(તા. ૦પ/૦૪/૧૯૦૦ ના રોજ સાન્ફ્રાન્સિસ્કોમાં સ્વામીજીનું પ્રવચન)
વ્યવહારુ ધર્મ વિશેનો દરેકનો વિચાર પોતાની વ્યાવહારિક્તાની સિદ્ધાંતસમજ અને એના દૃષ્ટિકોણ ઉપર આધાર રાખે છે. દરેકને પોતપોતાની કાર્યપદ્ધતિ હોય છે, પૂજા-પ્રાર્થનાની રીત હોય છે, પોતપોતાનું જ્ઞાન હોય છે.
એક તત્ત્વજ્ઞાની એવું વિચારે છે કે બંધન અને મોક્ષ વચ્ચેનો ભેદ માત્ર જ્ઞાન અને અજ્ઞાનને કારણે જ ઉત્પન્ન થયેલો છે. એને માટે જ્ઞાન જ માત્ર એક ઉદ્દેશ હોય છે અને એ જ્ઞાનને મેળવવું તે જ એનો વ્યાવહારિક ઉપાય છે… તો ભક્તનો વ્યવહારુ ધર્મ પ્રેમ અને ભક્તિની શક્તિ છે. કર્મશીલ મનુષ્યનો વ્યાવહારિક ધર્મ સત્કાર્યો કરવામાં સમાયેલો હોય છે. એ જ રીતે બીજા લોકોની બાબતમાં પણ છે. આપણે હંમેશાં બીજાની કક્ષાની અવગણના જ કરતા આવ્યા છીએ. આપણા પોતાના જ ધોરણે આખી દુનિયાને બાંધી રાખવા પ્રયત્ન કરી રહ્યા છીએ.
પ્રેમથી ભરપૂર માનવનો વ્યાવહારિક ધર્મ પોતાના જાતભાઈઓનું ભલું કરવાનો હોય છે. જો મનુષ્યો હોસ્પિટલો વગેરે બાંધવામાં પોતાનો ફાળો ન આપે તો એવા માણસો વિચારે છે કે આ માણસોમાં ધર્મ જ નથી. પણ બધાએ એવું જ કરવું જોઈએ એનું કોઈ કારણ તો નથી. એવી જ રીતે જેમને તત્ત્વનું જ્ઞાન નથી એવા દરેક માણસને માથે કોઈ તત્ત્વજ્ઞાની એવું જ તહોમત મૂકી શકે ખરો. માણસો ભલેને વીસ હજાર હોસ્પિટલો બંધાવે પણ તત્ત્વજ્ઞાની તો તેમને… દેવોના ભારવાહક પશુ જ જાહેર કરવાનો. ભક્તને પોતાના આગવા વિચારો અને ધોરણ હોય છેઃ જે માણસો ઈશ્વરને પ્રેમ કરી શક્તા નથી, તે બીજું ગમે તેવું કામ કરે તોપણ સારા નથી. (યોગી) માનસિક (સંયમ) અને (આંતરિક) પ્રકૃતિ ઉપરના વિજયને (માને છે). ‘આ બાબતમાં તમે કેટલું હાંસલ કર્યું છે? તમારા શરીર ઉપર, તમારી ઇન્દ્રિયો ઉપર તમારો કેટલો કાબૂ છે?’ આ જ બાબતો યોગી પૂછે છે. આ રીતે અમે કહ્યું એ પ્રમાણે દરેકેદરેક માણસ બીજા માણસને પોતાના ધોરણ પ્રમાણે જ માપતો રહે છે. ‘ભલે માણસો લાખો રૂપિયા દાનમાં દઈ ચૂક્યા હો, અથવા ભારતીયોની જેમ કૂતરાં-બિલાડાંઓને અન્ન ખવડાવી ચૂક્યા હો! એમનું કહેવું છે કે માનવ પોતાની ચિંતા પોતે કરી શકે છે પરંતુ બિચારાં જીવજંતુ તેમ કરી શકતાં નથી. આવી જ એમની ધારણા છે. પણ યોગીનો ઉદ્દેશ તો (આંતરિક) પ્રકૃતિ પર વિજય મેળવવાનો હોય છે અને એ તો પોતાને જ ધોરણે બધાને માપે છે…
આપણે હંમેશાં વ્યવહારુ ધર્મ(ની) વાતો કર્યા કરીએ છીએ. પણ તે ‘આપણી’ બુદ્ધિ પ્રમાણેની હોવી જોઈએ. ખાસ કરીને પશ્ચિમના દેશોમાં (એવું) છે. જેમ કે પ્રોટેસ્ટન્ટોનો આદર્શ સત્કાર્યો કરવાનો છે. તેઓ ભક્તિ કે જ્ઞાનની ઝાઝી પરવા કરતા નથી. તેઓ વિચારે છે કે એમાં કંઈ ઝાઝું વજૂદ નથી. (તેઓ કહે છે કે) ‘તમારું જ્ઞાન શું છે?’ માણસે કંઈક સત્કાર્ય કરવું જોઈએ… થોડુંક (માનવતાવાદી!) માણસાઈનું કામ કરવું જોઈએ. આ દેવળો રાત અને દિવસ લાગણીશૂન્ય અજ્ઞેયતાની સામે માર્ગચ્યૂત થઈ રહ્યાં છે ખરાં, પરંતુ એ પણ હવે ઝડપથી પોતાની દિશા બદલીને લાગણીશૂન્યતા તરફ ધસતાં દેખાય છે. હૃદયહીન ગુલામો! ઉપયોગિતાવાદી ધર્મ! અત્યારે તો એવો છે એમનો મનોભાવ. એટલા જ માટે કેટલાક બૌદ્ધધર્મીઓ પશ્ચિમમાં લોકપ્રિય બન્યા છે. ઈશ્વર છે કે નહિ, આત્મા છે કે નહિ, એની લોકોને ખબર જ પડતી નથી. (તેઓ માને છે કે) આ દુનિયા દુઃખોથી ભરેલી છે. આ દુનિયાને મદદ કરવા પ્રયત્ન કરો.
આજે આપણે જેના ઉપર પ્રવચન કરી રહ્યા છીએ તે યોગનો સિદ્ધાંત આવું દૃષ્ટિબિન્દુ ધરાવતો નથી. તે આપણને (શીખવે છે કે) આત્મા છે અને આ આત્મામાં બધી શક્તિ ભરેલી છે. એ સદાકાળ છે અને જો આપણે આ શરીર ઉપર કાબૂ મેળવીએ તો એ બધી પ્રગટ થશે. આત્મામાં બધું જ્ઞાન ભર્યું છે. લોકો શેને માટે સંઘર્ષ કરે છે? દુઃખને હળવું કરવા માટે…. આ શરીર ઉપર આપણો કાબૂ ન હોવાને કારણે જ બધાં દુઃખો છે… આપણે બધા રથને ઘોડાની પહેલાં મૂકી રહ્યા છીએ… કામ પદ્ધતિસર કરો. દાખલા તરીકે આપણે… ગરીબોને સુવિધા આપીને સત્કાર્ય કરવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. એ ગરીબોને ઉત્પન્ન થતા દુઃખનું કારણ આપણને મળતું નથી. એ તો બાલદીથી આખા સાગરને ઉલેચી નાખવાના પ્રયત્ન જેવું જ થયું અને એથી તો વારંવાર વધારે (પાણી) આવ્યા જ કરવાનું. યોગીને આ વાત સાવ અક્કલ વગરની લાગે છે. (તે કહે છે કે) દુઃખને દૂર કરવાનો ઉપાય તો પહેલાં એ દુઃખનું કારણ જાણી લેવું તે છે… આપણે જેટલું શક્ય હોય તેટલું બીજાનું ભલું કરવાનો પ્રયત્ન કરીએ છીએ. શા માટે? રોગ જો અસાધ્ય જ હોય તો આપણે શા માટે એની કાળજી લેવાનો સંઘર્ષ કરવો જોઈએ? જો કોઈ ઉપયોગિતાવાદી કહે કે આત્મા કે ઈશ્વરની દરકાર કરવી નહિ, તો એનાથી યોગીને શી લેવા દેવા? (આવા વલણથી) દુનિયાને તો કશો ફાયદો થવાનો નથી. આખો વખત વધારે ને વધારે દુઃખો આવતાં જ રહેવાનાં….
યોગી તો કહે છે, ‘તમારે આ બધાના મૂળ સુધી પહોંચવું જોઈએ. દુનિયામાં દુઃખ શા માટે છે? તે એનો જવાબ આપે છે કે એ આપણી પોતાની જ મૂર્ખતા છે કે આપણે આપણાં પોતાનાં શરીરો ઉપર યોગ્ય કાબૂ ધરાવતા નથી. એ જ માત્ર કારણ છે.’ આ દુઃખોને પાર કરવા માટેનાં સાધનો માટેની સલાહ આપે છે. આ રીતે તમે જો તમારા પોતાના શરીર ઉપર કાબૂ ધરાવતા હો તો દુનિયાનાં તમામ દુઃખો નષ્ટ થઈ જશે. દરેક હોસ્પિટલ એવું ઇચ્છે છે કે પોતાને ત્યાં વધારેમાં વધારે રોગીઓ આવતા રહે. દરેક વખતે તમે કંઈક ધર્માદો કરતા રહેવા ઇચ્છો છો, તમે ઇચ્છો છો કે દરેક વખતે કોઈક ભિખારી તમારો ધર્માદો લેવા આવતો રહે. જો તમે એમ કહો કે, ‘હે ભગવાન! દુનિયા આવા દાનપુણ્ય કરનારાઓથી સદાય ભરપૂર રહે!’ તો એનો અર્થ એ થયો કે દુનિયા સદાયે ભિખારીઓથી પણ ભરપૂર રહે. એટલે દુનિયા દુઃખોથી પણ સદાયે ભરપૂર રહ્યા કરે, આ તો ચોખ્ખામાં ચોખ્ખી સ્વમાનહાનિ થઈ!
… યોગી કહે છે કે જો તમે દુઃખ શા માટે છે તે પ્રથમ જાણી લો તો ધર્મ વ્યવહારુ બને. દુનિયાનાં બધાં દુઃખો ઇન્દ્રિયોમાં અસ્તિત્વ ધરાવે છે. શું સૂર્ય, ચન્દ્ર કે તારાઓમાં કશી બિમારી છે ખરી? જે અગ્નિ તમારી રસોઈ પક્વે છે તે જ અગ્નિ એક બાળકને બાળી નાખે છે. તો એ શું અગ્નિનો દોષ છે? ધન્ય છે એ અગ્નિને! ધન્ય છે એ વિદ્યુતશક્તિને! તે આપણને પ્રકાશ આપે છે…. તમે કોની નિંદા કરશો? પ્રકૃતિનાં તત્ત્વોની તો નહિ જ. દુનિયા તો સારી પણ નથી અને ખરાબ પણ નથી; દુનિયા તો એક દુનિયા જ છે, અગ્નિ તો અગ્નિ જ છે. તમે એમાં તમારી આંગળી બાળો તો તમે મૂર્ખ છો અને જો તમે (એમાં તમારી રસોઈ પકાવીને ભૂખ શમાવો તો) શાણા માણસ છો. આ બધો ફરક છે. સંજોગો કદાપિ સારા કે ખરાબ હોતા નથી. ફક્ત માણસ જ સારો અથવા ખરાબ હોય છે. દુનિયાને સારી કે ખરાબ કહેવાનો શો અર્થ છે? સુખો અને દુઃખો તો ખાલી ઇન્દ્રિયબદ્ધ વ્યક્તિ માટે હોય છે.
યોગીઓ કહે છે કે પ્રકૃતિ ભોગ્ય છે, આત્મા ભોક્તા છે. બધાં સુખો અને દુઃખો- એ ક્યાં છે? ઇન્દ્રિયોમાં છે. ઇન્દ્રિયોનો વિષયો સાથેનો સ્પર્શ જ સુખો અને દુઃખોનું કારણ છે, શીત અને ઉષ્ણનું કારણ છે. જો આપણે ઇન્દ્રિયોને સંયમમાં રાખીએ, અને એના વિષયને આદેશ આપીએ—આપણા ઉપર આજે ચલાવે છે તેવો હુકમ ચલાવવા ન દઈએ તો—જો તેઓ આપણા આદેશને વશીભૂત થઈ જાય તો, આપણા સેવક બની રહે—તો એકદમ જ આપણી સમસ્યા ઉકલી જાય. આપણે ઇન્દ્રિયોથી બંધાયેલા છીએ; તેઓ આપણી ઉપર સવાર છે. તેઓ આપણને આખો વખત મૂર્ખ બનાવ્યા કરે છે.
અહીં દુર્ગંધ છે. જેવી તે મારા નાકને સ્પર્શશે કે તરત જ મને અસુખ થવા લાગશે. હું મારા નાકનો દાસ છું. જો હું એનો ગુલામ નહિ હોઉં તો મને એની કશી પરવા નહિ રહે. કોઈ માણસ મને શાપ આપે છે. એનો શાપ મારા કાનમાં પ્રવેશે છે અને મારા મન તેમજ શરીરમાં રહે છે. હું સ્વામી હોઈશ તો કહીશ, ‘આવી બાબતો ભલે ચાલ્યા કરે; મારે માટે એની કશી વિસાત નથી. હું દુઃખી નથી. હું ચિંતા કરતો નથી.’ આ તદ્દન ચોખ્ખે ચોખ્ખું, સીધું-સાદું, સાફ-સાફ સત્ય છે.
હવે બીજી સમસ્યા એ ઉકેલવાની રહે છે કે એ બાબત વ્યવહારુ છે ખરી? શું માણસ શરીર ઉપર એટલો કાબૂ ધરાવી શકે ખરો?.. યોગ કહે છે કે એ વ્યવહારુ છે… ધારો કે તમને એ એવો ન લાગે, તમે મનમાં એને માટે શંકા સેવતા હો, તો તમારે એને માટે પ્રયત્ન કરીને ખાતરી કરી લેવી રહી. બીજો તો એ માટે કોઈ ઉપાય નથી…
તમે આખો વખત સત્કાર્યો કરતા રહો. એની સાથોસાથ જ તમે તમારી ઇન્દ્રિયોના ગુલામ હશો. તમે દુઃખી અને પીડિત હશો. તમે ભલે બધા ધર્મોના તત્ત્વજ્ઞાનનો અભ્યાસ કરો. આ દેશના માણસો તો ચોપડાઓના થોકડા ઉપર થોકડા પોતાની પીઠ પર લાદીને ખેંચે છે. તેઓ ફક્ત વિદ્વાનો જ છે. બાકી તેઓ ઇન્દ્રિયોના ગુલામો છે અને તેથી તેઓ સુખી અને દુઃખી છે. તેઓ બે હજાર પુસ્તકો વાંચી નાખે, એ તો જાણે ઠીક છે; જરાક જેટલું દુઃખ આવી પડે તો તેઓ ચિંતાથી ઉદ્વિગ્ન બની જાય છે… તમે પોતાને માણસ કહો છો!… તમે તત્પર થઈને… હોસ્પિટલો બંધાવો છો. તમે મૂર્ખ છો!…
માનવો અને અન્ય પ્રાણીઓમાં ફરક શો છે? … ‘આહાર, નિદ્રા અને પોતાની જાતિનાં સંતાનોની ઉત્પત્તિ કરવી-તેમજ ભય પામવો- એટલું તો બધામાં સમાન છે. પણ પ્રાણીઓ કરતાં માણસમાં એક મોટો ફરક છે. માણસ એ બધાંને પોતાના કાબૂમાં રાખીને એનો દેવ બની શકે છે. એનો સ્વામી બની શકે છે.’ પ્રાણીઓ એવું કરી શક્તાં નથી. પ્રાણીઓ પુણ્યકાર્ય કરી શકે છે. કીડીઓ એવું કરે છે, કૂતરાંઓ પણ એવું કરે છે. તો પછી ફરક શો છે? માણસ તે બધાંનો સ્વામી બની શકે છે. માણસ ગમે તેની સામે ટક્કર ઝીલી શકે છે… એનો પ્રતિકાર કરી શકે છે. અન્ય પ્રાણીઓ એવો પ્રતિકાર કરી શક્તાં નથી. પ્રાણી તો દરેક રીતે પ્રકૃતિની દોરીથી બધે સ્થળે પકડાયેલ છે… એ તફાવત છે. એક પ્રકૃતિનો સ્વામી છે, જ્યારે બીજું પ્રકૃતિનું ગુલામ છે. પ્રકૃતિ શું છે? એ છે પાંચ ઇન્દ્રિયો……
(આંતરિક પ્રકૃતિ પર વિજય મેળવવો) એ જ માત્ર યોગ પ્રમાણે એક માર્ગ છે… ઈશ્વર માટેનો તલસાટ એ ધર્મ છે… સત્કાર્યો અને એવું બધું બીજું તો (ફક્ત) મનને થોડું શાંત બનાવે છે. પૂર્ણ થવા માટે મહાવરો-આ બધું-આપણા ભૂતકાળ ઉપર આધાર રાખે છે. મારી આખી જિંદગી હું (યોગાભ્યાસ) કરતો રહ્યો છું અને છતાંયે ઘણી થોડી જ પ્રગતિ કરી શક્યો છું. પરંતુ એ એક જ માર્ગ છે, એમ માનવા માટે મારી પાસે પૂરતાં પ્રમાણો છે. એક દિવસ એવો આવશે કે જ્યારે હું મારો પોતાનો સ્વામી બની રહીશ. આ જન્મમાં નહિ તો ભલે (બીજા જન્મમાં). હું સંઘર્ષ કરતો જ રહીશ અને એને છોડીશ નહિ. કશુંય વ્યર્થ જતું નથી. હું આ જ ક્ષણે અવસાન પામું તો મારા ભૂતકાળના બધા પ્રયત્નો (મારી મદદે આવશે). એક માણસથી બીજા માણસનો શો તફાવત છે એની તમને શું જાણ નથી? એનું કારણ એનો ભૂતકાળ છે. ભૂતકાળની આદતો એક માણસને બુદ્ધિશાળી અને બીજાને મૂર્ખ બનાવે છે. તમારામાં ભૂતકાલીન પ્રયાસોની શક્તિ હોય તો તમે પાંચ મિનિટમાં સફળ થઈ શકો. સમયની કોઈ ક્ષણનું ભાવિ કોઈ ભાખી શકે નહિ. આપણે કોઈક ને કોઈક સમયે (પૂર્ણતા) પ્રાપ્ત કરવાની તો છે.
યોગી જે કોઈ વ્યવહારુ પાઠ આપણને આપતા હોય છે, એનો વધારે પડતો ભાગ તો આપણા મનમાં એકાગ્રતા અને ધ્યાન કરવા માટેનો હોય છે… આપણે બધા બહુ જ ભૌતિક્વાદી બની ગયા છીએ. આપણે જ્યારે આપણો પોતાનો વિચાર કરીએ છીએ ત્યારે આપણને ખાલી શરીર જ દેખાય છે. શરીર આપણો આદર્શ થઈ ગયો છે, બીજું કશું જ નહિ. એટલા માટે થોડીક ભૌતિક સહાયની આવશ્યક્તા રહે છે…
પહેલાં તો જેમાં આપણે સ્થિરતા અને શાંતિપૂર્વક લાંબા સમય સુધી બેસી શકીએ તેવી શરીર સ્થિતિ -આસન-ની વાત છે. જ્ઞાનતંતુઓના બધા પ્રવાહો કરોડરજ્જુમાં થઈને કામ કરે છે. કરોડરજ્જુ કંઈ શરીરના ભારને ટેકો દેવા માટે નથી. એટલે શરીરનો અંગવિન્યાસ એવો હોવો જોઈએ કે શરીરનું વજન કરોડરજ્જુ ઉપર ન પડે. કરોડરજ્જુ બધાં દબાણોથી મુક્ત હોવી જોઈએ.
બીજી કેટલીક પ્રાથમિક બાબતો કપણ છે. આહાર અને વ્યાયામનો પણ મોટો સવાલ છે…
ખોરાક સાદો હોવો જોઈએ અને (દિવસમાં) એક કે બે કરતાં વધુ વખત લેવાવો જોઈએ. ખૂબ ભૂખ્યા ક્યારેય પણ રહેવું ન જોઈએ. ‘જે ખૂબ જ ખાય છે તે યોગી બની શક્તો નથી અને જે ખૂબ ઉપવાસ કરે છે તે પણ યોગી બની શક્તો નથી. જે ખૂબ સૂએ છે તે યોગી બની શક્તો નથી અને જે ખૂબ જાગ્યા કરે છે તે યોગી બની શક્તો નથી.’ જે કશું જ કામ કરતો નથી તે અને જે સખત કામ કર્યા કરે છે તે સફળ થતો નથી. સપ્રમાણ ખોરાક, સપ્રમાણ વ્યાયામ, સપ્રમાણ નિદ્રા, સપ્રમાણ જાગરણ- આ બધાં સફળતા મેળવવા માટે જરૂરી છે.
તો આ પ્રમાણસરનો ખોરાક શો છે? એનો નિર્ણય તો આપણે માટે પોતે જ કરવાનો રહે છે. બીજો તો કોઈ આપણે માટે એનો નિર્ણય કરી શકે નહિ. સામાન્ય વ્યવહાર માટે તો આપણે ઉશ્કેરાટ ઉત્પન્ન કરે એવો ખોરાક છોડી દેવો જોઈએ. આપણા વ્યવસાય પ્રમાણે આપણે ખોરાકમાં કેવું પરિવર્તન લાવવું જોઈએ, તે આપણે જાણતા નથી. આપણે એ વાત હંમેશાં ભૂલી જતા હોઈએ છીએ કે એ ખોરાકથી જ આપણી પાસે જે કંઈ છે તે બધું આપણે બનાવીએ છીએ. તેથી જેવું અને જેટલું શક્તિનું પ્રમાણ અને એની ગુણવત્તાની આપણને જરૂર જણાય, તે પ્રમાણે ખોરાકનો નિર્ણય આપણે કરવો જોઈએ..
સખત વ્યાયામની કશી જરૂર નથી… જો તમે કુસ્તીબાજ થવા માગતા હો તો તમારે માટે યોગ નથી. તમારે તમારામાં અત્યારે છે તેના કરતાં વધારે સૂક્ષ્મ શક્તિનું સંયોજન કરવાનું છે. સખત વ્યાયામ તો દેખીતી રીતે જ નુક્સાનકારક છે… સખત વ્યાયામ ન કરતા હોય એવા લોકો વચ્ચે જ રહો. તમે જો એવો ઉગ્ર વ્યાયામ નહિ કરતા હો તો વધુ લાંબું જીવશો. તમે કંઈ સ્નાયુઓમાં જ તમારા દીવાને બાળી નાખવા તો ઇચ્છતા નથી! જે લોકો મસ્તિષ્કથી કામ કરે છે તે લોકો ઘણું લાંબું જીવનારા હોય છે… તમારા દીપકને જલદી બાળી નાખશો નહિ. એને ધીમે ધીમે અને શાંતિથી બળવા દેજો… દરેક વ્યગ્રતા અને દરેક ઉગ્ર વ્યાયામ—શારીરિક અને માનસિક—(એટલે કે) તમે દીપકને બાળી રહ્યા છો.
સપ્રમાણ આહારનો અર્થ સામાન્ય રીતે ખૂબ મસાલેદાર ખોરાક ન ખાવો એવો થાય છે. યોગી કહે છે કે પ્રકૃતિનાં ત્રણે તત્ત્વો પ્રમાણે મન પણ ત્રણ પ્રકારનું હોય છે. એક જડ (તામસ) પ્રકારનું મન છે. એ આત્માના તેજને ઢાંકી દે છે અને બીજું છે તે લોકોને કાર્યરત કરી દે છે અને એક છેલ્લું એવું છે જે તેમને શાંત અને સ્વસ્થ બનાવે છે.
હવે કેટલાક એવા લોકો છે કે જેમનું મનોવલણ આખો વખત સૂઈ રહેવાનું હોય છે. એવા લોકોને એવા સ્વાદવાળો ખોરાક ગમે છે કે જે વાસી ચીઝવાળો હોય છે. એ લોકો એવું સડેલું ચીઝ ખાશે કે જે ટેબલ ઉપરથી એકદમ દૂર કરી દીધું હોય. એવા લોકોનો સ્વાભાવિક સ્વાદ એવા પદાર્થોમાં હોય છે.
પછી આવે છે કાર્યશીલ લોકો. એમનું સ્વાદ તરફનું મનોવલણ તીખા તમતમતા અને ગરમ તેમજ કડક મદ્ય જેવા પદાર્થો ખાવામાં હોય છે…
સાત્ત્વિક લોકો ઘણા વિચારશીલ, શાંત અને ધૈર્યવાન હોય છે. તેઓ થોડુંક ખાય છે અને ક્યારેય ખરાબ તો ખાતા જ નથી.
મને હંમેશાં એક પ્રશ્ન પૂછવામાં આવે છે કે ‘હું માંસ છોડી દઈશ ને?’ મારા ગુરુદેવે કહ્યું હતું કે ‘તારે શા માટે કશું છોડવું જોઈએ? તે જ તને છોડી દેશે.’ કુદરતની કોઈ વસ્તુ તમે ન છોડો. એ વસ્તુને જ તમારી પ્રકૃતિ માટે એટલી ગરમ-તીખી તમતમતી બનાવી મૂકો કે તે વસ્તુ જ તમને છોડી દે. એક એવો વખત આવશે કે ઘણું કરીને તમે માંસ ખાઈ જ નહિ શકો. એને જોઈને જ તમારા મનમાં ઘૃણા ઉત્પન્ન થઈ જશે. એવો સમય આવશે કે જેને તમે સંઘર્ષપૂર્વક છોડવા માગતા હશો એવી કેટલીય વસ્તુઓ તમારે માટે પોતે જ બેસ્વાદ બની જશે, તમારે માટે ઘૃણાજનક થઈ જશે.
હવે પ્રાણાયામની પણ વિવિધ પદ્ધતિઓ છે. એક પદ્ધતિ ત્રણ ભાગવાળી છે. શ્વાસને અંદર લેવો, શ્વાસને અંદર અટકાવી રાખવો, એટલે કે કશો શ્વાસ લીધા વિના શ્વાસ અટકાવી રાખવો અને પછી એને બહાર કાઢવો. (પ્રાણાયામની કેટલીક પદ્ધતિઓ) કઠિન તો છે અને યોગ્ય આહારસેવનના અભાવે કેટલીક જટિલ ક્રિયાઓની સાધના ખતરાથી ભરપૂર છે. થોડા સીધા-સરળ પ્રયોગો સિવાય આવા કઠિન પ્રયોગો કરવાની સલાહ તો હું તમને ન જ આપું.
ખૂબ ઊંડો શ્વાસ લો અને ફેફસાં ભરી દો. પછી ધીરે ધીરે શ્વાસને બહાર કાઢો. એક નસકોરા દ્વારા ખૂબ ઊંડો શ્વાસ લો અને ફેફસાં ભરી દો અને પછી બીજા નસકોરા દ્વારા એ શ્વાસને ધીરે ધીરે બહાર કાઢતા જાઓ. આપણામાંના કેટલાક બરાબર ઊંડો શ્વાસ લેતા નથી. કેટલાક પોતાનાં ફેફસાંને પૂરાં ભરતા નથી. પ્રાણાયામ એને યોગ્ય બનાવે છે. અડધો કલાક સવારે અને અડધો કલાક સાંજે કરવાથી એ તમને કોઈ અનોખા માણસ બનાવી દેશે. આવા પ્રકારનો પ્રાણાયામ ક્યારેય ભયંકર હોતો નથી. અન્ય પ્રકારના પ્રાણાયામોની સાધના ધીરે ધીરે કરવી જોઈએ. તમારી શક્તિને પહેલાં માપી લેવી જોઈએ. જો દસ મિનિટમાં તમે થાકી જતા હો તો ફક્ત પાંચ મિનિટ લો.
યોગીએ પોતાનું શરીર સ્વસ્થ રાખવું પડે છે. આવા પ્રકારના વિવિધ પ્રાણાયામો શરીરના વિવિધ ભાગોને નિયંત્રિત કરવામાં ખૂબ મદદગાર બને છે. શરીરના બધા જ અવયવો પ્રાણના પ્રવાહથી ભરપૂર થાય છે. પ્રાણથી જ આપણે એ બધાનું નિયંત્રણ કરી શકીએ છીએ. શરીરના અવયવોની વિસંગતતા જ્ઞાનતંતુઓના પ્રવાહની ધારાવાહિક્તાથી નિયંત્રિત બને છે. ઓછી કે વધુ પ્રાણશક્તિને કારણે શરીરનો કોઈ ભાગ દુઃખતો હોય તો યોગી એ બતાવવા શક્તિમાન હોવો જોઈએ. એણે એ સંતુલિત કરવાનો હોય છે…
યોગમાં સફળતાની બીજી શરત (શુચિતાની) છે. બધી જ સાધનાઓની પાયાની વાત આ પવિત્રતા જ છે. પરિણીત માટે કે અપરિણીત માટે સંપૂર્ણ શુચિતા જ પાયાની વાત છે. જો કે આ વિષય લાંબો છે, છતાં પણ હું તમને કહેવા માગું છું. આ દેશના લોકો માટે આવા વિષયની જાહેર ચર્ચા કરવી આવકારદાયક નથી. આ પશ્ચિમના દેશોમાં પ્રચારકોના રૂપમાં આવા ખતરનાક સજ્જનોની સંખ્યા ભરપૂર છે, જેઓ નરનારીઓમાં એવો પ્રચાર કરે છે કે બ્રહ્મચર્ય હાનિકારક છે. આવી વાતો તેમને ક્યાંથી સૂઝે છે? … દર વરસે હજારો વ્યક્તિઓ આ એક જ પ્રશ્ન લઈને મારી પાસે આવે છે. કોઈકે એમને કહી રાખ્યું છે કે બ્રહ્મચર્ય શારીરિક નુક્સાન પહોંચાડે છે… આવા પ્રચારકો તે કેવી રીતે જાણે છે? તેઓ બ્રહ્મચારી રહ્યા છે? તેઓ લંપટ, અપવિત્ર મૂર્ખાઓ, કામુક જીવો સમગ્ર સંસારને પોતાની (સપાટીએ) ઘસડી જવા ઇચ્છે છે!…
બલિદાન વગર કશું જ મેળવી શકાતું નથી… આપણી માનવચેતનાનું એ સૌથી વધુ ઉદાત્ત અને પવિત્ર કાર્ય છે, એને મલિન બનાવશો નહિ. એને જંગલીઓના સ્તર સુધી હલકું બનાવશો નહિ… તમે પોતાને સંસ્કારી બનાવો!.. સ્વચ્છ અને પવિત્ર બનો!.. એ સિવાય કોઈ આરોઓવારો નથી. ઈશુને શું આનાથી કોઈ બીજો રસ્તો મળ્યો હતો?… જો તમે શક્તિનો સંચય કરીને એને યોગ્ય રીતે વાપરશો તો તે તમને ઈશ્વર સુધી દોરી જશે, નહીં તો તે નરક જ છે…
બાહ્ય સ્તર ઉપર કશું કરવું તો સાવ સહેલું છે. પણ દુનિયામાં સૌથી મોટો વિજેતા પણ જ્યારે પોતાના મનનો વિજય કરવાનો પ્રયત્ન કરે છે ત્યારે ત્યાં તે સાવ બાળક જેવો જ પોતાને અનુભવે છે. એણે આ (મનની) દુનિયાનો વિજય કરવાનો છે. આ વધુ મોટી અને વધુ મુશ્કેલીભરી દુનિયાનો વિજય એણે કરવાનો છે. નિરાશ ન બનો! ઊઠો, જાગો અને લક્ષ્યપ્રાપ્તિ સુધી મંડ્યા રહો!… (1.449)

