પશ્ચિમના દેશોમાં માનસશાસ્ત્ર વિશેનો ખ્યાલ બહુ નીચલી કક્ષાએ ઊતરી ગયેલો છે. માનસશાસ્ત્ર તો વિજ્ઞાનોનું પણ વિજ્ઞાન છે, પરંતુ પશ્ચિમમાં તેને બીજાં વિજ્ઞાનોની સમાન કક્ષામાં જ મૂકવામાં આવે છે, એટલે કે તેનું મૂલ્યાંકન ઉપયોગિતાના જ માપદંડથી કરવામાં આવે છે.
માનવજાતને રોજિંદા જીવનમાં તે કેટલો ફાયદો કરશે? આપણા ઝડપથી વધતા જતા સુખમાં તે કેટલો ઉમેરો કરશે? ઝડપથી વધતાં દુઃખોમાંથી તે આપણને કેટલે અંશે બચાવશે? આવા માપદંડથી જ પશ્ચિમમાં બધું માપવામાં આવે છે.
લોકો ભૂલી જાય છે કે આપણા લગભગ નેવું ટકા જ્ઞાનનો ઉપયોગ વાસ્તવિક રીતે વિચારતાં ભૌતિક સુખો વધારવા તરફ કે દુઃખો ઘટાડવા તરફ વ્યવહારુ રીતે થઈ શકતો જ નથી. આપણા વૈજ્ઞાનિક જ્ઞાનના અત્યંત નાના ભાગને જ રોજ-બ-રોજના વ્યાવહારિક જીવનમાં ઉપયોગમાં લાવી શકાય. આનું કારણ એ છે કે આપણા જાગ્રત મનનો સૂક્ષ્માતિસૂક્ષ્મ અંશ જ ઇંદ્રિયગ્રાહ્ય ભૂમિકા ઉપર છે. ઇંદ્રિયગ્રાહ્ય ચેતનાનો માત્ર થોડોક જ અંશ આપણા હાથમાં છે અને તેને જ આપણે આપણું સમગ્ર મન અને જીવન કલ્પી લઈએ છીએ; પરંતુ હકીકતમાં તો અજ્ઞાત મનના વિશાળ મહાસાગરમાં એ તો માત્ર એક બિન્દુ જેટલું જ છે. જો આપણું મન સર્વસ્વ ઇંદ્રિયોના અનુભવોનો સમુદાય જ હોત તો આપણને મળતા બધા જ્ઞાનનો ઉપયોગ ઇંદ્રિયસુખથી થતી તૃપ્તિ માટે આપણે કરી શક્યા હોત; પરંતુ આપણા સદ્ભાગ્યે તેવું નથી. પશુ અવસ્થામાંથી આપણે જેમ જેમ દૂર જતા જઈએ છીએ, તેમ તેમ આપણી ઇંદ્રિયસુખોથી ઇચ્છા ઓછી ને ઓછી થતી જાય છે અને વૈજ્ઞાનિક તથા મનોવૈજ્ઞાનિક વિષયોની ઝડપથી વધતી જતી સમજણમાંથી મળતો આપણો આનંદ વધુ ને વધુ તીવ્ર બને છે; અને જ્ઞાન કેટલું ઇંદ્રિયસુખ આપે છે તેની પરવા વગર, કેવળ જ્ઞાનની ખાતર જ્ઞાન, એ જ મનનો સર્વોચ્ચ આનંદ બની રહે છે.
પરંતુ પશ્ચિમના ઉપયોગિતાના વિચારને માપદંડ તરીકે સ્વીકારીએ તો એ ધોરણથી પણ મનોવિજ્ઞાન વિજ્ઞાનોનું વિજ્ઞાન ઠરે છે. શા માટે? આપણે સહુ આપણી ઇંદ્રિયોના ગુલામ છીએ, આપણા જ્ઞાત તેમજ અજ્ઞાત મનના ગુલામ છીએ. ગુનેગાર પોતે ગુનેગાર થવા ઇચ્છે છે તેથી જ તે ગુનેગાર નથી હોતો; પણ તેનું મન તેના કાબૂમાં નથી હોતું અને તેથી તે પોતાના જ્ઞાત અને અજ્ઞાત મનનો તેમ જ બીજા દરેકના મનનો ગુલામ બને છે. તેણે પોતાના મનના પ્રબળ વલણને અનુસરવું પડે છે; તેમ કર્યા વિના તેનાથી રહેવાતું નથી; પોતાની અનિચ્છા છતાં, પોતાની અંદરની સદ્વૃત્તિઓની ઉપરવટ થઈને ય, પોતાની સત્પ્રકૃતિની વિરુદ્ધ થઈનેય તેને તેમ વર્તવું પડે છે. તેણે પોતાના મનના પ્રબળ હુકમને તાબે થવું જ પડે છે. બિચારો માનવ! પોતાની જાતને રોકી શકતો નથી. આપણા પોતાના જીવનમાં પણ આપણે નિરંતર આવું જોઈએ છીએ. આપણે હંમેશાં આપણા સ્વભાવની સારી બાજુની વિરુદ્ધ જઈને કામ કરતા હોઈએ છીએ; તેવું વર્તન કરવા માટે પાછળથી આપણી જાતને આપણે ઠપકો આપીએ છીએ; આપણને નવાઈ લાગે છે કે આપણે તે કેવો ખરાબ વિચાર કરતા હતા અને આવું ખરાબ કામ કેમ કરી શક્યા! છતાં ફરી ફરીને આપણે તેમ કરીએ છીએ અને ફરી ફરીને આપણે તે માટે સહન કરવું પડે છે અને વળી પાછો આપણી જાતને ઠપકો દઈએ છીએ. તે વખતે કદાચ આપણને એમ લાગે છે કે આપણે આપણી ઇચ્છાથી આમ કરીએ છીએ, પરંતુ ઇચ્છા થવાનું કારણ એ છે કે એવી ઇચ્છા આપણે પરાણે કરવી પડે છે. આપણે પરાણે આગળ ધકેલાઈએ છીએ, ને ત્યાં આપણે નિરુપાય હોઈએ છીએ!
આપણે સહુ આપણા પોતાના તેમજ બીજા બધાના મનના ગુલામ છીએ; આપણે સજ્જન હોઈએ કે દુર્જન, પણ એથી કશો જ ફેર પડતો નથી. આપણે જ્યાં ત્યાં દોરવાઈ જઈએ છીએ કેમ કે તેમાં આપણું કંઈ ચાલતું નથી હોતું. આપણે બોલીએ છીએ, આપણે વિચાર કરીએ છીએ, આપણે કામ કરીએ છીએ; પણ એમ નથી. આપણે પરાણે વિચાર કરવો પડે છે માટે આપણે વિચાર કરીએ છીએ, આપણે પરાણે કામ કરવું પડે છે તેથી આપણે કામ કરીએ છીએ; આપણે આપણા પોતાના અને અન્યના ગુલામ છીએ. આપણા અજ્ઞાત મનમાં ઊંડે ઊંડે, કેવળ આ જન્મના જ નહિ, પરંતુ આપણા બધા ગત જન્મોના સુધ્ધાં તમામ વિચારો તથા કર્મો સંઘરાઈ રહેલાં હોય છે. અજ્ઞાત મનનો આ મહાન અફાટ મહાસાગર ભૂતકાળના તમામ વિચારો તથા કર્મોથી ભરેલો હોય છે. તેમાંનો એકેએક પોતાને ગણતરીમાં લેવાવા માટે પ્રયત્ન કરતો હોય છે, વ્યક્ત થવા બહાર ધસતો હોય છે અને એક પાછળ એક એમ ધસ્યાં આવતાં મોજાંની પેઠે જ્ઞાત મન કે બાહ્ય મન પર અફળાતો હોય છે. આ વિચારોને, આ સંગ્રહાયેલી શક્તિને, આપણે સ્વાભાવિક ઇચ્છા, પ્રતિભા વગેરે કહીએ છીએ. તેનું કારણ એ છે કે આપણે તેમનું સાચું ઉદ્ભવસ્થાન જાણતા નથી. આપણે અંધ બનીને, સામો હરફ પણ ઉચ્ચાર્યા સિવાય તેમને તાબે થઈએ છીએ; અને એનું પરિણામ ગુલામી, અતિ અસહાય સ્થિતિની ગુલામી આવે છે. છતાં આપણે આપણી જાતને સ્વતંત્ર માનીએ છીએ. સ્વતંત્ર! આપણે એક ક્ષણને માટે પણ આપણા પોતાના મન પર સત્તા ચલાવી શકતા નથી, એક વિષય ઉપર મનને કેન્દ્રિત કરી શકતા નથી, બીજી બધી બાબતોને છોડી દઈને મનને એક જ મુદ્દા પર એકાગ્ર કરી શકતા નથી! છતાં આપણે પોતાને સ્વતંત્ર માનીએ છીએ! જરા વિચાર તો કરો! આપણે શું કરવું જોઈએ તે જાણ્યા છતાં બહુ થોડા સમય માટે પણ આપણે તે પ્રમાણે કરી શકતા નથી. કોઈક ઇંદ્રિયસુખનો વિચાર જાગે છે અને તરત આપણે તેને તાબે થઈ જઈએ છીએ. આપણી વિવેકબુદ્ધિ આવી નિર્બળતા માટે આપણને થપ્પડ મારે છે, છતાં આપણે ફરી ફરીને એમ કરીએ છીએ, રોજ રોજ એમ કરીએ છીએ. ગમે તેટલો યત્ન કરીએ તોપણ આપણે ઉચ્ચ પ્રકારનું જીવન જીવી શકતા નથી. ભૂતકાળના વિચારોનાં અને ગતજન્મોનાં ભૂતડાં આપણને નીચે દબાવી રાખે છે. ઇંદ્રિયોની આ ગુલામીમાંથી જ દુનિયાનું સઘળું દુઃખ પેદા થયું છે. ઇંદ્રિયપરાયણ જીવનથી ઊંચા જવાની આપણી અશક્તિ, શારીરિક ભોગો માટેનાં વલખાં જ જગતની બધી ભયંકરતા અને દુઃખોનું કારણ છે.
મનની આવી બેફામ દોડાદોડીને કાબૂમાં રાખવાનું, તેને ઇચ્છાશક્તિના શાસન તળે મૂકવાનું અને એમ કરીને તેના જુલમી હુકમોમાંથી આપણી જાતને મુક્ત કરવાનું આપણને શીખવનાર શાસ્ત્ર તે મનોવિજ્ઞાન છે. એટલા માટે મનોવિજ્ઞાન એ વિજ્ઞાનોનુંય વિજ્ઞાન છે; તેના વિના બધાં શાસ્ત્રો અને બધી વિદ્યાઓની કશી કિંમત નથી.
નિરંકુશ અને દોરવણી વિનાનું મન આપણને હંમેશાં નીચે ને નીચે, ઘણે નીચે ખેંચ્યા કરશે, ચીરી નાખશે, મારી નાખશે; જ્યારે સંયમિત અને સારે રસ્તે દોરવાયેલું મન આપણને બચાવશે, મુક્ત કરશે. તેથી આવા મનને આપણે અંકુશમાં રાખવું જ જોઈએ; એ કેવી રીતે રાખવું તે આપણને મનોવિજ્ઞાન શીખવે છે.
કોઈ પણ ભૌતિક વિજ્ઞાનના અભ્યાસ અને પૃથક્કરણ માટે પૂરતા પ્રમાણમાં આધારભૂત મુદ્દાઓ મેળવવામાં આવે છે; આ હકીકતોનો અભ્યાસ કરીને તેમનું પૃથક્કરણ કરવામાં આવે છે અને પરિણામે તે વિદ્યાનું, તે વિજ્ઞાનનું જ્ઞાન પ્રાપ્ત થાય છે. પરંતુ મનના અભ્યાસ અને પૃથક્કરણ સારુ આવા કશા જ આધારભૂત મુદ્દાઓ, તથા સૌને સાંપડી શકે તેવી બહારથી મેળવેલી હકીકતો બિલકુલ હોતી નથી. તેનું પૃથક્કરણ તેના પોતાના દ્વારા જ થાય છે. તેથી સૌથી મહાન વિજ્ઞાન તે મનનું વિજ્ઞાન કે મનોવિજ્ઞાન છે.
પશ્ચિમમાં મનની શક્તિઓને, ખાસ કરીને અસાધારણ શક્તિઓને, લગભગ કામણટૂમણ કે રહસ્યમય વિદ્યા તરીકે જ લેખવામાં આવે છે. ચમત્કારો દેખાડનારા કેટલાક હિંદુ ફકીરો જે કરી બતાવે છે તેવી માત્ર કહેવાતી માનસિક ઘટનાઓની સાથે ઘટાવવાને કારણે વધુ ઉચ્ચ મનોવિજ્ઞાનનો અભ્યાસ પાછો પડી ગયો છે.
ભૌતિક વિજ્ઞાનોના અભ્યાસીઓ આખી દુનિયામાં મોટે ભાગે લગભગ એકસરખાં જ પરિણામો મેળવે છે. સામાન્ય વિગતોમાં કે તેવી હકીકતોમાંથી સ્વાભાવિક રીતે જે પરિણામો આવે છે તેમાં તેઓ જુદા પડતા નથી. આનું કારણ એ છે કે ભૌતિક વિજ્ઞાનના આધારભૂત મુદ્દાઓ સૌને મળે છે અને વિશ્વભરમાં તે સ્વીકારાયેલા છે; તેથી તેનાં પરિણામ એ સર્વસ્વીકૃત હકીકત ઉપર આધારિત તર્કશુદ્ધ નિર્ણયો છે. પરંતુ મનના ક્ષેત્રમાં આથી જુદું છે. અહીં તો કોઈ આધારભૂત મુદ્દો જ હોતો નથી, બાહ્ય ઇંદ્રિયોથી અનુભવી શકાય તેવી હકીકતો જ હોતી નથી અને તેથી વિશ્વભરમાં સૌથી સ્વીકૃત ઉપાદાનો પણ હોતાં નથી કે જેમાંથી મનનો અભ્યાસ કરનારા તમામ લોકો તેમના પર એકસરખી રીતે પ્રયોગ કરીને મનોવિજ્ઞાનની કોઈ પદ્ધતિ રચી શકે.
અંતરના ઊંડાણમાં હોય છે જીવ, જે છે સાચો માનવ એટલે કે આત્મા. મનને અંતર્મુખ બનાવીને આત્મા સાથે જોડવું. સ્થિરતાની તે જ ભૂમિકા પરથી મનની તેવી પ્રવૃત્તિઓનું તથા તેવી હકીકતોનું નિરીક્ષણ કરી શકાય. તમામ માણસોમાં એ મળી આવે છે. આવી હકીકતો, આવા આધારભૂત મુદ્દાઓ જેઓ સારી રીતે ઊંડા જાય છે તેમને, માત્ર તેમને જ મળે છે. દુનિયાભરમાં પોતાની મેળે થઈ બેઠેલા પેલા રહસ્યવાદીઓના મોટા વર્ગમાં મન, તેનો સ્વભાવ, તેની શક્તિઓ, વગેરે વિષે બહુ જ મોટો મતભેદ છે. આનું કારણ એ છે કે આવા લોકો પૂરતા ઊંડા ઊતરતા નથી. એ લોકોએ પોતાનાં તથા બીજાનાં મનની કંઈક થોડીક ક્રિયાઓ જોઈ હોય છે અને આવી ઉપરછલી અભિવ્યક્તિઓના સાચા સ્વરૂપ વિષે કંઈ પણ જાણ્યા સિવાય સૌને લાગુ પડે તેવી ઘટનાઓ તરીકે તેમને પ્રસિદ્ધ કરી હોય છે. દરેક ધાર્મિક અને રહસ્યવાદી ફાંટાબાજ માણસ પોતાની પાસે સંશોધન માટે ભરોસાપાત્ર માપદંડ લેખી શકાય એવી હકીકતો અને આધારભૂત મુદ્દાઓ હોવાનો દાવો કરે છે, પરંતુ હકીકતમાં તો એ બધું તેના પોતાના કલ્પનાવિહારો સિવાય બીજું કંઈ જ નથી હોતું.
જો તમે મનનો અભ્યાસ કરવાનો ઇરાદો રાખતા હો તો તમારે પદ્ધતિસરની તાલીમ લેવી જોઈએ; તમારા મનને કાબૂમાં લાવવાનો, જે ચેતનાની ભૂમિકાએથી તમે મનનો અભ્યાસ કરી શકો અને તેની ગમે તેવી બેફામ દોડાદોડીથી અવિચલિત રહી શકો તેવી ભૂમિકા પ્રાપ્ત કરવાનો, તમારે અભ્યાસ કરવો જોઈએ. નહિતર જોયેલી હકીકતો આધારભૂત નહિ હોય, બધા લોકોને તે લાગુ નહિ પડી શકે અને તેથી મૂળે તે સાચી રીતની હકીકતો કે આધારભૂત મુદ્દાઓ નહિ હોય.
લોકોનો જે વર્ગ મનના અભ્યાસમાં ખૂબ ઊંડો ઊતર્યો છે, તેઓ દુનિયાના ગમે તે ભાગમાં હોય કે ગમે તે ધર્મમાં માનતા હોય, પણ તેમણે તારવેલ હકીકતો સરખી જ રહી છે. જેઓ મનના અભ્યાસમાં ખૂબ ઊંડા ઊતર્યા હોય છે તેમને મળેલાં પરિણામો એકસરખાં જ આવ્યાં છે.
બહારથી અંદર આવતા અનુભવ અને અંદરથી બહાર લઈ જવાતા તેના પ્રતિક્રિયાના આવેગ દ્વારા મન પોતાનું કામ કરે છે. દાખલા તરીકે પ્રકાશનાં કિરણો મારી આંખમાં પ્રવેશે છે, જ્ઞાનતંતુઓ દ્વારા તેઓ મગજ સુધી પહોંચાડાય છે, છતાં હજી હું પ્રકાશને દેખતો નથી. ત્યાર પછી મગજ આ આવેગને મન સુધી લઈ જાય છે, છતાં હજી પણ હું પ્રકાશને દેખતો નથી. ત્યાર પછી મન તેની પ્રતિક્રિયા કરે છે અને તે સાથે પ્રકાશ મનની અંદર ઝબકે છે. મનની પ્રતિક્રિયા એ જ આવેગ છે કે જેના પરિણામે આંખ પદાર્થને જુએ છે.
મનને અંકુશમાં લાવવા માટે તમારે અજ્ઞાત મનની અંદર ઊંડા ઊતરવું જોઈએ; ત્યાં સંગ્રહાયેલ જુદા જુદા સંસ્કારો, વિચારો વગેરેનું વર્ગીકરણ કરીને તેમને વ્યવસ્થિત ક્રમમાં ગોઠવવા જોઈએ અને તેમના પર અંકુશ રાખવો જોઈએ, આ થયું પહેલું પગલું. અજ્ઞાત મન પરના કાબૂ મારફત તમે જાતે પોતાના મન ઉપર કાબૂ મેળવી શકો છો. (1.409)

