવન હોય. જાહેર વક્તા થોડીએક પ્રશંસા અગર થોડીએક તાળીઓ માગે છે જ. જો તમે તેને એ વિના એક ખૂણામાં નાખી રાખો તો તમે તેનું મોત જ લાવો, કારણ કે તેને તે બાબતો જ આવશ્યક છે. આનું નામ ગુલામી મનોવૃત્તિથી કામ કરવું. આવી પરિસ્થિતિમાં બદલારૂપે કશાકની આશા રાખવી એ એક સ્વભાવ થઈ પડે છે. ત્યાર પછી નોકરની મનોવૃત્તિવાળાનું કામ આવે છે; તેને કંઈક પગાર—કશોક બદલો—મળવો જોઈએ. ‘હું તમને આ આપું અને તમે મને આપો’ એવી એ વૃત્તિ છે. ખરી રીતે તો ‘હું કામની ખાતર કામ કરું છું’ એમ કહેવા કરતાં વધારે સહેલું બીજું કંઈ નથી; પરંતુ એ સ્થિતિ પ્રાપ્ત કરવી એ કરતાં વધુ મુશ્કેલ પણ બીજું કંઈ નથી. કામની ખાતર કામ કરનાર વ્યક્તિનાં દર્શન કરવા હું પગે પડતો વીસ માઈલ જવા તૈયાર છું. પણ એવી વ્યક્તિ દુર્લભ છે. ક્યાંક ને ક્યાંક પણ કોઈક હેતુ હોય જ છે; જો પૈસા હેતુ ન હોય તો સત્તા હોય, જો સત્તા હેતુ ન હોય તો લાભની આશા હોય; ગમે તેમ, ગમે ત્યાં, કોઈ પ્રેરક હેતુ હોય જ. તમે મારા મિત્ર છો અને હું તમારે માટે અને તમારી સાથે કામ કરવા ઇચ્છું છું; આ બધું બહુ સારું છે અને સતત હું મારી સચ્ચાઈનાં બણગાં ફૂંકતો જ રહું છું. પરંતુ તેની પાછળ કોઈક હેતુ હોય છેઃ જેમ કે તમારે મારી સાથે એકમત થવાનું છે! જો તમારાથી એ ન બને તો હું તમારી દરકાર રાખવાનો નથી કે તમારી સાથે રહેવાનો નથી! આ જાતનું હેતુપૂર્વકનું કામ પરિણામે દુઃખ લાવે છે. કેવળ એ જ કામ કે જેમાં આપણે આપણા મનના માલિક તરીકે કાર્ય કરતા હોઈએ, તે જ અનાસક્તિ અને આનંદ લાવે છે.

આપણે બોધપાઠ એ લેવાનો છે કે જગત આખાનો ન્યાય તોળવાનો માપદંડ હું નથી; દરેક માણસનું મૂલ્યાંકન તેના પોતાના આદર્શ પ્રમાણે કરવાનું છે, દરેક પ્રજાનું મૂલ્યાંકન તેના પોતાના ધોરણ અને આદર્શથી કરવાનું છે, દરેક દેશના રિવાજને તેની પોતાની વિચારસરણી અને પરિસ્થિતિ પ્રમાણે મૂલવવાના છે. જે પરિસ્થિતિમાં અમેરિકનો રહે છે તેનું પરિણામ તેમના રિવાજો છે અને જે પરિસ્થિતિમાં ભારતવાસીઓ રહે છે તેનું પરિણામ તેમના રિવાજો છે; એ જ પ્રમાણે ચીન, જાપાન, ઇંગ્લેન્ડ અને બીજા દરેકે દરેક દેશ માટે છે.

આપણે સહુ જે સ્થિતિને માટે લાયક હોઈએ તે સ્થિતિમાં જ પડીએ છીએ; દરેક દડો તેના માપના કાણામાં જાય છે અને જો કોઈમાં બીજા કરતાં વધુ શક્તિ હશે તો વિશ્વવ્યવસ્થાની જે આ ઘટમાળ ચાલ્યા જ કરે છે, તેમાં દુનિયાને તેની પણ ખબર પડી જશે. એટલા માટે બબડાટ કરવાનો કશો જ અર્થ નથી. કોઈ શ્રીમંત માણસ દુષ્ટ હોય છતાં એનામાં કેટલાક ગુણો એવા હોવા જ જોઈએ કે જેથી એ શ્રીમંત બન્યો; અને બીજી કોઈ પણ વ્યક્તિમાં જો એ ગુણો હશે તો તે પણ શ્રીમંત બનશે. નકામો ઝઘડો કરવો ને ફરિયાદ કરવી શા કામનાં? એમ કરવાથી આપણને કોઈ વધુ સારી ચીજો મળવામાં મદદ થવાની નથી. જે માણસ પોતાને ભાગે કરવાની આવેલી નાની નાની બાબતો વિષે બબડાટ કરે છે, તે બધી બાબત વિષે તેમ જ કરવાનો. હંમેશાં રોદણાં રોતો એ માનવી દુઃખમય જીવન ગાળવાનો અને દરેક બાબતમાં નિષ્ફળ જવાનો. પરંતુ જે માણસ ગાડાના પૈડાને ટેકો દઈને, પોતાને ભાગે આવેલું કર્તવ્ય બજાવ્યે જાય છે, તેને અવશ્ય પ્રકાશ સાંપડશે અને વધુ ને વધુ ઊંચા પ્રકારનાં કર્તવ્યો બજાવવાનું તેને ભાગે આવશે. (1.352)

Total Views: 278
૧. કાર્ય એ જ પૂજન
૩. નિષ્કામ કર્મ