યોગનું પ્રથમ પગથિયું યમ છે.

યમમાં પ્રતિષ્ઠિત થવા પાંચ વસ્તુઓ જરૂરી છેઃ

(૧) મન, વચન અને કર્મ વડે કોઈની હિંસા ન કરવી.

(૨) મન, વચન અને કર્મથી સત્ય બોલવું.

(૩) મન, વચન અને કર્મથી લોભ ન રાખવો.

(૪) મન, વચન અને કર્મ વડે સંપૂર્ણ પવિત્રતા જાળવવી.

(૫) મન, વચન અને કર્મ વડે સંપૂર્ણપણે નિષ્પાપ રહેવું.

પવિત્રતા એ સૌથી મહાન શક્તિ છે. તમામ વસ્તુઓ તેનાથી ડરે છે.

ત્યારબાદ આવે છે આસન, યાને સાધકને બેસવાનો પ્રકાર. બેઠક દૃઢ, સ્થિર હોવી જોઈએ; માથું, કરોડરજ્જુ અને આખું શરીર સીધી લીટીમાં અને ટટ્ટાર રહેવાં જોઈએ. તમારી જાતને કહોઃ ‘હું દૃઢપણે બેઠો છું; મને કોઈ ચલિત નહિ કરી શકે.’ પછી પગથી માથા સુધી શરીરના પ્રત્યેક ભાગને તે પૂર્ણ છે તેમ સૂચિત કરો. કલ્પના કરો કે શરીર સ્ફટિક જેવું જ નિર્મળ છે અને ભવસાગર તરવા માટેની મજબૂત નૌકા છે.

પછી તમને સહાય કરવા માટે ઈશ્વરની તથા દુનિયાના બધા અવતારો અને તારણહારોની તેમજ વિશ્વના તમામ પવિત્ર આત્માઓની પ્રાર્થના કરો.

ત્યાર પછી અર્ધો કલાક પ્રાણાયામ કરો એટલે કે શ્વાસને અંદર લો, અંદર રાખો અને બહાર છોડો; શ્વાસ લેતી વખતે અને છોડતી વખતે ૐનો માનસિક ઉચ્ચાર કરો. દિવ્યશક્તિથી ભરેલા શબ્દોમાં અદ્ભુત બળ હોય છે.

યોગનાં બીજાં પગથિયાં આ પ્રમાણે છેઃ

(૧) પ્રત્યાહારઃ એટલે કે બધી જ્ઞાનેન્દ્રિયોને બાહ્ય પદાર્થો તરફ જતી રોકીને, તેમને સંપૂર્ણપણે માનસિક સંસ્કારો પ્રત્યે વાળવી;

(૨) ધારણાઃ એટલે દૃઢ એકાગ્રતા;

(૩) ધ્યાનઃ એટલે ચિંતન અને

(૪) સમાધિઃ એટલે કે અત્યંત ગાઢ ધ્યાન. યોગનું તે ઊંચામાં ઊંચું અને અંતિમ પગથિયું છે. સર્વોચ્ચ પરમાત્મામાં ચિંતનનું સંપૂર્ણ વિલીનીકરણ એટલે સમાધિ. ‘હું અને મારા પરમ પિતા એક છીએ.’ એવી અનુભૂતિ તેમાં થાય છે.

એક વખત એક જ કાર્ય કરો અને બીજું બધું બાજુએ મૂકીને તમારું પૂરેપૂરું દિલ તેમાં જ પરોવો. (1.480)

Total Views: 177
૧૮. પ્રાણાયામ
૧. મિસિસ રાઈટ